ગુલાબસિંહ/તરંગ ૩:દુનીયાંને આપેલો ભોગ

← પોતાની સ્થિતિનું ભાન ગુલાબસિંહ
દુનીયાંને આપેલો ભોગ
મણિલાલ દ્વિવેદી
ભાવિથી નાશી છૂટાય ? →


પ્રકરણ ૯ મું.

દુનીયાંને આપેલો ભોગ.

નિરાશ થઈને લાલાજી જેવો માના ઘરની હાર આવ્યો કે તુરતજ રામલાલ જે ત્યાં ઉભોજ હતો તેણે એનો હાથ ઝાલ્યો. લાલો એને ધુતકારીને મીજાજમાંજ બોલ્યો “તું અને તારી જીભ બેએ મને કેવલ બાયલો બનાવી દુઃખના દરીયામાં ડુબાવ્યો છે. ફીકર નહિ, હજી કાંઈ વહી ગયું નથી. હું ઘેર જઈને તુરતજ એના ઉપર લખીશ, એની માફ માગીશ, એ મને માફ કરશેજ.”

રામલાલના મનની વાત સહજમાં પાઈ શકાય એવો એનો સ્વભાવ ન હતો. લાલાના મીજાજથી જરાક વાર ક્ષોભ પામેલા પોતાના મોંને ઠાવકું રાખી, લાલાને એક વાર તો એણે બધો ઉભરો કાઢવા દીધો. પછી ધીમે ધીમે એને ટાઢો પાડી, પલાળવા માંડ્યો. વાતમાં ને વાતમાં એને દિલાસો આપતાં આપતાં બધી વાત કાઢી લીધી; કાઢી લેઈને પણ રામલાલને કાંઈ ખરાબ મતલબ તો થોડીજ હતી; એ નઠારો માણસ ન હતો; જવાનીના તોરમાં નીતિમર્યાદા જેવી શિથિલ હોય છે તેવી એનામાં તે શિથિલ ન હતી, પાકો અનુભવવાળો દુનીયાંદારીનો માણસ હતો. વિચાર કરી મોંઢું ઠેકાણે રાખીને એ બોલ્યો “લાલાજી, એ નર્તકી તારી પત્ની થાય એમાં હું રાજી નથી, પણ એવું તો મેં સ્વપ્ને પણ ધાર્યું ન હતું કે તુ એને તારી માશુક કરી લે. એ બેમાંથી તો ગમે તેવું અવિચાર ભરેલું પણ પરણુવાનુંજ, હું તો, અનીતિ ભરેલા આડકતરા સંબંધ કરતાં, વધારે પસંદ કરૂં. પણ જરા ધીમો પડીને વિચાર કર, હવણાં ને હવણાં શું વહી ગયું છે, થાય છે, વિચારીને થશે.”

“પણ વિચાર તે ક્યારે થશે ? અહીંયાં તો ઘડીએ ઘુંટ ભરાય છે. કાલે રાતે તો ગુલાબસિંહને જવાબ આપવોજ પડશે. એ અવસર ચૂક્યા તો પછી રામ રામ.”

“એ તો નવાઈની વાત ! એવું શું છે ? જરા સમજાવ તો ખરો.”

લાલાજી પણ હતા તો તર મિજાજેજ, પ્રેમના ઉછાળામાં તપીજ ગયેલા હતા, એટલે ખુલ્લે દિલે જે વાત પોતાની અને ગુલાબસિંહની વચ્ચે બની હતી તે કહી દીધી; માત્ર પોતાના પૂર્વજ સંબંધી તથા ગુપ્ત મહાત્માઓ સંબંધી વાત, કોણ જાણે કેમ, દબાવી રાખી. આ વૃત્તાંત જાણવાથી રામલાલને જે જોયતું હતું તે મળ્યું. વાહરે વાહ ! શી ઉંડી સમજણ ! અનુભવી બુદ્ધિમાન્‌ રામલાલે એ ઉપરથી વિચાર બંધ બેસાડ્યો. એની વાત કયો અનુભવી માણસ નાકબુલ કરે ? આ નર્તકી અને એનાથી ધરાઈ ગયેલો પેલો જાદુગર બેએ ઠીક ખેલ રમવા માંડ્યો છે ! શી યુક્તિ રચી છે ! ધીમે રહીને લાલાને સપડાવી દેવાનો પશ્ન પણ કેવો ઉઠાવ્યો ! લાલો પણ એકાએક ઠીક સમજી ગયો ! શું એમ બનવા દેવાય ? એક ગુલાબસિંહે જરા મોઢું ઠેકાણે રાખીને કહ્યું કે બસ કાલ પછી તમે જાણો ને તમારી વાત જાણે, માટે લાલાને ફસાઈ પડવા દેવાય !

