ઘાશીરામ કોટવાલ/વાત ૧૩.
← વાત ૧૨. | ઘાશીરામ કોટવાલ વાત ૧૩. મેારુબા કાહ્નોબાજી (મરાઠી ) ૧૮૬૫ |
વાત ૧૪. → |
પક્ષીને પાંજરામાં રાખીને પાળવાનો તથા તેને બોલતાં શિખવવાનો ઘાશીરામને ઘણો શોક હતો. કોઈ પરદેશી માણસ આવે ત્યારે તેની આગળ પોતાના હીરામણ પક્ષીના બોલવાની તારીફ કરતો હતો. એક વખત એક આરબસ્થાનનો માણસ આવ્યો હતો, તેને કોટવાલે પોતાનો હીરામણ દેખાડ્યો. તે વખતે પક્ષી “રામ રામ હો દાદા, રામ રામ” એવા શબ્દ બોલ્યો. તે ઉપરથી એ પક્ષી શું બોલે છે ? એવું તે આરબના પૂછવા ઉપરથી તમને તે સલામ કરે છે, એવો કોટવાલે જવાબ દીધો. બાદ “ક્યા ખબર હેં?” એવું આરબે મુસલમાની જુબાનમાં તે પક્ષીને પૂછ્યું, તેને કંઈ પક્ષીએ જવાબ દીધો નહીં. તે ઉપરથી તે આરબે દેશદેશના પક્ષીની વાત કહી.
આગસ્ટસ સીઝર બાદશાહ માર્ક અંતોની ઉપર ચહડાઈ કરી ફત્તેહ મેળવીને મોટા દમામથી રોમ શહેરમાં આવતો હતો. તે વખત ઘણાં લોકો સામા ગયા હતાં તેમાં એક માણસ મેનાને હાથ પર બેસાડી ગયો હતો. તેની નજદીક બાદશાહની સ્વારી આવતાં જ મેના પેાતાની પાંખ ફફડાવી બોલી; “ફતેહ પામેલા બાદશાહ સીઝરને ઈશ્વર સલામત રાખો ?” એ સાંભળી બાદશાહ ઘણો ખુશ થયો, ને તે માણસને ઘણા પૈસા આપી તેની પાસેથી તે મેના લીધી. બાદ મેનાના માલીકે બક્ષીસમાંથી પોતાના સોબતીને ભાગ આપવો ઠરાવ્યો હતો, તે આપ્યો નહીં. તે ઉપરથી તે સોબતીને ગુસ્સો લાગ્યો, ને એનો બદલો લેવો, એવો નિશ્ચય કર્યો. બાદ જેને બક્ષીસ મળી હતી તેના મનમાં કાંઈ ખરો ઇરાદો સરકારને નજર કરવાનો નહોતો; માત્ર પેટ ભરવાના કારણ સારુ એક જ પક્ષીને ફક્ત રાજસ્તુતિના શબ્દ શિખવી મૂક્યા હતા; પણ બીજા પક્ષીને તેણે વિપરીત શબ્દ શિખવેલા છે, એવું બતાવવા સારુ બીજી મેના તે સોબતી સીઝર બાદશાહની રુબરુ લઈ ગયો. સરકારે જેને ઇનામ આપ્યું હતું. તે માણસે બીજી એક મેના તૈઆર કરીને મોકલી છે, તે જુએા; એટલું તે બેાલ્યો એટલે બીજી મેનાએ કહ્યું કે “ફતેહ પામેલા માર્ક આન્તોનીને ઈશ્વર સલામત રાખો.” એ સાંભળી સીઝર બાદશાહ અકલમંદ હતો તે હસ્યો; ને પ્રથમ આપેલા ઇનામમાંથી બંને જણને અરધો અરધ વહેંચી આપો એવો તેણે હુકમ કીધો.
