ગુલાબસિંહ/તરંગ ૬:અમૃતનું ટીપુ

← અમૃતમાં ઝેર ગુલાબસિંહ
અમૃતનું ટીપુ
મણિલાલ દ્વિવેદી
રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર →


પ્રકરણ ૭ મું.

અમૃતનું ટીપુ.

મા આ મહાત્માના ગુહ્યાગારની વચ્ચો વચ ઉભી; ચોપાસા દૃષ્ટિ ફેરવવા લાગી; પણ જેવાં કુલડીઓ અને યંત્રો, જેવાં અરીઠાને હાડકાંની માલા આદિ, જેવાં યંત્ર પાત્ર પુસ્તકાદિ, કોઈ વામ તાંત્રિકના મંડલગૃહમાં હોય તેવી કશી સાબીતી ત્યાં હતી નહિ. સ્વચ્છ ચંદ્રપ્રકાશ ઓરડાની શ્વેત ભીંતો ઉપર ચોપાસ વિલસી રહ્યો હતો, કેટલીક વનસ્પતિનાં સૂકાં ડાળખાં, કેટલાંક કાંસાનાં પાત્ર, એક ખૂણે પડ્યાં હતાં, એ વિના કશું એ સ્થાનમાં હતું નહિ. કાંઈ પણ જાદુ–માએ ધારેલું તેવું કે અન્ય પ્રકારનું–કાંઈ પણ હોય તો તે માત્ર પ્રયોક્તામાંજ હતું, પાત્રમાં કે વનસ્પતિમાં નહિ; તેતો સાધારણ મનુષ્યના હાથમાં પણ સાદુ કાંસુ ને સૂકાં પાંદડાં જ હતાં. અહો મહાત્મા ! તારાં કાર્ય અને તારા ચમત્કાર સર્વદા એવાંજ હોય છે ! શબ્દસમૂહ છે તે પણ સર્વસાધારણ છે, સર્વ મનુષ્યને સામાન્ય રીતે સર્વદા સુલભ છે; છતાં એના એ શબ્દોમાંથી, રે અમર મૂર્તિના ઉપજાવનાર ! તું કેવા પ્રાસાદ ઉભા કરે છે ! પીરેમીડ નાશ પામે તો પણ કાલગતિ તેમને અસર કરી શકતી નથી, મહાપ્રલયકાલનો કાલાનલ પણ તેને પ્રજાળી શકતો નથી !

ત્યારે શું જે સ્થાનમાં મહાત્માની શક્તિએ અનેક ચમત્કારો સાધેલા તે સ્થાનમાં અત્યારે તેણે કશું પોતાનું સત્ત્વ રહેવા દીધું નથી ? કાંઈક છે, એમ લાગે છે; કેમકે મા ત્યાં ક્ષણવાર ઉભી રહી એટલામાંજ તેને પોતાનામાં કાંઈક ગૂઢ પરિવર્ત થતો સમજાયો. રુધિર વધારે ત્વરાથી ફરવા લાગ્યું અને આખા શરીરમાં આનંદના ઉર્મિનો વેગ વધતો વધતો, જાણે પોતાને અંગેથી જડેલી બેડીઓ તૂટી પડતી હોય તેવા પરમ સ્વાતંત્ર્યના સુખનો એને સાક્ષાત્ અનુભવ થવા લાગ્યો. એને જે ભ્રમ થયો હતો તેમાં અનુભવાયલા વિવિધ ક્લેશમય તર્ક વિદૂર થઈ જઈ, તે ભ્રમને સ્થાને પોતાના પ્રિયતમને મળવાનું, પોતાના પ્રિયતમની પાસે જવાનું, ઉગ્ર ભાન પ્રદીપ્ત થયું. હવામાં જે પરમાણુસમૂહ વ્યાપેલો છે તે બધે જાણે કોઈ દિવ્ય આકર્ષણથી પ્રપૂર્ણ હોય એમ લાગવા માંડ્યું, અને જાણે હવણાંજ અંતરાત્મા શરીરથી છૂટો પડશે, અને મનોવાંછિત સાધશે, એમ માને અનુભવ થતો ચાલ્યો. એકાએક ભાન ઓછું થતું જાય છે એમ એને લાગવા માંડ્યું, અને ખૂણામાં જ્યાં એક પાટલા ઉપર પેલાં વનસ્પતિ આદિ પડ્યાં હતાં ત્યાંજ તે બેશી ગઈ. જેવી બેસવા માટે નીચી નમી તેવામાં જ એક કાંસ્યપાત્રમાં નાની શીશી હતી તે આંખે પડી. યંત્રવત્ પ્રેરણામાત્રથીજ, કાંઈ પણ ઈચ્છા વિના, માએ શીશી હાથમાં લીધી, દાટો ઉઘાડ્યો; તુરતજ અંદરનો રસ ઉભરાઈ ઉઠ્યો અને આખા ઓરડામાં આનંદકારક સુગંધ છવાઈ ગયો. માએ તે સુગંધથી ઘ્રાણેન્દ્રિયને રમાડવા માંડી, પેલા રસથી પોતાના બળતા લમણાને ટાઢા પાડવા લેપ કર્યો. આમ થતાની સાથે પેલી જે શૂન્યતા થવા માંડી હતી તે ઉડી ગઈ અને જાણે પોતાને પાંખો આવી હોય ને આકાશમાં ઉડતી હોય, તેમ માને લાગ્યું.

