છાયાનટ/પ્રકરણ ૭
← પ્રકરણ ૬ | છાયાનટ પ્રકરણ ૭ રમણલાલ દેસાઈ |
પ્રકરણ ૮ → |
૭
રેલ્વે સ્ટેશન બહુ મોટું ન હતું. ગૌતમ કે તેના પિતાની પાસે કશો સરસામાન હતો નહિ એટલે ઊતરતાં અને સ્ટેશનની બહાર જતાં હરકત પડી નહિ. ફાનસ હલાવતો પૉર્ટર તથા દરવાજે ઊભેલો ટિકિટ કલેક્ટર બંને ઊંઘરેટા બની પોતાનું કામ કરતા હતા. પોલીસનો એક સિપાઈ પણ બૅન્ચ ઉપર નિદ્રા લેતો હતો. ઉતારુઓ હતા ખરા, પરંતુ ઘણા નહિ. બેત્રણ ઉતારુઓ ઓળખીતા નીકળ્યા. તેમણે વિજયરાયને સલામ પણ કરી. સલામ શહેર કરતાં ગામડામાં વધારે પ્રમાણમાં મળે છે એનો અનુભવ ગૌતમને થયો.
મધરાત વીતી ગઈ હોવા છતાં ગૌતમની બંને બહેનો જાગતી હતી. બારણું ખખડતાં જ સુનંદા અને અલકનંદા દોડી આવ્યાં. સુનંદા પંદરેક વર્ષની હતી; અલકનંદાને બારેક વર્ષ થયાં હતાં. બંને બહેનો ભાઈને વીંટળાઈ વળી. કુટુંબની જીર્ણ સંસ્થામાં ગૌતમને શ્રદ્ધા ન હતી; એ સંસ્થા ઝડપથી તૂટવાને પાત્ર બનતી જાય છે એમ તેની ખાતરી હતી. છતાં બંને બહેનોની આંખમાં ઊભરાતો સ્નેહ તેને જીર્ણ થતી કુટુંબસંસ્થા સજીવન રાખવા સરખો લાગ્યો. એ જ સ્નેહ સાર્વત્રિક બને તો ?
બહેનોએ તેને માટે રસોઈ બનાવી રાખી હતી. નહાવા માટે પાણી પણ રાખ્યું હતું; સૂવા માટે પથારી પણ તૈયાર હતી. મોડી રાત્રે પણ જમવાની ભાઈ ના નહિ પાડે એવી બંને બહેનોની ખાતરી હતી. ગૌતમને પણ બહેનો પ્રત્યે અનહદ પ્રેમ હતો. રાત્રે નોકર સામાન્યતઃ રહેતો નહિ, પરંતુ આજે તેને ઘરમાં જ સુવાડ્યો હતો. તેણે ધીમે ધીમે જાગ્રત થઈ પાણી કાઢવાની તૈયારી કરી.
દરમિયાન બહેનોએ અનેકાનેક પ્રશ્નો ભાઈને પૂછી નાખ્યા :
‘પછી હડતાળનું શું થયું ?’
‘તમને કૉલેજમાં લીધા કે નહિ ?’
‘સજાની વાત સાંભળતાં હતાં તે શું થયું ?’
‘મારામારી તો નથી થઈ ને ?’
‘કશું વાગ્યું તો હશે જ નહિ.’
‘આમાં વાંક કોનો ?’ ભાઈનો વાંક તો બહેનોને મન કદી વસે જ નહિ! ‘શા માટે પોલીસને પ્રિન્સિપાલે મદદ કરી ?’
‘પ્રિન્સિપાલનો ઉપરી કોણ ? તેની પાસે જવાય કે નહિ ?’
'બધા જ પ્રિન્સિપાલો આવા નઠારા હશે ?'
‘પાછા ક્યારે જવાના ?’
‘શરીર દૂબળું કેમ પડ્યું ?’
‘ગાડીમાં સૂવાનું મળ્યું હતું કે નહિ ?’
'કેટલા દિવસનો ઉજાગરો થયો છે ?'
આમ સંબંધવાળા અને સંબંધ વગરના અનેક પ્રશ્નો જવાબ પૂરો અપાયા પહેલાં પુછાવા લાગ્યા.
ગૌતમને હસવું આવ્યું : ‘અરે પણ મને પૂરો જવાબ તો આપવા દો !’
બહેનો પણ સાથે સાથે ખડખડાટ હસી. તેમને પણ પોતાના વર્તનની વિચિત્રતા ધ્યાનમાં આવી. જવાબ પૂરો અપાયા વગર બીજો પ્રશ્ન કરવાની અને ભાઈ વિષેની બધી જ માહિતી લેઈ લેવાની ઉતાવળ વાજબી હશે, પરંતુ વ્યવહારુ તો ન જ હતી. છતાં પ્રશ્નો ઝડપથી પુછાયે જતા હતા.
કલાકેક વાતોની ઝડી વરસી રહી. પાસેના પડોશીઓ પણ જાગ્રત થયા. તેમાંથી જાણીતા એકબે જણે તો બારીએ આવી પૂછ્યું પણ ખરું :
‘કેમ રાયજી આવી ગયા કે ?’