એક ચમાર ઘણો દરિદ્રી થઈ ગયો હતો. તેણે ઇનામ મેળવવાની આશાથી એક પક્ષી લાવીને તેને શિખવવાની મહેનત કરી; પરંતુ તે જલદી બોલતાં શિખ્યું નહીં. તે જોઇને નિરાશ થઇને પક્ષી પાસે વારંવાર જઇને કહેવા લાગ્યો “ઠીક, ત્યારે મહારી મહેનત વ્યર્થ ગઈ?” બાદ મહેનત કરીને તે પક્ષીને સીઝર બાદશાહ પાસે લઈ ગયો. તે વખત “બાદશાહને ઈશ્વર સલામત રાખો.” એવા શબ્દ સાફ રીતે તે પક્ષી બોલ્યો. તે ઉપરથી બાદશાહે કહ્યું કે, તારા સરખા ખુશામતીઆ મારે ત્યાં ઘણા છે. તે ઉપરથી તે પક્ષીએ “ઠીક, ત્યારે મારી મહેનત વ્યર્થ ગઈ?” એવા શિખવનારના બોલેલા બોલ સાંભળેલા કહ્યા. એ વાજબી જવાબ સાંભળીને, શિખવનારની ઉમેદ કરતાં વધારે કીમત આપી બાદશાહે તે પક્ષી વેચાતું લીધું.
એક સોદાગર પોપટને “એમાં શું શક ?” એવા શબ્દ શિખવીને બજારમાં વેચવા ગયો. ત્યાં એક ગૃહસ્થે આવી તેની કીમત પૂછી. ત્યારે સોદાગરે કહ્યું: “એની કીમત પાંચ મોહોર છે.” ત્યારે તે ગૃહસ્થ બોલ્યો કે, “પોપટની એટલી યોગ્યતા છે કે શું?” તે વારે સોદાગરે જવાબ દીધો કે, "પોપટને પૂછવાથી માલુમ પડશે.” તે ઉપરથી પેલા ગૃહસ્થે પૂછ્યું “કેમ રે પોપટ, તારી યોગ્યતા પાંચ મોહોરની છે?" એટલે "એમાં શું શક?" એવેા પોપટે ઉત્તર આપ્યો. તે ઉપરથી પાંચ મહોર આપી તે ગૃહસ્થ તે પો૫ટને પોતાને ઘેર લઈ ગયો અને તેની સાથે વાત કરે ત્યારે “એમાં શું શક?” એટલા જ શબ્દ માત્ર પોપટ કહેતો. તે સાંભળીને મેં મૂર્ખપણાથી આટલા પૈસા આ પોપટને સારુ આપ્યા, એવું નાખુશીનું બોલવું તેના મોહોડામાંથી નિકળ્યું, તે સાંભળીને “એમાં શું શક ?” એવો પોપટનો જવાબ મળ્યો. તે સાંભળીને તે હસ્યો ને પોપટને પાંજરામાંથી કહાડી છોડી દીધો. અા પ્રમાણે જે વખત જે પ્રમાણે બોલવું ઘટે, તે પ્રમાણે બોલતાં ઘણા પક્ષી શિખે છે. તે પ્રમાણે જોતાં તો તમારો હીરામણ તૈઆર થયો નથી. મરજી હોય તે હું તૈઆર કરું. એ રીતે પેલા આરબ સોદાગરે કહ્યું.
આવું બોલવું સાંભળીને ઘાશીરામે તે આરબનો દરમાયો ડરાવી હીરામણને શિખવવાને તેને હવાલે કર્યો. તેને પાંચ છ મહીના સુધી શિખવીને આરબ પાછો લાવ્યો, ને તે બેલ્યો કે મેં ઘણી મહેનત લઈને આ પક્ષીને ભણાવ્યો છે. તે ઉપરથી “તને ભણાવતાં મેહેનત પડી છે, કેમ હીરામણ?” એવું કોટવાલે પૂછ્યું. ત્યારે “હા ખરી વાત છે” એવો તે પોપટે જવાબ દીધો. તે સાંભળીને માહારો પોપટ હીરામણ શહાણો થયો, એવું સમજીને આરબને એક સારું ચંદેરી સેલું આપીને કોટવાલે રજા આપી. પછી સાંજરે કોટવાલ નાનાફર્દનિવીશના વાડામાં ગયા. ત્યાં પોતાના હીરામણ પક્ષીની ભરી સભામાં એવી તારીફ કરી કે, તે પોપટને કોઈ સવાલ પૂછે છે, તો તેનો તે બરાબર જવાબ દે છે. તે ઉપરથી તમારો પોપટ એક દિવસ બતાવો, એવું નાનાફર્દનિવીશ બોલ્યા.