“જો લાલાજી ! આટલું કર, એમાં તારૂં જાન જવાનું નથી. તારો જવાબ આપવા ઠરાવેલો વખત વીતી જવા દે. જ્યાં ત્યાં છે તે એક રાતનોજ આંતરો ? ગુલાબસિંહ જોઈએ શું કરે છે. એ કહે છે કે તું ગમે ત્યાં હોઇશ ત્યાં પણ તેને આવતી કાલની મધ્યરાત્રી પહેલાં હું મળીશ, તો ઠીક છે, ચાલને આપણે દીલ્હી મૂકીનેજ રસ્તો માપીએ. એને એમ તો બતાવી આપવુંજ જોઈએ કે તું જાતે જે વાત ઈચ્છે છે તેમાં પણ વગર વિચારે ઝંપલાવવા રાજી નથી. કાલના દિવસ પછી તારે ફાવે તો એને લખજે, મળજે, ગમે તે કરજે, પણ આ બે રાતો તો જવા દે. હું માત્ર આટલુંજ માગું છું.”

લાલો આ સાંભળીને જરા ઠેકાણે આવ્યો. પ્રેમના તરંગે ચઢ્યો હતો ત્યાંથી જરા હેઠો બેઠો. એના મિત્રની તકરારો એને વાજબી લાગી, નિરુત્તર બની ગયો. પોતાને ખાતરી તો થઈ નહિ, પણ શંકા થઈ ખરી. અધુરામાં પૂરૂં કરવા એજ વેળે બંદો પણ ત્યાં આવી ચઢ્યો, લાલાને જોતાંજ બોલ્યો “કેમ હજી પણ પેલી સરદારની છોકરી ઉપર તમારૂં ધ્યાન ને કે ?”

“કેમ ? તમે કેમ છો ?”

“એને મળ્યો, ને બધી વાતચીત પણ કરી. આવતે આઠમે દહાડે તો એને તમે બંદેહુસેનની બીબી થયેલી જોશો. તમારા પેલા ગુલાબસિંહને કહેજો કે બંદાના કામમાં તે બે વખત આડો આવ્યો છે, એમાં માલ નહિ. બંદો ખરો શાહુકાર છે, ને વ્યાજ સુદ્ધાંત મુદ્દલ પાછું વાળવા ચૂકે તેવો નથી.”

“વહેવારમાં એ વાત ઠીક છે.” રામલાલે કહ્યું “કોઈના અપકાર માટે અપકાર કરવો એમાં તો એ વાત ઠીક નથી, વાજબીએ નથી. ગુલાબસિંહ તમારા લગ્નની વાતમાં આડો આવેલો કે કાંઈ બીજામાં ? તમારૂં કામ તો આટલે બધે આવ્યું છે, ત્યારે એણે શું બગાડ્યું હોય ?”

“એ તો માને જ પૂછજો ને એટલે સમજાશે. ઓહો, લાલાજી ! તમારા આગળ એ મહોટી સતીને સાધ્વી થાય છે. અરે, બા ! પણ આપણે એમાં કાંઈ નથી; તમે પણ જે થાય તે કરી લો ને. ચાલો અત્યારે રામરામ.”

“ઓ અક્કલના દુશ્મન !” રામલાલે લાલાને ધપ્પો મારીને કહ્યું “જરા ડાહ્યો થા. બોલ હવે તારી માનું તે શું ધાર્યું ?”

“એ તે જુઠો છે.”

“ત્યારે તુરતજ એના ઉપર પત્ર લખવાનો કે ?”

“ના ના, જો મને એમજ ખાતરી થાય કે એ એક પેચજ રચે છે, તો હું એને જરા પણ દિલગીર થયા વિના લાત મારીને ઉભો રહું; પણ હાલ તુરત હું એના ઉપર નજર રાખીશ, ને ગમે તેમ પણ ગુલાબસિંહ મને ખાડામાં ઉતારે તે તો નહિજ બનવા દઉં. ચાલ આપણે તુરતજ દિલ્હીથી રવાના થઈએ.”