છાયાનટ/પ્રકરણ ૬
← પ્રકરણ ૫ | છાયાનટ પ્રકરણ ૬ રમણલાલ દેસાઈ |
પ્રકરણ ૭ → |
એ રેલગાડીમાં જીવંત ચિત્રો રચાતાં હતાં. હિંદના આર્થિક ઉદ્ધારમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવતી પરદેશી કંપનીઓની રચેલી એ રેલગાડી ગુલામોને ઘસડી એક સ્થળેથી બીજે સ્થળે ફેંકવાનું સામાજિક કાર્ય કર્યે જતી હતી. પહેલા, બીજા અને ત્રીજા, એમ ત્રણે વર્ગમાં ગુલામો જ હતા !
ગૌતમે સ્ટેશન પહોંચી બે ટિકિટો લીધી. થર્ડ ક્લાસ વેઈટિંગ રૂમમાં ગોઠવાયલી ટિકિટ ઓફિસ, ફળ, ચવેણાની દુકાનો, ચાની મોટી હૉટલ અને સિપાઈઓએ રોકેલા બેત્રણ બાંકડા, ‘વેઈટિંગ રૂમ'ના નામને હસતાં, ત્રીજા વર્ગના ઉતારુઓ દ્વારા ગરીબ હિંદનું અપમાન કરી રહ્યાં હતાં. સ્વતંત્ર હિંદ આ વેઈટિંગ રૂમને ચલાવી લે ખરી ? સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસના દરવાજા શાહુકારો માટે અને ત્રીજા વર્ગના દરવાજાઓ ગુનેગારો માટે રચાયા હોય એમ લાગતું હતું. જ્યાં થોડાં માણસો ત્યાં દરવાજા ફટાબાર ઉઘાડા, પરંતુ જ્યાં માણસોની ખૂબ ભીડ ત્યાં દરવાજો અડધો બંધ ! ધક્કા-મુક્કી અને ગાળાગાળી સાથે દરવાજા બહાર નીકળવાનું સદ્દભાગ્ય ત્રીજા વર્ગના ઉતારુઓને પ્રાપ્ત થાય ત્યારે પ્લેટફૉર્મ ઉપર હાલવા ચાલવાનો તેમને અધિકાર મળે. બેઠકો મોટે ભાગે ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસના ઉતારુઓ માટે જ નોંધાઈ ગયેલી હોય ! બાકીની એકબે ‘ઓરતો.' માટે. ત્રીજા વર્ગ માટેના બાંકડા શોધતાં આખી રાત વીતી જાય; અને છતાં તે જડે જ નહિ ! પિતાપુત્રે બેસવાની જગા ન હોવાથી એક સ્થળે ઊભા રહેવાનું પસંદ કર્યું. દીવાના પ્રકાશમાં સ્ટેશન કોઈ અજબ સંસ્કૃતિમિશ્રણ બની ગયું હતું.
એક જ પ્રકાશિત દીવે - એક જ ઝગમગતી આાંખે, કંપનીએ નફાનું ત્રીજું નેત્ર ઉઘાડ્યું હોય એમ એક જ માર્ગ જોતી ગાડી ધમધમ કરતી આવી ઊભી, અને જાણે સૃષ્ટિને માથે આફત ઊતરી આવેલી હોય એમ કોલાહલ શરૂ થયો. ગૌતમ અને તેના પિતા વિજયરાયે સામે આવી ઊભા રહેલા ડબ્બામાં પેસવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અંદરથી પેટીઓ અને પોટલાં સાથે માણસો બહાર ફેંકાતાં હતાં અને તેમને ધક્કા મારી અંદર ઘૂસી જવાની તીવ્ર અભિલાષાવાળાં માનવીઓ ડબ્બામાં ગમે તેમ કરી પેસી જતાં હતાં. આવી અશિષ્ટ ધક્કામુક્કી કરાવતી ગાડીની અવ્યવસ્થા કરતાં પગે ચાલી મુસાફરી કરવામાં સ્વમાન વધારે સચવાય કે નહિ એનો વિચાર કરતાં બેસવાની જગા ખોળતા ગૌતમને અને તેના પિતાને બેસવા માટે એક પણ ડબ્બામાંથી આમંત્રણ ન મળ્યું, ‘આગળ જાઓ. !’ ‘અહીં ભીડ છે !’ ‘જગા નથી.’ ‘ચાલ હટ !’ ક્યાં ઘૂસે છે ?’ ‘આગે બઢો.'નાં માનવતાસૂચક વાક્યોએ તેમને સૂચવ્યું કે આખી ગાડીમાં તેમનો કોઈને ખપ ન હતો.
પરંતુ બાપદીકરાને તો ગાડીનો ખપ હતો જ. દસબાર સ્થળેથી અપમાનવાચક નકાર સાંભળી ગૌતમે છેવટે એક ડબ્બાના માનવીઓનો વિરોધ સહન કરીને એક બારણું ઉઘાડ્યું અને પિતાને અંદર દાખલ કરી તે પોતે ડબ્બામાં ચઢી આવ્યો. ‘શું મારા ભાઈ ? જરા આગળ તો વધવું હતું ?’ ‘બૈરાં બેઠાં છે તે તો જરા જુઓ !’ ‘છોકરાંના પગ કચરશો.’ આમ શિખામણ, ધમકી અને અવગણનાના પ્રહારો સહી ડબ્બામાં ઊભા રહેલા બાપદીકરાની નજર જોડેના ખાનામાં લાંબા થઈ. આખું પાટિયું રોકી સૂતેલા એક માણસ ઉપર પડી. ચારેપાસ ગીરદી હોવા છતાં આખું પાટિયું ઘેરી આરામ કરતા માનવીનું વલણ અર્થવાદી દુનિયા - Capitalistic World ના અર્ક સરખું તેને દેખાયું. આસપાસ માનવીઓ ઊભા રહે અને એક માનવ એમની વચ્ચે આરામથી સૂઈ રહે ! જગત માનવીનું કે રાક્ષસનું ?
