ગુલાબસિંહ/તરંગ ૩:સિદ્ધ અને આશક

← પસ્તાવો ગુલાબસિંહ
સિદ્ધ અને આશક
મણિલાલ દ્વિવેદી
શરત પૂરી કરી →


પ્રકરણ ૧૬ મું.

સિદ્ધ અને આશક.

વાર્તાના કાલક્રમમાં બે ત્રણ પ્રહર પાછા હટીને જોઈએ તો ગ્રીષ્મકાલનો મધુર અને આછો આછો પ્રભાત ચોતરફ પ્રમોદ પ્રસારી રહ્યો છે; તે વેળા ખીલતાં પુષ્પના પરાગથી સુવાસિત બાગમાં ઝુલી રહેલા એક ઝરૂખામાં બે પુરુષો વાતે વળગેલા છે. તારા હજુ ઢંકાઈ ગયા નથી. પક્ષીઓ પણ તરવરોમાંથી જાગ્રત્‌ થયાં નથી, છતાં રાત્રીના આરંભની શાન્તિ અને પ્રભાતના આરંભની શાન્તિમાં કેટલો તફાવત છે ! શાંતિના ગાનમાં પણ અનેક રાગરંગના ભેદ પ્રભેદનો પ્રમોદ છે ! આ પુરુષો જે એકલાજ ઘણું કરી આખા દિલ્હી શહેરમાં પ્રથમ નિંદ્રા તજી ઉઠ્યા હતા તે ગુલાબસિંહ અને પેલો વિલક્ષણ પરદેશી જેણે બે ઘડી પૂર્વે પેલા રાજકુમારને એશઆરામમાં ચમકાવ્યો હતો તે બે હતા.

“એમ નહિ,” આ ગૂઢ વિદેશી ઉચર્યો “પૂર્ણ વયે પહોચતાં સુધીમાં અને આ સંસારમાં જે છેહ થાય છે તેના ઘા પૂરા અનુભવી દૃઢ થયા પછી, મને ખરો અનુભવ આવ્યો છે. જે રીતે મેં સંસાર ભોગવ્યા પછી તેની એક પણ વાસના અંતઃકરણમાં ન રાખવાથી ફલ ચાખ્યું છે તે રીતે, તેં જો છેલ્લો પ્યાલો પીધો હોત તો જે વેદનાથી તું હાલ પીડાય છે તે પાપ તને વળગ્યું હોત નહિ. પ્રેમાનંદના કાલ સાથે સરખાવતાં મનુષ્યજીવિતના કાલના ટુંકાપણા વિષે શોક કરવાનું તને કારણ મળત નહિ, કારણ કે તું સ્ત્રીના પ્રેમની વાંછનાના સ્વપ્નની પણ પાર તરી ગયો હોત. સ્ત્રીનો પ્રેમ તો એક ક્ષણિક ગાંડાઈ છે; પ્રેમ પોતે અતિ પરિશુદ્ધ અને સ્વસંવેદ્ય પરમાનંદ, અભેદાનુભવ છે, પણ તેને માયાની વ્યષ્ટિરૂપ મૂર્તિ જે સ્ત્રી તે દ્વારા કે તેમાંજ માની લેવો એ ખરેખર ગાંડાઈ છે પણ એક વાર પૂરેપૂરો અનુભવ થયા વિના ‘ગાંડાઈ’ કહેવાનું સામર્થ્ય આવતું નથી. તેં શું કરવા સિદ્ધિની સાથે આવા માનુષત્વને સંગ્રહી રાખ્યું ! દેવ અને માણસો વચ્ચે આ સૃષ્ટિમાં જે સિદ્ધયોનિ છે તેમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, અને એટલી એકજ ભૂલ ન કરી હોત તો, ભવ્યમાં ભવ્ય, તારા જેવો મહાત્મા કોણ હતો ? યુગે યુગે ને કલ્પે કલ્પે. સર્વ કાલ, એ અગાધ મુર્ખાઈ કે જેથી તેં યૌવનની કાન્તિ અને યૌવનના મનોભાવને અમરતાના ભવ્ય અને નિર્ભય એકાન્તમાં પણ સાથે રાખવા આગ્રહ ધર્યો, તે માટે તારે શોક કરવો પડશે.”

