ગુલાબસિંહ/તરંગ ૭:રક્તબીજનો સંહાર
← છેલી મુલાકાત | ગુલાબસિંહ રક્તબીજનો સંહાર મણિલાલ દ્વિવેદી |
ખટપટ → |
“જવાન જયપુરવાસી ! આ ઠેકાણે કશી ભીતિ રાખીશ નહિ” એમ ગુલાબસિંહે લાલાજીને એક ખૂણામાં પડેલી ગાદી ઉપર બેસવાનું આંગળીના ઈશારાથી બતાવતાં ખાતરીપૂર્વક કહ્યું, અને ઉમેર્યું કે “આવી અણીને વખતે પણ હું તારા ભેગો થઈ ગયો તે મહોટું ભાગ્ય માનજે.”
“આપણે એક એકનું મોઢું જ કોઈ દહાડે પણ દીઠું ન હોત તો વધારે ભાગ્યની વાત હતી. છતાં જે અપશુકનીઆળ પુરુષની જાતથી જ મારાં દુઃખમાત્ર ઉદ્ભવ્યાં માનું છું તેનું વદન મારા અંતસમયે એક વાર ફરી જોવાથી મને સંતોષ થાય છે. આ ઠેકાણે તો હવે તું દ્વીઅર્થી શબ્દોથી અને તારી જ્ઞાનરહસ્યની ગપોથી મને છેતરીશ નહિજ એમ આશા રાખું છું. આપણે છૂટા પડીએ તે પહેલાં જ તારે તારી પોતાની નહિ તો મારી ઝીંદગીની આંટી તો ઉકેલી આપવી જ જોઈએ.”
“તારે બહુ કષ્ટ અને પીડા વેઠવાં પડ્યાં ! રે દુર્બલ સાધક ! તારા મોઢા ઉપરથી જ તેનું અનુમાન થઈ આવે છે પણ એમાં મારો વાંક શા માટે કાઢે છે? તારા આત્માની ઉત્કંઠા તને ક્યાંની ક્યાં લઇ જશે એ વાતની મેં તને પ્રથમથી જ ચેતવણી આપી ન હતી ? તારે આ માર્ગમાં પડવું નહિ એમ મેં પ્રથમથી કહ્યું ન હતું ? સાધનક્રમ ઘણો વિકટ, ભયંકર, અને અતીવ કષ્ટસાધ્ય છે એમ તને મેં સમજાવ્યું ન હતું ? અરે તને અટકાવવાના ઉદ્દેશથી, જે હૃદયના સમર્થ પ્રેમવાહમાં તે હૃદય પાસે હતું ત્યાં સુધી. મારો અખંડ આત્મા વિલીન થઈ પરમ પ્રમોદ પામતો હતો તે હૃદય પણ તારે સ્વાધીન કરવાનું મેં કહ્યું ન હતું ? છતાં દીક્ષા લેવા માટે તેં તારી સ્વતંત્ર ઇચ્છાથી જ નિશ્ચય કર્યો ન હતો? તારી સ્વતંત્ર ઈચ્છાથી જ તેં મત્સ્યેન્દ્રને તારો ગુરુ કર્યો અને એની વિદ્યાના અભ્યાસમાં લક્ષ પરોવ્યું !”
“પરંતુ એ વિશૃંખલ અને અપવિત્ર જ્ઞાનની વાંછના મારા મનમાં ક્યાંથી પેદા થઈ? તારી નજર મને લાગી ત્યાં સુધી તે વાતો મારા લક્ષમાં પણ ન હતી, તારા જાદુથી જ હું તેની અસરોમાં ઘસડાઈ ગયો.”
“તું ભૂલે છે—વાંછનાઓ, વાસનાઓ, સંસ્કારરૂપે તારામાં હતીજ; અને આ માર્ગ કે અન્ય માર્ગે પણ અવશ્ય તેમણે બલાત્કારે પણ પોતાનો માર્ગ કર્યોજ હોત. અરે મર્ત્યપ્રાણી ! તું તારા અને મારા જીવિતની આંટી ઉકેલવાનું મારી પાસે માગે છે ! સન્માત્રનો જે પ્રકાશ છે, અસ્તિત્વધારી વસ્તુમાત્ર છે, અસ્તિ એવો જેના જેના વિષે પ્રત્યક્ષ થાય છે, તે સર્વ ઉપર દૃષ્ટિ કરી જો. બધે આંટીજ આંટી ભરેલી નથી ? પૃથ્વીની અંદર પડેલાં બીજ વૃક્ષરૂપે ઉદ્ભવે છે તેનો સમગ્ર વ્યાપાર તારી આંખ નિરૂપી શકે છે? એજ રીતે નીતિમય વિશ્વમાં તેમ જડવિશ્વમાં એવી એવી શકિતએ નિગૂઢરૂપે દટાઈ રહેલી છે કે જેના હીસાબે મારું સામર્થ્ય એક તૃણમાત્રજ છે.”
