ચિત્રદર્શનો/મહર્ષિ દયાનંદ સરસ્વતી

← પિતૃતર્પણ ચિત્રદર્શનો
મહર્ષિ દયાનંદ સરસ્વતી
ન્હાનાલાલ કવિ
ગુજરાતનો તપસ્વી →




(૧૬)

મહર્ષિ દયાનંદ સરસ્વતી

કોઈ એક સૃજનજૂનું દેવાલય હોય, ને ત્‍હેના પ્રાચીન ખંડેરમાંનો જગતજગાડતો ઘંટારવ સુષુપ્ત થયો હોય એવા લોકવિસરાયેલા દેવમંદિરે કો મહાસંન્યાસી પધારે, પોતાના સર્વ સામર્થ્યથી ઘંટાનાદ ગજાવે, અને એમ સૈકાઓથી આથમેલા દેવપૂજનનો પુનરુદ્ધાર થાય : એવું દેવાલય તે ભારતવર્ષ, એવો જગતજગાડતો ઘંટાનાદ તે વેદટંકાર, ને એવા મહાસંન્યાસી તે મહર્ષિ દયાનન્દ સરસ્વતી.

ઠાંગાની ડુંગરમાળામાં આડીઅવળી વહી કાઠીઓના બામણબોરના પુરાણા ડુંગરી કિલ્લાનાં ચરણ ચુમ્બી મચ્છુ નદી હાલારના સપાટ પ્રદેશમાં જ્યાં બહાર નીકળે છે, ત્ય્હાં થી ત્રણચારેક ગાઉ પશ્ચિમે ડુંગરમાળની નાસિકા જેવું શિખરશગનું ન્હાનકડું અણીઅગ્ર છે. એ નાસિકા ગ્રહની ઉંચાઈ તો માત્ર ૪૦૦-૫૦૦ ફુટની જ છે, પણ એ ન્હાના શિખરનો મહિમા, ત્‍હેની ઉપર વિરાજતા જડેશ્વર મહાદેવના શિવમંદિરને લીધે, સારા યે હાલાર પ્રાંતમાં તો ગિરનાર જેટલો મહાન છે. જડેશ્વરથી દક્ષિણે ચારેક ગાઉ ઉપર લાલા મહારાજની જન્મભૂમિ સિન્ધાવદર છે, અને બેએક ગાઉ નૈરુત્યે ડુંગરાઓની ખીણમાં પંચદ્વારિકાનું તીર્થ છે; ને આશરે અઢીક ગાઉ પશ્ચિમે મહર્ષિજીનું જન્મસ્થાન જીવાપર, અને ત્ય્હાંથી દોઢેક ગાઉ વાયવ્યમાં ડેમી નદીને કાંઠે ટંકારાનું કસ્બાતી ગામ છે. જડેશ્વરના શિવાલયનો જીર્ણોદ્ધાર કાઠિયાવાડના ઇતિહાસમાં મશહૂર એક અદ્‍ભૂત કાદમ્બરીના નાયક સરિખડા જીવનવૃત્તાન્તવન્તા સુંદર સોદાગરે કીધો હતો, ને મહર્ષિજીના વડિલો પણ ત્‍હેમના જ આશ્રિતો તરીકે જોડિયા પાસે કચ્છના અખાતને કિનારેથી ટંકારા ને જીવાપરમાં આવી વસેલા હતા. મહર્ષિના જન્મસમયમાં એ ટંકારા મહાલ વડોદરાના મહેરાળ કુટુંબમાં ગીરો મુકાયેલો હતો. ટંકારા પાસે ડેમી નદીનો કાંઠો આજે યે કંઈક રળિયામણો ને મ્હોટાં વૃક્ષોથી શોભીતો છે. તે વખતે ટંકારા ને જીવાપર વચ્ચે વાડીઓની ઘટાઓ હતી. ઈ. સ. ૧૮૯૬ માં આ લેખકે ટંકારા પહેલવહેલું જોયું હતું ત્ય્હારે એ મહાલનું મથક આજનાથી વધારે હરિયાળું, ડેમીના કાંઠા વધારે ફળદ્રુપ, ને વસ્તી વધારે વિદ્યાવન્તી ને રિદ્ધિવન્તી હતી. કહે છે કે મહર્ષિના સમયમાં મોરબીના ઠાકોર સાહેબ પણ વરસમાં કેટલાક માસ ત્ય્હાં વિરાજતા. કાઠિયાવાડમાંનાં ઘણાંખરાં ગામડાંઓની પેઠે ટંકારાની મુદ્રા આજે તો તજી દેવાયેલ જેવી, અજ્ઞાનઅન્ધકારમાં પડેલી, રિદ્ધિસિદ્ધિ હરાયેલી, પ્રભાઝાંખી છે. ટંકારાના વિદ્વાન બ્રાહ્મણો આજ સુધી કાઠિયાવાડમાં ફરતા, ને કલ્યાણકારી વેદમંત્રોથી આ લેખકનું ઘર પાવન કરી જતા. હવે પછી ત્‍હેમના વંશજો વિદ્યાનો એ વારસો સાચવશે કે કેમ એ શંકાસ્પદ છે. ડુંગરમાળની ઝાલરના કાંઠાની હરિયાળી ઘટાઓવાળી વિદ્યાવન્તી રિદ્ધિવન્તી તીર્થોથી વિંટળાયેલી ભૂમિમાં મહર્ષિજીનો પુણ્યજન્મ થયો હતો. આજે પણ ટંકારાના દરબારદઢમાં મહર્ષિજીના પિતા કરસનજી મહારાજની ઘોડાહાર જિજ્ઞાસુ મુસાફરને દાખવાય છે. આજે પણ જડેશ્વરના શિવાલયમાં શ્રાવણની શિવતિથિઓ ને મહાશિવરાત્રીના શિવપરવ મન્ત્રોદ્‍ગાતા બ્રાહ્મણોના કલ્યાણધ્વનિ સાથે ઉજવાય છે. એ ડુંગરનું શિખરે છે, ને એ ડેમીના ભરેલા કાંઠા યે છે; પણ એ હરિયાળી ઘટાઓ વિખરાણી છે, અને આજનાં એ વિખરાયેલાં વક્ષોમાં એ મોરલો ટહુકારતો નથી.

