છેલ્લું પ્રયાણ/આદિવાસીનો પ્રેમ
← અનુભવની કામધેનુનું દોહન | છેલ્લું પ્રયાણ આદિવાસીનો પ્રેમ ઝવેરચંદ મેઘાણી |
લોકકવિતાનો પારસમણિ → |
આદિવાસીનો પ્રેમ
સાતપૂડા પહાડને ઉગમણે છેડે રળિયામણ મૈકલ–
શિખરો આવેલ છે. નર્મદાના આદિસ્થાન અમરકંટકથી શરૂ
થઈને સલેટેકરી વનમાં ચાલી જતી આ ગિરિમાળ એક કાળે
ઋષિઓનું ધામ હતી. હજુ યે વિજન, વેગળી અને એકાંતવાસી
આ શિખરમાળમાં આજે તો તેઓ વસે છે, જેને
આપણે ફેશનમાં કહીએ છીએ ‘જંગલી જાતિઓ’: બૈગા.
ગોન્ડ, અગરિયા, ધોબા, પરધાન, ભારિયા.
નવીન સમાજ સંસ્કૃતિથી અલિપ્ત, સરકારી કાયદાની સાંપટમાં ન આવેલાં, નીરોગી, નિજનિજનાં નીતિતંત્રોએ બંધાયેલાં, શિકાર, વનસામગ્રી અને ઢોરઢાંખર પર ગુજરતાં આ મુક્ત અર્ધનગ્ન માનવો–હા, એ માનવો છે––ની કને ભાલા ને તીરકામઠાં છે, ગીત અને નૃત્યો છે, પ્રબલ પ્રેમોર્મિ અને વિરહોર્મિનાં દર્દે સુહાતી જવાની છે, સરલ ને નિખાલસ હૈયાં છે.
આજે જ્યારે એ આદિવાસી પ્રજાની નિરાળી જીવન- પ્રણાલિઓને નષ્ટ કરી તેમને ‘સુધારી’ લઈ આજની યંત્ર –સંસ્કૃતિમાં વટલાવવાની ઝુંબેશ પરદેશી રાજસત્તાઓ અને એમના શાસનસહાયક ગોરા પાદરીઓએ જોરશોરથી આદરી દીધી છે, ત્યારે એમની વનવાસી સંસ્કારિતાનો નાશ થતો રોકવા, ને એમને એમની જ રીતે જીવન જીવવા–માણવા દેવા મંથન કરતા શ્રી વેરીઅર એલ્વિન નામના એક વિદેશી માનવશાસ્ત્રી એમની વચ્ચે એમની સેવા કરતા વસે છે. એ વિદેશીની પાસે કોઈપણ પ્રજાનું સ્વત્વ ન મારી નાખવાની, નિર્મળ દૃષ્ટિ છે.
એ એલ્વિન સાહેબે આ આદિવાસીઓનાં અસલ હિંદીમિશ્રિત વનવાણીમાં ગવાતાં ગીતોને એકત્ર કરી તેને ‘ફોક-સોંગ્સ ઓફ ધ મૈકલ હિલ્સ’ નામે અંગ્રેજી અનુવાદ –સંગ્રહ આપેલ છે.
એ અંગ્રેજી અનુવાદો પરથી સમશબ્દી ગદ્યમાં ઉતારેલા થોડા નમૂના અહીં આપ્યા છે. મુખ્યત્વે આ નમૂના પ્યાર અને વિરહની કૃતિઓના છે. કર્મ–ગીતો, રીન અને સુવાગીતો, સૈલગીતો, દદરીઆ, લગ્નગીતો, હાલરડાં, મરશીઆ, ઉદ્યમ અને મજૂરીનાં ગીત, આહિર (ગોવાળ)–ગીતો, સામાજિક ને રાજદ્વારી ગીતો, ઉત્સવગીતો; એટલું આ ગીતોનું વૈવિધ્ય છે.