“હું પશ્ચાત્તાપ કરતો નથી, કરનાર પણ નથી” ગુલાબસિંહ બોલ્યો “જે આનંદોન્માદ અને વિષયદુઃખનો વિલક્ષણ વ્યતિકર મારા ભાગ્યની વિચિત્ર ભૂમિકા ઉપર પ્રસંગે પ્રસંગે જામે છે તે તારા એકાન્ત માર્ગના નિર્જીવ અને તેથી શાન્ત વૈભવ કરતાં વધારે ઉત્તમ છે; તને કશાનો રાગ નથી, કશાનો દ્વેષ નથી, કશા ઉપર વૃત્તિ નથી; તું આ વિશ્વમાં નિઃશબ્દ અને નિરાનંદ પગલે સ્વપ્નવત્ ફરે છે ! મારે હજી વાર છે; ભાવિનો અગ્નિ હજી અનુભવમાં આ અંતર્‌ને તાવી જોશે. અને તારા જેવા જડ જીવિત કરતાં એ તાપ પણ મને વધારે સારો લાગશે.”

“તારા સમજવામાં ભૂલ છે.” ત્સ્યેન્દ્રનું નામ ધારણ કરનાર વ્યક્તિએ કહ્યું “જોકે મને પ્રેમની દરકાર નથી અને પાંચભૌતિક શરીરોને જે વૃત્તિઓ આંદોલિત કરે છે તે પરત્વે યદ્યપિ હું મૃતપાય છું, તથાપિ એ સર્વથી જે આનંદ ઉદ્ભવતો હશે તેનો ઉત્તમાંશ ભોગવવામાં હું તેવો નથી. ભ્રમર અનેક પુષ્પો ઉપર બેશી સર્વ રસમય એવું મધુ પેદા કરે છે, શું તે પુષ્પે પુષ્પને સાથે લાવે છે ? મધુબ્રાહ્મણમાં સર્વ આનંદના એક આનંદરૂપ સાક્ષાત્કારની પ્રક્રિયા કેવી કહી છે ? અમિત કાલના પ્રવાહમાં વહેતાં હું યૌવનના સ્વચ્છંદી આવેશોને મારી સાથે ઘસડી જતો નથી, પણ વયના પ્રભાવે પ્રાપ્ત થતા આત્મપ્રસાદના શાંત વૈભવને સાથે રાખું છું. જ્યારે મેં મારા ભાગ્યને પ્રાકૃત માનુષભાગ્યથી નિરાલું કર્યું ત્યારે મેં બહુ દીર્ધદૃષ્ટિથી અને નિશ્ચયપૂર્વક વિચારથી યૌવનનો ત્યાગ કર્યો છે. વૃદ્ધજ થઈ જવામાં મેં નિર્ભય શાન્તિ દીઠી છે; ભાવિને પરાસ્ત કરવાનો યોગ સાધ્યો છે. અન્યોન્યની ઇર્ષ્યા કરવામાં કે અન્યોન્યને ઠપકો દેવામાં ફલ નથી. હું આ દિલ્હીવાસીને બચાવવા ખુશી છું. ગુલાબસિંહ ! (કારણ કે એ જ નામ હવે તને પસંદ પડ્યું છે) એનો પ્રપિતા આપણાથી માત્ર અતિ સૂક્ષ્મ અંતરેજ ભિન્ન હતો, અને આ માણસમાં પોતામાં પણ એના પૂર્વજનાં બલવીર્ય પ્રતીત થાય છે. પૃથ્વી ઉપર એવા બહુ થોડા હોય છે કે જેને કર્મના નિર્દય નિયમે ખરી કસોટીએ ચઢી પાર ઉતરવા જેવા ગુણો આપેલા હોય ! પણ દીર્ધ પરિચય અને વિષયાસક્તિથી એનો આત્મા છેક ઢંકાઈ ગયો છે, એની સ્થૂલ ઇંદ્રિયો મત્ત થઈ ગઈ છે, ને એનું સૂક્ષ્મ છેક પાણી વિનાનું થઇ ગયું છે. એને એના કર્મવિપાકનેજ સ્વાધીન રહેવા દેવો જોઈએ.”

