ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/વિરજાનન્દને ચરણે

← મન્થનકાળ ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
વિરજાનન્દને ચરણે
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૬
સમરાંગણે →






વિરજાનન્દને ચરણે

સાલ ૧૮૫૦ થી ૧૮૬૦ સુધીના એક દશકાના ભ્રમણમાં, ભારતવર્ષની અતિશય દુર્દશા દેખી, દયાનન્દના અંતરમાં સીસું રેડાયું. વજ્રથી પણ કઠોર અને છતાં પુષ્પથી યે સુકુમાર હૃદયવાળા એ મહાનુભાવે હિન્દુધર્મના અને હિન્દુ કોમના અધ:પાત ઉપર આંસું વરસાવ્યા. બ્રહ્મવિદ્યાનો ઉપાસક એ અવધૂત જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં તેની સામે અજ્ઞાન અને અંધકાર જ અથડાયા. તેણે ક્યાંય સાચું જ્ઞાન જોયું નહીં, ક્યાંય સાચા યોગી કે મહાત્મા ભાળ્યા નહીં. તેણે ઠેર ઠેર દંભ, પાખંડ અને વિલાસમાં રચ્યાપચ્યા રહેનારા, સામાન્ય માણસોથી યે ઉતરતી શક્તિ ધરાવનારા સાધુઓને જગ્યાઓ સ્થાપીને અને મઠો નાખીને ગુરૂને ઉંચે સિંહાસને ચડી બેઠેલા જોયા. તેણે હિન્દુ સમાજમાં ધર્મને નામે રૂઢિઓનું સામ્રાજ્ય વર્તતું નિહાળ્યું; હિન્દુનું નૈતિક, માનસિક અને શારીરિક-સર્વવિધ પતન નીરખ્યું; જ્ઞાનપ્રેમને અને કલાવ્યાસંગને સમાજમાંથી સાવ ભૂંસાયેલાં ભાળ્યાં; બાળલગ્નની ભઠ્ઠીમાં હજારોની સંખ્યામાં હોમાઈ જતાં હિન્દુ કોમનાં આશાસ્પદ બાળ-બાળકીઓ, ચિત્તા ઉપર ચડી પ્રતિદિન જીવતી સળગી મરતી હિન્દુ સતીઓ, ચાકરડી અને ગુલામડીની અધમ અવદશામાં હિન્દુ ઘરમાં સડતી સાવિત્રિ અને સીતાની વારસદાર હિન્દુ નારી અને હિન્દુ કોમનું કલેવર કોરી રહેલા કુસંસ્કારો અને કુરીવાજોનું સામ્રાજ્ય જોયું. એ બધું જોઈ દયાનન્દના હૃદયમાં લાય લાગી.

આ ઉપરાંત, આખા દેશમાં એણે દાસત્વ અને દીનતા, પરાધીનતા અને પામરતાનું જ દર્શન કર્યું : અને સ્વાધીનતાપ્રિય હિન્દુ જાતિનો એ વિનિપાત દેખી એ મહાત્માના રોમે રોમમાં દુ:ખની વેદનાએ કાળી બળતરા કરવા માંડી. દયાનન્દને એના રઝળપાટમાં આર્યાવર્તની ગરીબી અને દરિદ્રતાનો પણ પૂરો પરિચય થયો. એણે, એકના એક પુત્રના શબને અગ્નિદાહ દેવાના પૈસા ન હોવાને કારણે એ શબને ગંગાજીમાં વહેતું મૂકી દેનારી અને એ મૃતદેહ ઉપરથી છેલ્લો લુગડાનો ટુકડો પણ પાછો ઉતારી લેનારી દરિદ્રતા હિન્દુ કોમમાં ભાળી. એણે, મુઠી અનાજ ન મળવાને કારણે એક જ વખત ખાવાનું પામતી અને કેટલીક વખત તો દિવસો સુધી ભૂખના કડાકા વેઠતી, કલ્પનામાં પણ ન ઉતરે એવી બેહદ કંગાલીયત જનતામાં જોઇ. સાથે સાથે એણે આંખો મીંચીને અવળે માર્ગે લક્ષ્મીનો દુર્વ્યય કરનારા વિલાસી લક્ષ્મીનંદનો ય જોયા. એ જોઇને હિન્દુવટના પ્રેમી આ પરમ યોગીના અંતરમાં પારાવાર સંતાપ થયો.

