← પ્રકરણ ૧૨ છાયાનટ
પ્રકરણ ૧૩
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧૪ →




૧૩


‘કેમ કાંઈ બહુ ઊંડા વિચારમાં પડ્યો છે શું ?’ મિત્રાનો કંઠ ગૌતમે સાંભળ્યો. બે દિવસમાં મિત્રાએ પહેલી જ વાર ગૌતમને એકવચનમાં સંબોધન કર્યું. પરંતુ બિરાદર ગૌતમ એકવચનથી ટેવાઈ ગયેલો હતો, એટલે એને એમાં કશી નવાઈ લાગી નહિ.

‘ના ના, એમ તો નહિ.’ ગૌતમે કહ્યું.

‘શું એમ તો નહિ ? હું ક્યારની તારી સામે આવીને બેઠી છું. મને જાણે ઓળખતો ન હોય એમ ક્યારનો તું જોયા કરે છે !’

'મેં ખરેખર તમને જોયાં નહિ.’

‘માટે તો કહું છું કે તું ઊંડા વિચારમાં ઊતરી ગયો હતો !’

‘હું કબૂલ કરું છું. આપના જ ઘરમાં હું આપની સામે આમ અવિનય કરું...'

'આપ’ અને ‘આપનું ઘર’ જેવા વિવેક અટકાવી દે તો અવિનય ઓછો ન થાય ?’

‘હજી મને આપનો એટલો પરિચય નથી, ને...’

‘તુંકારવા જેટલો પરિચય કરીને જ હવે હું અહીંથી ખસીશ.’

‘મારો પરિચય જેટલો ઓછો કરશો એટલું જ સારું થશે.'

'કારણ ?'

‘હું હિંદ સરખા શાપિત દેશનો નાગરિક છું !’

'તે હુંયે શું હિંદની નાગરિક નથી ?’

‘મને એ વસ્તુ વાગે છે.’

‘એટલે ?'

‘એટલે એમ કે હિંદની પરાધીનતા મને ખટકે છે. મારા દેહમાં અને દિલમાં એ વાત ભોંકાયા કરે છે - શૂળની માફક.’

‘એ કોને ખટકતી નથી ?’

‘જો એ સાચેસાચ આપણને ખટકતી હોત તો આજ હિંદમાં હિંદુમુસ્લિમ હુલ્લડો થતાં ન હોત, ત્રીસ કરોડ માનવીઓ એકભુક્ત રહેતા ન હોત. તમે બાંધ્યા છે એવા બંગલાઓ ન હોત...’

‘પણ હવે તેનું થાય શું ? બનતો પ્રયાસ કરવો.' ‘હું તે જ કહું છું. પરંતુ હિંદમાં તો એ પ્રયાસ પણ થઈ શકતો નથી.’

‘મારું કહ્યું માનીશ ?’

‘શું?'

‘તારા પ્રયાસ માટે હું અનુકૂળ માર્ગ બતાવું ?’

‘બતાવો.'

‘કોઈ ધનિક કન્યા સાથે તું પરણી જા.' હસીને મિત્રા બોલી.

'પછી?'

‘પછી તું તારી મેળે હિંદસ્વાતંત્ર્ય અર્થે ફાવે તેટલા પૈસા વાપર્યા કરજે.'

‘હું નિર્ધન છું. મને કોઈ ધનિક કન્યા પરણે જ નહિ.’

‘તારી ભૂલ થાય છે.’

‘જરાય નહિ, એવા પ્રસંગો માત્ર વિલાયતની વાર્તાઓમાં જ બને છે.'

મિત્રાએ ધારીને ગૌતમ તરફ જોયું. તે કશું પૂછવા જતી હતી અને અટકી ગઈ. કેટલીક વારે તેણે કહ્યું :

‘કોઈ ભણેલી ગ્રેજ્યુએટ છોકરી સાથે લગ્ન કર.’

‘એથી શું થાય ?’

‘તારું પોષણ થાય અને તું દેશકાર્યમાં બધો વખત ગાળી શકે.'

‘સ્ત્રીની મહેનત ઉપર હું જીવું ?’

