ગ્રહાષ્ટક વત્તા એક/બ્રહ્મગોટાળો

← વખત વેરસી ગ્રહાષ્ટક વત્તા એક
બ્રહ્મગોટાળો
ચુનીલાલ મડિયા
તારો વર →








૧૫.
બ્રહ્મગોટાળો
 

‘હવે રાખો રાખો, ભગવાનજી વેવાઈ…આવી વાયડી વાતું કરવી રેવા દિયો…’

‘અરે પણ આટલાં વર્ષ વીતી ગયાં પછી તમે ખીમચંદનાં લગનની વાત કરો, એ તે ક્યાંનો ન્યાય ?’

‘તી લગન તો લગનને સમે જ થાય કે વહેલાં થાય ? ને અમારા ઘરનો સંજોગ પણ જોવો જોઈએ કે નહિ ? ઉપરાઉપરી છ વરસથી અમારા ઘરમાં શોગ જ હાલ્યા કરતો’તો. મારું તો કળસીએક કુટુંબ… એકનો શોગ માંડ માંડ પૂરો થાય ત્યાં બીજું કોઈ પાછું થાય. બીજાનો પૂરો થાય ત્યાં ત્રીજું… આમ હું કેમ કરીને ખીમચંદના લગન લઉં ?’

‘પણ અમે તો એ વાત જ ભૂલી ગયા હતા કે તિલ્લુનું વેવિશાળ તમારા ખીમચંદ વેરે કરેલું.’

‘હવે રાખો, રાખો, ભગવાનજી વેવાઈ, તમે બહુ રોનક કરી આજે. પણ ભલા માણહ, લગન – પરિયાણ જેવી વાતમાં તી આવી સુગલ કરાય ?’

‘હું સુગલ નથી કરતો. સાચું કહું છું. આપણાં છોકરા–છોકરીના વેવિશાળની વાત જ અમે તો સાવ ભૂલી ગયાં હતાં.’

‘તમે તો મજાના આવી વાત ભૂલી જાઓ પણ હું એમ શેનો ભૂલું ? તમને તમારું નાક વહાલું નહિ હોય, પણ આ વખત વેરસીએ પોતાનું નાક હજી ઘરાણે નથી મેલ્યું, હાં !’

 ‘મને અત્યારના પહેરમાં આવી ચર્ચાઓ પસંદ નથી.’

‘ચર્ચા તો મનેય ૫સંદ નથી. પણ તમે મોઢામાં આંગળાં નાખીને બોલાવો છો એટલે મારે બોલવું પડે છે.’

‘તમે આમંત્રણ વગર અહીં આવ્યા જ શા માટે ?’

‘ગગો પઇણાવવા આવ્યા છીએ, કાંઈ તમારું રૂપાળું મોઢું જોવા નથી આવ્યા.’ વખતચંદ શેઠ જોડે બીજા પાંચ–સાત વડીલ જાનૈયાઓ પણ બોલી ઊઠ્યા.

‘પણ કાંઈ અગાઉથી સમાચાર આપ્યા વિના સીધા અહીં આવી પહોંચો એ તે કેમ ચાલે ?’

‘પણ આગોતરી જાણ્ય કરવા જેટલું તમે ટાણું જ ક્યાં રે’વા દીધું’તું ? તમે તો મારા ખીમચંદની વહુને બારોબાર સવેલી જ પરણાવી દેવાના હતા ને ?’

‘શું ? શું કહ્યું ?’

‘સવેલી. બીજું શું ? અમને જલાલપર – બાદશાવાળાને સાવ અંધારામાં રાખીને ઓલ્યા પ્રકાશશેઠના છોકરા વેરે અમારી કન્યાના ફેરા ફેરવી દેવા છે તમારે તો.’

‘કોણે કહ્યું તમને ?’

