ગુલાબસિંહ/તરંગ ૧:અણધાર્યો મદદગાર

← રમા રાસધારીઓમાં ગુલાબસિંહ
અણધાર્યો મદદગાર
મણિલાલ દ્વિવેદી
ગુલાબસિંહ →


પ્રકરણ 3 જું.

અણધાર્યો મદદગાર.

ગાનાર અને ગાનની પ્રસિદ્ધ ખુબી જણાયા છતાં પણ સરદારના આવતા પહેલાં જે પ્રથમ ભાગ થઈ ગયો તેમાં એવો એક પ્રસંગ આવી ગયો હતો કે જે સમયે જયનો કાંટો કઈ તરફ નમશે તે વિષે સર્વને શંકા થઈ રહી હતી. એ કાવ્યરચનાની તમામ વિલક્ષણતાથી ભરપૂર એક ફકરો ગાતાં આ મુજબ થયું હતું; કેમકે જે વખતે નાનાનાના વિરુદ્ધભાવનો આવિર્ભાવ ચમત્કારિક રીતે થવા માંડ્યો તેજ વખતે આ કાવ્યમાં સરદાર કવિનો હાથ છે એમ જોનાર સમજી ગયા. નાટકનું નામ બદલી નાખવામાં આવ્યું હતું તેથી તથા ઉપોદ્‌ઘાત અને પ્રસ્તાવનામાંનું ગાન મધુર અને સાદું હોવાથી પોતાના પ્રિય કવિ ચંદની આ કૃતિ છે એમ સર્વેએ ધાર્યું હતું. સરદારના કવિત્વનો તિરસ્કાર કરવાની આજ સુધી ટેવ પડેલી હોવાથી તેમને કોઈએ છેતરીને આ મુજબ સરદારને માન અપાવવાનું કર્યુંછે એમ સમજી લોકો નાખુશ થઈ ગયા; અને રાસભૂમિમાં ચારે તરફ ગુંણગુંણાટ ચાલી રહ્યો. પ્રેક્ષકોનાં મુખની કલા ઉપરથી જેનો ઉત્સાહ વધે અથવા ઘટે એવા ગાનારા પણ આ જોઈને નાઉમેદ થઈ ગયા; તેથી જે વિલક્ષણતા ભરેલું ગાન તેઓ ચલાવી રહ્યા હતા તેને પૂરી રીતે પાર પાડી શક્યા નહિ.

દરેક ઠેકાણે અને રંગભૂમિ ઉપર વિશેષે કરીને, નવા ગ્રંથકારના અને નવા અભિનય કરનારના પ્રતિસ્પર્ધી ઘણા હોય છે, જ્યાં સુધી બધું ઠીકેઠીક ચાલ્યું જાય ત્યાં સુધી તો આ લોક નિર્માલ્ય જેવા રહે છે, પણ કોઈ અકસ્માત્‌ થવાની સાથે જ તેઓ ચઢી બેસે છે. પોતાનાં સામર્થ્ય અને શક્તિથી જેની બરાબરી કરી શકાતી નથી તેનામાં ગમે તેવી પણ ખોડ કાઢીને પોતાની મહત્તા બતાવવાના પ્રયત્નમાંજ આવા લોક સંતોષ માને છે. લોકોમાં ચોતરફ ગરબડાટ થઈ રહ્યો, અને વાહવાહના પોકાર એકદમ બંધ પડી જઈ સઘળું શાન્ત થઈ ગયું. આ અણીની વખતે લક્ષ્મીનો વેષ ધારણ કરીને મા પેહેલ વેહેલીજ સમુદ્રમાંથી નીકળી. રંગભૂમિ ઉપર જેમ તે આગળ આવતી ગઈ, તેમ પોતાની આ નવીન જાતની સ્થિતિ, ને તેની સાથેજ બધી હિંમત ભાંગી નાખે એવો પ્રેક્ષકોનો નાઉમેદી ભરેલો ઠંડો દેખાવ – પોતાની દિવ્ય સુંદરતાથી પણ ભેદાય નહિ એવો ઉદાસીન દેખાવ; રંગભૂમિ ઉપર બેઠેલા ગવૈયાની ઉપહાસ અને તિરસ્કારયુક્ત દૃષ્ટિ, અને સર્વ ઉપરાંત પેલો આગળનો ગુંણગુંણાટ જે એણે પડદા પાછળ રહેલી ત્યાં સાંભળ્યો હતો; –તે સર્વેથી એની બુદ્ધિ મુંઝાઈ ગઈ અને એનો સ્વર ગળામાંજ ચોંટી ગયો. જે ગંભીર ગાન તેણે એકદમ શરૂ કરવું જોઇએ તેને બદલે, લક્ષ્મીમાંથી હતી તેવી ધ્રુજતી છોકરી થઈ રહેલી મા, રંગભૂમિ તરફ વળી રહેલી અગણિત આંખો આગળ ટાઢી શીતલ થઈ જઈ, પાણી પાણી થતી ફીકી પડી ગઈ.

