← 'બડકમદાર' તુલસી-ક્યારો
બાકીનું તપ
ઝવેરચંદ મેઘાણી
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





પ્રકરણ ચુમાલીસમું
બાકીનું તપ

૯૩૯ના ઓક્ટોબર મહિનામાં લડનની પાસપોર્ટ-કચેરીમાંનાં પગથિયાં ચડનાર એક ઓવરકોટમાં લપેટાએલા યુવાનને તમે જોયો હોય તો તમે તો શાના ઓળખો ! અરે ભદ્રાએ જોયો હોય તો ભદ્રા પણ પહેલી નજરે તો ભાગ્યે જ ઓળખી શકે કે એ પોતાનો દેર પ્રોફેસર વીરસુત છે. ને ભદ્રા તો એને ભાળે તે પળે જ બોલી ઊઠે કે 'આ હા હા ભૈ ! આ તો તમને ચોખ્ખેચોખ્ખી ભાસ્કર ભૈની આશિષો ફળી છે હોં ભૈ. પણ આપણે કોઇની જોડે બાઝવું કરવું નથી. હોં ભૈ !'

દારૂગોળા અને દાવાનળના ઝેરી ઘુમાડાથી ખરડાયા પહેલાંની ઇંગ્લાંડની આબોહવાએ ને ધરતીમૈયાએ, પોતાની નિત્યની ખાસિયત અનુસાર આ સુકલકડી હિંદી યુવાનના દેહને પણ પોતાની તંદુરસ્તી ને સુરખીમાં લેટાવ્યો હતો. પાંચ મહિનાના એ વસવાટે એના ગાલના ખાડા, આંખોના ગોખલા, મોં પર પડેલી દાઝો, અને કરચલિયાળી ચામડી પર ગુલાબોની જાણે પૂરણી કરી દીધી હતી.

પાસપોર્ટ-કચેરીનાં પગથિયાં ચડતાં ચડતાં એને પોતાને જ પોતાના દેહ પ્રત્યે આશ્ચર્ય ઊપજી રહ્યું હતું. હિંદમાં હતું ત્યારે જે શરીર ફાટેલી સાદડી પેઠે અથવા જર્જરિત છત્રીની જેમ કાગડો બનીને કઢંગી ઢબે ઊડવા જેવી ચાલે ચાલતું તે જ શરીર હવે તો પૂરા નીરમે દરિયાનાં નીર પર મલપતા જતા વહાણ જેવો આનંદ પોતાની તોલદાર ગતિમાં અનુભવી રહ્યું હતું.

ને એ પગથિયાં ચડતાં ચડતાં એને ઘેલી એક બીક પણ લાગતી હતી : હું હિન્દમાં ઊતરીને ઘેર પહોંચીશ તે દરમિયાનમાં આ લાલી, આ ગુલાબી, આ સીનો ને આ દેહ-ભરપૂરતા કોઇ માયવી સૃષ્ટિની માફક વિલય તો નહિ પામી જાય ને ?

એમ વિચારતો વિચારતો એ પોતાના કોટના ઊંડા ગજવામાં ડાયરીની અંદર દાબી મૂકેલા એક કાગળ પર મીઠાશથી પંજો ચાંપતો હતો.

પાસપોર્ટ-અમલદારની મુલાકાત મળતાં પહેલાં એને બહાર લાંબો સમય ઊભા થઇ રહેવું પડ્યું. હિંદમાં પાછા જવાની પરવાનગી મેળવવા મુલાકાતે આવેલાઓની સંખ્યા ક્યાંય માતી નહોતી. દરેકને વારાફરતી મુલાકાત મળતી હતી. ત્યાં જામેલી કતારમાં કેટલા ય ચહેરા પર વ્યગ્રતા, શૂન્યતા અને પાસપોર્ટ પર સહી મળવાની નિરાશા લખાએલી હતી. ત્યારે એની વચ્ચે વીરસુત મલકાતો ઊભો હતો.

એની નજીકમાં બેઠેલાં અન્ય ગોરાં સ્ત્રીપુરુષોની વચ્ચે જે હળવી વાતચીતો ચાલી રહી હતી તે સાંભળ્યા પછી તો એની આશાનો પારો એકદમ ઊંચે ઊતરી જવા લાગ્યો ને એને અતિ હર્ષાવેશમાં એવું લાગ્યું કે રખે ક્યાંક પોતે પ્રાપ્ત કરેલૂં ગુલબદન એકાએક ઓગળી જાય.