‘શું કોઈ રાવણ તો ત્યાં સૂતો ન હતો ?'
ગૌતમને તે દિવસનું સ્વપ્ન હજી વિસારે પડતું ન હતું. તેના મનમાં એક ભ્રમણા જાગી હતી ! જગતમાં રાવણ જ રાજ્ય કરી રહ્યો છે !
ગાડીમાં પણ દેહ લંબાવી તે જ પડ્યો હતો !
ગૌતમે પિતાને કહ્યું :
‘પેલી એક પાટલી છે. ત્યાં બેસીએ.'
‘માણસ સૂઈ રહ્યો છે ને ?’
‘સૂતો હશે તો ઊઠશે, આખી પાટલી કેમ રોકી શકે ?’
‘હમણાં જગા ખાલી થઈ જશે. નાહક ઝઘડો ઊભો થશે.'
તે જ ક્ષણે પાટલી ઉપર સૂઈ રહેલા મનુષ્યના પગ પાસે રહેલી થોડી જગા ઉપર બીજો કોઈ માણસ બેઠો. અને સૂતેલા મનુષ્યના પગનો સહજ સ્પર્શ થયો. સૂતે સૂતે જ પેલા માણસે લાત ફેંકી. વેંત જેટલી જગામાં બેઠેલો મુસાફર ઊથલી બીજા માણસના દેહ ઉપર પડ્યો.
‘અરે શું મારા ભાઈ ! જોતા નથી.' ધક્કો ખાનારે કહ્યું.
‘હું શું કરું? પેલા ભાઈએ મને લાત મારી.’ લાત ખાનાર મુસાફરે કહ્યું. ‘ત્યારે ત્યાં બેસવા શું જોઈને ગયો હતો ?' ત્રીજા માણસે કહ્યું.
‘જગા હોય ત્યાં બેસવું તો ખરું જ ને ?’
‘પણ પેલા ભાઈ ઊઠે ત્યારે ને ?’
‘કોઈ સાહેબ હશે.’ ઘણા સાહેબો ત્રીજા વર્ગની મુસાફરી કરતી વખતે પહેલા વર્ગ જેટલી સગવડ માગે છે એ જાણીતી વાત છે.
‘સાહેબ હોય તો બેસે સેકન્ડ ક્લાસમાં.’ આમ દુઃખ વેઠતા. પરસ્પર ઝઘડતા મુસાફરોમાંથી કોઈને સીધી વાત સૂઝી નહિ કે સૂતેલા માણસને જગાડી બેસાડવો, અને તેણે રોકેલી જગાનો ઉપયોગ કરવો !
ગૌતમને મન આ દૃશ્ય અસહ્ય થઈ પડ્યું. પાટલી ઓળંગી તે ખાનામાં આવ્યો અને મુખ ઉપર હાથ નાખી સૂઈ રહેલા આરામપ્રિય ગૃહસ્થને તેણે ઢંઢોળ્યા.
‘એઈ ! સાહેબ ! ઊઠો. જરા જગા કરો, બધાને બેસવા દો.’ ગૌતમે કહ્યું.
‘નથી ઊઠતા. તારાથી થાય તે કરી લે !’ સૂતેલા માણસે જવાબ આપ્યો. પાસે થઈને જ ગાર્ડ તથા સ્ટેશન માસ્તર જતા હતા તેમને કોઈકે ડબ્બામાંથી કહ્યું :
‘સાહેબ, જરા જગા કરી આપો.’
‘ગાડી તારા બાપની હશે, ખરું ને ?’ સ્ટેશન માસ્તરે ત્રીજા વર્ગના હિંદવાસીની ઈજજત વધારી કહ્યું.
‘અરે પણ અહીં માણસો સૂઈ રહ્યા છે...' કોઈકે સામો જવાબ આપ્યો. તેને અટકાવી સાત પેઢીની ગાડીની માલિકી પોતાની હોય એમ દમામ રાખતા સ્ટેશન માસ્તરે કહ્યું :
‘ચાલ, બેસી જા; ટકટક નહિ કર ! ગાડી હમણાં ઊપડે છે.’ અને ગાર્ડની સિસોટી વાગી તથા ફાનસ હાલ્યું. ત્રીજા વર્ગના મુસાફરોની કાળજી રાખવા બંધાયલા રેલ્વેના અધિકારીઓએ ગાડી ચલાવવાની ફરજ અદા કરવા માંડી. ગૌતમને વિચાર આવ્યો :
‘સાંકળ ખેંચું ?’
પરંતુ સાંકળ તો સંકટ સમયે ખેંચાય ! માપ કરતાં બમણી સંખ્યા મુસાફરોની થાય એનું નામ કાંઈ સંકટ કહેવાય ?
અને કલકત્તાની કાળી કોટડીમાં પૂરીને ગૂંગળાવેલા ગોરાઓની સાચી કે ખોટી કથની સાંભળ્યા પછી ગોરી રેલ્વે કંપની કાળા હિંદવાસીઓને અનેક કાળી કોટડીઓમાં પૂરી બદલો ન લે તો ગોરી પ્રજાની શ્રેષ્ઠતા ક્યાં રહે ? રેલગાડીનો ત્રીજો વર્ગ રચી કાળી કોટડીઓની એક જંગી કતાર ગોરી કંપનીઓ હિંદવાસીઓ માટે ઊભી કરી રહી છે !
