ગુલાબસિંહ/તરંગ ૬:પશ્ચાત્તાપ અને પ્રતિકાર

← પ્રેમનો ભોગ ગુલાબસિંહ
પશ્ચાત્તાપ અને પ્રતિકાર
મણિલાલ દ્વિવેદી
નવો વિક્ષેપ →


પ્રકરણ ૩ જું.

પશ્ચાત્તાપ અને પ્રતિકાર.

ત્સ્યેન્દ્ર મર્ત્ય જગતના શોક અને આનંદ તેમાં હે પુનઃ પડ્યો છું. દિવસે દિવસે હું મારે હાથે મારી બેડીઓ તૈયાર કરતો ચાલું છું. પરમ આત્માને મૂકી પારકાંના આત્મામાં મને સુખ લાગતું આવે છે; અને જો કે સ્વનો પર–માં વિલય સાધવારૂપ વૃત્તિજ ઉચિત છે, તથાપિ હવણાં જે થાય છે તેમ થવામાં તો મારા સામ્રાજ્યના અર્ધ કરતાં પણ અધિક મેં ગુમાવ્યું છે. એ પારકા આત્માને હું ઉન્નત કરી શકતો હોત, તો તો ઠીક હતું, પણ સ્નેહપાસે કરીને તે, મને, પોતાની તરફ નીચે તાણી જાય છે. તૃતીયનયન ગોચર સત્ત્વોના દર્શનથી વિમુખ થઈ ગયેલા મને વિકરાલ ક્તબીજે પોતાની જાલમાં ફસાવ્યો છે. મેં તેની સહાય સ્વીકારી, તેનાં પરિણામ માથે વહોર્યા છે, એ વાત તું માનશે ? એ પલિતને નમનાર આત્મા પુનઃ દિવ્ય દર્શન પામી શકે તે પૂર્વે અનેકાવતાર જવા જોઈએ. અને–

આવી આશામાં હજી પણ મને વિજયદર્શન થયાં જાય છે, આ બાલજીવન ઉપર મારું પૂર્ણ સામર્થ્ય છે. કોઈ સાંભળે નહિ, જાણે નહિ, તે રીતે મારો આત્મા એના આત્મા સાથે યોજાય છે, અને અત્યારથી જ એ આત્માને પરમજીવન માટે તૈયાર કરતો ચાલે છે. તું જાણે છેજ કે નિર્દોષ અને અનુપહત મતિના બાલને કસોટી પાર ઉતારવામાં કશો ભય નથી. એમ હું એને કેવલ સાત્ત્વિક પોષણથીજ — માનસિક, કાયિક — પુષ્ટ કર્યો જાઉં છું. સત્ત્વપ્રકાશનું એને પૂર્ણ ભાન થતા પૂર્વે તો મારામાં હતું તેવું સર્વ સામર્થ્ય એનામાં આવી ચૂક્યું હશે. એ બાલક શનૈઃ શનૈઃ પોતાનું સત્ત્વ પોતાની માતામાં સંક્રાન્ત કરશે. જે બેહાલ મારા નિઃસીમ વિચારપ્રદેશને પૂર્ણ રીતે ભરી રહ્યાં છે તે એ પ્રકારે અનન્ત યૌવન પ્રાપ્ત કરશે એટલે મને મેં જાતે જે ખાયું છે તેનો પશ્ચાત્તાપ થવો ક્યાં રહેશે ? પરંતુ હે ગુરુ ! હે પ્રિયતમ ! તું અકલુષિત હૃદયવાળો છે, તારી દૃષ્ટિ સ્પષ્ટ અને અખંડ છે, તું જોઈને કહે કે ભવિષ્યમાં શું છે ? મને કોઈ સાવધાનતાનો માર્ગ બતાવવો ઉચિત હોય તો બતાવ. મનુષ્યજીવનને અત્યંત પ્રતિકૂલ એવા પિશાચવર્ગને હાથે કાંઈ પણ ગ્રહણ કરવાથી સાધારણ સાધકને હાની વિના બીજું ફલતું નથી, એમ્ હું જાણું છું. એમ પણ મારા સમજવામાં છે કે અધ્યાત્મવિદ્યાના ઉપાસનમાં એવી જે આરંભથીજ સૂચના છે કે સાધનચતુષ્ટય છતાં મલિન સંસર્ગથી સર્વથા દૂર રહેવું તેનું તત્ત્વ પણ એ ઉદ્દેશાનુસાર છે. માણસો એમ માનતાં આવ્યાં છે કે પલિતો સાથે સંસર્ગ થયા પછી તેમનીજ યોનિમાં જઈ અધોગતિ પામવી પડે છે, શું માણસો એમ માને છે કે એક અલ્પ જીવનમાં એવો સંસર્ગ થવાથી અનન્તભવ બગડે ? એવાં ક્તબીજ પ્રમુખ પિશાચને વિવેકખ્યાતિ થતી નથી. મનુષ્યને થાય છે, એટલે પોતાના ભાવિનો નિર્ણય તો મનુષ્યજ કરી શકે, અન્ય નહિ. ત્યારે યદ્યપિ મેં આ પિશાચ ગણના મુખ્ય ક્તબીજ પાસેથી મૃત્યુને હઠાવવાના પ્રભાવવાળું દાન લીધું છે, તથાપિ શું હું એમ ન માની શકુ કે હજી મારામાં એ પલિતના અધિકારમાંથી મુક્ત થવાનું સામર્થ્ય છે ? ત્સ્યેન્દ્ર સ્પષ્ટ ઉત્તર આપ, કેમકે મારી ચોપાસ જે અંધકાર વીટાયલો જણાય છે, તેમાં મને મારા બાલકની વિશુદ્ધ દૃષ્ટિ વિના અન્ય કાંઈ દેખાતું નથી. મારા હૃદયના ધબકારા વિના બીજું કાંઈ સંભળાતું નથી. અહો ! પ્રેમશૂન્ય જ્ઞાનના ધણી ! યથાર્થ ઉત્તર આપ.

