ચિત્રદર્શનો/ગુજરાતનો તપસ્વી

← મહર્ષિ દયાનંદ સરસ્વતી ચિત્રદર્શનો
ગુજરાતનો તપસ્વી
ન્હાનાલાલ કવિ
ગુર્જરી કુંજો →




(૧૭)

ગુજરાતનો તપસ્વી

ન્દિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો,
પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો,
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે.

ને એ કોણ છે એવો ?
જાણે કાઇક જગત્‌ભૂખ્યો,
જાણે કોઇક વિશ્વતરશ્યો,
જાણે સદાનો અપવાસીઃ
એ કોણ છે એવોક ?
લેાકવન્દ્ય ને સર્વપૂજ્ય ?
સુદામાનો જાણે કો સહોદર ?

વાને કાજે આયુષ્ય નથી.
આનન્દો, આનન્દઘંલટા વગાડો,
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે.

માનવસળેકડું છે શું?
સળેકડાથી ચે રેખાપાતળું
એ કિરણ છે મહાસૂર્ય નું—
અડગ અને અવ્યય,
અખંડ અને અપ્રમેય.

તપસ્વી છે
સાભ્રમતીના ઊંચા કિનારાનો:
રિદ્ધિવન્તા રાજનગરની હવેલીઓને
એ યોગીન્દ્ર છે અવધૂત.
એ તો સંસારી સાધુ છે;
ગૃહસ્થ થઇ સંન્યાસ પાળે છે.
નિરન્તર દુઃખને ન્હોતરતો
એશિયાના એક મહાયોગીન્દ્ર ઈશૂનો
એ અનુજ છે ન્હાનકડો.
પરપીડા પ્રીછી પ્રજળનાર
મહાવૈષ્ણવોનો વંશજ છેઃ
શ્રીનગરનો જાણે નરસિંહ મહેતો.
હૈયામાં એના હોળી સળગે છે,
જ્વલન્ત અંગારા જેવી છે એની આંખડીઓ,
વદને વિરાજેલી છે વિષાદછાયા,
દેશની દાઝથી દાઝે છે
છણછણતી એની દેહલતા.
વિરેાધીઓ પ્રતિ યે પ્રેમીલો,

शठं प्रत्यपि सत्यम् બોધનાર
‘અન્યાય સ્હામે યે ઉગામ મા’ નો અનુયાયી,
‘દેહથી દેહી જવન્તો છે’ તે આચરનાર,
દુઃખતપતી આ દુનિયાનો દરવેશ છે તે.
—એકદા એનો આજ્ઞાડંકો વાગ્યો,
તે નિ:શસ્ત્ર નરનાર ને બાલકોની,
ચાર હજાર દુઃખસજ્જોની સેના
ટ્રાન્સવાલને હૂમલે ચાલી.
આશ્ચર્યચકિત જગત નિરખી રહ્યું
જગતના ઇતિહાસમાં અદ્વિતીય
દૂભાયેલાં : ચાર હજારની તે કૂચ.
મોખરે હતો તે સેનાધિપતિ:
સિંહને શસ્ત્ર ન હોય,
ને ન હતાં તે નરકેસરીને,
પછી તો વર્ષો વીતી ગયાં:
રાત્રિદિવસના ઓછાયા ઉગ્યા ને આથમ્યા.
ઇતિહાસમાં અપૂર્વ છેલ્લા જગસંગ્રામમાં
મદમલપતી જર્મન મહાપ્રજાની
છેલ્લી ભરતીનો જુવાળ ચ્હડ્યો,
જાણે પ્રલયની મેઘાવલિ.
દિશામંડલ ડોલવા લાગ્યું,
ધરતી ધણધણવા માંડી,
ગીધ સરીખડાં વિમાનો

વાતાવરણ ભેદી ઉડી રહ્યાં.
ભયંકર તોપોની ભીષણુ ગર્જનાથી
નભોમંડલ ગડગડી ઉઠ્યું.
ચિન્તાચકિત નયને સૌ નિરખતું
કે શું થાય છે, તે શું થશે.
જગતે ન જોયેલું,
પૃથ્વીએ ન પ્રીછેલું,
માનવકથાએ નોંધેલું,
મનુકુલનાં કાવ્યેામાં ન કલ્પેલું,
પ્રચંડ મહાભારત મંડાણું
ભૂગોળની સર્વ મહાપ્રજાઓનું.
જ્વાલામુખીની મહાજ્વાલાનો છેલ્લો ભભૂકો
ભભૂકતો હતો યૂરોપના જગરણમાં,
ત્ય્હારે રાજરાજેન્દ્રનો સન્દેશ આવ્યો,
ને રાજપ્રતિનિધિ મહાસૂબાએ
રાવરાણા ને મહાજનોની
આમન્ત્રી પ્રજામહાસભા યુદ્ધમન્ત્રણાને કાજ.
મહારાજ્યેાની પ્રાચીનમાં પ્રાચીન પાટનગરીમાં
જામી વળી એકદા
એ યુદ્ધમન્ત્રણાની મહાસભા.
ત્ય્હારે ત્હેણે તોડ્યાં ત્હેનાં મહાવ્રત.
સામ્રાજ્યની કટોકટીને વિષમ પ્રસંગે
નિઃશસ્ત્રવાદી તે તપસ્વીએ

