ગુલાબસિંહ/તરંગ ૧:ગુરુનો આશ્રમ

← ગુલાબસિંહ ગુલાબસિંહ
ગુરુનો આશ્રમ
મણિલાલ દ્વિવેદી
અંબર →


પ્રકરણ ૫ મું.

ગુરુનો આશ્રમ.

આ અજાયબ જેવા ગુલાબસિંહની પાછળ જતાં મારે દીલ્હી શેહેરને જરાવાર સલામ કરી લેવી પડશે. મારી પીઠ ઉપર, અથવા મારી કલ્પનાના ઘોડા ઉપર, પ્રિય વાચનાર ! તું બેશી જા; અને નીરાંતે ગોઠવાઈને બેશ; તને હું ચિત્ર વિચિત્ર વિશ્વચમત્કૃતિ જોવા લઈ જનાર છું; મેં આ ગાદી હવણાં નવીજ આણી છે; એક કવિ જે પરિપૂર્ણ આરામમાં આનંદ ભોગવનારો છે તેની પાસેથી આણેલી છે અને તારી અનુકૂલતા માટે ફરીથી ભરી કરીને મઝાની નરમ બનાવી છે, ચાલો ત્યારે આપણે ઉપડીએ. જેમ જેમ ઉંચે ઉડતા જઈએ તેમ તેમ ધ્યાન રાખીને નીચે જોતો જજે અને ડરીશ મા. આ સૃષ્ટિ આપણી નજર આગળથી કેવી દૂર થતી જાય છે ! જય જય કુરુક્ષેત્ર ! ભીષ્મ અને દ્રોણના શયનસ્થાન ! અહો તારા ઉપર મહા પ્રતાપના ઝપાટા પણ થઈ ગયા ! એ કુરુપુત્રો અને પાંડુપુત્રો ૫ણ ચાલી ગયા ! એમનો સહાય કૃષ્ણ ! તેની પણ ઓ ઝળકી રહી થુરાપુરી ! યમુનાના પ્રવાહમાં નિરંતર સ્નાન કર્યાથી કંસાદિક દુષ્ટના સંસર્ગનાં પાપ ધોઈ પ્રવાહને શ્યામ કરતી, રૂપે ધવલતાથી રાજી રહેલી શું મહાત્મા કૃષ્ણનાં ગુણ કીર્તન કરતી શોભી રહી છે ! એ તો દૂર થવા લાગ્યાં; પણ ઉત્તર દિશાએ ઓ ઝળકી રહી ગાંડી ઘેલી વેહેતી ગંગાના પિતાની ધવલ શિખા ! પુણ્યરાશિજ હોય અથવા સર્વ મહાત્માઓનો તપઃપુંજ હોય એવો ધવલ મહાગિરિ પ્રતાપી સૂર્ય કિરણમાં પણ પુણ્ય પ્રતાપે સાધેલા શાન્ત બ્રહ્મતેજથીજ જાણે દીપી રહ્યો છે ! અહો વૃક્ષ લતા કુંજમાં દબાઈ રહેલો બરફમાં શ્વેત થઈ એકાકાર બનેલો, પાપીને પણ પુનિત કરે એવા શાન્ત સ્થલે આવેલો બદરિકાશ્રમ પણ આ રહ્યો ! પણ આપણો સાથી ગુલાબ ક્યાં ગયો !