‘એમાં તને શરમ લાગતી હશે, ખરું કે ? સ્ત્રીઓ પુરુષોની મહેનત ઉપર જીવે એનું કાંઈ નહિ, ખરું ને ?'

‘બંનેના આર્થિક સ્વાતંત્ર્યમાં હું માનું છું. પણ તમે કહો છો એમ બનવું અશક્ય છે.'

'શાથી?'

‘હું ગ્રેજ્યુએટ થવાનો નથી; ડિગ્રી લીધા વગર એ છાપ મળે નહિ. અને ગ્રેજ્યુએટ ન થનારને કોઈ ગ્રેજયુએટ યુવતી પરણે એ હું માનતો નથી.’

‘નિશા સાથે તું લગ્ન નહિ કરી શકે ?’ સહજ આડી આંખે ગૌતમ તરફ જોઈ મિત્રાએ પૂછ્યું.

‘નિશા સાથે ? ના. અમે એકબીજાને ક્યારનાં સમજી ગયાં છીએ.'

‘શું સમજ્યાં છો ?’

‘મારામાં સ્ત્રીસ્નેહ નથી. સ્નેહ હોય તોય નવું બંધન ઊભું કરવા હું માગતો નથી. પરાધીન પ્રજાએ પરણવું એના જેવું ભારે પાપ બીજું નથી.’ મિત્રા થોડી વાર સુધી બોલી નહિ. બહાર પોલીસની સીટી વાગતી સંભળાતી હતી. બારીએ જઈ તેણે બહાર નજર પણ નાખી.

મિત્રાનો દેહ ઘાટીલો હતો. કૉલેજમાં જાણીતી થયેલી મિત્રાની અતડાશ એના ઘરમાં ગૌતમને દેખાઈ નહિ. મિત્રાની ચાલમાં પણ મનોહર લટક હતી. પરાધીન દેશમાં પ્રભુ સૌન્દર્ય શા માટે ઉપજાવતો હશે? - પ્રભુ હોય તો ! સૌન્દર્યને અને સ્વાતંત્ર્યને સંબંધ ખરો કે નહિ ?

બગીચાનું ફૂલ સુંદર ખરું, પરંતુ અસ્પૃશ્ય ધવલગિરિનાં ધવલ શિખરોનું સૌન્દર્ય વધારે મોહક નહિ ? સ્વાતંત્ર્યભર્યું સૌન્દર્ય અગ્નિ ભર્યા સૂર્યનેય શીળો બનાવે. પરાધીન સૌન્દર્ય પ્રભાતકિરણમાંયે કરમાઈ જાય ! સાઠ વર્ષ સુધી સૌન્દર્યોપાસના કરનારી પશ્ચિમની સુંદરીઓ ક્યાં, અને પચીસ વર્ષે આથમવા માંડતી હિંદી સ્ત્રીઓ ક્યાં ! નાનકડા દેહ, નાનકડાં સૌન્દર્ય, નાનકડી વય અને નાનકડી વયમાં જ સૌન્દર્યાસ્ત ! હિંદની મોજ પણ નાનકડી ! પ્રજનનશાસ્ત્ર પણ હિંદવાસીઓને પરણવાની મના કરે છે ! હિંદના ચાલીસે કરોડ માનવીઓનું કામસુખ બ્રિટનવાસી ચાર કરોડના કામસુખ કરતાં ઓછું, હલકું અને ઊતરતું જ હોય !

અને હિંદવાસીઓ માને છે કે તેઓ મહા નીતિમાન છે ! પરાધીન પ્રજાને નીતિ હોય ખરી ? નીતિ હોય તો પ્રજા પરાધીન થાય ખરી ?

‘ગૌતમ ! કૉલેજમાં હું કદી તારી સાથે બોલી નથી.’ એકાએક પાછી ફરી મિત્રાએ કહ્યું.

'હું જાણું છું.'

'અને તું પણ કદી મારી સાથે બોલ્યો નથી.'

‘હું તારા મંડળમાં પણ જોડાઈ નહિ, નિશાએ આગ્રહ કર્યો છતાં.’

'હા.'

'કારણ શું તે તું જાણે છે ?'

‘ના. તમને મારી યોજના અનુકૂળ નહિ લાગી હોય.’

‘સાચી વાત કહું ?’

