← વાત ૫. ઘાશીરામ કોટવાલ
વાત ૬.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૭. →


વાત ૬.

પુના શેહેરમાં નાના ફડનવીશનો કાલાવાવરમાં બનાવેલો બાગ જે હજી કાયમ છે; તેમાં નાના પ્રકારનાં ફુલ ઝાડ રોપેલાં હતાં. તે બાગ જોવા સારુ અંગ્રેજ સરકારના બે લશ્કરી સાહેબ એક જોન્સ ને બીજો સ્મિથ નામના આવ્યા હતા. તેઓની સાથે ઘાશીરામ બાગમાં ચારે તરફ ફરવા લાગ્યો ને ફરતાં ફરતાં એક સોનવેલના ઝાડ પાસે આવ્યો; તે ઝાડની તારીફ કરીને ઘાશીરામે કહ્યું કે આ ઝાડ દેખાય છે તો નાહાનું; પણ ઠેઠ ઔરંગાબાદથી મંગાવેલું છે. એ ઝાડ લાવતાં તથા તેને નહાનેથી મોટું કરતાં તથા એના મૂળમાં કેસરનું ખાતર પૂરતાં આજ સુધી બે હજાર રૂપીઆ ખર્ચ થઈ ચૂક્યા છે. એ ઝાડ ઉપર ચૈત્ર વૈશાખ માસમાં ફાલ આવે છે ત્યારે ફક્ત પાંચ દસ સારાં ફુલ ઉતરે છે. તેની ખુશબો અહીંથી તે વિશ્રામબાગ સૂધી જાય છે. તેથી શોખી લોકો એક એક ફુલના દશ દશ રૂપીઆ માળીને આપી લઈ જાય છે.

ઉપર મુજબની તારીફ સાંભળી જોન્સે નીચે મુજબ વાત કહી. તે બેાલ્યો:–

યુરોપ ખંડમાં હાલંડ તથા ફ્રાન્સ નામના બે દેશ છે. ત્યાંના લોકો ફુલ સારુ એટલા તો દિવાના થયા હતા કે, એક જણે હર્લેમ નામના શહેરમાં એક ફૂલનું ઝાડ ઈસવી સન ૧૬૨૬માં વાવ્યું હતું ને તેનું નામ સુખદર્શન હતું. તેનું એક ફુલ એક ગૃહસ્થે ૧૩૮૦૦ તેર હજાર આઠસો રૂપીઆ ને બે ઘોડાની સામાન સુદ્ધાં એક નવી ગાડી આપીને વેચાતું લીધું. બીજા એક ગૃહસ્થે તેમાંનું જ ફુલ ૩૯૦૦૦ એાગણચાલીસ હજાર રુપીઆ આપીને લીધું. બીજું એક જાતનું ફુલ, કે જેને ગુલલાલા કહે છે, તે એક સખસે પાંચ એકર સમચોરસ જમીન આપીને ખરીદ કર્યું. એક ગૃહસ્થને વર્ષ દહાડે ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજાર રૂપીઆની આમદાની હતી. તેણે ફુલ વેચાતું લેવા સારુ પોતાની સઘળી માલમિલકત આપી ચાર મહીના સુધી ભીખ માગી. હાલંડ દેશમાં ફુલનું ગાંડાપણું એટલું તે વધી ગયું હતું કે, ફક્ત એક વર્ષમાં ફુલના ઉદ્યમથી ત્રણ ક્રોડ રૂપીઆ ઉત્પન્ન થયા હતા.

સદરહુ ચમત્કારિક વાત ઘાશીરામ સાંભળી ઘણો તાજુબ થયો ને નાહાના સાહેબને કહેવા સારુ તેણે એક કારકુન પાસે ટીપણ કરાવી લીધું. બાદ બંને સાહેબોને બંગલામાં લાવી હોજ આગળ ખુરશી ઉપર બેસાડ્યા અને ફુલના હાર, ગજરા તથા ખાનું લાવવાનું ફરમાવ્યું. ત્યાર પછી બાગના મુખ્ય માળી સંતાજી કરી હતો, તેના દેખાવડા અને ઉંમરમાં સરખા બે છોકરા હતા. તેણે ફુલના તોરા લાવીને મેજ ઉપર મૂકવા માંડ્યા, તે ઉપરથી બેાલવું શરું થયું.