‘તમે તો શેના કહો ? તમારે તો સંચોડી સવેલી જ ૫ઇણાવી દેવી’તી, પણ અમારાં નસીબ જરાક પાધરાં તો વળી ઊડતા વાવડ આવી પડ્યા.’

‘કેવી રીતે ?’

‘ઇ તો મારા ખીમચંદે એનાં કરમ થોડાં વેચી ખાધાં હતાં કે તમારા ગોરખધંધાની અમને ગરીબ માણસને ખબર ન પડે ?’

‘પણ ખબર કેવી રીતે પડી એ તો કહો.’

’ઇ તો ભલું થાજો અમારા ગામના લટપટિયાનું…’

‘કોનું ?’

‘અમારા રઘલા નાઈની છોકરીના છોકરાનું. ઈ અમારા ગામના વાળંદનો ભાણેજ, એટલે અમારો સહુનો ગામભાણેજ ગણાય. આંયાકણે વિમલ તળાવ ફાટશે એવી ફેહમાં ને ફેહમાં ઈ છોકરો અમારે ગામડે આવી પૂગ્યો ને ધોડતોકને મને સમાચાર આપવા આવ્યો.’

‘શું ? શું ?’

‘ઇ કિયે મામા, મામા, આપણા ખીમભાઈની કન્યા તો બીજા કોઈને પરણવાની છે. ભગનશેઠે દીકરીનાં ઘડિયાં લગન લેવરાવ્યાં છે.’

‘એ ગધેડાએ આવું ગપ્પું હાંક્યું જ શી રીતે ?’

‘વાત થયા વિના એને ગંધ થોડી આવી હશે ? પણ મારા ખીમાનાં નસીબ એટલાં ચડિયાતાં કે આગોતરી ખબર પડી ગઈ. વાત સાંભળીને આખુ જલાલપર – બાદલા રાડ્ય પાડીને બેઠું થઈ ગયું, કે કોની જણનારીએ સવાશેર સૂંઠ્ય ખાધી છે કે અમારા ગામની વહુને આડેથી વરી જાય ?’

‘અરે, પણ આ વાત જ સાવ ખોટી છે.’

‘હવે ખોટી કિયો તો ખોટી, ને સાચી કિયો તો સાચી, મારા ખીમચંદનાં નસીબે જોર કર્યું, તી અમે તો જાડાં માણસની જાન જોડીને હાલી નીકળ્યાં.’

‘તે તમે સહુ સાચે જે હાલી નીકળ્યાં છો. આમ તે કાંઈ પારકી છોકરીને પરણવા નિકળાતું હશે ?’

‘તી પરણવાનું તો પારકી છોકરી હારે જ હોય ને ? ઘરની છોકરીને તે કોઈ પરણતું હશે મલકમાં ક્યાંય ? પછી તમારા કુળની રીત તમે જાણો. હોં શેઠ !’ કહીને વખતચંદે વેવાઈએ કઠિયાવાડી મર્મવાણીમાં સર ભગનને ટાઢો ચાંપ્યો.

‘જુઓ, અત્યારના પહો૨માં તમે મારી સાથે આમ ખોટી જીભાજોડી ન કરો, મૂળ મુદ્દાની વાત કરો.’

‘મૂળ મુદ્દાની વાત ફક્ત એટલી જ કે અમે જલાલપરથી જાન જોડીને આવ્યાં છીએ. અમારા ખીમચંદ હાર્યે તમારી તિલુના ચાર ફેરા ફેરવી દિયો એટલે તમારે માથે ઘીના ઘડા.’

‘લ્યો બોલ્યા ! ફેરા ફેરવી દો. મારી તિલ્લુને તમે લોકો શું સમજી બેઠા છો ?’

‘અમારા ખીમચંદ વેરે વરાવેલી કન્યા જ, બીજું કાંઈ નહિ.’

‘એ વાત નહિ બની શકે.’

‘શું બોલ્યા ?’

‘મારી તિલ્લુ હવે તમારા છોકરાને નહિ પરણી શકે.’