સાંકળ ખેંચતાં સંકટ ઊભું થવાનો ભય ગૌતમને લાગ્યો. તેના પિતા જગા કરી તેની પાસે આવી ઊભા હતા. સાંકળ ખેંચવાનો વિચાર બંધ કરી ગૌતમે સૂતેલા માણસનો જ હાથ ખેંચવાનો નિશ્ચય કર્યો. પરંતુ તે પહેલાં તેણે સૂતેલા મનુષ્યને સહજ ઢંઢોળી પૂછ્યું :
‘દૂરથી આવો છો ?’
‘ફાવે ત્યાંથી આવીએ છીએ.'
‘માંદા તો નથી ને ?’
‘ટકટક કરતો બંધ રહે, સુવર ! માંદો તારો બાપ !’
અને ગૌતમને સૂતેલા માણસનો હાથ પકડી જોરથી ખેંચ્યો. એ મજબૂત મારકણો મનુષ્ય અણગમતે બેઠો થઈ ગયો અને તેણે બાંય ચઢાવી ગૌતમને બે મુક્કાઓ ચઢાવી દીધા.
‘ગૌતમ અહિંસક નહોતો. તેણે પણ સામે થઈ મુક્કાબાજી શરૂ કરી. આખો ડબ્બો ધાંધળમય બની ગયો. ગાડીએ વેગ ધારણ કર્યો હતો. બૂમો પાડતા અન્ય મુસાફરો : સ્ત્રી, બાળક અને યુવાન સવ ધક્કામુક્કીથી દૂર ખસવા લાગ્યાં અને કોલાહલ ખૂબ વધી ગયો.’
વિજયરાયે એકાએક ગાડીની સાંકળ ખેંચી. થોડે દૂર જઈ ગાડીએ વેગ મંદ પાડ્યો અને થોડી ક્ષણ પછી તે અટકી ગઈ.
ડબ્બામાં બેઠેલા મુસાફરો ગભરાઈ ઊઠ્યા. ગાડી અટકવાથી પૃથ્વીનો વેગ અટકી પડ્યો હોય એટલો તેમને ભય લાગ્યો. આસપાસના ડબ્બાઓમાંથી લોકોએ બહાર નજર નાખવા માંડી. કોઈ માણસ કે મૂલ્યવાન સામાન પડી ગયો હોય ! કોઈએ આપઘાત કર્યો હોય ! પાટા ઊખડી ગયા હોય ! માર્ગમાં જાનવર ઊભું રહ્યું હોય ! સામેથી આવતી ગાડી અથડાવાનો સંભવ હોય ! આમ ચારે બાજુએ તર્ક ચાલવા લાગ્યા. ગાર્ડ, એન્જિન ડ્રાઈવર તથા એકબે ટિકિટ કલેક્ટરો સ્થળ ઉપર આવી પહોંચ્યા. દરમિયાન ડબામાં મારામારી અટકી ગઈ હતી. ગાડી રોકાવાથી મારામારી કરનાર માણસને કદાચ લાગ્યું હશે કે તેને પચાસ રૂપિયાનો દંડ ભરવો પડશે. અંદર બેઠેલાં મુસાફરોએ પણ પોતાને માથે જરાય દોષ ન આવે એવું વલણ લેવા માંડ્યું. ‘કોણે સાંકળ ખેંચી ?’ ગાર્ડે આવી પૂછયું.
સઘળા મુસાફરો સત્યવાદી હરિશ્ચંદ્ર બની ગયા અને તેમણે વિજયરાય તરફ આાંગળી કરી.
‘કેમ ? તમે સાંકળ ખેંચી ?’ ગાર્ડે વિજયરાયને પૂછ્યું.
‘મારા પુત્રને પેલા ભાઈ માર મારતા હતા.' વિજયરાયે સાચું કારણ કહ્યું. અલબત્ત ગૌતમ પણ સામો મારતો હતો. એ વાત કહેવા જેવી હતી ખરી.
‘કોણ મારામારી કરતા હતા ?’
‘પેલા બે જણા.’ સચ્ચાઈનો પાઠ ભણેલા મુસાફરોએ કહ્યું.
‘શા માટે ?’
‘જગાનીસ્તો મારામારી !’
‘એક તો ગાડીમાં બેસવું અને પાછી જગા માટે મારામારી કરવી !’ ગાર્ડે કહ્યું.
'તે તમે ગાડીમાં મફત બેસાડો છો ?’ ગૌતમે કહ્યું.
‘એ શાહુકારના દીકરા ! નામ લખાવ તારું ! અધવચ ઘસડીને ઉતારી મૂકીશ !’ ટિકિટ કલેક્ટરે કહ્યું. સામનો કરનાર ન હોય ત્યાં માનવી બહુ બહાદુર બની જાય છે. અને રેલ્વેના નોકરો તો રેલ્વેમાં પોતે રાજામહારાજા હોવાનું ભાન ધરાવે છે.
પરંતુ ગૌતમનું ભણતર કાયદાને આશ્રયે તેને કાંઈક હિંમત અપાવી રહ્યું હતું - જોકે હિંદભરમાં કાયદો અને વ્યવસ્થાને નામે કેટલી અવ્યવસ્થા ચાલી રહી હતી તેનું દિગ્દર્શન આ નાનકડા રેલગાડીના પ્રસંગમાં ગૌતમને થઈ જ ગયું હતું. તેણે કહ્યું :
‘ઘસડીને ઉતારો જોઈએ ?’
‘અરે, તમે શા માટે ઝઘડો કરો છો ? બેચાર કલાક ગાળવા તેમાં આ ધાંધળ શું ?' એક ઉતારુએ ગૌતમને કહ્યું.
