ગ્રહાષ્ટક વત્તા એક/બુચાજીનું સ્વપ્ન

← ત્યક્તેન ભૂંજીથા: ગ્રહાષ્ટક વત્તા એક
બુચાજીનું સ્વપ્ન
ચુનીલાલ મડિયા
પ્રલય પહેલાં →







૪.
બુચાજીનું સ્વપ્ન
 


'‘આ શું ? શાનો ગોકીરો છે ?’

‘ગુરુચરન બરાડા પાડતો લાગે છે.’

‘કોઈને ઝાંપાને બારણે અટકાવ્યો લાગે છે.’

‘એ તો પેલો નાચણિયો–કૂદણિયો હશે.’

‘નહિ પપ્પા, કંદર્પકુમાર હવે કોઈ દિવસ આ ઘરમાં પગ નહિ મૂકે,’ તિલ્લુએ વચ્ચે ખુલાસો કરી દીધો. ‘આ તો ઝાંપા બહાર બીજો જ કોઈ હશે.’

એટલી વારમાં તો બુમરાણ બમણું થઈ ગયું. ગુરચરનના બરાડા વધી ગયા. આજુબાજુથી એકઠા થયેલા રાહદારીઓ દખલ કે દરમિયાનગીરી કરતા હોય કે ચોવટ ડહોળતા હોય એવા અવાજો પણ આવવા માંડ્યા.

‘આ ગુરખો તો સાવ ગુરખો જ રહ્યો. બંગલાનો ચોકિયાત બન્યો છે, પણ અક્કલનો છાંટો ન મળે.’

‘એટલે જ તો એ ચોકિયાત બનિયો છ.’ બુચાજી બોલ્યા, ‘એવનમાં અક્કલ હોતે તો તે આપના જેવો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નહિ બનતે ?’

‘અરે, પણ આ તો અત્યારથી જ વિમલ સરોવર ફાટ્યું હોય એવો ગોકીરો કરી પડ્યો છે.’

‘એમાં એનો કશો વાંક નથી, પપ્પા,’ તિલ્લુએ સમજાવ્યું, ‘તમે એને હુકમ કર્યો કે કોઈ પણ અજાણ્યા માણસને કમ્પાઉન્ડના દરવાજામાં પગ જ મૂકવા ન દેવો, પછી એ બીજું શું કરે ?’

‘અરે, પણ એમાંય માણસ જરા અક્કલ તો વાપરે કે બુચાજી જેવા બૅરિસ્ટરને પણ રોકી જ રાખે.’

‘અરે બાવા, એ ગરીબ મનિસમાં અક્કલ હોતે તો તે તમારી કાની ઇન્ડસ્ટ્રીયલ ટાઈકુન ન બની બેસતે ?’ બુચાજી બોલ્યા.

આ દરમિયાન સેવંતીલાલ દોડતા દરવાજે પહોંચી ગયેલા. ગુરખાના બરાડા અને રાહદારીઓના અવાજો એકાએક બંધ પડી ગયા હતા તેથી સર ભગનને પણ નવાઈ લાગી.

‘પેલો અજાણ્યો માણસ પાછો ગયો લાગે છે,’ એમ સર ભગન હજી તો અનુમાન કરી રહ્યા હતા ત્યાં જ સેવંતીલાલે આવીને કહ્યું :

‘નહિ સાહેબ, એ અંદર આવી ગયો છે.’

‘કોણ હતો એ પેલો નાચણિયો કંદર્પકુમાર ?’

‘નહિ, જી, એ તો આપણો ગિરજો ગોર હતો.’

‘અરે, મરે રે એ મૂઓ ગુરખો,’ લેડી જકલ કોપી ઊઠ્યાં. ‘એ ગરીબડા ગોરદેવતાને આટલા હેરાન કર્યા એણે ? એ અડબંગ આપણા કુળગોરને પણ ન ઓળખે ?’

‘ગોરબાપા ઓળખાય એવા રહ્યા જ નથી.’ સેવંતીલાલે કહ્યું.