ઉચ્ચારી છે શસ્ત્ર સજવાની રણહાકલ,
વગાડ્યો છે મહાઘોષ સંગ્રામશંખ.
જગદ્‌ગુરૂ કૃષ્ણચન્દ્રે યે, મહાત્મન્!
શસ્ત્ર સજ્યાં હતાં એકદા કુરૂક્ષેત્રમાં,
એકદા તોડ્યાં હતાં નિ:શસ્રતાનાં વ્રત.
સ્તિનાપુરની યુદ્ધમન્ત્રણાની એ મહાસભામાં
કેવો શોભતો હતો તે તપસ્વી?
જાણે વિષ્ણુસભાની વચ્ચે ધ્રુવકુમાર,
જાણે યદુપુરીના સિંહાસનોમાં સુદામો.

જીવનાદેશ શોધવામાં બ્રહ્મર્ષિ,
રણખેલનામાં સુભટ ક્ષત્રિય વીર,
નીતિમન્ત્રણામાં સુજ્ઞ વૈશ્યવર,
લેાકસેવાભાવમાં પરમ શૂદ્રઃ
ત્હેનામાં સૌ વર્ણ સમાયેલા છે.
વેળુકણીના તે મણિ રચે છે,
પત્થરના તે દેવ પ્રગટે છે,
શલ્યાની તે અહલ્યા કરે છે,
અસાધુના તે સાધુ ઘડે છે,
અહંકારીના તે સમર્પણી બનાવે છે.
દુ:ખિયાંનો બેલી ને વિસામો,
દાઝ્યાંના અન્તરનો આરામ,
ઘાયલના આત્માનો અમૃતૌષ ધિઃ
અનારોગ્યોનો ધનવન્તરી છે તે.

વાદળાંની અધ્રુવ છાયાફૂદડીમાં
એક એ ધ્રુવ તત્ત્વઃ
ઇતિહાસમાં ઉચ્ચારાતો
સનાતન સત્યનો એ શબ્દ,
પ્રાચીનતાનો પરમ મન્ત્ર:
નવામાં નવો તે,
તે જૂનામાં જૂનો છે.
સત્ય ત્હેનો મુદ્રામન્ત્ર છે,
તપ ત્હેનું કવચ છે,
બ્રહ્મચર્યનો ત્હેનો ધ્વજ છે,
અખૂટ ક્ષમાજલ ત્હેને કમંડલે છે,
સહનશીલતાની ત્હેની ત્વચા છે.
સનાતન યોગીકુલનો યોગવારસ,
રાગદ્વેષના ઝંઝાનિલથી પર,
ભારતનો વર્તમાન મહાગુરુ,
એ તો ગુજરાતનો તપસ્વી
મહાત્મા મોહનદાસ ગાંધી.
 
વાને કાજે આયુષ્ય નથી.
વિદ્યાના બેપરવા કાજે વિદ્યા નથી,
લક્ષ્મીના બેપરવા કાજે લક્ષ્મી નથી,
આયુષ્યના બેપરવા કાજે આયુષ્ય નથી.
આનન્દો, રે આનન્દો, નરનાર !
આજે પચ્ચાસ વર્ષાનો ઉત્સવ છે

