ગુલાબસિંહ/તરંગ ૭:પ્રકૃતિનો અપરાજય

← પ્રેમનો નિશ્ચય ગુલાબસિંહ
પ્રકૃતિનો અપરાજય
મણિલાલ દ્વિવેદી
નીચની નીચતા →




તરંગ ૭.

પ્રકરણ ૧ લું.

પ્રકૃતિનો અપરાજય.

ભારતભૂમિનું ભાગ્ય બદલાયું હતું. કાલચક્રના પરિક્રપણમાં ભારત હવે ઉતરતે આટે ગરબડતો હતો, જે કુરુક્ષેત્રમાં ભારતનું ભાવિ અનેકવાર રોળાયું છે ત્યાં હવે ભારત ઉપર અંધકારનો વિજય થયો હતો. કનોજના યચંદની કન્યા સંયોગતા સાક્ષાત્‌ મહાકાલીરૂપ ભૂભાર ઉતારવાનેજ અવતરી હોય તેમ રજપૂત કુલના મુકુટને ધૂળ ભેગાં કરી, એકના એક રાજસિંહને પોતાના પાળેલા શ્વાન જેવો બનાવી દેઈ તૃપ્ત થઈ હતી. જે પરાક્રમ અને સંપ આખા આર્યાવર્તને આજ પણ પરમ સુખમાં સાચવી શક્યા હોત તેનો વિનાશ એક સંયોગતાનો હાથ ઝાલવામાં થઈ ગયો હતો; પૃથુરાજ અને સંયોગતાના સંયોગમાં ભારતભૂમિના ભાગ્યનો વિયોગ થઈ ચૂક્યો હતો. ણવીર, હાધીર, પૃથુરાયે શા માટે આમ થવા દીધું ? પ્રેમને આધીન થઈને તેણે ચંદવરદાયીનાં વચનનો આદર ન કર્યો, હાવીરની ભવિષ્ય વાણી ઉપર ધ્યાન ન આપ્યું — સંયોગતાએ તે સિંહને પાંજરા બહાર જવા દીધોજ નહિ. આ તે પ્રેમ કે કાળો કેર ! ચંડિકાએ પોતાનું ખપ્પર ભર્યું ! પરસ્પરના દ્વેષ અને કલહને સમગ્ર દેશના ભાવિને અર્થે તજી ન શકનાર યચંદ તેં રાજસૂયયજ્ઞ કરી પૃથુરાયનું અપમાન કરી મ્લેચ્છોનો પક્ષ કરતાં ભારતને કેવી વિટંબનામાં નાખ્યો છે તે તારો આત્માં જાણે છે !

બંદો જયચંદને મળતો રહેતો હતો, જયચંદની સલાહથી, પોતે સામા પક્ષમાં સામીલ નહિ થાય એવી અનુમતિથી, પશ્ચિમ દિશામાં વાદળાંની પેઠે ચઢી આવતાં મુસલમાનનાં ટોળાંનો વર્ષાદ ભારતધરા ઉપર પડ્યો. પૃથુરાજ જાગ્યો; પણ વ્યર્થ ! સંયોગતાએ રજપૂતાણીનું પરાક્રમ બતાવ્યું પણુ બહુ મોડું ! ચંદવરદાયી, પૃથુરાજા, બધા પરસ્વાધીન થઈ ગયા, હાબુદ્દીનના કેદખાનામાં પડ્યા. દિલ્હીમાં જ્યાં જોઈએ ત્યાં મુસલમાન અને મુસલમાનજ વ્યાપી ગયા, આપણે આર્યભૂમિનો શાન્ત સમય તજી આ ઘોર વિપ્લવના ભયંકર સમયમાં આવવું જોઈએ. આપણી વાર્તાનો સંબંધ હવે તેની સાથે છે, તે વિપ્લવમાં જ આપણાં નાયક નાયિકા — ગુલાબસિંહ, મા તેમનો પણ વિપ્લવ છે.

રજપૂતો છુપા છાના આમ તેમ રાત્રીએ દિવસે ભરાતા રહે છે. અનેક વિચાર, વિતર્ક, આ પરાજયમાંથી છૂટા થવા માટે યોજે છે, પણ કાંઈ ઉપજતું નથી. હજારો મુસલમાનોના ટોળા વચ્ચે થઈને તેમનામાંના સો માણસોએ સંયોગતાને તેની દાસીઓ સાથે યમુનાતટે સતી કરી તે સમયથી ક્ષત્રિય અને મુસલમાનો વચ્ચેનો વિરોધ બહુ તેજ ઉપર આવી ગયો હતો. કાજીઓએ શાહને સમજાવી સતી થવાનો પ્રચાર બંધ કરવાનું ફરમાન કઢાવ્યું હતું, હિંદુઓના દેવાલય, ધર્મસ્થાન, બંધ થયાં હતાં, મુનાનું પવિત્ર જલ પણ ગોવધથી અપવિત્ર થઈ ગયું હતું. રજપૂતોના પ્રાણ ગયા વાંકે રહ્યા હતા, નિત્ય પાંચ પચાસ મરતા હતા, ઠામ ઠામ બખેડા ચાલુ હતા. પ્રજા શાન્તિથી વશ થાય તેમ ન હતી, એટલે જુલમનું જોર ચોપાસ વગર કાયદે નજરમાં આવે તેમ ચાલવા માંડ્યું હતું.