‘કેમ ?’

‘એમણે પૂળો એક દાઢી વધારી છે.’

‘દાઢી ? ગિરજાને દાઢી ? એ તો બ્રાહ્મણ છે કે સરદારજી ?’

‘એવી દાઢી નહિ. પણ મેં એને પૂછ્યું ત્યારે કહ્યું કે ગયા ચોમાસામાં એણે પંચકેશ વધારેલા એની આ દાઢી.’

‘તે ચોમાસું ગયું તોય હજી બોડાવી નથી ?’

આ સવાલ, બારણામાં પેસતો ગિરજો સાંભળી ગયો હશે તે એકાએક પ્રવેશીને બોલી ઊઠ્યો :

‘આ શનિવારે હીરિયા નાઈની ડોસીનું સરામણું કરાવવા જઈશ ત્યારે ભેગાભેગો એને હાથે જ દાઢી કરાવતો આવીશ.’

‘મરો તમે,’ લેડી જકલ બોલી ઊઠ્યાં, ‘મફત બોડાવવાના લોભમાં ને લોભમાં આમ સરદારજી જેવા થઈને ફર્યા કરો છો.’

‘એટલે જ પેલો ગુરખો તમને ટૅક્સીવાલા સરદારજી સમજી બેઠો ને ?’ બુચાજી બોલ્યા.

‘નહિ, ગુરખા તો આમને નૃત્યકાર કે ચિત્રકાર કે કવિ કે એવું કશુંક સમજીને ટીપવા લાગેલો.’ સેવંતીલાલે સમજાવ્યું. ‘ગુરુચરન તો એમ જ માને છે કે દાઢી વધારે એ બધા જ કવિ કે કલાકાર હોય, એટલે એણે તો આંખ મીંચીને જ ડંડો ઉગામેલો.’

‘એ માણસ તો આમેય આખો દિવસ આંખ મીચીને જ ચોકી કરતો હોય છે.’

‘ઈશ્વરે એ કોમને એવી જ આંખો આપી, એમાં ગુરુચરનનો શો વાંક ?’

‘પણ આપણા ગોરદેવતાને કવિ સમજીને આંધળે બહેરું કૂટી માર્યું ને ?’ સર ભગને કહ્યું. અને પછી સેવંતીલાલને ફરમાવ્યું : ‘જાઓ, ગોરબાપાને આપણા દામા પારેખ પાસે લઈ જાઓ ને ક્લીન શેવ કરાવી લાવો.’

દામા પારેખ એટલે શ્રી ભુવનના સુવાંગ ક્ષૌરકર્મ કાર્યાલયના અધિષ્ઠાતા. સર ભગનને ત્યાં ફેમિલી ડૉક્ટર, ફેમિલી સૉલિસીટર, ફેમિલી શિક્ષક વગેરેનો જે ગંજાવર કાફલો હતા એમાં ફેમિલી વાળંદ પણ હતા અને એ સ્થાન દામા પારેખને ફાળે આવ્યું હતું. ગોરા લાટસાહેબના જમાનાથી બંગલાની ઓતરાદી વસાહતમાં દામા પારેખના દાદાને વસવાટ મળેલો. આજે તો એમની ત્રીજી પેઢી પાંગરી રહી હતી. ત્રણ-ત્રણ પેઢી થયાં તેઓ આ વસાહતના માલિકને મૂંડતા આવેલા.

સેવંતીલાલ કુળગોરને લઈને દામા પારેખના ક્વાર્ટર્સ તરફ જવા નીકળ્યા એટલે સર ભગને બેવડી રાહતનો દમ ખેંચ્યો : એક તો, દાઢી બોડેલા ગોરદેવતા જોડે વાતચીત કરવામાં આરોગ્યની દૃષ્ટિએ વધારે સ્વચ્છતા જળવાશે એ, અને બીજી, તે મહત્ત્વનાં ઓચરિયાં ને દસ્તાવેજો ઉપર સહીસિક્કા કરવાનું કામ નિરાંતે પતાવી શકાશે.