એણે શુદ્રોને સતાવતા બ્રાહ્મણો જોયા. એણે ગરીબોને કચડતા શ્રીમંતો જોયા અને એણે એ બધાને પોતાની વજ્રએડી નીચે ચગદી નાખતી પરદેશી સત્તાનું પણ પરિબળ જોયું. એણે માનવકલ્યાણ અને બંધુસેવાનો સાચો વેદધર્મ ચૂકી, આ જીન્દગીને જંજાળ મનાવતા અને પર જીન્દગીની-મુક્તિની સાધનાને જ સાચો જીવનહેતુ સમજાવનારા વેદધર્મના અર્ધસત્ય અર્થો સાંભળ્યા. દેશને દરવાજે આક્રમણકારી દુશ્મનોના તોપના ગોળાઓ સાંભળતાં છતાં યે, દેશરક્ષા અર્થે કેસરીયા વાઘા સજવાનો ધર્મ ચૂકી વેદધર્મ ઉપર વિવાદ ચલાવવામાં જ રચ્યાપચ્યા રહેનારા અને દુશ્મનને સુખેથી દેશ જીતી લેવા દેતા હિન્દુ રાજાઓ અને હિન્દુ લડવૈયાઓની દુઃખકથા પણ બળતે હૃદયે એણે સાંભળી. દયાનંદે હિન્દુસ્તાનની ચોદિશામાં, હિન્દુ જીવનના એકે એક માર્ગમાં અમાસની અંધારી રાતનો ઘોર અંધકાર વ્યાપેલો જોયો. એ જોઇ દયાનંદને પુનર્‌જાગૃતિનું પ્રભાત પ્રગટાવવાની ઝંખના જાગી. દોઢ દાયકા પહેલાં આત્મઉદ્ધાર અર્થે, મુક્તિની શોધમાં નીકળેલા મૂળશંકરને હવે આર્યાવર્તના ઉદ્ધારમાં જ આત્મ–ઉદ્ધાર દેખાવા લાગ્યો. દયાનંદના જીવનમાં અને દૃષ્ટિબિન્દુમાં જબરો પલટો આવ્યો.

દયાનંદે એ ઉદ્ધાર કાર્ય આરંભવાના માર્ગો શોધવા માંડ્યા. એણે આર્યત્વને ફરીવાર ઉજ્જવળ બનાવવાની હિન્દુત્વને ફરીવાર ઉન્નત બનાવવાની પ્રવૃત્તિને જીવનકાર્ય કરવાનો નવો નિરધાર કર્યો. અને એ અર્થ, એની તલસ્પર્શી બુદ્ધિએ વેદધર્મના વિશેષ ઉંડા અભ્યાસની જરૂરિયાત નીરખી. દયાનંદને સ્પષ્ટ દેખાયું કે હિન્દુ કોમને જગાડવા એને હિન્દુ ધર્મને નામે જ હાકલ કરવી જોઇએ. એટલે એણે ફરીવાર, અચળ શ્રદ્ધાથી, ગુરૂરાજની-ધર્મ શાસ્ત્રોનો શાસ્ત્રીય અભ્યાસ કરાવે એવા, વેદની ભવ્યતાનો સાચો પરિચય આપે એવા, ઉપનીષદોના તત્ત્વજ્ઞાનના વૈભવની પિછાન કરાવે એવા, દર્શનશાસ્ત્રોના મહાસાગરમાં છુપાયેલાં પડેલાં અમૂલખ રત્નો ખોળી કાઢવાની શેાધન-શક્તિ આપે એવા ગુરૂની શોધ માંડી. અને આખરે, મથુરામાં ૧૯૬૦ ની સાલમાં, એવા ગુરૂરાજનો પત્તો લાગ્યો.

૨.

