ગુલાબસિંહ/તરંગ ૭:ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર
← નીચની નીચતા | ગુલાબસિંહ ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર મણિલાલ દ્વિવેદી |
પશ્ચાતાપના અંકુર → |
પ્રકરણ ૩ જું.
ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર.
તને સ્મૃતિ છે? મહાભારતનું યુદ્ધ થવાને સમયે આપણે હસ્તિનાપુર પાસેના વનમાં સમાધિમાં બેઠા હતા, અને સ્થૂલ શરીરને મૂકી ક્ષણ વાર આકાશમાં વિહરી ભાવિના વિવિધ બનાવોની વાર્તા પ્રત્યક્ષ રચાતી હતી તે જોઈ આવ્યા હતા ? એની એજ વાત યોગિનીપુરમાં યોગિનીઓના પ્રતિનિધિ વીરભદ્રે પૃથિરાયને પણ કહી બતાવી હતી. એ આજ પ્રત્યક્ષ થઈ છે. જયચંદની કન્યાને લાવવામાં ઘણાક શૂરાઓને ઘાણ નીકળી ગયો છે, અને ચોહાણે વિષયલંપટ થઈ ભૂરા સામતોને ખીજવ્યા છે; જેથી જયચંદ વગેરે એ બંદા નામના મુસલમાનની ખટપટને વશ થઈ મ્લેચ્છોને હાથે યોગિનીપુર ડુબાવ્યું છે. શું દેખું છું? સંયોગતા રૂપ સાક્ષાત યોગિનીને ઓળખતાં પૃથુરાજે તેનું ખપ્પર ભરી આપ્યું! ચોપાસ મારામારી, કાપાકાપી, રુધિર, અને યમરાજની પ્રતિચ્છાયા ! રજપૂતો તો નાશી છુટા છે, મ્લેચ્છોજ સર્વોપરિ છે; કોને મારવા, કોને દાટવા, તેનીજ વાત ચાલી રહી છે ! અરે ! આર્યત્વનો આજ પરિપૂર્ણ ભ્રંશ થયો છે ! આર્યમહત્તા ગઈ છે ! તારા જેવા મહાત્માઓનો નિવાસ આ સ્થાનમાંથી ઉઠી ગયો છે ! શું થશે તે મને હવે જણાતું નથી. જે મહારાજયો આ પૃથ્વી ઉપર થઈ ગયાં. જે ભવ્ય પરાક્રમોના હવે ભણકારાજ રહ્યા છે, તે સર્વનો સાક્ષી હું આ અવ્યવસ્થા અને નિર્ધ્રુણતાના સામ્રાજ્યમાં આવ્યો છું ! ગમે તેવી સ્થિતિને પણ સુંદર કરી બતાવનાર પ્રેમ મને આટલે લાવ્યો છે, એની જ સાહાયથી મૃત્યુભુવનમાં પણ હું નિર્ભ્રાંત વિચરું છું. જે પોતેજ આખી સૃષ્ટિરૂપ થઈ રહે છે એવી એ વૃત્તિ બહુ આશ્વર્યકારક છે ! અનેકમાં પણ તે એકનુંજ સમગ્ર ભાન કર્યા કરે છે; અને આ મારા અનન્તજીવનના પરિવર્તોમાં યદ્યપિ, રાગદ્વેષ, લોભ ક્રોધ, સર્વ મરી ગયાં છે, તથાપિ તે એકલી હજી પણ સજીવ છે.