સર ભગનની ઇચ્છા મુજબ બધાં જ કાગળિયાં ને કરારપત્રો તૈયાર થઈ ગયાં. એટલે બુચાજી બોલી ઊઠ્યા :

‘બાવાજી, તમે તો કાંઈ ગજબ કરી નાખિયું.’

‘શું ?’

‘આય લાખ્ખોની માલમિલકત એક નખ જેવડી નાલ્લી પોરીને નામે ચડાવી દીધી… ગજબ કરિયો તમે.’

‘આમેય હવે નવા કાયદા મુજબ છોકરીઓને વારસાહક તો મળે જ છે.’

‘પણ એ તો બાવા, તમારી હયાતી પછી જ.’

‘હવે આ અષ્ટગ્રહીમાં કોઈની હયાતી રહેવાની જ નથી, પછી શું ? ચોથી ફેબ્રુઆરીએ વિમલ તળાવ ફાટે ત્યારે…’

‘અરે બાવા, એ તો હજી ફાટે ત્યારે ને ? ફોગટના અત્યારથી જ આટલા ગભરાટમાં શાના ફાટી રહ્યા છો ?’

બુચાજીના આ પ્રશ્નનો ઉત્તર લેડી જકલે જ આપી દીધો :

‘એ તો વિમલ તળાવ ફાટે અને એનાં પાણી ફરી વળે એ પહેલાં પાળ બાંધી રહ્યા છે.’

‘આય તમારી એસ્ત્રોલોજી બી કમાલ દેખું છ. બાવા, તલાવ જેવા તલાવને ફાડી નાખવાની વાતો કરે છે, પેલા દુત્તા બમન લોકો.’

‘અરે, આસ્તે, આસ્તે બોલો, પેલો ગિરજો સાંભળી જશે તો તમને શાપ આપશે.’

‘અરે, જે મનિસ શેવિંંગ નથી કરી શકતો એ શાપ શું આપવાનો હતો, કપાળ એના બાવાજીનું ?’ કહેતાં કહેતાં બુચાજીની નજર તિલોત્તમા તરફ ગઈ અને એ એકાએક બોલી ઊઠ્યા : ‘અલી તિલ્લુ, દુત્તી, આમ મૂછમાં શાની હસી રહી છ ?’

‘મને તમારી ઉપર જ હસવું આવે છે.’

‘અરે, આ તારાં મમ્મી-પપ્પા અહીં મોતની રાહ જોતાં બેઠાં છે, ને તને હસવાનું સૂઝે છે ?’

બુચાજીની વાત સાચી હતી. અત્યારે દીવાનખંડમાં બિછાવેલો અસલી ઈરાની ગાલીચો કોઈના ઉઠમણાની સાદડી જેવો લાગતો હતો. સર ભગન યમરાજના તેડાની રાહ જોતા હોય એવા અસ્વસ્થ જણાતા હતા છતાં એમણે ખેલદિલીથી બુચાજીને કહ્યું :

‘ભલે હસે. મારે દીકરો કે દીકરી, જે ગણો તે આ એક તિલ્લુ જ છે. એ ભલે હસતી. એ એક હસતી રહે તો મારું જીવન અને મૃત્યુ બેઉ સાર્થક થશે.’

સાંભળીને તિલું વધારે હસી.

બુચાજી બોલ્યા : ‘ભલે બાવા, ભલે હસવા દો. પોરીને હસવા દો. હસે તેનાં ઘર વસે.’

આથી તો તિલોત્તમાએ વધારે રમૂજ અનુભવી અને વધારે હસવા માંડ્યું. માતાપિતાને અવિનય જેવું ન લાગે એ ખાતર એણે મોં આડે રૂમાલ દાબીને હસવા માંડ્યું.

‘કેમ રે, અલી, આમ હાહા હીહી કરે છે ?’ બુચાજીએ પૂછ્યું.

તિલ્લુએ યૌવનસહેજ શરમ અનુભવી એટલે લેડી જકલે જ ખુલાસો કર્યો :

‘એ તો તમે એને હસે તેનાં ઘર વસે એવી વાત કરી ને, એટલે જ.’

