ગ્રહાષ્ટક વત્તા એક/બે જ ઉગારનારાં

← પણ કંદર્પ કયાં ? ગ્રહાષ્ટક વત્તા એક
બે જ ઉગારનારાં
ચુનીલાલ મડિયા
ત્યક્તેન ભૂંજીથા: →







૨.
બે જ ઉગારનારાં
 

આગળ તિલ્લુ ને પાછળ સર ભગન.

કાચી જેલના કેદીની પાછળ સંત્રી ચાલી રહ્યો હોય એવો એ દેખાવ હતા.

રસોડામાંથી રેણઘર સુધી આવતાં તો સર ભગને પુત્રીને ન કહેવા જેવાં વેણ કહી નાખ્યાં, અને ભેદી રીતે ગુમ થઈ ગયેલા પેલા નટરાજની સાત – સાત પેઢીઓને સામટી પોંખી નાખી.

‘હલકટ—’

‘હરામજાદો—’

‘મલકનો ઉતાર—’

‘વંઠેલી ઓલાદ—–’

‘નાચણિયા-કૂદણિયા એટલે ગામનો ઢેડવાડો—’

કંદર્પને એકેકથી ચડિયાતી સરસ્વતી સંભળાવીને સર ભગન ફરી વાર ફૂલી ગયેલ ફુગાની જેમ હાંફતાંહાંફતાં સોફામાં પડ્યા, અને કંદર્પ, રસોડું અને એના એકાએક અલોપ થવા અંગે વિચારી રહ્યા.

મારી છોકરીના હાથનો એ ઉમેદવાર આવડા મોટા બંગલામાં બીજે ક્યાંય નહિ ને રસોડામાં જ શા માટે આવ્યો ? બંગલામાં આટઆટલા ઓરડા, આટઆટલાં આઉટ હાઉસ, આવડો મોટો બગીચો, એ બધું મૂકીને એણે રસોડું શેં પસંદ કર્યું હશે ?

વાર્તાઓમાં તો આવે છે કે પ્રેમીએ બગીચામાં, ઉપવનમાં જ મળે. સિનેમામાં પણ પ્રેમી નાયક–નાયિકા બનાવટી બગીચામાં બનાવટી ફુવારાની આસપાસ ફેરા ફરીને સંતાકૂકડી રમતાંરમતાં સામસામાં શૃંગારનાં ગીત ગાતાં હોય છે. એને બદલે આ માણસ રસોડામાં જ શા માટે આવ્યો ?

લતામંડપ મૂકીને રસોડામાં આવનાર એ માણસ ખાઉધરો હશે ? ભૂખાળવો હશે ? છપનિયાનો રાંક હશે ? કલાકાર છે, એટલે સાવ ભૂખડીબારસ હશે ? બાપગોતરેય ખાવાનું ભાળ્યું નહિ હોય? લૈલા–મજનૂની વાર્તામાં તો મજનૂ લોહી પીને જીવે છે. તો પછી આ નટરાજ પેલા દૂધ પીતા મજનૂ જેવો નકલી પ્રેમી તો નહિ હોય ?

તિલ્લુની તો, જાણે જીભ જ સિવાઈ ગઈ છે. ‘ક્યાં ગયો એ તારો કંદર્પકુમાર ?’ એવી પિતાની પૃછા સામે પુત્રી તો સાવ મૂંગીમંતર જ બેઠી છે.

લેડી જકલને પણ આજે તો અચરજ થયું. રોજ માતાપિતાના બે બોલ સામે ચાર ચોપડાવનાર, બટકબોલી ને ચિબાવલી પુત્રી આજે આટલી આજ્ઞાંકિત, આટલી સહનશીલ ને મૌનવ્રતધારી શેં બની ગઈ ?

‘એ માણસ આપણા બંગલામાં પેઠો જ શી રીતે ?’

નિરુત્તર.

‘પેઠો તો પેઠો, પણ પછી અહીંથી નાઠો શી રીતે ?’

નિરુત્તર.

‘એ ખાઈપીને ખેધે શાનો પડ્યો છે ?’

નિરુત્તર.

