← તિલ્લુનાં તિલ્લાણાં ગ્રહાષ્ટક વત્તા એક
નવમો ગ્રહ
ચુનીલાલ મડિયા
અંતરનો આરંભ →







૮.
નવમો ગ્રહ
 

શ્રીભવનના ઉદ્યાનમાં યજ્ઞવેદીના ખોદકામ માટે કોદાળીતિકમના એકસામટા અવાજ ઊઠી રહ્યા હતા. એની સાથે તિલ્લુના નૃત્યખંડમાંથી તિલ્લાણાં ઠેકાઓ તાલ મિલાવી રહ્યા હતા.

સર ભગનના મગજમાં આ બેઉ પ્રક્રિયાઓનો કોઈ રીતે મેળ બેસતો નહોતો. યજ્ઞકુંડનું ખોદકામ ખરી રીતે તો મહાવિનાશકારી પ્રલય સામે પાળ બાંધવાનો પુરુષાર્થ હતો. એ પ્રવૃત્તિમાં સર્વનાશની, મૃત્યુના અનિષ્ટની છાયા કળાતી હતી. એ કુંડના ખોદકામમાં તિકમકોદાળીના ખડખડાટ સાથે તિલ્લુનાં નાચગાનનો ઉલ્લાસભર્યો તાલ શી રીતે મળે ?

સર ભગનની જાડી બુદ્ધિને પણ આ સૂક્ષ્મ વિરોધાભાસ સૂઝી આવ્યો, તેથી એમણે તિલ્લુ સમક્ષ ફરિયાદ કરી :

‘દુનિયા આખીનો નાશ થવા બેઠો છે ત્યારે તને આવાં નાચગાન કેમ સૂઝે છે ?’

‘સૃષ્ટિના સંહાર વખતે પણ શંકર ભગવાને નૃત્ય તો કર્યું જ હતું. માત્ર, એ તાંડવનૃત્ય હતું.’

‘પણ તું તો જમુનાતટે શ્રીકૃષ્ણ સાથે રાસક્રીડા કરતી ગોપીનું જ નૃત્ય કર્યા કરે છે.’

‘એ તો હજી સૃષ્ટિનો સંહાર નથી થઈ ગયો ત્યાં સુધી જ.’

‘અને અષ્ટગ્રહીને દિવસે એ થશે ત્યારે ?’

‘સંહાર થશે કે તુરત જ હું લાસ્યને બદલે તાંડવનૃત્ય શરૂ કરી દઈશ.’

‘પણ મને આ તારા સત્યભામાના રૂસણાંનો નાચ જરાય નથી ગમતો.’

‘પ્રમોદકુમારને તો ગમે છે ને?’ તિlલુએ પૂછ્યું અને પછી ભારપૂર્વક ઉમેર્યું :

‘પ્રમોદકુમાર તો સત્યભામા સિવાય બીજી કોઈનું નૃત્ય જ પસંદ નથી કરતા. નહિતર, શ્રીકૃષ્ણને પણ અષ્ટગ્રહીની જેમ અષ્ટ પટરાણીઓ ક્યાં નહોતી ?’

‘પણ માનવજાત ઉપર આવી આફત ઘેરાઈ રહી હોય ત્યારે તું મોહિનીઅટ્ટમમાં જ અટવાઈ રહે એ મને બિલકુલ પસંદ નથી.’

‘પણ પ્રમોદકુમારને તો પસંદ છે ને ? મારે તે પ્રમોદને પ્રસન્ન કરવો કે તમને પ્રસન્ન કરવા ?’

‘પ્રમોદને સ્તો.’

‘હવે સમજ્યા. પ્રમોદધન મુજ સ્વામી સાચા. તો એ મોહિનીઅટ્ટમને બદલે કુચી–પુડી કરવા કહે તો એ પણ નાચી બતાવવું જોઈએ.’

પિતાપુત્રી વચ્ચે આ વાતચીત ચાલતી હતી એવામાં લેડી જકલ ત્યાં આવી પહોંચ્યાં.

તિલ્લુ પિતાને કહી રહી હતી :

‘મારે તો તમે કહો એમ નહિ, પણ પ્રમોદકુમાર કહે એ પ્રમાણે નાચવું પડે.’

લેડી જકલે વચ્ચે ટહુકો કર્યો.

