ગુલાબસિંહ/તરંગ ૭:ભલાઈનો બદલો

← પ્રેમ અને વૈર ગુલાબસિંહ
ભલાઈનો બદલો
મણિલાલ દ્વિવેદી
છેલી મુલાકાત →


પ્રકરણ ૬ ઠું.

ભલાઈનો બદલો.

શાહબુદ્દીન મહંમદ ગોરિએ દિલ્હીમાં પોતાનાં જંગલી ટોળાંને જે તૃપ્તિ આપવા માંડી હતી તેમાં રાજપૂતોનો વિનાશ કરી, અગીઆરમી વખતના મહાભારત પ્રયત્નથી પ્રાપ્ત થયેલી ગાદી સાચવી રાખવા જેટલી નિર્ભયતા પ્રાપ્ત કરવી એજ તેનો હેતુ હતો. હાહુલીરાય વગેરેએ તેને પૃથુરાજની પ્રેમાસક્તિની વાર્તા સમજાવી સુસાધ્ય વિજય પ્રાપ્ત કરાવ્યો, તેમ નોજના યચંદ આદિએ પણ રજપૂતોમાં પરસ્પર વૈરભાવ વિસ્તારી યવનોને વિજયનો માર્ગ સુતર કરી આપ્યો હતો. તે પણ ગોરીના મનમાં રજપૂતોની ખટક સાલ્યાં કરતી હતી અને કેદ પકડેલા પૃથુરાજ તથા ચંદવરદાયી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી રજપૂતો ગમે તેવી પણ પરસ્પર કલહની વાતને વીસારે પાડી એકત્ર થઈ તેને બારમી વાર હાકી કાઢશે એવું તેને પૂર્ણ ભય હતું. પરંતુ પૃથુરાજ અને તેના માનીતા, કે આખા રજપૂત વર્ગના માનીતા કવિનો નાશ કરવો એ નાની વાત ન હતી, રજપૂતો જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી તેમનો વિનાશ કરતાં વખતે પોતાનોજ વિનાશ થાય એવી ભીતિ તેના મનમાં વસી ગઈ હતી. આ કારણને લીધે તેણે પ્રથમથી જ ધર્મનો ડોળ ધારણ કર્યો હતો, અને પોતાના છુપા જાસુસોને પણ તે ડોળથીજ વર્તવાનું પ્રેરી પાછલાં ત્રણ ચાર વર્ષથી તેણે કામ લીધું હતું એમ આપણે બંદાની વાક્‌ચાતુરીમાંથી જોઈ આવ્યા છીએ. રજપૂતોની ઉદાર ઉચ્ચવૃતિ અને ઈતર લોકોની સામાન્ય દશા તેનો લાભ લેઈ એવા જાસુસો અંદર અંદર વિરોધ કરાવવાનાં બીજ સર્વત્ર વાવતા હતા, અને તેમણેજ અનેક ગુપ્ત યોજનાઓથી પૃથુરાજ અને જયચંદ વચ્ચે વૈર બંધાવવાની યુક્તિ રચી આપવામાં ભાગ લીધો હતો. કહે છે કે યચંદે પોતાની પુત્રી સંયોગતાના વિવાહ માટે જે સ્વયંવર કર્યો, અને તેને અંગે રાજસૂય યજ્ઞ કર્યો તેમાં પૃથુરાજ ન આવ્યો એટલે તેની જે સોનાની મૂર્તિ દ્વારપાલ રૂપે કરીને ઉભી રાખી તેનું સોનું જ ગોરી પાસેથી આવ્યું હતું, એ લોકો “ મનુષ્યમાત્ર એક છે ” “ બધા ભાઈ છીએ” એવી પોતાના ધર્મની મહત્તાની વાતોથી, સામાન્ય જનોને યવનાગમ ઉપર રુચિ કરાવતા અને મોટા સમર્થ પુરુષોમાં અનેક યુક્તિ પ્રયુક્તિથી વૈરભાવ ઉપજાવતા, તેમણે આવાં જે બીજ રોપેલાં તેના ફલરૂપે ગોરી શાહને દિલ્હી હાથમાં આવી, ને પૃથુરાજ કેદ પડ્યો જ્યારે જ્યારે પણ આ દેશ અંદર અંદર કુસંપમાં પડ્યો છે, ત્યારે ત્યારે સર્વદા પરચક્રને આધીન થયો છે ? હા ! ભારત ! તારી એ દીનતા મટશે ?