'હા જી.' વિજયરાયે સામે જવાબ આપ્યો.
‘ગૌતમનું શું થયું ?’
‘મારી સાથે આવ્યો છે.'
‘ચાલો, સારું કર્યું. નહિ તો ધાંધળમાં પકડાઈ જાત.'
અલકનંદાએ પડોશીની વાણી સાંભળી પૂછ્યું :
'હેં ભાઈ ! તમે પકડાઈ જાત ?’
‘પકડાઉ પણ ખરો. એમાં શું ?’ ગૌતમે કહ્યું.
‘તમને કોણ પકડે ?’
‘પોલીસ.'
‘પેલા ચોરને પકડે છે તેમ ?'
‘હાસ્તો.'
‘પછી કેદખાને લઈ જાય ?’
‘બીજે ક્યાં ત્યારે ?’ હસતે હસતે ગૌતમે કહ્યું.
'હાય, હાય ! એ તો કેટલું બધું દુ:ખ થાય ! ભાઈ, તમે કેદખાને કદી નહિ જાઓ ને ?'
‘સારા કામે કેદખાને જવું પણ પડે.'
‘એમ તે હોય ? સારું કામ કરે એને દુ:ખ કદી ન પડે.'
'એ જ તારી ભૂલ છે. આજની દુનિયાએ સારા કામ માટે શૂળી ઊભી કરી છે.'
‘આપણે આપણું કામ સંભાળીને બેસી રહીએ.' સુનંદાએ કહ્યું.
‘એમ બને નહિ ત્યારે ?’ ગૌતમે પૂછ્યું.
વિજયરાયે ઉતાવળ કરી બાળકોને જમાડ્યાં. થોડા જમણમાં વાર વધારે કરી. હસતાં હસતાં વાતો કરતાં જમણ પૂરું થયું, અને ગૌતમ સૂતો. અલકનંદા ભાઈને વળગીને સૂતી. સુનંદા પણ ભાઈના હાથ ઉપર હાથ ફેરવતી પાસે સૂઈ ગઈ.
ગૌતમે વિચાર કર્યો : બહેનોનો પરમ પ્રેમ ! પરંતુ ભાઈના રક્ષણની આજુબાજુ જ સમાઈ રહેલો !
અને દેશ અગર માનવતાની ઊર્મિઓના પ્રચંડ ઉછાળા હજી ગૌતમના ઘર સુધી પણ પહોંચ્યા ન હતા !
દોષ કોનો ? ગૌતમ એ ઊર્મિઓને કેમ ઘર સુધી ખેંચી લાવી ન શકે ? પરંતુ ઘર આગળ જ ગૂંચવાઈ એ જ ઘરની દીવાલમાં ઊર્મિઓ ભિડાઈ જાય તો ?
ગૌતમની આંખ ઘેરાવા લાગી. બહાર વરસાદની ઝડી તૂટી પડી. મેઘનાં પાણી વહી જતાં હતાં. ! છતાં હિંદ ગરીબ અને ભિખારી !
ભિખારીને પણ ઊંઘ આવે છે, નહિ ? આવે. થાકનો નશો ચઢે. પરંતુ નશો ઊતરતાં એ ઊંઘમાં અનેક સંકલ્પસૃષ્ટિઓની અથડામણો ઊભી થાય. ગૌતમની સંકલ્પસૃષ્ટિમાં કોણ ઘૂમતું હતું ?
રાવણ કે કુંભકર્ણ ?
હસે છે ? કુંભકર્ણ તો સૂતો છે !
ના ના. એને ગૌતમે જગાડ્યો ! રેલગાડીના પાટિયા ઉપર એ આખી જગા રોકી સૂતો હતો ?
જાગે એટલે જુદ્ધ ! રાવણરાજ્યનો એ મહિમા ! કુંભકર્ણ તો સૂતો રહ્યો. પરંતુ રાવણ વચમાં આવી ગૌતમને પકડી બેઠો.
ગૌતમનું ગળું દબાવી રાવણે પૂછ્યું : 'કેમ ? ગુંડો બને છે કે ગળું દબાવું ?’
‘ગુંડાગીરીનો સામનો એ મારું જીવન !’ ગૌતમે કહ્યું.
‘એ તારું જીવન ગયું જાણજે !’ કહી રાવણે તેને ગળે વધારે ભાર દીધો. ગૌતમ ગૂંગળાયો. મૃત્યુ શું એનું એને ભાન થવા લાગ્યું. મૃત્યુ અને ગુંડાગીરી વચ્ચે પસંદગી કરવાની હતી.
જીવવામાં હરકત શી ? ગુંડા બનવાની હા પાડયા પછી આગળ ઉપર જોઈ લેવાય !
જીવવું તો ખરું જ. અને જીવવું તો સુખભર્યું. સત્તાભર્યું જીવન જીવવું ! ભલે ગુંડાગીરીથી એ જીવન પ્રેરિત થાય !