“ત્યારે, ત્સ્યેન્દ્ર ! હજી પણ તું આપણો સમાજ જે માત્ર આપણા બે ઉપરજ હાલ તો આવી રહ્યો છે, તેનો પુનરુદ્ધાર કરવાની આશામાં છે ! તારા અનુભવે તને સિદ્ધ જણાવ્યું હશેજ કે કરોડોમાં પણ કોઈ વિરલો એમાં આવી શકે એમ છે. વળી તારો માગ શું તેમાં આવવાને ફાં ફાં મારનારાંના ભોગથી ધરાયો નથી ? બીચારાંનાં દુઃખમય વદન, ભયભીત ચક્ષુ; અરે ! સ્વરુધીરથીજ છંટાયલા આત્મઘાતી, વાળ ચુંટતા, ડાગળી છૂટેલા, ગાંડા,–એ બધું તારી નજરે નથી આવતું ? અને તારામાં જે કાંઈ દયાનો છાંટો રહ્યો હોય તેને જાગ્રત્ કરી તારા ગાંડાબળથી તને નિવૃત્ત કરી નથી શકતું ? સમાજની વૃદ્ધિ કરવામાં હજી કેટલા ભોગ લેવા છે ?”

“પણ” ત્સ્યેન્દ્રે ઉત્તર આપ્યું “નિષ્ફલતા છતાં મને ઉત્તેજન આપે તેવો જય પણ શું નથીજ નથી ? જેનો સંભવ માત્ર આપણા જેવાનેજ બને તેમ છે તેવી ભવ્ય અને ઉદાર આશા શું હું કદાપિ પણ તજી શકું ? એ આશાથી હું એક વિર્યવાન્‌ અને અસંખ્ય સંતતિ ઉછેરવા ધારૂં છું; — પોતાના અતુલ પ્રભાવથી મનુષ્ય જાતિને પણ કાંઈ હાનિ ન થાય તેવી રીતે ગુપ્તવિધાનું સામર્થ્ય સમજાવી શકે, આગ્રહના ખરા અધિષ્ઠાતા થવા ઉપરાંત અન્ય ભચક્રોમાં પણ ગતિ કરી શકે, આ કલિકાલમાં જે વામાચાર ચોતરફ ભિન્નભિન્ન રૂપે ટાપટીપમાં છુપાઈ છવાઈ ગયો છે તેને નિર્મૂલ કરી મન કર્મ વાણીની એકતાની સિદ્ધિ પ્રેરક થાય, અને એમ ઉત્તરોત્તર ઉત્તમ ગતિએ પહોંચી અમરત્વના અમિતપ્રવાહમાં અંતે સર્વરૂપ સર્વમય સર્વાધારમાં વિરમે, એવી સંતતિ હું ઉછેરવા ઈચ્છું છું. પછી પ્રેમ–દિવ્ય પ્રેમનુંજ સર્વત્ર સામ્રાજ્ય થશે. આપણા સમાજમાં આવું સાધી શકનાર એક ખરો નર ભળે તે પૂર્વે અનેકના ભોગ અપાઈ જાય તો શી હાનિ છે ? જે ભવ્ય સંસ્કાર એથી રોપાશે તે કોઈ વાર પણ પક્વ થશે: મરણ એમાં શું કરી શકનાર છે ? અને તું ગુલાબસિંહ.” ત્સ્યેન્દ્રે જરા થોભીને ચલાવ્યું “તું પણ – આ મર્ત્યકાન્તિનો તને જે ક્ષણિક છંદ, તારી વૃત્તિ ઉપરાંત થઈ વળગી પડ્યો છે તેને તારારૂપ કરી લેવા, તારા પ્રત્યક્‌ ચેતનના અનંત અને આનંદમય અમરત્વના રંગે એ ચઢે તો ચઢાવવા અને તારી બરાબર કરવા જે થાય તે કરજે, જે વેઠવું પડે તે વેઠજે, છાનો રહે છાનો, સાંભળ; તારાથી સમજી શકાય છે ? વ્યાધિ એને પાયમાલ કરશે, ભય એને સતાવશે, કાલ એનો ઉચ્છેદ કરશે, કાન્તિ કરમાઈ જશે, પણ હૃદય — નિત્યયૌવનપૂર્ણ હૃદય, જ્યાં રહેલો अंगुष्ठ मात्र ચિત્સત્તાનો છાંટો આખા ચૈતન્યસમુદ્રમાં સર્વનો વિલયક કરવા સમર્થ છે તે હૃદય તારા ઉપર ચહોટી રહેશે. તેં જે ભુલ કરી છે તેમાંથી પણ તું આટલું કરી શકે તો એ ભુલનો સારો બદલો વળશે. આ બધું તારાથી સમજાય છે ? સમજાતું હોય તો જાણે કે પછી એ કામ તારૂંજ છે કે :—”

