ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિજયને શિખરે

← સમરાંગણે ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
વિજયને શિખરે
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૬
પુરૂષવર →






વિજયને શિખરે

હિન્દુત્વને હણનારા શત્રુ-દળની સામે એકલે હાથે સંગ્રામ ખેલવાના સ્વામીજીના એ દોહ્યલા દિવસો હવે પૂરા થયા. આશરે એક દશકાના અખંડ અને અડગ રણસંગ્રામ પછી સ્વામીજીના ઝંડા નીચે સૈનિકો જમા થવા લાગ્યા. ઠેરઠેર સ્વામીજીને શિષ્યો અને અનુયાયીઓ મળવા માંડ્યા. સ્થળે સ્થળે સ્વામીજીના આર્યસમાજની શાખાઓ ઉઘડવા લાગી. મુંબઈમાં પ્રથમ આર્યસમાજ સ્થાપ્યા પછી:સ્વામીજીની જીવન- અવધ માત્ર એક દશકમાં જ લંબાઈ; ૫ણ એક દશક દરમ્યાન તો આર્યસમાજના મૂળ આર્યાવર્તમાં ઠેઠ પાતાળ સુધી ઉંડા ઉતરી ગયા. સ્વામીજીના જીવનકાર્યની સિદ્ધિનો દિવસ જાણે નજીક આવી પહોંચ્યો.

મુંબઇમાં આર્યસમાજનાં મૂળ નાખ્યા પછી, મહર્ષિજીએ પ્રથમ કામ એ સંસ્થાની શાખાઓ પાથરવાનું જોશભેર ઉપાડ્યું; અને એ અર્થે મહર્ષિ મુંબઈથી પુના ગયા. પુનામાં તેમણે પંદર વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનેાએ એ મરાઠા પાટનગરના સુશિક્ષિત નરનારીઓને મુગ્ધ કરી દીધાં. પુનામાં આર્યસમાજની શાખા નંખાઈ. સુપ્રસિદ્ધ સંચારસુધારક સ્વ. રાનડે વગેરે દક્ષિણી અગ્રેસરો મહર્ષિજીના વાવટા નીચે આવી ઉભા. એ શિક્ષિત વર્ગે મહર્ષિજીના પુના-નિવાસ દરમ્યાન તેમનો ખૂબ સત્કાર કર્યો. મહર્ષિજીની હાથી ઉપર સ્વારી કાઢી તેમનાં બહુ માન કર્યા. પણ એ વખતે સ્થિતિચૂસ્ત પક્ષે મહર્ષિજી ઉપર પત્થરો વરસાવ્યા અને કાદવ છાંટ્યો અને ભારે તોફાન મચાવ્યું. મહર્ષિજીના જાન ઉપર હુમલો થયો. મહર્ષિજીએ, તો હંમેશ મુજબ, એ બધું પ્રફુલ્લ ચિત્તે જ સહી લીધું.

પુનાથી અનેક ગામો અને નગરોમાં ભ્રમણ કરતા મહર્ષિ દિલ્હી આવ્યા. દિલ્હીમાં પ્રસિદ્ધ કેસરી દરબાર ભરાયો, તેમાં, સર્વ સંપ્રદાયના નાયકોએ સાથે મળી ધાર્મિક સંશોધનનું કાર્ય ઉપાડી લેવા મંત્રણા ચલાવી. બાબુ કેશવચંદ્ર સેન, સર સૈયદ અહમદ, શ્રી. કનૈયાલાલ અલખધારી વગેરે સંપ્રદાય-નેતાઓએ એ સંમેલનમાં હાજરી આપી. પણ આખરે એ મંત્રણાનું કશું પરિણામ ન આવ્યું.