ત્રીજે દિવસે પોપટને શિખવનાર આરબની રાખે સંગમ ઉપર જઈને રેસિડેંટ સાહેબને અરજ કરી કે, હું અંગ્રેજ સરકારની રૈયત થઈને હમણાં જ અહીંઅાં આવી છઉં. મારા ઉપર શહેરના કોટવાલે મોટો જુલમ કર્યો છે. તે એવી રીતે કે મારો ધણી હિંદુસ્થાન ગયો છે, તેથી હું ઘરમાં મહેનત મજુરી કરીને પેટ ભરું છું. હું એકલી છઉં, તે જોઈને કોટવાલે મારા ઉપર બદનજર કરી છે. મને ચાર પાંચ ફેરા બોલાવા મોકલ્યું; પણ હું તેની પાસે ગઈ નહીં, ત્યારબાદ એક દિવસ મારા ઘરમાં અંધારી વખતે પેસીને મારા ઉપર જબરદસ્તી કરવા લાગ્યો. ત્યારે મેં બુમ પાડી એટલે તે જતો રહ્યો. જતી વખત ઠીક છે રાંડ, તારી ખબર લઉંછું, તારા જેવી મેં રાંડો ઘણી જોયલી છે, એવું ઘણા ગુસ્સાથી બોલ્યો. બીજે દહાડે સવારમાં હું પાણી ભરવા હોજ ઉપર જતી હતી. ત્યાં એક માણસ મારી પાછળ પાછળ આવ્યો, ને બાવનખણી કેણી તરફ છે એવું પૂછવા લાગ્યો. તે વખત શુકરવારપેઠમાં કોટવાલ ચાવડી પાસે છે, એવો મેં જવાબ દીધો. ત્યાં કોની અને કેટલી વસ્તી છે, એવું તેના પૂછવા ઉપરથી, પાંચ પચાસ કસબણ ત્યાં રહે છે, એવું સંભળાય છે, એ પ્રમાણે કહ્યું. એટલે એક સીપાઈ આવીને મને તથા તે માણસને પકડીને કોટવાલ પાસે લઈ ગયો. ત્યાં કોટવાલ, ગુસ્સો કરીને તે સખસને, તું શું કરતો હતો એવું કહી પૂછવા લાગ્યો. ત્યારે મારે આ બાઈ સાથે ઘણી દોસ્તી છે, ને એને ઘેર હું જતો આવતો હતો; સબબ આજ કેઈ વખતે આવું ? એવું પૂછતો હતો. એ એારત બોલી કે, એક બે દિવસમાં મારો ધણી હિંદુસ્થાનથી આવનાર છે, વાસ્તે હમણાં આવશો નહીં, એ પ્રમાણે તે લુચ્ચાએ, બનાવટની હકીકત કહી. તે વખત ફોજદારી કારકુનને કોટવાલે કહ્યું: “આ માણસનો હાજર જામીન લઈને એને ચેાથે દિવસે હાજર રહેવાનો બંદોબસ્ત કરો, ને આ રાંડને, આપણો પક્ષી છે તે કોટડીમાં રાખો. તેથી મને તે કોટડીમાં ઘાલીને બહારથી બારણાં બંધ કર્યા, કેટલોક વખત ગયા પછી અંદરનાં બારણાં ઉઘાડી કોટવાલ તે કોટડીમાં આવ્યો, ને મને ત્યાંથી ઘરની અંદર લઈ જઈને, તે જગે ચાર પાંચ કોઠી હતી તે ઉઘાડીને હસતાં હસતાં કહ્યું કે આમાં શહેરની લબાડ રાંડોની લીધેલી નથો (વાળી અથવા વીંટલી) હજાર પાંચશે રૂપીઆની છે; તેમાંથી જે નથ તને પસંદ પડે તે નથ તું હાથમાં લે. ત્યારે હું એવું બોલી જે, મારે નથ અથવા બીજું કાંઈ જોઈતું નથી; તમને પગે લાગું છઉં, મને છોડી દો. તે