ગોરી બાદશાહે વીણી વીણીને મહોટા મહોટા રજપૂતોને રાજદ્રોહી ઠરાવી ઠાર મારવા માંડયા હતા. એજ સમયમાં રજપૂતાઈ હીન થઈ ગઈ. તેનું સત્વ સુકાઈ ગયું, તેનું પરાક્રમ ક્ષીણ થઈ ગયું. મરતી મરતી પણ જે કાંઈ રહી તેણે અકબરના વખતમાં પોતાનું સત્વ બતાવી, ઔરંગજેબના સર્વભક્ષી લોભ અને દ્વેષમાં પોતાના સર્વસ્વનો હોમ આપી, આર્યાવર્તને હંમેશને માટે નિ:સત્વ, નિર્વીર્ય, પરદેશીઓના પગ આગળ વારા ફરતી અથડાતો મુક્યો? જે જે રજપૂતો આર્યધર્મની મહત્તા બતાવે. પ્રાચીન રાજ્યની હિમાયત કરે, તે બધાનાં નામ ગુપ્ત રીતે ગોરી બાદશાહની પાસે આવતાં હતાં, અને તેમને લાગ જોઈને કાફુર કાજીના આગળ રાજદ્રોહના ગુનાહ માટે ઉભા કરવામાં આવતા હતા; જેનું કોઈ હોય નહિ તે ગરદન મરાતા હતા, બાકીના કેદમાં સડતા હતા, પરંતુ હજી ભયભીત યવનનું મન નિર્ભય થયું ન હતું, પૃથુરાજનું શું કરવું તેની તેને સુજ પડતી ન હતી,

કાફુરકાજી હમણા જ પાદશાહની પાસેથી આવીને પોતાના ઘરમાં એકાન્ત ઓરડામાં પલંગ ઉપર પડ્યો છે. એનું મુખ કરમાઈ ગયું છે. હૃદય ધડકી રહ્યું છે. અને મગજમાં વિલક્ષણ વિચારો ચાલી રહ્યા છે. 'યા અલ્લાહ ! મારે હાથે આવા ગેરઇનસાફ ક્યાં સુધી કરાવશે ? મારું મોત થાય તો પણ સારી વાત છે:—પણ કાફર લોકને તો મારવા જ જોઈએ, આ રાજ્ય જો નહિ જામે, તો દીન કેમ પ્રવર્તશે ? સર્વત્ર એકતા કેમ જામશે ? બાદશાહ સલામત સાચું કહે છે કે કાફરોને મારી નાખ્યા વિના દીનની ચઢતી થવાની નથીજ.” આવા તર્ક કરે છે એટલામાં એક જાસુસે આવી ખબર આપી “ મહેરબાન ! આપને કોઈ મળવા ઈચ્છે છે.”

“આવવા દે, પણ જોજે પાસે કોઈ હથીઆર ના હોય.”

“એ તો કોઇ બિરાધર છે, તો પણ જોઇશ.”

કાજી સાહેબ ઉઠીને બેઠા થયા, પાસે હુકો ૫ડ્યો હતો તેની નળી મોઢામાં લઈ, ગંભીર આકૃતિથી આવનારની રાહ જોતા બેઠા, બંદો આવી સલામ કરીને ઉભો.

“કેમ ! શી ખબર છે ?” “સાહેબ ! આપને સલામ કરવા આવ્યો છું.”

“તું તો પેલા કાફરોનો પરવરશ કરનાર” કાજીએ જરા વધારે બારીકાઈથી બંદાનો ચહેરો અવલોકી, કહ્યું “બેવકૂફ મનસૂરનો ચેલો છે; તારોજ અમારે ખપ હતો. બોલ શા માટે આવ્યો છે? એ મનસૂર મારો દુશ્મન છે, બાદશાહના આગળ મારી ચાડી કરે છે, એનો ને તારો હવે વખત આવી રહ્યો છે.”