'મોટા માણસ ખરાને ! એમનાથી કાંઈ બે કલાક ઊભા રહેવાય ? શો મિજાજ છે ! બીજા ઉતારુએ કહ્યું.
‘જગા મળી ન મળી. એમાં શી મોટી વાત છે ? પણ ભણેલાંઓને તો સાહેબી જોઈએ !’ ત્રીજા ઉતારુએ કહ્યું.
ગૌતમને ખરેખર ઊભા રહેવામાં અપમાન લાગ્યું ન હતું. ચાર કલાક ઊભા કરવામાં થાકની પણ એણે ગણતરી કરી ન હતી. એને માત્ર બે જ વસ્તુ ખૂંચ્યા કરતી. વધારેમાં વધારે નફો આપતા ત્રીજા વર્ગના ઉતારુઓની હાલાકી નિષ્ઠુરતાથી ચલાવી લેનાર કંપની તથા કંપનીના નોકરવર્ગની હૃદયહીનતા, અને વૃદ્ધ સ્ત્રી કે બાળક ઉતારુઓને સંકોડાતાં ભિડાતાં રાખી પાંચ માણસની કાયદેસર જગા રોકી રાખતા એક જ માનવીની શિરજોરી ! એને ડગલે પગલે અન્યાય દેખાયો, અને એ અન્યાયની સામે થવા એણે કમર કસી. પરંતુ જેને માટે એ ઝૂઝતો હતો તેમાંથી કોઈને પણ એની ન્યાયપરાયણતાની જરૂર લાગી નહિ.
‘જગા અમને ન મળી, પણ એમાં ભાઈ, તારે શું ? ચોથો ઉતારુ ગૌતમ ઉપર તૂટી પડ્યો. એટલું જ નહિ, પણ ગૌતમ જાણે ગુનેગાર હોય અને એણે આખી રેલગાડીની શાંતિનો ભંગ કર્યો હોય એમ એકેએક ઉતારુ તેનો દુશમન બની ગયો દેખાયો.
‘લખી લો એનું નામ.’ પાંચમા ઉતારુએ કહ્યું.
‘સાંકળ ખેંચ્યાનો દંડ પણ ભરાવો.' છઠ્ઠાએ કહ્યું.
ગૌતમને થયું કે આ નાલાયક, અન્યાયસહિષ્ણુ જાતને માટે ઝૂઝવામાં કશો જ અર્થ ન હતો. સાચા ગુનેગાર બે : રેલ્વે કંપની અને ગુંડાગીરી કરી સૂઈ રહેલો પેલો મજબૂત માણસ. એ માણસ અત્યારે હસી રહ્યો હતો. તેની ખાલી પાટલી ઉપર હજી કોઈએ બેસવાની હિંમત કરી ન હતી, અને રેલવે નોકરો પણ વાતને ભૂલવા-ભુલાવવા માગતા હતા. વળી એ ગુંડાનો પણ દોષ કેમ કહેવાય ? માનવીનો દેહ આરામ માગે. રાત્રે તો આરામ માગે જ, અને તે પણ ત્રીજા વર્ગની મુસાફરીમાં તો ખાસ કરીને. એ ન્યાયસરનો આરામ મળવાની સગવડ કાયદેસર મળે જ નહિ, તો તે ગેરકાયદે મેળવી લેવામાં ગુંડાનો ગુનો કેમ ગણાય ?
‘નામ લખાવો !’ રેલ્વે નોકરે કહ્યું.
'ગૌતમ..' ગૌતમે કહ્યું.
રેલ્વે નોકરે તેની સામે જોયું. એ અર્ધ અભણ માનવી સ્ટોલ ઉપરના વર્તમાનપત્રો કદી કદી વાંચતો હતો. કૉલેજની હડતાળને અંગે એણે ગૌતમનું નામ સાંભળ્યું હતું, અને તે તેના વાંચવામાં પણ આવ્યું હતું.
‘પેલા કૉલેજની હડતાળવાળા કે ?’ તેણે પૂછ્યું.
'હા જી.'
‘અહીં પણ તોફાન મચાવવું છે ?’
‘જ્યાં જ્યાં અન્યાય લાગશે ત્યાં ત્યાં હું ભયંકર તોફાન મચાવીશ.’ ગૌતમે કહ્યું.
‘પચાસ રૂપિયા આપી દો.’ 'શાના?'
‘અરે, જવા દો સાહેબ ! સાંકળ ખેંચી એ બરાબર થયું. નહિ તો અમે બંને એકબીજાનાં ખૂન કરત.' પેલા ગુંડાએ કહ્યું.
જેના અન્યાય સામે તે યુદ્ધ કરતો હતો તે ગુંડો જ તેના બચાવમાં પ્રવૃત્ત થયો; જેમને માટે તે લડતો હતો એ સર્વ તેની વિરુદ્ધ થઈ ગયા હતા! નાનકડી મારામારી અને તે પણ બીજાઓ વચ્ચે ! તથા અડધા કલાકનું રોકાણ એ નિર્માલ્ય ઉતારુઓને હાડમારી રૂપ લાગી ગયું અને પોતાના પક્ષકારને પણ હલાલ કરવામાં તેમને સંકોચ થયો નહિ !
ગૌતમની સખ્ત ના અને પેલા ગુંડાની સમજૂતીને અંતે રેલ્વે સત્તાધીશોએ નામ લખી દંડના પૈસા માગવાનું મુલતવી રાખ્યું. બધાને ધમકાવી બેસાડ્યા - જોકે પાટલી ઉપર બેસવાની સગવડ ન હોવાથી ઘણા લોકો પાટલીની વચ્ચે પણ બેસી ગયા. જે એકબે ઉતારુઓ ગૌતમના ધાંધળને નાપસંદ કરી રહ્યા હતા તે વચ્ચે લાગ જોઈ પેલા ગુંડાના પાટિયા ઉપર તેનાથી સહજ દૂર બેસી ગયા. ગુંડાએ ગૌતમને પોતાની પાસે બોલાવ્યો. તેની પાસે જતા પહેલાં એક ઉતારુએ તેના કાનમાં કહ્યું :
‘કોની સાથે તું ઝઘડે છે ?’