“ત્યારે તું તે શક્તિઓ તારામાં છે એમ માનતો નથી ? તું એક મિથ્યાચારી ધૂતારો, ઢોંગી છે એમ કબુલ કરે છે કે તું હવે છેવટ એમ પણ કહેવા તૈયાર છે કે હું તો પેલા રક્તબીજનો દાસાનુદાસ છું ?—જાદુગર, તાંત્રિક, સાધક છું, ને જે પિશાચ મારે વશ છે તેજ મેં તને વળગાડ્યું છે ?”
ગુલાબસિહે દયા અને ગંભીરતાથી ઉત્તર આપ્યું “હું કોણ છું તેની તારે કશી જરૂર નથી; તને જે પિશાચ વળગ્યું છે તે કાઢીને તને સાધારણ જનવ્યવહારના સુખમાં હું પાછો પોંચાડી શકીશ કે નહિ એટલું જ જાણવું તારા કામનું છે. છતાં મારા બચાવ માટે નહિ પણ તારી શંકાઓથી આત્મા અને આત્મબલની ઉપર જે કલંક આવે છે તેનું યોગ્ય નિવારણ કરવા હું તને કાંઈક સમજાવા ખુશી છું.”
થોડી વાર થોભી કાંઈક વિચાર કરીને ગુલાબસિંહ કહેવા લાગ્યો કે “પુરાનોમાં અને કથાઓમાં તેં અનેક મહાત્માઓનાં નામ સાંભળ્યાં હશે. કંસે કારાગૃહમાં પૂરી અનેક પ્રકારે સંભાળથી સાચવીને રાખી મૂકેલાં બહેન અને બનેવી જેના સામું જોવા પણ અસમર્થ હતાં તેવા આગળા ને તેવી ભોગળો અચેત અબળાને પેટે જન્મેલા નાના બાલકના ચરણના સ્પર્શથી તૂટી ગયાં, રક્ષકો નિદ્રાવશ થઈ ગયા, અને વસુદેવજીએ તેને હાથમાં લેઈ યમુનામાં પ્રવેશ કરવા માંડતાં યમુનાજલે માર્ગ આપ્યો. એ બાલકની શક્તિ ક્યાંથી આવી હતી ? મહાભારતના યુદ્ધમાં અનેક ચમત્કારોથી જેણે પાંડવોના પ્રાણનું રક્ષણ કર્યું, એ પુરૂષના સામર્થ્યનું નિદાન શું હતું ? ગોપીઓ સાથે વિહાર કરવા છતાં ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ઉઠાવવાની શક્તિ, કે કૃષ્ણ તો બાલબ્રહ્મચારી છે એમ કહેવરાવી યમુના પાસે ગોપીઓને માર્ગ અપાવવાની શક્તિ એક પંદર વર્ષના તરુણમાં ક્યાંથી આવી હતી? અથવા એને રહેવા દેઈ જેના સ્પર્શથી એક શિલામાત્ર પણ સ્ત્રીરૂપ થઈ અમરત્વ પામી ગઈ, જેના નામથી મહોટા પર્વતો જલમાં તર્યા, તે મહાત્માનું બલ ક્યાંથી આવ્યું હતું? તેજ વિચાર. અરે ! અનેક ઋષિમુનિઓ અરણ્યમાં પડ્યા રહી સ્વેચ્છાએ રાજભોગ કરતાં અધિક સુખ વિસ્તારી શકતા એ બલનો ભંડાર કીયા સ્થાનમાં રાખેલો છે? શું એમને સર્વને ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, –રક્તબીજની સહાય હતી ? એવી આસુરી પ્રકૃતિનાજ તે ઉપાસક હતા ? જે એકાગ્ર અભેદભય આત્મબલમાંથી એ સામર્થ્ય ઉદ્દભવે છે, જે એકાકારતામાંથી ઈચ્છા માત્ર સિદ્ધવત્ કાર્યરૂપ થવાનો સ્વભાવ ઘડાય છે, એક શુદ્ર લતા પર્ણ કે સમુદ્રકીટથી માંડીને તે મહાપર્વત કે આકાશના તારક સુધીમાં જે શક્તિ અને અનેકાનેક ચમત્કારો અને સાધનો જોઈ પ્રયોજી શકે છે, તે આત્મબળ એજ એ સર્વેનું રહસ્ય છે.