" અરે મેહેરબાન ! મનસૂરનો કે મારા સગા બાપનો પણ હું ભરોસો કરતો નથી. હું તો આપનીજ નોકરીમાં તૈયાર છું અને અત્યારે પણ આપને ઘણી જરૂરની ખબર આપવા આવ્યો છું” એમ કહી બંદાએ લાલાના ઘરમાંથી આણેલા પેલા કાગળો કાજીના પલંગ ઉપર મૂક્યા, ને કહ્યું “ આ કાગળોથી આપના સમજવામાં આવશે કે હજી કીયા કીયા રજપૂતો ને મુસલમાનો કોની કોની સાથે કાવતરાં કરે છે. "

" ત્યારે આ લાલો કોણ છે ? ”

" યપુરનો ચીતારો છે–રજપૂત છે.”

“આટલી બધી લાગ વગ વાળો છે. ત્યારે તો એને જયપુરના મહારાજા વિષે તેમ બીજા જે જે રાજા આપણા દોસ્ત હોવાનું કહે છે તેમના વિષે પણ પૂરેપૂરી ખબર હશેજ.”

માટે તો હું આ કાગળ લાવ્યો છું; એ લાલાજી મારો પરમમિત્ર છે, પણ જ્યાં આપણા દીનની વાત આવી ત્યાં હું મિત્રની કે કોઈની દરકાર કરતો નથી. આપ એમાં જુઓ કે પૃથુરાજને છોડાવી જવા માટે અને બાદશાહને નુકસાન કરવા માટે દુશ્મનોએ કેવી યુક્તિ લડાવી છે, અને આ લાલાને અહીંઆ તે યુક્તિ પાકી, ગોઠવવાને કેવો રાખેલો છે ?” કાજીએ કાગળો ઉપર નજર ફેરવી જઈ કહ્યું “ ખરી વાત છે, આ લાલો ક્યાં રહે છે?

બંદાએ લાલાજીનો પત્તો બતાવી કહ્યું “ એ માણસ હંમેશાં એક સ્ત્રીને મળે છે, ને તે સ્ત્રી ઘણી નિર્દોષતાનો વેષ કરી ગરીબાઈના ડોળથી રહે છે, પણ કાવતરામાં પૂરેપૂરી સામીલ છે.”

" બંદા ! તારા ઉપકારનો બદલો વાળવામાં અમે ચૂકીશું નહિ, તું ખરો વફાદાર છે, તારા ઉપર અમને હવે કશો અંદેશો નથી.”  આવું કહ્યું એટલે બંદો સલામ કરીને બહાર નીકળ્યો. તુરતજ કાજીએ પોતાનાં ખાનગી માણસોને બોલાવી કહ્યું “આ તમારૂં ફરમાન, એને આધારે પેલા બંદાને પકડીને એકદમ કેદ કરો; અને આ બીજા ફરમાનને આધારે આ યપુરીઆને અને એની કઈ રાખ છે તેને પણ લાવીને કેદખાનામાં દાખલ કરો. એમને કશું કરશો નહિ, કેમકે એમની પાસેથી ઘણી અગત્યની વાતો કઢાવવાની છે, પૃથુરાજની સાથે એમનું જે થવાનું હશે તે થઈ રહેશે.”

માણસ નીચો નમી સલામ કરીને ચાલ્યો ગયો. કાજીએ અલ્લાહ્‌ની ફરીથી બંદગી કરી પોતાના મનમાં સંતોષ માન્યો કે આ કાવતરું જે મહોટામાં મહોટું છે તે આ પ્રમાણે ભાંગી નાખીશું અને બે ચાર જણને ગરદન મારીશું એટલે પૃથુરાજનો કાંટો કાઢી નાખતાં વાર નથી, અને પછી મારે આ કામમાંથી છૂટા થવામાં પણ બાધ નથી.