← તાર. તરલા
રીસ.
ભોગીન્દ્ર દિવેટીયા
અરવિન્દ. →


પ્રકરણ ૩ જું.
રીસ.

ચંદાએ સાદું ધોળું ગવન પહેર્યું હતું. આખી રાતના ઉજાગરા અને રોવાથી આંખો સુજી ગઈ હતી. નાના મેજ પાસે ખુરશી ઉપર બેસી ખાનાં ઉઘાડી પોતાના વ્હાલા વસન્તલાલની પ્રેમપત્રિકાઓચીઠી–જુની ચીઠી–કાગળ કાઢી વાંચતી. દરેક કાગળમાં લખ્યું હતું કે, “તું જ મ્હારી આંખની કીકી છે.”

"એનાએ જ આ કે? ત્યારે એ શબ્દો ખોટા કે? લગ્ન કરતાં પહેલાં ને પછી આમ અમો અબળાને કેટલા પુરૂષો છેતરતા હશે ! અમે એવાં હોઈએ, અમે એમને નડતાં હોઇએ ને અમારો તિરસ્કાર કરે તે તો ઠીક, પણ અમે એમને માટે જીવ આપીએ, ચાહીએ છીએ એમ કહે, બબે ચચ્ચાર છોકરાંનાં માબાપ થાય પછી અમારો ત્યાગ કરે એ કેમ સહેવાય ?”

ચંદા ચીઠીઓ વાંચતા વાંચતાં રોતી, સામે ટાંગેલી પતિની છબી તાકીને જોઈ રહેતી. શું કરવું એના વિચારમાં દિવસો ને દિવસો ગયા હતા. ‘પીયર જાઉં ? છોકરાંને કાંઈ મારી સાથે મોકલે ? છોકરાને ન મોકલે તો હું પીયર ને છાકરાં અહીં ? મારો જીવ કેમ રહે? છોકરાંને મૂકી જાઉં તો એમને શું ? એમને તો વચમાંથી આડખીલી જાય. એમને શિક્ષા શી રીતે કરવી?” વિચારમાળા ચાલે છે ત્યાં બારણું ઉઘડ્યું ને વસન્તલાલ ધીરે પગલે, ધડકતે હૃદયે દાખલ થયો. ચંદા બારણાંનો ખખડાટ સાંભળતાં જ ઉભી થઈ. ચીઠી જેમ તેમ નાખી ખાનાં બંધ કર્યાં અને સ્નેહને બદલે ક્રોધ, વેર, ઇર્ષ્યા દર્શાવતા ચહેરે પતિ સામું જોઈ રહી.

વસન્તલાલ ધીરે સાદે નમ્રતાથી ખુરસી આગળ આવી એક હાથ ખુરસીના દાંડા ઉપર મૂકી બોલ્યો, “ચંદા!”

'એમને શું ? એમના ચહેરા ઉપર જરાયે ચિંતા જણાય છે ? હું અહીં બળી જાઉં છું ને પોતે કેવા સુખી છે !’ એમ ચંદાને લાગતાં બેલી– “કેમ! શું છે?”

“તરલા કાલે આવે છે.”

“ભલે આવે. એમાં મ્હારે શું ? મ્હારાથી નહી મળાય.”

“પણ ચંદા ! તારે રહેવું પડશે, અને એને મળ્યા વિના નહી ચાલે.”

“નહી ચાલે ? હા, હું મ્હારા પતિની આજ્ઞા પાળવા બંધાઈ છું. ચોરીમાં પ્રતિજ્ઞા કરી છે, પણ ક્યારે ? એ મારા પતિ રહ્યા હોય તો ને? એમના જીવનમાં આનંદ બીજાથી મળે અને મ્હારે એમનું કહ્યું કરવું ! હાય ! હાય! શું અમારી આ સ્થિતિ!” આ વિચારો આવતાં ચંદા અકળાઈ ગઈ–રોઉં રોઉં થઈ ગઈ ને બોલી:

“જાઓ, જાઓ, મ્હારે કાંઈ કરવું નથી.” જે ચંદાના કોમળ નેત્રમાં સ્નેહ ભર્યો લાગતો હતો, જે ચંદાનું ચાંદ જેવું મ્હોં હૃદયમાં શાંતિ ફેલાવતું હતું, જે ચંદાના બોલ અમૃતથી પણ મીઠા લાગતા હતા, જે ચંદાનો સ્પર્શ ચંદનથી પણ વધારે શીતળ લાગતો હતો તે જ પોતાની વ્હાલી ચંદા–આટલાં વર્ષોની જીવનમિત્ર ચંદા–બાલકોની માતા ચંદાને આમ ખરાં કારણસર રોતી જોઈ, નુર ઉડી ગયેલું લાગ્યું. બેબાકળી જેવી લાગી એટલે વસન્તલાલની ધીરજ રહી નહી. એની સ્નેહવૃત્તિએ એની પાપવૃત્તિ ઉપર સત્તા ચલાવી અને નરમ થઈ ગયો. આંખમાં આંસુ આવ્યાં, ગળામાં ડચુરો બાઝ્યો.

