તાર્કિક બોધ/૫. લખેલી વાત માનવા વિષે

← ૪. ઈશ્વરી ચોપડી વિષે તાર્કિક બોધ
૫. લખેલી વાત માનવા વિષે
દલપતરામ
૬. શાસ્ત્રીઓની સભા →



लखेली वात मानवा विषे. ५.


જેમ બાળકને કોઈ કહેશે કે, આપણા ગામને પાદર સિંગડાવાળા ઘોડા આવ્યા છે, તો તે બાળક બિચારો તરત સાચું માનશે. તેમ જ કોઈ પુસ્તકમાં ગમે તેમ લખ્યું હોય, તે ભોળા લોક બિચારા તરત ભરૂંસા લાવે છે. પણ આ વાત સંભવે છે, કે નથી સંભવતી, એટલો પણ વિચાર કરતા નથી. લખ્યું હોય કે -

“સોયના નાકામાં થઈને સાત હાથ ચાલ્યા ગયા. તેમાં છેલ્લા હાથીનું પુંછડું અટકી રહ્યું” એવું વાંચીને પણ વિચાર કરતા નથી, કે સોયના નાકામાંથી હાથી શી રીતે નીકળી શકે? તેમાં છેલ્લા હાથીનું પુંછડું સરીર કરતાં જાડું હશે કે શું? તે કાંઈ જોતા નથી. ફક્ત લખેલી વાત ઉપર વિશ્ચાસ રાખીને સાચે સાચી માને છે. તે વાંચનારની ભૂલ છે. એમાં લખનારનો ઝાઝો વાંક નથી, કેમ કે લખનાર કવિની મતલબ બે પ્રકારની હોય છે; એક તો લોકોને શીખામણ દેવાની, તેના પેટામાં ઇતિહાસ પણ આવે છે. અને લોકોને જુલૂમ કરતા અટકાવવા તે પણ તેમાં જ આવે છે. તેમાં કોઈ વખત જુઠ ભેળવવું પડે છે. જેમ કે કોલંબસને અમેરીકનો મારવા આવ્યા, તે સમે આકાશમાં ગ્રહણ થવાનું હતું તે વાત કોલંબસ જાણતો હતો. માટે લોકોની જુલમ અટકાવવા સારૂં તેણે કહ્યું કે તમે મને મારવા આવો છો તેથી ઈશ્વરીકોપ તમારા ઉપર થશે. અને હમણાં જગતમાં અંધારું થઈ જશે. એવામાં ગ્રહણ થવાથી અંધારૂં થયું એટલે તે લોકો સમજ્યા કે, કોલંબસે કહ્યું તે ખરૂં થયું તેથી નમી ગયા, એટલે કોલંબસે કહ્યું કે હવે હું પ્રાર્થના કરીશ તેથી ઈશ્વરનો કોપ મટી જશે અને અજવાળું થશે. પછી તે પ્રમાણે થયું. એ રીતે જુલૂમ અટકાવા સારૂં કવિયોને પણ આશાની કે ત્રાસની વાત વધારીને લખવી પડે છે. બીજું ફક્ત લોકોનાં મનોરંજન કરવાની બાબતો કલ્પિત લખાય છે. તે કેવળ કલ્પિત ગપાં, સદાચરણવાળાં અથવા દુરાચરણવાળાં લખાય છે; કેટલાએક કવિયો સાધારણ ગપાં, કે જેમાં દુરાચરણ નહિ અને સદાચરણ પણ નહિ, એવાં ગપાં મનોરંજન વરણવે છે.

શીખામણ અથવા ઇતિહાસ વર્ણવતાં પણ, તેમાં કવિતાના અલંકાર હોય, તો તેથી મનોરંજન થાય અને તેથી સાંભળનારના મનમાં એ વાત ખુબ ઠસે, અને અસર થાય, અલંકાર વિના ખુબ અસર થતી નથી. અલંકાર એટલે, જુઠી કલ્પિત ઉપમા લખી હોય તે.

જેમ કે, કોઈને કહીએ કે, જુઠું બોલવાની ટેવ રાખવી નહિ, એટલું જ કહેવાથી તેના મનમાં એ વાતની ખુબ અસર થતી નથી. પણ એક જુઠું દૃષ્ટાંત કલ્પિને કહીયે કે, એક ડોશી, રોજ જુઠી બૂમ પાડતી હતી કે, "મારા ઘરમાં ચોર પેઠા છે" તેથી કેટલીએક વાર તો, લોકો દોડીને આવ્યા, પણ તે જુઠી ઠરી, એટલે એક સમે ખરેખરા ચોર તેના ઘરમાં પેઠા તેથી ડોશીએ બૂમો પાડી, પણ લોકો આવ્યા નહિ. એ રીતે જુઠું બોલનારનું સાચું હોય તે પણ જુઠામાં જાય. માટે જુઠું બોલવાની ટેવ રાખવી નહિ. એમ યુક્તિ કરીને કહ્યું હોય તો, તે સાંભળનારના મનમાં ઠસે છે, અને અસર કરે છે.