ગૃહત્યાગ પછી કેટલાં યે વર્ષો સુધી મૂળજી બ્રહમચારી તીર્થોમાં ફર્યા, ને વિદ્યાભ્યાસ કીધો, પણ એ પરમ દર્શન ન પામ્યા ને આત્મતૃપ્તિ ન થઈ. અન્તે હિમાલયનાં જમણાં ને ડાબાં નેત્રોમાંથી અખંડ વહતી જ્યોતિર્ધારાઓ સમી જમનાગંગાને કાંઠડે વિરજાનન્દ સ્વામીના મઠમાં વિશ્રામ લીધો. તીર્થોમાં શોધતાં શોધતાં ત્ય્હાં પ્રજ્ઞાચક્ષુ ગુરુદેવ મળ્યા ને પરમ પ્રજ્ઞા પામ્યે જીવાપરના મૂળજી બ્રહ્મચારીનો વિશ્વવિખ્યાત ભારતભૂષણ સ્વામી દયાનન્દ સરસ્વતી રૂપે ત્ય્હાં જન્મ થયો. એવા ગુરુ વિરલા હોય, એવા શિષ્ય એથી યે મહાવિરલા હોય. શ્રીમદ્‍ભાગવત કહે છે કે શ્રી કૃષ્ણચન્દ્રે નિજ ગુરુદેવ સાંદીપનિ ઋષિને ગુરુદક્ષિણામાં ગુરુપુત્રને સજીવન કરી આપી ગુરુદંપતીનું વિદ્યાઋણ વાળ્યું હતું. મહર્ષિ દયાનન્દ સરસ્વતીને ગુરુદેવનો આદેશ મળ્યો હતો કે ભરતખંડમાં ઘેરઘેર ધ્વનિ જગાડવા ને પ્રસારવા. એ ગુરુદેવે એ ગુરુદક્ષિણા માગી: એ શિષ્યરાજે એ જીવનમન્ત્ર કીધો, ને એમ વિદ્યાઋણ વાળ્યાં: ને આજે જગતમાં પ્રાચીનમાં પ્રાચીન એ જ્ઞાનઘંટાનો મહાઘોષ ભારતવર્ષમાં ઠામ ઠામ ગાજી રહ્યો છે. સૂકાઈ ગયેલી વેદગંગા આર્યાવર્તની પુણ્યભૂમિમાં પાછી વહેવડાવનાર વર્તમાન ભગીરથ તો સ્વામી દયાનન્દ સરસ્વતી.