સ્મિથ— આ બે છોકરા જોળીઆ દેખાય છે. એનાં નામ શું છે ?

ઘા૦— હા, એની માને ત્રણવાર જોળીઆં છોકરાં થયાં; આ બંને છોકરાનાં નામ ભીમ અને અર્જુન રાખ્યાં છે. આપના મુલકમાં જોળીઆ છોકરાં થાય છે ?

સ્મિથ— એવી રીતે બે છોકરાં એક વખતે ઘણી ઓરતોને થાય છે ને કદી કદી ત્રણ પણ થાય છે; વળી એક વખતે ચાર પાંચ સુધી થયાના પણ લેખ છે.

ઘા૦— આપણા દેશમાં જે એારતને બેથી વધારે છોકરાં થાય છે, તે એારતને છોકરાં ધવરાવવાને થાન પણ બેથી વધારે થાય છે ?

જોન્સ— ના.

ઘા૦— ત્યારે બેથી વધારે છોકરાંને એકી વખતે ધવરાવવાનું કેમ બનતું હશે ?

જોન્સ— એવે પ્રસંગે છોકરાંઓને ધવડાવવા બીજી ઓરતોને નોકર રાખે છે.

ઘા૦— એ ભીમ તથા અર્જુન જ્યારે એકસરખી પાગડી ઘાલે છે ત્યારે બરાબર ઓળખવાને મને ભ્રાંતિ પડે છે.

સ્મિથ— એમાં કાંઇ નવાઇ જેવું નથી; પણ ભીમ જરા ઠીંગણો છે ને અર્જુન શરીરે પાતળો છે. જોળીઆ છોકરાંમાં તફાવત હોતો નથી, એવી વાત અમારી ઘણી કિતાબોમાં લખેલી છે. અમારા દેશની રાજધાની લંડન શહેર છે. ત્યાં આગળ બે જોળીઆ છોકરા ૧૨ વર્ષની ઉંમરના દીઠામાં આવ્યા હતા. તેના શરીરનો બાંધો, ચહેરો, નાક, આંખો વગેરે ઘણું કરીને સરખાં જ હતાં. તેઓનો વિદ્યાભ્યાસ પણ સરખો હતો, બીજું તો શું ? તેમની બુદ્ધિ, વિચાર, આચાર એક બીજાના સરખા હતા. વળી બીજે ઠેકાણે બે છોકરા નિકોલસ ને કલાંડી નામના હતા. તે બંને નાહના હતા ત્યારે તેએાને એાળખવા સારુ તેમના માબાપના નોકરોએ તેઓને હાથે જૂદા જૂદા રંગનાં દર્શણીઅંઆાં (મણગઠા) ઘાલ્યાં હતાં. તેએા જેમ જેમ મોટા થયા, તેમ તેમ તેમનાં અંગ મેાટાં થયાં; પણ તેનો બાંધો તથા મોહોડાની કળા સરખી જ રહી હતી. તેઓની ચાલ, બોલી તથા ઉભા રહેવાની ઢબ પણ એકસરખી જ હતી. તેએાનો અવાજ તથા સ્વભાવ પણ સરખો જ હતો. એ છોકરાઓ જ્યારે સરખો પોશાક પહેરતા, ત્યારે નિકોલસ કોણ ને કલાંડી કોણ એ તેનાં માબાપથી પણ ઓળખાતા ન હતા. એ બંને સતરંજ રમવામાં હુશિયાર હતા. તેમાં ક્લાંડી સઉથી સરસ રમનાર હતો. કોઈ ઠેકાણે નિકોલસ શત્રંજ રમવા બેસતો ને દાવ પોતાના ઉપર આવશે એવું માલમ પડતું, ત્યારે કાંઈ બહાનું કરીને પોતે ઉઠી જતો ને પોતાનો પોશાક પોતાના ભાઈને પહેરાવી દાવ સમજાવી મોકલતો. તે રમવાની જગો ઉપર જઈ પોતાના ભાઇની તરફનો દાવ આગળ ચલાવી હરાવી દેતો હતો. કોઈ વખત તો મંડળીમાંનું કોઈ પણ આ બીજો ભાઈ છે, એમ જાણી શકતો નહીં. ત્યાર પછી નિકોલસે એક શ્રીમંત કન્યા સાથે વિવાહ કરવાની વાતચિત કરી. તે વાત તે કન્યાએ કબુલ રાખી હતી. બાદ ક્લાંડી તેની પાસે ગયો, ને તે પણ તે જ પ્રમાણે વાત કરવા લાગ્યો. તે વખત નિકોલસની પ્રથમની મુલાકાત સમયે થયેલી વાતનો મજકુર બોલવામાં આવ્યો નહીં. તે ઉપરથી તેનું નામ પૂછ્યું, અને તેણે નામ બતાવવા ઉપરથી માલુમ પડ્યું કે આ બીજો ભાઈ છે. તેથી તે કન્યાએ જવાબ દીધો કે, મેં પ્રથમ તારા મ્હોટા ભાઇને વચન આપ્યું છે. ત્યારે તે માફ માગી રજા લઇ પાછો આવ્યો.