મહર્ષિજી દિલ્હીથી મીરજ ગયા. ત્યાં વેદટંકાર કરી સહરાનપુર પહોંચ્યા. સહરાનપુરથી ચાંદાપુરના ધર્મ મેળામાં ભાગ લેવા ઉપડ્યા. ચાંદાપુરમાં મુનશી પ્યારેલાલજીએ સર્વ ધર્મના પ્રતિનિધિઓને નિમંત્રી એક ધર્મ વિવાદ ગોઠવેલો. તેમાં ઈશ્વર, પૃથ્વી, શાસ્ત્ર, મુક્તિ વગેરે ધર્મના મુળતત્વોને લગતા પાંચ સવાલ વિવાદ માટે મૂકાયા, ખ્રીસ્તી ધર્મ અને મુસલમાન ધર્મના પ્રતિનિધિઓના ઉત્તરો સભાએ સાંભળ્યા પછી, મહર્ષિજીએ વેદ ધર્મના પ્રતિનિધિ તરીકે ઉત્તરો સંભળાવ્યા. કોના ઉત્તર શ્રેષ્ઠ એ બાબત અનિશ્ચિત રહી. છતાં યે મહર્ષિજીના ઉત્તરોની મર્મજ્ઞતા, તલસ્પર્શિતા અને સચોટતાએ સભાના અંતર ઉપર સજ્જડ છાપ મૂકી. ચાંદાપુરથી પરવારી આસપાસના પ્રદેશમાં વેદસંદેશ સંભળાવી, મહર્ષિજીએ પંજાબની મઝલ આદરી.

૨.

મહર્ષિજીનું સાચું કીર્તિમંદિર તો પંજાબ છે. જે પાંચ નદીઓના દેશમાં વેદની પ્રથમ ઋચાઓ ઉચ્ચારાઇ, એ પંજાબમાં જ આર્યત્વના ઉદ્ધારનો સાચો આરંભ થયો, અને આજે, આર્યત્વના અજય દુર્ગ તરીકે પણ એ વીર પંજાબ જ ઉભો છે.

એ પંજાબમાં મહર્ષિજીએ ૧૮૭૭માં પગ મૂક્યો, અને પહેલું વ્યાખ્યાન લાહોરમાં આપ્યું. જાણે ગુરૂ નાનકદેવે મહર્ષિજીને માટે ક્ષેત્ર તૈયાર કરી મૂક્યું હોય તેમ, મહર્ષિજીના એ પ્રથમ વ્યાખ્યાનની જાદુઇ અસર થઈ. પછીનાં વ્યાખ્યાનોમાં શ્રોતાજનોની જબ્બર મેદિની જામવા માંડી અને મહર્ષિજીનો વેદસંદેશ વીજળીને વેગે પંજાબમાં પ્રસરવા માંડ્યો. બે મહિનામાં તો, મહર્ષિજીએ પંજાબને કોઈ એવું વશીકરણ લગાડ્યું કે પંજાબીઓ, ગરીબ અને તવંગર, શિક્ષિત અને અશિક્ષિતનો ભેદ ભૂલી, દયાનંદ સરસ્વતીની પાછળ જાણે ઘેલાં બની ગયા. પંજાબમાં ઠેર ઠેર આર્યસમાજ સ્થપાવા લાગ્યાં, ગુરુકુલો નંખાવા માંડ્યાં. શાળાઓ ઉઘડવા લાગી, અનાથાલયો ઉભાં થવા માંડ્યાં. પંજાબમાં નવું ચેતન પ્રગટ્યું હોય, પંજાબીઓની નસોમાં નવું લોહી ઉભરાવા માંડ્યું હોય , તેમ પંજાબીઓએ મહર્ષિજીના મનોભાવ બરાબર ઝીલી લીધા અને તેમના આદર્શ મુજબ હિન્દુકોમની પુનર્જાગૃતિનું કામ બરાબર ઉપાડી લીધું. સમસ્ત પંજાબમાં પ્રગટેલી એ હિન્દુત્વની અસ્મિતાએ હિન્દુ કોમમાં નવી જ રાષ્ટ્રીય અસ્મિતા સરજાવી, અને એને પરિણામે, એક દશકા પહેલાં પંજાબમાં એવો સમય આવી ગયો કે જ્યારે સરકાર આર્યસમાજ અને આર્યસમાજીને નામે ત્રાસતી. આજે યે પંજાબમાં એ આર્યસમાજનું દળ એક પ્રચંડ શક્તિરૂપે વિકસી રહ્યું છે. મહર્ષિજીનો પંજાબનો પ્રવાસ એવાં અજબ કાર્યનો સાધક બની ગયો.

લાહોરમાં વ્યાખ્યાનમાળા વાંચી અને આર્યસમાજની સ્થાપના કરી, “મહર્ષિજી અમૃતસર, ગુરુદાસપુર, મુલતાન, બટાલા, ફિરોઝપુર, રાવળપીંડી; જેસલ, ગુજરાત, વજીરાબાદ વગેરે સ્થળોએ ફર્યા. મહર્ષિજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં, વિવાદ-સભાઓ આમંત્રી, વેદના સત્યાર્થની પત્રિકાઓ વહેંચી અને પરિણામે અનુયાયી સંઘ જમાવી આ સમાજની શાખાઓ સ્થાપી એ રીતે મહર્ષિજીનું ૧૮૭૭નું આખું વર્ષ પંજાબમાં વીત્યું.