જન્મભૂમિમાં જ જીવનનો એ જ્ઞનસત્ર આરંભવાની મહાભાવનાથી મહર્ષિજીએ કાઠિયાવાડ ભણી પગલાં વાળ્યાં, ને રાજકોટમાં માસેક મુકામ સ્થાપ્યો. या निशा सर्वभूतानां तस्यां जागतिं संयमी એ ન્યાય પાળી એક રાત્રીએ રાજકોટમાંથી વિચરી વતનની યાત્રા યે કરી આવ્યાની લોકવાયકા છે. એટલો મોહ એ મહાસંન્યાસીને યે રહ્યો હતો. પણ મુંબઈ જઈ આવ્યા પછી તે નિર્મૂળ થયો. ગુજરાત તો ગુર્જરોનું છઠ્ઠા સૈકા પછીનું સંસ્થાન છે: ગુર્જરોની આદ્યભૂમિ તો પંચનંદની ભૂમિ: તક્ષશિલાની વિદ્યાપીઠની ભૂમિ તો પંચનંદની ભૂમિ: ભારતવર્ષમાં વેદમન્ત્રોથી પ્રથમ પાવન થયેલી ભૂમિ તો પંચનંદની ભૂમિ. એ પુઉણ્યભૂમિ, એ નરકેસરીઓની ભૂમિ, ગુર્જરોના પ્રાચીન વતનની એ પંચનંદની ભૂમિ, ભરતખંદના એ વાયવ્ય દરવાજાના ચોક ભણી મહર્ષિજીએ પગલાં કીધાં. વિન્ધ્યાટવીની ઉત્તરે સારા યે આર્યાવર્તમાં જ્ઞાનજ્વાલાઓ પ્રગટાવતા મહર્ષિજી ઘૂમતા. પણ Militant Hinduismના સેનાધિપતિ એ મહાસંન્યાસીના ડેરાતંબુ તો ખોડાયેલા હતા પંચસિન્ધુનાં પુણ્યજલોથી પાવન થયેલા કિનારાઓ ઉપર.

અન્તે એ ધર્મવીરની જીવનયાત્રા પૂરી થઈ: રાત્રીનાં વાદળ ઘેરાયાં. ને અનન્તના પડદા પાછળ એ મહાસંન્યાસી વિરામ્યો. ચહુવાણ રાજવંશના અસ્ત સાથે ભારતવર્ષમાંથી હિન્દુ રાજ્યનો ભાસ્કર આથમ્યો હતો: ચહુવાણ રાજવંશના પાટનગર તારાગઢની છાયામાં આર્યત્વનો આ સંન્યસ્તભાસ્કરે આથમ્યો. હિન્દવા સૂરજને ગાયત્રી મન્ત્રના વરેણ્ય ભર્ગનું વર્ચસ્‍ ઉદ્‍બોધી, મહારાણા ઉદ્‍યસિંહના પાટનગરે ભીરુત્વમાં વીરત્વ પૂરી, મહર્ષિજી જોધપુરમાં પધાર્યા, ને એ મરુભૂમિમાં એ વેદસહકાર સૂકાઈને ઢળી પડ્યો. એ રણપ્રદેશમાં તો ગંગાઓ યે સૂકાઈ જાય, ને એ વેદગંગા યે સૂકાઈ ધરિત્રીમાં સમાઈ. જોધાણનાથને આર્યધર્મોપદેશ ઉદ્‍બોધતાં ત્‍હેમના ભાઈ મહારાજા સર પ્રતાપસિંહના ઉદ્યાનમાં મહર્ષિજીએ નિવાસ કીધો હતો. એ રાજવાડીમાં એક સ્‍હવારે સ્‍હવારના દૂધપ્રાશનમાં રસોઈઆએ વિષદાન દીધું. લોકવાયકા એવી છે કે જોધાણનાથને નાયકાઓના બહિષ્કારના સ્વામીજીના ધર્મસૂચનથી નન્ની જાન નામની એક નાયકિણીએ રસોઈઆને એ અપકૃત્ય કાજે સાધ્યો હતો. પણ એ લોકવાયકા સાબિત થઈ નથી ને જોધપુર રાજ્ય તરફથી નન્ની જાનને એ આરોપસર કાંઈ શિક્ષા થયાનું જગતની જાણમાં નથી. આજન્મ બ્રહ્મચારી સ્વામીજી એ વિષ જીરવવા ઘણું મથ્યા, પણ મારવાડના સંતપ્ત દેશમાં અન્તે તે ફૂટી નીકળ્યું. મર્મભેદી બાણ વાગ્યા પછી યે ભીષ્મ પિતામહ બાણશય્યા ઉપર કેટલોક કાળ મૃત્યુને ખાળી રહ્યા હતા, તેમ નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વામીજીએ પણ વિષદાન પછી કેટલાક દિવસો સુધી રોગશય્યાને સેવી. આબુના શીતળ શિખરે બ્રહ્મર્ષિ વસિષ્ઠજીને ખોળે કાંઈક શાન્તિ વરતાણી, ત્ય્હાં તો બે દિવસમાં તારથી દાક્તરની અજમેર બદલી થઈ. દાક્તરે રાજીનામું આપ્યું તે નામંજૂર થયું. જે દાક્તરના ઉપચારથી આરામ વર્તાતો હતો ત્‍હેની સાથે સ્વામીજી પણ અર્બુદાચળથી ઉતરી અજમેર પધાર્યા. ત્ય્હાં, ચહુવાણોના અચળ કીર્તિસ્થંભ સરિખડા તારાગઢની છાયામાં અનન્તનાં આમન્ત્રણ સ્વીકારી જીવનલીલા સંકેલી લઈ ભારતવર્ષનું ભાગ્ય ભાવિને સોંપી અનસ્ત સમાધિમાં સ્વામીજી પોઢ્યા.

