← છાવણીની પાડોશમાં ઠગ
પાછા છાવણીમાં
રમણલાલ દેસાઈ
૧૯૩૮
જાદુના ખેલ →


૨૦
 
પાછા છાવણીમાં
 


આઝાદે આટલું કહી પોતાનો ઘોડો પાછો ફેરવ્યો, અને ઝડપથી તે અંધારામાં અદૃશ્ય થઈ ગયો.

હું પણ ધીમે ધીમે અજવાળા તરફ ચાલ્યો. મારા મનને એક પ્રકારનો આનંદ થયો. મારા પોતાના જ માણસો મને મળશે એ વિચારે મારું હૃદય સહજ પ્રફુલ્લ બન્યું. થોડા દિવસમાં બનેલા આ બધા વિચિત્ર બનાવોથી મારું મન અતિશય વ્યગ્ર અને તીવ્ર બની ગયું હતું.

એટલામાં એક ચોકીદારે બૂમ મારી મને રોક્યો. તેનો અવાજ મેં પારખ્યો, અને તેને સામે જવાબ આપી. મારી પાસે બોલાવ્યો. મને જોઈને તે અતિશય આશ્ચર્ય પામ્યો, અને મારી ખબર પૂછવા લાગ્યો. તેણે જણાવ્યું કે ચારે પાસ મારે માટે શોધખોળ ચાલી રહી હતી. કંઈક ગામડાના લોકોને માર પડતો હતો, કંઈક રાજાઓ અને સરદારો ઉપર દબાણ થતું હતું, અને મોટા સાહેબ પણ આવી પહોંચવાના હતા.

મેં તેને જણાવ્યું : ‘હું હવે સહીસલામત છું. જા, જઈને બધાને ખબર કર કે હું આવ્યો છું. તે દિવસે ખજાનો લૂંટાયો અને તંબુમાં આગ લાગી તેમાં કોઈને હાનિ તો નથી થઈ ને ?'

‘નહિ નહિ, સાહેબ ! અમે બધાય જીવતા છીએ. કોઈને કાંઈ થયું નથી. પણ આપને માટે ખાસ ઊંચો જીવ રહેતો હતો.’ આમ કહી, તે છાવણીમાં બધે ખબર આપવા દોડ્યો.

અચાનક એક કાળો કદાવર માણસ મારા ઘોડા પાસે ઊભેલો મેં જોયો. હું સહજ ચમક્યો. અંધકારમાં મારાથી મુખ બરાબર ઓળખી શકાયું નહિ.

‘સાહેબ !’ મેં ગંભીરનો અવાજ પારખ્યો.

‘હજી તું અહીં છે, ગંભીર ?’ મેં પૂછ્યું.

‘હા જી. એ તો ઠીક થયું કે આયેશાને અગમબુદ્ધિ સૂઝી અને મને મોકલ્યો. નહિ તો આપની સલામતી માટે ખરેખર શંકા જ જતી.'

‘એમ ?' ‘આઝાદ કાંઈ આપને આમ સહજ જવા દે એવો નાયક નથી. કાં તો આપને બંધનમાં નાખી પોતાની શરત કબૂલ કરાવવી, અગર તો વેપારીઓને લૂંટી આપની મૈત્રીનો દેખાવ કરી છૂટા પડવું, એ બેમાંથી ગમે તે માર્ગે તે જઈ શકે એમ હતું. આખી યોજના અને યુક્તિ તેણે એ જ ધોરણે રચી હતી. આયેશાએ બંધનમાંથી તો આપને છોડાવ્યા, પરંતુ આ છેવટની બાજીમાં તેને ડર લાગ્યો એટલે મને બોલાવ્યો, અને આપના રક્ષણ માટે મોકલ્યો.’ ગંભીરે જણાવ્યું.

આયેશા માટે મને ઘણી જ લાગણી થઈ હતી. આ કથન પછી મારું માન તેને માટે એકદમ વધી ગયું.

‘મારે માટે આટલી બધી કાળજી !’ મેં આશ્ચર્ય બતાવ્યું.

‘સમરસિંહે આપની ભાળવણી આયેશાને કરી હતી. હું તેમની સાથે સદાય રહેતો, છતાં આ વખતે તેઓ મને સાથે લઈ ગયા નહિ. એનું કારણ આપ સમજી જાઓ. આપને સાચવવા મને ઘેર જ રાખ્યો હતો - સાથે લઈ ગયાનો દેખાવ કરીને !’