‘હેં ?’ આખી જાનમાંથી એકસામટા હુંકાર ઊઠ્યા.

‘સાચું કહું છું. હું મારી છોકરીને સવેલી બીજે ક્યાંય પરણાવવા માગતો નથી. છતાં એ મનોમન બીજાને વરી ચૂકી છે.’

‘બીજો છે કોણ ? કાંઈ ખબર પડે ?’

‘એ એનો ઈચ્છાવર છે.’

‘અરે એવા ઇચ્છાવર–બિચ્છાવર માર્યા ફરે. ઓળખો છો અમે કોણ છીએ ? જલાલપર–બાદલાના જાનૈયા હા, બીજે ક્યાંયના નહિ. અમારા ગામની વરેલી કન્યાને સવેલી લઈ જાનારને ચીરીને મીઠું ભરી દઈએ, હા ! અમે ઓછા ઊતરીએ તો અમારી નદીનું પાણી લાજે, હા !’

‘તમે લોકો કયા યુગમાં જીવો છો ?’

‘કળયુગમાં જ. નહિતર કાંઈ આવાં કપટ થાય ? અમારે ઘરે વરાવેલી કન્યાને કાંઈ આડેથી પારકાંને પરણાવી દેવાય ?’

‘પણ હજી તિલ્લુ કોઈને પરણી જ નથી ને.’

‘ઇ તો પગલાંફેર થ્યો, એમાં બચી ગઈ. મારા ખીમચંદનાં નસીબ જોર કરતાં હશે, તો અમે ટાણાસર જ આવી પૂગ્યાં. જરાક અસૂરાં થ્યાં હોત તો હથેવાળો થઈ જતાં વાર ન લાગત.’

‘હું તમને સો વાતની એક વાત કહી દઉં ?’

‘ઇ સાંભળવા તો અમે જલાલપર–બાદલાથી આંયા લગણ લાંબા થઈને આવ્યા છીએ.’

‘તો સાંભળી લો. બરાબર સાંભળી લેજો…’

‘શું ?’

‘કે મારી તિલ્લુ તમારા છોકરા વેરે પરણશે જ નહિ.’

‘તો કોના છોકરા હારે પરણશે ?’

‘એ એની ઇચ્છાની વાત છે. એ ઇચ્છાવરને જ પરણશે.’

‘અરે, વાતમાં શો માલ છે ? તો તો અમારી જનેતાનાં દૂધ જ લાજે. ઇ એનો ઇચ્છાવર અમારી સામે આવે તો ખરો ! એનાં છઠ્ઠીનાં ધાવણ કાઢી નાખીએ, હા !’

સર ભગન જેમજેમ સમજાવટ કરતા જતા હતા તેમતેમ જાનૈયાઓનો લડાયક મિજાજ વધતો જતો હતો.

‘અમે જલાલપુર–બાદલાથી આયાંકણે ગગો પઇણાવવા આવ્યા છીએ, ડાકોરની જાત્રાએ નથી નીકળ્યાં, હા !’

‘ખીમચંદને ખભે છેડાછેડી બાંધ્યા વિના આયાથી આઘા ખસે ઈ બીજા, હા !’

‘ને એમાં અમારી કન્યાને આડેથી કોઈ વરી જશે તો આડી લાશું ઢળી જશે લાશું, હા !’

‘ઈ તમારો પ્રકાશશેઠ છે ક્યાં ? અમારી સામે હાજર તો કરો, તો એને ખબર પાડી દઈએ કે પારકી કન્યાને સવેલી કેમ પરણી જવાય છે, હા !’

‘એનાં હાડકાં ખોખરાં કરી નાખીએ, એટલે એનેય ખબર પડે કે જલાલપર–બાદલાનું પાણી કેવું હોય છે, હા !’

આ ધમકીઓ સાંભળીને સર ભગને કહ્યું. ‘એનાં હાડકાં ખોખરાં કરવા માટે તમારી જરૂર નહિ પડે.’

