← વાત ૨. ઘાશીરામ કોટવાલ
વાત ૩.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૪. →


વાત ૩.

એક દિવસે નાના ફડનવીશે ઘાશીરામને સંગમ*[૧] ઉપર અંગરેજ સરકારના રેસિડેંટ સાહેબ પાસે કાંઈ કામ સારુ મોકલ્યો હતો. ત્યાંહાં કામની બાબત પુરી થયા પછી રેસિડેંટ તથા કોટવાલની વચે વાતચિત થઇ તે નીચે મુજબ:––

કો૦— દરીઓ કહેવાય છે તે આપના જોવામાં આવ્યો છે?

રે૦— હા, જોયો છે. અમારો દેશ દરીઆમાં છે. અમે ત્યાંથી વહાણમાં બેશીને આ દેશમાં આવીએ છૈએ.

કો૦— એમ કેમ? આપનો દેશ અહીંથી કેટલો દૂર છે? અને ત્યાંથી અહીં આવતાં કેટલા દિવસ લાગે છે ?


  1. * મુળા મુઠા નામની બે નદી એકઠી થઈ છે તેને સંગમ કહે છે.

રે૦— સુમારે ચાર હજાર કોશ દૂર છે. ત્યાંહાંથી આવવાને ત્રણ ચાર મહિના લાગે છે.

કો૦— વાહાણને ચાલવાની સડક કેટલી પહોળી છે? રસ્તે બાપદેવા નામના ઘાટ પ્રમાણે ઘાટ આવે છે? ને રસ્તે ઉતરવાને ધર્મશાળા છે?

રે૦— દરીઓ અને જમીન બે નિરાળાં છે. દરીઆમાં ખારાં પાણી છે, ને પૃથ્વી ઉપર જમીન કરતાં દરીઆનો ભાગ વધારે છે, દરીઆમાં સડક નથી. તમે શું પૃથ્વીનો નક્શો કદિ જોયો નથી ?

કો૦— શ્રીમંતના વાડામાં તથા પુના શહેરમાં ઘણે ઠેકાણે સિંધિયા, હોલકર, નવાબ એએાની તસવીરો છે; તેજ પ્રમાણે પૃથ્વીનો નક્શો છે કે?

રે૦—ના, ના, તેવો નથી. તમને પૃથ્વીનો નક્શો બતાવું. (એમ કહીને દેવાલ ઉપર પૂર્વ ગોળાર્ધ ને પશ્ચિમ ગોળાર્ધના બે નક્શા ટાંગેલા હતા તે બતાવ્યા.)

કો૦—હવે સમજ્યો; એ બંને ચક્કર વાહાણનાં પૈડાં છે, ને તેની નીચે કાઠી એ ધરી છે. તેના ઉપર વાહાણને મુકી દરીઆમાં ખેડતા હશે.

રે૦—આપના જેવા જલદ સમજનાર લોક શ્રીમંતની પાસે છે તે જોઈ અમને મોટી તાજુબી લાગે છે. નાહાના સાહેબની મુલાકાત થશે તે વખત આપને વિષેની હકીકત કહીશ. (આ વાત સાંભળી ઘાશીરામ પોતાના મનમાં મોટો સંતોષ પામ્યો, અને પોતાના ડહાપણનું અભિમાન રાખી ફરી બોલવું જારી કર્યું.)

કો૦—આગળ અયોધ્યામાં શ્રી રામચંદ્રજી પેદા થયા તે વાંદરાનું લશ્કર એકઠું કરી લંકા ગયા ને રાવણનું રાજ લીધું. ને વાંદરાઓને વરદાન આપ્યું કે, તમે કળિયુગમાં રાજ કરશો. આ પ્રમાણે અમારા પુરાણમાં કહેલું છે; તે વાંદરાઓના ખાનદાનના ફિરંગીઓ છે. તેને નાની પુંછડી છે, ને તેનું રાજ મોટું છે એવું સાંભળ્યું છે. તે લોકો તમારા જોવામાં આવ્યા છે?