છાવણીમાં ઘોંઘાટ થઈ રહ્યો. પેલા ચોકીદારે બધાને ખબર પહોંચાડી હશે અને તેથી જ આમ બનતું હશે એમ મારી ખબર થઈ. કેટલાક લોકો મારી તરફ આવતા હતા એમ મને જણાયું.

‘ત્યારે હું જાઉ છું, સાહેબ ! હવે આપ આપની છાવણીમાં જ છો.’ તેને હું જવાબ આપું તે પહેલાં તો ગંભીર અદૃશ્ય થયો. આટલી ઝડપથી તે કેવી રીતે દેખાતો બંધ થયો એ બધું મને આશ્ચર્ય ઉપજાવતું હતું. ભૂત અગર જાદુગરોની જ આવી શક્તિ હોય એમ લોકવાયકા છે. પરંતુ આ ગંભીર જેવો બળવાન કદાવર મનુષ્ય જોતજોતામાં ક્યાં સમાઈ ગયો હશે તે સમજવું મને મુશ્કેલ થઈ પડ્યું. છાવણીમાંથી લશ્કરીઓનું ટોળું મારા તરફ આવી પહોંચ્યું, અને સહુ કોઈએ ખુશાલીના પોકારો કર્યા. સર્વ સૈનિકોને મારા પ્રત્યે સદ્ભાવ હતો. અને જોકે આજ્ઞાપાલન અને શાસનની બાબતમાં હું ઘણો કડક હતો, છતાં તેઓ મારા કડક સ્વભાવનો અનુભવ કરવા જેવા પ્રસંગો ભાગ્યો જ ઉપસ્થિત કરતા.

હું છાવણીમાં આગળ વધ્યો. મારા હાથ નીચેનો અમલદાર મારી સાથે એક તંબુમાં આવ્યો અને મારી ગેરહાજરીમાં બનેલી હકીકત ટૂંકાણમાં તેણે મને જણાવી. પ્રથમની છાવણીમાં આગ લાગ્યા પછી મારો પત્તો ન મળવાના કારણે સહુ કોઈ વ્યગ્ર થઈ ગયા. આગ કોણે લગાડી તે કોઈ પકડી શક્યું નહિ. પરંતુ તે ઠગ લોકોનું જ કામ હતું એમ મારા લશ્કરીઓને પણ સ્પષ્ટપણે લાગેલું હતું. નવાઈ જેવું તો એમ હતું કે આટલી ભારે ઊથલપાથલમાં કોઈ પણ સૈનિક જખમી થયો નહોતો, અને બીજા કોઈ પક્ષનું માણસ મરેલું કે ઘવાયેલું પડ્યું નહોતું.

માત્ર હું ખોવાયો હતો, અને સરસામાન બળી ગયો હતો, એ બે ભારેમાં ભારે બનાવ બન્યા હતા. હું જીવતો છું કે કેમ ? જીવતો હોઉં તો ક્યાં ગુમ થયો હોઈશ ? ઠગ લોકો મને કેટલો ત્રાસ આપતા હશે ? વગેરે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા, તર્કવિર્તક ચાલ્યા, શોધખોળ કરવામાં આવી, ઉપર સરકારમાં નિવેદન ગયાં.

અંતે મારી છાવણીનું સ્થળ ફેરવી હાલની જગ્યાએ લાવવાનો હુકમ થયો. મારા હાથ નીચેના અમલદારને તાકીદ આપવામાં આવી. વળી એક ગોરા અફસરની હાજરીમાં જ સંઘ લૂંટાયો. એ પણ હકીકત જાહેર થઈ ! અલબત્ત, મારા દેખતાં જ સંઘ લૂંટાયો હતો ! એ ગોરો કોઈ ઠગ લોકોનો મળતિયો હશે એમ પણ કોઈએ શંકા કરી. ફરિયાદ કરવા આવેલ રામચરણ શેઠને તો હું ન જ મળ્યો, કારણ એ તો મને ઓળખી કાઢે એમ હતું !

