← પ્રકરણ ૧૧ છાયાનટ
પ્રકરણ ૧૨
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧૩ →




૧૨


બંને ટોળાં થોડી ક્ષણ ગૂંચવાઈને ઊભાં રહ્યાં.

ગૌતમને લાગ્યું કે હિંદુમુસ્લિમ ઝગડાઓને ટાળવા માટે થોડી મેનાઓ અને થોડી નૂર બસ થઈ જાય. ભાન ભૂલેલાં ઝનૂની ટોળાં સામે એક એક મુસ્લિમ અને એક એક હિંદુ ગળે વળગીને ઊભા રહે તો હિંદુમુસ્લિમ કોને મારે ? અને પછી મારે તોય. શું ? ભેગો મરેલો એક હિંદુ અને એક મુસ્લિમ, હુલ્લડ વિરુદ્ધની એક દસકા પૂરતી તો જામીનગીરી આપે જ આપે.

પરંતુ હિંદુમુસ્લિમ આગેવાનોમાં આવી સચ્ચાઈ છે ખરી ? કે હિંદુમુસ્લિમ ઐક્યની વાત કરી અંદરખાનેથી પરધર્મી વધારે કુટાય એવી વૃત્તિ જ આપણા હિંદુમુસ્લિમ આગેવાનો ધરાવે છે ? મરે બીજા; ઘાયલ થાય બીજા; અને કેદ-ફાંસીએ જાય બીજા ! સહુને ચઢાવી ઉશ્કેરી જોખમમાં નાખી સલામત રહેનારા આગેવાનોને હિંદુમુસ્લિમો ક્યારે ઓળખશે ?

બંને ટોળાં ઝંખવાયાં. એક ટોળું મુસલમાનોને મારવા આવ્યું હતું; બીજું ટોળું હિંદુઓને.

પરંતુ અહીં તો એક મુસ્લિમ કન્યા એક હિંદુ સ્ત્રીને ગળે વળગી પડી હતી !

બીજા કોઈ સ્થળે આમ ને આમ કોઈ હિંદુ કન્યા મુસ્લિમ સ્ત્રીને ગળે વળગી પડી જ હશે !

હિંદમાં તો હિંદુમુસ્લિમ કોમ આમ પરસ્પરને ગળે વળગીને જ રહેતી હતી !

‘ઉઠાવો બુઢ્ઢીને !’ કોઈએ લલકાર કર્યો. ઝનૂને ચઢેલા ટોળાને માનવતા આડકતી નથી.

‘એને હાથ પણ અરાડશે તેનું આવી બન્યું માનજો.’ ગૌતમે કહ્યું અને ઘરમાંથી બહાર નીકળતી વખતે એણે સાથે રાખેલો મોટો ચપ્પુ બહાર કાઢ્યો.

હિંદુ ટોળાને લાગ્યું કે તેમના પક્ષમાં કોઈ શૂરવીર પુરુષ જાગ્યો છે. કોઈના જાગ્યા સિવાય હિંદુઓ જાગતા જ નથી. એ ટોળામાંથી કોઈ બોલ્યું:

'પેલી છોકરીને ખેંચી કાઢો ! પછી બીજી વાત.' ‘એ છોકરીને પણ હાથ અરાડશે તેનો જાન જશે એ ચોક્કસ !’ ગૌતમે ચપ્પુને ઊંચો કરી ટોળા સામે ધર્યો. ગૌતમનાં મુખ ઉપર પણ એક જાતની ઘેલછા પથરાઈ ગઈ હતી.

હિંદનાં હિંદુમુસ્લિમ ટોળાં પણ નામર્દોનાં જ બનેલા હોય છે. સામે સામનો જુએ છે એટલે તેમના પગમાં વીજળી આવે છે. એકલદુકલને તેઓ બહાદુરીથી મારે છે, દૂર રહ્યે રહ્યે પથરા ફેંકી શકે છે, સંતાતાં ગભરાતાં માનવીઓનાં મકાનો બાળી શકે છે, પરંતુ મજબૂત સામનો જુએ ત્યાં ચકલાની માફક વેરાઈ જાય છે.