‘હું. જીવવા... માગું...' મહા મુશ્કેલીએ ગૌતમે ઉચ્ચાર કર્યો.
‘તો ગુંડાગીરીને તાબે થા. જગતમાં મારું એટલે ગુંડાગીરીનું રાજ્ય છે.' રાવણે જવાબ આપ્યો.
‘ક...બૂ...લ !’
'તને ખબર છે, રામે મારાં મસ્તક કાપ્યાં હતાં તે ?’ સહજ ગળાની પકડ હળવી કરી રાવણે પૂછ્યું. ‘એ મસ્તક ફરીફરી ઊગી નીકળતાં હતાં તે તેં કદી વાંચ્યું છે ?’
‘એ મારી શક્તિ હજુ ચાલુ જ છે. યાદ રાખજે.'
‘મને લાગે છે કે કદાચ તે શક્તિ વધી પણ હોય.' ગૌતમે કહ્યું. રાવણ સહજ પ્રસન્ન દેખાયો.
‘સાચી વાત. તું જલદી સમજ્યો તો બચ્યો. નહિ તો...’ રાવણે ગળેથી હાથ સમૂળ છોડી દીધો, અને ગૌતમ એકાએક બેઠો. થઈ ગયો. તેના મુખ ઉપર વિહવળતા હતી.
‘કેમ ભાઈ, ઊંઘ ઠીક આવી, નહિ ?' કોઈ બીજી સૃષ્ટિમાંથી અલકનંદાનો સૂર તેને સંભળાયો.
માનવી કેટલી સૃષ્ટિઓમાં ફરે છે ? ફ્રોઈડનું Sub-conscious mind-સુષુપ્ત માનસ - સમજ્યાથી, ઓળખ્યાથી એ સૃષ્ટિએ ઓછી થતી નથી. વહેમના યુગમાં ગૌતમ જન્મ્યો હોત તો જરૂર આ સૃષ્ટિદર્શનમાં ઈશ્વર, દેવ કે રાક્ષસી તત્ત્વોની રમત તે જોતો હોત !
દેવપૂજાની એક ઘંટડીનો આછો રણકાર તેને કાને પડ્યો. તેના પિતા હજી પૂજાપાઠ કરતા હતા. વહેમનો યુગ હજી ક્યાં અસ્ત થયો છે ? ગૌતમે આંખો ચોળી.
‘ભાઈ સ્વપ્નામાં હજી છો શું ?' અલકે પૂછ્યું.
ગૌતમ એકાએક જાગૃતિ ભૂમિકા ઉપર આવી ગયો. જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યાવસ્થાની કલ્પના તેણે ઘણી વાર હસી કાઢી હતી. તે psycho - analysis - માનસપૃથક્કરણને ઓળખતો, યોગને નહિ. પરંતુ જાગૃતિ અને સ્વપ્ન એ બંને સ્થિતિ સત્ય હતી. એટલું તો તેને અત્યારે કબૂલ કરવું પડ્યું.
‘હા, હમણાં સ્વપ્ન બહુ આવે છે.' ગૌતમે કહ્યું.
'ભાઈ, તમે પણ મને રોજ સ્વપ્નમાં દેખાઓ છો, હોં !' અલકને એવા સ્વપ્નનું સંભારણું સુખમય હતું.
‘એમ ? મને શા માટે એટલો બધો યાદ કરે છે ?’
‘કોણ જાણે ! પણ સ્વપ્ન ઊડી જાય અને તમને ન દેખું એટલે એવું ૨ડવું આવે છે !’ અલકે અત્યારે જ રડવાની વૃત્તિ બતાવી.
‘પણ આજ તો હું તારી પાસે છું ને ?’
‘એટલે સ્વપ્ન આવ્યું જ નહિ. હું ક્યારની અહીં બેસી રહી છું, તમને જગાડવા.'
‘કેટલા વાગ્યા હશે ?'
‘આઠ વાગી ગયા.'
‘એમ ? મને તો સમજાયું જ નહિ.’
‘વાદળાં છે ને ?’
સુનંદા ઉતાવળી ઉતાવળી ત્યાં આવી.
‘ચા તૈયાર છે અને તમે બંને અહીં વાતો કરો છો !’
‘હવે આખો દિવસ તું જ ભાઈને કબજે લેઈ લેવાની છે ! મને તો વાત જ નહિ કરવા દે !’
‘હું બંનેની સાથે ઘડિયાળ લેઈને જ વાત કરીશ : એક કલાક સુનંદા સાથે તો બીજો કલાક અલકનંદા સાથે. પછી કાંઈ ?’ ગૌતમે હસતાં હસતાં તોડ કાઢ્યો.
'પણ પહેલો કલાક કોણ વાત કરે ? હું કે સુનંદા ?’ અલકે પૂછ્યું, હસતાં હસતાં.
‘અરે ભાઈ, તું જ પહેલી વાત કરજે. પછી કાંઈ ?’ સુનંદાએ પીછેહઠ કરી. ‘નાનાં જીતે અને મોટાં હારે એ જ કાયદો સારામાં સારો છે.' ગૌતમે કહ્યું અને તેણે ઊઠી ચા પીવાની તૈયારી કરી.