‘હાસ્તો.'

‘હું ઈચ્છતી હતી કે તું આવીને મને કહે.’

‘કહેરાવ્યું કેમ નહિ ?’

‘મનેયે અભિમાન હોય ને ?’

‘પણ મારી યોજના ગમી હોય તો એવો આગ્રહ કેમ રાખ્યો ?’ ‘ગાંધીજી સિવાય બીજા કોઈએ અહિંસા આગળ કરી હોત તો કોઈ માનત ખરું?'

‘એટલે ?'

'કહેનાર ઉપર કેટલો બધો આધાર રહે છે ?'

‘હું વાતચીતમાં સારો નથી.’

‘પણ તું વગર વાતચીતે સારો લાગતો હોય તો ?'

‘મને તમારી વાત સમજાતી નથી.'

‘તો ગમાર ! આ મેજ ઉપર તો નજર કર !’

મેજ ઉપર જુદા જુદા રંગના ફૂલની ગોઠવણ કરી અક્ષરો ઉપજાવ્યા હતા. અક્ષરો ઉકેલતાં ગૌતમે વાંચ્યું :

'I love you!'[૧]

ગૌતમે મિત્રા તરફ જોયું. તેની આંખો ચમકતી હતી; તેના મુખ ઉપર આછી શરમથી રંગાયલું સ્મિત હતું.

ગૌતમને મિત્રા અત્યંત મોહક લાગી. ગૌતમનું હૃદય સહજ ધડકી ઊઠ્યું. અવકાશમાં સુંદર સંગીત ચાલતું હોય એમ લાગ્યું. રેડિયો હશે ? આ તોફાનના સમયમાં કોણ રેડિયો ખોલે ?

ત્યારે આવા તોફાનના સમયમાં ગૌતમનું હૃદય કેમ સુખ ધડકાર અનુભવતું હતું ? કોઈ યુવતીનો પ્રેમ શું તેના અભિમાનને સંતોષતો હતો? તેનું પૌરુષ સ્ત્રીનું શૈત્ય માગી રહ્યું હતું ?

કે એ સ્વપ્ન હતું ? તેને હમણાં હમણાં સ્વપ્ન બહુ આવતાં હતાં. ! વિચિત્ર, જૂનાં અને જૂની ઝમકવાળાં ! પ્રાચીન કોતરકામમાં - ગૂંચવી નાખે એવા બહુવિધ સૌંદર્યભર્યાં ! એમાંથી ભય ઉત્પન્ન થાય એવાં અટપટાં પણ ખરાં !'

‘શું જોયા કરે છે ?’ મિત્રાએ તેની સામે જ જોઈ રહેલા ગૌતમને પૂછ્યું.

‘હું સ્વપ્નમાં છું કે નહિ તેની ખાતરી કરું છું.’

'તેની ખાતરી હું કરાવું.’ એમ કહી મિત્રા ઊભી થઈ અને ગૌતમની નજીક આવી.

ગૌતમ પણ ઊભો થઈ ગયો; હિંદમાં ક્રાન્તિ આવ્યાથી જેટલી ચમક એને ન લાગતો એટલી ચમક મિત્રાના અતિ સાન્નિધ્યથી તેના હૃદયમાં ઉત્પન્ન થઈ; અને જ્યારે મિત્રાએ ગૌતમને ગળે હાથ નાખ્યો ત્યારે


  1. * હું તને ચાહું છું.
ગૌતમની ચમક વધી ગઈ. સ્વપ્નમાં પણ તેણે ધાર્યું ન હતું કે કોઈ યુવતી તેના પ્રત્યે સ્નેહ ધરાવતી હશે. નિશાને ગમતું ગૌતમ સાથેનું એકાંત ગૌતમે ઝટ બદલી નાખ્યું હતું, અને એ પોતે સ્નેહ માટે સર્જાયો જ નથી. એની નિશાને ખાતરી કરાવી દીધી હતી. એ વિકસવા મથતો પ્રસંગ અટકી ગયો ને અણધાર્યો મિત્રા સાથેના એકાંતનો પ્રસંગ ઊભો થયો.

