ગુજરાતી નાટ્યવિવેચન/પરિશિષ્ટ : ૨ નાટક : ઇતિહાસ અને સંશોધન
← પરિશિષ્ટ : ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો | ગુજરાતી નાટ્યવિવેચન સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ |
અભ્યાસ સામગ્રી → |
નાટકના સ્વરૂપને માત્ર પ્રત કે પ્રયોગ જ નહીં પણ ઇતિહાસ અને સંશોધન દૃષ્ટિએ પણ તપાસવામાં આવ્યું છે. નાટકનો અને રંગભૂમિનો ઈતિહાસ લખવાના પ્રયત્નો આપણે ત્યાં ઓછા જ થયા છે. ગુજરાતની રંગભૂમિનો ઇતિહાસ પહેલવહેલો હિરાલાલ કાઝી ગુજરાતની રંગભૂમિથી આપે છે. જોકે તે ખરેખરનો ઇતિહાસ નથી. નાટક ત્યાં પ્રચ્છન્ન રૂપે દેખાય છે. રંગભૂમિ અને નાટ્ય મંડળીઓ તેના કેન્દ્રમાં છે. આપણી ગુજરાતી રંગભૂમિ પછી 'બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ' એ ઈતિહાસ લખવાનો સભાન પ્રયત્ન છે. ધનસુખલાલ મહેતાએ આ ઈતિહાસ નાટ્યવિદ્યાના અભ્યાસીઓને કામમાં આવે એ હેતુથી લખ્યો છે. ને છતાં અહીં ગુજરાતી નાટક કરતાં રંગભૂમિ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અલબત્ત, જે નાટકો ભજવાયાં છે તેનો ઉલ્લેખ અવશ્ય આ પુસ્તકમાં મળે છે. ધનસુખલાલ મહેતા દ્વારા લખાયેલા આ પુરતકમાં આપણી રંગભૂમિ – અવેતન રંગભૂમિ ક્યારે શરૂ થઈ અને તેના વિકાસની તબક્કાવાર માહિતી મળે છે. અમૃત જાનીનું એક નાનકડું પુસ્તક 'આપણી રંગભૂમિ'માં પણ એક નટનાં સંસ્મરણો સાથે જૂની રંગભૂમિના વિવિધ મંડળીઓના આરંભ – સમાપ્તિનો આલેખ મળે છે.
હસમુખ બારાડીનો ઇતિહાસ આ બધામાં ધ્યાનપાત્ર છે. 'ગુજરાતી થિયેટરનો ઇતિહાસ’ તેમણે વિશિષ્ટ શૈલીમાં આલેખ્યો છે. પરંતુ ગુજરાતી 'નાટક'નો ઇતિહાસને તેની વિકાસ રેખા મળે છે મહેશ ચોક્સીના 'ગુજરાતી નાટ્યસાહિત્યના ઉદ્ભવ અને વિકાસ' એ પુસ્તકમાં. ઇતિહાસકાર પણ નાટક કે રંગભૂમિ બાબતે સ્થાન નિર્ણય કરતા જ હોય છે. તે દૃષ્ટિએ ઇતિહાસ લેખનમાં પણ સમીક્ષાનો સહેજ સ્પર્શ થતો જ રહે છે. ગોપાસશાસ્ત્રીએ લખેલો 'પારસી રંગભૂમિનો ઇતિહાસ' પણ નોંધપાત્ર છે.
નાટકના સંશોધનમાં વિવિધ રીતે નાટકનું શોધન સંમાર્જન થયું છે. જેમાં કેટલાક સંશોધકોએ નાટકના ઇતિહાસ – વિવેચનને મુખ્ય વિષય બનાવ્યો છે જેમાં મહેશ ચોક્સીએ 'ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર નાટકો', મતલાલ ભાવસારે 'ગુજરાતી સાહિત્યમાં એકાંકી : સ્વરૂપ, ઉદ્દભવ અને વિકાસ' જેવામાં નાટકોના ઉદ્ભવ – વિકાસનું ચિંતન – મૂલ્યાંકન કર્યું છે – તો તુલનાત્મક દૃષ્ટિએ ગુજરાતી અને મરાઠી નાટકોની તુલના કરી છે. જગદીશ જે. દવેએ. 'ગુજરાતી અને મરાઠી. સામાજિક નાટકોનું તુલનાત્મક અધ્યયન' આ પુસ્તકમાં બંને ભાષાઓના પહેલા સામાજિક નાટકથી માંડીને તેના વિકાસની તબક્કાવાર તુલના તેમણે કરી છે. 'ગુજરાતી અર્વાચીન નાટકોમાં સમાજ નિરૂપણ' એ શોધ નિબંધ પ્રફુલ્લચંદ્ર મહેતાનો છે તે પણ ધ્યાનપાત્ર છે. વિનોદ જોષી 'રેડિયોનાટક : શિલ્પ અને સર્જન' જેવા વિશિષ્ટ વિષયમાં કામ કરે છે તો કનૈયાલાલ શાસ્ત્રી 'પારસીઓનો ગુજરાતી રંગભૂમિમાં ફાળો' એ વિષય પર સંશોધન કરે છે. આ ઉપરાંત મહેશ ચંપકલાલ શાહ ભરત નાટ્યશાસ્ત્રનો આધુનિક સંદર્ભ તેમના શોધ પ્રબંધમાં આલેખે છે. નાટક અને રંગભૂમિ વિશે આ રીતે સંશોધનો થયાં છે. આ સંશોધકોમાં આદ્ય જો ગણવા હોય તો રમણીક યાજ્ઞિકને ગણી શકાય. તેમણે 'ધ ઇન્ડિયન થિયેટર' એ વિષય પર સૌથી પહેલા શોધ પ્રબંધ લખ્યો હતો. નાટક સંશોધનથી સમૃદ્ધ થતું હોય છે. પરંતુ અહીં જે સંશોધકો છે તેમાંથી ભાગ્યે જ કોઈ સંશોધક એ પછી નાટ્યસમીક્ષક તરીકે પ્રગટ થતો જણાય છે.