પરંતુ એ સારો કાયદો કોઈ પાળે છે ખરું ? ગૌતમના મનમાં વિચાર આવ્યો. સમાજ ડગલે ને પગલે એ કાયદાનો ભંગ કરે છે એના ગૌતમને પ્રત્યક્ષ દાખલાઓ જોતજોતામાં મળી આવ્યા.
ચા આપતે આપતે સુનંદાએ ધીમે ધીમે એક ગીત શરૂ કર્યું :
ઉડી હવામેં જાતી હુઈ
ગાતી ચીડીયાં. એ રાગ.
આવો પ્રીતમ હિલમિલ ખેલેં
પ્રેમપ્રીતકા ફાગ.
દેશી ચલચિત્રો પ્રત્યે ગૌતમને બહુ માન ન હતું, છતાં એ ચિત્રોમાંનાં ગીતોની વ્યાપકતા તેને ઘણા ઘણા વિચારો પ્રેરતી હતી. સમાજને, અજ્ઞાન તેમ જ અજ્ઞાન સમાજને સરળ સુંદર વૈવિધ્યભર્યા લય, રાગ તથા મીઠી મીઠી ભાવનાઓની ગીત ભૂખ સતત રહ્યા જ કરે છે. શેરીએ શેરીએ અને ઘેર ઘેર પહોંચી જતાં એ ગીતોમાં કોઈ એવું તો તત્ત્વ જરૂર રહ્યું છે કે જે એ ગીતોને સર્વત્ર આવકાર અપાવે છે.
પ્રેમ અને પ્રીતના ફાગથી ભરપૂર એ ગીતો બાલપણથી ગાનાર જરૂર અતિકામી કે સ્ત્રૈણ બન્યા વગર રહે જ નહિ. ગુજરાત અને હિંદ એ બંને વિચિત્રતાઓ વચ્ચે ઝૂલ્યા કરે છે : કામની અતિશયતા અને તેમાંથી પરિણામ પામતું સ્ત્રૈણ ! પરંતુ
ઈન્કિલાબ ઝિંદાબાદ !
ગાવાની જે દેશમાં મનાઈ થાય;
વંદે માતરમ્ !
ના ગીતોમાં મુસ્લિમોને મૂર્તિપૂજાનો હાઉ જે દેશમાં બતાવવામાં આવે, એટલું જ નહિ, જે દેશ એ મનાઈ સહન કરી લે, અને ગુલામીનાં ચોકડાં મુખે બંધાયલા રાખી જે દેશના મુસ્લિમો હિંદુઓ સામે બાપમાર્યાનાં વેરઝેર ઊભાં કરે - હિંદુ માતાપિતાનું રુધિર મોટે ભાગે મુસ્લિમોની નાડીઓમાં વહેતું હોવા છતાં - એ દેશ ચલચિત્રોની શક્યતા પ્રજાઘડતરમાં શા અર્થે વિચારે ? એ દેશના સિનેમા તો કામોત્તેજક જ હોય ! બીજા ઉત્તેજક ભાવની શક્તિ રહિત પ્રજા એને જ વધાવે.
એકાદ સિનેમા સ્ટુડિયોની બધી જ વ્યવસ્થા ગૌતમને હાથ લાગી જાય તો ? ક્રાન્તિની ઝડપમાં વધારો શું ન થાય ? ‘ધીમું ધીમું કેમ ગાય છે ? ખુલ્લે સૂરે ગા.' ગૌતમે પોતાની વિચારમાળા તોડી કહ્યું. સુનંદાએ જરા શરમાઈ ગીત બિલકુલ બંધ કરી દીધું અને કહ્યું :
‘મને ક્યાં ગાતાં રાવડે છે ?’
ખરે, સુનંદાનો અવાજ બહુ જ મીઠો હતો. તેણે સંગીતની તાલીમ લીધી ન હતી છતાં અટપટાં ગીતો તેને ગળે ઝટ બેસી જતાં, અને તે બહુ જ સુરીલી ઢબે એ ગીતો ગાતી. એને સંગીતમાં ઊંચા પ્રકારનું શિક્ષણ મળે તો તે સંગીતમાં નિષ્ણાત બની સંગીત દ્વારા ક્રાન્તિ જગાવવામાં પૂર્ણ સહાયભૂત બને એમ હતું. પરંતુ ક્રાન્તિનાં ગીતો રચવાની તાકાત કયા કવિમાં હતી ? ક્રાન્તિનાં ગીતો ઝીલવાની પણ તાકાત કોનામાં હતી ?
તાકાત તો આવે, પણ આ ગરીબ ભારતમાં સંગીત શીખવાની પણ કોને સગવડ હતી ? ગૌતમની બહેનને તો નહિ જ. ચાળીસ કે પચાસની માસિક આવકમાં જીવન ગુજારનાર પ્રતિષ્ઠિત ગણાય. તેના પિતા પ્રતિષ્ઠિત દેખાતા હતા. એમની જ દીકરીને સંગીત શીખવા માટેનું સાધન નહિ !