‘કેમ ?'
‘એ તો પેલો કીસન ગુંડો, ઓળખતો નથી ?’
તેને ન ગણકારી ગૌતમ કીસન પાસે જઈ ઊભો અને ગાડી ચાલવા માંડી.
એકાએક ગૌતમે કીસનની પાટલી ઉપર બેઠેલા બે ઉતારુઓને સંબોધી કહ્યું :
‘ઊઠી જાઓ અહીંથી.'
‘કેમ ? શું છે ? શાનો મિજાજ કરે છે ?’ એક ઉતારુએ કહ્યું.
‘હું તમારે માટે જગા કરવા આ કીસન પહેલવાન જોડે ઝઘડ્યો. મને મદદ કરવાને બદલે તમે મને રેલ્વેનો ગુનેગાર ઠરાવ્યો અને હજી આ પાટલી ઉપર બેસવાની તમારે નફટાઈ કરવી છે ! ઊઠો છો કે નહિ ?’ ગૌતમે એક મુસાફરની બરાબર બોચી પકડી.
બંને જણ ઊભા થઈ ગયા.
‘પહેલવાન ! માફ કરજો, તમારા આરામમાં ખલેલ પહોંચાડી તે આપ હવે સૂઈ જાઓ. અમે કંગાલો તમારી જોડે બેસવાને લાયક જ નથી.' ગૌતમે કહ્યું. કીસન પહેલવાનનું નામ લોકોમાં જાણીતું હતું. એની ક્રૂરતા, એનાં પરાક્રમ અને એની ચાલાકીની સાચીખોટી વાત એ માણસને કથાના નાયક સરખું મહત્ત્વ આપતી હતી. જોકે બહુ થોડા માણસોએ એને જોયો હતો.
‘અરે જવા દે યાર ! ગાડી ચાલ્યા પછી હું એકએક સ્ત્રીબાળક માટે જગા કરી આપત.' કીસને કહ્યું.
‘જવા દેવાની વાત જ નહિ ! તમે હવે કોઈને તમારી પાટલી ઉપર બેસવા દેશો તો હું તમારી સાથે ફરી લઢીશ.’ ગૌતમે કહ્યું.
કીસન હસ્યો. ગૌતમનો હાથ ખેંચી તેણે તેને પાસે બેસાડ્યો. ગૌતમના પિતા હજી દૂર ઊભા જ રહ્યા હતા. તેમને પણ કીસને પાસે બોલાવી નમસ્કાર કરી પોતાની પાટલી બતાવી કહ્યું : 'વડીલ, આરામ કરો. કશી હરકત નથી.’
'તમારી જગા...'
‘મને તો માગીશ ત્યાં જગા મળશે. કાંઈ કારણ હતું માટે હું અહીં સૂતો. ઉજાગરાની તો મને ટેવ જ છે.' કહી કીસને કાળજીપૂર્વક વિજયરાયને પાટલી ઉપર બેસાડી પોતાની પથારીમાં જ સુવાડ્યા.
ગુંડાની લાયકાત અને નાગરિક તરીકે પ્રતિષ્ઠા ભોગવતા મુસાફરોની અપાત્રતા જોઈ ગૌતમને કીસન પ્રત્યે ક્યારનોય સદ્ભાવ ઊપજ્યો હતો. થોડી ક્ષણ પહેલાં જેની સાથે જીવ સટોસટની મારામારી તે કરી રહ્યો હતો તેની જ સાથે મૈત્રી કરવાનું તેને મન થયું. કૉલેજનાં શિક્ષિત જંતુઓ અને મુસાફરી કરતાં સમાજનાં પ્રતિષ્ઠિત જંતુઓ વચ્ચે એને બહુ ફેર ન લાગ્યો. શિક્ષિત કૉલેજિયનોએ પાછળથી દલીલો કરી પોતાના મનને મનાવી લીધું; પ્રતિષ્ઠિત મુસાફરોએ પહેલેથી જ ગુંડાને સ્વીકારી લેઈ પોતાનું રેલ્વેજીવન નિશ્ચિત કરી નાખ્યું. જંતુઓ તો બંને !
અને કીસન ગુંડો તથા પ્રિન્સિપાલ વચ્ચે કાંઈ તફાવત ખરો ? પ્રિન્સિપાલ પણ લઢીને મિત્ર બનવા મથતા હતા; કીસને પણ તેમ કર્યું ! એકની પાસે ધન અને સત્તા હતાં : પ્રતિષ્ઠાભર્યાં, ખુલ્લા અને સહુનો સ્વીકાર પામેલાં બીજા પાસે શારીરિક બળ હતું : પ્રતિષ્ઠાભર્યું ભલે ન હોય તોપણ તે ખુલ્લું અને સહુ પાસે સ્વીકાર કરાવે એવું સ્પષ્ટ. નમૂનાઓમાં સારો નમૂનો કયો ? ધન કે બળ પશુવૃત્તિ ઉપર આધાર રાખી રહેલી ક્રૂર સંસ્કૃતિનાં જ એ બંને ફળ ! બંને નમૂના સરખા.
‘હડતાળ છોકરાઓએ બંધ કેમ પાડી ?' કીસને એકાએક ગૌતમને પૂછ્યું. ‘પ્રિન્સિપાલે અને આગેવાનોએ છોકરાઓને સમજાવી લીધા.’