‘કેમ ?’

‘કરનારાં કરશે જ. પણ તમે હવે અત્યારના પહોરમાં ચા–પાણી પીને શાન્ત થાવ.’

‘ચા–પાણી તો અમે પાલઘર સ્ટેશનથી પીને આવ્યા છીએ. હવે તો ખીમચંદનાં પાણિગ્રહણ થઈ જાય એટલે હાંઉ.’

 ‘આમ ઘોડે ચડીને તે પાણિગ્રહણ થતાં હશે ?’

‘તી વિવાહવાજનમાં વરરાજા ઘોડે ન ચડે તો શું ગધેડે ચડે ?’

‘પણ આટલી ઉતાવળ ?’

‘ઉતાવળ ન કરીએ તો તો આડેથી કોક સવેલી જ ઉપાડી જાય.’

‘ધીરજ રાખો, શેઠ, ધીરજનાં ફળ મીઠાં છે.’

‘મીઠાં નહિ, માઠાં છે. આ આટલાં વરસ લગી અમે ખીમચંદનાં લગ્નનું દબાણ ન કર્યું, ને તમારી તિલ્લુ ભણે છે, ભણે છે, એમ સમજીને ધીરજ ધરીને બેઠાં રયાં, ત્યારે જ આમ અંતરિયાળ જાન જોડવાના દિવસ આવ્યા ને ?’

‘તમે નાહકની આટલી ઉતાવળ કરીને અહી સુધી ધક્કો ખાધો.’

‘ઉતાવળ ન કરી હોત તો તે મારો ખીમો વા ખાતો જ રઈ જાત. પણ મેં મારી અકલ કાંઈ ઘરાણે મેલી છે ? રાઘવા નાઈએ મારી દાઢી કરતાં કરતાં વાત કાઢી કે ભગનશેઠની છોકરી પ્રકાશશેઠના છોકરાને પરણશે, કે તરત મેં તો ઈ વાળંદને કહી દીધું કે, એલા હવે હાંઉ કર્ય, દાઢી બવ સારી ઊતરી ગઈ છે, અવળો હાથ નથી લેવો. સમજ્યા ને ભગનશેઠ ? નાઈ અવળો હાથ લેવા રોકાય ને એમાં અસુરું થઈ જાય તો ? તો તો પછે આંયાકાણે ઓલ્યો પ્રકાશશેઠ અમારી કન્યાને સવેલી લઈને હાલતો જ થઈ જાય ને? ને મારા ખીમાનાં લગનનું અમૃત ચોઘડિયું ઊતરી જ જાય ને એટલે અમે તો ઊભાં ઊભાં જાન જોડી. વાજોવાજ રેલ પકડી. ભાતાંપોતાં બાંધવાય ને રોકાણાં. જાનૈયાએ પણ કહ્યું કે હવે તો ભોજન કરશું ભગવાનજી વેવાઈને માંડવે જ.’

‘એ તો હું ક્યારનો તમને સહુને કહું છું કે તમે આ કાઠિયાવાડી રેલગાડીનાં કોલસીકસ્તરથી રજોટાયેલાં હવે જલદી નાહીધેઈને જરા ચોખ્ખાં થાઓ તો હું ભોજનની પણ વ્યવસ્થા કરાવું.'

‘તી ભોજન કાંઈ ભાઈની ભલાઈએ થોડા આપશો ? ગગાની જાન જોડીને આવ્યાં છીએ, કાંઈ સદાવ્રત ઉઘરાવવા નથી આવ્યાં.’

‘આજકાલ મારે આંગણે હજારો માણસોનાં રસોડાં ચાલે છે, એમાં તમે પાંચપચીસ જાનૈયા કાંઈ ભારે નહિ પડો. તમારે માટે હું ખાસ મિષ્ટાન રંધાવીશ.’