ને યોગીન્દ્ર! સબૂર.
ત્હારા સમૃદ્ધ આત્મભંડાર
ભર્યાભર્યાં ઉઘાડ, ને પારખ.
અનન્ત આકાશના અન્તર્પટ
વીંધીને વિચર, ને ભીતર નિહાળ.
દુઃખમાં, પાપમાં, અન્ધકારમાં યે
બ્રહ્મકિરણ જ વિરાજમાન છે,
ત્હારે હૈયે છે યજ્ઞકુંડના હુતાશઃ
એ અગ્નિ નહીં, ઓ ગુરો !
પણ ત્હેના પ્રકાશ પ્રગટાવ
આત્મન્‌આત્મન્‌ના અમૃતદીપમાં.
સાધો ! સત્યના યે આગ્રહ ન હોય.
એ તો છે હઠયેાગના પ્રકારાન્તર,
નહીં કે રાજયોગના રાજમાર્ગ.
મનુષ્યની નહીં, પણ પ્રભુનીજ ઇચ્છા
પ્રવર્તે છે સત્યના યે પ્રચારમાં,
મનુષ્યે પુરુષાર્થ આદરવાના છે,
પ્રભુએ મનુષ્યના પુરુષાર્થ પૂરવાના છે.
પુરુષાર્થમાં યે પુરુષે પ્રભુઇચ્છાને નમવાનું છે.
—ને ઇતિહાસ ભૂલેલા વિસારે કે વિચારે,
છતાં આદર્યા’તા તે યોગ બ્રહ્મનિષ્ઠ મનસૂરે,
મહાયોગીન્દ્ર ઈશૂ ખ્રિસ્તે,
મેફ્લાવર જહાજના સફરી યાત્રાળુઓએ,
હિન્દસત્કાર્યાં હુતાશરવિપૂજક રથોસ્તીઓએ,

ને અસંખ્ય સદ્‌ધર્મોપાસકોએ.—
સન્તજન ! નયને ભડકા
તે વદને વિષાદસન્ધ્યાને બદલે
કીકીકુંભમાં ચન્દ્રિકા
ને મુખમંડલે સુધાકર માંડ.
બ્રહ્માંડમાં બ્રહ્મતેજ વરસાવ.
તપ તપતાં યે, ઓ તપસ્વી
કૃષાંગ છે શા માટે ?
સર્વસમર્પણી ઓ પરમ વૈષ્ણવ !
સમર્પણના આનન્દમાં ઉલ્લાસ.
તપના ત્હારા વડા દાવાનળ,
જોજે, આત્મવેલને ન કરમાવે.
સપ્તરંગી જગવિવિધતામાં યે
એક જ શ્વેત કિરણ નિહાળ.
સળગતી શઘડી જેવા
તુજ પ્રાણમાં દેવપ્રસાદ પ્રગટાવ.
ઉરમાં આનન્દ ઉછળાવ,
વદનચંદ્રે સ્મિતરેખા રમવા દે.
જગતનો ક્રુસ ઉપાડી વિચરતાં યે
જગત્‌યાત્રા હસતે મુખડે આચર.
ભીષણ કર્મયોગમાં ખેલતાં યે
પ્રેરણા પા ચિત્તપ્રસન્નતાની,
ઉમંગોર્મિઓ ઉછળાવ ઉત્સવના.
નિરન્તર બ્રહ્મ છે બ્રહ્માંડમાં,

ને એ બ્રહ્માંગુલિ જ આલેખે છે
જગતના સર્વ સારાનરસા ઇતિહાસ.
માણ ને મણાવ સદા
આ શુભાશુભ બ્રહ્માંડમાં બ્રહ્માનન્દ.

સાધુજન ! ધીરો થા.
કર્યાં ભોગવવાનાં છે સૌએ,
પુરુષોએ તેમજ પ્રજાઓએ
પ્રાયશ્ચિત્તકાળ પૂરો થયો છે
ભારતનો કે ભારતવાસીઓનો ?
પ્રાયશ્ચિત્તયુગ સમાપ્યા પહેલાં
શે ઉગશે સ્વર્ગનાં સ્હવાર
કોઇનાં, કે ત્હારાં, કે અમારાં યે ?
લાંબા ઇતિહાસના પ્રૌઢા કર્મકોષ
બળી ભસ્મ થઈ ગયા છે?
—પ્રજાઓ ! પ્રીછજો આ પ્રાયશ્ચિત્તયુગ
ભરતખંડની મહામજાનો,
ને સારવજો સદ્‌બોધ એ યુગના.—
કેટકેટલાંએ આદર્યાં છે એ તપ
તુજ સરીખડાં અઘોર ?
થાડાંકની એવી તપશ્ચર્યાથી
કેટલાં ને ક્યારે પ્રજળી રહેશે
પ્રજાના ઐતિહાસિક કર્મભંડાર ?
પ્રજાને પ્રાયશ્ચિત્ત આપે છે,

અપવાસ કરાવે છે તું;
એ જ છે સાચો વિધિઃ
પ્રજાપ્રાણના આત્મસંયમન.
સંયમન આત્મશક્તિને ઔર બહલાવે છે.
સિનાઇના શિખરે દોરી જા,
કર્યાંના પશ્ચાત્તાપ કરાવ,
પ્રજાના તપનો સમારંભ આરંભ,
પયગમ્બરી સન્દેશ મળશે,
ખુદાઇ નૂર ઉતરશે,
પરમેશ્વરી પરમાનન્દ વરસશે.
બ્રહ્માંડભરમાં ભરતી ડોલશે
એ પરમ બ્રહ્માનન્દની.

