← ભાસ્કરનો ભેટો તુલસી-ક્યારો
'બડકમદાર'
ઝવેરચંદ મેઘાણી
બાકીનું તપ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






પ્રકરણ તેતાલીસમું
'બડકમદાર !'


સ્ટેશને દેવુ સામે લેવા આવેલો. એના મોં પર લાલી ચડી હતી.'ઓ અનસુ !' એક કહી એણે અનસુને બાથમાં લઇ એ ચીસ પાડે ત્યાં સુધીની ચીપ દીધી ને અનસુને રીઝવવા એ ભાત-ભાતની પશુ-વાણી કરવા લાગ્યો. એણે યમુના બહેનની પાછળ છાનામાના જઇને ચીંટી ખણી. કોપેલી યમુના પાછળ ફરી જૂએ તો દેવુ મોં ફેરવીને સાવ અજાણ બની ઊભેલો. યમુનાનો કોપ મસ્તીરૂપમાં ફેરવાઇ ગયો. યમુનાએ દેવુના બરડામાં એક ધબ્બો દીધો.

સામાન ઉપડાવતી ભદ્રાએ આ તોફાન મસ્તીમાં દેવુનું ને યમુનાનું નવું જીવન નાદ કરતું દીઠું. કોઇકને ધબ્બો મારવાનું દિલ તો એને ય થઇ આવ્યું. પણ એનો ધબ્બો સુસ્થાને શોભે તેવો કોઈ બરડો ત્યાં નહોતો. કિશોર છોકરો કે ગાંડી બૈરી બની જવા એનું મન ઝંખી ઊઠ્યું.

'ફટવ્યો લાગે છે તારી બાએ !' રસ્તે ટપામાં ભદ્રાએ દેવુને અભિનંદન આપ્યાં

'ફટવે જ તો ! શા માટે ન ફટવે ?' દેવુનાં ગલોફા ફૂલ્યાં. ભદ્રાએ અંતરથી આશિષો દીધી ને કહ્યું : 'મારી ગેરહાજરીમાં ઘી ગોળ કેટલાં ઉડાવી ગયો તેનો હિસાબ દેજે જલદી ઘેર જઇને, રઢિયાળા !'

'ચોરીને ખાધું તેનો હિસાબ હું શાનો દઉં ? ચોરને પકડવા આવનારે જ એ તો શોધી કાઢવું રહ્યું.'

ભદ્રાને આ જવાબો સુખના ઘૂંટડા પાતા હતા. 'હાશ બૈ ! છોકરાંના મોં માથેથી મારી કે કોઇની ઓશિયાળ તો ગઇ ! હું કેટલું ખવરાવતી તો ય કદી લોહીનો છાંટો ય ડીલે ચડ્યો'તો ! હે તુળસી મા ! મારો ભાર તમે ઉતાર્યો.'

એણે પૂછ્યું : ' બા શું કરે છે ?'

'નજરે જોજો ને ! ઘર ક્યાં દૂર છે ? જોઇ જોઇને દાઝજો !'

'જોઉં તો ખરી ! મને દઝાડે એવો તે કયો અગ્નિ પેટાવેલ છે તારી બાએ ?'

એમ કહેતી ભદ્રા ઘરમાં દાખલ થઇ ત્યાં તો એણે અનાજની ગુણીઓ ઠલવાએલી દીઠી. ચોખા ને ઘઉંના ડુંગરા થયા હતા. સોવાનું ને ઝાટકવાનું કામ ધમધોકાર ચાલતું હતું. સાફ થયેલા અનાજને એરડિયું ચડાવવાની ક્રિયા થઇ રહી હતી.બે મજૂરણોના હાથમાં સૂપડાં ને ચાળણીઓ ચાલી રહ્યાં હતાં. ને એ ઓરડો વટાવી ભદ્રા બીજામાં ગઇ તો એણે 'બડકમદાર ! બડકમદાર !' એવા શબ્દો સસરાના ગળામાંથી પૂર્ણ છટા સાથે છૂટતા સાંભળ્યા ને ત્યાં એણે પીંજારાની તાંત ચાલતી દીઠી.