આટલી વાત થયા પછી ઘાશીરામે એક રૂપાની દાબડી ઉઘાડી તેમાંથી એક નહાની ચણાની દાળ કાઢી જોન્સને બતાવી બોલવા લાગ્યો.

ઘા૦— આ દાળ ઉપર કેવું કામ બનાવ્યું છે તે જુવો. એના ઉપર અંબાડી સુદ્ધાં હાથી ચિતર્યો છે.

જોન્સ— એ કામ ઘણું જ બારીક છે. વાહવા ! સારી કારીગરી કરી છે ! એ કોણે ચિતર્યું છે ?

ઘા૦— કર્નાટક દેશના એક ચિતારાએ ચિતર્યું ને તે બદલ તેને શ્રીમંતે મેાટું ઈનામ આપ્યું હતું.

સ્મિથ— એ ચીજ બનાવનાર મ્હોટો ચતુર છે ખરો; પણ એ ચીજ લોકોને ઉપયોગી નથી. આવી વાતોની અમારા દેશમાં આગલા વખતમાં ઘણી પડપુછ હતી; પરંતુ હાલ તેટલી નથી.

જોન્સ— ઇટાલી દેશના એક સંતે અમારા ધર્મપુસ્તકમાંથી બાર ભક્તના ધર્મનો સાર તથા તે બારમાં એક સેંટજાન નામનો સાધુ થયો હતો, તેની શુભ વાર્ત્તાનો સારાંશ તમારી શીવરાઈ જેવડા કડકા ઉપર લખ્યો હતો.

ઘા૦— અમારા ધર્મમાં બારથી વધારે ભક્ત કહેલા છે ને તે વિષે ગ્રંથ છે, તેનું નામ ભક્તિવિજય છે.

જોન્સ— વળી અમારી વિલાતમાં ઈલિઝાબેથ નામની મહારાણી થઈ હતી; તેને એક કારીગરે અંગુઠાના નખ જેટલો કાગળનો એક કડકો નજર કર્યો હતો. તે ઉપર અમારા ધર્મના દશ હુકમ, બાર ભક્તના ધર્મનો સારાંશ, ઈશુખ્રિસ્ટ પ્રાર્થનાસ્તોત્ર, રાણીનું નામ તથા સને એટલું લખ્યું હતું. ઘા૦— બાળક છોકરાંને પિશાચ નડે નહીં તેસારુ અમારા લોકોમાં એવી ચાલ છે કે, રામરક્ષાસ્તોત્ર એક બારીક કાગલ ઉપર લખી તેને ત્રાંબા અથવા રૂપાના માદળીયામાં ઘાલી, તે માદળીયું છોકરાંના કોટમાં બાંધે છે.