બંને પક્ષને લાગ્યું કે આ કોઈ વિચિત્ર માણસ અહીં ઊભો છે. ગાંધીવાદી તો ન જ હોય; કારણ તે પેન્સિલ છોલવા પણ ચપ્પુને હાથ અરાડે નહિ.

‘અડક્યા કેમ ? નાપાક કાફર ! એને જ પૂરો કરો ! તમારી મસ્જિદ તોડી એ ભૂલી ગયા ?’ ટોળાની પાછળ ઊભેલા એક હૃષ્ટપુષ્ટ પુરુષે કહ્યું અને તે આગળ આવ્યો. ધર્મને નામે આજ હિંદુમુસ્લિમો ક્ષણે ક્ષણે ધર્મભંગ કરી રહ્યા છે.

હિંદુ ટોળાની પાછળથી એક હૃષ્ટપુષ્ટ પુરુષ હાથમાં ધારિયું લેઈ આગળ ધસી આવ્યો, અને બોલી ઊઠ્યો :

‘કાસમ, બંધ કર તારી જબાન ! સામે હું છું.’

‘કોણ કીસન ? મારી સામે ? જોજે, આમાંથી બાજી વધારે ન બગડે.'

‘હું ડરતો નથી એ તો તું જાણે છે ને ?’

‘તો હું તારાથી ડરું છું, એમ ?'

‘તું ડરતો હોય કે ના ડરતો હોય ! આ છોકરા ઉપર હાથ ઉગામ્યો તે ક્ષણે આખો મુસલમાન વગો સળગી જશે.'

કાસમ મુસ્લિમ ગુંડો હતો - કીસન હિંદુ ગુંડો હતો. બંને જીવજાન દોસ્ત હતા. બંનેએ એક જ ગુરુ પાસે અખાડામાં તાલીમ લીધી હતી. બંનેએ સાથે ગુનાઓ કર્યા હતા અને બંનેએ લૂંટ સરખી વહેંચી લીધી હતી. બંનેએ ભેગા મૉજ ઉડાવી હતી અને હજી પણ હિંદુમુસ્લિમ તોફાનો ભેગા મળીને જ કરાવતા હતા. બંનેનાં કાર્યો સરખાં જ હતાં. માત્ર તેમના ધર્મ અને નામ જુદાં હતાં. જરૂર પડે કીસન મુસલમાન પણ બની જતો, કાસમ હિંદુ પણ બની જતો. ધર્મ અને નામ જુદાં હતાં. એ માત્ર અકસ્માત જ હતો.

મિત્ર તરીકે બંને એકબીજાની આમન્યા પાળતા હતા. હજી સુધી એકબીજાની સામે એ ઊભા રહ્યા ન હતા. હિંદુમુસ્લિમ ઝઘડા અને ખૂન આગ ચાલતાં હોય ત્યારે બંને સાથે એકાદ હોટલમાં ચા-બિસ્કિટ ખાતા બેઠા હોય. બંનેએ સંતલસ કરીને જ આ તોફાનોમાં ભાગ લીધો હતો.

છતાં ધર્મઉગ્રતા આવાં તોફાનોમાં પણ ક્વચિત્ આગળ તરી આવતી. મુસલમાન કેટલા મર્યા એની ખાતરી કીસન પહેલવાન કરતો અને હિંદુઓ કેટલા મર્યા તેની ખાતરી કાસમ પહેલવાન કરતો.

એ આ વખતના ઝઘડામાં જ બન્યું. બાકી કીસન અને કાસમ પોતપોતાના ધર્મોં ભૂલી ગયા હતા.