પંજાબથી નીકળી મહર્ષિજી ૧૮૭૮માં આગ્રા અને અયોધ્યામાં પ્રાંતોમાં ફર્યા. ત્યાં પણ પંજાબના જેવો જ કાર્યક્રમ અનુસર્યા. પણ ત્યાં પજાંબ જેટલી સફળતા ન મળી. ૧૮૭૯માં મહર્ષિજી દિલ્હી ગયા અને ત્યાં ખ્રીસ્તી ધર્માચાર્યો સાથે ધર્મ- વિવાદ ચલાવ્યો. તેમાં મહર્ષિજીને વિજય મળ્યો. બરેલીથી મહર્ષિજી શાહપુર, લખનૌ, કાનપુર, ફરુકાબાદ, પ્રયાગ, મિરજાપુર થઈ ૧૮૮૦ માં મીરત ગયાં. મીરતમાં થીઓસોફીના સ્થાપક કર્નલં ઓક્લોટ અને મેડમ બ્લેવેટ્‌સ્કી મહર્ષિજીના દર્શને આવ્યા. ,અહર્ષિજીનું વિજયી વ્યક્તિત્વ, એમનું અગાધ તત્ત્વજ્ઞાન અને એમની અપાર વિદ્વતા જોઇ, થીઓસોફી સમાજની સ્થાપિકા વિદુષી મેડમ બ્લેવેટ્સ્કીએ મહર્ષિજીની સ્તુતિ કરી. કર્નલ એલ્કોટે પણ મહર્ષિજીનો એટલો જ પ્રભાવ અનુભવ્યો. મીરત પછી, મહર્ષિજીએ તેમનો રાજપુતાનાનો પ્રવાસ શરૂ કર્યો.

મુંબઈ, મહારાષ્ટ્, આગ્રા, અયોધ્યા, મથુરા, કાશી, પંજાબ અને બંગાળ આર્યાવર્તનાં એ તમામ અંગોમાં હિન્દુ અસ્મિતા જાગ્રત કર્યા પછી મહર્ષિજીની દૃષ્ટિ મેવાડ અને મારવાડના હિન્દુ નૃપતિઓના મુલક તરફ ફરી ને પ્રજા ધર્મ સમજાવ્યા પછી મહર્ષિજીએ હવે રાજવીઓને રાજધર્મ બતાવવા મરુભૂમિનાં રાજસ્થાનો ઉપર ચડાઇ કરી. ૧૮૮૧ના માર્ચ મહિનાની ૧૦મી તારીખે મહર્ષિજી ચિતોડ પહોંચ્યા અને ધર્મોપદેશનો આરંભ કર્યો. મહર્ષિજીની વાણી સુણવા અસીન્દના રાવ અર્જુનસિંહજી, ભીલવાડાના ફતેસિંહજી, શાહપુરના મહારાજાધિરાજ નાહરસિંહજી, કાનુડાના રાવત ઉમેદસિંહજી, શાવડીના રાજા રાજસિંહજી વગેરે નરેન્દ્રોએ ચિતોડમાં પગલાં કર્યાં. ઉદયપુરના મહારાણાશ્રી પણ મહર્ષિજીનો ધર્મસંદેશ ઝીલવા ચિતોડ પધાર્યા અને એ દેવદૂતની અમૃતવાણી સાંભળી એના પગમાં મુગટ નમાવ્યો. ઉદયપુરપતિએ મહર્ષિજીને ઉદયપુર આવવા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી.

મહર્ષિજી ખંડવા, ઇન્દોર, રતલામ વગેરે રિયાસતોમાં થઇ ઉદયપુર ગયા. મહારાણા સજ્જનસિંહજીએ મહર્ષિજીનું માનભર્યું સ્વાગત કર્યું. સજ્જનનિવાસ બાગમાં નિવાસ આપ્યો. મહારાણાશ્રીએ કુટુમ્બપરિવાર અને રાજમાન્ય પુરુષવર્ગ સાથે મહર્ષિજીનાં વ્યાખ્યાનોમાં નિયમિત હાજરી આપવા માંડી. પરિણામે એમણે મહર્ષિજીના સદુપદેશથી અનેક વ્યસનો ત્યાગ્યાં.