પોતાનું ભાન ભુલી મૂર્છા ખાઈને જમીનપર પડવાના આવા ખરા પ્રસંગે, શાંત થઇ રહેલા પ્રેક્ષકો તરફ, જરા પણ ઉત્તેજન ગ્રહન કરવાની ઈચ્છાથી જેવી તેણે પોતાની આંખ ફેરવી તેવીજ તે એવા એક મુખ ઉપર ઠરી કે જેના દર્શનશી, વિવેક કરીને સ્પષ્ટ વર્ણવી ન શકાય, તેમજ કદાપિ વીસરી ન જવાય એવી જાદુ જેવી કે વીજળી જેવી અસર તેના મનમાં થઈ, જે સ્વપ્નના વિચારોમાં તે દિવસે દિવસ પડી રહેતી તેમાં દીઠેલું હોય તેમ આ મુખ, ઘણા સમયથી વિસારે પડેલી કોઈ જૂની છાપને જાગ્રત્ કરતું હોય તેવું એને લાગ્યું. એ મુખ ઉપરથી તે પોતાની આંખ પાછી ખેંચી શકી નહિ, પણ જેમ જેમ તેના તરફ વધારે જોતી ગઈ તેમ તેમ એના મનમાં જે ભય અને ધ્રૂજારો પેશી ગયાં હતાં તે, સૂર્ય આગળથી ધુમસ ઉડી જાય તેમ એકદમ ઓગળવા માંડ્યાં.

જે શ્યામ નયનની ઝલક પોતાના નયનમાં મળી તેમાંથી એટલું સપ્રેમ પ્રોત્સાહન, તથા એટલી બધી સહૃદયતાપૂર્વક શ્લાઘા*[] જણાઈ આવતી હતી, તથા જેથી મનમાં પ્રીતિ પેદા થઈ ઉત્સાહ વધીને સામર્થ્ય આવે એવું પણ એટલું બધું પ્રતીત થતું હતું, કે આ અજાણ્યા માણસના સપ્રેમસ્મિતનયનયુક્ત વદનથી માના મનમાં ઉત્સાહ ઉભરાઈ જવા લાગ્યો. જે નટ અથવા વક્તાને આખા મંડલમાંના એકજ માણસની પણ પ્રેમાલ અને તન્મયતા ભરેલી રસદૃષ્ટિથી કેટલો આનંદ અને ઉત્સાહ વધે છે તેનો અનુભવ હશે, તેજ આ ઉત્સાહને યથાર્થ રીતે સમજી શકશે.