‘તી મિષ્ટાન્ન તો કાકા કહીને ૨ંધાવવાં પડશે ને ? ઉપકાર થોડો કરો છો ? અમે તો વરવાળાં કહેવાઈએ. અમારો હાથ ઊંચો ને કન્યાવાળાનો નીચો.’

‘હવે તમે બહુ ઊંચાનીચા થયા વિના છાનાંમાનાં અહીં રહો. નહિતર પછી...’

‘નહિતર પછી ? નહિતર વળી તમે શું કરી લેવાના છો ?’

‘નહિતર મારે તમારી સામે પોલીસ પગલાં લેવાં પડશે.’

‘પોલીસ પગલાં ? કારણ કાંઈ?’

‘તમે આ બંગલામાં ગેરકાયદે ગૃહપ્રવેશ કર્યો છે.’

‘લ્યો સાંભળજો સમાચાર ! અરે, અટાણાના પહોરમાં પ્હણે દરવાજે ઊભા રહીને જકલ વેવાણ્યને હાથે મારા ખીમચંદનું પોંખણું ન કરાવ્યું, એટલે તમને ગેરકાયદે ગૃહપ્રવેશની વાત સૂઝી ને ?’

‘તમે સહુ અત્યારે મારી દયા ઉપર જ છો.’

‘હવે હાંઉ કરો, હાંઉ, ભગવાનજી વેવાઈ. તમે તો બવ રોનક કરી અમારી. તમે તો સળંગ સુગલી નીકળ્યા.’

‘સુગલ નથી કરતો. સાવ સાચું કહું છું. તમારે લોકોએ અહીનાં અન્નક્ષેત્રમાં અષ્ટગ્રહ યુતિ સુધી રહેવું–જમવું હોય તો તમને છૂટ છે. લાખ ભેગી સવા. બાકી, તમારા ચિરંજીવી ખીમચંદને તમે મારો જમાઈ બનાવવા માગતા હો તો ખાંડ ખાઓ છો.’

 આખરે સર ભગને સાચી વાત કરી જ દીધી.

આ સાંભળીને જાનૈયાઓનો ઉશ્કેરાટ બમણો વધી ગયો. સહુ એકી અવાજે પૂછી રહ્યા.

‘ખીમચંદને તમારે જમાઈ નથી બનાવવો, તો પછી એનું સગપણ શું કામ કર્યું હતું ?’

‘તોડી નાખવા જ.’ સર ભગને બીજી પેટછૂટી વાત હિંમતપૂર્વક સંભળાવી દીધી.

જાનૈયાઓનો ઉકળાટ ઓર વધી ગયો. એકસામટો ગોકીરો ઊઠ્યો :

‘તોડી નાખવા સારુ જ સગપણ કર્યું હતું ? બોલતાં શરમાતા નથી !’

‘આ શું બચ્ચાંના ખેલ સમજી બેઠા છો ?’

‘અમને શું ઉલ્લુ બનાવવા નીકળ્યા છો ?’

‘છોકરી પરણાવવી નહોતી તો એના ચાંદલા શા માટે કર્યા? જખ મારવા ?’

‘જખ મારવા નહિ, માથેથી ભાર ઉતારવા.’

‘ભાર ? શાનો ભાર ?’

‘નીચના ગ્રહનો.’

‘આ શી વાત કરો છો ?’

‘ભાઈ, અમારા ગિરજા ગોરે મને જે વાત કહેલી એ જ હું તમને કહું છું.’

‘શું કહ્યું હતું ગિરજા ગોરે વળી ?’

‘એણે મારી તિલ્લુની જન્મકુંડળી માંડીને કહેલું કે છોકરીના ગ્રહ તો બહુ સારા છે. ફક્ત એના પતિભવનમાં નીચના ગ્રહની નજર છે.’

‘એટલે શું ?’

‘એટલે એમ કે તિલ્લુનો એક વિવાહ થશે, એ તૂટી જશે, પછી જ બીજા વિવાહનો યોગ છે.’