વળી કહિયે કે, સર જમશેદજી જીજીભાઈ પાસે પ્રથમ થોડી પુંજી હતી, પણ તેણે દરિયો ડોળ્યો, તેમાંથી તેને કરોડો રૂપૈયા મળ્યા. એવું સાંભળીને કદાપિ મૂર્ખ તો એમ સમજે, કે જેમ એક વાસણમાંનું પાણી ડોળી નાંખીએ, અને તેમાંથી રૂપૈયા જડે તેમ તે ગૃહસ્થે દરિયાનું પાણી હલાવીને ડોળી નાખ્યું હશે; પછી તે દરીઆમાંથી રૂપૈયા જડ્યા હશે. પણ સમજુ માણસ એવું સમજે નહિ. એ તો તરત એ કહેવાની મતલબ સમજી લે. વળી કવિતાના નવ રસ છે. તેમાં હાસ્યરસનું વરણન કરે તો, સાંભળનારને જેમ ઘણું હસવું આવે, તેમ તે કવિની હુશીઆરી ગણાય. અને અદ્ભુત રસનું વરણન કરે ત્યારે આકાશવાણી, ભવિષ્યવાણી તથા સમુદ્ર પી જવા વગેરેની મોટી અચરજ ભરેલી વાતો લખે; કે જેથી સાંભળનાર ઘણું આશ્ચર્ય પામે, તેમ ગ્રંથ કર્ત્તાની વધારે હુશીઆરી ગણાય છે.

એવા ગ્રંથોમાંથી સાચી વાત કેટલી છે, તે શોધી કાઢતાં મુશ્કેલ પડે છે ખરૂં. તે શોધવાની રીત એવી છે કે, એક કવિયે લખ્યું હોય તે વિષે બીજા દેશના કવિયે સાક્ષી આપી હોય, અથવા એક ધર્મના કવિયે લખ્યું હોય, અને બીજા ધર્મના કવિયે સાક્ષી આપી હોય; વળી તે વાત સંભવતી હોય, તો સાચી મનાય છે. જેમ કે, એક શેઠે પોતાના છેક નહાના દીકરાને કહ્યું કે, એક માણસ આખા મુંબઈ શહેરને અમદાવાદના ચૌટામાં ઉપાડી લાવ્યો છે. એ સાંભળનાર છોકરો અણસમજુ હતો, માટે તેણે એવું માન્યું કે મુંબઈ શહેર આખું આવ્યું હશે, પછી તે શેઠે તથા બીજા દીકરાને તે વાત કહી; ત્યારે તે છોકરો કાંઈક સમજણો હતો, તેથી તેણે એટલું પુછ્યું કે બાપા, આખું મુંબઈ શહેર એક માણસ શી રીતે ઉપાડી શકે? પણ તમે કહો છો તેમાં સમજવાનું કાંઈક બીજું હશે. શેઠે કહ્યું કે, એક કાગળમાં ચિત્રેલું આખું મુંબઈ શહેર લાવ્યો છે, ત્યારે તે છોકરે એ વાત સાચી માની. પછી શેઠે ત્રીજો છોકરો ઘણો હુશીઆર હતો, તેને પણ એ રીતે કહ્યું. ત્યારે તેણે કહ્યું કે, તમારે કહેવાની મતલબ શી છે? તેનો હું વિચાર કરૂં છું. ત્યારે મને એવું ભાસે છે કે, એવું ચિત્ર પણ કોઈ લાવ્યું નહિ હોય; કેમ કે મુંબઈનો એવો નક્શો બનેલો હોય તો વર્ત્તમાન પત્રોમાં એ વાત વાંચવામાં આવે. તથાપિ એ વાત સંભવે એવી છે. અને તે વાતમાં એવો ચમત્કાર છે કે, વગર ભણેલો હોય તે મુંબઈ જાય ત્યારે મુંબઈ શહેર દેખે, અને ભણેલો હોય તે નક્શામાં આખું મુંબઈ શહેર દેખે, માટે ભણવાનો ફાયદો બતાવવા સારૂં આ કલ્પિત વાત તમે કહેતા હશો. શેઠ બોલ્યા કે, નાના એમ નથી. આપણો પડોશી મને કહેતો હતો કે મુંબઈથી પુસ્તક વેચનાર એક આવ્યો છે; તે ગઈ કાલે માણેકચોકની ગુજરીમાં વેચવા બેઠો હતો. તેની પાસે મુંબઈના નક્શા મેં જોયા. તે જોતાં જોતાં મોટા મોટા સાહુકારોનાં ઘર, તથા નામીચી જગાઓ કિયે કિયે ઠેકાણે છે, તે વગેરે સઘળું માલૂમ પડતું હતું. છોકરો બોલ્યો કે, એ વાત તમે શા ઉપરથી કહો છો, તેનો ખુલાસો તમે કર્યો તેથી હવે મેં સાચી માની.

વાતનો સાર. વાત સંભવે એવી હોય. અને કહેનારને શી રીતે માલૂમ પડી, તેનો ખુલાસો થાય ત્યારે વિચારવાળા માણસના મનમાં આવે. પણ કોઈ એવું કહે કે, આ વાત મને પરમેશ્વરે કહી, અથવા તે વાત અસંભવિત હોય, અને વળી તેનો કોઈ સાક્ષી પણ ન હોય, તે વાત તરત માનવી નહિ. એ વાત સાંભળીને

ક્રૂરચંદ—ત્યારે આપણા દેશમાં શાસ્ત્રીઓની સભા કોઈ કોઈ સમે થાય છે, તેમાં આવા ઝીણા વિચારની વાતો નીકળતી હશે કે નહિ?

સુરચંદ—ભાઇ, કેટલાક શાસ્ત્રીઓ તો પોપટની પઠે બોલી જાણે છે, પણ તેનામાં વિચારશક્તિ જોવામાં આવતી નથી. તેનો એક દાખલો સાંભળ.