ગૌતમને રહેવાનો આગ્રહ થયો. અન્ય મિત્રોને ઝડપથી ઘેર પહોંચાડવામાં આવ્યા; નિશાનેય પોલીસ રક્ષણમાં એને ઘેર મોકલી દેવામાં આવી. આ બધા પાછળ શું હશે !

મિત્રાની મૂર્ખાઈ ! ધનિક, ભણેલા, ચબરાક, દેખાવડા કંઈક યુવકો ગૌતમને બાજુએ મૂકે એવા હતા. મિત્રાને ગૌતમનો મોહ થાય એ શું માનવસ્વભાવની વિચિત્રતા ન કહેવાય ?

પરંતુ એ વિચિત્રતા કરતાં વધારે મોટી અજાયબીએ ગૌતમને હજી વધારે ચમક આપી. મિત્રાની માએ પાછળથી બારણું ઉઘાડી ટહુકો કર્યો :

‘મિત્રા જરા મારી સાથે આાવ...'

મિત્રાએ ગૌતમને ગળેથી હાથ ખસેડી નાખ્યો છતાં તેની પાસે તો એ ઊભી જ રહી.

'આવું છું. જરા રહીને...’ મિત્રાએ સહજ તોછડાઈથી જવાબ આપ્યો.

‘હમણાં જ ચાલ, જરા રહીને નહિ.’

પ્રેમીઓ મૂર્ખ હશે, પ્રેમીઓનાં માતાપિતા મૂર્ખ હોતાં નથી; અને છતાં માતાપિતા સંતાનોની મૂર્ખાઈને તાબે થાય છે !

‘આવું છું; મારે અહીં કામ છે.' કહી મિત્રા એક ખુરશી ઉપર બેસી ગઈ.

‘જાણું છું તારે શું કામ છે તે !’ કહી બારણું જોરથી પછાડી મિત્રાની મા ત્યાંથી ચાલી ગઈ.

મિત્રા હસી; ગૌતમનું હાસ્ય ઊડી ગયું હતું.

‘એમની પસંદગી મેં ટાળી ત્યારથી મારાં માબાપ મારા ઉપર ચોકીપહેરો રાખ્યા જ કરે છે.’ મિત્રાએ હસતે હસતે કહ્યું.

‘તેમને ચીઢવવા માટે આ બધી રમત છે ને ?’ ગૌતમે પૂછ્યું.

‘ના; આ રમત ન હતી. રખે તું એવી ભૂલ કરતો.'

‘તમે ભૂલ કરો છો એ હું તમને સમજાવું.’

'મિત્રા !’ બહારથી પિતાની બૂમ સંભળાઈ. ‘આવી.' કહી મિત્રા ઊભી થઈ. તેને માતાપિતાનો ભારે ભય હોય એમ લાગ્યું નહિ.

‘મારે શું કરવું ?’ ગૌતમે પૂછ્યું.

‘હું આવીને કહું છું. બીવાની જરૂર નથી.’

‘બીવાનો પ્રશ્ન જુદો છે. પણ મારું સ્થાન હવે અહીં નથી.’

‘તારું સ્થાન અહીં જ છે.'

'ઠીક, તમે જઈ આવો.'

મિત્રાએ જરા ગૌતમની સામે જોયું. તેના મુખ ઉપર આછી ચિંતા દેખાઈ.

‘મને બહુ વાર નહિ લાગે.'

‘શું કહેશો ?’

‘જે બન્યું તે.'

‘મિત્રા !’ બહારથી પિતાનો ક્રોધભર્યો અવાજ સંભળાયો.

‘જરાય બીઈશ નહિ.’ કહી મિત્રા ગૌતમ સામે હસતી હસતી ઓરડીની બહાર ચાલી ગઈ.

સંધ્યા વધારે કાળી પડી ગઈ. વાદળ ખૂબ ઘેરાતું હતું. ગૌતમે બારી બહાર નજર કરી.

આછા અજવાળામાં તેને સમજાયું કે એ બારી ઓળંગી જતાં બંગલાના બગીચામાં જવાતું હતું.

બગીચામાં ગયા પછી બહાર નીકળવું સહેલ હતું.

ગૌતમ એકાએક બારીમાંથી નીચે ઊતરી પડ્યો.