ઝંડાધારી - મહર્ષિ દયાનંદ/સામર્થ્યવીર

← ત્યાગ-વીર ઝંડાધારી - મહર્ષિ દયાનંદ
સામર્થ્યવીર
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૬
વિનોદ–મૂર્તિ →




સામર્થ્યવીર

એક દિવસ દયાનંદજી યમુના-તીરે ધ્યાન ધરીને બેઠા છે. એવામાં કોઈક સ્ત્રીએ સ્નાન કરીને આવતાં પદ્માસન વાળીને બેઠેલા સ્વામીજીને ભાળ્યા અને એમને પરમહંસ સમજી એમના ચરણે પર પોતાનું મસ્તક ઢાળી નમસ્કાર કર્યા. પગ ઉપર કોઈ મનુષ્યના માથાનો ભીનેરો સ્પર્શ થતાં જ સ્વામીજીએ નેત્ર ખોલ્યાં. ચમકીને 'અરે માતા ! અરે મૈયા !' એવા શબ્દો ઉચ્ચારતા પોતે ઉભા થઈ ગયા, અને ગોવર્ધન પર્વત તરફ જઈને એક મંદિરના નિર્જન ખંડિયેરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એમણે અન્નજળ વિના, કેવળ ધ્યાન ચિન્તનમાં જ તન્મય રહીને એ સ્ત્રીસ્પર્શના પાપનું પ્રાયશ્ચિત કર્યું.

એક દિવસ કેટલીએક સ્ત્રીઓ મોહક શણગારો સજીને સ્વામીજીની પાસે આવી. સ્વામીજીએ પૂછ્યું, 'બહેનો, ક્યાંથી આવો છો ?'

'મહારાજ, અમે સાધુઓની પાસે થઈને આંહી આવીએ છીએ.' 'સાધુઓની પાસે શા માટે ?'

'આપ કહો તો આપની પાસે આવીએ.'

'મારી પાસે શા માટે ?'

'ઉપદેશ લેવા માટે.'

'બહુ સારૂં. તો તમારા પતિઓને જ મોકલજો. એ આંહીથી ઉપદેશ સાંભળીને તમને સંભળાવશે. તમે પોતે હવે પછી આંહી ન આવશો.'

ત્યાર પછી એ સ્ત્રીઓ ફરી કદિ ન આવી.

પોષ માઘની કડકડતી ઠંડીમાં; જ્યારે ઝાડપાન પર ઠાર પડતો હોય, ઝરાનાં નીર જામીને બરફ બની જતાં હોય, સુસવતો પવન કાતિલ શરની માફક શરીરને વીંધતો હોય, તેવે સમયે ગંગાની હીમ જેવી રેતીમાં કેવળ એક કૌપિનભર, પદ્માસનવાળીને સ્વામીજી આખી રાત બેઠા રહેતા. એમને આવી દશામાં દેખીને કોઈ ભક્તજન એમની કાયા ઉપર કામળી ઓઢાડી જતો, તો સ્વામીજી તૂર્ત એ કામળી અળગી કરી નાખતા.

એવી એક રાત્રિને સમયે, બદાયુંના ગોરા કલેક્ટર સાહેબ તેમના મિત્રની સાથે ગંગાકિનારે ફરવા નીકળ્યા હતા. એમનાં શરીરો તો ગરમ વસ્ત્રોમાં દટાઈ ગયાં હતાં, જ્યારે તેએાએ ગંગાના તટ પર આ લંગોટધારી તપસ્વીની પ્રચંડ, તેજસ્વી કાયાને સમાધીની લહેરમાં વિરાજમાન દીઠી. બંને અંગ્રેજો ટગર ટગર જોઈ રહ્યા.

સ્વામીજીની સમાધિ છૂટી ત્યારે કલેક્ટરે પૂછ્યું. 'આપને ઠંડી નથી લાગતી?'