‘તે એમાં ખોટું શું કહ્યું ? ને એમાં હસવા જેવું બી સૂં છ ?’

‘કશું જ નથી. પણ આજકાલની છોકરીઓ ! આ કલા–કલા કરીને નાચ્યા કરે એમાં પછી ઘર ક્યાંથી વસે ?’

‘પન હજી ક્યાં મોડું થઈ ગયું છે ? તિલ્લુની ઉંમર કાંઈ વીતી નથી ગઈ. અમારે પારસીઓમાં તો ચાલીસ વરસ પહેલાં અદરાવાનો આઇડિયા બી કોઈને નહીં સૂઝવાનો.’

‘તમારી વાત તમે જાણો.' લેડી જકલ બોલ્યાં, 'અમે તો ચાળીસમે વર્ષે સંસારમાંથી પરવારી જઈએ ત્યારે તમે ઘોડે ચડવા નીકળો.’

‘હું તો હજી ઘોડે ચડવા નીકલિયો બી નથી, લેડી જકલ.’ બુયાજી બોલ્યા, ‘મારા બહિસ્તનશીન બાવાજી પચાસમે વરસે પનિયા ઉતા. ને મને તો હજી પિસ્તાલીસમું જ ચાલે છે.’

‘ના, ના, તમે તો હજી સાઠના થાઓ ત્યારે જ અદરાવાનો વિચાર કરજો, બાપ કરતાં બેટા સવાયા થાય તો જ શોભે ને ?’

લેડી જકલનો આ ટોણો બુચાજીને અણધાર્યો જ મર્મસ્થાને વાગી ગયો. હું પિસ્તાળીસનો થયો અને હજી સાઠને થવા માટે મારે પંદર વરસ રાહ જોવાની ?

આ મહેણું પોતે જ એક સૂચન બની રહ્યું. બુચાજીની આંખ ક્ષણાર્ધ પૂરતી ચમકી ઊઠી.

એ ચમકેલી આંખ સામે બે વસ્તુઓ તરવરતી હતી : એક તો પોતે સામટા સ્ટૅમ્પ–પેપર ઉપર તિલોત્તમાને નામે ટ્રાન્સફર કરેલી સર ભગનની મબલખ મિલકત અને બીજી, એ અઢળક સંપત્તિની વારસદાર, અવિવાહિતા, સોજજી ને સુંદર પોરી તિલોત્તમા.

અરે, આ લાખોની વારસદાર પોતાની મહેરદાર બને તો ? તો તો આ બૅરિસ્ટરની બેકારી હંમેશને માટે ટળી જાય...

બુચાજીનું દિવાસ્વપ્ન આકાર લઈ રહ્યું.

આમ તો, સર ભગનની આ વકીલાત કરી આપવાથી પોતાની બુચા, બુચા, બુચા ઍન્ડ બુચાની પેઢીને એના વપરાયેલા સ્ટૅમ્પ–પેપરના હિસાબે થતી રકમ મળશે. બુચાજીને પોતાને આ કામ કરી આપવાની અલગ ફી મળશે. પેઢીના સીનિયર પાર્ટનર તરીકે તો પોતાને બે આની હિસ્સો વધારે મળશે. પણ એથી શો શુક્કરવાર વળવાનો હતો ? આ તો આંગળાં વાટીને પેટ ભરવા જેવો ધંધો થયો. પોતાના મેલાઘાણ કાળા ડગલાના ડ્રાયક્લીનિંગનું શું ? આમ ને આમ કડકાબાલુસ તરીકે જિંદગી ક્યાં સુધી ગુજારવી ?