પાર્લામેન્ટમાં વિરોધપક્ષના સભ્યોની પેઠે પટપટ બેલવા ટેવાયેલી પુત્રી આજે નર્યા બદામ–પિસ્તા ને ગાયના ઘી ઉપર જ દિવસો ગુજારનાર ગરીબડા મૂક સેવકની પેઠે સાવ મૂંગીમંતર શેં થઈ ગઈ એ ભેદ તો સર ભગનને પણ ન સમજાયો.

વડીલોના એક વેણને ચાર કરીને વ્યાજ સાથે પાછાં વાળનારી આ અર્વાચીના આજે મધ્યયુગીન આજ્ઞાંકિત સુપુત્રીનો પેઠે શેં વરતી રહી છે?

કોઈ આરોપીની ઊલટતપાસ લેતા હોય એ ઢબે સર ભગને ફેરવીફેરવીને પૂછગાછ કરવા માંડી.

ગુરુચરન કહે છે કે કંદર્પ દરવાજેથી તો નથી પેઠો, તો એ બંગલામાં આવ્યો જ કેમ કરીને ? બીજે ક્યાંય ખેતરના ખોડીબારા જેવું છીંડું કે છટકબારી છે ક્યાંય ? જૂના રાજમહેલો જેવી નાકાબારી છે ક્યાંય ? નહિતર, આંખના પલકારામાં જ એ રસોડામાંથી અલોપ કેમ કરીને થઈ જાય ?

પ્રશ્નોની ઝડી વરસી રહી, છતાં તિલોત્તમા તો શીંગકાજુ, મધ ને શુદ્ધ તાડગોળ પર જ નભનારા નરદમ મૂક સેવકની જેમ મૂંગી જ રહી.

આખરે, માઈક દેખીને ભલભલા મૂક સેવકની વૈખરીને પણ વાચા ફૂટે ને શ્રેતાઓને બુલંદ પડકાર ને જોરદાર હાકલ કરી રહે એમ તિલોત્તમા પણ લાંબા મૌન પછી એકાએક વાચાળ બની ગઈ અને બોલી ઊઠી.

‘પપા, આઈ એમ સોરી—’

‘શું ?’

‘મારી ભૂલ થઈ ગઈ. એ ભૂલ સુધારવા જ મેં આજે કંદર્પને બોલાવેલો.’

‘અને ભૂલ સુધારી ?’

‘હા,’

‘કેવી રીતે ?’

‘મેં એને ચોખ્ખું સંભળાવી દીધું—’

‘શું ?’

‘કે હવે પછી મને તારું મોઢું જ ન બતાવીશ. જા, કાળું ક૨—’

‘સાચું કહે છે ?’

‘તમારા જ સોગંદ.’

‘સોગંદ સાચા ન મનાય. હું મરી જાઉં તો તો તને મહાસુખ થઈ જાય, એ હું જાણું જ છું—’

‘તો મમ્મીના સોગંદ ખાઉં ?’

‘અલી, તારા પપ્પાને મૂકીને મને શાની ખાવા નીકળે છે?’ લેડ જકલ બોલી ઊઠ્યાં, ‘પેલા તારા નટરાજને જ ખા ને, એટલે એનો નિકાલ થઈ જાય.’

‘અરે, સોગંદ ખાધા વિના શું સાચી વાત થઈ જ ન શકે ?’ સર ભગન તાડૂકી ઊઠ્યા, ‘આ ગાંધીજી સત્ય જ બોલતા, તે શું દર વખતે કોઈના સોગંદ ખાઈ ખાઈને જ બોલતા ?’

‘નહિ જ તો વળી. સત્ય પોતે જ સ્વયં પ્રકાશિત છે, એમ અમારા પ્રોફેસર ક્લાસમાં કહે છે—’

‘અરે, એ માટે કાંઈ પ્રોફેસરનો હવાલો આપવાની જરૂર નથી. તેં પોતે જ કંદર્પને શી વાત કરી એ કહી દે ને ?’

‘મેં એને કહી દીધું કે આજ પછી આ બંગલામાં પગ મૂક્યો છે તો તારી ખેર નથી....’

‘શાબાશ !’

‘જીવ વહાલું હોય તો આ દિશામાં કદી આવીશ જ નહિ.’