‘હમણાં ભલે ને પ્રમોદકુમાર તિલ્લુને નચાવે. પણ પરણ્યા પછી તો મારી તિલ્લુ જ પ્રમોદકુમારને નચાવવાની.’

‘દીકરી તો તે તમારી જ ને ? એમાં વિણામણ શાનું હોય?’

‘તે શું મેં તમને નચાવ્યા છે? એ વાતમાં શો માલ છે !’

‘પેલો ગિરજો તો આપણાં લગન વખતે જ બોલી ગયેલો કે  ભગવાનભાઈના ઘરમાં પાઘડીને બદલે ચોટલાનું જ ચલણ રહેવાનું. હવે એ ગુણ તિલ્લુમાં ન ઊતરે એ બને જ કેમ ?’

‘પ્રમોદકુમાર તો ભલો જીવ છે. અત્યારથી જ તિલ્લુનો પડ્યો બોલ ઉપાડી રહ્યા છે. એમની પેન્ટિયાકનું હોર્ન જરા કર્કશ છે એમ તિલ્લુએ કહ્યું કે તુરત પ્રમોદકુમારે એ બદલાવી નાખ્યું.’

‘જેણે ગાડીનું હૉર્ન બદલી નાખ્યું, એ માણસ બીજુ શું નહિ બદલી નાખે ?’

‘મને તો લાગે છે કે તિલ્લુનાં ભાગ્ય હવે ઊઘડી ગયાં. ભલું થયું, પેલા ઊખડેલ નાચણિયાના ફંદામાંથી છૂટી એ.’

‘રાહુના ગ્રાસમાંથી સુર્ય છૂટે, એમ જ.’

‘તમે તો આ આવતા ગ્રહણની જ લાહ્યમાં છો, તે બીજો કોઈ વિચાર જ નથી સૂઝતો ?’

‘પણ આ અષ્ટગ્રહીનું ગ્રહણ કાંઈ જેવું તેવું છે ?’

‘પણ આપણા દેશમાં તો દેખાવાનું નથી ને ?’

‘ના.’

‘બસ તો. દેખવું નહિ ને દાઝવું નહિ.’ તિલ્લુના રૂમમાંથી પતિ જોડે બહાર નીકળતા લેડી જકલે કહ્યું.

‘અરે, પણ દેખ્યા વિનાય દાઝવું પડશે.’

‘શી રીતે ?’

‘દુનિયાના બીજા દેશોમાં તો એ દેખાવાનું જ, અને એની અસર તો આખી માનવજાત ઉપર થવાની. ગિરજાનો ફલાદેશ ખોટો પડે જ નહિ.’

‘મૂઓ એ ભામટો. એણે તમારા મગજમાં આ તે કેવું ભૂત ભરાવી દીધું છે!’

‘ભૂત નથી ભરાવ્યું. સાચી વાત ઠસાવી છે. પાંચમી તારીખે પરોઢમાં જ પાંચ ને ચાળીસ મિનિટે ગ્રહણ ઘેરાવાનું છે એમાં મીનમેખ ન થાય.’

‘અરે, તે દહાડે જે થવાનું હોય તે ભલે ન થાય. પણ તમે તો આ વિલ કર્યું છે તે દહાડાથી ધરાઈને ધાન નથી ખાતા, ને કાલનો દુકાળ આજે જ પાડીને હાયબળતરા કરી રહ્યા છો.’

‘હવે આ હાયબળતરા બહુ ઝાઝા દિવસ ભોગવવાની નથી. પાંચમી તારીખે જ આપણને સહુને શાન્તિ થઈ જશે, કાયમની શાન્તિ.’

‘પણ તો પછી આવડો માટે જગન શા માટે માંડીને બેઠા છો ?’ લેડી જકલે શ્રીભવનનો લશ્કરી છાવણી જેવો દેખાવ નિર્દેશતાં પૂછ્યું.

‘એ પણ શાન્તિ અર્થે જ છે.’

‘કોની ?’

‘ગ્રહની. આઠેઆઠ ગ્રહની શાન્તિ અર્થે આ યજ્ઞ કરવાનો છે. એ ગ્રહો શાન્ત થાય તો પૃથ્વી પ્રલયમાંથી ઊગરી જાય. વિમલ તળાવ ફાટતું બચી જાય.’