બાપુજી ત્યાં બેઠા બેઠા ઘરનાં જરીપુરાણાં ગાદલાં ઉખેળાવી અંદરનું રૂ પીંજાવતા હતા. એણે ઊઠીને તરત કહ્યું : 'પહોંચ્યાં ને તમે? વાહ ! બડકમદાર...! હાશ, હવે હું તો છૂટવાનો. આ કંચને તો મારા માથે કેર ગુજાર્યો છે. લાવી દો એરંડિયું ! લાવી દો સામટા દાણા ! લાવી દો નવું રૂ ! આ રૂ સારૂં નથી, ને આ એરંડિયું દાણામાં ચડાવવા નહિ ખપ લાગે ! આ ખાટલાની પાટી ભરનારને તેડાવો ને પેલા ખાટલાને વાણ ભરાવી દો. મને તો પગે પાણી ઉતરાવ્યાં છે, બાપ ! આ તે દીકરાની વહુ કે કોઈ નખેદ દીકરો ! મને બેસવા દેતાં નથી. તેમે હતાં તો કેવું સુખ હતું મારે ! દસ દસ વરસ પહેલાનાં દેવુના મૂતરેલા ગાભા જેવાં ગાદલાં, એઇને મઝાષાથી ચાલતાં. ને પંદર વરસથી પાટી ધોયા વગરના ઢોલિયામાં ય ઘસઘસાટ ઊંઘ આવી જતી. ને વળી મહિને મહિને દાણો લાવીને ખાતા તેને ઠેકાણે આ તો ઘરમાં મોટી રાજક્રાંતિ થઇ રહી છે ! મને શી ખબર કે તમારી દેરાણીને તમે આવડાં પહોંચેલાં કરી નાખ્યાં હશે ! નહિતર તમને હું દૂર રાખત શા માટે ? હવે તો બાઓ, તમારી સત્તા આ ઘર માથેથી ગઇ છે. ઘરનાં ખરાં માલિક આવી પહોંચ્યાં છે. હું સાચવવાનું કહેતો, ત્યારે આકરૂં લાગતું તો હવે લેતાં જાઓ, તમારી સત્તા જ ઝૂંટવાઇ ગઇ. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં.'

'દેવુ !' ભદ્રાએ પીઠ ફેરવી સસરો સાંભળે તેમ કહ્યું; 'બાપુજીને કહે કે મને બનાવો છો શાને ? તમે જ ઉપર રહીને કંચનની મદદથી મારી સામે આ કાવતરું રચ્યું છે ના ! એટલા માટે જ એને લઇને તમે આંહીં આવ્યા હતા. પણ એ ગઇ ક્યાં?'

એમ કહેતી ભદ્રા બીજે ઓરડે દોડી, ને ત્યં એણે કંચનને પીંએલા રૂના પૉલ પાછળ છુપાએલી પકડી પાડતાં સામસામી હસાહસ મચી રહી. 'કાવતરાબાજ !' કહી ભદ્રાએ એના કાન આમળ્યા. ભર્યો ભર્યો કંચનનો દેહ અંદરથી કોઈ અજબ સ્ફૂર્તિથી ઊછળી રહ્યો. એના અંગેઅંગમાં જીવન કોઈ લાસ્ય-નૃત્ય ખેલી રહ્યું. તેની માછલી જેવી ગતિમાન કાયા ભદ્રાના હાથમાંથી સરી જવા લાગી. પીંજેલું રૂ પડ્યું હતું તેના સફેદ સુંવાળા પૉલને બથમાં લઇને કંચન બોલી ઊઠી : 'ખરેખર ભાભીજી, આજ સુધી બબે મોટાં ગાદલાંમાં સૂતાં છતાં આ તો કદી ખબર જ નહોતી. મને તો એવું થાય કે રોજેરોજ નવાં ગાદલાં ભરાવ્યા જ કરૂં, રોજેરોજ નવું નવું રૂ પીંજાવ્યા જ કરૂં. ને સાંભળો તો, આ પીંજારાની તાંત શું બોલે છે ?' એમ કહેતે એણે તાંતના ઢેં-ઢેં-ઢફ-ઢફ-ઢફ એવા અવાજોના ચાળા પાડી હાથની ચેષ્ટા માંડી.

ભદ્રા સમજી ગઇ. આ સર્વ સ્ફૂર્તિની ભૂખ એના શરીરની ગર્ભવતી સ્થિતિને આભારી છે. ભદ્રાએ એને મસ્તકે હાથ મૂકીને ફક્ત એટલું જ કહ્યું : 'હિલોળા જ કર તું તારે બેન ! હિલોળા જ કર. આ ઘર તારું જ છે.'