બંદાનું આ સમયમાં અધિરાજ્ય થવાનો સંભવ ન હતો. તેનો શેઠ આ લડાઈમાં કપાઈ મુવો હતો, અને તેનો જે નાસ્તિક મત હતો તે હવે હાબુદ્દીનની કચેરીમાં વગ ધરાવતો ન હતો. બંદાને ‘કાફર’ ભેગોજ ગણવામાં આવતો, અને કાફુર નામના ન્યાયાધીશ–કાજી–ને જેટલા કાફર હાથ આવે તેમને ગરદન મારવાની આજ્ઞા કરવાનું કામ સોંપેલું હતું, જેનો અમલ કરવામાં તે જરા પણ પાછો હઠે તેમ ન હતો. આ ઉપરથી બંદો પોતાના શત્રુરૂપ આ કાફુરનો ઘાટ કરવા ફરતો હતો કે, એમ કરતાં વખતે પોતે કોઈને પ્રિય થઈ સંકટમાંથી ઉગરી જાય. લાલાજી પણ બંદાની સાથે આ તોફાનમાં પડેલો હતો, એટલે એ પણ આ સમય ઉપર દિલ્હીમાં જ હતો. કેટલાક ફકીર અને ઓલીઆઓની મદદથી પોતાને કાંઈક લાભ થવા માંડ્યું છે એવું કહીને લાલાજીએ મુસલમાન થઈ જવાનો વિચાર ઠેકાણે ઠેકાણે જણાવવા માંડ્યો હતો, તેથી એને કાંઈ ભય રહ્યું ન હતું. માને પણ નસાડી લાવનાર લાલોજ હતો, એ આપણે જાણીએ છીએ. તે બીચારીને પણ, પાણિપતના મહાયુદ્ધ પહેલાં થોડાક જ દિવસ આગળથી, લાલાએ દિલ્હીમાં લાવીને રાખી હતી.

યુનાના તટ ઉપરની એકાન્ત ધર્મશાલામાં લાલાએ મુકામ રાખ્યો હતો. સાથે પોતાની પ્રિયતમા પેલી હિમાલયમાંની ગાપિકા પણ હતી.

“પ્યારા ! ખુબ યાદ રાખજે કે અહીંથી તારે નાશી જવું હોય કે રહેવું હોય, કે મરવું હોય, તો તે બધામાં હું તારી સાથે જ છું, તારી છું, એની તો તને ખાતરીજ છે કે નહિ ?”

“મધુરી ગોપિકા ! એ વાતનો મેં કોઈ વાર સંશય આણ્યો છે ?”

“તને મારા પ્રેમ ઉપર સંશય નથીજ — પણ તું દગો દેતાં ચૂકતો નથી. તું મને એમ કહે છે કે આ ઠેકાણે રહેવામાં હવે સુખ નથી, હાલ આપણે કહીંક નાશી જવું જોઈએ, તે મારે કબુલ છે, પણ તું કહે છે કે આપણી સાથે એક બીજી સ્ત્રી પણ આવશે. એ શું ? મારાથી તો એવું સહન નહિ થાય.”

એટલું બોલીને પેલી ગોપિકા શાન્ત થઈ ગઈ અને જે પલંગ ઉપર પડી હતી તેમાંજ મોઢા ઉપર ગોદડું ઓઢીને પડી. કોઈક અંદર આવ્યું તેના ઉપર પણ એણે લક્ષ આપ્યું નહિ.

બંદાએ અંદર આવતાંજ લાલાજીને કહ્યું “ભાઈ રામરામ કહેવા જેટલોએ વખત નથી. અત્યારે છીએ ને પળમાં ન હોઈએ. હવાનું ઠેકાણું નથી. શું થશે તે કહેવાતું નથી.”

“આપણાં જ કર્યાં આપણે ભોગવવાં, વાઢે તે વહે.”

“છતાં અજાયબીની વાત એ છે કે કાફુર પોતે પણ પોતાનું માથું સલામત ગણતો નથી; એજ માણસ ઘણામાં ઘણો ખરાબ છે; એજ દિલ્હીનો દુશ્મન છે."

લાલાજીએ કાંઈ ઉત્તર આપ્યું નહિ.

લાલાજી ! હું ઘણી વાર વિચાર કરૂંછું કે કયા ભાગ્યશાલી રજપુતની રેખામાં આ યશ લખ્યો હશે ! એ વિચારમાંજ હું અહીં આવ્યો છું.”

“અહીં આવવાથી શું લાભ છે ? તારે પોતેજ કાજીને ઘેર જવું હતું.”

“તે બને એવું નથી; મને બધા ઓળખે છે, મારા ઉપર સર્વને અવિશ્વાસ છે. તમે અજાણ્યા છો, કદાપિ કોઈ તમને ઓળખે તો પણ તમારો સર્વને વિશ્વાસ છે—”

“બસ, બસ, બંદા બંધ કર, હું શું ખૂન કરનાર નીચ દુષ્ટ માણસ છું ? પેલા રાજમહેલના શિખરેથી રણતૂર વાગવા દે, ને પછી જો કે લાલાજી રજપૂતોમાં મોખરે ચઢે છે કે પાછળ પડે છે; પણ આવી નીચ વાત મારા આગળ કરીશ નહિ.”