મહારાણાશ્રીની મહર્ષિજી પ્રત્યેની ભક્તિ દિન પ્રતિદિન એટલી વધતી ગઇ કે એક દિવસ મહારાણાએ મહર્ષિજીને ચરણે એકાન્તમાં એક વિનંતિ ધરી: 'ઉદયપુર રાજ્યે એકલિંગેશ્વર મહાદેવની પૂજાનો કુલધર્મ સ્વીકાર્યો છે: માટે આપ એ મૂર્તિપૂજાના ખંડનની વાત છોડી ઉદયપુરના રાજગુરુ બનો; એકલિંગેશ્વર મહાદેવના મંદિરની લાખોની સમૃદ્ધિ આપના પાંદાંબુજમાં ઠાલવું.' મહર્ષિજીએ હસીને જવાબ દીધો: 'મહારાણાજી, આપનું મંદિર અને આપની રિયાસત મને પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચાર કરવા નહીં લોભાવી શકે." મહારાણાએ લજ્જિત બની મહર્ષિજીની ક્ષમા યાચી.

ઉદયપુરમાં મહર્ષિજીએ પરોપકારિણી સભા સ્થાપી. પોતાનાં વસ્ત્ર, ધન, પુસ્તક, મુદ્રણાલય વગેરે સર્વસ્વ મહર્ષિજીએ એ સભાને સોંપી દીધું; અને એનો ઉપયોગ પરોપકારના કાર્યમાં કરવા ૨૩ સભ્યોનું એક વ્યવસ્થાપક મંડળ નીમ્યું. ઉદયપુરના મહારાણા સજ્જનસિંહજીને તેના પ્રમુખ લાલા બોધરાજને, ઉપ-પ્રમુખ અને શાહપુરના મહારાજા, સ્વ. રાનડે, રાજા જયકીશનદાસ વગેરે પુરૂષોને તે મંડળના સભ્યોનાં આસન અપાયાં. (૧) વેદ અને વેદાંત વગેરે ધર્મ ગ્રંથોનું પ્રકાશન કરવું અને તેમનો પ્રચાર કરવો; (૨) વેદધર્મના પ્રચારાર્થે ઉપદેશકો દેશદેશાન્તરમાં મોકલવા,(૩) આર્યાવર્તના અનાથ અને દીનજનોના પાલન અને શિક્ષા માટે આશ્રમો સ્થાપવા, એમ એ સભાનો કાર્યપ્રદેશ નિમાયો. આજે એ સભાની બે લાખની મિલ્કત છે અને એ મિલ્કત વડે સભા મહર્ષિજીનું જીવનકાર્ય પ્રચારવા યથાશક્તિ પ્રયાસ કરી રહી છે.

૪.

ઉદયપુરથી મહર્ષિજી, ૧૮૮૩માં, નીમહાડે અને ચિતોડ થઈ શાહપુર ગયા. શાહપુરમાં ધર્મ અને નીતિ ઉપર વ્યાખ્યાન પરંપરા આપી, શાહપુરધિરાજને વેદ ધર્મના ઝંડા નીચે સ્થાપી. મહર્ષિજી જોધપુરપતિના નિમંત્રણે ૧૮૮૩ના મે મહિનામાં જોધપુર ગયા. જોધાણનાથના અત્યંત પ્રેમને વશ બની મહર્ષિજી જોધપુરમાં ચાતુર્માસ રહ્યા. પણ એ ચાતુર્માસ પૃથ્વીઉપરનું મહર્ષિજીનું છેલ્લું ચાતુર્માસ હતું અનેક વિષ-પ્રયોગોને નિરર્થક ઠરાવનારા મહર્ષિજી જોધાણનાથબી નર્તિકા નન્નીજાનના વિષપ્રયોગમાંથી ન બચ્યા. અન્ય મહારાણાઓની જેમ જોધાણનાથ જસવંતસિંહજીએ પણ મહર્ષિજીના પ્રભાવ નીચે એમના રાજોચિત અનેક વ્યસનો અને વિલાસો ત્યાગવા માંડ્યા. જસવંતસિંહજીની માનીતી નાયકા નન્નીજાનથી એ ન સહાયું. એણે સ્વાર્થને ખાતર મહર્ષિજીનો જાન લેવાનું કાવતરૂં રચ્યું. મહર્ષિજીના એક રસોઈઆની બેવફાઈથી એ કાવતરૂં સફળ થયું. મહર્ષિજીને વિષ પીરસાયું.