'ને બાપુજી તો કાંઈ છે ને ભાભીજી !' કંચને વાત આદરી ! 'હું જે કહું તે કરવા કડે પગે બડકમદાર ! ગાદલાં માટે નવું કાપડ લાવો, તો કહે કે બહુ સારૂં, બડકમદાર ! જે મગાવું તે લઈ આવી દેવા માટે બસ બડકમદાર ! એ બોલે છે ત્યાં તો મારાથી હસી પડાય છે. એ 'બડકમદાર' બોલે છે ને મારા તો પેટમાં જ ભાભીજી, કંઇક ઊછળવા લાગે છે.' એમ બોલતી કંચન, જેણે ત્રણ ત્રણ કસુવાવડો જ જોઇ હતી, જેને સાતમા ને આઠમા મહિનાની સગર્ભાવસ્થાએ અનુભવાતો સ્વાદ કદી ચાખ્યો નહોતો, તે આ નવા અનુભવની કથા કહેતાં નીચે જોઇ ગઇ. એના પેટમાં બાળકનું સ્પન્દન ચાલતું હતું.

ભદ્રાએ એનું મોં ઊચું કર્યું ને એથી આંખોમાં પલ પૂરર્વેના થનગનાટને બદલે ગ્લાનિ ને વિષાદ, ભય ને ચિંતા નિહાળ્યાં. એનો પણ મર્મ ભદ્રા પારખી ગઈ.કંચનનાં નેત્રો એકાદ મહિના પછીની કટાકટી પર મીટ માંડી બેઠાં હતાં. એ ટાણે, એ પ્રસવની ચીસો ટાણે, એ શિશુના પહેલા રૂદનને ટાણે, આના આ જ સસરાના કાનમાં શું થશે ? આ ભદ્રા, આ પાડોશીઓ, સુયાણી વગેરે સૌ શું કરશે ? કોઇને કંઇ આડું અવળું કરવાની સૂચના તો નહીં થાય ? એ કલંકનો નિકાલ તો કોઇને નહિ ભળાવાય ?

એ એકેએક મનોવેગને ભદ્રાએ પકડી પાડ્યો. ને એણે કશું જ બોલ્યા વગર, કંચનના રૂના પૉલ પર ઢળેલા ચહેરાની જમણી આંખને ખૂણે આવેલું આંસુનું ટીપું હળવી આંગળીએ ઉપાડી લીધું.

ત્યાં તો સસરાનો શબ્દ સંભળાયો : 'બડકમદાર ! હું શાક લેવા જાઉં છું. ગાદલાના ગલેફનું કાપડ લેતો આવું છું. બીજું કાંઈ જોવે છે બડકમદાર ? ઠે...ક ! અત્યારે યાદ ન આવતું હોય તો પછી કહેજો - બડકમદાર ! કરમીની જીભ અને અકરમીના ટાંટીઆ ! અલી ઓ અનસુ ! બડકમદાર ! યમુના, બદકમદાર !' એમ બોલતા સોમેશ્વર માસ્તર રૂપેરી હાથાવાળી સીસમલાકડી વીંઝતા, ઘરમાં છુપાઇને હસતી યમુનાના માથા પર લાકડી અડાડતા કહેતા ગયા કે 'બડકમદાર ! કોણ કહે છે તું ગાંડી ? - બિલકુલ ગાંડી નહિ, બડકમદા...ર !'

'બડકમદાર' શબ્દ કોઈ મંત્ર કે સ્તોત્ર સમો બન્યો હતો. એ ઉચ્ચાર આખા ફળીમાં જીવન પાથરતો હતો. એ શબ્દ વાટે એક વૃદ્ધની સ્ફૂર્તિ ને શક્તિ હવામાં લહેરીઆં પાડતી હતી. ચાલ્યા જતા સસરાની પાછળ શેરી પણ ગાજતી ગઈ - 'બડકમદાર !'