એવી કેટલી સંખ્યા ?
પણ એનાયે કરતાં વધારે મોટી સંખ્યાની પ્રજાને ગાવાનો વિચાર પણ આવતો નથી, એનું શું ?
'આવું સારું તું ગાય છે ને ? મને પૈસા મળશે એટલે પહેલી રકમ તારા સંગીત શિક્ષણમાં હું વાપરીશ.’ ગૌતમે કહ્યું.
‘પણ મને લોકો ગાવા દેશે ત્યારે ને ?’ સુનંદા બોલી.
‘લોકો ! શા માટે તને ગાવા ન દે ?' જરા આશ્વર્યથી ગૌતમે પૂછ્યું.
‘મોટાભાઈને પૂછી જોજો.'
‘મારે નથી પૂછવું. તું ગા મોટેથી.’
‘મોટાભાઈ વઢશે.'
‘હું સમજાવીશ; ગાવામાં વઢવાનું શું ?’
સુનંદાએ ભાઈના ઉત્તેજનથી પ્રેરાઈ જરા મોટેથી સુંદર રીતે ગાવાનું શરૂ કર્યું. ત્યાં તો આસપાસની બારીઓમાંથી મસ્તક ડોકાવા લાગ્યાં. એ મસ્તકોની આંખમાં સંગીતપ્રેમ ન હતો. પરંતુ ચિકિત્સા ટીકા અને નિંદા હતાં.
પૂજા કરી રહેલા વિજયરાય એ ઓરડામાં આવ્યા. તેમની આંખમાં ઠપકો સ્પષ્ટ વંચાયો. ‘ભાઈ, ગામડામાં ખુલ્લી રીતે ગાવું-ગવરાવવું ઠીક નહિ.’ વિજયરાયે કહ્યું.
‘કેમ ?’ ગૌતમે પૂછ્યું.
‘લોકોમાં સારું ન કહેવાય.’
‘સંગીત ન ગમે એવા લોકોને ગરદન મારવા જોઈએ.’
‘આપણે ઓછા રાજા છીએ !’
રાજા ન હોવાનું કથન ગૌતમને ઈશ્વરની કૃપા સરખું લાગ્યું ; જો ઈશ્વર જેવી સત્તા સૃષ્ટિ કે સૃષ્ટિ બહાર હોય તો ! છતાં વિજયરાયના કથનનું એક પરિણામ એ આવ્યું કે સુનંદાએ ગીત બંધ કર્યું. એટલું જ નહિ, પરંતુ તે ત્યાંથી ઊઠી ચાલી ગઈ. પાછળ અલકનંદા પણ દોડી ગઈ.
‘જો, ગૌતમ ! શહેર જેવી છૂટ આપણાં ગામડાંમાં ન હોય.' વિજયરાયે કહ્યું.
'કારણ ?’ ગૌતમે પૂછ્યું. એ તો એમ ધારતો હતો કે શહેર કરતાં ગામડાંમાં ઓછાં રૂઢિબંધનો હતાં. ગરીબીને રૂઢિ ભૂખમરાની, બીજી શી હોય ?
‘શહેરો વધારે સુધરેલાં. ત્યાંના ધનિકોને નાચગાન શોભે, આપણને નહિ.' જે ધનિકોને શોભે તે ગરીબોને ન શોભે ! કારણ એટલું જ કે ધનિક ધન ઝૂંટવી સંઘરી રાખવામાં સફળતા મેળવે. ગરીબને એ સગવડ જ ન મળે. સંગીત એટલે ધનિકોની જ મોજ !
પરંતુ પ્રત્યેક મોજ ધનિકોને જ માટે અલગ અને સંભાળપૂર્વક રાખવામાં આવે છે ને ! માતાપિતા સાથે દલીલ કે વાદવિવાદ કદી સફળ થતાં નથી - અલબત્ત પિતામાતાની સામી એ ફરિયાદ પણ સાચી જ છે કે દલીલ કે વાદવિવાદ સંતાનો સાથે પણ કદી સફળ થતાં નથી જ.
વાતમાં ને વાતમાં ગૌતમને ખબર પડી કે સુનંદાના સંગીતશોખને લીધે તેમ જ ગૌતમના ઉદ્દામ વિચારો તથા કાર્યોને લીધે સુનંદાનો વિવાહ આખો અટકી ગયો હતો !