હિન્દુસ્તાનમાં ઘરઘરમાં દેવપૂજા હોય છે, પણ તે ધર્મવીરોની ધર્મપૂજા હોય છે. ફ્રાંન્સમાં નેપોલિયન, ને ઇંગ્લાંડમાં નેલ્સન ને વેલિંગ્ટન, જર્મનીમાં બિસ્માર્ક ને મોલ્ટકેની મૂર્તિસ્થાપનાઓ છે, પણ હિન્દમાં ગાંડીવધન્વા કે ભીષ્મ પિતામહ, મહારાષ્ટ્રકુલતિલક શિવાજી કે મહારાણા પ્રતાપની પૂજામન્દિરે મૂર્તિપ્રતિષ્ઠા જાણી નથી. અન્ય દેશોની મૂર્તિપૂજાથી નિરાળી હિન્દની મૂર્તિપૂજા ધર્મપૂજા છે. ગુરુ નાનકને શીખસંઘ પૂજે છે, સૂરજકુલભૂષણ રઘુવીરને સારું હિન્દ પૂજે છ્જે: તે ત્‍હેમના વીરત્વને લીધે નહીં, પણ ત્‍હેમના ધર્મત્વને લીધે. સ્વામી દયાનન્દ સરસ્વતીમાં એક મહાવીરને શોભે એવી વીરતા હતી, મહારાજ્યના કો વિચક્ષણ મહામન્ત્રીને શોભે એવું અગાધ પાંડિત્ય હતું. મહર્ષિજીના એ વીરત્વ કે રાજમન્ત્ર કે કાર્યદક્ષતા કે પાંડિત્યને હિન્દ વિસ્મરતું નથી, વિસ્મરી શકે પણ નહીં. પણ સ્વામીજીના સદ્‍ધર્મના સનાતન સાધુઅંશોને ભારત વર્ષ આજે પૂજે છે, ને ભવિષ્યમાં પૂજશે. એમનું અખંડ બ્રહ્મચર્ય, પરમ સાધુતા, ભીષ્મ સંન્યાસ, અવિરત ધર્મપરાયણતા, કઠોર જેવી લાગતી સત્યનિષ્ઠા, આર્યાવર્તના પુનરુદ્ધારની અવિરત શ્રદ્ધા, ને સૂકાઈ ગયેલાં વેદગંગાનાં મહાવહેણ પાછાં સજીવન કરીપુઅનરપિ એકદા એ પુણ્યોદકે ભારતવર્ષને ધર્મપાવન કરાવવો: આજે ભરતખંડ એમના એ ધર્મઅંશોને પૂજે છે. પતિત હિન્દુને પુરાતન આર્ય કીધો, ધર્મસ્ખલિત હિન્દુસ્તાનને સનાતન આર્યાવર્ત કરી સ્થાપ્યો: એ સનાતન આર્યત્વના ઉત્થાપનની વેદટંકારકારી મહાઘંટા રૂપે જ આજે ભારતવાસીઓ મહર્ષિજીને સંભારે છે, અને ઇતિહાસ હવે પછી સંભાર્શે. સદા યે સ્વામીજી તો સાચ્ચા સનાતની જ હતા.