હિંદુ એકલો હોય તો મુસલમાનોને મારતાં ફાવે, મુસલમાન એકલો હોય તો હિંદુને મારતાં ફાવે. પરંતુ હિંદુ અને મુસલમાન એકબીજાને કોટી કરી ઊભા હોય તો ? બંને એકબીજાથી છૂટા પડતા ન હોય તો ? આ પરિસ્થિતિ તોફાનીઓને પણ ગૂંચવનારી થઈ પડી.

તેમાં એક વૃદ્ધ સ્ત્રી અને બીજી બાલિકા ! બચ્ચાં અને બુઢ્ઢાંને મારતાં રાક્ષસો પણ શરમાય છે. તેમાંયે સ્ત્રીને મારતાં ઉપનિષદ્ અને કુરાનની સંસ્કૃતિનો ખાલી પડઘો પણ હિંદુ કે મુસ્લિમ કહેવરાવતા રાક્ષસને જરા રોકે છે - અલબત્ત જરા.

વળી રાક્ષસોએ આવાં તોફાનમાં હાથ મિલાવ્યા હોય ત્યારે મુશ્કેલી વધી જાય.

કાસમ જરા અટક્યો. કીસનને ખાતરી હતી કે કાસમ અટકશે.

મોડી મોડી પોલીસની ટુકડી દૂરથી આવતી દેખાઈ. પોલીસ વગર, રાજસત્તા વગર પ્રજા કેવી નિરાધાર બની જાય છે તેના દૃષ્ટાંતો આપી, પ્રજાને પોતાની શક્તિ ઉપર અવિશ્વાસ ઊભો કરાવી. રાજકીય હક્ક માગતાં અટકાવવાના પ્રયોગ તરીકે આવાં હુલ્લડો ઊભાં કરાય છે, અને તેમાંથી ઊપજતી આફતો પ્રત્યે આંખ મિચામણાં થાય છે, એમ ટીકા કરનાર ચળવળિયાઓ સત્તાના ઈશ્વરી અંશને ઓળખતા નથી. ઈશ્વર પણ ધરતીકંપ, જ્વાળામુખી, અતિવૃષ્ટિ, ઝંઝાવાત અને છેવટે રોગ વડે માનવજાતને દૈવી સત્તાનું ભાન કરાવે છે ! માનુષી સત્તામાં આમ બને તો તેમાં ઈશ્વરને પગલે પગ મૂકવાનું સત્ અનુકરણ માત્ર થાય છે ! એમાં ખોટું શું ?

તોફાન કરી રહેલા બેવકૂફોને તો દંડ અને દંડા જ પડે છે - લાભ થાય છે માત્ર એ બેવકૂફીના ડાહ્યા આગેવાનોને જ - જેમની છૂપી પ્રેરણા આવાં હુલ્લડોને ભૌતિક તથા આધ્યાત્મિક સાધનો વડે જ સજ્જ રાખે છે ! મોટર સાઇકલ ઉપર એક ગોરો પોલીસ અમલદાર આગળ આવતો હતો. તેની પાછળ બીજી ત્રણ મોટર સાઇકલ ઉપર દેશી અમલદારો આવતા હતા અને સહુની પાછળ પોલીસના માણસો ભરેલી લૉરી આવતી હતી.

ટોળાં ઉપર પોલીસ ગોળીબાર કરે છે એવી વાત આજ સવારથી ચાલી રહી હતી. પૃથ્વીને હિંદુ કે મુસ્લિમવિહોણી બનાવવા કમર કસી આવેલાં ટોળાં એકાએક વીખરાવા લાગ્યાં.