“ચંદા ! વ્હાલી ચંદા ! પરમેશ્વર ખાતર મ્હને મ્હારા ગુન્હા માટે માફી નહીં આપે ? કેદખાનામાંના ડામીજો ખરો પશ્ચાત્તાપ કરતા હોય તો તેમને સુધારવા કોશીશ થાય છે, તો પછી આ ત્હારા વ્હાલાને ગંભીર પણ ક્ષમા કરવા લાયક ગુન્હા માટે માફી નહી આપે ? દસ દસ બાર બાર વર્ષના લગ્નજીવન ગાળ્યા પછી આ સ્થિતિ ? વિલાયતી જીવન માફક છેડાછૂટકા કરવાથી, અગર છૂટાં રહેવાથી તું કે હું સુખી થઈશું એમ માને છે ? એથી હું વધારે બગડીશ. મ્હારા ઉપર અંકુશ નહિ રહે, ને તું સદા દુઃખથી હીઝરાયા કરીશ. બાળકો મ્હોટાં થયે આપણાં છૂટા પડવાનું કારણ જાણશે તો ત્હેમના ઉપર કેવી અસર થશે? વ્હાલી ! ત્હારા ઉપરનો મ્હારો વ્હાલ જરાયે ઓછો નથી થયો. એ માત્ર લાગણીનું જોર, એટલો હું કમતાકાત. ત્હારા જેવી સાધ્વી કેળવાયેલી પત્નીથી અનેક કુછંદી પતિઓ સુધર્યા છે તો આ તો મારી એક જ ભૂલ છે. વ્હાલી ક્ષમા કર ! અને એક વાર ફરી હૃદયમાં સ્થાન આપી બચાવી લે.” આટલું બોલતાં વસન્તલાલ ચંદાનો હાથ પકડવા ગયો. ત્યાં ચંદા એકદમ હાથ તરછોડી આઘી ખસી. “ચાલ્યા જાઓ ! લાગણીનું જોર ! રાખો તમારી પાસે.” ચંદા ડુસકે ડુસકે રોતી હતી. ઓરડામાંથી બહાર જવા તૈયાર થઈ, પણ પગ ઉપડ્યો નહી અને પાસે પડેલા કોચમાં ધબ દઈ પડી.

વસન્તલાલ ચંદાનાં અન્તર દુઃખો સમજતો હતો, અને ચંદાનું આંસુનું એક એક ટીપું એનું લોહી બાળતું હતું.

“ચંદા ! વ્હાલી ચંદા ! પરમેશ્વર ખાતર આટલી ભૂલની ક્ષમા આપ. છોકરાં સામું જો. એમનો દોષ છે? દોષ મ્હારો છે તો પછી છોકરાંને તજી શા માટે જવા તૈયાર થઈ છે ? તું જે કહે તે કરવા, તે શિક્ષા ખમવા હું તૈયાર છું.” ચંદા ક્ષણવાર શાન્ત રહી ને પછી બોલી, “છોકરાં ! છોકરાંને ને તમારે શું છે ? હું ને છોકરાં તો ત્હમારે મન રમકડાં ! મ્હારે મન તો છોકરાં મ્હારું જીવન છે. અત્યાર સુધી ત્હમારા હાલ ઉપર મ્હારો આધાર હતો, હવે આ છોકરાં એ જ. એમને જોઈ આંસુ પાડી, ભૂતકાળ સંભારી દહાડા પૂરા કરીશ. છોકરાંને લઈ જાઉં ને? કેમ થયું પૂછે તો શો જવાબ દેવો ? અહીં રહે તો ? મ્હારાં છોકરાને બેવફા પતિ–એમની માને દગો દેનાર પાસે રહેવા દઉં? એ કેમ બને ?”

ચંદાના એક એક શબ્દ વસન્તલાલ–પશ્ચાત્તાપથી નરમ બનેલા–શરમિંદા પડેલા વસન્તલાલને નરમ ને નરમ બનાવતા હતા. વસન્તલાલની આંખમાંથી આંસુ વહ્યે જતાં હતાં અને પાસે આવી બેઠો, “ચંદા ! પ્રિય ચંદા ! હવે ત્હારો શો વિચાર છે? હું શું કરું તો તું શાન્ત થાય?”