ગૌતમને આ સામાજિક જુલમ સમજાયો નહિ. સંગીતને અને લગ્નને તો વધારે ગાઢ સંબંધ હોય. સંગીતપ્રિય પત્ની પતિને અભિમાનરૂપ બનવી જોઈએ. પરંતુ મધ્યમ વર્ગ હજુ સંગીતશોખથી ડરતો રહે છે એ સત્ય ગૌતમને અત્યારે સમજાયું. દેશસેવા, ક્રાન્તિ, ઉદ્દામ વિચારો અને કાર્યો બીજાઓ માટે જ સારાં ગણાય. આપણને એ ફાવે નહિ અને શોભે નહિ ! ધનવાનનું, તપવાનનું અને કંઈક અંશે ગુંડાનું એ કામ. એ જ પ્રમાણે સંગીત સારું ખરું. ભલે ધનિકોની દીકરીઓ ગાય અને નાચે... અગર કોઈ નફ્ફટ વહી ગયેલાં સ્ત્રીપુરુષોને ભલે એ સંગીત શોભે. મધ્યમ વર્ગને પ્રતિષ્ઠાથી સંગીતનો સ્પર્શ પણ ન થાય ! દેશસેવાની માફક સંગીત પણ મસ્ત માણસોને દીપે. અને મસ્તી એ મધ્યમ વર્ગીય સામાન્યતાનું લક્ષણ બની શકે જ નહિ ! એણે તો ચીલે ચીલે ચાલવાનું, ચારેપાસથી ડરવાનું, સહુને રાજી રાખવાનું, અને ઠર્યા પ્રમાણે પ્રતિષ્ઠિત ઢબે અજાણ્યું મરવાનું.
‘પછી શું કરીશું ?’ ગૌતમે પૂછ્યું. સંસારવ્યવહાર એ તેનો વિષય નહોતો. છતાં બહેનના ભાવિમાં રસ લેવા તેણે પ્રયત્ન કર્યો.
‘પ્રયત્ન કરી જોઉં છું, પણ કશું કહેવાય નહિ.' વિજયરાયે કહ્યું.
‘કોની સાથેનો વિચાર હતો ?'
‘અનિલ કરીને એક યુવક તારી જોડે જ કૉલેજમાં ભણે છે...’
‘અનિલ ? સારું થયું જે થયું તે.'
‘કેમ ?'
‘એ નિર્માલ્ય છોકરો ! આપણને જરાય ન ફાવે.'
‘પણ કાંઈ કારણ ? એનો બાપ સુખી છે, એકનો એક દીકરો છે; સારું ભણે છે...'
‘મારી હડતાળ તોડવામાં એ પહેલો હતો.'
'કેવી રીતે ?'
‘એ પહેલો વર્ગમાં જઈને બેઠો.'
‘ડાહ્યો કહેવો જોઈએ. બીજાઓને પણ છેવટે જવું પડ્યું ખરું ને ? એનો બાપ રાવબહાદુર છે. એનાથી હડતાળમાં કેમ દાખલ થવાય ?'
ગૌતમે વિચાર્યું કે રાવબહાદુરો અને તેમનાં દીકરાદીકરીઓ સરકારની મહેરબાનીની જંજીરમાંથી બહાર નીકળી શકે એમ નથી.
પરંતુ તેના પિતાએ તેની આગળ એક કાગળ ખુલ્લો કરી બતાવ્યો ત્યારે તેને તમ્મર આવ્યાં ! એકલા ઈલકાબધારીઓ અને તેમનાં જ વાલીવારસો નહિ, પરંતુ સરકારી નોકરી કરતા વર્ગનાં સંતાનો પણ એ જંજીરમાંથી ખસી શકે એમ નથી. તેણે એ જંજીર તોડવાનો નિશ્વય એકદમ કરી દીધો.
‘મારાથી એ કાગળ ઉપર સહી નહિ થાય.’ ગૌતમે કહ્યું.
કાગળમાં વિજયરાયે એક નિવેદન લખ્યું હતું. ગૌતમ રાજકીય વિષયોમાં ભાગ હવે પછી વિદ્યાર્થીઅવસ્થામાં નહિ લે એવી તેમાં પિતા તરીકે ખાતરી આપવામાં આવી હતી. અને એમાં ગૌતમની સંમતિ અર્થે સહી લેવાની હતી.
‘તો મારી નોકરીને ધોખો પહોંચશે અને તારું ભણતર અટકી પડશે.' વિજયરાયે કહ્યું.
‘મારા ભણતરનો ભાર હવે તમારે માથે રહેવા નહિ દઉં.' ગૌતમે કહ્યું.
'પણ નોકરીનું શું ?’
‘તમે કલેક્ટર સાહેબને કહી દો કે તમે મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે.'
'મારા એકના એક દીકરા સાથેનો સંબંધ મારે તોડવો ?' વિજયરાયની આંખો ચમકવા લાગી. એ ચમકારામાંથી પાણી નીકળી પડશે એવો ગૌતમને ભય લાગ્યો. દેશની પરાધીનતા કરતાં પણ કૌટુંબિક પરાધીનતા તેને વધારે લાગી ! પિતાની આંખમાં અશ્રુ જોવા કરતાં મરવું એ તેને વધારે શ્રેયસ્કર લાગ્યું.
પરંતુ મૃત્યુનો જ નહિ, સંબંધના અભાવનો જ ખ્યાલ પિતાના હૃદયને દુ:ખી બનાવતો હતો. ગૌતમને પોતાને પણ પિતાના દુઃખની તીવ્રતા સમજાઈ. પિતાનો પ્રેમ અદ્દભુત હતો, પવિત્ર હતો, અનિવાર્ય હતો. છતાં એ પ્રેમ વ્યક્ત થવામાં ગૌતમના વ્યક્તિત્વનો વિનાશ સર્જાઈ રહ્યો હતો. સમાજ પ્રેમને કરવત બનાવી રહી હતી. પિતા - નિ:સ્વાર્થી પ્રેમી પિતાની આંખમાં અશ્રુ નિહાળવાં કે વ્યક્તિત્વને ઝબે થવા દેવું ?