‘બળ્યા એ તમારા અષ્ટગ્રહ.’

‘અરે અરે ! આ શું બોલી ગયાં તમે ? ગ્રહદેવતાઓને વધારે કોપાયમાન કરવા છે?’

‘પેટે બળતાં બોલાઈ જવાય.’

‘શું પેટમાં બળ્યું તમને?’

‘મારી એક પૂરી દીકરીનું જીવતર. સગી જનેતાને પેટમાં ન દાઝે તો બીજા કોને દાઝે ?’

‘તે તિલ્લુ તમારી દીકરી છે, ને મારી નથી ?’

‘છે, પણ તમને તો મંગળ ને ગુરુ ને રાહુ ને એવાએવા ગ્રહોની શાન્તિ કરવાની જ લહાય લાગી છે.’

‘ને તમને ?’

‘મને એ તમારા આઠેય ગ્રહો કરતાં નવમાની વધારે ચિન્તા છે.’

‘નવમો ગ્રહ ? ગિરજાના પંચાંગમાં નવમા ગ્રહનું નામનિશાન નથી.’

‘ગિરજાના પંચાંગમાં ભલે ને ન હોય. ઉમ્મરલાયક દીકરીનાં સહુ માવતરના નસીબમાં એ નવમો ગ્રહ જડાયેલો જ હોય.’

‘જમાઈને તમે નવમો ગ્રહ ગણો છો ?’

‘ગણવો જ પડે ને ? જમાઈ ને જમ બેઉ સરખા. જાન લઈને જ છુટકારો કરે.’

‘લગનની જાન....બીજુ કાંઈ નહિ.’

‘એ તો જેવાં જેનાં નસીબ, ને જેવી જેની લેણાદેણી. ભાગ્ય પાંસરાં હોય તો બધું સમુંસુતરું ઊતરે. નહિતર, એ જમાઈ તો જમને પણ સારો કહેવરાવે.’

‘મારાં સદ્‌ગત સાસુજીને મારે વિષે શું અનુભવ થયેલો ? જમાઈ તરીકેનો કે જમ તરીકેનો ?’

‘એ મારાં માતુશ્રીને તો સ્વર્ગમાં હવે શાન્તિ લેવા દો. મને તો મારી દીકરીની જ ચિંતા થાય છે. એ કંકુઆળી થઈ જાય એટલે ગંગા નાહ્યાં.’

‘પણ ગિરજો આજે સવારે મને કહી ગયો કે આ કાલફૂટ યોગમાં કોઈને કંકુઆળાં કરાય જ નહિ.’

‘કારણ કાંઈ?’

‘અશુભ યોગ છે. આ ગોલયોગમાં પરણનાર પણ સુખી ન થાય.’

‘મૂઓ એ ભામટો, આપણને સહુને રોજ ઊઠાં ભણાવે છે. હજી હમણાં સુધી તો કહેતો હતો કે બમણાં દાપાં-દખણા આપો તો હોળાષ્ટકમાં લગનનું મૂરત શોધી આપું. ને હવે કહે છે કે  આ અષ્ટગ્રહીમાં શુભ કામ ન થાય ?’

‘અરે સેવંતીલાલ !’ સર ભગને બૂમ પાડી.

‘જી સાહેબ.’

‘ગિરજાશંકરને જરા બોલાવજો તો.’

મંત્રીને હુકમ કરીને પછી સર ભગને પત્નીને કહ્યું :

‘હવે તમે એ ભૂદેવને મોઢે જ બધું સાંભળી લો, એટલે સંતોષ થાય.’

દેશભરમાંથી મહાચંડીયજ્ઞ નિમિતે શ્રીભવનમાં આવી રહેલા ધરખમ જ્યોતિષમાર્તંડો અને જ્યોતિષચુડામણિઓના ઉતારા વગેરેની વ્યવસ્થા કરી રહેલ ગિરજો ઉઘાડે ડિલે જ આવી પહોંચ્યો એટલે શેઠે ફરમાવ્યું:

‘આ કાલકૂટ યુગમાં કન્યાદાન કેમ ન દેવાય એ લેડી જકલને જરા સમજાવો.’