સ્મિથ— આગળના વખતમાં ગ્રીકલોકોમાં હોમર નામનો એક મોટો કવિ થઈ ગયો છે. તેણે તમારી વાલ્મીકિ રામાયણ જેવો ગ્રંથ કરેલો છે. તે ચામડાના એક કકડા ઉપર ઘણા બારીક અક્ષરે લખેલો છે. તેની પ્રત ઘણાક લોકો પાસે છે. તે ચામડાનો કકડો એટલો તો નાહનો છે કે, તે અખરોડની ફાડમાં માય છે.

જોન્સ— એક સખસે એક ગાડી બનાવી હતી. તેનો આકાર ઘઉંના દાણા જેવો હતો. તેમાં ગાડી હાંકનાર, એક મરદ તથા એારત એ પ્રમાણે બેઠેલાં હતાં અને તેને એક ઘોડો પણ જોડેલો હતો.

સ્મિથ— કોઇએ હાથીદાંતના કડકાનો એક રથ બનાવ્યો હતો, તેને ચારપૈડાં હતાં ને ચાર ઘોડા જોડેલા હતા. તેવું જ એક વહાણ ડોલ કાઠી સુદ્ધાં બનાવેલું હતું. તે એટલાં તો નાહાનાં હતાં કે, તે ઉપર માંખી બેઠી, એટલે તેહની પાંખથી રથ અને ઝાજ ઢંકાઈ ગયાં.

ઘા૦— નાશિકના એક કંસારાએ સોયના નાકામાંથી નિકળે એવી નાહની ગણપતિની મૂર્તિ બનાવીને માનાજી સીંધીયા પાસે આણી. તે જોઇને કારીગરને પાંચ હજાર રૂપીઆ આપી તે મૂર્તિ માનાજીએ લીધી હતી.

જોન્સ— લંડન શહેરમાં એક લુહારે લોઢું, પોલાદ ને પિત્તળના અગિઆર કકડાનું એક તાળું તથા કુંચી એવાં બનાવ્યાં હતાં કે, તે વજનમાં અરધી ચણોઠી ભાર હતાં. તે જ પ્રમાણે એક સોનીયે એક સોનાની સાંકળી ૪૩ કડીની બનાવી હતી; તેમાં તે તાળું તથા કુંચી પરોવીને તે સાંકળી એક જીવતા ચાંચડના ગળામાં પહેરાવી. તે ચાંચડ લઇને ચાલ્યો ગયો. એ તાળું, કુંચી, સાંકળી તથા ચાંચડ મળીને સર્વનું વજન પોણી ચણોઠી બરાબર હતું.

ર ચેરી નામનું ફળ બોર જેટલું હોય છે. તેના બીની એક જણે ટોપલી બનાવી હતી. તેમાં ચઉદ જોડ પાશા હતા, ને તે પાશા ઉપર ટપકાં તથા આંકડા મૂકેલા બરાબર દેખાતા હતા.

૩ રોમ શહેરમાં એક સખસ કેાતરેલી ચીજો દેખાડવા લાવ્યો હતો; તેમાં સોળસેં રકાબીઓ હતી. તે દરેકની આકૃતિ સંપૂર્ણ હતી. પરંતુ તે રકાબીઓ એટલી નહાની હતી કે, એક મરીના દાણાને કોરીને તેની દાબડી બનાવી તેમાં તે સોળસેં તબકડી મવડાવી હતી. ૪ એક જણે લોઢાની ઘંટી બનાવી, તે પોતાની મેળે ફરતી હતી. તે અંગરખાંની બાહેમાં સહેજ રહી શકે એટલી નહાની હતી. અને તે ઘંટીથી આઠ માણસ ખાય એટલું એક દહાડામાં દળાતું હતું.

૫ સાડા ત્રણ તસુ સમચોરસ કાગલના કકડા ઉપર એક સખસે ૯૩૪૮ અક્ષર લખ્યા હતા.

ઘા૦— એક વણકરે અઢી માસા રેશમનો તાર એવો ઝીણો કર્યો હતો કે, તે લંબાઈમાં દોઢ ગાઉ સુધી પહોંચે. તે જ પ્રમાણે એક બીજા વણકરે એક સાડી તૈયાર કરી હતી. તે એક નહાના માદળિયામાં સમાઇ શકે એવી હતી.

