ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/મુક્તાનંદ

← રણછોડજી દીવાન ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
મુક્તાનંદ
દલપતરામ
ધીરોભક્ત →


મુક્તાનંદ

એ કવિ કાઠીઆવાડના ગઢડાનો સાધુ સંવત ૧૮૮૦માં હયાત હતો. અસલથી તે રામાનંદી સંપ્રદાયનો ઘરબારી વૈરાગી હતો. અને સ્વામિનારાયણના ગુરૂ રામાનંદસ્વામી હતા. તેનો શિષ્ય હતો. પછી તેણે સ્ત્રીનો ત્યાગ કર્યો. તેના ગુરૂએ દેહ મુક્યા પછી, તે ગુરૂના કેટલાએક શિષ્યો સ્વામિનારાયણને મહતપુરુષ જાણીને તેનેજ ગુરૂ માનવા લાગ્યા. ત્યારે મુક્તાનંદે પણ સ્વામીનારાયણને ગુરૂ માન્યા. અને ૫૦૦ પરમહંસોમાં મુક્તાનંદ મુખ્ય ગણાયો. પ્રથમ સ્વમીનારાયણનું મત વેદાંત ઊપર હતું. ત્યારે મુક્તાનંદે ગુજરાતી ભાષામાં તથા વ્રજભાષામાં, વેદાંત મતની કવિતા કરી હતી. પછી જ્યારે સ્વામીનારાયણે ઉપાસના માર્ગ ચલાવ્યો, ત્યારે તેણે ઉપાસના માર્ગની કવિતા કરી. તેના રચેલા ધર્મતત્વસાર વગેરે જુના ગ્રંથો તથા પદો અપ્રસિદ્ધ થઈ ગયાં, જે કોઈક જ ઠેકાણે જોવામાં આવે છે. અને ઉપાસના માર્ગના ઉધવગીતા, ધર્માખ્યાન, સતિગીતા, રૂકમણી વિવાહ, કૃષ્ણપ્રસાદ વગેરે ગુજરાતી ભાષામાં રચેલા ગ્રંથો તથા વિવેકચિંતામણી, સતસંગશિરોમણી વગેરે હિંદુસ્તાની ભાષામાં રચેલા ગ્રંથો પ્રસિદ્ધ છે. અને છુટક મળતાં પદનાં પુસ્તક બે ગઢડામાં મેં નજરે જોયાં છે, તેમાં વ્રજભાષાનાં નવહજાર પદનું એક પુસ્તક છે, અને ગુજરાતી ભાષાનાં નવહજાર પદનું બીજું એક પુસ્તક છે. કહે છે કે તેણે સંસ્કૃત અભ્યાસ સારો કર્યો હતો. સ્વામીનારાયણનો સંપ્રદાય મુક્તાનંદ અને બ્રહ્માનંદની મદદથીજ ચાલ્યો એવું બીજા મતના લોકો માનતા હતા. મુક્તાનંદનો સ્વભાવ ગંભીર હતો. નીચે બામણે અને બહુ સ્વરૂપવાન હતું. તેને શરોદો બજાવીને કવિતા ગાવાનો અભ્યાસ હતો. તે જ્યાં જ્યાં ફરવા જાય તેની સાથે ઓછામાં ઓછા પચીશ અને ઘણામાં ઘણા પચાશ પરમહંસો રહેતા હતા. મુક્તાનંદના મોઢાનું ભાષણ તથા ગાયન સાંભળીને લોકોનાં મન ઘણાં રંજન થતાં હતાં. છેલીવારે ક્ષયના રોગથી સંવત ૧૮૮૭માં ગઢડામાં તેણે દેહ મુક્યો. ત્યારે તેની ઉંમર આશરે ૭૦ વર્ષની હતી.