ગુલાબસિંહ/તરંગ ૪:પ્રથમ ક્રમ

← ગુરુનો આશ્રમ ગુલાબસિંહ
પ્રથમ ક્રમ
મણિલાલ દ્વિવેદી
છેલી કસોટી →


પ્રકરણ ૩ જું.

પ્રથમ ક્રમ.

ત્સ્યેન્દ્ર જે સ્થાથમાં રહેતો હતો ત્યાં ત્રણ ઓરડા હતા; એમાંના બે એકથી બીજામાં જવાય એવા હતા, ને ત્રીજો જુદો હતો. તેમાં પોતે સુઈ રહેતો. અંધકારમય અગાધ ગર્ત ઉપર લટકી રહેલી, પર્વતની એક કડણ ઉપર એ સ્થાન આવેલું હતું. જે ઓરડામાં લાલાજી દાખલ થયો તેમાં કોઈ હતું નહિ, એટલે ધીમે પગલે એણે આગળ જઈ બીજા ઓરડાનું બારણું ઉઘાડ્યું, પણ ઉઘાડતાની સાથેજ ઉમરા ઉપરથી પાછો પડ્યો, કે કેમ કોઈ અતિ માદક સુગંધ નાકમાં પેસતાંજ મગજને ઝાટકો લાગ્યો; એક પ્રકારના ધૂમસથી જાણે હવા ગાઢ થઈ ગઈ હોય તેવું એને લાગ્યું; કેમકે આ ધૂમ્ર છેક શ્યામ ન હતો, પણ બરફના રંગના વાદળાં જેવો, ધીમે ધીમે હાલતો ને ઉપરા ઉપરિ મોજે ચઢી ઝોકાં ખાતો, નિયમિત ગતિ કરતો, જણાતો હતો. લાલાજીના શરીરમાં મરણનું શીત ઢળી ગયું હોય તેવી ટાઢ ચઢી ગઈ, ને એનું લોહી જાણે ઠરીજ ગયું. એનાથી ઉમરા આગળથી ખશી શકાયું નહિ, ને જેવી એની દૃષ્ટિ સહજજ એ ધૂમ્રના ગોટામાં જોવા લાગી તેવાં એને અનેક વિકરાલ આકારનાં સત્ત્વો તેમાં ગુંચળાં વળતાં ગોચર થયાં. એને ખાતરી થઈ કે મારી કલ્પનામાત્રજ આવી આકૃતિઓ આ સ્થાનમાં પેદા કરતી નથી, પણ ખરેખરાં કોઈ વિપુલ અને વિકરાલ સત્ત્વોજ સામે ઉભાં છે, અથવા એ ધૂમ્રજ એવી આકૃતિ ધારણ કરે છે ! પણ લાલાજી આ શૂન્યકારમાંથી જાગ્રત્‌ થાય તે પૂર્વે તો હાથ પકડીને કોઈ એને બહારના ઓરડામાં લેઈ જાય છે એમ જણાયું. બારણું બંધ થયું, એનું લોહી તાજું થઈ ફરવા લાગ્યું, અને એણે ત્સ્યેન્દ્રને પોતાની પાસે જોયો. પછી એનું શરીર તણાઈ જવા લાગ્યું, ને એ શુદ્ધિ ભુલી જઈ ભૂમિ ઉપર ઢળ્યો. જ્યારે શુદ્ધિ આવી ત્યારે પર્વતની કડણમાંથી બહાર લટકતા છજા જેવી જગોએ ખુલ્લી હવામાં પડેલો છું એમ એને લાગ્યું; તારાગણનો પ્રકાશ નીચેના અગાધ ગર્ત ઉપર અને પોતાનીજ પાસે શાન્તમુદ્રાથી હાથ ભેગા કરી ઉભેલા ત્સ્યેન્દ્ર ઉપર રમી રહ્યો હતો.