‘કેમ ? હવે ભાગવા માંડ્યા ? પેલો ગોરો તમારો બાપ બનીને આવે છે માટે કે ? જોર હોય તો ચઢો ને એની સામે જુદ્ધે ! મગતરાં સાળાં !’ મેનામાએ અતિ ગ્રામ્ય, અતિ તીવ્ર અને ભણેલી છોકરી કદી જાહેરમાં ન બોલે એવાં ઉચ્ચારણ કર્યા. તેમને ખબર ન હતી કે રાજસત્તાના પ્રતિનિધિ ગોરાઓની સામે યુદ્ધે ચઢવાનું કહેનાર કેદમાં બેસવાને પાત્ર થાય છે ! જોકે તેમનું મહેણું બહુ સાચું હતું.

જોતજોતામાં રસ્તો ખાલી થઈ ગયો. મેનામા, નૂર અને ગૌતમ સિવાય પ્રજાજનમાંથી કોઈ ત્યાં ઊભું પણ ન રહ્યું. ગોરો અમલદાર થોડાં માણસો સાથે ટોળાંની પાછળ પડી માણસો હઠાવતો દૂર ચાલ્યો ગયો. જે થોડા હતા તે સત્તાના પ્રતિનિધિ હતા. સત્તાના એક પ્રતિનિધિએ પૂછ્યું :

‘કોણ છે તું ?'

‘હું કૉલેજમાં ભણતો વિદ્યાર્થી છું.’

‘શા માટે છરો લઈને બહાર નીકળ્યો ?’

‘મારું તેમ જ બીજાનું રક્ષણ કરવા.’

‘રક્ષણ કરવા ? તને ખબર નથી કે હથિયાર લેઈ ફરવાની મનાઈ છે?’

'મને ખબર નથી. અને ખબર હોય તોપણ એ મનાઈ હું માનું એમ નથી.'

'શું?'

'ફરી બોલ જોઉ ?’

‘પકડો એને ! ગુનો જતો કરવાનો નથી. આવા માણસો જ હુલ્લડ વધારે છે.' વારાફરતી પોલીસો બોલી ઊઠ્યાં.

‘એને શા માટે પકડો છો ? એણે તો મને બચાવી. નહિ તો અમે બને માર્યા જાત.' મેનામા બોલી ઊઠ્યાં.

‘બચાવવાનો અધિકાર એને નથી, પોલીસને છે.' પોલીસે કહ્યું.

‘એટલે હથિયાર ઉગામી ચૂકેલા ગુંડાઓને અમારે વિનંતી કરવાની કે પોલીસ આવે ત્યાં સુધી ઘા કરવાનું મુલતવી રાખો ! એમ ?’ ગૌતમે કહ્યું.

‘પાછો સામો થાય છે ? જીભાજોડી કરે છે ?' પોલીસના એક અમલદારે ગૌતમને જોરથી ધોલ લગાવી દીધી.

ગૌતન ભાન ભૂલ્યો - સ્વમાનની ચિનગારી પણ જેના હૃદયમાં જીવતી હોય તે જરૂર આવે પ્રસંગે ભાન ભૂલે. હુલ્લડ પ્રસંગે હુલ્લડખોરોની સાથે પોલીસ પણ વીફરે છે. ગુનો કરનાર અને ન કરનાર સહુને એક સરખી સખ્તીથી તેઓ દબાવી દે છે. વાતો ચાલ્યાં કરતી હતી કે હિંદુ સિપાઈઓ મુસલમાનોને ત્રાસ આપતા હતા, મુસ્લિમ સિપાઈઓ હિંદુઓને ત્રાસ આપતા હતા. હુલ્લડ દબાવામાં હુલ્લડખોર કે બિનહુલ્લડખોર સહુને ઠીક ઠીક ધોલઝાપટ કરી સિપાઈઓ જેનાં તેનાં ખિસ્સાં પણ હળવાં કરી નાખતા. ગૌતમને ધોલનો તો અનુભવ થયો. બીજો અનુભવ થાય તે પહેલાં એણે પોલીસને સામી બે ધોલ લગાવી દીધી અને ચપ્પુનો ઉપયોગ કરે તે પહેલાં પાછા ફરેલા ગોરા સાર્જન્ટે આવી તેનો હાથ પકડી લીધો. એના હાથમાં અતુલ બળ હતું. ગૌતમ કરતાં તે ઘણો મોટો ન હતો, છતાં ગૌતમને લાગ્યું કે એ ગોરાના શારીરિક બળ સામે તેનાથી થઈ શકાય એમ ન હતું.