આ રીતે જોતાં માનું અંતઃકરણ પ્રફુલ્લિત થતું જતું હતું, તેવામાં પેલો પરદેશી, આવા સુંદર વદનને કેટલું માન ઘટે છે તેનું સર્વે પ્રેક્ષકોને ભાન કરાવતો હોય તેમ માનપૂર્વક, સહજ ઉભો થઈ જેવો ‘શાબાશ !’ એમ બોલ્યો તેવોજ વાહવાહનો પોકાર ચારે તરફથી ગાજી ઉઠ્યો. આ પરદેશી પણ કોઈ એવો મહાશય હતો, એની એવડી મહોટી ભવ્યતા અને મહત્તા મનાતી હતી, કે એના આવ્યા પછી ગામમાં એ કોણ હશે, ક્યાંથી આવ્યો હશે વગેરે વાતો આ નાટકની વાત ભેગી ચાલી રહી હતી. આવા જાણીતા ગૃહસ્થના મનોભાવ અનુસરીને થયેલી વાહવાહની ગર્જના પૂરી થઈ રહી કે તુરત ક્ષ્મીનો શુદ્ધ, મધુર, અને નિરંકુશ સ્વર સર્વને મોહમાં ગરક કરી નાખવા લાગ્યો. આ ક્ષણથી મા જે ક્ષ્મીનો પોતે વેષ ભજવતી હતી તે કરતાં બીજા બધા વિચાર – પ્રેક્ષકોનો સમૂહ, તેમની ઉદાસીનતા, પોતાના હૃદયનું ભય સર્વ – ભુલી ગઈ. પોતાને નિરૂપણ કરવાના વિષયમાં જે તન્મયતા થઈ ગઈ હતી તેમાં પેલા પરદેશીની દૃષ્ટિએ વધારો કર્યો; માને એમ લાગવા માંડ્યું કે તેની ગંભીર ભ્રૂકુટી અને તેજોમય દૃષ્ટિથી કોઈ વાર પણ ન અનુભવેલું એવું બલ પોતાનામાં આવવા લાગ્યું છે; અને આમ થવાથી ઉભરાઈ જતી વૃત્તિઓનું વર્ણન કરવાના શબ્દો તે શોધતી હતી. એટલામાં, એ માણસ પોતેજ જાણે તેને કરવાનું ગાન અને તે ગાનની મધુરતા સૂચવતો હોય એમ એને જણાવા માંડ્યું. આંખે આંખ વચ્ચે બંધાયલા અદૃશ્ય તાર મારફતેજ એ મધુરપ્રેરણાના સંદેશા આવવા જવા લાગ્યા.

જ્યારે બધું થઈ રહ્યું અને તેણે પોતાના પિતાને આનંદની રેલમાં તણાતો જોયો ત્યારે આ જાદુની અસર તેના મન ઉપરથી ખશી. તથાપિ રંગભૂમિ ઉપરથી જતે જતે પોતાની મરજી ન છતાં પણ માએ પાછું વાળીને જોયું; તેજ વખતે પેલા પરદેશીનું ગંભીર પણ કાંઈક ખેદયુક્ત મંદસ્મિત તેના હૃદયમાં એવું તો જડાઈ ગયું કે પછીથી પણ તેનું આનંદ અને ખેદસહિત સ્મરણ તેના હૃદયમાંથી નીકળી શક્યું નહિ.