આ મહા અરણ્યમાં એક શાન્ત ગુહા છે, ત્યાં એક ઘણો વિલક્ષણ મહાત્મા નિવાસ કરી રહે છે. જે વખતે બરફ પડવા માંડે છે અથવા ઓગળીને પ્રવાહ રૂપે વેહેતાં હજારોનું નુકસાન કરે છે તે વખતે પણ એ પુરુષજ ત્યાંજ પડ્યો રહે છે. એને કોઈ મિત્ર નથી, કોઈ સહાય નથી, કેવલ થોડાં પુસ્તક અને જુદાં જુદાં ઔષધાદિકના પ્રયોગની સામગ્રી લેઈને બેઠો છે. એ ઘણીવાર બરફથી ઢંકાયલી ટેકરીઓ ઉપર ફરતો કે પાસેનાં કોઈ શેહેરમાં ફરતો માલુમ પડે છે; અને તેવે વખતે પણ કોઈ સાધારણ અભ્યાસી જેમ વિચારમાંજ ગરક થઈ જઈને બેદરકારીથી ચાલ્યો જાય તેમ નહિ પણ સર્વ વાત બારીક નજરે ધ્યાનમાં રાખી પાસે થઈ જનારનાં પણ અંતઃકરણનું મર્મ લઈ લેતો હોય એવું જણાય છે. તે વૃદ્ધ છે ખરો, પણ વર્ષના ભારથી તે નમી ગયો નથી. પચીશ વર્ષનો જુવાન હોય તેવો ટટાર અને ભવ્ય દેખાય છે. એની સ્થિતિ વિષે કોઈને ખબર પડતી નથી કે એ ગરીબ છે કે પૈસાદાર છે. એ કોઈની પાસેથી દાન લેતો નથી, તેમ કોઈને દાન દેતો પણ નથી. પોતે કાંઈ પાપ કરતો નથી, તેમ પુણ્યનો કોઈ માર્ગ સાધતો નથી, પોતાના આત્માથી વ્યતિરિક્ત બીજું કાંઈ એને જણાતું હોય એમ લાગતું નથી; પણ બહારથી જે જણાય તે બધું તો માયારૂપ છે, અને જ્ઞાન તથા પુણ્યનો પ્રવાહ જગત્‌માં ચાલુ છે એતો સિદ્ધ વાતજ છે. આવા આ વિલક્ષણ માણસની ગુફામાં, એ તેમાં વશ્યો હશે ત્યાર પછી પહેલીજ વાર કોઈ માણસ દાખલ થયો. એજ આપણો ગુલાબસિંહ.

જો, એ બન્ને એકએકીની પાસે બેઠા છે અને વાતચીતના રસમાં એકતાન થઈ ગયા છે. એ લોકોને મળ્યાને, એકેકના શરીરે શરીરથી મળ્યાને, આજ ઘણાં વર્ષ વીતી ગયાં છે. પણ જો એ સિદ્ધ હોય તો એમનાં મનોમન વચ્ચે મહોટા પહાડ પર્વત ને સમુદ્ર આવી જાય તો પણ મળી શકે; અને એમનો આત્મા આત્માનું અંતર્ જાણી શકે, મોતથી પણ આવા સિદ્ધને જુદા કરી શકાતા નથી.

એમની વચ્ચે વાતચીત ચાલી રહી છે. એ એક બીજાને પોતાનો વૃત્તાંત કહી બતાવે છે અને ભૂતકાલની વાતનું સ્મરણ કરી કરીને તેને સજીવ કરી બતાવતા જાય છે; પણ એ જોવા જેવું છે કે આવી વાતચીતની અસર પ્રત્યેકના ઉપર જુદી જુદીજ થાય છે. ગુલાબસિંહનું નિરંતર શાન્ત અને ગંભીર જણાતું વદન આ વખતે જુદા જુદા મનોભાવને આધીન થઇ વિકૃતિ પામતું માલુમ પડે છે. એની સામે બેઠેલા સિધ્ધે પણ ગતકાલમાં કામકાજ તો ઘણાં કર્યાં છે, પરંતુ તેના શાન્ત વદન ઉપર માણસને જે સ્વાભાવિક હર્ષ વિષાદ થઈ આવે છે તેમાંનું કાંઈ જણાતું નથી. એને મને તો જેમ વર્તમાન છે તેમ ભૂત પણ કોઈ સિદ્ધ બ્રહ્મનિષ્ઠની નજરે માયાના પ્રપંચ જેવું, મુમુક્ષુને અધ્યાત્મજ્ઞાનના સાધન જેવું, કેવલ વિચાર કરી વિવેક ગ્રહણ કરવા યોગ્ય અને જ્ઞાન પામવાનું સ્થાન છે.