બુચાજીની આંખ સામે ક્રૂર વાસ્તવિકતાઓથી ભરેલું આ એક ચિત્ર રમી રહ્યું કે તુરત, એને સામે પડછે બીજું કલ્પનાચિત્ર રચાઈ રહ્યું. તિલોત્તમા જેવી તાલેવર મહોરદાર જોડે પોતે અદરાયા હોય તો ? તો તો પોતે ન્યાલ થઈ જાય. આ મેલાઘાણ કાળા ડગલાના ડ્રાયક્લીનિંગનો સવાલ જ ઊકલી જાય. અરે, પછી તો આ વકીલાતનો કાળોમેશ અળખામણો ડગલો પહેરવો જ શાનો પડે ? પોતે કાયમને માટે આર-બાવન ને આલપાકા સિવાય બીજું કાપડ જ શાના પહેરે ? અને સર ભગન સાચે જ આ અષ્ટગ્રહીમાં ઊકલી જાય તો એમની જગ્યાએ પેલા સોફા પર હું જ બિરાજમાન થઈ જાઉં.....

વિવિધ સ્થાવરજંગમ મિલકતોના દસ્તાવેજો ઉપર સર ભગન અને લેડી જકલ મત્તું મારીમારીને પુત્રીને નામે ચડાવી રહ્યાં હતાં તે દરમિયાન બુચાજીની આંખ ચમકી રહી હતી. આ બધી માલમત્તા મારી જ તરફેણમાં આવી પડે, જો ખોદાય જરાક જ મહેરબાની કરે...આ પોટ્ટીને મારી મહોરદાર બનાવે તો—

‘હજી તે કેટલાં કાગળિયાં બાકી છે?’ લેડી જકલ કંટાળીને બોલી ઊઠ્યાં, ‘હું તો સહી કરી કરીને થાકી ગઈ.’

‘તે અમે હજારો શૅર સર્ટિફિકેટ ઉપર ને એના ટ્રાન્સફરનાં ઓચરિયાં ઉપર દિવસ ને રાત બિલાડાં ચિતરીએ છીએ તે અમને થાક નહિ લાગતો હોય કે?’ સર ભગને દયાયાચક અવાજે પૂછ્યું.

‘ડૉક્ટર કહેતા હતા કે દિવસ આખો બેઠેબેઠે ઓચરિયાં ને ચેકબુક પર સહીઓ કરી કરીને જ તમને ડિસ્પેપ્સિયા થઈ ગયો છે.’

‘એટલે તો એણે તમારી જોડે ટેનિસ રમવાની ભલામણ કરી.’

‘પણ તમને શટલકૉક ઉછાળતાં તો હજી ફાવતું નથી, ને ટેનિસ રમવાની મહેનત કરો, એમાં ડિસ્પેપ્સિયા ક્યાંથી દૂર થાય !’

‘કાંઈ નહીં, હવે આ અષ્ટગ્રહની યુતિ થશે ને વિમલ તળાવ ફાટશે એટલે આપણો જ નિકાલ થઈ જશે, એટલે નિરાંત.’

‘અરરરર ! આવું અમંગળ કાં બોલો ?’ એક સ્ટૅમ્પ-પેપર ઉપર સહી કરતાં લેડી જકલની આખમાં ઝળઝળિયાં આવી ગયાં.

અને પછી, ઈશ્વરને પ્રાર્થના કરતાં હોય એ ઢબે તેઓ બોલી રહ્યાં :

‘હે ભગવાન ! મારુ હેવાતણ અખંડ રાખજે.’

આ કરુણ દૃશ્ય સર ભગન જેવા અઠંગ ઉદ્યોગપતિને પણ સ્પર્શી ગયું. એમણે તુરત સેવંતીલાલને પૂછ્યું:

‘ગિરજાની દાઢી બોડાઈ રહી કે નહિ ?’

‘દાઢી તો ક્યારની બોડાઈ ગઈ છે.’

‘તો પછી એ ક્યાં રોકાયો ?’

‘નાહવા ગયો છે.’

‘અત્યારે એને નાહવાનું સૂઝયું ?’

‘કહે છે કે મારા યજમાન સિવાયના વાળંદ પાસે દાઢી બોડાવી છે એટલે મારે શુદ્ધિ માટે સાત વાર કટિસ્નાન કરવું પડશે.’