તે વ્યક્તિત્વને પણ ઝબે કરવા તૈયાર હતો. પરંતુ એમાંથી કયો ઈપ્સિતાર્થ સિદ્ધ થવાનો ? એથી પરાધીનતાનું એકાદ બંધન તૂટતું હોય, દેશબાંધવોમાંથી કોઈને એકાદ ટંકનું પોષણ મળતું હોય તો એ કુરબાની સાર્થક થાય. આમાં કયી સાર્થકતા ? પિતાની નોકરી જતાં કુટુંબનાં ચાર માણસોને પોષણ મળતું બંધ થાય એ નીતિમાં એક આખી દેશસેવાની સૃષ્ટિ ઉપર જ્વાલામુખી ફરી વળતો હતો !
‘મોટાભાઈ, તમારી પાસે કશી જ રકમ ભેગી થઈ નથી ?' ગૌતમે પૂછ્યું.
'ના.'
'પણ તમારી સાથેના કૃષ્ણરાય કાકાએ તો હવેલી બંધાવી અને જમીનો લીધી.'
‘હુંયે હવેલી બંધાવી શકત અને જમીનો લેઈ તને જમીનદાર બનાવી શકત. પરંતુ તારી માતાના મૃત્યુ પછી મેં પગાર વગરના પૈસાને હાથ અરાડ્યો નથી.’
'તે પહેલાંની કાંઈ રકમ હશે ને ?’
‘જેને તેને પાછી આપી દીધી - વસ્તુઓ સુદ્ધાંત.'
પિતાની પાસે થોડો ધનસંચય પણ હોત તો પિતાને નોકરીનો ભોગ આપવાની વિનંતી ગૌતમ કરવા ધારતો હતો; પરંતુ એ બાજુએ નિહાળવા સરખું પણ ન રહ્યું. પિતાની નોકરી જાય તે ક્ષણથી ચારે કુટુંબીઓએ ભૂખમરો સેવવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન થતી હતી !
એ જોખમ પણ કેમ ન ખેડાય ? મજૂરી મહેનત કરીને, ભણીભણાવીને, લેખો લખીને, પ્રૂફ તપાસીને, ગમે તેમ કરીને ચાર માણસનું ગુજરાન ચલાવવું એમાં મોટી વાત શી ? ગૌતમના હૃદયમાં હિંમત આવી. સરકારી નોકરીને પોષણનો એક જ એક આધાર માની પરાધીનતા વધાર્યે જતી આપણી બુદ્ધિ બીજે માર્ગે ચડે તો પરાધીનતાનો એક ચડેલો વળ ઓછો થઈ જાય.
‘હું ચારે જણનું ભારણ મારે માથે લઈ લઉં છું.' ગૌતમે કહ્યું.
'તને ખ્યાલ નથી. સરકારની ઈતરાજીવાળા માણસને કોણ ઊભું રાખશે ? એ જોખમ ખેડવા કોણ તૈયાર ધશે ? હું તને બીજો રસ્તો બતાવું. હમણાં સહી કરી આપ. એકાદ વર્ષમાં હું નોકરી છોડવાની તાકાત મેળવી લઈશ. પછી તને ફાવે તે કરજે.' વિજયરાયે કહ્યું.
‘એટલે આપ ફરી લાંચરુશવત લેવી શરૂ કરશો ?’ આશ્વર્યથી ગૌતમે પૂછવું. ધ્યેય ઉત્તમ હોય તો ધ્યેયપ્રાપ્તિના માર્ગ ગમે તેવા લેઈ શકાય એવી માન્યતા સેવતા ગૌતમને ક્રાન્તિ માટે પણ પિતા લાંચ લે એ જરાય ગમ્યુ નહિ કેમ ?
‘હું શું કરીશ એ તું ન પૂછીશ. એક વર્ષમાં તને દસ વર્ષ ચાલે એટલી સંપત્તિ મેળવી આપું. પછી કાંઈ ?'
'ના, ના, એ તત્ત્વ જગતભરમાંથી નાબૂદ કરવું છે; મારે માટે એ શરૂ કરવાનું નથી.’
પુત્રને માટે લાંચ ! લાંચ લેનાર આખો વર્ગ વાત્સલ્ય કે કુટુંબપોષણનો ઉદ્દેશ રાખે છે, નહિ ? પરંતુ કુટુંબનું પૂરું થાય એટલો પગાર મેળવનાર મોટા અધિકારીઓ પણ લાંચ લે છે એનું કેમ ?
'ત્યારે તારે સહી નથી કરવી ?’