જોન્સ— એક સંચો એવો બનેલો છે કે, તેથી ઉન એટલું બારીક કંતાય છે, કે અધશેર ઉન ૧૦પ રૂપીઆની કીમતે કંતાવ્યું. તેના ધાગાના કડકા ૯પ થયા હતા. તે એક એક કકડો ૧૧૨૦ હાથ લાંબો હતો. એ સઘળા ધાગાની લંબાઈ ૧૫ કોશ અને ૮૦૦ હાથ હતી.

૨ ઈસ્વી સન ૧૬૧૯ ના વર્ષમાં જેફ્રિહડસન નામના એક સખસ ઈગ્લેંડમાં જન્મ્યો હતો. તે આઠ નવ વર્ષની ઉમરનો થયો ત્યારે દોઢ ફુટ ઉંચો હતો. તે ત્રીસ વર્ષનો થયો ત્યાંહાં સુધી એટલે જ ઉંચો રહ્યો. બાદ વધવા લાગ્યો. તે ત્રણ ફુટ ૩ ફુટ ઉંચો વધ્યો. તે ૬૩ વર્ષનો થઈ મરી ગયો.

હવે અમે ખાઈ રહ્યા. થોડી ચાહ મંગાવો, એટલે બસ થયું.

ઘા૦— એટલામાં શું જમી રહ્યા ? હજી પકવાન્ન આવવાનાં છે. અમારા શહેરમાં એક તૈલંગો બ્રાહ્મણ આવ્યો હતો; તે ટેબલ ઉપરનું તમામ ખાનું ખાઈ રહ્યા પછી પણ વધારે માગ્યા વગર રહેતો ન હતો.

સ્મિથ— એક તૈલંગો બ્રાહ્મણ એક ટંકે કેટલા લાડુ ખાય ?

ઘા૦— એક વખતે સવાસો લાડુના ખાનાર છે.

જોન્સ— સિરિયા દેશમાં એક બૈરી હતી, તે એક દિવસમાં તીસ મુરગી ખાતી, તો પણ તેટલાથી એનું પેટ ભરાતું ન હતું.

આરીલયન નામનો બાદશાહ હતો. તેની રુબરુ એક ડ્રેગન નામના સખસે એક જંગલનાં તમામ ડુક્કર, એક બકરો, એક ગામઠી ડુક્કરનું બચ્ચુ ને સો ભાખરા એટલું ખાધું ને તે ઉપર પુષકળ દારુ પીધેા હતેા.

ક્લાડિયસ આભ્બિનસ નામનો બાદશાહ હતો. તે સવારમાં નહારકોઠે પાંચસેં અંજીર, સેા ઝમરુખ, દસ ખરબુજા તથા એક ટોપલી ભરી દ્રાક્ષ ખાઈ ગયેા હતો. સ્મિથ— માક્સિમિયન નામનો બાદશાહ હતો, તે ખાઇ ખાઇને એટલો જાડો થયો હતો કે, તેની બૈરીનાં હાથનાં કલ્લાં તેની આંગળીયે વીંટી જેવાં જણાતાં હતાં.

ઘા૦— અમારા સસરા ઘણા પુષ્ટ છે; પણ તેનાં આંગળાં એટલાં જાડાં થયાં નથી. ભીમસેનના જેવો માક્સિમિયન હશે એમ જણાય છે.

જોન્સ— વૈટેલિયસ નામનો બાદશાહ એક દિવસે પોતાના ભાઇને ઘેર જ્યાફતમાં ગયો ત્યાંહાં તેણે બે હજાર માછલી ને સાત હજાર પક્ષી ખાધાં.

ઘા૦— દુર્વાસા ઋષિને સાઠ ખાંડી અન જમવા જોઇતું હતું, એવું અમારા ભારતમાં લખ્યું છે, તો તમારા બાદશાહ શા હિસાબમાં ?

આ પ્રમાણે વાત સાંભળીને જોન્સ તથા સ્મિથ હસીને પેચમાં બોલ્યા કે, કોટવાલ સાહેબે અમને માત કરી હરાવી દીધા. હવે રજા આપો, એવું કહી પોતપોતાને મુકામે ગયા.

--¤¤¤¤¤¤¤¤--