ને એને પડખે છે કોણ ?
કસ્તૂરી શી મ્હેકતી તે તસ્વિની !
સાધુવરની સાધ્વી નાર,
પત્નીઓમાં પરમ પત્ની,
જગતની એ તો આદર્શ ગુજરાતણ:
પ્રાણનાથની પ્રતિકૃતિ,
પ્રિયતમની પરમ શોભા,
જીવનના જીવિતેશ્વરનો
ઓળો આભા તેજમંડળ.
તપોવનની એ તો તાપસી,
નિર્ભય, નિડર, નિઃસંશય,

સુખદુ:ખની તડકીછાંયડીમાં,
જીવવિવિધતાના વનઉપવનમાં,
દેશપરદેશના રણપગથારમાં,
પ્રાણની કાયા સરીખડી,
દેહની છાયા સમોવડી,
સદા સંગાથે પરવરે છે એ કુલકલ્યાણિની.
સ્પાર્ટા કે ચિતોડની કો
ક્ષત્રિયાણીનો જાણે અવતાર.
એ તો પરણેલી બ્રહ્મચારિણી,
એ તો સંસારિણી મહાયોગિની,
ગુજરાતની એ તો ગુણિયલઃ
ગુજરાતણની એ તો ગુણમૂર્તિ.
આશ્રમની એ માતુશ્રી,
નગરની એ જોગણ,
પ્રજાસંઘની એ પ્રેરણા,
જગતની સત્પત્નીઓનું ભૂષણ,
અમારી એ તો અનુપમ ગુજરાતણ
ભગવતી કસ્તુરબાઇ ગાંધી.

નિષ્કામ કર્મયેાગી !
એ ગીતાઘેલા સાધુ !
એ મનુકુલના મહાત્મન્
નિઃશસ્ત્ર ત્હારે તો
મહાભારત ખેડવાં છે સંસારનાં,

આત્મવાદીએ ત્હારે તો
દેવાદીઓને જીતવા છે ને ?
શ્રીકૃષ્ણના ઓ સખા !
સુદામાપુરીના વાસી !
એ કાલજૂનાં સત્યો
સાચાં પાડવાં છે ને ત્હારે?
સૌ જાણે છે એ સર્વસિદ્ધ વાત
કે દેહથી આત્મન્
અળગો ને ઉપર છે.
ચિત્રદ્રશના
સહુ આત્મવાદીઓ ઉચ્ચારે છે આશીર્વાદ,
‘જય હો ! જય હો !
ચૈતન્યપૂજકનો ત્હારો
સ્થૂલપૂજકોના સંઘમાં:
જય હો! જય હો!
આત્મબલવન્તાનો તુજ
દેહબલિષ્ઠ લોકપરિવારમાં
નાસ્તિકો વિના સૌ જાણે છે
કે દેહ નશ્વર છે,
ને આત્મા અમ્મર છે.
ને તુજબોધ્યાં આત્મબલે, મહાત્મન્ !
એટલાંજ છે. અમ્મર આત્મદેશમાં.

ચ્ચાસ વર્ષોનો ઉત્સવ !
અર્ધી સદી વીતી ગઇ

લોકોદ્ધારક પ્રજાકલ્યાણક
એ ત્હારા જન્મયોગ પછી.
આવાંને કાજે ન હોય
આટઆટલાં આયુષ્ય.
ઇશૂએ એ નથી ભોગવ્યાં,
શંકરે એ નથી માણ્યાં.
નખશિખ ઉભયે પ્રજળતી
મહાસત્યોની એવી જ્વાલામૂર્તિઓની
નથી નિર્માઇ લાંબી જીવનઅવધો.
આનન્દો, માટે આનન્દો, પ્રજાજન !
પચાસ વર્ષોનો આજે ઉત્સવ છે.

ન્દિરોમાં પચ્ચાસ સ્વસ્તિકો પૂરાવો,
પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
પચ્ચાસ ફૂલમંડલિ ભરાવો,
પચ્ચાસ આરતીઓ ઉતરાવો,
પચ્ચાસ દેવઘંટા વગડાવો.
પમન્દિરે આજે, ઓ પૃથ્વીના લોક !
તપસ્વીનો ઉત્સવ છે, ઉત્સવ છે.