← હેમો ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
રેવાશંકર
દલપતરામ
નિષ્કુળાનંદ →


રેવાશંકર

એ કવિ જુનાગઢનો વડનગરો નાગર હતો. અને સંવત ૧૮૭૫માં હયાત હતો. તેણે ચંદ્રાવળાછંદમાં ઘણી કવિતા રચેલી છે; અને તે વખાણવા લાયક છે. સગળા કવિયો કરતાં એની કવિતામાં ઝડ ઝમકની રચના ઘણી જ સારી છે; અને વળી મીઠાશ ભરેલી છે. તેણે સંસ્કૃત શબ્દો હદથી જ્યાદે વાપર્યા છે. શ્રીમદભાગવતના દશમસ્કંદનો સાર, તથા ડાકોરલીલા ચંદ્રાવળાછંદમાં રચેલાં છે, અને છુટક પદ ગરબિયો પણ જુદી જુદી બાબતોની કરેલી છે. એ કવિ પેહેલા વર્ગમાં ગણાય છે. અને તે ગોસ્વામીના મતનો હતો; તેના જન્મચરિત્રની વિશેષ વાત જુનાગઢમાંથી કોઈ મિત્ર લખી મોકલશે તો અમે તેનો મોટો ઉપકાર માનશું. તે ઈતિહાસની એવી રીતનો કે તેનો જન્મ કિયા વર્ષમાં, મરણ કિયા વર્ષમાં, અને તે શો ધંધો કરતો હતો. કવિતાનો અભ્યાસ કેની પાસે તેણે કર્યો હતો. તેણે કાંઈ ઊપર લખ્યાં કરતાં વધારે કવિતા કરી છે કે નહીં તેના ડહાપણની કાંઈ બીજી વાતો ચાલતી હોય તે, તથા તેના વંશમાં હાલ કોણ છે. ઈત્યાદિ.