એક સામાન્ય અંગ્રેજ અને એક સામાન્ય હિંદી વચ્ચે શારીરિક બળમાં પણ આટલો બધો ફેર ?

એથી પણ વધારે મોટા અધિકારી સ્થળ ઉપર આવી પહોંચ્યા. ભગવાનદાસના ઓટલા ઉપર નિશા અને મિત્રા બંને ઊભાં હતાં. ગૌતમને મુશ્કેલીમાંથી કેમ ઉગારવો તેનો સહજ વિચાર એ બંને કરતાં હતાં. એટલામાં કારમાંથી ઊતરેલા એક અમલદારે પૂછ્યું :

‘ક્યાં છે શેઠ સાહેબ ?’

‘ઘરમાં છે.’ મિત્રાએ જવાબ આપ્યો.

‘મારે મળવું છે.’

‘હું ખબર આપું.’ કહી મિત્રા અંદર ગઈ. તોફાનથી બેજાર બની ગયેલા ભગવાનદાસ શું કરવું તેની સમજ ન પડવાથી ઓરડામાં આંટા માર્યા કરતા હતા. પોલીસ અમલદાર આવ્યાની ખબર પડતાં તેઓ બહાર આવ્યા, અને અમલદારો ઓળખીતા હોવાથી તેમણે અંદર આવવા આમંત્રણ પણ આપ્યું. પોલીસ અમલદારોનું ઓળખાણ છે એવી વાત આસપાસ ફેલાય તોપણ સલામતીમાં વધારો થાય એવી ગણતરી આ આમંત્રણમાં ન હતી એમ મનાય નહિ.

‘મિત્રા, સાહેબોને માટે ચા બનાવી લાવો.' ભગવાનદાસે આજ્ઞા આપી.

‘આભાર, કાલ રાતના રખડીએ છીએ. હુલ્લડ કાબૂમાં આવતું જ નથી. કલેક્ટર સાહેબે આગેવાનોની સભા બોલાવી છે; આપને આમંત્રણ મળ્યું કે નહિ ?' અમલદારે પૂછ્યું.

‘આમંત્રણ તો છે. પણ નીકળાય કેમ ? મારું જ ઘર કાલે બાળી દેતા હતા !'

‘એમ ? પછી શી રીતે બચ્યું ?'

‘આ તમે જેને પકડ્યો છે એ વિદ્યાર્થીએ બચાવ્યું.' સંતાઈ ગયેલા નોકરોમાંથી હિંમત કરી બહાર આવેલા એક નોકરને ચાનો હુકમ આપી મિત્રા બહાર આવી, તેણે જ પ્રશ્નનો જવાબ આપ્યો. ગૌતમને છોડાવવાની એને બહુ જ આકાંક્ષા ઊપજી હતી.

‘કયો વિદ્યાર્થી ?’

‘બહાર પેલા સાર્જન્ટે પકડ્યો છે તે.' નિશાએ કહ્યું.

‘કેમ પકડ્યો છે ?'

‘તમારા પોલીસનોયે જુલમ ઓછો છે ?’ મિત્રાએ કહ્યું.

‘જો ને બહેન, પોલીસની મુશ્કેલીનો તમને ખ્યાલ નથી. બે દિવસથી અમે નથી ઘર જોયું....’

‘પણ આવો અન્યાય ? કોઈનો બચાવ કરવા જાય તેને ઊલટો માર મારવાનો ?’ મિત્રાએ કહ્યું.