મત્સ્યેન્દ્રે ગુલાબસિંહને લખેલું પત્ર

સ્થલ, શ્રીનગર.
 

પતિત મિત્ર ! તારા ભાવિમાં દુઃખ, હાનિ, મરણ, એ વિના બીજું કાંઈ મને જણાતું નથી. અરે ! તેં પણ છેવટે શિવસ્થાન મૂક્યું ! અનામિક સત્ત્વો જે કેવલ વિશીર્ણ થઈ તને માર્ગ આપતાં તેજ એવાં દૃઢ થઈ શક્યાં કે તેમના ઉપર તું અથડાઈ પડ્યો ? તે આપેલો શિષ્ય જ્યારે મારા હિમાલયના સ્થાનમાં ભાન ખોઈ મરણતોલ થઈ પડ્યો ત્યારે મને તો ખબરજ હતી કે એનો આત્મા આવા જ્ઞાન માટે યોગ્ય થયો નથી, કારણ કે ભય છે તેજ મનુષ્યને પૃથ્વી તરફ ખેંચીને બાંધી રાખે છે. જે ભય પામે છે, જેનામાં સાહસ નથી, તે ઉડી શકતાં નથી. પણ તું સમજતો નથી કે પ્રેમ એટલે ભય ? –પ્રેમ કર્યો ત્યાંથીજ તારું સામર્થ્ય ગયું.

પ્રેમ અને ભય વચ્ચે તું ભેદ શા માટે માને છે ? હૃદયના પ્રકાશમાંથી જો કે સર્વ વિશુદ્ધિ ઉદ્ભવે છે તથાપિ એકલા હૃદયને જ વશ થવું એ અંધતા છે. હૃદય પણ હૃદયને ઓળખે, પોતે પોતાને જાણે, તે અર્થે જ્ઞાનના પ્રકાશની અપેક્ષા છે. જે શંકા અને ભયથી હૃદયનો પ્રદેશ સંકોચ પામે છે તેમનો સમૂલ વિનાશ સાધવાને જ્ઞાનના અગ્નિની જ્વાલા આવશ્યક છે. જ્ઞાનનો માર્ગ તને શુષ્ક જણાય છે, ને તું હૃદયાનુગામી થઈ કાન્તિ, સૌંદર્ય, સ્વાર્પણ એવી ભાવનાઓની પૂઠે પલાય છે, તથાપિ જ્ઞાનના પ્રકાશ વિનાજ તું આ રીતે અથડાઈ પડ્યો છે. તારા હૃદયની અગાધ એક્તાનતા અને ભક્તિએ તને સિદ્ધિને શિખરે પહોંચાડ્યા છતાં જ્ઞાનના પ્રકાશની ન્યૂનતાથી તારો પગ ઉંડી ખીણોમાં નહિ તો ઉતળા ખાડામાં પણ લપસી જાય છે. શંકા અને ભય ઉપજાવનાર સંકોચ તને દબાવી શકે છે, સૌંદર્યની શોધના તાનમાં રાસ જોવા જતાં અન્ય સૌંદર્યના ક્ષોભથી આર્દ્ર થઈ જવાને પરિણામે તારે કેવો કલેશ ઉઠાવવો પડ્યો છે ! બસ ! અત્ર વધારે લખી શકાતું નથી.

મલિન સત્ત્વો તારા ઉપર અધિકાર પામ્યાં છે, તે તને છેતરશે, ફસાવશે. એક ક્ષણ પણ ખોયા વિના તુરત મારી પાસે આવ. મારીને તારી વચ્ચેનો ભાવ હજી પણ સિદ્ધ હશે તો તું મારી દૃષ્ટિએ જોઈ શકશે, અને હજી અપરિપક્વ એવાં તારાં ભાવિ દુઃખાદિને તું જોઈ નિવારી શકશે. માનુષસુખનાં બંધનમાત્ર કાપીને દોડ. એ સુખમાં તો તારી દિવ્ય દૃષ્ટિ જશેજ જશે. ભય ને આશા, તૃષ્ણા અને ભોગ, બધું મુકીને આવ, એકલો આવ, જે શુદ્ધબુદ્ધિસ્થાનમાં મન વસે છે ત્યાંથી તે હજી પણ આગળ જોઈ શકશે ?