“શું કરો તો શાન્ત થાઉં ? ત્હમારા ઢોંગથી હું હવે ફસાવાની નથી. એમ ભોળાવાની નથી. ત્હમારું મ્હોં જોતાં હું બળી જાઉં છું. તમારો સ્નેહ તે સ્નેહ નહોતો એમ મને લાગે છે. ત્હમારૂં વ્હાલ તે વ્હાલ નહી પણ મારા શરીરનો મોહ હતો. ત્હમે મ્હને ખરા જીગરથી કદી ચાહતા જ નહીં એ આજ ખબર પડી. ત્હમને નથી દરકાર વ્હાલની. કે મ્હારા દીલના ચીરાવાની, નથી દરકાર છોકરાંની કે નથી દરકાર આબરૂની.”

વસન્તલાલ ચંદાના સામું જોઈ જ રહ્યો. પોતે જેમ જેમ કાકલુદી કરતો હતો, જેમ જેમ નરમ થતો હતો, તેમ તેમ ચંદા વધારે ને વધારે ઉશ્કેરાતી, વધારે ચંડિકારૂપ પકડતી હતી. આમાંથી શું થશે અને એનું શું પરિણામ આવશે એથી બીતો વસન્તલાલ ઉભો હતો ત્યાં બહાર છોકરાંની દોડાદોડ–હસાહસ સંભળાઈ.

છોકરાંનો અવાજ સાંભળતાં જ ચંદા જાગૃત થઈ, ચોગરદમ જોતી ઉભી રહી. બીજી જ પળે વિચાર આવ્યો હોય તેમ બારણા તરફ દોડી. વસન્તલાલ પણ દોડ્યો. બારણું ઉઘડતાં પહેલાં ચંદાને ખભેથી પકડીને બોલ્યો:

“ચંદા ! જરા થોભ. એક શબ્દ સાં......”

રાક્ષસીની માફક ચંદા ગાજી ઉઠી, “અહીં જ ઉભા રહો. મારી પાછળ આવ્યા તો ત્હમે જાણ્યા. નોકર અને છોકરાંને બૂમ પાડી બોલાવીશ અને ફજેત થશો. આજ જ આ ઘર છોડી ચાલી જાઉં છું.”

આટલું બોલતાં જ ચંદાએ બારણું ઉઘાડ્યું અને બારણું જોરથી અથડાયું. વસન્તલાલ ગાંડાની માફક ઉભો જ રહ્યો. નિશ્વાસ નાખ્યો અને ઓરડામાં આવી ખુરસી ઉપર પડ્યો.



‘રામા ! તરલા માટે ઓરડો સાફ કર્યો?’

‘હાજી.’

વસન્તલાલ અનેક દુઃખી પતિની માફક જે આનંદ ઘરમાં ના મળે તે આનંદ મેળવવા ક્લબમાં ગયો.

ચંદા ખાટમાં પડી પડી રોતી હતી. ઘરમાં આવજાવ થતી હતી, ત્હેનાં પગલાં સાંભળતી હતી. ચંદા–પવિત્ર ચંદાનો વ્હાલ ઓછો નહોતો. વસન્તલાલને અત્યંત ચહાતી, અને ચહાતી તેટલા માટે જ આટલી ઉશ્કેરાઈ ગઈ હતી. રીસમાં ને રીસમાં પાયે પડેલા વસન્તલાલનાં ખરતાં આંસુ તરફ, માફીના શબ્દ તરફ તેણે ધ્યાન આપ્યું નહોતું, પણ એનું પ્રેમાળ, ભગ્ન *[૧] અંતઃકરણ વસન્તલાલને માટે તડફડતું હતું, જો કે અત્યારે તો ક્રોધની લાગણી જ સર્વોપરી સત્તા ભોગવતી હતી.

‘હં ! રામાને કહી ગયા. બ્હેન આવવાના છે તે માટે જેટલી લાગણી છે તેથી અર્ધી મારે માટે નથી. હોય તો બ્હાર જવાય કેમ ? જવું ગમે કેમ ? હં, ગયા. હજી મને છેતરે છે. ક્યાં ગયા હશે? મ્હેં ખૂલ્લેખૂલ્લું પૂછયું હોત તો ? ના, ના, બુંદસે ગઈ તે હોજસે ન આવે. હવે ફુટેલા કાચ સંધાય ખરા ? ના–ના. એ તો જૂદા જ સારા. ન ભણી હત, હક ન સમજી હત તો બીજાં હિંદુ ધણીધણીયાણી પેઠે મારફાડ કરી પાછું બધું વીસરી જાત ને સુખી રહેત. આ તો નવા જમાનાનાં, શું કહું ? એકબીજા વિના મરી ફીટનારાની આ સ્થિતિ ? અરે ! પ્રભુ ! આના જેવું દુઃખ બીજું કયું ? હું એમને કેટલી ચ્હાતી હતી ? ચાહું છું, દોષજ મારો. આટલો ગાંડો સ્નેહ ન હત તો દુઃખ થાત ?’

એટલામાં નાની છોકરી આવી ને બોલી, ‘બા, ભાઈ બ્હાર ગયા.’

  1. ૧ ભાંગેલું.