“જગતના પૂર્વયુગોમાં એવાં મનુષ્ય થતાં હતાં કે જેમનામાં જ્ઞાનની ઈચ્છા અતિ તીવ્રતમ રહેતી; તે ઈચ્છાના વેગને પર્યાપ્ત થવાના આધુનિક સમયે છે તેવાં ઐહિક વ્યવહારરૂપ સાધનો વિદ્યમાન ન હતાં, છતાં સાધનસંપન્ન થવામાં ખામી આવતી નહિ. પિતાથી પુત્રને, ગુરુથી શિષ્યને, એમ સંપ્રદાયપરંપરાએ કરીને જે રહસ્યજ્ઞાન તે સમયમાં નિરંતર જીવતું રહી સતત પ્રવાહરૂપે ચાલતું તેને કલુષિત કરવાને રાજખટપટ, જ્ઞાતિબંધન, કે પ્રાપંચિક વ્યવહારનો ક્રમ તે સમયમાં હતો નહિ. આમ હતું માટે જ તે સમયના ઇતિહાસમાં આપણે કોઈ વાર પણ પારમાર્થિક તત્ત્વદર્શનને ઘેર ઘેર ભમતું જોતા નથી. તેનો વાસ કેવલ અરણ્યોમાં અને ગિરિગુહાઓમાંજ રહેતો. જીવ, જગત્, જડ, ઈશ્વર, ચેતન, આદિનાં સ્વરૂપ અને સામર્થ્યનો વિચાર એજ તેનો વિષય રહેતો, વિશ્વના એક એક પદાર્થનું તત્ત્વ જાણવું, આકાશના ગોલમાત્રનો ચમત્કાર સમજવો, એ તેવા જ્ઞાનમાં મંડેલા મહાત્માઓનો નિત્ય ક્રમ હતો. એમાંથી જ જેને તમે જાદુ, મત્ર, તંત્ર, વામાચાર કહો છો તે ઉદ્ભવ્યાં છે. એ સમયમાં એવા મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે બ્રહ્મથી અંબર પર્યંત એકાકાર અભેદ અનુભવ્યો છે; તુચ્છમાં તુછ તૃણમાં પણ ઉન્નતમાં ઉન્નત બ્રહ્મ ભેદ પર્યંત લેઈ જવાનું સામર્થ્ય દીઠું છે અને યુગો ગયા, અનેક મહાત્માઓ ખપી ગયા, પણ આ પ્રકારે ચાલતો અનુભવ સંપ્રદાયપરંપરાથી ધીમે ધીમે વિપુલ અને પરિપૂર્ણ થતો ગયો; એમ કરતાં કેટલાકના હૃદયમાં પરમજ્ઞાનનો ઉદય થયો;–પણ જેના સ્વપ્નમાં પણ અયોગ્ય વિચાર આવી શકે, આસુરી ભાવનાનો સ્પર્શ થઈ શકે, તેમનાથી તો તે વિદૂર ને વિદૂરજ રહ્યો છે. જેમ હાલ તેમ ત્યારે પણ શુદ્ધમાં શુદ્ધ દૈવી સંપત્તિવાળાંને જ તે જ્ઞાન મળી શકતું હતું. એવા જ્ઞાનસ્થ મહાત્માઓ કોઈ ક્ષુદ્ર રાક્ષસને સહાય થવા નીચે ઉતરે તે કરતાં નિરંતર ઉપરિ ઉપરિજ જઈ સર્વ આનંદના આધારમાં એકતા પામવા યત્ન કરતા હતા; ગ્રહ નક્ષત્રાદિના તેજથી વિમુખ થઈ જેમ તે આગળ દૃષ્ટિ વધારતા તેમ તેમને પરબ્રહ્મના અભેદમય પ્રકાશનો અવર્ણ્ય આલ્હાદ અનુભવાતો. આત્મદૃષ્ટિથી જડ અને ચેતનના પ્રકાર માત્રનું દર્શન થઈ શકે છે, આત્માની પાંખને કાલ કે દિક્ એવું કાંઈ છે જ નહિ; શરીરને પડ્યું મૂકી તેમાંથી વિમુક્ત થયેલ જીવ યથેચ્છ ભ્રમણ કરી પાછો આવી શકે છે;—એવાં એવાં રહસ્ય તેમને હાથ આવ્યાં તથાપિ તેમના જ્ઞાનનો પરમાનંદ તો आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्य वच्चैनमन्य शृणोति' એવા કઠોપનિષદનુસાર ગીતાવચન પ્રમાણે આશ્ચર્યભક્તિ, અને ભજનમાંજ સમાઈ રહેતો હતો. आत्मारामापि मुनये: निर्ग्नन्था अप्युरुक्रमे कुर्वन्त्यहैतुकी भक्तिमित्थं भूतगुणो हरि:॥ આત્મામાંજ એવું તત્ત્વ રહેલું છે કે જે બાહ્યવિશ્વમાત્ર કરતાં બલવત્તર હોઈ, જગત્ની રચનામાત્રની પાર જઈ આપણને અનંત બ્રહ્માંડના એકરસ આનંદધનમાં ઝબકોળી શકે છે. જીવ જ્યારે પોતા કરતાં અધિક સત્ત્વવાળા જીવ સાથે યોગ કરે છે ત્યારે તે જે સ્થિતિમાં બંધાઈ રહેવું પડ્યું હોય છે તેમાંથી મુક્ત થઈ અધિક કરતાં અધિકતર ભણી આકર્ષાય છે, અને આત્મબલના આવા આકર્ષણના નિયમે અધિકાધિક આકર્ષણ પામતાં પરમ અભેદમાં વિલીન થઈ શકે છે. ત્યારે સમજ કે આવા મહાત્માઓને મરણથી પણ છૂટા થઈ જવાની વાત હાથ આવી, મિત્ર શત્રુ સર્વેમાં થઈ નિર્ભ્રાન્ત ચાલ્યા જવાની યુક્તિ પ્રાપ્ત થઈ, अहौ वा हारे वा એ પ્રત્યક્ષ થયું, અમે આવી રીતે મૃત્યુથી મુક્ત થઇ, અમર, ચિરંજીવ, થયા; પણ મૃત્યુથી જ નિર્બલતા, દોષ, આદિ મલ અને વિક્ષેપમાત્રનું ક્ષાલન થઈ શકે છે તે વાત અમે અમારા આનંદમાં વીસરી ગયા–”
આ વ્યાખ્યાન તો લાલાજીએ જે ધાર્યું હતું તે કરતાં કાંઈક જુદું જ નીકળ્યું, એટલે તે અવાચક થઈ સ્તબ્ધ બની રહ્યો, અને ક્ષણ પછી બોલ્યો “ત્યારે, મને શા સારુ—"
“તને શા માટે ?” ગુલાબસિંહે કહ્યું “ શા માટે રક્તબીજ અને અનંત ક્લેષ પ્રાપ્ત થયાં ? મિથ્યાભિમાની મનુષ્ય ! સામાન્યમાં સામાન્ય તત્ત્વોનો જ વિચાર કર. પ્રત્યેક શિષ્ય માત્ર પોતાની ઈચ્છાથી જ તુરતને તુરત, ગુરુ થઈ શકે છે ?— અષ્ટાધ્યાયી લખી લીધી એટલે પાણિનિ થઈ જવાય છે? બે ચાર શ્લોકો રચતાં આવડ્યા એટલે કાલિદાસ કે વાલ્મીકિ થઈ જવાય છે? ‘અહં બ્રહ્મ’ કહેતાં આવડ્યું એટલે શંકર કે વ્યાસ થઈ જવાય છે?—અરે ! આ મ્લેચ્છો અત્યારે જે સિદ્ધ થવાની વાતો કરે છે તે તરવાર અને તિરંબાજીથી થનાર છે? જે અંધેરને તે ઉખાડી નાખવાનું અભિમાન ધરે છે તેને સ્થાને બીજાં અંધેર કરતાં એમનાથી બીજું શું નીપજવાનું છે ? જે પ્રાચીન સમયની હું વાત કરું છું તેમાં, જે મનુષ્યને, તું જે ટોચ ઉપર એક કૂદકેજ જવા ઇચ્છે છે તે ટોચે પહોંચવાની ઈચ્છા હોય તેને, ગળથૂથીમાંથીજ યોગાભ્યાસ આરંભાવવો પડતું હતું. તેની દૃષ્ટિ જેમ જેમ ખુલતી જાય તેમ તેમ બાહ્ય અને આંતર સત્યોનો, વિશ્વદર્પણમાં જણાતો હોય તેમ, તેને અનુભવ જણાતો હતો. જ્યાં સુધી મનુષ્યસ્વભાવગત તે દિવ્યશક્તિ જેને તમે કલ્પના અથવા પ્રતિભા કહો છો તેમાં એક પણ ભેદવાસનાનો ઉદય થાય, જ્યાં સુધી જે સર્વદર્શી તત્ત્વને તમે બુદ્ધિ કે આત્મા કહો છો તેમાં એક પણ વિષયવાસના ઉપડે, ત્યાં સુધી છેવટના રહસ્યની દીક્ષા કઈ પણ અધિકારીને આપવામાં આવતી નહિ. અને એટલું છતાં પણ જે રહસ્યનું રહસ્ય છે ત્યાં સુધી કોણ પહોંચતા ! मनुश्याणां सहत्रेषु कश्चिद्यतति सिद्धये। यत्ततामपि सिद्धानां कश्चिम्माં वेति तत्वत:॥
આટલું કહીને ગુલાબસિંહ અટક્યો અને એના દિવ્ય કાન્તિવાળા વદન ઉપર કાંઈક શોકમિશ્ર વિચારની છાયા આવી ને જતી રહી.