ભદ્રાએ એનો મર્મ પણ કલ્પી લીધો, કે સસરા જાણે કોઇક અપૂર્વ આપત્તિના કસોટીકાળને માટે કૃત્રિમ હિંમતનો સંચય કરી રહેલ છે. એવો અર્થહીન ઉચ્ચાર પગલે પગલે કાઢવાનો એ વગર બીજો હેતુ ન હોય. ને કસોટીનો કાળ ક્યાં દૂર હતો ? એક મહીના પછી એક પ્રભાતે કંચનની એ પ્રસવ-ચીસોનો પ્રારંભ થયો. એના ખાટલાને ઝાલીને ભદ્રા સુયાણીની સાથે બે રાતથી બેઠાબેઠ હતી. વેદના અસહ્ય હતી. કંચનને વેદના પીવાની ટેવ નહોતી, એને તો જાણે કોઇએ અગ્નિકુંડમાં ઝીકી દીધી. એને ચીસોને દાબવાની શક્તિ હતી તેટલી ખરચી. પણ છેવટે હોઠની ભોગળો ભેદતો ભેદતો સ્વર છૂટ્યો, - કોના નામનો સ્વર ? કોને તેડાવતો પોકાર ? કોને બોલાવતી ચીસ ? એનું કોણ હતું ? એને મા નહોતી, બહેન નહોતી, ભાઇ નહોતો, ને એક પણ એવી બહેનપણી નહોતી - એક પણ નારીસન્માનનક પુરુષમિત્ર નહોતો; ભરથાર હતો પણ નહતા જેવો, દરિયાપાર બેઠેલો, રૂઠેલો, પોતે જ ફગાવી દીધેલો. કોનું નામ પોકારે ? કોના નામનો આકાર ધર્યો એ વેદનાની આર્તવાણીએ ?

'બાપુજી ! બાપુજી ! ઓ મારા બાપુજી.. જી - જી !' એમ પુકારત એના દાંતની કચરડાટી બહાર બેઠેલા સસરાએ સાંભળી. કંચનને મન પોતાનો પરિત્રાતા, પોતાને માટે જમની જોડે પણ જુદ્ધ માંડનાર આ એક જ પુરૂષ હતો: સસરો સોમેશ્વર હતો; એણે પુકાર્યું -

'બાપુજી ! ઓ મારા બાપુજી...ઇ...ઇ ઇ -'ને દાંતની કચરડાટી પર કચરડાટી.

'તુલસી મા ! હે તુલસી મા ! તુલસી મા સારાં વાનાં કરશે બેન !' બેઠી બેઠી ભદ્રા, કંચનના લથડતા, કકળતા, ભાંગી ટુકડા થતા શરીરને ટેકવતી બોલતી હતી.

સોમેશ્વર માસ્તરનો એ સૌથી વધુ કપરો કસોટીકાળ હતો. ગઈ કાલ સુધી એણે વૈદ્યને બોલાવેલા, ઓસડિયાં ખવડાવેલાં, સુવાવડનો ઓરડો સ્વચ્છ કરાવી ત્યાં ઢળાવવાના ખાટલામાંથી વીણી વીણીને માંકડ કાઢેલા, ધૂપ દેવરાવેલો, ઓરડાને ગૌમૂત્ર છંટાવેલાં ને પૃથ્વી પર મહેમાન બનનારા મટે નાની મંચી, પોચી ગાદલી, અરે બાળોતિયાંના ટુકડા પણ પોતે ચીવટ રાખીને તૈયાર કરેલા.

એ જ ડોસાએ જ્યારે પ્રસવ સામે દીઠો ત્યારે એક ધ્રુજારી અનુભવી. એનું હૈયું પાછું પડ્યું. એની અંતર-ગુહામાં બેઠેલો સંસારી બોલી ઊઠ્યો : અલ્યા એઈ ! પણ આ બાળક કોનું? ને આ શી વાત ! અલ્યા આ દીકરાની નામરદાઇનાં નગારાં વગડાવછ ! અલ્યા આ ચીસો પાડનારી લગીરે લજવાતી નથી !

ઝાઝા વિચારોએ એને જાણે કે પીંખી નાખ્યો. એને સ્વેદ વળી ગયો ને આજના એક મહિનાથી જે શૌર્ય-શબ્દ 'બડકમદાર' એના મોંને જંપવા નહોતો દેતો તે એના ગળાની નીચે રોકાઈ ગયો.

'બાપુજી ! બાપુજી ! ઓ મારા બાપુજી ઈ-ઈ-ઈ.' ચીસો ઊઠતી રહી, ચીસ પાડનારી રાહ જોતી રહી કે હમણાં પડકારશે ડોસા, 'બડકમદાર !' એટલે હું માનીશ કે મારા સસરા મારી વહાર કરવા, મને દાનવોથી રક્ષવા આંહીં જ બેઠા છે, પણ કોઈ ન બોલ્યું 'બડકમદાર !'