“બસ બસ” ગુલાબસિંહે ક્રોધથી કહ્યું “મહાભય અને શંકાથી જે મરણ નીપજે છે, સર્વ ઉચ્ચતાનું મરણ નીપજે છે, તેના આગળ બીજાં મરણ શી વિસાતમાં છે ? રે ! જ્યારે પરમ વિરાગીઓ, મહા ઉગ્ર અભિલાષાવાળા સાધનસંપન્ન મુમુક્ષુઓ, ધૈર્યવાન દૃઢ યોદ્ધાઓ, પેલા અનંત ઐષણા જાલમાંથી ઉઠતા વિકરાલ ભૈરવની દૃષ્ટિ પડતાંજ પુલકિત થઈ નીકળી પડેલે ડોળે પથારીઓમાંજ મરણ પામેલા જોયા છે, ત્યારે આ સુન્દરી જેના મુખનું નૂર માત્ર પવનના ફડફડાટથી કે બારીનો અવાજ થવાથી, કે રાત્રીએ ઘુવડનો શબ્દ સાંભળવાથી, કે કોઈ યોદ્ધાની તરવાર પર રક્તનું એક બિંદુ જોવાથી, ઉડી જાય છે, તે એ કરાલ રાક્ષસની એક દૃષ્ટિ પણ કેમ જીરવી શકે ! આવા પ્રસંગનો એના સંબંધે વિચાર મારા જેવાને પણ છેક નાહીંમત બનાવી દે છે.”

“જ્યારે તેં એને કહ્યું કે હું તને ચહાઉં છું, જ્યારે તેં એને તારી કરી તારા હૃદય સાથે ચાંપી, ત્યારથી જ તેં એના ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ને તેથી એનું રક્ષણ કરવાની શક્તિ ગુમાવી છે. અત્યારથી તું એને મન કેવલ મનુષ્યજ થયો છે; આપણા શિષ્ય આપણને કેવા લેખે છે તે ઉપર પણ ઘણો આધાર છે. ત્યારે હવે તને શી ખબર છે કે હજુ તારે શી કસોટીએ ચઢવું પડશે ? એ તારી માજ તારી શિષ્ય થવા ઈચ્છશે, એની જિજ્ઞાસા શું શું જાણવાની ઈચ્છા કરશે, ને એનું ધૈર્ય એને કેવી હીંમત આપશે તેની પણ તને શી ખબર છે ? પણ હવે એ વાત જવા દે. બસ ! ત્યારે તું એ માર્ગેજ જવાનો ?”

“હા, વિધાતાના લેખ એમજ લખાયલા છે.”

“ત્યારે કાલેજ ?”

“હા, કાલે આ વખતે અમારૂં નાવ પેલી સરિતા ઉપર દોડતું હશે અને મારા હૃદય ઉપરથી અનંત યુગનો જે ભાર છે તે ખશી ગયો હશે. રે ગાંડા સિદ્ધ ! મને તારી દયા આવે છે, તેં તારું યૌવાન ગુમાવ્યું છે.”