“ત્યારે તારા અને મત્સ્યેન્દ્રના વિના બીજા પણ કોઈ છે કે જે તમારા બેના જેટલા જ્ઞાન, અનુભવ, અને સામર્થ્યનો દાવો કરી શકે છે?”
“અમારા પૂર્વે ઘણાએ થઈ ગયા, વ્યાસ, વસિષ્ઠ, વાલ્મીકિ, કે કૃષ્ણ, શંકર, બુદ્ધ, ક્રાઈસ્ટ, મહંમદ, અનેક થઈ ગયા, પણ હાલ તો અમે બેજ એકલા છીએ.”
“ઠગારા ! તું જ તારી મેળે તારા બોલવાને ખોટું પાડે છે, જો તમારા હાથમાં અમર થવાની, મોતની પાર જવાની, કૂંચી આવી હોય, તો તે બધા હજી કેમ જીવતા નથી ?”
"અરે એક દિવસના જતુ ! મેં તને કહ્યું છેજ કે અમારા જ્ઞાનમાર્ગમાં અમે એટલી ભુલ કરી છે કે જ્યાં ચિદ્રૂપ આત્માને આ આધ્યામિક અજ્ઞાનમય દેહ વળગેલો છે ત્યાં સુધી અંતઃકરણના ધર્મરૂપ ઈચ્છા, અભિલાષા, ઉર્મિ ઈત્યાદિ જન્ય રાગદ્વેષની વારસનાથી અત્યંત નિર્મુક્ત થવું અશક્ય છે, એ વાત અમે સ્મરણમાં રાખી નહિ. એમ તું માને છે કે માનુષસંસર્ગમાત્ર ત્યજવા, સ્નેહસુખમાત્ર ભુલી જવું, પ્રેમાનંદનું આકર્ષણ નિર્મૂલ કરવું, અથવા દિનપ્રતિદિન, સ્નેપ્રેમાદિનાં સ્થાનોને વૃક્ષની કળીઓ ખરી પડે તેમ આપણા હૃદયમાંથી ખરી પડતાં જોવાં, એમાં કશો ક્લેષ નહિ હોય? આશ્ચર્ય એમ પામ કે અમે એ હજી આવો ભાવ રાખી ભક્તિથી જગત્ને વળગી રહ્યા છીએ, અને જગત્ ઉપર દુર્લક્ષ કરી એકાન્તમાં પડી રહેતા નથી. મારે સ્વીકાર કરવો જોઈએ કે પૃથ્વીની રચનામાં હજી મને આનંદ આવે છે, વ્યવહારની પ્રાપંચિક વિટંબનાથી કે કાલમાત્રના ગમનથી જ જે અનુભવ આવે છે અને હૃદયના રાગમાંથી સ્થૂલતાનો ભાવ ઉરાડી દેઈ વ્યવહારમાં કદાપિ દૃષ્ટિએ પડે કે હાથે સ્પર્શાય નહિ તેવા કોઈ કલ્પિત જેવા અપૂર્વ આનંદમાત્રરૂપેજ હૃદયને અવશેષ કરી દે છે, તે અનુભવ વિનાની જવાની પૂરા જોરમાં હતી તે સમયે અંત્ય રહસ્ય પ્રાપ્ત કરવાથી, હું જે જે વસ્તુ ઉપર દૃષ્ટિ નાખું છું તેને મારા યૌવનનો જ રંગ લાગી રહે છે. જીવવું એજ મને અનંત ભોગ ભોગવ્યા સરખું છે. વિશ્વ ઉપર જે સુરસતા મને વિસ્તરેલી જણાતી તે હજી પણ કરમાઈ નથી, એક તુચ્છમાં તુચ્છ છોડ કે વેલો એવો નથી કે જેમાં મને કાંઈક નવો ચમત્કાર જડતો નથી. જેમ મને મારા યૌવનથી થયું છે તેમ મત્સ્યેન્દ્રને એના, વૃદ્ધપણાથી થયું છે. એને તું પૂછે તો એ તને કહેશે કે જીવનનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ એજ છે; જ્યાં સુધી આ વિશ્વના અનુભવમાત્રને પરિપકવ જ્ઞાન થયું નથી ત્યાં સુધી અન્ય જીવનની અપેક્ષા જ નથી. જે અમર છે તેના બે તત્ત્વ,– ઉપભોગમય વિશુદ્ધ વાસના અને જ્ઞાનમય તત્ત્વ–તેજ અમારા બેના પિંડમાં વિદ્યમાન જાણ. જ્યાં સુધી ગમે