‘એ બચાવ કરવાના ડહાપણમાં જ લોકો આડું વેતરે છે અને મુશ્કેલીઓ વધારે છે. અરે જમાદાર, સાર્જન્ટને અને પેલા છોકરાને બોલાવો તો ?' અમલદારે તેની જોડે આવેલા જમાદારને આજ્ઞા કરી અને બંને અંદર આવ્યા.

સાર્જન્ટે દેશી અમલદારને સુંદર ઢબે સલામ કરી. અમલદારે સાર્જન્ટને ખુરશી ઉપર બેસાડ્યો. મિત્રાએ ગૌતમની પાસે આવી એક ખુરશી મૂકી. સહુમાં ચા વહેંચાઈ. ચા પીતે પીતે અમલદારે બધી હકીકત પૂછી તેમાં ગૌતમના બેત્રણ ગુના બહાર આવ્યા. એક તો ગૌતમ તોફાની ટોળામાં હતો, બીજું એની પાસે છરી હતી, અને ત્રીજું એ કે એણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો.

આ સર્વ કૃત્યો કયા હેતુથી કરવામાં આવ્યાં હતાં એનો નિકાલ ન્યાયાધીશ કરે. પોલીસ તો આ સર્વને પ્રથમદર્શનીય ગુનો માની ગૌતમને કૉર્ટમાં ઘસડવાની જ ! વધારેમાં વધારે મહેરબાની કરવાની હોય તો એટલું જ કે ભગવાનદાસ શેઠ જામીન થાય અને ગૌતમ એ આધારે છૂટે.

નહિ તો એ ને સીધો જ પોલીસ ચૉકીમાં લેઈ જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ચૂક્યો હતો.

'હા હા; અમે જામીન થઈશું.’ મિત્રાએ કહ્યું. જોકે ભગવાનદાસને એ જંજાળમાં પડવાની જરાય ઈચ્છા ન હતી. ગૌતમ ભલે ઉપયોગી નીવડ્યો હોય, પરંતુ એ અજાણ્યો તો હતો જ. અને એ હાજર ન થાય તો નિરર્થક પાંચસો હજારના ખાડામાં ઊતરવાનું જરાય વ્યવહારુ ગણાય નહિ.

અને... અને... ગૌતમે ઘર બચાવ્યું એ ખરું, પરંતુ તે તો કીસન જેવાના ઓળખાણ ઉપરથી જ ને ? ગુંડાના ઓળખીતાનો ભરોસો શો ?

પરંતુ મિત્રાનો આગ્રહ ભારે હતો, અને પોલીસ અમલદાર આગળ ગૌતમનાં વખાણ તેઓ કરી ચૂક્યા હતા. અમલદારે પણ તેમને આગ્રહ કર્યો.

‘ચારપાંચ દિવસમાં હુલ્લડ શમી જશે અને તરત અમે કેસ હાથ લેઈશું.’

'આ ભાઈ રહે છે તો તમારે ત્યાં જ ને ?' અમલદારે પૂછ્યું.

‘હા, જી. મિત્રાએ જવાબ આપ્યો. ના કહેવા જતા પિતાને અટકાવીને. ‘પછી એમાં હરકત નથી. જામીનકતબો હમણાં કરાવી લેઈશું.' અમલદારે રાહત આપી, જે ભગવાનદાસને બહુ ગમી નહિ.

બે દિવસથી રોકાઈ રહેલી નિશાને પણ અમલદારની સાથે તેને ઘેર મોકલી દેવાની વ્યવસ્થા મિત્રાએ કરી.

અને આ કશું જ ગૌતમને ફાવ્યું નહિ ! સહજ આશ્રય આપનારને એ ભારણરૂપ બની જતો હતો !

પરંતુ ભારણરૂપ ન બને તો એને જવા માટે બે જ સ્થળ હતાં; પોલીસચૉકી અગર ફૂટપાથ.

ત્રીજું સ્થળ પિતાનું ઘર ! દેશની મુક્તિ શોધતો એક સાચો યુવક આજ સહુને ભારણરૂપ થઈ પડ્યો હતો !