“જવાન માણસ !” ત્સ્યેન્દ્રે કહ્યું “તને આ ક્ષણે જે અનુભવ થયો તેટલાથીજ અનુમાન કર કે પૂરેપૂરી સાધનસંપત્તિ વિના સિદ્ધિ પામવાનો પ્રયત્ન કેટલો ભયકારક છે. એક ક્ષણ પણ જો પેલા ઓરડામાં વધારે થઈ હોત તો તું શવ થઈ ગયો હોત.”

“ત્યારે જેનો ગંધમાત્રજ મને મરણરૂપ થઈ પડે એવા ધૂમ્રમય ઓરડાના એકાન્તમાં મારા જેવા મર્ત્ય સ્વભાવના છતાં તમે જે સિદ્ધિ સહી સલામતીથી શોધો છો તે કેવાક પ્રકારની છે ? ગુરુદેવ !” લાલાજીએ આ વીતેલા ભયના આશ્ચર્યથી વધારે ઉત્તેજિત આકાંક્ષાથી પૂછ્યું, “હું સર્વથા તૈયાર છું; ઉપદેશ પામવાને તો છુંજ. પ્રાચીન પરંપરાથી જેમ થતું આવ્યું છે, તેમ હું સમિત્‌પાણી થઈ અત્યારે આપની સમીપ આવ્યો છું, મને ઉપદેશ આપો.”

ત્સ્યેન્દ્રે એ યુવકના હૃદય ઉપર હાથ મૂક્યો. તેની ગતિ ઉચ્ચ, નિયમિત અને દૃઢ હતી. એ એના ઉપર શાન્ત અને નિર્વિકાર છતાં સાશ્ચર્યતા જેવા ભાવપૂર્ણ નયને જોઈ રહ્યો, અને મનમાં એવું બોલતો હોય એમ લાગ્યું કે “ખરેખર, આટલા સાહસ અને ધૈર્યવાળો ખરો શિષ્ય છેવટ મળ્યો.” પછી મહોટેથી બોલી એણે કહ્યું “ભલે એમ થાઓ, ઉપદેશનો પ્રથમ ક્રમ ધારણાથી સવિકલ્પસમાધિ પર્યંતનો છે. સિદ્ધિ માત્રનો આરંભ સ્વપ્નથીજ થાય છે; સ્વપ્નદ્વારાજ આત્મા આત્માના યોગનો ભાસ થાય છે, ને આ રીતે જે ગુપ્ત સૂક્ષ્મસૃષ્ટિ છે તેનો સંબંધ સંભવે છે. પેલા તારા ઉપર સ્થિરવૃત્તિથી જોઈ રહે.”