તેવી શુદ્ધ પણ વાસનાનું પ્રબલ છે– ધર્મ કર્મથી માંડીને તે આખા વિશ્વનું હિત સાધવા સુધીની પણ ‘અહં’ ના રંગથી રંગાયેલી વાસનાનું પ્રબલ છે—ત્યાં સુધી અંતનું રહસ્ય હાથ્ આવેલું પણ જાય છે. તત્ત્વનું પ્રબલ થતાં કેવલ નિર્વાસન થઈ જવાય અને વિશ્વના સ્વાભાવિક વ્યાપારથી ડ્રષ્ટાનો સ્વભાવ અભિન્ન થઇ થાય એ અધિષ્ટાનના અનુભવમાં સ્થિત થયાના અભેદસાક્ષાત્કારમાં તે રહસ્ય અનુભવાય છે. તને તે રહસ્ય કેમ ન મળ્યું એવી તારી જિજ્ઞાસાની પરિતૃપ્તિને અર્થે સાંભળી લે કે મનુષ્યના વ્યવહાર અને ઉદ્દેશમાં જે જે કાંઇ નિરંતર આવ્યાં જાય છે તે સર્વથી ભાવના સુપરિશુદ્ધ અને વિભિન્ન થઈ જવી જોઈએ; રાગ, દ્વેષ, લોભ, મોહ, પ્રેમ, સ્નેહ, આદિ કે ધર્મ, કર્મ, જપ, તપ, આદિ વાસનામાત્ર નિર્મૂલ થવી જોઈએ; લોભી, પ્રેમી, દ્વેષી, તેમ ધર્મઘેલા, વ્હેમી, છેવટ સુધી દુરાગ્રહી, તેને એ રહસ્ય મળતું નથી-- न शान्तिमाप्नोति स कामकामी. આટલું તને કહેવામાં મેં તને મારી સ્થિતિનું પણ કાંઈક ભાન કરાવ્યું છે. એટલે હવે ગૃહસંસર્ગના અતિ પ્રાકૃતમાં પ્રાકૃત વાસનામય વિક્ષેયમાં ફસાઈ અંધ બનેલો હું તને પૂછું છું, અસહાય અને જ્ઞાનહીન થઈ પૂછું છું. કે પરાહત અને નિષ્ફલ થયેલો તું હવે મારો ભોમીયો થા;—મને કહે કે એ બધાં ક્યાં છે ? અરે ! બોલ, ઉતાવળ કર, મારી પ્રિયા—મારો પુત્ર, ક્યાં છે? હજી પણ તું બોલતો નથી ! હજી પણ તારી ખાતરી નથી થઈ કે હું જાદુગર, ભૂત પ્રેત સાધનારો નથી. મનુષ્યરૂપે વિચરતો બ્રહ્મ રાક્ષસ નથી; તારો દુશ્મન નથી. તારી પ્રકૃતિથી જે સાધ્ય નથી તે હું તને આપવા અસમર્થ છું, ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલ મત્સ્યેન્દ્ર તને જે ન આપી શક્યો તે હું કહેવાને પણ સમર્થ નથી. પ્રકૃતિ એજ મુખ્ય છે, તારી પ્રકૃતિ તને જે આપી શકશે તેજ તું ભોગવી શકશે, ગુરુ, આચાર્ય, ઉપદેશક, તે તારી પ્રકૃતિને શું કરશે ? તે બધા તને માર્ગ બતાવશે. જેની તું ઈચ્છા કરે છે તે માર્ગ તે તારા પુરુષ પ્રયત્નને જ આધીન છે અથવા હતો, પણ જેનાથી તું મુક્ત થવા આશા રાખે છે તેનો માર્ગ બતાવવો હજી મારા હાથમાં છે, તને હું આ વિશ્વના ઉપભોગમાં રસ ઉપજાવી આપું, તારા અંતરાત્માની સાથે તને જે વિરોધ પડ્યો છે તે મટાડી આપું.”
“તું વચનથી બંધાય છે ?”
“જે મારાં વ્હાલાં છે તેમના સમ ખાઈને પ્રતિજ્ઞા કરું છું.”
લાલાજી એના મુખ સામું જોઈ શ્રદ્ધા ધરવા લાગ્યો, જે સ્થાનમાં એણે ક્યારનાંએ શોક, ભય, ત્રાસ અને વિટંબનાને દાખલ કર્યા હતાં તેનું ઠામ ઠેકાણું ધીમેથી કહી દીધું.