કોઈ કોઈ વેળા કેટલાકને નિરાશાની ઘડિઓમાં શંકા થાય છે કે હિન્દમાં પશ્ચિમની સંસ્કૃતિનાં સંચરણ-વિસ્તરણથી આ દેશમાંથી સંન્યસ્તાશ્રમ નાશ પામ્યો છે: જનક વિદેહીનું ગૃહસ્થસંન્યાસીનું યે આદર્શ જ્ઞાનપોથીઓમાં જ પ્રકાશી રહ્યું છે, સંસારનાં શિખરો ઉપર નથી ઝળહળતું. હિન્દનો વર્તમાન ઇતિહાસ કે છેલ્લાં શીત્તેર વર્ષોની હિન્દની સંન્યસ્તકથા જાણ્યા-વિચાર્યા વિનાની એ શંકા છે. 'અનુભવીએ એકલું આનન્દમાં રહેવું રે' એમ સદાસર્વદા પરમાનન્દમાં જ વિહરતા શ્રી રામકૃષ્ણ પરમહંસ, આર્યોના પ્રાચીન આર્યત્વની તુમુલનાદવન્તી વેદગર્જના ગજવતા મહર્ષિ દયાનન્દ સરસ્વતી, એ આર્યત્વનો સનાતન સન્દેશ સમગ્ર વિશ્વની ધર્મમહાસભામાં જગતને ઝીલાવતા સ્વામી વિવેકાનન્દ, પરમ અદ્વૈતનો મન્ત્રોચ્ચાર અનુભવતા ને ઉચ્ચારતા સ્વામી રામતીર્થ, આર્યોની ગુરુકુલભાવનાને સંજીવિની છાંટી સજીવનકર્તા કુલપતિ સ્વામી શ્રદ્ધાનંદજી: છેલ્લાં શીત્તેર વર્ષોમાં આવા સમર્થ મહાસંન્યાસીઓની પરંપરા જે મહાભાગ દેશમાં જન્મી છે એ પુણ્યભૂમિમાંથી સંન્યસ્તાશ્રમ અસ્ત પામ્યો છે કહેનારને વર્તમાન ઇતિહાસની આંખ જ નથી. સાધુવર કેશવચન્દ્ર સેન ને મહાત્મા મોહનદાસ ગાંધી જેવા ગૃહસ્થસંન્યાસીઓની ભૂમિમાં આજે યે જનક વિદેહીનું જીવન્મુક્તોનું આદર્શ ને જીવન્મુક્તિની પરમ ભાવના ધર્મગ્રન્થોમાં જ કેવળ નથી પ્રકાશતી, પણ સંસારનાં સિંહાસનોમાં યે ઝળહળે છે. ભરતખંડનાં ભાગ્ય હજી સદન્તરનાં ભૂંસાયા નથી, શકુન્તલાના મહાપરાક્રમી પુત્રનાં પુણ્યો હજી સકલ પરવાર્યાં નથી. પૃથ્વીના કોઈ પણ દેશને કે ઇતિહાસના કોઈ પણ યુગને શોભાવે એવો સંન્યાસ, એવી ધર્મપરાયણતા, એવા ચારિત્રજ્યોતિ આજે યે હિન્દુસ્તાનમાં પ્રકાશે છે. આર્યત્વની, આર્યોના ગૌરવની સાઅરા યે ભારતવર્ષમાં જે જીવનભાવના સજીવન થઈ છે એને સંજીવનનાં પહેલાં જલ છાંતનાર ભરતખંડના આ યુગના મહાદૃષ્ટાન્ત તે મહર્ષિ દયાનન્દ સરસ્વતી. સકલ ગુણગ્રાહક ભારતવાસીઓ તો આર્યત્વની સંજીવિની બુટ્ટીના મહાયોગી ને મહાસંન્યાસી તરીકે જ યુગના યુગ સુધી ગુજરાતના એ મહાત્માને સંભારશે ને વન્દશે.