ગુરુદેવ ! મારું યોગબલ ક્ષીણ થઈ ગયું-રમાને શોધવામાં કેવલ માનુષી શક્તિજ મને કામ આવી છે–પણ મારું યોગબલ કામ આવ્યું નથી-તે ક્ષીણ થઈ ગયું; પણ મને કદાપિ નિરાશા થઈ નથી, ગમે તેવા સંકટમાં પણ મને એનો એ નિશ્ચયપૂર્વક વિશ્વાસ રહ્યાં કરે છે કે છેવટે પણ આપણે મળીશું. આ શું? એ નાશી ગઈ તેની ઝીણામાં ઝીણી વાત પણ મારાથી એવી ગુપ્ત રાખવામાં આવી છે, એવી અકાસ્મિક રીતે, એવી ગુપ્ત રીતે, એ નાશી ગઈ છે કે ગયાજીના નિપુણમાં નિપુણ રાજરક્ષકો પણ એની કશી બાતમી લાવી શક્યા નથી. મેં બધે જોયું–દિલ્લીમાં એનું ઘર છે ત્યાં તપાસ કરી–પણ વ્યર્થ ! આપણી વિદ્યાની બધી કૂચીઓમાંની એકે મારે કામ આવી નથી, એના આત્માનું દર્શન મારો આત્મા પામી શક્યો નથી, છતાં રે અપુત્ર ! એકાન્ત ! મને મારા બાળકનું પ્રત્યક્ષ ભાન રાત્રિદિવસ થયા વિના રહ્યું નથી. એ સંબંધ ઘણો ગૂઢ અને વિલક્ષણ છે. આપણી વિદ્યાથી જે પ્રાપ્ત થયું તે સ્વાભાવિક વિશ્વનિયમે કરી આપ્યું છે ! પિતાના નિતાન્ત વાત્સલ્યમય હૃદયને ગમે તેટલા દેશકાલથી પણ પોતાના પુત્રથી ભિન્ન કરી શકાતું નથી ! મારી આંતરદૃષ્ટિમાં તેના આવાસનું સ્થાન, તેનો દેશ, કશું પ્રતીત થતું નથી, જેને હજી દેશકાલનું ઓળખાણ કરવાનું છે તે તરુણનું દર્શન જ આનંદ ઉપજાવે છે, કેમકે જે હજી બાલક છે, જનહૃદયના સારા નઠારા ભાવથી અજ્ઞાત છે, તેને કોઈ દેશ કે સ્થાન પોતાનું નથી, તેનો આત્મા બધી સૃષ્ટિનો ને બધા સ્થાનનો નિવાસી છે. માટેજ અનન્ત દિક્પ્રદેશમાં મારા આત્મા સાથે તેનો આત્મા મળે છે– પુત્ર પિતા સાથે એકતા પામે છે ! પણ અરે પાષાણુહૃદયે ! અવિશ્વાસમાં ફસાઈ ત્યાગ કરી જનારી ! જેને માટે મેં અનન્ત જ્ઞાનના ભંડારની કૂંચી તૃણવત્ ત્યજી દીધી, જેના પાણિનું ગ્રહણ કર્યાની પહેરામણીમાં મનુષ્યભવને સુલભ એવાં ભય અને નિર્બલતા પ્રાપ્ત કર્યાં તેને જ એવો વિચાર આવ્યો કે એ મારા પુત્રના તરુણ આત્માને હું જે સ્વર્ગપ્રતિ દોરી જઈશ ત્યાં ભય છે !! હું માર અત્માનેજ હાનિ કરત એમ તેં ધાર્યું ! તને એટલું પણ જણાતું નથી કે જે આત્માને મેં આવિર્ભાવ પમાડ્યો છે તેની દૃષ્ટિમાં, તું તેને આ જ કેદખાનામાં બાંધી રાખવા ઈચ્છે છે તે ઈચ્છાની સામે, તિરસ્કાર, ચેતવણી, અનાદર, ભરેલાં છે. તને એટલી પણ ખબર નથી કે રોગ અને મોતના મોંમાંથી મેંજ એને દૈવીપ્રસાદથી ઉગાર્યો છે? અરે, એજ ભવ્યકાન્તિના પવિત્રદ્વારથી તારા આત્માને પણ મારા આત્મારૂપ કરવાનો મેં માર્ગ સાધ્યો છે !
પૂજ્ય ગુરુદેવ ! પ્રેમનો આવેશ મને આ રીતે બોલાવે છે, ત્યારે ગુરુ છતાં તું મારો મિત્ર છે, તને ન કહું તો કોને કહું? અનંત જ્ઞાનના વૈભવને ત્યજી પ્રેમના સુખને હવે–સમજાતા તુચ્છ સુખને–શોધવામાં જે ફલ થયું છે; ક્ષુદ્ર માનુષસ્વભાવ અધિકાર વિના ઉચ્ચતા પામી અમર નજ થાય એવી આ અવિશ્વાસના ક્રૂર કર્મથી ખાતરી થતાં, પ્રેમદ્વારા મારા જેવીજ અમરતા સુધી એને લઈ જવાની મારી આશા વ્યર્થ થઈ છે; એ સર્વથી મને આવા વિચાર આવે છે. પણ તું પૂછશે કે હું એને આ નગરમાં શા માટે શોધું છું ? મને ખબર મળી છે કે તારો શિષ્ય ગયાજી આવ્યો હતો, રમા