ભારણરૂપ થઈને અટક્યો હોત તો તો હજી ઠીક હતું; આ તો ગુનેગારની યાદીમાં દાખલ થઈ ગયો !

ગુનો પણ દેશ અર્થે કર્યો હોત તો શિક્ષામાં પણ સંતોષ થાત. આ તો મૂર્ખ, ઝનૂની, ધર્માન્ધ અગર ગુંડાગીરી કરનારની હારમાં તે બેસી જતો હતો. તેનો ઉદ્દેશ આવો હતો જ નહિ. છતાં તે જ્યાં જ્યાં પગલું મૂકતો હતો ત્યાં ત્યાં તેના પગ ભરાઈ જતા હતા.

પગ પાછા મૂકવા ? કે આ માર્ગે જ આગળ વધવું ?

પણ માર્ગ ક્યાં રહ્યો ? એક પાસ કેદખાનું, અને બીજી પાસ ભૂલનો સ્વીકાર કરી સમાજની ચાલુ રચનાને નાકલીટી તાણવી !

ચાલુ રચના એટલે ? એક એની નિરુપયોગી કૉલેજ ! કૉલેજમાં ભણેલો કયો પુરુષ કે સ્ત્રી પરતંત્રતાની સામે થયાં ? ટિળક કે ગાંધીના નામ કોઈ લે ! એ નામ સાચાં હોય તોય. લાખો કૉલેજિયનોમાંથી માત્ર બેપાંચ જ્ નામ લેવા જેવાં !

એના કરતાં કૉલેજમાં ન ભણેલા નાનાસાહેબ કે તાત્યા ટોપે વધારે સાચા નહિ ?

અતિ ભણતર, બુદ્ધિપૂર્વક ભણતર, પરદેશીઓને આશ્રયે અને પરદેશી સંસ્કૃતિની છાયામાં ઊભી થયેલી પાઠશાળાઓમાંનાં ભણતર પોણી સદીથી આપણાં જીવન સાથે જોડાયાં છે !

એ ભણતરે આપ્યું શું ?

કાયરો ! ગુલામ કારકુનો ! તુમાખીભર્યાં અમલદારો ! સ્વાથમૂર્તિ વકીલો ! ખર્ચાળ ડૉક્ટરો ! બકવાદપ્રવીણ નેતાઓ ! રોતા કવિઓ ! વાત્સયાયનને પણ બેચાર નવી વાત શીખવે એવા કામી નવલકથાકારો ! અગર અંદર અંદર બાથે પડતાં વિદ્વાનો ! દેશની ગરીબી એમણે કેટલી ઓછી કરી ?

આ કૉલેજ !

એના ચાલાક પ્રિન્સિપાલને પગે પડી એમાં પાછા દાખલ થવું !

બીજી રચના એટલે એક અજાણ્યા ધનિકના ઘરનો આશ્રય !

કારણ ?

કૉલેજની પરદેશી ક્રિકેટ મૅચ ! મુસ્લિમ રમનારનો દાવ જાય અને જેને કશુંય લાગેવળગે નહિ એવા મુસ્લિમ ધર્મઝનૂને ચઢે ! એક હિંદુના અર્થહીન ઉત્સાહમાં એ મુસ્લિમ એને છરો ખોસે ! અને એટલા જ કારણે હિંદુઓ અને મુસલમાનો આખા શહેરમાં સામસામે આવી નિર્દોષને કાપી નાખે ! એમાંથી નિર્દોષને બચાવવાના સાચા પ્રયત્નમાં ગુનો થાય !

સત્તાનો ધર્મ રક્ષણ આપવાનો ! એ રક્ષણ તેનાથી થાય નહિ, અને બીજો કોઈ એ કાર્ય આકસ્મિક રીતે પણ માથે લે, તો એ હુલ્લડખોર મનાય!