માની દષ્ટિમર્યાદામાંથી ઓરડો જતો રહ્યો. પૃથ્વી, નદી, દેશ, પર્વત, વન, સર્વ ઉપર થઇને, મૂલથી જાગ્રત્ થયેલા ઉગ્ર સંકલ્પબલને આધીન થઈ આ રીતે સ્વતંત્ર થયેલો જીવ દોડતો ચાલ્યો. આ સૃષ્ટિનું નહિ એવું કોઈ આવરણ માને પ્રત્યક્ષ થયું; ત્યાં શાસ્ત્રજ્ઞ માહાત્માઓની છાયાનાં એને દર્શન થતાં ચાલ્યાં; આ સ્થૂલસૃષ્ટિનાં રૂપમાત્રની-તન્માત્રા જેવી છાયાઓ, કશો પ્રતિરોધ ન કરી શકે તેવાં પણ આકારવાન્ ચિત્ર, એને જણાવા લાગ્યાં. એનાં એજ પરમાણુમય ચિત્રો પરસ્પરમાં ઓતપ્રોત થઈ આ સૃષ્ટિનાં ગ્રહોપગ્રહાદિને પોષે છે, નવી સૃષ્ટિઓ રચતાં જાય ને આ સૂક્ષ્મ પદાર્થ, સ્થૂલ થઇ જડ જગત્‌ વિસ્તારે છે, એમ પણ પ્રત્યક્ષ સમજાવા લાગ્યું. આવા અમિત્ અને શાન્ત આવરણના પડદા ઉપર, મા એવી સ્થૂલ સંજ્ઞા ધરાવતા જીવે ગુલાબસિંહની છાયા દીઠી, પોતાની પેઠે સ્થૂલથી છૂટી સ્વતંત્ર થયેલો પોતાનો પ્રિયતમ દીઠો; એ છાયાની પાસે જ ત્સ્યેન્દ્ર ગુરુની છાયા પણ ઉભેલી જણાઈ. પંચમહાભૂતોના તન્માત્રનું જે યુદ્ધ ચોપાસ ચાલી રહ્યું હતું, તેમાંથી જે વૃક્ષ, પર્વત, સરિત્‌, સમુદ્રાદિનાં સ્થૂલ થઈ થઈને કરતાં હતાં, અને સર્વ ઉપર સર્વમાં જે અમિતજીવન વ્યાપી રહી સર્વની સત્તા સિદ્ધ કરતું હતું, તેને જરા પણ વ્યગ્ર થયા વિના આ બે ગુરુ શિષ્ય જોયા કરતા હતા.

માએ વધારે વિલોકવા માંડ્યું તેમ જોયું કે આ સ્થાને પણ આ ગુરુ ચેલો નવરા નથી, મહા વિકરાલ રાક્ષસો, સર્પ, વ્યાઘ્ર, ઈત્યાદિ કરાલ મૂર્તિવાળાં મુખ અને પૂછડાંવાળી, અર્ધી મનુષ્ય અર્ધી પશુ, એવી વિલક્ષણ વિલક્ષણ, આકૃતિઓ તેમની આગળ પાછળ રમ્યાં કરતી હતી. માને લાગ્યું કે આ તો ખરેખરા કોઈ જાદુગરજ છે. આત્મબલથી ઉઘડેલાં ચક્ષુને માએ આ બે જણની દૃષ્ટિ જ્યાં હતી તે તરફ દોડાવ્યાં તો જે ઓરડામાંથી પોતે ઉપડી હતી તેજ ઓરડો પાછો દૃષ્ટિએ આવ્યો; ગયાનો પ્રવાહ, બુદ્ધદેવનું ચૈત્ય; એ બધું પુનઃ જણાવા લાગ્યું. એ ઓરડામાં માને પોતાની પણ મૂર્તિ જણાઈ ! ! મા પોતે જોનાર અને પોતાથી જુદી બીજી મા એવું જોઈને એને જે ત્રાસ થયો તે કદાપિ વિસારે પડે નહિ તેમ એના મનમાં જડાઈ ગયો. પણ પછી એમ જણાયું કે પોતે ઓરડામાંથી ઉઠી, ધીમે ધીમે પોતાના બાલકના પાલના આગળ ગઈ. પાલનાની પાસે એક અસ્પષ્ટ પણ મહા વિકરાલ ઢગલો હોય તેવી આકૃતિ એણે જોઈ. તેનાથી વિચાર કે વિસ્મય કે ભય પ્રેરાય તે પૂર્વે તો એ પાલનાવાળા ઓરડાની ભીંતો, નાટકનો પડદો ઉપડે તેની પેઠે, જતી રહી, અને મુસલમાનોનાં ટોળાં – તરવારોની — ઝપાઝપ — બંદીખાનું — રૂધિરસ્ત્રાવ — વધસ્થાન – પોતે બાલક — ગુલાબસિંહ — એવી અનેક અસ્પષ્ટ પરંપરા પણ એના આગળ થઈને ચાલી ગઈ. એકાએક પેલી ગુલાબસિંહની છાયાએ માની જે ઓરડા માંહેલી છાયા તે ઉપર દૃષ્ટિ કરી, અને તે માની તરફ ધસવા લાગી. માથી તે ખમાયું નહિ; તુરતજ મહોટી ચીસ પાડીને જાગી ઉઠી.

જાગતાં એને માલમ પડયું કે વાસ્તવિક રીતે ગુહ્યાગારમાંથી નીકળી હું પુત્રના પાલના પાસેજ આવેલી છું. બધું જેવું જોયું તેવું જ છે, અરે ! પેલી શ્યામ અસ્પષ્ટ આકૃતિ પણ આ પાસે છે !

“ઓ મારા પ્યારા પુત્ર ! મારા વ્હાલા પ્રાણ ! બીહીશ નહિ, તારી મા તને ઉગારશે.”