'પણ એક જણને હજી કૉલેજમાં લીધો નથી.'
'એ જ હું.'
‘મને લાગ્યું ખરું.’
‘પણ તમને અમારી હડતાળમાં કેમ રસ પડે છે ?'
'જ્યાં જ્યાં તોફાન ત્યાં ત્યાં અમને રસ પડે છે.'
‘શા માટે ?’
‘એમાંથી અમારી કમાણી જાગે.'
‘કમાણી ? કેવી રીતે ?’ ચમકીને ગૌતમે પૂછ્યું.
‘તું મારી જોડે રહે તો તને ખબર પડે, તે સિવાય નહિ.’
‘એ સમજ્યો. પણ વિદ્યાર્થીઓની હડતાળમાં તમને કમાણી શી ? મારે એ સમજવું જ છે.’
‘હડતાળ લાંબી ચાલત તો જરા વિદ્યાર્થીઓને ખોખરા કરત. જોતજોતામાં હડતાળ બંધ !’
'પણ એમાં કમાણી ક્યાંથી ?’
‘જેને જેને હડતાળથી ગેરફાયદો થાય એ અમને પૈસા આપે.'
‘આ હડતાળમાંથી તમને કાંઈ મળ્યું છે ?'
‘થોડું.'
‘કોના તરફથી ?’
‘વધારે ન પૂછીશ. પણ તારા જ એક દોસ્તના પિતા તરફથી.’
ગૌતમ ચમક્યો. કયા મિત્રનો પિતા આ કાર્ય કરે એવો હતો તેનો એણે ઝડપથી વિચાર કર્યો. શરદના પિતા તો ન હોય ? છતાં એના મનમાં કોઈને માટે ઊંડી શંકા ઊપજી નહિ પરંતુ તેનું વિદ્યાર્થી તરીકેનું સ્વમાન ઘવાયું. તેણે પૂછ્યું :
‘વિદ્યાર્થીઓને ખોખરા કરવાનું કામ સહેલું છે ?’
'તેં મારી જોડે થોડી મારામારી કરી એટલે તને એમ લાગતું હશે કે વિદ્યાર્થીઓ બહાદુર છે, નહિ ?’
‘હું તો એમ માનું છું. વિદ્યાર્થીઓ ગુંડાઓથી ડરે જ નહિ.’
‘અરે, બિલાડી અને કૂતરાંનાં બચ્ચાંથી પણ એ ડરે છે ! તારી કૉલેજના બધા વિદ્યાર્થીઓને ભેગા કર. મારા દસ સાથીદારો પાંચ મિનિટમાં આખા ટોળાને નસાડે નહિ તો મારું માથું અને તારો જોડો ! વિદ્યાર્થીઓ પણ છેવટે આ કંગાલોનાં જ સંતાનો ને ?’ ગાડીમાં ઊભા રહેલા પ્રતિષ્ઠિતો તરફ આંગળી કરી તેણે કહ્યું.
રેલ્વે ગાડીના ઘસારામાં અડધાં ઊંઘરેટ મુસાફરોને આ બન્ને વચ્ચેની વાત પૂરી સમજાતી ન હતી.
‘શા ઉપરથી આમ કહો છો ?’
‘કહી દઉં ? તારા જ ઉપરથી.’
‘એટલે ?'
'તને પ્રિન્સિપાલે દાખલ ન કર્યો એટલે તું બહાદુરમાં બહાદુર વિદ્યાર્થી, નહિ ?’
'કોણ જાણે !'
'હું જાણું છું. પણ હજી તને લડતાં આવડતું નથી. એક જ ક્ષણમાં હું તને ભોંય ભેગો કરી નાખત.'
‘ધારો છો એટલું એ સહેલું નથી.’
કીસને સ્મિત કર્યું. એના આત્મવિશ્વાસનો પાર ન હતો. સ્મિતસહ તેણે પૂછ્યું :
'તને લાઠી આવડે છે ?’
‘ના. થોડી શીખવા માંડી હતી.'
‘કુસ્તીના દાવ જાણે છે ?’
‘કુસ્તી કરનારની બુદ્ધિ જડ થાય છે એવો વિદ્યાર્થીઓનો મત છે, એથી હું શીખ્યો નહિ.’
‘એ મતમાં જ વિદ્યાર્થીઓની બુદ્ધિજડતા હું જોઈ શકું છું. વગર કુસ્તીએ કયી ચબરાકી તમારા વિદ્યાર્થીઓએ દેખાડી ? ઠીક. મુક્કાબાજી જાણે છે?'
'ના.'
'છરી-ખંજરના દાવ?'
'અંહં.'
‘અહિંસક ખરા ને ! જો, તારા સરખી હિંમતવાળો વિદ્યાર્થી પણ મારામારીની એક પણ તરકીબ જાણતો નથી. બીજા કોઈ એ જાણે છે ખરા?'
‘નહિ જેવા.'
‘હજાર વિદ્યાર્થીએ દસ પણ નહિ, અને જે જાણતા હશે તે પણ આવડતના પ્રદર્શન પૂરતું. ઉપયોગ માટે નહિ. તમારા હજારે વિદ્યાર્થીઓને નસાડવા માટે દસ નહિ પણ એક જ તાલીમબાજ બસ થશે.'
‘પ્રસંગ આવ્યો ખબર પડે.'
‘પ્રસંગ તો બહુ આવી ગયા. પણ વિદ્યાર્થીઓની જુવાની જ ગીરોવેચાણ થઈ ગઈ છે ને ! પ્રસંગ આવે ત્યારે મને યાદ કરજે.'