મથુરામાં વિરજાનંદ નામના એક પ્રજ્ઞાચક્ષુ સંન્યાસી વસતા. એમના તરફથી ધર્મશાસ્ત્રોના અભ્યાસની એક શાળા ચાલતી. એ વિરજાનંદના પિતાનું નામ પંડિત નારાયણ દત્ત. પાંચ વર્ષની ઉંમરે વિરજાનંદને શીતળા નીકળ્યાં અને એની આંખો ગઈ: પંદર વર્ષની વયે એમના પિતા અવસાન પામ્યા અને એ નિરાધાર, નિરાશ્રિત બન્યા. અઢાર વર્ષની વયે એમણે પૂર્ણાનંદ સ્વામી પાસે સંન્યાસીની દીક્ષા લીધી અને તેમને ગુરૂ તરફથી વિરજાનંદનું નામ મળ્યું. આ સુરદાસ વેદના પ્રખર પંડિત મનાતા અને એટલે જ તેમને પ્રજ્ઞાચક્ષુનું ઉપનામ અપાયેલું. એક વખત અલ્વરના મહારાજાએ એમને શ્રી. શંકરાચાર્યના શ્લોકમંત્રોનું સ્તવન કરતા સાંભળ્યા. મહારાજા એ સાધુ ઉપર મુગ્ધ બની ગયા. તેમને અલ્વર પધારવા પ્રાર્થના કરી. વિરજાનંદ એક શરતે અલ્વર ગયા. શરત એમ થઇ કે મહારાજાએ સ્વામીજીની સાથે હમેશાં ત્રણ કલાક શાસ્ત્રાધ્યયન કરવા બેસવું. જે દિવસે એ શરતનો ભંગ થાય એ દિવસે સ્વામીજીએ અલ્વરના સીમાડા છોડી જવાનો આકરો નિયમ સ્થાપ્યો. મહારાજાએ ખૂબ કાળજીપૂર્વક સ્વામીજી પાસે નિયમસર બેસવા માંડ્યું. એક દિવસ અકસ્માત, મહારાજા નૃત્યગૃહમાં રોકાઇ ગયા અને સ્વામીજીની પાસે ન જઇ શક્યા. વિરજાનંદ રોષિત થયા. બીજે દિવસે મહારાજા આવ્યા ત્યારે પોતાનો નિર્ણય સંભળાવ્યો “રાજા, તેં તારો નિયમ તોડ્યો છે; હું મારો નહીં તોડું.” વિરજાનંદે અલ્વર છોડ્યું; અને ભરતપુર થઈ મથુરા આવી સંસ્કૃત પાઠશાળા સ્થાપી.

આ બાળ બ્રહ્મચારી સંન્યાસીને દ્વારે ૧૮૬૦ ના નવેમ્બરની ચૈાદમી રાત્રીએ દયાનંદ જઈને ઉભો. દ્વાર બંધ હતું. અંદરથી સવાલ આવ્યો : “કોણ છો ?"

“સંન્યાસી"

“તમારૂં નામ?”

“દયાનંદ સરસ્વતી. દયાનંદે વિનયપૂર્વક જવાબ ધર્યો.