‘રંગ છે, દીકરી. પછી શું થયું ?’

‘એવામાં બૂમાબૂમ થઈ પડી, ને તમે હાથમાં હૉકીસ્ટિક લઈને દોડતા આવો છો, એવી મહારાજે બાતમી આપી, એટલે કંદર્પ તો સાચે જ જીવ વહાલો ગણીને તીનપાંચ ગણી ગયો.’

‘જોયું ને ! આ કહેવાય કલાકારો, પણ કાળજાના સાવ કાચા—મ૨ઘીનાં પીલાં જેવા જ—’

આટલું બોલતાં સર ભગનને એકાએક યાદ આવ્યું કે આ શબ્દો અનુચિત હતા, તેથી થૂથૂકાર કરી રહ્યા.

‘અરે, ગોખલામાંથી ગંગાજી કાઢો, મારે મોઢેથી મરઘીનાં પીલાંની વાત થઈ ગઈ—’

તુરત લેડી જકલ ઊઠ્યાં. એક ભીંતિયા આરિયામાં ગૌછાણ વડે લીંપેલા બારણા પાછળથી એમણે ગંગાજીની લોટી કાઢી.

યવનોના આમિષ આહાર માટે વપરાતી વાનગીનો શબ્દોચ્ચાર માત્ર ભાષાના અલંકાર રૂપે પણ પોતાના પવિત્ર મુખેથી થઈ ગયો એનું પ્રાયશ્ચિત્ત કરવા સર ભગને તુરત ગંગાજલપાન વડે મુખશુદ્ધિ કરી નાખી.

જંતુનાશક દવાનો છંટકાવ થઈ ગયા પછીની બાથરૂમના જેવો સ્વચ્છતા–શુચિતાનો અનુભવ કરતા સર ભગને છુટકારાનો દમ ખેંચ્યો.

પુત્રીએ પેલા નટરાજને નન્નો સંભળાવી દીધો એથી પિતાને માથેથી હીણપતનો હિમાલય જેટલો ભાર ઊતરી ગયો હોય એવી હળવાશ તેઓ અનુભવી રહ્યા. બોલ્યા :

‘દીકરી, આટલું ડહાપણ જરા વહેલું સૂઝ્યું હોત તો ?’

‘પણ ગાંડ૫ણ આચર્યા વિના ડહાપણ સુઝે જ શી રીતે ?’ તિલ્લુને બદલે લેડી જકલે જવાબ આપ્યો. અખિલ ભારત ભગિની મહામંડળનાં આજીવન પ્રમુખ તરીકે લેડી જકલને આવાં કેટલાંક સોનેરી સુવાક્યો જીભને ટેરવે જ રહી ગયાં હતાં.

‘કાંઈ ફિકર નહિ, તિલ્લુ. કાંઈ જ ફિકર નહિ, તને ડહાપણ ભલે જરા મોડું સૂઝ્યું, પણ હજી બહુ મોડું થયું ન ગણાય—’

‘એટલે ?’

‘બહુ મોડું નહિ એટલે વહેલું જ ગણાય વળી. બીજુ શું ?’

‘પણ આ વહેલા–મોડાની આટલી બધી માથાકૂટ શાની કરો છો ?' લેડી જકલને બિનજરૂરી માથાકૂટ જરાય પસંદ ન હતી. તેઓ સ્ત્રી જાતિનાં હોવા છતાં ભલાં–ભોળિયાં, ઓલિયા–દોલિયા જેવાં અલ્લાના ઘરનાં માણસ હતાં. જીવન આનંદભેર, હસતાં– રમતાં, નાચતાંકૂદતાં, ખેલતાં ને ખાતાંપીતાં જીવી જવામાં જ એમને રસ હતો. બિનજરૂરી ફિકર કરીને જીવ બાળવાનું એટલે કે વજન ઘટાડવાનું એમને જરાય પસંદ નહોતું.

‘તિલ્લુને આ ડહાપણ જરા મોડું સૂઝ્યું હોવા છતાંય સમયસર સૂઝયું છે.’

‘શા પરથી કહે છે ?’

‘કેમ કે હજી બાજી હાથમાંથી ચાલી નથી ગઈ.’