સ્વામીજી જવાબ દેવા જતા હતા ત્યાં બીજો અંગ્રેજ વચમાં બોલી ઉઠ્યો 'એને તો ઠંડી શાની લાગે? રોજ માલ માલ ઉડાવતો હોય ને !' હસીને સ્વામીજી બોલ્યા, “સાહેબ, અમે હિન્દુઓ તો દાળરોટલી ખાઇએ એમાં માલ માલ શો હોય ? પણ આપ તો ઇંડાં જેવા પૌષ્ટિક માલ આરોગો છે અને શરાબ પણ ઉડાવો છો. એટલે જો માલ માલ ખાવાથી જ ઠંડી સહન કરી શકાતી હોય તો ચાલો, કપડાં ઉતારીને થોડીવાર મારી બાજુમાં બેસી જાઓ.”

ઝંખવાણો પડીને અંગ્રેજ આડી વાત નાખવા લાગ્યો કે 'તો પછી આ૫ બતાવો, આપને ઠંડી કેમ નથી લાગતી ?'

સ્વામીજી બોલ્યા, “આપજ કહો, આપનું મ્હોં ઉઘાડું રહે છે છતાં તેને કેમ ઠંડી નથી લાગતી ? સતત ખૂલ્લું રાખવાની આદતને લીધે જ. એ જ પ્રમાણે મારા દેહને પણ આદત પડી છે. એમાં બીજું કશું ય જાદુ નથી.”

નમસ્કાર કરીને બંને ગોરા ચાલ્યા ગયા.

નદીના દૂરદૂરના કોઇ નિર્જન સ્થળ પર જઇને સ્વામીજી સ્નાન કરતા. કૌપીન એક જ હોવાથી પ્રથમ કૌપીનને ધોઇ, સુકવી, પોતે સિદ્ધાસન વાળીને રેતીમાં બેસી જતા. કૌપીન સુકાઇ જાય ત્યારે પોતે ઉઠી, સ્નાન કરી, કૌપીન બાંધી પેાતાને મુકામે જતા.

એક દિવસ કેટલાએક મલ્લો સ્વામીજીના શરીરબળની નામના સાંભળીને એમને શોધવા ચાલ્યા. સ્વામીજી તે વખતે સ્નાન કરવાની તૈયારીમાં હતા. મલ્લરાજોને નિહાળી પોતે વાતનો મર્મ સમજી ગયા. કૌપીન તે વખતે ભીનું હતું. જમણે હાથે કૌપીનને જોરથી નીચેાવીને મલ્લોને કહ્યું “તમારામાંથી જેને પોતાના કૌવતનું ગુમાન હોય તે આ કૌપીન નીચોવીને એમાંથી પાણીનું એક ટીપું કાઢી બતાવે.”

બધાએ એક પછી એક કૌપીનને નીચોવી જોયું. એક પણ બિન્દુ ન ટપક્યું !

કાશીમાં સ્વામીજી મુસલમાન મતની પણ ત્રૂટીઓ બતાવી ખંડન કરતા હતા તેથી મુસલમાનોને એમના ઉપર ભારે રોષ ચડેલો. એક દિવસ સાંજરે ગંગાતટ પર આસન લગાવીને સ્વામીજી બેઠા. દૈવયોગે મુસલમાનોની એક ટોળી ત્યાં થઇને નીકળી. પોતાના ધર્મના ટીકાકારને એાળખ્યો. બે પહેલવાનો ધસી આવ્યા. સ્વામીજીને ઉપાડીને ગંગામાં ફેંકવા લાગ્યા. બન્ને જણાએ બન્ને હાથ વતી સ્વામીજીનાં બે બાવડાં પકડ્યાં અને એ રીતે એમને ઝુલાવીને પ્રવાહમાં ફગાવી દેવા જતા હતા, ત્યાં તો સ્વામીજીએ પોતાની બન્ને ભુજાઓ સંકેલીને પોતાના શરીરની સાથે દબાવી દીધી. બન્ને મલ્લોના ચારે હાથ સ્વામીજીની બગલમાં સપડાઇ ગયા ! પછી તો મગદૂર શી કે હાથ સરકાવી શકે ? એમ ને એમ સ્વામીજીએ જોરથી ઉછાળો મારી ગંગામાં ઝંપલાવ્યું. પેલા બન્ને જણને પણ સાથે જ ઘસડતા ગયા. પોતે પાણીમાં ડુબકીઓ મારીને બને મલ્લોને થોડાં ગળકાં ખવડાવ્યાં અને પછી છોડી દીધા. મુશ્કેલીથી બન્ને જણા બહાર નીકળ્યા. કાંઠે ઉભેલું ટોળું આથી ખૂબ ચીડાઇ ગયું. બધા હાથમાં પત્થરો લઇને સ્વામીજીના બહાર નીકળવાની રાહ જોતા બેઠા. દૂર પાણીમાં પડ્યા પડ્યા સ્વામીજી દુશ્મનોની આ મતલબ સમજી ગયા, એટલે પોતે પણ શ્વાસને રૂંધીને પદ્માસન લગાવી પાણી પર બેઠક જમાવી. અંધારૂં થઇ ગયું. પેલા સમજ્યા કે બાવો ડુબી મુવો. મલકાતા મલકાતા ચાલ્યા ગયા. એટલે સ્વામીજીએ પણ પાણીમાંથી નીકળીને અધૂરી રહેલી સમાધિ ફરીવાર લગાવી.

