← લજ્જારામ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
હેમો
દલપતરામ
રેવાશંકર →


હેમો

તોરણાં ગામનો બ્રાહ્મણ હતો. સંવત ૧૮૬૪માં હયાત હતો. તેણે કર્મકથા એટલે કેવાં કર્મ કરે તે કેવો અવતાર પામે તે વિષે કવિતા કરેલી છે. તથા પદ, ગરબિયો કરેલી છે. પોતાની મરણતિથિનું પદ તેના નામનું છે. એ ઊપરથી જણાય છે કે સંવત ૧૮૬૪ના કારતક શુદ ૧ શનિવારે પહોર દહાડો ચઢતાં તેણે દેહ મુક્યો.

વળી એણે મરતી વખતે એમ જણાવ્યું કે, દુનિયામાં મેં કોઈ સાથે વૈર બાંધ્યું નથી; સહુ સાથે સંપ સલાહ રાખી છે. અને જે રીતે મેં ઈશ્વરની ભક્તિ કરી એ રીતે મારા કુટુંબી અથવા બીજા કરશે, તો તેઓ પણ મારાભેળાં સ્વર્ગમાં વસશે. મરવાની દીલગીરી તેના મનમાં નહોતી, એટલું પણ તે પદમાંથી જણાય છે.

દોહરો

મોત ન મેલે કોઈને, ખુશી ધરો કે ખેદ;
તો દિલગિર દિલ શિદ થવું, ઉરંમાં ધરો ઉમેદ. ૧