ગિરજાએ તો કશો પ્રાસ્તાવિક ખુલાસો કર્યા વિના, સીધું શુદ્ધ સંસ્કૃતમાં જ ભરડવા માંડ્યું :

सप्तग्रह समायोगे
क्षितिशमरणં ध्रुवम् ।
जगत्प्रलयमेवाऽपि
तदानिर्मानुषं जगत् ॥...

‘ગુજરાતીમાં, ગોરબાપા, શુદ્ધ ગુજરાતીમાં બોલો,’ સર ભગને ફરમાવ્યું.

‘શેઠજી, આ શ્લોકનો ભાવાર્થ એમ છે કે સાત ગ્રહોનો યોગ થાય ત્યારે દેશના રાજવી મરણ પામે અને દુનિયાનો પ્રલય થઈ જતાં આખું જગત નિર્મનુષ્ય થઈ જાય.’

‘સાંભળ્યું કે ?’ શેઠે પત્નીને પૂછ્યું.

‘અરે, આ તો હજી મેં સાત જ ગ્રહના યોગનો ફલાદેશ આપ્યો.’ ‘ત્યારે હજી શું બાકી રહે છે ?’ લેડી જકલે પૂછ્યું.

‘એક આઠમો ગ્રહ બાકી છે, આ વખતે તો સપ્તગ્રહીને બદલે અષ્ટગ્રહ યોગ થાય છે ને ?’

‘તે પણ આથી વધારે બીજી કઈ આફત આવવાની છે ?’

ફરી ગિરજાએ એક શ્લોક ગગડાવી માર્યોઃ

अष्टग्रहैक राशिस्था
गोलयोग प्रकीर्तित:
प्लावयंतिा महीसर्वा,
रुधिरेण जलेन वा ॥

‘ગુજરાતીમાં બોલ, તને કેટલી વાર ટોક્યો કે અમારી જોડે વાતચીત કરતી વખતે તારે ગુજરાતી માધ્યમનો જ ઉપયોગ કરવો.’

‘ભાઈ, મને શી ખબર કે તમે મગન માધ્યમના આટલા બધા આગ્રહી હશો ?’

‘અલ્યા, પણ તારા અશુદ્ધ સંસ્કૃત ઉચ્ચારમાં અમને કાંઈ સમજાય નહિ તો પછી શુદ્ધ ગુજરાતીમાં જ બોલવું શું ખોટું ?’

‘તો સાંભળો ત્યારે. આ શ્લોકનો ભાવાર્થ એમ છે કે આઠ ગ્રહ એક રાશિમાં આવે છે ત્યારે ગોલયોગ થાય છે. એ વેળા આખી પૃથ્વી ઉપર રુધિર, રક્તપાત ને જળપ્રલય ફેલાઈ જાય છે.’

‘તો તો વિમલ તળાવ ફાટવાનું જ !’

‘એ તો કુદરત ઉપર આધાર છે. પણ આવા કાલકૂટ અર્થાત્ ગોલયોગમાં કોઈ શુભ કામ તો કરાય જ નહિ. આપણી તિલ્લુબહેનનું કલ્યાણ વાંચ્છતાં હો, તો કાલયોગમાં એમને કંકુઆળાં કરવાનું મુલતવી જ રાખો.’

સાંભળીને લેડી જકલના પેટમાં ધ્રાસકો પડી ગયો. એમના ચહેરા ઉપર ઘેરી ચિન્તા છવાઈ ગઈ.

ગિરજો બોલ્યો:

‘શેઠજી, આ અષ્ટગ્રહયોગ બે દિવસ ને તેર જ મિનિટ ચાલશે, એમાંથી આપણે હેમખેમ પાર ઊતરી જઈએ એટલે ચૌદમી જ મિનિટે તિલ્લુબહેનનું સુમોરતમ્ શુભલગ્નમ્ કરી આપું, પછી છે કાંઈ ?’

‘બોલો, લેડી જકલ, પછી છે કાંઈ ?’ સર ભગને ગિરજાનો જ પ્રશ્ન ફરી વાર પત્નીને પૂછ્યો.

‘મહારાજ, તમે જરા બહાર જાઓ ને.’ લેડી જકલ બોલ્યાં, ‘પછી કામ પડશે ત્યારે બોલાવીશ.’