આજ સુધી પોતે તથા આખું દીલ્હી શેહેર બન્ને આવી શુદ્ધ રસજ્ઞતાની બાબતમાં મહોટા ભુલાવામાં પડેલાં હતાં એમ સમજી આશ્ચર્ય પામતા વૃદ્ધ અમીરે કરેલાં ઉત્સાહપૂર્વક અભિનંદન;– આવી અપૂર્વ કાન્તિ અને ચતુરાઈથી મોહ પામી ગયેલા ફક્કડ લોકનાં રંગભૂમિ પાછળ ભેગાં મળેલાં ટોળાંમાંથી નીચી નજરે અને શાન્ત મનથી ચાલી જતી વખતે કાનમાં પડેલા પ્રેમાનંદના મૃદુ સ્વર; –તારાના ઝાંખા અજવાળાથી પ્રકાશિત અને ઉજ્જડ મેદાનમાં થઈ અમીરની ગાડીમાં આવતાં પિતા પુત્રીનું રસમય આલિંગન; –તારી વ્હાલી માતાનાં આનંદનાં આંસુ; –તથા તારી માનીતી અને પ્રિય દાસીની ખુશીને લીધે થઇ આવતી ઘાલ મેલ; –અને તારા પિતાએ સરંગીમાંથી જે બધું થઈ ગયું તેનો તાદૃશ ઉભો કરેલો દેખાવ; –આ સર્વની દરકાર ન કરતાં, અરે મા !વિલક્ષણ મા ! તું એકાન્તમાં લમણે હાથ દઈ આકાશ ભણી નજર કરી કેમ બેશી રહી છે ? ઉઠ ઉઠ, આજ રાત્રીએ તો તારા ઘરમાં સર્વના મોં ઉપર આનંદ આનંદજ હોવો જોઈએ.

સર્વે ભેગાં થઈ આનંદથી જમવાને બેઠાં. અમૃત પાન કરતા ઈંદ્રને પણ, ત્યાં પીરસેલાં કંસાર અને શાકર સાથે અમીર તરફથી આવેલાં પકવાન ખાવાની ઈચ્છા થઈ આવે એવો આ પ્રસંગ થઈ રહ્યો હતો. એક પાટલા ઉપર સરંગીને પણ આ આનંદમય ભોજનનો પ્રસાદ લેવા બેસાડી હતી. તેનું ચળકતું મુખ દીવાના તેજથી ખુબ ભભક મારી રહ્યું હતું; અને સરદાર જેમ જેમ કોળીઓ ભરતો જતો અને આગળ કહેવાની રહી ગયેલી એવી કંઇ કંઈ વાત કહેવાને તેની તરફ જોતો જતો તેમ તેમ તે શાન્ત છતાં પણ ઘણી ગંભીર દેખાતી હતી. તેની ભલી સ્ત્રી ઘણા પ્રેમથી જોયાંજ કરતી હતી; અને આનંદના ઉભરામાં ખાઈ પણ શકતી ન હતી. પણ તે એકદમ ઉભી થઈ, અને પ્રથમથી જ આવા આનંદની આશા રાખી ગુંથી રાખેલો ગુલાબનાં ફૂલનો હાર પોતાના પતિના ગળામાં તેણે પહેરાવ્યો. મા પોતાના પિતાના ગળામાં તે હાર બરાબર ગોઠવતી ગોઠવતી સરંગી તરફ હાથ કરી ધીમેથી બોલી કે પ્રિય પિતા ! હવેથી આની પાસે મને કદી પણ ઠપકો દેવરાવશો નહિ.