‘કોના હાથ માંથી ?’

‘બુચાજીના.’

‘બુચાજી? એ કોણ વળી ?’

‘કેમ વળી ? બુચાજીને ન ઓળખ્યા ? આપણા સૉલિસિટર... બુચા, બુચા, બુચા, ઍન્ડ બુચા સૉલિસિટર્સના સિનિયર પાર્ટનર—’

‘તે તમે મારી તિલ્લુને એ બબુચક બુચાજી જોડે અદરાવવા માગો છો ?’

‘અરે રામ રામ રામ ! તમે તો ઓડનું ચોડ ને વિવાહનું વરસી જેવું આડું ને ઊભું વેતરી નાખો છો, લેડી જકલ.’

‘પણ તમે જ કહ્યું કે, કે બુચાજીના હાથમાંથી હજી બાજી ચાલી નથી ગઈ, એ ઉપરથી હું શું સમજું, કહો જોઉં | તિલ્લુની જિંદગીની વાત ચાલતી હોય, ને બુચાજીનું તમે નામ લો, એટલે એનો અર્થ શું થાય એ તમે જ કહોની !’

‘એ તો આપણી માલમિલકત સગેવગે કરવા માટે હજી બુચાજીના હાથમાં સમય બાકી છે, એમ કહેવા માગતો હતો.’

‘તે આપની માલમિલકત કાંઈ રસ્તામાં રેઢી પડી છે કે એને સગેવગે કરવી પડે ?’

‘સગેવગે કરવી એટલે સલામત કરવી.’

‘પણ બિનસલામતી શી આવી પડી છે ?’

‘આવી પડી તો નથી, પણ આવી રહી છે જરૂર. ઝડપભેર જોખમ આવી રહ્યું છે.’

‘શાનું ?’

‘અષ્ટગ્રહ યુતિનું.’

‘હવે એ તો ગિરજા ગોરના ગપાટા.’

‘ગપાટા નહિ, ગંભીર હકીકત છે. આખી દુનિયા ઉપર આફત તોળાઈ રહી છે. આ છાપાંમાં વાંચતા નથી? દ્વાપર યુગમાં એક વાર અષ્ટગ્રહ ભેગા થયા હતા. મહાભારતનું યુદ્ધ થયુ ત્યારે આવો ગ્રહયોગ હતો. અને હવે આ કલિયુગમાં ફરી પાછા એ જ આઠ ગ્રહો ભેગા થશે, ત્યારે ઉલ્કાપાત મચી જશે.’

‘ગિરજાના ગપાટા—’ જીવનના આનંદથી છલોછલ એવાં લેડી જકલને આવી દુઃખશોકમય વાત સાંભળવી ગમતી નહોતી.

‘ગિરજાના ગપાટા નથી, દુનિયાભરના જ્યોતિષીઓની આ આગાહી છે કે અષ્ટગ્રહ યુતિને દિવસે દુનિયામાં નવાજૂની થશે.’

‘તો થવા દો.’

‘એમ થવા તે કેમ દેવાય ?’

‘તે નહિ થવા દો તો કાંઈ અષ્ટગ્રહને આડા હાથ દેવા જશો ?’

‘આડા હાથ ન દઈ શકીએ તોપણ પાણી પહેલાં પાળ તો બાંધી શકીએ ને ?’

‘કેવી રીતે પાળ બાંધશો ?’

‘એ આપણો ગિરજો ગોર કહેશે—’ આમ કહીને સર ભગને બૂમ મારીઃ ‘સેવંતીલાલ !’

શેઠના રહસ્યમંત્રીથી માંડીને રામા સુધીની અનેકવિધ કામગીરી બજાવનાર સેવંતીલાલ આજ્ઞાંકિત અદાથી ઓરડામાં પેઠા એટલે સર ભગને ફરમાવ્યું :

‘ગિરજા ગોરને ગાડી મોકલાવો.’

‘જી, શેઠ.’

‘અને બુચાજી બૅરિસ્ટરને ફોન કરો.’

‘ફોનમાં શું કહું ?’

‘કહો કે સ્ટૅમ્પ પેપર લઈને આવી પહોંચો.’