રે૦—ફીરંગી લોક અમારી જાતના લોકમાં ગણાય છે. પરંતુ અમારી અથવા તેની ઉત્પત્તિ વાંદરાંથી થઈ અને અમને કે તેને પુંછડી છે એ તમારી સમજણ બરાબર નથી.

કો૦—સાહેબ, આપ એમ શું કહો છો? પ્રત્યક્ષ માહાદેવ શાસ્ત્રી થતે, રઘુનાથ શાસ્ત્રી દ્રવિડ, તથા નારાયણ ગોસાંઇ નાશીકકર; એવા એવા વિદ્વાનોને મોહડે અમે એ વાતો ઘણે ફેરે સાંભળી છે, ને તે સઘળા લોકોના જાણ્યામાં છે.

રે૦—ત્યારે તેઓને ફિરંગીની ઉત્પત્તિ વિષે બરાબર ખબર નથી. (આટલી વાત થઈ એટલે રેસિડેંટ સાહેબને ખાવાની વખત થઇ. તેના નોકરો ખાવાનો સામાન લાવવા લાગ્યા. તેમાંનો એક નોકર ચાંદિના એક નાહના વાસણમાં સ્ફટિક મણિ સરખું સફેદ રંગનું મીઠું ઘાલીને લાવતો હતો. તે કોટવાલના જોવામાં આવ્યા પછી બોલવું થયું તે.)

કો૦—આ નિમખ આવું સફેદ ચક્ચકિત ક્યાંથી આવ્યું. આપના દેશમાં નિમખ નીપજે છે શું?

રે૦—એ નીમખ કોંકણનું છે. અમારા દેશમાં નીમખના અગર મેાટા મોહટા છે. તેમાં દરીઆનું પાણી લઈ તે નીમખ પકાવે છે.

કો૦—ત્યારે મુળા મુઠા નદીને કિનારે વિલાતી મીઠાનું બી રોપીએ તો નદીના પાણીથી મીઠું પાકશે? શ્રીમંતને એ વાતની સૂચના કરું શું ?

રે૦—નીમખનું બી હોતું નથી. દરીઆને કિનારે જમીન ખેાદી સરખી કરી તેમાં પાળ બાંધીને મીઠઅગર કરે છે. તેમાં ક્યારાઓ કરી દરીઆનું પાણી લે છે, ને તે પાણીને સુકાવા દે છે એટલે મીઠું થાય છે. મીઠું પકાવાને ખારું પાણી જોઇએ.

કો૦—દરીઆનું પાણી શું ખારું છે? અમારે ત્યાં નાળિયેરી બાગ તથા સોપારી બાગ છે તેજ પ્રમાણે મીઠઅગર છે? મીઠાનાં ઝાડ કેટલાં મોટાં છે?

રે૦—બાગની પેઠે મીઠઅગર હોતો નથી ને મીઠાનાં ઝાડ પણ થતાં નથી. ફક્ત ક્યારામાંનું ખારું પાણી તાપ તથા હવાથી સુકાઇને ઠરીને તેના ચુનાના જેવા નાહાના ગાંગડા થાય છે.

કો૦—એમ કેમ? અમારા શેહેરમાં નળોને રસ્તે ઘણે દૂરથી પાણી આણ્યું છે; તે પ્રમાણે નળ બાંધી દરીઆનું પાણી લાવીએ તો ગણેશખંડી તથા દાપુડીના મેદાનમાં મીઠાનાં ખેતરો સેહેજ બની શકે.

આ વાત સાંભળી રેસિડેંટ સાહેબને હસવું આવ્યું, અને ચેાબદારને બોલાવી અત્તર ગુલાબ તથા બીડાં આપી ઘાશીરામને રુખશત કર્યો.

——: ૦ :——