છેલ્લું પ્રયાણ/અનુભવની કામધેનુનું દોહન
← ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે | છેલ્લું પ્રયાણ અનુભવની કામધેનુ ઝવેરચંદ મેઘાણી |
'આદીવાસીનો પ્રેમ → |
અનુભવની કામધેનુનું દોહન
મેરૂ રે ડગે પણ જેનાં મન નથી ડગતાં,
મરને ભાંગી રે પડે ભરમાંડ;
વિપત પડે વણસે નહિ,
સોઈ હરિજનનાં પરમાણુ—મેરૂ રે.
હરખ અને શોકની જેને આવે નવ હેડકી,
જેણે શિશ તો કર્યા કુરબાન;
સતગુરૂ–વચનમાં કાયમ વરતે,
જેણે મેલ્યાં અંતરના માન મેરૂ રે.
સંકલ્પ ને વિકલ્પ જેને એકે નહિ ઉરમાં,
તોડી નાખ્યા માયા કેરા ફંદ;
નિત્ય નિત્ય રમે સતસંગમાં પાનબાઈ,
જેને આઠે પો’ર આનંદ—મેરુ રે.
ભગતી કરો તો તમે એવી રીતે કરજો પાનબાઈ,
રાખો વચનનો વિશવાસ;
ગંગા સતી એમ બોલિયાં
તમે થાજો સતગરૂજીનાં દાસ—મેરુ રે.
ભજનોની લોકવાણી સાયર સમી સુવિશાળ અને અગાધ છે: તેમાં ગંગા સતી અને પાનબાઈનાં ભજનો પોયણાંનાં ઝૂમખાં સરીખાં સોહે છે.
નારી નરને પ્રબોધે તેવાં ભજન જેસલ–તોરલ, લાખો –લોયણ, માલ–રૂપાંદે, વગેરેનાં છે. પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને જાગ્રત કરે તેવાં ભજનો આ એક ગંગા સતીનાં છે.
ગંગા સતી અને પાનબાઈ એ સાસુ અને પુત્રવધુ હતાં, ને પુત્રનું નામ અજોજી હતું એટલું જાણવા મળે છે. એમ પણ કહેવાય છે, કે ગંગા સતી જાતે કણબી હતાં અને મેરાર સાહેબ નામે (સંત ભાણ, રવિ વગેરે કબીરપંથી ગુર્જર− સંત−મંડળની પરંપરાના ક્ષત્રિય) સંતનાં શિષ્યા હતાં. એમ પણ જાણ્યું છે કે સંત મોરારના શિષ્ય સંધી સંત હોથીનાં એ પ્રેમિકા હતાં. એનાં ઠામઠેકાણાની માહિતી મળતી નથી.
આ ઝૂમખું ચાલીશેક ભજનનું છે. બધાં જ ભજનો પાનબાઈને સંબોધેલાં છે, અને કડીબંધ લાગે છે. એક જ માનવાત્માને પોતાની પાસેનો ગુપત જ્ઞાનખજાનો આપી કરીને કૃતાર્થ બનવાનો આ કિસ્સો છે. આખી દુનિયાને ઉદ્ધારી નાખવાની તમન્ના નથી.
કશી ઉતાવળ કે દોડધામ કર્યા વિના ગંગા સતી પાનબાઈને આ ગુપત વચનરસ ક્રમે ક્રમે પિવાડે છે, અને પછી પોતે પ્રાણ ત્યજે છે, તેવું ભજનમાં સૂચન છે.
એટલી શિખામણ દેને ચિત્ત સકેલ્યું ને
વાળ્યું પદમાસન રે,
મન ને વચનને સ્થિર કરી દીધું ને
ચિત જેનું પ્રસન્ન રે.
ભાઇ રે !
બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું નૈ લગાર રે,
સૂરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસપરસ એક તાર રે,
ભાઈ રે !
નામ ને રૂપની મટી ગૈ ઉપાધિ ને,
વરતી લાગી ઈંડથી પાર રે;
ગંગા રે સતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે.
આ ચાલીશેકના મંડલમાંથી અહીં ફક્ત બે જ આપું છું. ગંગા સતીની વાણીની આમાંથી જરૂરી વાનગી મળી રહે તેમ છે. એની ભાષા સરળ મીઠી ગુજરાતી છે. વેદાન્ત− દર્શન જેવા ગહનગંભીર વિષયનું દોહન લોકવાણીના માટી−પાત્રમાં થયું છે. સંસ્કૃતના સુવર્ણ−કટોરામાં જેવું ઉપનિષદ–ક્ષીર સોહે છે તેવું જ આ સોહે છે.
કારણ એ છે, કે આ તો અનુભવની કામધેનુનું દોહન છે. પરાયું ઉછી−ઉધારું લીધેલ નથી. સમગ્ર ઉત્કૃષ્ટ ભજન વાણીનું સાચું રહસ્ય એ જ છે, કે એ સ્વાનુભવની વાણી છે. ‘કબીરની નકલ જ કરી છે આ ગુજરાતી લોકસંતોએ’, એવું કહીને કાંકરો કાઢી નાખનારાઓને કહીએ, કે એકાદ નકલ તો કરી આપો ! જોઈએ, લોકકંઠે ચડી શકે છે?
આ તો વહેતાં વહેન છે. ગંગા સતીનાં આ ભજનો પ્રચલિત છે. બેઠકમાં ગવાય છે, શુદ્ધ પાઠે જ બોલાય છે. ગાનારા ગરીબો, કારીગરો, ખેડૂતો, કુંભારો, હજામો, સ્ત્રીઓ ને પુરુષો એના અર્થ સમજે છે; ગોખણપટ્ટી જ નથી. મોટી વાત તો આ છે, કે ગાનારાં ઊંડા રસથી ગાય છે; અને તેમની ગાવાની ઢબ હલકમાં, સાજ બજાવવાની શૈલીમાં, મોં પર ને આંખોની અંદર વાણીને અનુરૂપ ભાવ-પ્રકાશ જોવાય છે.
તાત્પર્ય: ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, કવિતા ને સંસ્કૃતિ, તેને સામાન્ય નિરક્ષરોના નરનારી સમૂહમાં સજીવ રાખનારા લોકસાહિત્યનું આ ભજનવાણી એ એક બળવાન મહા અંગ છે. ગુજરાતી ભાષા અને કવિતાનો રસાસ્વાદ સામાન્યો જે કરે છે તે આપણાથી નથી થઈ શકતો. આપણે વિવેચનમાં જ રહી ગયા. આપણામાં એક તત્વ ખૂટે છે. સ્વાનુભવ.
( ભજન : ૨ )
શીલવંત સાધુને વારે વારે નમીએ,
જેના બદલે નહિ વ્રતમાન.*[૧]
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી,
જેને મા′રાજ થયેલા મેરબાન—
હાયું ને ×[૨]મીયું જેને એકે નહિ ચિત્તમાં,
સદાય પરમાર્થ પર પ્રીત;
સદગુરુની સાનમાં પુરાણ સમજે,
રૂડી રૂડી પાળે સદા રીત—
બીજી બીજી વાતું એને ગોઠે નહિ,
રહે સદા ભજનમાં ભરપૂર;
લક્ષ અલક્ષ લાભ જ લેતાં,
જેનાં નેણમાં વરસે સાચાં નૂર—
સંગ કરો તો તમે એવાંનો કરજો
પાનબાઈ, જેથી થાશે ભવજળ પાર,
ગંગા રે સતી એમ બોલિયાં,
એ તો દેખાડશે હરિના દિદાર.