‘કલકત્તેથી મને કેટલાક દિવસ પછી હુકમ મળ્યો કે મારે ગવર્નર જનરલ સાહેબને રૂબરૂ મળી, બધી હકીકત સમજાવી છેવટનો હુકમ લેવો. ઠગ લોકોએ અમારી છાવણી બાળી, અને લશ્કરના ઉપરીને લઈ ગયા, વળી ફરીથી છાવણીની નજીકમાં સંઘ લૂંટાયો, આ બધી હકીકત ઠગ લોકોના અત્યાચારને ગંભીર સ્વરૂપ આપી રહી હતી. વળી છૂટાંછવાયાં છમકલાં અણધાર્યા સ્થાનોએ થવા માંડ્યાં અને ખરુંખોટું પણ ઠગ લોકોનું નામ એમાં આગળ આવવા માંડ્યું. વળી નેપાળ, કાબુલ, ચીન અને રશિયામાં પણ ઠગ લોકો પોતાના સાગરીતો મારફત અંગ્રેજ સરકાર વિરુદ્ધ ચળવળો કરે છે એવી ખબરો પણ આવવા લાગી. રશિયાનો સહુ કરતાં વધારે ભય હતો.

અને સમરસિંહના ઓરડામાંથી મળી આવેલા કાગળો ઉપરથી મને ઠગ લોકોની ભયંકર શક્તિનો પૂરો ખ્યાલ થઈ ગયેલો હતો. આ બધાં કારણોએ ગવર્નર જનરલ પણ ચિંતામાં પડ્યા, અને મને તેમ જ કેટલાક આગેવાન સેનાનાયકો તથા કેટલાક બાહોશ અમલદારોને બોલાવી મસલત કરવા તેમણે ઠરાવ્યું. વળી મારી ગેરહાજરીનો ઉકેલ લાવી મારો પત્તો મેળવવા ચારે પાસ દબાણ શરૂ થઈ ગયું. વધારાનું લશકર પણ મોકલવામાં આવ્યું હતું અને છૂટી છૂટી ટુકડીઓ મને ખોળવા માટે ચારેપાસ, ફરતી કરવામાં આવી હતી. પરંતુ હું ક્યાં હતો. તે હું જ જાણતો હતો !

મારા ગુમ થવાની બીના સત્તાની વધારે હાંસી થવાનો પ્રસંગ હતો, અને તેથી ઘણી જ ખંતથી મારી તપાસ ચાલ્યાનું મને જણાઈ આવ્યું.

અને છેવટ લશ્કરના મુખ્ય સેનાપતિ - મારા પણ ઉપરી આ સ્થળે પહોંચવાના હતા એમ પણ ખબર પડી !

મારા આવવાથી સ્વાભાવિક રીતે સહુ કોઈ ખુશ થયા અને મારા થોડા દિવસનો ઇતિહાસ પૂછવા લાગ્યા. મેં જરૂર પૂરતી વાત કરી. ઘણી વાત કહી નહિ, પરંતુ માત્ર ઠગ લોકોની વચ્ચે કોઈ પણ યુક્તિ કરીને હું રહ્યો હતો. અને તેમની ઘણી બાતમી હું ભેગી કરી લાવ્યો હતો એટલો જ ખ્યાલ સાંભળનારાઓને મેં થવા દીધો. મિસ પ્લેફૅરનો પણ પત્તો લાગશે એવી મેં આશા આપી. પરિસ્થિતિ સંબંધી સરકારમાં નિવેદન પણ કર્યું, અને કેટલીક ગુપ્ત હકીકત જાહેર કરી. ઠગ લોકોની નબળી બાજુ પણ બતાવી; અને ઠગ લોકો કેવી રીતે સહેલામાં સહેલી રીતે વશ થાય એ બાબતની સૂચનાઓ પણ બતાવી.

થોડા દિવસ હું આ સ્થળે જ રહ્યો. પેલો સંઘ લૂંટાયો હતો. તેની વાત પણ બધે ફેલાઈ મારો પત્તો લાગ્યાની ખબર સેનાપતિ સાહેબને આપી, એટલે તેમણે જાતે આવવાને બદલે મને જ બોલાવ્યો. ત્યાં ગયા વગર ચાલે એમ હતું નહિ, એટલે મારા મદદનીશને મારા કામનો હવાલો સોંપી હું થોડા માણસો સાથે સેનાપતિ સાહેબ પાસે જવા નીકળ્યો.

ઠગ લોકોનો ભય તો રસ્તામાં હતો જ, પરંતુ અમને રસ્તામાં ખાસ અડચણ પડી નહિ અને હું તેમના મુકામે પહોંચી ગયો.