ન સાંભળતાં હવે કાંઈ વધારે બોલી તો આ તરવારથી તારું ડોકું કાપી નાંખીશ, ને ઈંઅાંજ તને દાટી દઈશ; એ રીતે ગુસ્સાથી બોલીને મને વળગી પડ્યો ને મારી આબરૂ લીધી. તે જગે કોઈ જોનાર ન હતું. એક મોટો લીલો પોપટ પિત્તળના પાંજરામાં હતો; તેને બોલતાં આવડે છે તેથી તે મારો સાક્ષીદાર થયો છે. આ પ્રમાણે મારી હુરમત લીધા પછી આ ચંદેરી સેલું મને આપી છોડી દીધી. ફર્દનિવીશની પાસે જાત; પણ તેને કોટવાલ સાથે દોસ્તી છે, તેથી મારી દાદ શી રીતે લાગે? હમણાં મારો વાળી ઉપર પરમેશ્વર કે અહીઅાં સાહેબ છે. મારો ધણી આવ્યા પછી મને કહાડી મૂકશે, ને મારી શુદ્ધિ કરવાને મને બે હજાર રૂપીઆ સૂધીનો ખરચ થશે. અા પ્રમાણે બોલી અાંખમાં અાંસુ લાવી સાહેબના આગળ પડી. તે વખત તારો ઈન્સાફ થશે, બીહી ના, એવું કહિને રેસિડેંટ સાહેબે તેનું નામ પૂછ્યું. તેણે પોતાનું નામ બેનુર બેગમ બંગાલી એવું બતાવ્યું. તે ઉપરથી તેની તમામ હકીકતનું ટીપણું કરી લીધું ને નાના ફર્દનિવીશને યાદી લખી રેસિડેંટ સાહેબે મોકલી, ને તેની સાથે નુરબેગમને પણ રવાને કરી. ને એને વિષે શી રીતે ફેસલો થયો તે જાણવા સાર લખી મોકલવાનું લખ્યું. તે યાદી ફર્દનિવીશના હાથમાં ગયા પછી, તેણે કોટવાલને બોલાવી તેને બતાવી. કોટવાલે જઈને સઘળો મજકુર ખોટો છે એવો જવાબ દીધો. તે ઉપરથી હીરામણ પોપટ તમારા ઘરમાં કેટલા છે ? એવું ફર્દનિવીશે પૂછ્યું. આપ આગળ ગઈ કાલે જે વિષે તારીફ કરી હતી તે એક જ છે, એવું ઘાશીરામ બોલ્યો. ફર્દનિવીશે તે પોપટનું પિંજરું મંગાવાનું કહ્યું. તે ઉપરથી હીરામણ પોપટને લાવ્યા. તે વખત તમારે વચ્ચે કાંઈ બોલવું નહીં, એવું ઘાશીરામને કહીને હીરામણને પાસે મંગાવીને નુરબેગમ તરફ અાંગળી દેખાડીને “એ વાત કહે છે તે ખરી છે કે કેમ ? ફર્દનિવીશે એવી રીતે પક્ષીને પૂછ્યું. એટલે “હા, ખરી છે, હા, ખરી છે,” એવું તે બોલ્યો. તે વખત સઘળા હસી પડ્યા, ને કોટવાલ તરફ જોવા લાગ્યા. તે ઉપરથી કોટવાલને ગુસ્સો આવવાથી આ પોપટને લુચ્ચાઓએ ફોસલાવ્યો છે, એવું કહીને હાથમાં લાકડી હતી તે હીરામણના માથા ઉપર મારી, તેથી તે ડાંડી ઉપરથી નીચે પડીને તરફડીને તુરત મરણ પામ્યો. ત્યારે ફર્દનિવીશ તથા બીજા સઘળા લોકોને નુરબેગમની ફરીઆદ ખરી લાગી. પોપટને વધારે વાત પૂછવાની હતી; પણ તે મરણ પામ્યો. ઘાશીરામને નુરબેગમનું મન મનાવવું પડ્યું.