આ પછી સર્વ સુતાં તેની સાથે મા પણ પોતાના ઓરડામાં સુતી, માની ઊંઘ વધારે વાર ચાલી નહિ, અને નજ ચાલે. ગર્વ અને તે ઉપરાંત મળેલો જય તેનો મદ, તથા જે સુખ પોતે પેદા કર્યું તેનો આનંદ, એ નિદ્રા કરતાં વધારે ભોગવવા યોગ્ય હતાં. પણ આ બધામાંથીએ તેના વિચાર વારંવાર જે શ્યામ નયન એક વાર જોયાથી મનમાં રમી રહ્યાં હતાં તે તરફ જવા લાગ્યા; અને પોતાના જય સાથે અભેદરૂપે જોડાઈ ગયેલું જે મધુર મંદસ્મિત હૃદયમાં સમાઈ રહ્યું હતું તે તેને પ્રત્યક્ષ થવા લાગ્યું. તેની વૃત્તિઓ પણ તેની પ્રકૃતિ પ્રમાણે વિલક્ષણ હતી, દૃષ્ટિદ્વારા પ્રથમજ ભેદાયલું કોઈ કુમારિકાનું હૃદય પોતાની પ્રેમવૃત્તિ સ્વાભાવિક રીતે રડી બતાવતું હોય તેવી માની વૃત્તિ ન હતી. એના ચપલ મનોભાવના તરંગે તરંગે છવાઈ રહેલું વદન અલૌકિક પ્રકારની ગંભીરતા અને સૌંદર્યથી ભરેલું હતું તથાપિ પણ એને તેથી આશ્ચર્ય લાગતું ન હતું; તેમ તે પરદેશીનું સ્મરણ કોઈ પ્રકારના મોહ અથવા આનંદપૂર્વક પણ થતું ન હતું. એના મનમાં ઉપકાર અને તેથી ઉત્પન્ન થયેલા હર્ષની વૃત્તિજ પ્રબલ હતી; પણ તેની સાથે ભય અને માનની કોઈ એક ગહન છાયા પણ ગુંથાઈ રહેલી હતી. એણે તે આકૃતિ પહેલાં પણ જોયેલી હતી એ તો નક્કી. પણ ક્યારે જોઈ હોય અને કેવી રીતે ! જ્યારે તે પોતાના ભવિષ્ય વિષે તર્ક બાંધતી ત્યારે, અને સર્વ પ્રયત્ને કરી કેવલ સુખ અને આનનંદમય ભવિષ્ય પરખવાની મહેનત કરતાં કોઈ એક ભયંકર સૂચનાથી તે પાછી પોતાના વિચારમાંજ ગરક થઈ જતી ત્યારે ! અર્થાત્ પ્રેમ કરતાં કેવલ બુદ્ધિથીજ હજારો પ્રયત્ને શોધેલી કોઈ ચીજ કષ્ટે કરીને મળી હોય તેવો આ સમાગમ હતો. કોઈ યુવતીને પોતાનું યોગ્ય પ્રેમસ્થાન જ મળી રહે તેવું આ મળવું ન હતું; પણ જેમ કોઈ અભ્યાસી શાસ્ત્રની ઝીણી ગુંચ સમજવાને ઘણા કાલથી મથતો મથતો તત્ત્વની ઝાંખી પામે છે, તત્ત્વને ગ્રહણ કરવા જાય છે, પણ પાછો પડે છે, તેવો આ પ્રસંગ બની ગયો. આખરે તે ભાગી તૂટી નિદ્રાને વશ થઈ, અને જુદાં જુદાં ભયંકર સ્વપ્નથી ખેદ પામતી પામતી સૂર્યનાં ઝાંખાં કિરણ બારીમાંથી અંદર આવતાં ઝબકીને જાગી ઉઠી. તેણે પોતાના પિતાને સરંગી છેડી તેમાંથી કોઈ મુવા પાછળ રાજીઓ ગાતું હોય તેવું શોકકારક ગાન કરતો સાંભળ્યો.

જ્યારે નીચેના ઓરડામાં ગઈ ત્યારે બોલી કે “રે પ્રિયપિતા ! ગઈ રાત્રીનો આનંદ નિઃસીમ છતાં આપનું ગાન આવું ઉદાસી ભરેલું શા માટે ?” બાપે જવાબ દીધો “બેટા હું સમજતો નથી કે એમ કેમ થયું; મારી મરજી તો આનંદમાં ને આનંદમાં તારાં વખાણનું ગીત બનાવવાની હતી, પણ આ સરંગી બહુ હઠીલી છે, પોતાની મરજી મુજબ ચાલી જાય છે.”

  1. * કાવ્યનો રસ તથા ચમત્કાર પૂર્ણ સમજી શકે તે સહૃદય, ને તેની વૃત્તિ તે સહૃદયતા કાવ્ય સમજવાની શક્તિને લીધે ગાનાર તથા રચનારને માટે એના મનમાં આનંદ પૂર્વક જે માન (શ્લાઘા = વખાણ) થઈ આવતું હતું તે.