એક દિવસ બજારમાં એક ફાટેલો સાંઢ લોકોની પછવાડે દોડતો, કૈંકને કચરતો ને પટકતો ધસ્યો આવે છે. લોકો ઓટલા પર ચડી ગયા છે અને 'સ્વામીજી ! ખસી જાઓ, ચડી જાઓ !' એવી ચીસ પાડે છે. વગર થડક્યે સ્વામીજી સીધા ને સીધા સાંઢની સામે ચાલ્યા ગયા. તદ્દન નજીક ગયા એટલે સાંઢ પોતાની મેળે રસ્તે છોડીને ગરીબ ગાયની માફક ચાલ્યો ગયો. લોકોએ આવીને પૂછ્યું કે 'મહારાજ, સાંઢ શીંગડે ચડાવત તો?'

'તો બીજું શું? શીંગડાં પકડીને દૂર ધકેલી દેત !'

જોધપુરમાં મહર્ષિજીએ મુસલમાન મતનું ખંડન ચલાવ્યું. તે સાંભળીને ફૈજુલાખાં નામના એક મુસ્લીમના રોમેરોમમાં જ્વાળા ઉઠી. રોષે ભરાઇને એ ગાજી ઉઠ્યો 'સ્વામી ! અત્યારે જો મુસલમાનોની રાજસત્તા હોત તો તમે જીવતા ન જાત.'

'ખાં સાહેબ !' સ્વામીજીએ ખાં સાહેબને ધીરેથી ઉત્તર દીધો, 'જો એવો અવસર આવે તો હું કદિ થરથરી ન જાઉં, કે ન તો ચુપચાપ બેઠો રહું પણ બે ચાર વીર રાજપુતોની પીઠ થાબડીને એવાં તો શૂરાતન ચડાવું કે મુસલમાનોના હોશ ઉડી જાય. ખબર છે ખાં સાહેબ ?'

ખીજે બળતા ખાં સાહેબે મુંગા રહેવું જ ઉચિત માન્યું.

ગંગાના ઉંડા જળમાં એક દિવસ સ્વામીજી લેટી રહ્યા છે. એવામાં તેમની લગોલગ થઈને એક મસ્ત મગરમચ્છ નીકળ્યો. કિનારેથી ભક્તજનોએ બૂમાબૂમ કરી મૂકી કે 'મહારાજ, ભાગજો ! મગર આવે છે.' લગારે ખસ્યા વગર સ્વામીજીએ મસ્ત દશામાં પડ્યા પડ્યા જવાબ દીધો કે 'કશી ફિકર નહિ કરતા. હું જો એને નથી સતાવતો તો પછી એ મને શા માટે છેડવાનો હતો?' પશુબળ ઉપર પણ નિર્દોષતાની આટલી ચોટ નાખનાર દયાનંદ વિશ્વપ્રેમ અને અહિંસાની કેટલી ઉંચી કક્ષાએ પહોંચ્યા હશે એ કલ્પવું કઠિન નથી.