‘ભલે સાહેબ—’ કહીને સેવંતીલાલ બહાર ગયા, એટલે સર ભગન બોલી રહ્યા :

‘દીકરી તિલ્લુ, તું જ મારી તારણહાર છે.’

‘પપ્પા, મને શરમમાં ન નાખો. તમે તો મારા.’

‘નહિ, નહિ, બેટા. ઈશ્વરે મને દીકરો તો નથી આપ્યો, એટલે પુ નામના નર્કમાંથી તારે જ મને તારવો પડશે.’

બોલતાંબોલતાં, સેંકડો સ્કૉચ-સોડા, પાનને પરિણામે સૂજી ગયેલી સર ભગનની ભરાવદાર લાલ આંખો જરા ભીની થઈ ગઈ.

વાતાવરણ જરા ગમગીન થઈ ગયું. તિલ્લુ અને લેડી જકલને પોતે કોઈના ઉઠમણામાં બેઠાં હોય એવો અનુભવ થઈ રહ્યો.

‘દીકરી, તું પેલા શેતાનના સકંજામાંથી છૂટી એથી હું બહુ રાજી થયો છું.’

‘સમય સમયનું કામ કરે છે, પપ્પા !’

‘તું પુત્રસમોવડી બનીને મારી ગતિવિધિ કરાવજે.’

‘અરે ! આ તમે શું બોલો છો ?’ લેડી જકલ ગળગળાં થઈને કહી રહ્યાં. ‘હજી તો આપણે સહુ જીવતાં જગતાં છીએ.’

‘હવે ઝાઝા દિવસ નહિ.’

‘કેમ ?’

‘પૃથ્વીનો પોરો આવી રહ્યો છે.’

‘અરે, પણ હજી આવવા તો દો પડશે એવા દેવાશે. નાહક કાલનો દુકાળ આજે શાના પાડો છો ?’

‘તે પડે એ પહેલાં જ દેવા માટે તો આ બધી મહેનત કરી રહ્યો છું. ગિરજાએ કહ્યું છે કે મારા જન્માક્ષર એવા તો વિચિત્ર છે કે અષ્ટગ્રહની વધારેમાં વધારે અસર મને જ થાય.’

બોલતાં બોલતાં ફરી સર ભગનની સ્કૉચ વ્હિસ્કી–સૂજેલી આંખ ભીની થઈ આવી એથી લેડી જકલની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. એકમાત્ર તિલોત્તમા આ જીવન અને મૃત્યુની વિચિત્ર વાતો સાંભળીને મનમાં રમૂજ અનુભવતી હતી.

પતિને મોઢેથી વારેવારે પુ નામના નર્કની અને તારણહારની અને મોક્ષની અને એવી એવી વાતો સાંભળીને લેડી જકલની નજર સામે તો વૈતરણી નદી, પુ નામનું નર્ક, એ નારકીય યાતનાઓમાં શેકાઈ રહેલા માનવીઓ, યમદૂત અને એમની વચ્ચે નર્કના સિતમો સહી રહેલા સર ભગનનાં ચિત્રો રમી રહ્યાં.

એ કલ્પનાચિત્રો જોઈને લેડી જકલ એવા તો ગભરાઈ ગયાં કે એમનાથી બોલ્યા વિના ન રહેવાયું :

‘અરે, પણ આ અષ્ટગ્રહી આવવાની જ હશે, ને તમારી ઉપર એની અસર થવાની જ હશે તો તે આ ગિરજો ગોર શી રીતે ટાળી આપવાનો હતો ?’

‘ગિરજો ગરીબ હશે, પણ એ બ્રહ્મદેવ છે, એ ભૂલશો નહિ, લેડી જકલ !’

‘મૂઓ એ લધરવધરિયો ને અરધો નાગડો ભામટો, એને તમે દેવ કહીને સાચા દેવનું અપમાન કરો છો.’

‘એનો દેખાવ નહિ, એનું દૈવત જુઓ. આજે તો મને આ અષ્ટગ્રહીમાંથી ઉગારનાર બે જ માણસો છે.’

‘એ ? બીજો કોણ વળી ?’

‘એક તો આપણે ગોર ગિરજો, ને બીજા બૅરિસ્ટર બુચાજી.’