ગુજરાતની ગઝલો/હું બાવરો
← સનમની શોધ | ગુજરાતની ગઝલો હું બાવરો [[સર્જક:|]] ૧૯૪૩ |
આપની યાદી → |
આ આતશે તાપે તપેલો હું બળેલો બાવરો,
ઝાંખી થયેલી નરની તે નૂરનો હું બાવરો.
એ નૂર ના આફતાબ કે, એ નૂર ના હા ! વીજળી;
એ કોણ ? શું ? કૈંએ નહીં ! હું તોય તેનો બાવરો.
એ ગુલ હતું અંગારનું, હું ફૂદડી તેની બન્યો;
ચોટ્યો, ગળ્યો, દાઝી ગયો, હું તોય તેનો બાવરો.
હા ! હાય ! હાહા ! સ્વપ્નમાં એ જાગતાં એ નીંદમાં,
તેને ન હું તો ક્યાંય, તોયે હું જ તેનો બાવરો.
અક્કલ કહે છે છોડવા, હૈયું કહે, 'તે ના બને:'
અક્કલ ગુમાવી, દિલ બાળ્યું; ઈશ્કનો હું બાવરો.
'એ ઝેર દેખે છે છતાં કાં માન તેને મીઠડું ?'
એ પૂછશો કોઈ નહીં, ઉત્તર ન આપે બાવરો.
આશક તણી નઝરે ભરી, ખૂબસૂરતી જે છે સદા,
તે કેઈ માશૂકને મુખે છે ? એ જ પૂછે બાવરો.
દુનિયા કહે કૈં એ ભલે, અક્કલ કહે અંગાર છો,
મારી નિગાહે પુષ્પ તો હું પુષ્પ માનું બાવરો.
મેં પૂતળી કૈં છે ઘડી, દિલમાં હજારો હોંશથી,
એ પૂતળી જેને ગણી, તેનો થયો હું બાવરો.
એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે;
ખામી નઝર આવે નહીં, એ દેખનારો બાવરો.
'હા, હાય,હા હા ! હાય, હાહા !' એ પુકારૂં હું ભલે;
એમાં મને માની મજા તો એ મજા લે બાવરો.
કૈં પૂછનારો બાવરો, કૈં બોલનારો બાવરો,
આ 'હાય' પુકારી રહ્યો તે બાવરો, હું બાવરો.