‘કાંઈ સમજાણું નહિ, ભગન વેવાઈ.’

‘ગિરજાએ એમ કહ્યું હતું કે તિલ્લુનો એક વિવાહ ફોક જવાનો યોગ છે.’

‘હા.’

‘એટલે અમે વિચાર્યું કે જો એના નસીબમાં આમ પહેલો વિવાહ તૂટવાનું જ માંડ્યું છે, તો ચાલો, ઝટપટ એક વાર વિવાહ કરીને તોડી નાખીએ, એટલે...’

‘એટલે પછી લગનની લેન કીલિયર થઈ જાય, એમ જ ને ?’

‘ભાઈ, અમને તો ગિરજા ગોરે સલાહ આપી એમ કર્યું.’

‘પણ એ તમારો ગોર પણ કેવો ગમાર કે આવી અવળી સલાહ આપી.’

‘ગિરજાને તો અમે ગોરદેવતા ગણીએ છીએ. એનો બોલ એટલે બ્રહ્મવાક્ય. એટલે જ એણે તિલ્લુની કુંડળી વાંચીને ભવિષ્ય ભાખ્યું ત્યારે અમે ગભરાઈ ગયાં. પછી ગિરજાએ જ આ સુટકો સુઝાડી આપ્યો.’

‘લગનના સગપણ જેવા સગપણને તમે સુટકો ગણો છો ?’

‘હું નહિ, અમારા ગોરદેવતા.’

‘અરે, એ તમારો ગોર મહારાજ દેવતા નહિ પણ કોયલો છે કોયલો. નહિતર એ આવી અવળમત્ય તમને સુઝાડે જ નહિં.’

‘એ તો છોકરીના હિતમાં સલાહ આપી કે...’

‘કે વિવાહ કરીને તોડી નાખો, એમ જ ને ?’

‘હા, એમ જ. કુળગોર કહે એમ કરવું જ પડે ને ?’

‘અરે, પણ કુળગોર તો કાલે સવારે કહેશે કે કૂવામાં પડો, ને એમ છતી આંખે કૂવામાં પડશો ?’

‘અત્યારે તો અમારા ગિરજાનો દોર્યો દોરવાઉ છું, ને આ ગ્રહાષ્ટકની યુતિ થાય છે એમાં હું સાચે જ ઊંડા કૂવામાં ઊતરી રહ્યો છું.’

‘એ તો તમે જાણો ને તમારો ગોર જાણે. અમે તો એક જ વાત સમજીએ. અમારા ખીમચંદને કંકુઆળો કર્યા વિના અમે અહીંથી ખસવાના નથી.’

‘પણ તમારા ખીમચંદને કંકુઆળા કરવાની વાત હવે મારા હાથમાં નથી રહી.’

‘કેમ ભલા ? તમે તો કન્યાના બાપ છો કે કોણ છો ?’

‘બાપ છું, એટલે જ આમાં હવે મારું કાંઈ ચાલે એમ નથી. મારી પુત્રી હવે પરણવાની બાબતમાં પિતાને પૂછે એવી નથી.’

‘એ તમે જાણો કે તમારી છોકરી જાણે. અમે તો કપાઈને કટકા થઈ જાશું, પણ ખીમચંદની કન્યાને અહીંથી લીધા વિના પાછા નહિ જ જઈએ.’

‘આવી હઠ તે હોય ?’

‘આ તો રાજહઠ છે. વરરાજા પણ અઢી દિવસનો રાજા જ ગણાય છે ને ?’

‘પણ એ તમારી રાજહઠ અમારા ગિરજાશંકરની ગોરહઠ પાસે નહિ ચાલે.’

‘અરે, વાતમાં શો માલ છે ? ક્યાં છે છે તમારો ગિરજો ગોર ? આંયાકણે હાજર કરો તો પાંહરો દોર કરી દઈએ. અમે કોણ? જલાલપર-બાદલાના અડધા ગામધણી હા !’