ભૂતકાલની વાત કરતાં તે ભવિષ્યની વાતનો વિચાર કરવા લાગ્યા, છેલ્લાં સો વર્ષ ઉપર જે ભવિષ્ય તેમણે જોયું હતું તે તે વખતે પ્રત્યક્ષ રૂપ દીઠું હતું અને વર્તમાન કાલનાં માણસનાં ભય અને આશામાંજ તે બંધાઈ રહેલું હતું. એ સો વર્ષની આખરે મનુપુત્રો પ્રાચીન જગત્‌ની મોતની પથારી આગળ ઉભેલા, રોતી આંખે ને ચીરાયલે હૃદયે જગત્‌ની રુધિરરક્ત આકૃતિ નિહાળી રહેલા માલુમ પડ્યા. પેલા વૃદ્ધ માણસની દૃષ્ટિમાં શો તિરસ્કાર અને અનાદર ભરાઈ આવ્યો છે ! ગુલાબસિંહના કાન્તિમાન્ મુખારવિંદ ઉપર શો દયા ઉપજાવે એવો શોક પ્રતીત થઈ આવે છે ! એમ તો નહિ હોય કે એક જણને આવતી મહાપીડા અને તેના પરિણામની કાંઈ દરકારજ નથી, બીજાને તે ઉપર દયા આવે છે ને તેથી ભય લાગે છે ! વિવેક બુદ્ધિથી જગત્ ઉપર દૃષ્ટિ કરતાં બેમાંથી એકજ પરિણામ આવે – નિર્વેદ કે પ્રેમ. જે આથી બીજી સૃષ્ટિ છે એમ અંગીકાર કરવાવાળા છે તે તો આ સૃષ્ટિને એક અણુમાત્ર માને છે ને તે વિષે તેટલીજ દરકાર કરે છે. જેને નિઃસીમ પરમ જ્ઞાનની પ્રતીતિ છે તેના આગળ પૃથ્વીનો ગોળો શી ચીજ છે ! જે ત્રિકાલસિદ્ધ છે તેના આગળ એ માટીના લોચાની સ્થિતિનો પણ શો હિસાબ છે.! એકજ માણસનો આત્મા આખા જગત્ કરતાં પણ કેવડો મોહોટો છે ! ब्रह्मांडमंडलीमात्रं किं भोगाय मनस्विनः शफरीस्फुरितेनाब्धेः क्षुब्धता आतु जायते ચૌદ બ્રહ્માંડનું નાનું સરખું કુંડાળું તે માહાત્મા જ્ઞાનીને કેવલ નિર્જીવ જેવોજ આનંદ પેદા કરી શકે તેમ છે; કેમકે એ મહાત્માના મહા સમુદ્રતુલ્ય આત્મામાં બ્રહ્માંડ જેવી એક માછલીના ફડફડાટથી શો ક્ષોભ થઈ શકનાર છે ? માણસ ! માણસ ! તુંજ ઈશ્વર છે ! તુંજ સર્વ છે; તુંજ અમર છે. અહો ! હવે પછી તું કોઈ એક ભિન્ન સૃષ્ટિમાંથી આ ગોળા ઉપરના થવાના અને થઈ ગયેલા તરફડાટ શા આનંદથી જોશે ! રામથી તે મ્લેચ્છકુલ ચંદ્રવંશનો ઉચ્છેદ કરશે ત્યાં સુધીના ! વૈવસ્વત નુથી તે મહા પ્રલય પર્યંતના ! જે આત્મા કેવલ સ્વધ્યાનમાંજ રહે છે, તે સદસદ્‌વિચારમાંજ વખત કાઢે છે તે આ સંસારમાં છતાં પણ પોતાના પુણ્યથી પ્રાપ્ત કરેલા સ્વર્ગમાં વસે છે, અને શરીરના બંધનમાં છતાં પણ મુક્તજ છે.

પણ ગુલાબસિંહ ! તારાથી કેવલ ધ્યાનપર રહી શકાયું નહિ ! તારાથી વિષયવાંછનાથી કષાયિત હૃદયની આસક્તિ ધોવાઈ શકી નહિ; રજોગુણમય ઈચ્છાઓથી તારું મન હજી ખેંચાય છે, તું તારી જાતિનાં માણસને કેવલ આત્મરૂપ કરતાં કાંઈક જુદાં માને છે, આ થનાર તોફાન જોવાની તને મરજી છે. તારે જગત્‌માં જે થનાર છે તેનાથી સાક્ષી થવાની ઈચ્છા છે.

ઠીક છે, જા.