‘ભલે શેઠાણીબા, બે દિવસ ને તેર મિનિટ પસાર થઈ જાય. પછી એ આઠેય ગ્રહ જખ મારે છે. બહેનને ઝપટવારમાં હથેવાળો કરાવીને ચાર ફેરા ફેરવી દઈશ.’

‘બહુ સારુ, એ વખતે તમને બતાવીશ.’ લેડી જકલે કટાણું મોઢું કર્યું એ જોઈને જ ગિરજો પોતાની રાવટીમાં ચાલ્યા ગયો.

‘મૂઓ આ ભામટોએ સાવ અડબંગ છે, પણ એને વાદે તમે તમારી સુધબુધ ખોઈ બેઠા છો ?’

‘આવું બોલો છો ?’

‘પેલા આઠ ગ્રહની ચિંતામાં પડ્યા છો, ત્યારે મને નવમાની ઉપાધિમાં ઊંધ નથી આવતી.’

‘પણ હવે ઉપાધિ જેવું રહ્યું છે જ ક્યાં? પ્રકાશશેઠે પોતે જ પ્રમોદકુમાર માટે હા પાડી દીધી છે. કહે છે કે તમારી તિલ્લુનો રૂપિયો સોળ વાલ ને માથે ૨તિ સાચો.’

‘હા, એ વાત સાચી પણ મને ફરી પાછું આમાં કશાક બખડજંતર જેવી ગંધ આવે છે.’

‘શાથી ?’

‘કાલે રાતે મેં પેલા નાચણિયાને અહીં દીઠો હતો.’

‘કોને ? કંદર્પકુમારને?’

‘હા.’

‘પણ એ હવે અહીં બંગલામાં પેસી જ શી રીતે શકે? દરવાજેથી ગુરુચરણ જ એનાં ડેબાં ભાંગી ન નાખે?’

‘મને પણ એ જ સમજાતું નથી કે એ અહીં આવી જ શી રીતે શકે. ઉપર આકાશમાંથી અહીં ઊતરે, એ સિવાય તો બીજો કોઈ રસ્તો જ રહ્યો નથી.’

‘તમને કંઈ ભ્રમ તો નથી થયો ને ?’

‘ના રે ના. મેં સગી આંખે એને તિલ્લુના રૂમની બારીમાં જોયો છે. ને હું ઉપર તપાસ કરવા ગઈ તો એ રૂમમાં કંદrપકુમાર જ નહિ.’

‘તમે તો પેલા મહંમદ છેલના જાદુ જેવી વાત કરી !’

‘મને પણ એ જાદુ જેવી જ નવાઈ લાગે છે. પાંચ જ મિનિટમાં એ ક્યાં પલાયન થઈ ગયો એ જ સમજાયું નહિ.’

‘તમને વહેમ રહી ગયો હશે.’

‘વહેમ તો નહીં, પણ મને આમાં કશાક ભેદ જેવું લાગે છે.’

‘ભેદ શો હોઈ શકે ? તિલ્લુ આપણને છેતરતી તો નહિ હોય ?’

‘બને જ નહિ, હવે એનો જીવ પ્રમોદકુમારમાં લાગ્યો જ છે.’

‘તો એ પ્રમોદકુમારને પણ છેતરતી તો નહિ હોય ?’

‘એમ કાંઈ પ્રમોદકુમાર મૂરખ છે ?’

‘એ મૂરખ ન હોય હોય તોય આપણે કદાચ મૂરખ બની જઈએ તો ?’

‘આ બધા તમારા મનના જ માનેલા વહેમ લાગે છે.’

‘એટલે જ તો હું ઘડિયાં લગ્નની ઉતાવળ કરાવું છું. ગ્રહાષ્ટક હોય કે હોળાષ્ટક હોય, પણ આ કામ ઢીલમાં નાખીશું તો જોખમ ઉભું થશે.’

લેડી જકલ બોલતાં હતાં ત્યાં જ સેવંતીલાલે આવીને કહ્યું :

‘શેઠ, બુચાજી બૅરિસ્ટર આવ્યા છે.’

‘એમને એક કીટલી ચા ને ચાર ટોસ્ટ આપીને વિદાય કરી દો. કહેજો કે શેઠ કામમાં છે.’

‘પણ એ તો કહે છે કે હું શેઠજીને નહિ પણ તિલ્લુબહેનને જ મળવા આવ્યો છું.’