‘લ્યો, પ્હણેથી પેલા ભૂદેવોનું ટોળું આવે છે એમાં ટકોમુંડો કરાવેલ છે એ જ અમારો ગિરજો ગોર છે. તમે એની જોડે કરી લેજો માથાફોડ.’

કોઈ મોટા પ્રતિનિધિમંડળની આગેવાની લઈને મુખ્ય પ્રધાનને મળવા આવી રહ્યો હોય એ ઢબે ગિરજો રૂઆબભેર આવી ઊભો. એની પાછળ ભૂદેવોનું ટોળું કશીક રાવરિયાદ કરતું હોય એ ઢબે કલકલાટ કરી રહ્યું.

‘શેઠ, આ તે શો અન્યાય !’ ગિરજો ગરજી રહ્યો.

‘તને શું વાંકું પડ્યું અહીં શ્રીભવનમાં ?’

‘અરરર ! બીજા કોઈ ઉપર નહિ ને બ્રહ્મપુત્રો ઉપર પોલીસનો પંજો પડ્યો ?’

‘શું થયું ?’ સર ભગન ચોંકી ઊઠ્યા.

‘અમારા પરમ પૂજ્ય આચાર્ય–દેવ શ્રી ૧૦૦૦૮ પ્રખર પંડિત, જ્યોતિષમાર્તંડ શ્રી શ્રી—’

‘અલ્યા, જલદી મૂળ નામ જ ભસી મરની, ડિગ્રીઓ તો નામને છેડે આવે કે પહેલાં ?’

‘અરે, એવા મહાન ડિગ્રીધારી જ્યોતિષાચાર્ય શ્રીમદ્‌ જટાશંકરાચાર્યજીને અને એમના સુશિષ્ય શ્રી શ્રીમદ્‌—’

‘નામ નામ બોલની ઝટ.’

‘સુશિષ્ય શ્રી જ્યોતિષકલ્પતરુ શ્રીમદ્‌ ભૈરવૈશ્વરાનંદજી…’

‘એ બેઉએ દાઢી વધારેલી ?’

‘દાઢી શું, પંચકેશ વધારેલા.’

‘બસ, તો એમાં જ પોલીસે આ ભાંગરો વાળ્યો.’

‘કેવી રીતે ?’

‘આંધળે બહેરું કુટાઈ ગયું અંધારામાં.’

‘એટલે ?’

‘લાલીને બદલે માલી જેવું જરાક થઈ ગયું. બ્રહ્મગોટાળો જ.’

‘પણ અમારા પૂજ્ય આચાર્યને અને એમના શિષ્યપ્રવરને આ રીતે પોલીસ પકડી જાય એ તો ક્યાંનો ન્યાય ? એટલે કે ક્યાંનો અન્યાય ?’

‘એ અન્યાયનો હું ઉપાય કરું છું.’

‘કેવી રીતે ?’

‘એ રીત–બીતની તમારે શી પંચાત ? હું તમારા આચાર્યને ને એમના શિષ્યને પોલીસની કસ્ટડીમાંથી હમણાં જ છોડાવી મંગાવું છું.’

અને તુરત સર ભગને હાક મારી : ‘સેવંતીલાલ !’

‘જી.’

‘આ રાતને અંધારે આંધળે બહેરું કુટાઈ ગયું.’

‘શું થયું સાહેબ ?’

‘જેની આપણે ટાઢે પાણીએ ખસ કાઢવાની હતી એ જોડી તો હજી નિરાંતે બેસી રહી છે, ને બદલામાં બે બ્રહ્મપુત્રોને ઇન્સ્પેક્ટર ગોગટે પકડી ગયા છે.’

‘પણ આ ભૂલ શાથી ?’

‘દાઢી જોઈને જ… વારુ, પણ હવે જલદી જાઓ. ને લૉકઅપમાંથી એમને પાછા લઈ આવો.’