નાશી ગઈ તે પહેલાં તેની પાસે કોઈ કંગાલ ચીથરે હાલ ભીખારી આવ્યો હતો અને મેં સાંભળ્યું ત્યારે તો તે તારો શિષ્યજ છે એમ મને લાગ્યું ન હતું. પણ જ્યારે આંતરદૃષ્ટિમાં તેની ભાવના આણવા માંડી ત્યારે તે આવી નહિ એ ઉપરથી મને નિશ્ચય થયો કે એ તારા શિષ્યનું પ્રારબ્ધ પણ રમાના પ્રારબ્ધ સાથે જોડાયું છે. મેં એની તપાસ કરી જોઈ, તો આ યમગૃહમાંજ એ છે એમ મેં જાણ્યું છે. હું કાલેજ અહીં આવ્યો છું. હજી એ મને મળ્યો નથી,
આ રાજ્યમાં ન્યાય અપાય છે તે જોવા માટે હું સહજ ગયો હતો. હવણાંજ અદાલતમાંથી આવ્યો–એ તો ખરેખરી વાઘનીજ બોડો છે, વાઘ પોતેજ પોતાના શિકારનો ઈન્સાફ કરે છે. પણ ત્યાં એ મારે જેમનું કામ છે તે કોઈ મળ્યું નથી. હજી તે નિર્ભય છે; પણ માણસો જે પાપ કરે છે તેમાં એ અનાદિ નિયંતાનું ભવ્ય ડહાપણ મને સમજાય છે. મત્સ્યેન્દ્ર ! આજજ મેં પ્રથમ એ વાત જાણી કે મૃત્યુ એ કેવી ભવ્ય અને સુંદર વાત છે ! અરેરે જ્ઞાનના ગાંભીર્યની લાલચથી આપણે મૃત્યુની પાર નીકળી જવાની કલા શીખ્યા તેથી આપણે કેવા કેવા ભવ્ય ગુણોનો આનંદ ગુમાવ્યો છે ! કોઈ સુંદર પ્રદેશમાં રહેવું એજ પરમ સુખમય હોય ત્યાં બાલક અને કાન્તિમાન્નો મોત ખાઈ જાય ! વિદ્યાના શોધમાં નિતાન્તગ્રસ્ત અભ્યાસીને જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવાના સમયમાં જ યમ ઉપાડી જાય; તે જોતાં તો અમરજીવન એજ સર્વ વાતની પ્રથમ વાત ગણાય એ સ્વાભાવિક છે. હઠયોગના અભ્યાસી થયો ચિત એકાગ્રપણાને માટે પણ શરીરને સાચવવાનો ક્રમ પ્રથમ ગણો તો તે યોગ્ય લેખાય. પણ કાલના પ્રાસાદની ટોચે રહીને હું આ સ્થાનમાં જોઈ શકું છું કે પોતાનાં પ્રેમસ્થાનો માટે જીવ આપવામાં ભવ્ય હૃદયો કેવો સ્વાર્પણમય આનંદ પ્રાપ્ત કરે છે ! એક પિતાને પોતાના પુત્રને સ્થાને જીવ આપતાં મેં જોયો—એના ઉપર એવો આરોપ હતો કે જેમાંથી એક શબ્દ બોલતાં જ તે મુક્ત થાત, એના દીકરાને બદલે એને જ તે દીકરો જાણી પકડવામાં આવ્યો હતો. પણ આવી ભૂલનો તે પિતાએ કેવા પરમાનંદથી લાભ લીધો, છોકરાએ જે દેશભક્તિ અને ભવ્ય પરાક્રમના ગુના કર્યા હતા તે તેણે પોતે સ્વીકાર્યા; અને મોતને આધીન થતાં, પોતે આપેલા જીવને પોતેજ આ રીતે બચાવ્યો તેનો તેને પરમ આનંદ થયો !. મેં જવાન, સુંદર, લાલિત્મમય અબળાઓ દીઠી; તે વિધવાઓને, પતિપરાયણ પ્રેમબદ્ધ બાલાઓને, આ રાક્ષસોએ ઘરમાંથી ઘસડી આણી નવા પતિ કરવાની આજ્ઞા કરી. પણ ઉગ્ર પ્રેમમાં પોતાના આત્માની જેણે પવિત્ર આહુતિ આપેલી એવી તેમણે ઉંચી નજર પણ કરી નહિ, આનંદથી મરણનો સ્વીકાર કર્યો ! આવું પરાક્રમ, આવું સાહસ ક્યાંથી આવતું હશે ! એવા જીવ પોતા કરતાં કોઈ ઉચ્ચતર આત્માને પોતારૂપ માને છે, ને તે માટેજ સર્વદા જીવે છે; પણ આ પૃથ્વી ઉપર અનંતકાલ સુધી જીવ્યાજ કરવું એ તે આપણા પોતાનાજ આત્મા માટે જીવવા જેવું કૃપણજીવન છે, સ્વનો વિસ્તાર કરી પરને પણ તે સ્વમાં ઉતારવાનો માર્ગ સ્વાર્પણ વિના બીજે ક્યાં છે ? આ યમગૃહમાં, આ રુધિરસ્ત્રાવમાં, અન્યાયના નિવાસમાં પણ પરમાત્મા પોતાના અનુચર ધર્મરાજાની ભવ્ય પવિત્રતા માણસોને સ્પષ્ટ બતાવી આપે છે.