સંન્યાસીનું દ્વાર ઉઘડ્યું અને દયાનંદને શિષ્યની દીક્ષા મળી. છત્રીસ વર્ષની ઉંમરે, જ્ઞાનની પ્રબળ પિપાસાવાળા દયાનંદે, જુવાનના ઉત્સાહથી ગુરૂની ભક્તિ આદરી. દયાનંદે અંધ અને અશક્ત ગુરૂની બધી રીતે ખૂબ પ્રેમથી ચાકરી કરવા માંડી. ગુરૂનાં કપડાં ધોવાં, એમને માટે દૂરથી પાણી ભરી લાવવું, ગુરૂનું ઘર વાળીચોળીને સાફ કરવું, ગુરૂને માટે રસોઇ કરવી, વગેરે ગુરૂસેવા દયાનંદે હર્ષપૂર્વક કરવા માંડી અને બદલામાં એ પ્રખર વિદ્વાન પાસેથી જ્ઞાનનું પિયુષ પીવા માંડ્યું. દયાનંદની અત્યંત કાળજીભરી સેવા છતાં ગુરૂનો ઉગ્ર સ્વભાવ કેટલીયે વખત નિષ્કારણ તપી જતો. દુર્વાસા સમા ક્રોધી વિરજાનંદ દયાનંદ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા; કોઇ કોઇ વખત એને માર પણ મારતા અને ઘરમાંથી યે કાઢી મૂકતા. દયાનંદ એ બધા પ્રહારોને ગુરૂની પુષ્પાંજલિ ગણી વધાવી લેતા, અને ગુરૂભક્તિમાં રજમાત્ર પણ શિથિલ બન્યા વિના જ્ઞાન સંપાદન કર્યે જતા. એક વખત તો ગુરૂએ દયાનંદને લાઠીથી એવો સખત માર મારેલો કે એનો કાળો ડાઘ દયાનંદના હાથ ઉપર જીન્દગીભર રહ્યો. એ છતાં દયાનંદની ઉત્તરાવસ્થામાં જ્યારે તેમણે વિરજાનંદના મૃત્યુના સમાચાર સાંભળ્યા. ત્યારે ગદ્ગદિત કંઠે શ્રોતૃવર્ગની પાસે હૃદયોદ્ગાર કાઢેલા કે “આજે સંસ્કૃત વાઙ્‌મયનો ભાસ્કર અસ્ત પામે છે.” દયાનંદ સ્વામીને છેવટ સુધી ગુરૂ પ્રત્યે એટલો અગાધ પૂજ્યભાવ હતો.

એ સંસ્કૃત વાચસ્પતિને ચરણે દયાનંદે સંસ્કૃત ગ્રંથોનો અઢી વર્ષ સુધી ઉંડો અભ્યાસ કર્યો અને ગુરૂએ પણ શિષ્યની તેજસ્વીતા જોઈ, તેની પાસે અંતર ઉઘાડી નાંખ્યું. અઢી વર્ષમાં દયાનંદ વેદશાસ્ત્ર પારંગત બની ગયા. ગુરૂ પાસેથી વિદાય માગવાની વેળા આવી પહોંચી. અકિંચન દયાનંદ બે હાથ જોડીને ગુરૂજી પાસે ઉભા અને ગુરૂજીને પ્રિય એવાં થોડાં લવીંગની ગુરૂદક્ષિણા વિરજાનંદજીને ચરણે ધરી. વિરજાનંદજીએ શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ દીધા અને નીચેનો સંદેશ આપ્યો.

“વત્સ, તારા શિક્ષણનો સદ્વ્યય કરજે. દેશમાં અંધકાર જામ્યો છે. લોકો સત્યાસત્યનો વિવેક ચૂક્યા છે. તેઓ જ્ઞાતિઓ અને વાડાઓના કંકાસમાં જીવન વીતાવે છે. આર્યાવર્તમાં અત્યારે વેદધર્મની અવહેલના થઇ રહી છે. બેટા, લોકોને એકેશ્વરનો સંદેશ આપજે, અને વેદધર્મ શીખવજે. પુત્ર તારો, જય થાઓ.”

ગુરૂના એ આશિર્વાદને માથું નમાવી દયાનંદ ચાલી નીકળ્યા. આટલાં વર્ષોની તપશ્ચર્યા પછી, આટલી સાધના અને શોધ પછી તેમને લાધેલા સત્યનો સંદેશ જગતને આપવા દયાનંદે પાછો ભારતવર્ષના જનપદોમાં પગ મૂક્યો. ગુરૂના એ આદેશને હિન્દુસમાજ સમક્ષ મૂકવા અર્થે દયાનંદે તેની બાકીની આખી જીંદગી અર્પણ કરી દીધી. ગુરૂવચનનું એ પાલન એ આજનો આર્યસમાજ, એ આજની હિન્દુ કોમની પુનર્‌જાગૃતિ, એ આજનો હિન્દુધર્મનો પુનરૂદય.