સોમેશ્વરને લજજાએ, નબળા વિચારોએ ને આ ચીસોની નફટાઈએ ભાંગી નાખ્યો. એણે કાન આડી હથેળીઓ દીધી. એણે વહુના પ્રસવ-ખંડની પરશાળ છોડી દીધી. એ જાણે કે નાઠો, પણ નાસીને જાય ક્યાં ? નાસીને જવાનું એક જ ઠેકાણું હતું : પાછલી પરશાળે પડેલો અંધા જયેષ્ઠારામનો લબાચો.

સોમેશ્વર સરકીને ત્યાં પહોંચ્યા, એણે જઇને જયેષ્ઠારામના હાથ ઝાલી લીધા, એના મોંમાંથી 'કરમ ! કરમ !' એવા ઉદ્ગાસર નીકળ્યા.

જયેષ્ઠારામે ઘરમાં જાણે કશું જ બનતું નથી એવા મિજાજે કહ્યું : 'કાં દવેજી ! આજ તમારૂં 'બડકમદાર' ક્યાં તબડકાવી ગયું ?' 'ચુપ રહે ભાઇ! બોલ મા !' સોમેશ્વરે સાળાનો પંજો દાબ્યો. 'હું હાર્યો છું. મેં આ શું કર્યું ? હેં જ્યેષ્ઠા !તેં આ શી સલાહ દીધી'તી મને ?'

'શું છે ?' જ્યેષ્ઠારામ હસ્યો.

'આ કોનું સંતાન ! હેં ? આ કોનું હશે ?'

'એ તો ખબર નથી દવેજી ! પણ તમને કંઇ ખબર છે કે હું મારી માને પેટે કોનો જન્મ્યો હતો ? હેં દવે, પાકી ખબર છે તમને કે હું મારા બાપનો જ છું, હેં?'

એવા બોલનાં તાળાં સોમેશ્વરની જીભને દેવાય તે પૂર્વે તો અંધાએ આગળ પ્રશ્ન કર્યો, 'ને તું પંડે તારી માને પેટે કોનાથી, તારા બાપથી જ પાકેલ તેની તને ખાતરીબંધ ખબર છે કે દવે ! એંશી એંશી વરસના આપણા ન્યાતીલાને પૂછી જોશું હેં દવે, કે મારી ને તારી માના પેટે હું ને તું કોનાથી પાક્યા'તા ?'

સોમેશ્વર ચૂપ બન્યો - થોડી વાર એ મૌન ટક્યું - એ મૌનને વીંધીને બૂમ પડી 'ઓ બાપુજી ! ઓ મારા બાપુજી ! ઓ...ઓ...ઓ...'

'જાઓ દવે !' અંધાએ કહ્યું, 'ને મને ય લેતા જાવ. કોઇએ સંતાન કોનું છે એવું પૂછવા જેવું નથી.તે પૂર્વે આપણે આપણી જાતને પૂછવું કે હું પોતે કોનો હોઇશ ? માટે ચાલો. એને હિંમત આપો પરશાળમાં બેસીને.'

બીજાને હાથે દોરાતો અંધ તે ટાણે સોમેશ્વરને દોરી પ્રસવ-ખંડ પાસે લઈ ગયો ને ઊભો રહ્યો તે પછી પ્રસવની ભયંકર વાણ્ય આવી. ચીસ પડી !'બાપુજી, ઓ મારા.......'

'હો બચ્ચા ! આ રહ્યો હું બચ્ચા ! બડકમદાર !' એ શબ્દો કંચને સાંભળ્યા. ને તે પછી બીજી જ ક્ષણે વિશ્વની પરશાળે, બ્રાહ્મણવાડાને ઓરડે, તુલસીને ક્યારે, પ્રભુધરના પરોણલા શી એક બાલિકા ઊતરી પડી. સુયાણીએ બહાર આવી ખબર દીધા : 'દાદાને ઘેર લેણિયાત આવી !'

'બડકમદાર !' એ બોલ બોલી સોમેશ્વર માસ્તર ગદ્‍ગદિત બન્યા. એ તુલસી-ક્યારે ગયા. ત્યાં યમુના અનસુને લઇ ચુપચાપ બીડેલી આંખે બેઠી કંઇક પ્રાર્થના લવતી હતી; અનસુને પણ એણે હાથ જોડાવ્યા હતા.