તારૂં દર્શન મને પુનઃ ભાવનામાં થયું છે, મારા પ્રિય પુત્ર ! તને જોઈ મેં આશિર્વાદ આપ્યો છે, તું મને તારા સ્વપ્નમાં જોતો કે ઓળખતો નથી ! જે દિવ્ય સત્ત્વોને તારા રક્ષણ પોષણ માટે તારી આસપાસ સ્થાપવાનું સામર્થ્ય મારામાં હજી પણ રહેલું છે તેની અસર તને લાગતી નથી. અને જ્યારે તું આવી સુખમય નિદ્રામાંથી જાગે છે ત્યારે તારી આતુર દૃષ્ટિ મૌન સંભાષણથી તારી માતાને પૂછતી નથી “! તે શા માટે મને બાપ વિનાનો બનાવ્યો છે?”
રે અબલા ! તને પશ્ચાત્તાપ થતો નથી ? स्त्रजमपि शिरस्यंध: क्षिप्तांधुनोत्यहिशंकया ? —કલ્પિત ભયમાંથી તું નાઠી;–નાશીને છૂટવા જતાં સાક્ષાત્ ભયમાત્રના સદનમાં, યમનાજ ઘરમાં, તું સપડાઈ નથી ? અરે ! આપણે એકજ વાર મળીએ તો તુરત જેનો તેં વિના કારણ અપરાધ કર્યો છે તેને ભેટી નહિ પડે ! અને આ મહાભયમાં તે તારા ખરા શરણને પ્રાપ્ત કર્યું એમ નહિ માને ! મત્સ્યેન્દ્ર ! મારી શોધ હજી પણ વ્યર્થ જાય છે; હું અમલદારો, ચોર લોકો, સર્વ સાથે મળતો ફરું છું, તપાસ કરું છું, પણ મને પત્તો લાગતો નથી. એ અહીં આવી છે એમ મને લાગે છે; એક પ્રેરણાથીજ મને એવું લાગે છે, કેમકે મારા પુત્રની ભાવના મને વધારે તાદૃશ, વધારે પ્રેમમય, વધારે ઉષ્ણ લાગે છે.
આ ગામના રસ્તાઓમાં હું ફરતો હોઉં છું ત્યાં પણ છે લોકો મારા ઉપર ઝેર ને ઝેર ભરી નજરે જુએ છે, કોઈ કોઈનો વિશ્વાસ જ કરતું નથી, સર્વ પોતપોતાની મહત્તા સાધતાં બીજાની લઘુતા ઇચ્છે છે, એક દૃષ્ટિપાતથી જ હું તેમને પાછા હટાવી દઉં છું. ખરેખર વીરભદ્રે જે ભવિષ્ય ભાખ્યું હતું તેનો અમલ કરવાને જ તેણે જાણે પેલા વિકરાલ રક્તબીજને આ નગર ઉપર અધિકાર આપ્યો છે. ઉચ્ચાભિલાષી છતાં ભયનિમગ્ન રહેનારા આત્માઓ જેના ભોગ થાય છે તે રક્તબીજને જ સયોગતારૂપ ચંડીની આગળ રક્તને ટીપે ટીપે અનેકગુણ થતો હોય તેમ હું ચારે પાસા દેખું છું. હાહુલીરાય, કાફુર, 'બંદો, શાબુદ્દીન પોતે, બધાંના હૃદયમાં હું આ રક્તબીજની આંખોને દેખું છું, એની સેના એ સર્વનું રુધિર પીએ છે. શાહબુદ્દીન એમ ઈચ્છે છે કે આખી પૃથ્વી ઉપર દીન દીન થઇ જાય, બધા એક થાય. ભવ્ય ઈચ્છા ! પણ તે ક્યારે થવાની ? પોતાના શત્રુ માત્ર મરી જાય ત્યારે–એજ ભય–એજ શંકા ! માટેજ રક્તબીજ તેની છાતી ઉપર વિદ્યમાન છે.
રે રમા ! તારી નિર્દોષતાજ તને સૂચવે છે. પ્રેમમાં રહેલી મૃદુતામય માનુષ વાસનાને લીધે ઉન્નત આત્મજ્ઞાનથી જે વિમુખ રહી છે, તેને એ પવિત્ર પ્રેમનું બલજ એક કવચરૂપ નહિ થાય !