દરરોજ સવારે ત્રણને ટકોરે મહર્ષિજીના નેત્રો ઉઘડતાં, શૈાચ-સ્નાનમાંથી પરવારીને એ મહાનુભાવ યોગમાં બેસતા. તરેહતરેહનાં આસનો વાળીને મહર્ષિ કસરત કરી લેતા. પ્રાણાયામમાં વિરાજતી વેળા મહર્ષિજીની પ્રતિમા તપેલા સુવર્ણ સરખી દેદીપ્યમાન લાગતી. સૂર્યોદય પૂર્વે તે ફરવા નીકળતા; એટલી ઝડપથી ચાલતા કે બીજું કોઈ એમની સંગાથે જાય તો દોડવું પડે. દૂર એકાંતમાં જ એક કલાક સુધી સમાધિ ચડાવતા. આઠને સુમારે પાછા ફરતાં પાછા ફરીને શબ-આસન લગાવી, તદ્દન નિર્જીવ જેવું શરીર બનાવી દઈને વીસ ઘડી સુધી મહર્ષિજી વિસામો લેતા. વિસામો ખાઇને શેર એક દૂધ પીતા. ત્યાર પછી અગીઆર વાગતાં સુધી લખવા લખાવવાનું કામ ચાલતું.

પછી ભોજન કરતા બે તોલાથી વધુ ઘી નહીં અને આઠથી વધુ રોટલી નહીં; એટલું મહર્ષિજી સારી પેઠે ચાવીને પેટમાં ઉતારતા જમતાં જમતાં ખબરપત્રો પણ સાંભળી લેતા. ભેાજન બાદ અર્ધી ઘડી આરામ પછી સાંજના ચાર સુધી કામકાજ: ચારથી આવનારાઓને મળવું, પ્રશ્નોના ઉત્તર દેવા: તે છેક દસ વાગ્યા સુધી ચાલતું. બરાબર દસના ટકોરે એક દૂધનો કટોરો પીઇ મહર્ષિજી સ્વચ્છ બિછાના પર શયન કરતા; અને નિંદ્રા જાણે કે વાટ જ જોતી હોયને, એટલી ઝડપથી એ ઘસઘસાટ ઉંઘી જતા.

એ મુજબ મહર્ષિજીએ સંવત ૧૯૪૦ની કાળી ચૌદશની રાત્રે તેમના રસોયા જગન્નાથ પાસેથી દૂધ મંગાવી પીધું. દૂધમાં કાળકૂટ ઝેર મિલાવેલું હતું. એ જલદ ઝેરે આજીવન બ્રહ્મચારી દયાનંદનો જીવ લીધો.

વિષપાન પછી જોધાણનાથે મહર્ષિજીની સારવાર માટે મોટા મોટા હકીમોને નોતર્યા; એમના ઉપચાર સફળ ન થયા; મહર્ષિજીને આબુની છાયામાં અને પછી અજમેરમાં અંગ્રેજી તબીબોની સારવાર માટે લઇ ગયા. પણ એ વિષ કોઇ ન વાળી શક્યું. પછી કાર્તિક માસની કૃષ્ણ ચતુદર્શીની રાત્રિએ ઝેર ફૂટી નીકળવાથી મહર્ષિજીના આખા શરીર ઉપર, મ્હોં ઉપર, જીભ ઉપર ફોલ્લા ઉઠ્યા. મહર્ષિજીને પારાવાર વેદના થવા લાગી, છતાં મૃત્યુંજયની સહનશીલતાથી સૌરાષ્ટ્રના એ નરશાર્દૂલ, વેદના મંત્રો ઉચ્ચારતા અને પરમાત્માના ગુણગાનની ગાયત્રી ગાતા, કાર્તિકની અમાસે મૃત્યુને ભેટ્યા. ભારતવર્ષને વેદના પ્રકાશથી ભરી દેનારા એ વેદ-ઝંડાધારીની જીવનજ્યોત ૧૮૮૩ના ઑક્ટોબરની ૩૦ મી રાત્રિએ બુઝાઇ. ૫૯ વર્ષની આવરદા ભારતવર્ષના કલ્યાણમાં ખર્ચી એ મહર્ષિ કલ્યાણધામમાં ચાલ્યા ગયા.

એ ઝંડાધારીના અવસાન પછી યે, એનો રોપેલો આર્યત્વના ઉદ્ધારનો ઝંડો આજે વિશેષ ઉન્નત ભાવે ભારતના ગગનમાં ફરકી રહ્યો છે.