એક ગામડામાં સ્વામીજીએ ઉતારો કર્યો. લોકોએ હોંશે હોંશે એમની પરોણાગત કરી. એવે તેઓનો કેાઇ ઉત્સવદિન આવી પડ્યો. રાત્રિએ તેઓએ સ્વામીજીને પણ મંદિરે બોલાવ્યા. નગર બહારના એક ઉજ્જડ સ્થળે આવેલા મંદિરમાં ભયાનક દેવીની પ્રતિમા ઉભી છે, પાસે ઉઘાડી તલવારે એક કાળભૈરવ શો પૂજારી ઉભો છે. મદ્યમાંસની સામગ્રી પણ તૈયાર છે. સન્મુખ અશ્લીલ નૃત્યુલીલા ચાલે છે. સ્વામીજી પામી ગયા કે આ તો શક્તિધર્મીઓનો અખાડો !

પૂજારી સ્વામીજીને કહે કે 'દેવીને નમન કરો !'

સ્વામીજી કહે 'આ જન્મે તો એ નહિ બને.'

'એ....મ !' કહી પૂજારી ધસ્યો. સ્વામીજીની બોચી પકડી શિર નમાવવા મથ્યો. ચકિત બનેલા સ્વામી ઉંચે જુવે તો ચોમેર ઉઘાડી તલવારવાળા નર-પિશાચો ઉભા છે. તલવાર ચલાવે તેટલી જ વાર છે.

સ્વામીજીએ છલંગ મારી. પૂજારીના હાથમાંથી તલવાર ઝુંટવી લીધી. ડાબા હાથનો ધક્કો મારીને પૂજારીને દિવાલ સાથે અફળાવ્યો, તલવાર વીંઝતા વીંઝતા મંદિરના ચોગાનમાં જઇ પડ્યા. જુવે તે ત્યાં પણ કુહાડા અને છરા ઉગામીને ટોળું ઉભું છે. બારણા ઉપર તાળું મારેલું છે. મોતને અને સ્વામીજીને અઢી આંગળનું અંતર છે. કેસરીસિંહ કુદે તેમ સ્વામીજી કુદ્યા. દિવાલ પર પહોંચ્યા. બહાર ભૂસ્કો માર્યો. એક રાત ને એક દિવસ આજુબાજુના ગીચ જંગલમાં છુપાઈ રહ્યા.

બીજી રાત્રિએ પોબાર ગણી ગયા.
૧૦

એકવાર છ સાત અલમસ્ત મિત્રોએ જઇને સ્વામીજીને કહ્યું 'મહારાજ, આજ તો આપના પગ દાબવાના ભાવ થાય છે.'

સ્વામીજી સમજી ગયા. છોકરાઓ મારૂં શરીર-બળ માપવા માગે છે ! બોલ્યા 'પગ પછી દાબજો, પ્રથમ તો તમે બધા ભેળા મળીને મારા આ પગને ભોંય પરથી જરા ઉઠાવી જુઓ !'

સ્વામીજીએ પગ પસાર્યો. સાત આઠ યુવકો મંડ્યા જોર કરવા. પરસેવા નીતરી ગયા. પણ પગ ન ચસક્યો.

૧૧

'મહારાજ !' રાવળપીંડીના સરદાર વિકમસિંહજીએ કટાક્ષ કીધો, 'આપ કહો છો કે શાસ્ત્રોમાં બ્રહ્મચર્યનો બહુ મહિમા ગાયેલ છે. આપ પોતે પણ આપને અખંડ બ્રહ્મચારી કહેવરાવો છો; છતાં આપના દેહમાં એ વજ્રકછોટાનો એવો કશો પ્રતાપ તો અમે ભાળતા નથી !'