આ ગીતોથી તે પ્રજા શરમીંદી બને અને એને અશિષ્ટ ગણી સુગાવા લાગે એવી ‘નવી’ અસરોની હવા વાવી અત્યારે શરૂ થઈ ચૂકી છે. એ વનવાસીઓનાં લાલચટક લોહીમાં તેમ જ કલેજાંમાં નવયુગ શ્વેત વિચાર–જંતુઓની પિચકારીઓ દેવાઈ રહી છે. તે ઘડીએ યંત્રયુગી માનવોના પ્રાણમાં નવી લહેરો વહાવે તેવાં આ ગીતો પકડી લેવાને પાત્ર છે.
✼
એલ્વિન લખે છે: “આદિવાસીઓના સંગમાં અમે રહેવા ગયા તેના પહેલા જ દિવસથી એક બાબત મન પર ઠસી ગઈ છે, કે આ હિન્દી ‘આદિજન’—એની ગમે તેવી આર્થિક ગરીબી અને ચાલુ કેળવણીનો અભાવ છતાં—દયાનું પાત્ર નથી, ‘ઉદ્ધાર’ કરવાનું પાત્ર નથી, પણ સન્માન અને તારીફનો અધિકારી છે. એનો કવિતા–શોખ, એની તાલની સાન અને એના કલાપ્રેમ કરતાં વધુ વખાણપાત્ર જીવનમાં કંઈ નથી. અમે માનીએ છીએ કે એને જો સાચી દોરવણી મળશે તો આ ભવ્ય વસ્તુઓથી એ શરમીંદો નહિ બને; ને જે એ ચીજોને પોતે વધુ ઉત્સાહથી વાપરશે તો અર્વાચીન હિંદની સમાજ–રચનામાં માનભર્યું આસન મેળવશે.”
✼
કૂવાનું નીર આજ હેલે કાં ચડે છે?
લિજક લીજર: લિજક લીજર :
(ઝલક ઝલક છલક છલક)
પાણી લેરિયાં કાં લ્યે છે ?
ગોરી પાણીડાં આવી છે તેથી જ શું?
ગાગર સીંચણ તો કૂવાની અંદર ગયાં યે નથી.
✼
સખી ! હરદમ તું હસ્યા જ કરે છે,
તારા ચોટલામાં મોરલો નાચે છે,
હરદમ તું હસ્યા જ કરે છે.
✼
સાંકડી વાંકડી નાળ્યમાં રે
પેલી સુખિયા પાણી જાય,
ઊભી રહી અધવાટમાં રે
ઈ તો મરક મરક મલકાય.
✼
હે ચાંદા ને સૂરજ ! તમારે પાયે પડું,
છોકરીનો અવતાર ફરી મને દેજો મા.
જનમથી જ અમે ઓરતો અનાથ છીએ.
સાસુ ને નણદી નિત ગાળો દ્યે છે.
✼
નિતનાં મેણાની બળી જળી,
હું વગડામાં નાસી ગઈ;
પણ વેરણ નદીએ મને રોકી પાડી.
ધીમર ! ઓ ધીમર ! ઓ વીરા માછીડા !
ભલો થઈને મને પાર લઈ જા.
નાની દુલારી ! એક દિન અહીં ઠેરી જા;
કાલ તને પાર લે જૈશ.
પણ દા’ડે હું ભૂખે મરી જૈશ,
ને રાતે હું ટાઢે મરી જૈશ.
દા’ડે તને સુંડલી ભરી મચ્છી જમાડીશ,
ને રાતે તને મારી જાળ એઢાડીશ.
✼
સૂડલા, નંદનવનમાં આવ,
સૂડલા, ચંદન–વનમાં આવ,
સાથમાં આંબાની મંજરી લાવ!
કેમ કરી આવું ?
કેમ કરી ઊડું ?
કેમ કરી મંજરી લાવું મેનાજી?
પગપાળો આવજે,
પાંખેથી ઊડજે,
ચાંચથી મંજરી લાવ,
સૂડલા, ચંદન-વનમાં આવ !