‘પણ આવા શારીરિક ઝઘડાથી શું વળે ? આજ તો બુદ્ધિની જરૂર છે.'
‘બુદ્ધિ ? બુદ્ધિ તો હિંદુસ્તાને ક્યારની વેચી ખાધી ! તું બહુ બુદ્ધિવાન ! પરંતુ તું અહીં મારી સામે થયો ન હોત તો હું તને કે તારા પિતાને અહીં બેસવા દેત ખરો ?’
‘એ કુસ્તી, લાઠી કે ખંજર અત્યારનાં સુધરેલાં શસ્ત્રો સામે કેમ ઉપયોગમાં આવે ?’
‘અરે સુધરેલાં શસ્ત્રોને બાજુએ મૂક, જે છે તે તો વાપરી જાણ ? વખત જતાં તમને લાઠીય હાથમાં ઝાલતાં થાક લાગી જશે !’
હિંદમાં વિપ્લવની શક્યતા વિષે ગૌતમે એક અભ્યાસપૂર્ણ લેખ છૂપા વાંચન માટે લખ્યો હતો. સશસ્ત્ર પ્રતિકાર માટે કદાચ અમેરિકાની ઉપરચોટિયા ઉદારતા, રશિયાનો દલિતપ્રેમ કે જર્મની જાપાનની દુશમનાવટ ઉપર આધાર રાખી શકાય એવો સંભવ તેણે સ્વીકાર્યો હતો. શસ્ત્રો મળતાં તેના ઉપયોગની મુશ્કેલી વિષે તેણે બહુ જ ઓછો વિચાર કર્યો હતો. યાંત્રિક શસ્ત્રો જોતજોતામાં બુદ્ધિમાનોને આવડી જાય એવી તેની ધારણા હતી. પરંતુ કીસનના બોલે તેને જાગ્રત કર્યો. લાઠી ઝાલતાં પણ થાક લાગે એવી સ્થિતિએ પહોંચેલી પ્રજામાં તોપની ગર્જના સાંભળવાની હિંમત રહે ખરી ?
'અને કદાચ લાઠી પણ ભયંકર શસ્ત્રમાં ગણાઈ તમારા હાથમાંથી ઝુંટવી લેવાશે.' કીસને કહ્યું.
ગૌતમ જરા શાંત બેઠો. ગાડી આગળ વધ્યે જતી હતી. રાત્રિ પણ અંધકારમય બનતી જતી હતી. ક્વચિત્ વાદળાં એ અંધકારમાં વધારો કરતાં હતાં, અને ઝીણો ઝીણો વરસાદ ગાડીની બારીઓ બંધ કરવા બારી પાસે બેઠેલાઓને પ્રેરતો હતો.
એકાએક કીસને પૂછ્યું :
‘તારે નેતા થવું છે નહિ ?’
‘ના. મારે તો રાષ્ટ્રસેવક બનવું છે.’
‘એ બધુંયે એકનું એક જ માની લે ! તારે જે બનવું હોય તે બનજે. પણ મારી એક વાત સાંભળી લે. ઘર અને ઝાડ ઉપર ચઢતાં શીખ; તરવાની કળા હાથ કર; લાઠી અને જમૈયાના બધાય દાવ શીખી લે; મુક્કાબાજી માટે બજરમુષ્ટિને શોધી કાઢ; અને કુસ્તીના દાવપેચ વડે વાગવાનો સમૂળ ભય કાઢી નાખ. એ વગરનું બધું ભણતર, બધી સેવા, બધી નેતાગીરી વાંઝણી રહેશે.'
‘એ શીખ્યા વગર જ મરવાની ઠંડી તાકાત કેળવીએ તો ?'
‘મરવાની તાકાત ? હિંદીઓમાં ? એ તાકાત હોત તો બધા આમ નિર્માલ્ય બની ગાડીમાં ઊભા રહે ખરા ? ઠંડી તાકાત ? બાયલાઓનો એ તો બુરખો છે ! મારવાની કળા જાણ્યા વગર મારતાં પણ નહિ આવડે, સમજ્યો?'
ગૌતમમાં આટલો બધો રસ કીસન પહેલવાન શા માટે લેતો હતો ? એની વાતચીતમાં સંસ્કાર કે દલીલની ચોખવટ કદાચ ન દેખાય, પરંતુ તે બુદ્ધિહીન લાગતો ન હતો. એટલું જ નહિ, તે ચાલુ બનાવોમાં બુદ્ધિપૂર્વક રસ પણ લેતો હતો. વળી એ અનેક તોફાનો સાથે સંબંધ પણ રાખતો હતો ! તોફાનો ઉપાડવાં અને તેમને બંધ કરવાં એ પણ તેનું એક મુખ્ય કાર્ય જણાતું હતું !’
કેવો વિચિત્ર માણસ !
કયું સામાજિક કાર્ય એ સાધે છે ?
ગુંડાઓને ઉપજાવતા, ગુંડાઓને સહી લેતા સમાજનો ભાંગીને ભુક્કો ન કરવો જોઈએ ?
પણ એ ગુંડાઓ ઊપજે છે કેમ ?
શી રીતે ?
વળી આશ્ચર્યની વાત તો એ હતી કે એ ગુંડો સમજદાર હતો ! એ ગુંડો ઉદાર પણ હતો ! અરે, એ ગુંડો સુંદર મૈત્રીને પાત્ર હતો ! ગૌતમના પિતાને એણે એની પથારીમાં જ સુવાડી દીધા !
કારણ ?
એનામાં માણસાઈ તો હતી જ ! દેશી પ્રિન્સિપાલ કરતાં વધારે.
‘કેટલા સમયમાં એ બધું આવડે ?’ ગૌતમે પૂછ્યું.