લાલાજીએ એ આજ્ઞા માથે ચઢાવી, ને મત્સ્યેન્દ્ર અંદર ગયો; અંદરના ઓરડામાંથી, પૂર્વે જે ધૂમ્ર લાલાજીને પ્રાણઘાતક નીવડ્યો હતો તે કરતાં વધારે ફીકો અને સુગંધમય ઝીણો ધૂમ્ર બહાર આવવા લાગ્યો, એનો સ્પર્શ થતાંજ લાલાજીને અંગમાં સહજ કંપનો આંચકો લાગ્યો, અને એની નાડીએ નાડીમાં ચમકારો વ્યાપી ગયો. જે જડતા વ્યાપવા લાગી તે વધતી ચાલી; છતાં ચૈતન્ય શૂન્ય ન થયું; લાલાજીએ પેલા તારા ઉપરથી દૃષ્ટિ ખશેડી નહિ' એ તારાનો અણુરૂપ પરિઘ અતિ વિપુલ વિસ્તાર પામવા લાગ્યો; એનો પ્રકાશ ધીમે ધીમે વધારે સ્વચ્છ અને મૃદુ થવા લાગ્યો ને વિસ્તાર પામતે પામતે ચોતરફ છવાયો, આખી સૃષ્ટિને જાણે ગળી ગયો. આવી ચંદ્રપ્રકાશ જેવી સર્વત્ર વ્યાપેલી પ્રભામાં મત્ત થતાં એને એમ લાગ્યું કે માથામાંથી જાણે કોઈ બંધન રૂપ સાંકળનો આંકડો તૂટ્યો; ને તે જ ક્ષણે કોઈ દિવ્યસ્વાત્તવ્ય, કોઈ અવર્ણ્ય આનંદ, કોઈ અગાધ ચિત્પ્રસાદ કોઈ વિલક્ષણ લઘુતા એને એ પ્રભામય વિશ્વમાંજ જાણે ઉપાડી ચાલી. એ ક્ષણે “તારે હવે સૃષ્ટિ ઉપર શું જોવું છે ?” એમ ત્સ્યેન્દ્રે પૂછ્યું. લાલાજીએ અંતર્‌માંજ ઉચ્ચાર કર્યો : “ગુલાબસિંહ અને મા.” બોલતાની સાથેજ એ રૂપેરી પ્રકાશ જેમાં શુદ્ધ સત્ત્વપ્રભા વિના બીજું કાંઈ વરતાતું ન હતું તેમાં ત્વરાથી અનેક સૃષ્ટિલીલા અને વનપ્રદેશાદિ ક્રમે ક્રમે ચાલી જવા લાગ્યાં. છેવટે એક નાની ગુફા તથા ચોતરફ છવાયલી વસંત જેવી વનલીલા અને એક નાની નદીના મીઠા તરંગ એટલું એ પ્રકાશમાં સ્થિર થયું. થોડેક દૂર એક ભવ્ય શિવાલય હતું, તે એ સર્વ ઉપર અતિ સુંદર રીતે વિસ્તારેલા ચન્દ્રપ્રકાશમાં ગુફાની બહાર તથા નદીના કીનારા ઉપર બે આકૃતિઓ હતી; તેને તે વખતે બોલતી પણ એણે જોઈ. ગુલાબસિંહ એક પથરા ઉપર બેઠો હતો, ને મા લીલી ઘાસ ઉપર લાંબી થઈ પડી એકી નજરે એના મુખમાંથી, ઉદાર, પૂર્ણ પ્રેમ જે અમૃત પ્રેમની દૃષ્ટિમાંથી પીએ છે, તે અવર્ણ્ય રીતે પીતી હતી. સુખની પરાકાષ્ઠામાં જણાતી હતી. વળી ત્સ્યેન્દ્રે પૂછ્યું “એમની વાતચીત સાંભળવી છે ?” તુરતજ લાલાજીએ વાણી વિના ઉત્તર વાળ્યું “હા.” એમની વાણી એને કાને આવવા લાગી. પણ તે એટલી ધીમી, એટલી મૃદુ, કે જાણે કોઈ સ્વર્ગના દેવ તરફથી અતિ દૂર રહે તે બોલાતી હોય.

મા એ કહ્યું “એમ કેમ છે, પ્યારા ! કે તમને અજ્ઞાનના લવારા સાંભળવામાં આનંદ પડે છે ?”

“કારણ કે હૃદય છે તે કદાપિ અજ્ઞાનવાળું નથી; રસવૃત્તિનો પ્રભાવ પણ બુદ્ધિના પ્રભાવ જેટલોજ ચમત્કારિક છે. પ્રસંગે પ્રસંગે તું મારા તર્ક વિતર્કની વાણી જેમ સમજી શકતી નથી, તેમ હું પણ તારી રસવૃત્તિમાંથી અનેક એવા અગમ્ય ઉદ્‌ગાર સાંભળું છું.”

“એમ શા માટે બોલો છો ?” માએ જરા ઉચાં થઈ એને ગળે પોતાનો હાથ વીંટી હસતે વદને કહ્યું “અગમ્ય ઉદ્‌ગાર એજ પ્રેમની ભાષા છે, ને પ્રેમજ તેનો અર્થ સમજી શકે છે. જ્યાં સુધી મેં તને યથાર્થ ઓળખ્યો ન હતો, જ્યાં સુધી મેં તારા આત્મામાં આત્માને મેળવ્યો ન હતો, જ્યાં સુધી હું તારાં પગલાં વાગતાં સાંભળવા ઉત્સુક થઈ કાન માંડી રહેવા શીખી ન હતી, રે ! તું ન હોય તો પણ તને સર્વત્ર દેખતી હતી, ત્યાં સુધી મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે સમિષ્ટ અને વ્યષ્ટિને કેવો દૃઢ અને નિયત સંબંધ છે…… છતાં જે હું પૂર્વે માનતી તેની મને હાલ ખાતરી થઈ છે. જે વૃત્તિથી હું પ્રથમ તારા તરફ ખેંચાતી હતી તે પ્રેમ ન હતો એ વાત હું વર્તમાનને ભૂત સાથે સરખાવવાથી સમજી શકું છું; એ વૃત્તિ કેવલ આત્મભાવની હતી, પૂર્ણ ભક્તિના રસથી ભરેલી હતી. હવે તો હું તારે મોઢેથી એમ સાંભળવું પણ સહન ન કરી શકું; કે ‘મા ! બીજા જોડેજ સુખ માણુ’”