પુત્રને માટે લાંચની અધમતા સુધી ઊતરનાર પિતા પુત્રને દેશ માટે મરવા તૈયાર કેમ નહિ કરતા હોય ? વાત્સલ્યથી આંખમાં અશ્રુ લાવનાર માતાપિતા પુત્રને આશીર્વાદ સહ દુ:ખમાં હડસેલતા કેમ નથી ? ધનિકો ભલે તેમ ન કરે, મધ્યમ વર્ગ - સમજદાર વર્ગ શા માટે એ ભાવના કેળવતો નથી ? બ્રિટિશ પ્રજાનો મધ્યમ વર્ગ બ્રિટિશ રાજ્યની પીઠ ગણાય છે. હિંદની તો પીઠ ભાંગી ગઈ છે !
‘હું ના કહીશ તો બહુ દુ:ખ થશે ?'
'હા.'
'મને ત્યજી દેશો ?’
'કદી નહિં.'
‘ત્યારે હું સહી કરવાની ના પાડું છું.' ગૌતમે કહ્યું.
ગૌતમ સામે કોઈ અકથ્ય ભાવપૂર્વક ક્ષણભર નિહાળી વિજયરાયે કહ્યું :
‘હું સાહેબ પાસે જઈ આવું.’
‘કયા સાહેબ ?’
‘કલેક્ટર સાહેબ. એમનો મુકામ અહીં છે.’
ગંભીરતાપૂર્વક વિજયરાય ઘરમાંથી બહાર નીકળ્યા. બારીમાંથી તેમને ગૌતમ નીરખી રહ્યો. ઊંચો, પ્રભાવભર્યો તેમનો દેહ આકર્ષક લાગતો હતો. તેમને નમસ્કાર કરવા સ્વાભાવિક રીતે જ જનતાના હાથ ઊંચકાતા.
કેટલાય યુગની માનવસમૃદ્ધિ એ દેહ રચવામાં ભેગી થઈ હશે ?
અતિવાત્સલ્યની ઝીણવટભરી કુમાશ લાવતાં લાવતાં કેટલાય યુગની ઊર્મિઓના વાણાતાણા એમાં ગૂંથાયા હશે ?
અને પુત્રને માટે રુશવતની તૈયારી કરનાર અને પુત્રના સુખી જીવનનો મોહ ઘડનાર યુગયુગનો કયો સ્વાર્થ એ હૃદયમાં ઘૂંટાયો હશે કે જેથી આગળ ધસતા પુત્રને હિંમતથી વધાવવાને બદલે પિતા એને પાછે પગલે લઈ જવા મથતા હતા ?
'ભાઈ, તમને શું ભાવશે ?' અલકનંદાએ આવીને ગૌતમના વિચારમાં વિક્ષેપ નાખ્યો.'
‘તમે બંને જે બનાવશો તે મને ભાવશે.' ગૌતમે કહ્યું.
‘ના; તમે કહો.'
હૉસ્ટેલો એને ઉપહારગૃહોની વાનીઓના જાડા શોખમાં સપડાયેલો શહેરી સમાજ સ્વાદમાં પણ ક્રાન્તિ ઉપજાવતો ચાલ્યો છે. એ સ્વાદથી કંટાળેલા ગૌતમે કહ્યું :
‘સાચે જ મારું મન રાખવું છે ?’
'હા'
'ત્યારે બાજરીનો રોટલો સરસ બનાવો.'
'ભાઈ, તમેય શું આમ મશ્કરી કરો છો ?’ સુનંદાએ પાછળથી આવી કહ્યું. બાજરીનો રોટલો એ ગરીબ તથા ગામડિયા ખોરાક ગણાય છે. કોઈ માંદલો ધનિક ન છૂટકે બાજરી વાપરી સાદાઈનો ઢોંગ કરે તે સિવાય સુધરેલો સમાજ બાજરીનો બહિષ્કાર પોકારી રહ્યો છે. એને વખતે બાજરીનો રોટલો - રોટલી નહિ - માગનાર મશ્કરી કરતો જ મનાય !
પકવાન સાથે બાજરીના રોટલાની પણ છેવટે વ્યવસ્થા કરવા બહેનો કબૂલ થઈ. બહેન અને ભાઈના અકથ્ય અવર્ણનીય ભાવ સર્જાવી કુદરત માનવજાતને ઉત્ક્રાંતિનાં કયાં પગથિયાં ચડાવે છે ? ફ્રોઈડ સરખો માનસશાસ્ત્રી સ્ત્રીપુરુષના સર્વ વ્યવહારવિચારમાં જાતીય આકર્ષણના પ્રકાર માન્યા મનાવ્યા કરે છે; હશે છતાં જાતીયતાથી પર રહેલા દેખાતા પ્રેમનું દર્શન કરવું હોય તો ભાઈબહેનને નીરખવાં. એ પ્રેમનું મૂળ ભલે ફ્રોઈડના મત પ્રમાણે જાતિઆકર્ષણ ઉપર અવલંબી રહ્યું હોય ! આજની ભૂમિકાએ તે જાતીય આકર્ષણથી પર બની ગયું છે, વિચિત્ર !
એકાએક તેના ઘર પાસે એક મોટર આવીને ઊભી.