‘ધીમે ધીમે બે વરસમાં; ઝડપથી એક વર્ષે.'
‘એનો ઉપયોગ ક્યાં ?'
‘ડગલે ને પગલે. આજથી જ જોતો રહેજે. તું મારી સામે મુક્કી ઉગામી શક્યો તો તને બેસવાની જગા મળી. એ દાખલાથી જ શરૂઆત કરજે.'
‘તમે શો ધંધો કરો છો ?’
‘મારું નામ તો તું જાણતો લાગે છે.'
‘એક ભાઈએ મને તમારો ડર બતાવવા નામ કહ્યું.’
‘નામ ઉપરથી ધંધો ધારી લે.’
‘ગુંડાગીરી ધંધો હોઈ શકે જ નહિ.’
‘તારી મોટી ભૂલ થાય છે. એ સિવાય બીજો સફળ ધંધો એકેય નથી.’
‘ભણેલાઓ માટે પણ ?’
‘અરે, હા રે હા ! ભણેલાને ગુંડાગીરી આવડે તો તે અમલદાર થાય; ન આવડે તો કારકુનીમાંથી ઊંચો જ ન આવે.'
ગૌતમના પિતા હજી કારકુનની જ કક્ષામાં હતા ! એમણે ગુંડાગીરી કરી હોત તો ? અમલદાર બની આજ તેઓ સેકન્ડ કે ફર્સ્ટ ક્લાસની મુસાફરી કરતા હોત !
'અને તારે દેશસેવા કરવી હોય તો એની વધારે જરૂર રહેશે. નહિ આવડે તો ધપ્પા ખાઈ માર્યો જઈશ અને તને કોઈ ઓળખવાનું પણ નથી.’ કીસને આગળ કહ્યું.
‘ગાંધીજીને તમે ગુંડા કહેશો ?’
‘જો ને ભાઈ, ગાંધીજીની વાત બાજુએ મૂક.’
હજી હિંદુસ્તાનમાં એક નામ એવું હતું, જેની સાથે તોછડાઈભરી રમત કરતાં ગુંડાઓ પણ અચકાતા હતા !
‘શા માટે ?’
‘એમાં જ સારું છે.'
‘ગાંધીજી પ્રત્યે મને કાંઈ પૂજ્યભાવ નથી. એમની નિષ્ફળતા....’
‘ખરું ને ? એમની એક મોટી ભૂલ થાય છે. એ પરદેશી ગુંડાગીરીને ઓળખે છે, પણ જાતે એ ગુંડાગીરી કરતા નથી. એ નહિ કરે ત્યાં સુધી એ નિષ્ફળ જશે.'
‘એમની સામે થવામાં તમે અમને મદદ કરો કે નહિ ?’ એકાએક સ્વાતંત્ર્યપ્રેમી ગૌતમથી બોલાઈ ગયું.
કીસન ગૌતમ સામે ઘડીભર જોઈ રહ્યો. ગૌતમની અણઆવડત કે આદર્શ પ્રત્યે તેને અવિશ્વાસ ઊપજ્યો. જરા રહી તેણે ધીમેથી કહ્યું :
‘ગુંડાઓને કામની કિંમત મળે તો એ બધુંયે કરે, સમજ્યો ?’ ‘એમ ? ગુંડાઓની કેટલી કિંમત ?’
‘જેવો ગુંડો ! કોઈ ગુંડાને દીવાનગીરી મળે, કોઈ ગુંડાને ઈલકાબ મળે, કોઈ ગુંડાનો માલ ખરીદાય, કોઈ ગુંડાના દીકરા અધિકાર ઉપર ગોઠવાઈ જાય !...' ખૂબ હસીને કીસને વાક્ય અધૂરું રાખ્યું.
‘શું ? શું ? મને ન સમજાયું.’
‘એ સમજાય એવું નથી. પૂછીશ પણ નહિ. અમારો કેટલો ઉપયોગ છે તે તું તારી જાતે સમજી લેજે.'
‘હું ગુંડો બનું તો ?'
‘તારો બેડો પાર !’
‘નહિ નહિ. એ ન બને.'
‘એમાં સાચી તાકાતની જરૂર છે. તમે વિદ્યાર્થીઓ નામર્દ છો !’
‘હું તમને બતાવી આપીશ કે વિદ્યાર્થીઓમાં સાચી મર્દાઈ રહેલી છે.’
‘હં’ કીસને બારી ઉપર માથું મૂકી આંખ મીંચી દીધી.
‘તમે આ ધંધો ક્યારથી લીધો ?’ ગૌતમે પૂછ્યું.
'પંદરેક વર્ષ થયાં.' મીંચેલી આંખે જ કીસને જવાબ આપ્યો.
‘એમ કરવાનું કાંઈ કારણ ?’
કીસને આંખો ઉઘાડી. એની આંખમાં લાલાશ ફરી વળી. ફરી એણે આંખો બંધ કરી માથું બીજી રીતે ગોઠવી કહ્યું :
‘કોઈક દિવસ કહીશ.’
'તમને મળી ક્યાં શકાય ?’
‘જગા નક્કી નહિ. પરંતુ મારા અખાડામાં પૂછજે કોઈ વાર.’ કહી કીસને ઊંઘ લેવા માંડી.
‘ગૌતમને ઊતરવાનું સ્ટેશન પણ આવી પહોંચ્યું. પિતાને જગાડી ગૌતમે કીસનની રજા લીધી.
‘પહેલવાન, રજા લઉં છું.’
‘હોં !' કહી ખાલી પડેલી પાટલી ઉપર કીસન લાંબો થઈને સૂતો. એની પાટલી ઉપર કોઈએ નજર પણ નાખી નહિ.