“તારું કલ્યાણ થાઓ” ગુલાબસિંહે આવેશમાં આવી કહ્યું “ અને અવશ્ય તારૂં કલ્યાણ થશે. શું એટલું પણ તું સમજી શક્યો નથી કે જે આંતરસૃષ્ટિ, ભવ્ય સામર્થ્ય અને અભેદાનંદની સૃષ્ટિ છે, તેના દ્વાર આગળ ભય, શંકા, ત્રાસ અને નિરાશા ઉપજાવનાર અનેક સત્ત્વો બેઠેલાં જ રહે છે ? વ્યાવહારિક જીવનની મર્યાદામાંથી નીકળી લોક અને રૂઢિની પાર જવા ઈચ્છનારને અવર્ણ્ય અને અમિત ભયનો વિપ્લવ ડુબાવી દેવા તત્પર થાય છે તેની પણ તને ખબર નથી ? તું જ્યાં જોશે ત્યાં, માણસો શ્રમ કરી કોઈ ઉત્તમતાનો અભિલાષ કરે છે તેવાં સ્થાનમાત્રમાં,—જ્ઞાનીની એકાત ધ્યાનભૂમિમાં, રાજકીય પુરુષની મંત્રસભામાં, યોધાના સૈન્યનિવાસમાં,—સર્વત્ર એ બિભીષિકા ભરાઈજ રહે છે. જ્ઞાનશક્તિરૂપ ચંડી જેનો સંહાર કરવા ઈચ્છે છે તે રક્તબીજ વાસના વાસનામાંથી અનંત ગુણ થતો જાય છે, અને નિર્ભયતા, નિઃશંકતા એજ જે જ્ઞાનમાર્ગનું રહસ્ય છે તેવા સાહસથી સાધકને વિમુખ કરી અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ બનાવી દુઃખી કરે છે. પણ સૂક્ષ્મમાં આવું થાય છે તો સ્થૂલસિદ્ધિની ઇચ્છાથી જે પ્રદેશમાં તે પ્રવેશ કરવાની ઇચ્છા કરી ત્યાં એ ભય પ્રત્યક્ષરૂપે દર્શન દે એમાં નવાઈ નથી, અને જ્યાં સુધી તે દેવરૂપ થઈ અખડૈકરસ અભેદમાં અભેદ થાય કે બાલકવત્ થઈ પુન: વ્યવહારમાં લીન થાય ત્યાં સુધી તે તને છોડનાર નથી. પણ આટલું કહે કે જ્યારે તું કોઈ શાન્તિમાં પડી ઉન્નત વિચારમાં કે આત્મધ્યાનમાં લાગતો હશે ત્યારે એ પિશાચ તુરત તારી સોડમાં જણાતું હશે અને તેને નિરાશા નિર્વેદ આદિ પ્રેરી તેની બીહામણી આંખોથી ડરાવી પાછું વિશૃંખલ મોજમઝામાં કે વ્યાવહારિક પ્રપંચમાં તાણી લાવી નિવૃત્ત થઈ જતું હશે. પણ તું કોઈ વાર એ પિશાચ અને એનાથી થતા ભયની સામે થયો છે ? તેં કોઈ વારે એમ નિશ્ચયપૂર્વક કહ્યું નથી કે ‘જે થનાર હોય તે થાઓ, હું તો સન્માર્ગનેજ, દેવીસંપત્તિનેજ વળગી રહીશ’ ?”
“અહો ! છેક હવણાંજ હું એમ કરવા લાગ્યો છું.”
“ત્યારે તને તેવે તેવે વખતે જણાયું નથી કે એ પિશાચ વધારે ઝાંખુ દેખાય છે અને એનું સામર્થ્ય ઓછું થાય છે?”