સરજનહાર સમાજનું પુનર્વિધાન કરવા કઠોરતાપૂર્વક એનો લોખંડી હથોડો ફેરવે છે; એવી જ કઠોરતાથી એના સંદેશવાહીઓને સમાજને ટીપી ટીપીને એનો નવો ઘાટ નાખવો પડે છે. હિન્દુ જાતિના ઉદ્ધારને માટે દયાનંદને દંભ અને દુરાચાર ઉપરના એના હુમલામાં કઠોર બન્યા વિના છુટકો જ નહોતો. અને દયાનંદે નવયુગના સૃષ્ટાને બરાબર ઉચિત નિર્દયતાપૂર્વક હિન્દુઓના સ્થિતિચૂસ્ત આચારવિચાર સામે અડગ દૃઢતાથી બળવાનો ઝંડો ફરકાવ્યો. એ યુગસૃષ્ટાની ચપળ દૃષ્ટિએ નીરખી લીધું કે રોગગ્રસ્ત હિન્દુસમાજને ફરીવાર સ્વસ્થ અને નિરોગી બનાવવા આકરી શસ્ત્રક્રિયાની જરૂર છે; હિન્દુસમાજના અણુએ અણુમાં પ્રસરી ગયેલા કુરૂઢિઓ અને કુરિવાજોના વિષને વાળવાનું કોઇ ઔષધ શોધવાની જરૂર છે. એટલે દયાનંદજીએ પ્રથમ એ કુરૂઢિઓ સામે મારો ચલાવ્યો. મહર્ષિજીનો પ્રથમ હથોડો પડ્યો મૂર્તિપૂજા ઉપર અને મૂર્તિ પૂજાને નામે દેશભરમાં પ્રવર્તી રહેલ અનેક પાખંડો ઉપર. મહર્ષિએ મૂર્તિપૂજાનો ઉગ્રમાં ઉગ્ર વિરોધ આદર્યો.

એ અર્થે દયાનંદજીએ મથુરા છોડી ગામેગામ ભટકવાનો નિશ્ચય કર્યો અને મંગળાચરણ કરનારું પહેલું ભાષણ આગ્રામાં આપ્યું. જ્યાં જ્યાં મહર્ષિજી ભાષણ આપતા ત્યાં ત્યાં એમની વક્તૃતા, દલીલોની સચોટતા, શાસ્ત્રજ્ઞાનની નિપુણતા અને દુરાચાર સામેના આક્રમણની ઉગ્રતા જોઇ, જબરો ખળભળાટ થઈ જતો. પ્રથમ આગ્રાના દુર્ગને ખળભળાવી, મહર્ષિજી ૧૮૬૫માં ગ્વાલીયર ગયા. ગ્વાલીયરમાં સ્થિતિચૂસ્તતાના કિલ્લામાં સારી રીતે ગાબડાં પાડી, તે ૧૮૬૬માં અજમેર ગયા. અજમેરમાંયે મહર્ષિજીએ મૂર્તિપૂજા સામે સખત વિરોધનાં ભાષણો કર્યાં : વેદના અર્થ માટે વિવાદસભાઓ બોલાવી; અને તે વખતના અંગ્રેજ કમીશ્નરને હિન્દુસમાજના સડાઓ સામે કાયદા મૂકવા વિનંતી ગુજારી. અજમેરમાં વિજયના ડંકા ગજાવી મહર્ષિજી હરદ્વારના મેળામાં હાજરી આપવા ઉપડ્યા.

