ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/તપસ્વીની તેજ-ધારાઓ
← પુરૂષવર | ઝંડાધારી - મહર્ષિ દયાનંદ તપસ્વીની તેજ-ધારાઓ ઝવેરચંદ મેઘાણી ૧૯૨૬ |
જ્ઞાન-પિપાસા → |
મહર્ષિજીનું જીવનચરિત્ર વીરત્વની વિધ વિધ ઘટનાઓથી
ભરપૂર છે. મણિ-રત્ન જેવું એ માનવ-જીવન પોતાના
પ્રત્યેક પાસામાંથી કેવું ઝલકી રહ્યું છે ! જગતના રોષ, તિરસ્કાર
અને વિદ્વેષનું ઝેર પાળી પાળીને પીતાં પીતાં, તેના બદલામાં,
એ યોગીવરે પોતાના આત્મ-મંથનમાંથી કેવું અમૃત વલોવી
વલોવીને આપ્યું છે, તેની સાક્ષી દેતા આ જીવન-પ્રસંગો ઉભા
છે. આચરણની ઝીણવટમાં જ મહત્તાની કસોટી છે. એ કસોટીની
જ્વાળા વચ્ચે સળગતા મહર્ષિ કેવા દીપી ઉઠે છે ! એના સિદ્ધાંતો
સાથે મતભેદ સેવનારાઓને પણ એની મહાનુભાવતાની આ
ઘટનાઓ સત્યનું ભાન કરાવે છે. મતભેદો તો જગતમાં પડ્યા
રહેશે. ગગનમાં ચડશે કેવળ આવી જીવન-ફોરમો.