“અને હું તને હવે એવું કહી પણ ન શકું; મા ! મને અનેક વાર ‘હું સંપૂર્ણ સુખી છું’ એમ કહેતાં તું હવે થાકીશ નહિ.”

“સુખી ? તું સુખી ત્યાં સુધી હું સુખી જ છું. પણ મારા પ્રાણ ! કોઈ કોઈ વાર તમે એવા દુઃખી જણાઓ છો !”

“કારણ કે જીવિત એટલું ટૂંકું છે; આપણે છેવટ જુદા પડીશું ! કારણ કે આ ચન્દ્ર, જ્યારે બુલબુલ તેને અભિનંદતું નહિ હોય, ત્યારે પણ પ્રકાશ્યાં જશે ! થોડાંક વર્ષ પછી તારાં નયન ઝાંખાં થશે, તારા રમણીય ગુચ્છા કરમાઈ જશે.

“અને, રે નિર્દય !” માએ બહુ આર્દ્રભાવે કહ્યું “તારા ઉપર તો વર્ષની અસર હું કદીજ નહિ દેખું ! પણ આપણે ભેગાંજ ઘરડાં થઈશું ને જે વિકૃતિ થશે તેને આપણી આંખે સહેવાતી ચાલતાં, આપણો પ્રેમ અખંડજ રહેશે.”

ગુલાબસિંહે અંતર્‌થી નિઃશ્વાસ મુક્યો; તે મોં ફેરવી કાંઈ ધ્યાનમાં પડી ગયો. લાલાજીનું ધ્યાન અધિકતર સ્થિર થયું.

“પણ જો એમજ હોય” ગુલાબસિંહે કહ્યું, ને માના ઉપર એકી નજરે જોઈ રહી જરા હાસ્યપૂર્વક ઉમેર્યું “તો જેને તું કોઈ મેલી સાધનાવાળો જાણતી હતી તે તારા પ્રિયતમ વિષે તું કાંઈ વિશેષ જાણવાની જિજ્ઞાસા નહિ કરે ?”

“લેશ પણ નહિ. પોતાના પ્રિયનું જે જાણવાની કોઈને ઈચ્છા થાય તેટલું હું ક્યારનીએ જાણું છું; ને તે એ કે તું મારો છે.”

“મેં તને કહેલું જ છે કે મારૂં જીવિત ઈતર લોકના કરતાં વિલક્ષણ છે; તો તું તેની સભાગી નહિ થાય ?”

“થયેલી જ છું.”

“પણ જો આવીને આવી જવાની અને કાન્તિ નિરંતર રાખી શકાતી હોય, બધી દુનીયાં આપણા આગળથી ચાલી જાય પણ આપણે રહ્યાં કરીએ ને ભોગ ભોગવીએ એમ થતું હોય……”

“આપણા મરણ પછી સ્વર્ગમાં આપણને છૂટાં પાડનાર કોણ છે ? જન્મ થશે તો પણ ફરી આવીને આવી રીતનોજ થશે. આપણા પ્રેમનું એ માહાત્મ્ય છે.”

ગુલાબસિહ જરા વધારે વાર મૌન રહ્યો, ને પાછો બોલ્યો “તને એક વાર એવાં સ્વપ્ન આવતા કે તારા ભાગ્યમાં આ દુનીયાંના માણસોના કરતાં કોઈ વિલક્ષણ ઉદ્દર્ક લખાયલો છે, તે બધાં તું સ્મરણમાં લાવી શકતી નથી ?”