સૂડલા, ચંદન-વનમાં આવ !
✼
दारपतेरा के घर छाये रे,
जौनेला तै तो खोजे जौनेला पाये रे.
जौनेला रे दोस्त
गोरीके आंगनमां पांच पेड लोम:
गोरी जाथाय तो पतौनि गनत रहेव दिन,
गोरी जाथई रे दोस
ડાળ અને પાંદડે તેં ઘર છજ્યું,
જે તેં ખોજ્યું તે તને જડી ગયું : રે દોસ્ત જડી ગયું.
ગોરીના આંગણમાં પાંચ લીંબુડી ઝૂલે છે,
ગોરી તો ચાલી, તું લીંબુડીનાં પાંદ ગણ્યા કરજે;
ગોરી તો ચાલી દોસ્ત.
✼
અંધારી રાતે
વાદળ કહેતું’તું,
સાપ સિંકોટા દેતા’તા,
દીપડીઓ ડણકતી’તી,
પણ તારા પ્રેમને કાજે
મને ડર ન’તો :
તારી માયાને માટે
પ્રાણ પણ કાઢી આપીશ.
ડગલો પહેરું છું
ને તારી યાદ ઊભરે છે.
સાપનો ને દીપડાનો
અંધારે મને ડર ન’તો.
✼
તમાકુના ક્યારામાં
મુરઘી એકલ ભમે છે.
તને જયારે દેખતો નથી
ત્યારે મારું દિલ પણ ભમે છે.
✼
દહીંનાં દોણાં ભર્યા પડ્યાં છે,
પણ ગમાણ સૂની છે;
ભેંસોનાં આંચળ સુકાણાં છે.
એ ક્યાં સંતાઈ છે?
તાજુબ મનને પૂછું છું,
મારી ગોરી કયાં છુપાઈ છે?
✼
તારી સંગાથે મને રહેવા દે,
તારા પ્રેમને કાજે મારાં નયણાં વહે છે.
પાસે તું ન હો ત્યારે
ઘર એ ઘર નથી રહેતું,
વન એ વન નથી રહેતું,
ટેકરીઓ પહાડો બની જાય છે.
મને સાથે લઈ જા.
પ્રેમે નયણાં વહે છે.
✼
અજાજૂડ વનરાઈ વચ્ચે
ઘટા–ઘેઘૂર વડલો સોહે,
કૂવાને કાંઠે
નાજુક વાંસ સોહે,
માવતર વ્હોણી આ છોકરી તો
અપર--માના ઘરમાંય સોહે.
✼
ઓ પનિહારી ! આંબાની અંધારી ઘટામાં
તારા ઝાંઝર રૂમઝૂમી ઊઠ્યાં.
ઓ પનિહારી ! આથમતા સૂરજમાં
તારું ત્રાંબા–બેડું ચળકી પડ્યું.
તારા હોઠ ને મારું હૈયું
બન્ને તરસે સુકાય છે.
જા પનિહારી ! લચકાતી લંકે
નિર્જન કૂવે પાણી ભરવા જા.
અંધારાથી બીતી ના;
હું તારી સાથે ચાલું છું:
હૈયુ પિયાસી છે, પનિહારી !
✼
કૂવાનું પાણી,
ને પ્રિયાનું પિંજર,
ઉનાળે શીતળ,
ને શિયાળે તાતાં.
✼
મલેવાની ધારેથી ઠમકતી ઠમકતી,
પાણી ભરીને તું ચાલી આવે છે !
પણ સબૂર ! તારો મદ ભાંગ્યો જાણજે.
મલેવાની ધારે, ખારોપાટ ચાટવા
હરણાં ટોળે વળે છે.
તું યે ઓ માલણી
કૈંક હરણાનો ખારોપાટ બનીશ.
મલેવાની ધારેથી, ઠમકતી ચાલ્યે.
પાણી ભરીને તું ચાલી આવે છે !
✼