“ જણાયું છે. ”
“ત્યારે ખુશી થા, દીક્ષાના પ્રથમ ક્રમમાં જે ભય અને ગૂઢતા છે તેની પાર તું નીકળી ચૂક્યો છે. આ જન્મમાં નહિ તો અન્ય જન્મમાં પણ તારે હવે અધિકાર પ્રાપ્તિને અર્થે પ્રયત્ન કરવાની અપેક્ષા નથી. ખરેખર ખુશી થા, કેમકે હવે તને જે વળગાડ છે તે અવશ્ય જશે. પુનર્જન્મને ન માની રક્તબીજને હાથે રીબાયા કરનારમાં તું નથી. અહો ! મનુષ્યો ક્યારે શીખશે કે ધર્મમાત્ર શ્રદ્ધાની અપેક્ષા કરે છે, તે શ્રદ્ધાથી હવે પછીના જીવન માટે તત્પર થવાય છે. એટલું જ નથી પણ આ જીવને શ્રદ્ધા વિના ઉત્તમતા પ્રાપ્ત કરતું નથી. તર્ક અને બુદ્ધિના વિલાસોની ચમકતી જાલ કરતાં હૃદયના સાદા વિશ્વાસમાં કેટલું સુખ છે ! વ્યવહારમાં જડે છે તે કરતાં વધારે જ્ઞાનવાળું, વધારે દિવ્ય, વધારે આનંદમય. એવું કાંઈક માની, તેમાં શ્રદ્ધા કર્યા વિના ઉત્તમતાજ સિદ્ધ થતી નથી. એકલામાં અભિરત ઉસ્તાદો તેને ભાવના કહે છે, ધર્મગુરુઓ તેને શ્રદ્ધા કહે છે. अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति એમ કહીને શ્રીકૃષ્ણે यच्छ्रद्धः स एव सः એમ કહેવામાં “શ્રદ્દાહીનનો વિનાશ થાય છે, જેને જેવી શ્રદ્ધા તેવો તે થાય છે” એ ગૂઢ ભર્મ ઉચ્ચારતાં આનું આજ કહેલું છે. ભાવના ને શ્રદ્ધા એકજ છે. અરે ભ્રાન્ત ! પાછો જા, પરિચિત અને નિત્ય અનુભવેલા પ્રાચીન વ્યવહારમાં કેવી ખુબી છે તે અનુભવ; હે પિશાચ ! તું તારા સ્થાનમાં પાછું જા, અહો ! આકાશ, ગ્રહ, નક્ષત્ર, વિશ્વલીલા, તમે પૂર્વે આના ઉપર જેવી પ્રસન્ન દૃષ્ટિ રાખતાં તેવી રાખો, સ્મૃતિ અને આશાના દ્વૈતમય આનંદનું અદ્વૈત એને પુનઃ ચખાડો.”
આમ કહેતાંજ ગુલાબસિંહે આશ્ચર્ય પામતા અને ઉદ્દીપિત થતા પોતાના શ્રોતાના ઉષ્ણ કપોલ ઉપર બે હાથ દાબી દીધા, અને તુરતજ એક પ્રકારની શાન્ત મૂર્છામાં લાલાજી પડી ગયો. એને એવું સ્વપ્ન થયું કે હું મારો જન્મ થયો હતો તે ઘરમાં પાછો ગયો છું;- મારું પાલણું, મારો પલંગ, મારા ઉપર, જોઈ રહેતી મારી વાત્સલ્યભાવપૂર્ણ માતા, એનું એ ઘર, એનાં એ તાકાં, ગોખલા, બધું તેનું તેજ તાદૃસ્ય રીતે અનુભવમાં આવ્યું; ભયમાત્ર જતું રહ્યું, બાલ્ય, તારૂણ્ય, યૌવન, બધાં પોતપોતાની નિર્દોષ આશાઓ સમેત પુનઃ પ્રાપ્ત થયાં, અને જાણે ઈશ્વરની ભક્તિ કરવા માટે લાલાજી એકાન્તમાં સમાધાન કરીને બેઠો. કેટલીક વારે જાગ્યો, આનંદાશ્રુ આંખેથી નીગળતાં હતાં, રક્તબીજ સર્વદાને માટે લોપ થઈ ગયો હતો આસપાસ જોયું, ગુલાબસિંહ હતો નહિ, પાસેની શતરંગી ઉપર એક કાગળમાં આટલું લખેલું હતું, શીહાઈ પણ હજી સુકાઈ ન હતીઃ-
"તારે નાશી છૂટવાનાં માર્ગ અને સાધન હું યોજીશ. આજ રાત્રીએ બરાબર દશ ઘટિકા થતાં આ મકાનની સામે એક હોડી તારે માટે આવશે, તેમાં બેસજે, હોડીવાળો તને જે સ્થાને લઈ જાય, ત્યાં હાલનું તોફાન કે જેનો હવે છેડો આવ્યો છે, તે પૂર્ણ થતા સુધી રહેજે. જે વિષયાસક્તિમાં તારો વિનાશ થવાનો સમય આવ્યો હતો તેનો પુનઃ વિચાર પણ કરીશ નહિ. એણે તને ભમાવ્યો, અને એ તારો વિનાશ પણ કરત, તું સુખે જયપુર જઈ શકશે, ગતકાલનો વિચાર કરી તે કરતાં વધારે સારા થવાનો તને ઘણો સમય મળશે, ભવિષ્યને માટે તારું આજનું સ્વપ્નજ તારા લક્ષમાં રાખી ચાલજે, તારો અશ્રુ એજ તારી દીક્ષાનો અભિષેક માનજે.”
લાલાજીએ આ પત્રમાં લખ્યા પ્રમાણે કર્યું, અને તે જ પ્રમાણે બધું નીવડ્યું,