“મારા પ્રાણ ! તે ઉદ્દર્ક આજ સાંપડી ચૂક્યો.”

“ત્યારે તને ભવિષ્યમાં શું થશે તેનું ભય નથી ?”

“ભવિષ્ય ! હું તે વીસરી ગઈ છું. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે તારા પ્રીતિસ્મિતિમાંજ સમાયલાં છે. ગુલાબસિંહ ! બાળકપણમાં મને જે ગાંડાં સ્વપ્ન આવતાં તે સંભારી મારી મશ્કરી ના કર. એ ગાંડાબળ તારા સહવાસથી ઉડી ગયું છે. ભવિષ્ય ! જે ભવિષ્યનો વિચાર કરવાનો સમય આવશે તો હું પ્રભુના સામુ જોઈશ, અને જે આપણા પ્રારબ્ધને દોરે છે તેને સંભારીશ.”

આટલું બોલી એણે જેવી ઉંચી નજર કરી કે તુરત એક અતિ શ્યામમેઘ એ આખા પ્રતિબિંબ ઉપર છવાઈ ગયો; ચંદ્ર ઢંકાઈ ગયો, નદી ઝાંખી થઈ ગઈ, પર્વતો દૃષ્ટિમાંથી જતા રહ્યા, છતાં પેલી બે આકૃતિનું દર્શન કોઈ પ્રકારે પણ ચાલતું રહ્યું. એકનું વદન ભક્તિમાં ગરક, ગંભીર, અને આનંદથી પ્રફુલ્લ હતું; બીજાનું ઘેરાઈ ગએલું, વિચારગ્રસ્ત, અને નિત્ય પરિચિત્ એવી પોતાની ઉદાસીન્‌ કાન્તિ અને ગાઢશાન્તિ કરતાં કોઈ અધિક ભાવમાં વિલીન હતું.

“ઉઠ” ત્સ્યેન્દ્રે કહ્યું “તારી કસોટી હવે શરૂ થઈ. ઘણા એવા ધૂતારા થઈ ગયા છે કે જેણે તને દૂર પહેલાં મનુષ્યનું દર્શન કરાવ્યું હોત, અને તારા આગળ અનેક સાધન, ઉપાસન હઠ, મંત્ર, તંત્ર, જપ, તપની વાતો કરી તને ભડકાવ્યો હોત. હું તને એ બધાંનાં પુસ્તક દેખાડીશ, તને સમજાશે કે એ લોકો ગુહ્યાગારનાં પગથીઆં ઉપરજ અથડાઈ પડ્યા છે ને એમ ધારી ઠગાયા છે કે અમે તો ઠેઠ ગર્ભાગારમાંજ રમીએ છીએ. એક એકનાં નામ લેઈને ગણાવું; મેં જે યુગે યુગે ને મન્વન્તરે મન્વન્તરે એવા ધૂતારાની વાણીઓ સાંભળી છે, કરણીઓ જોઈ છે, તેનાં વર્ણન કરવા બેસું તો બેટા ! તને કંટાળો આવે. પણ જાણ કે ખરો રસ્તો જે અત્યારે તારા આગળ મુક્યો છે તે વિના બીજો નથી. હું તને પાનાં પોથામાંની વાતો તો એટલી એટલી સમજાવી દેઉં કે તું કોઈ વડો પંડિતરાજ થઈ રહે, પણ તારી વૃત્તિ શુદ્ધ તત્ત્વ જાણવાની છે, ને તે તેને મળશે. જ સુઈ રહે. કશું વાંચીશ નહિ. વિચાર, કલ્પના કર, સ્વપ્ને ચઢ, ન બને તો ગાંડો થઈ જા. વિચારના તોફાનમાંથીજ છેવટ શુદ્ધ વિચારનો આકાર ઉપજી આવે છે. મધ્યરાત્રી પૂર્વે મને ફરી મળજે.”