મહર્ષિજીએ તે વખતે તો એ સમસ્યાનો કશો ઉત્તર ન દીધો. એમનું રૂંવાડું યે ન ફરક્યું. લાંબી વાર સુધી સરદાર સાહેબની સાથે પોતે વાર્તાલાપ ચલાવ્યો. પછી જ્યારે નમસ્કાર કરીને સરદાર પોતાની ઘોડાગાડીમાં બેસી ગયા, ત્યારે મહર્ષિજીએ છાનામાના જઇને પાછળથી ગાડીને પકડી લીધી.

ડુંગર જેવડા ઘોડા ચસકતા નથી ! સરદાર ચાબૂક લગાવે છે. ફરી ફરી ચાબૂકના પ્રહાર કરે છે, પણ ઉછળી ઉછળીને ઘોડા થંભી જાય છે. ગાડી જાણે કે ધરતીની સાથે જડાઇ ગઇ છે. સરદાર જ્યાં પાછળ નજર કરે ત્યાં હનુમાનજતિ શા સ્વામીજીને હસતા જોયા. ગાડી છોડી દઇને સ્વામીજીએ કહ્યું 'હવે તો સમશ્યા ટળી ને ?'

વિસ્મય પામતા સરદાર ચાલ્યા ગયા.

૧૨

'આજે મારી અવસ્થા પચાસ વર્ષ વટાવી ગઇ છે. પરંતુ તમારામાંથી કોઈ પણ માઇનો પૂત હોય તો ચાલ્યો આવે ! કાં હું એનો હાથ પકડું, ને એ છોડાવી દે, અથવા હું મારો હાથ અક્કડ રાખું તે કોઇ વાળી આપે. ચાલ્યા આવો, હું બ્રહ્મચર્યનો પરચો બતાવું.'

ગુજરાનવાલાની એ ગંજાવર સભામાંથી એક પણ શીખ બચ્ચો, એક પણ મલ્લરાજ મહર્ષિજીનો આ પડકાર ઝીલવાની હામ તે દિવસે ભીડી શક્યો નહોતો.

મેરઠ નગરમાં મહારાજે શ્રાદ્ધનું ખંડન કરનારૂં એક જાહેર ભાષણ દીધું. તેથી ત્યાંના શ્રાદ્ધ-લોલૂપ લાડુભટજીઓ ખીજાયા. જે માર્ગથી સ્વામીજી પોતાના ઉતારા પર જવાના હતા તે માર્ગે ડાંગો લઈ લઈને અલમસ્ત બ્રાહ્મણો ઓડા બાંધી બેસી ગયા. કહેવા લાગ્યા કે “આજ દયાનંદ નીકળે તો જીવતો ન જાય.”

સ્વામીજીના પ્રેમીઓને આ વાતની જાણ થઇ. વ્યાખ્યાન પૂરું થયે ભક્તોએ વિનવ્યું કે 'મહારાજ ! થોડીવાર ઠેરી જાઓ. રસ્તે જોખમ છે.'

હસીને સ્વામીજી બોલ્યા 'ના રે ના ! એ બાપડા કશું યે કરી શકવાના નથી, હું તદ્દન બેધડક છું. ને વળી મેં એક માણસને અત્યારે સમય આપ્યો છે, એટલે હું રોકાઇ ન શકું.'

એમ કહી એજ ગલ્લી વટાવીને મહારાજ પોતાની હંમેશની ગંભીર ગતિથી ચાલ્યા ગયા. ડંડાબાજો એક બીજાના મ્હોં સામે જોતા રહ્યા. કોઇએ ઉચ્ચાર સરખો ન કર્યો.

૧૩

'સ્વામીજી ! ભલા થઇને જોધપૂર જવાનો વિચાર છોડી દો. એ લોકો આપને ઈજા કરશે.'

'મારાં આંગળાને જલાવીને મશાલ બનાવે તો યે શું ? હું જરૂર જરૂર જઇશ, અને સત્યનો સંદેશો આપીશ.'

ગયા. પાખંડ ઉપર વજ-પ્રહારો, કર્યા. કશી ઇજા વગ૨ પાછા આવ્યા.