કાળજૂના જોગીરાજ સમા ભવ્ય હિમાલયને ચરણે ગંગાજીને તીરે ઉભેલા હિન્દુઓના તીર્થધામ હરિદ્વારમાં દર બારમે વર્ષ મોટો કુંભમેળો થાય છે. ત્યારે લાખોની સંખ્યામાં હિન્દુ યાત્રિકો ગંગાજીમાં સ્નાન કરવા ઉભરાય છે. એવો એક મેળો સને ૧૮૬૭માં આવ્યો. દયાનંદ સરસ્વતી એ પ્રસંગે, લાખોની મેદની સમક્ષ વેદનો સંદેશ સંભળાવવા, ચાર શિષ્યોની સાથે હરદ્વાર પહોંચ્યા. ત્યાં ગંગાજીને કિનારે એક રાવટી રચીને તેમાં ઉતારો કર્યો; અને ગંગાજીમાં સ્નાન કરી પાવન થવા આવતા રાજાઓ અને મહારાજાઓ, સંન્યાસીઓ અને સાધુઓ, પંડિતો અને સામાન્ય જનસમુદાય પાસે પુરાણના આચારો સામે, ઉઘાડેછોગ, વિરોધ-ભાષણો કરવા માંડ્યાં. હજારો અંધશ્રદ્ધાળુ ધર્મઘેલડા હિન્દુઓનાં ટોળાંમાં તેમની માન્યતાઓ અને તેમના રૂઢિરિવાજો સામે એકલા દયાનંદ અજબ હિંમતથી ગર્જનાઓ કરતા. ખ્રિસ્તિધર્મમાં જ્યારે દેવળ અને પાપને નામે પડેલું પાખંડ અસહ્ય થઈ પડ્યું ત્યારે ઈસુની ચૈાદમી સદીમાં જેમ જર્મનીના બર્લીન શહેરની બજારમાં ઉભા રહીને માર્ટીન લ્યૂથરે બાઇબલના ટુકડા કરી નાંખ્યા અને પોપડમ સામે બળવો જાહેર કર્યો, તેમ આ કુંભમેળામાં દયાનંદે વેદ સિવાયના તમામ ધર્મપુસ્તકોને શાસ્ત્ર તરીકે સ્વીકારવાની ના જાહેર કરી, અને હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પંથો સામે બળવાનો પોકાર કર્યો.

યુરોપે પ્રથમ લ્યૂથરને સાંભળવાની ના પાડી હતી; તેના પોકારને નાસ્તિકનો પોકાર મનાવી તેને કાન ધરવાની મનાઇ કરી હતી. દયાનંદની પણ પ્રથમ તો એ જ વલે થઇ. દયાનંદનાં પણ એ ડાહ્યાં વચનોને કોઇ સંન્યાસીએ કે કોઇ રાજાએ કાન ન દીધા. દયાનંદનો અવાજ અરણ્યરૂદન સમો બની રહ્યો.

ધર્મમેળાઓ એટલે તો લોકજીવનનો અરિસો: ત્યાં લોકજીવનનું આબેહુબ દર્શન થાય. દયાનંદે કુંભમેળામાં હિન્દુના અધઃપાતનું બરાબર દર્શન કર્યું. એ જોઈને એને પારાવાર ગ્લાનિ થઇ. એણે કુંભમેળામાં યોગનું નામ સરખું યે ન જાણનારા યોગીઓ જોયા, નિર્મળ ચારિત્ર્યની દાંડી પીટાવનારા સાધુઓને મલીન અને ચારિત્ર્યહીન ભાળ્યા, મંત્રોના મુખપાઠથી આકાશ ગજાવનારા પંડિતોને સાવ પડિતાઇ શૂન્ય અવલોક્યા, ગુરૂઓને અને ગાદીપતિઓને ઠગારાઓ અને ધૂર્તો દેખ્યા, અને એ બધાની સત્તા નીચે કચડાતા લોકોને નિર્બળ અને માયાકાંગલા નિહાળ્યા. હિન્દુસમાજની એ અવદશા ઉપર દયાનંદજીના નેત્રોમાંથી અશ્રુધારા ચાલી.

દયાનંદજીને પ્રતીતિ થઇ કે હિન્દુસમાજના પાયા ખોદી રહેલા આ દાનવો સામે ઝઝુમવાને હજી વધારે મોટી તૈયારીઓની જરૂર છે. દયાનંદે એ તૈયારી માટે એકાંતવાસ સેવવા અને હજી યે આકરી તપશ્ચર્યા કરી વધારે શક્તિશાળી બની બહાર પડવા નિશ્ચય કર્યો. દયાનંદજીએ પોતાના શિષ્યોને વિખેરી નાંખ્યા, અંગ ઉપરનાં વસ્ત્રો ઉતારીને ગરીબોને વહેંચી દીધાં, અને વિશેષ ત૫સાધના અર્થે માત્ર એક કૌપિનભર અરણ્યમાં ચાલી નીકળ્યા.