એને કાને બીજાંઓનું કલ્પાંત પડતું હતું. કોઇ બાઇનાં છોકરાં હિંદમાં હતાં, ને એમાંના એકને ટાઇફૉઈડ થયો હતો એટલે એટલે જલદી જઈ પહોંચવું હતું. કોઇનો ધણી ટ્રેનના અકસ્માતમાં ચગદાઇ મૂઓ હતો. પોતાનો જર્મન પતિ હિંદમાં કેદ પકડાયો છે એ જાણીને એક આયરીશ યહુદી સ્ત્રી હિંદને કિનારે પહોંચવા તલસતી હતી.

એવાં તો કૈંક ત્યાં રૂંધાઇને ઊભાં હતાં. કેમ કે ટ્રાફીક ખેડનારાં જહાજો ઓછાં થયાં હતાં, પાસપોર્ટો મંજૂર કરવા પર સખત કાબૂ મૂકાયો હતો.પાસપોર્ટ અધિકારીની ઑફિસમાંથી એક પછી એક બહાર નીકળતાં મોઢાં પર નિરાશા હતી, આંસુ હતાં, ગુસ્સોને રીસ હતાં. અંદર બેઠેલો માણસ કેવો શાપિત હશે ? કોઈનો કિસ્સો રાજકારણી શંકાને પાત્ર ગણીને એ અધિકારી પાસપોર્ટ કરી આપવાની ના કહે છે, કોઇને એકેય જહાજમાં જગ્યા મળેલી નથી તેથી એને બહાર ધકેલે છે.

ધરપત ફક્ત એક વિરસુતને હૈયે છે. એ અઠવાડિયે જ ઊપડતી ચોક્કસ સ્ટીમરમાં એક જગ્યા એને માટે મુકરર થઈ ચૂકી છે.પેસેજની ટિકીટ પોતાના ખિસ્સામાં છે, પોતે સરકારી કૉલેજનો અધ્યાપક છે. બિનરાજદ્વારી માણસ વિદ્યાને માટે દેશાટને નીકળેલો હોવાનાં પોતાનાં ગજવામાં પ્રમાણો છે. પછી કોણ એને પાછા વળવાની મના કરી શકે તેમ છે ?

ચાર દિવસ પછી સ્ટીમર ઊપડશે. તે પછી વીસેક દિવસે પોતાના પગ માતૃભૂમિ પર હશે, ને મુંબઈથી પોતાનું ગામ પૂરા ચોવીસ કલાકને પલ્લે પણ નથી. કંચન ત્યાં દયામણું મોં લઇને, ચરણે ઝૂકતી, પ્રયશ્ચિતનાં આંસુ પાડતી તે જ રાત્રિએ મને એકાંતે મળશે.. એ આખો ચિતાર નજરમાં ગોઠવી વીરસુત ઊભો હતો. એ ચિતારને રજેરજ આધાર આપતો એક કાગળ એની ડાયરીના બેવડમાં પડ્યો હતો. એનો પંજો ફરી ફરી એ કાગળવાળી જગ્યા પર જતો હતો. પણ પોતાનો વારો આવવાને વાર લાગતી ગઇ તેમ તેમ વીરસુતને આ નિરાશ પગલે બહાર નીકળી ચાલ્યાં જનારાંઓ પરની સરસાઇની મીઠાશ કંઇક કંઇક ઓછી થતી ગઇ. એનું કારણ બહુ વિચિત્ર હતું.

એ ઇમારતના માથા પરનું વાદળ વેદનાભર્યું હતું. વિમાનોની પાંખો ગાજતી હતી. દૂર દૂરના ધડાકા વાયુમંડળને કમ્પાવતા હતા. જગતનો વ્યવહાર તૂટતો હતો. માનવપ્રેમના કેડા રૂંધાતા હતા. દુર્ભાગીઓની સંખ્યા વધી રહી હતી. ને સેંકડો ભાગ્યહીનો હતભાગીઓની વચ્ચે એકાકી સુભાગી બનવામાં બિલકુલ રસ નથી બળ્યો હોતો એનું ભાન વીરસુતને આંહીં થતું આવતું હતું.

આમ જ્યારે વીરસુતે પોતાના જીવનને બીજા હજારો લાખો જનોની સરખામણીમાં નિહાળવું શરૂ કર્યું ત્યારે એને આખા જીવનમાં કશુંક નવીન લાગ્યું. લડાઇનો એ કાળ એક નાની બારી જેવો બની ગયો. એ બારીમાંથી જાણે વીરસુત બહાર ડોકિયું કરતો હતો. પોતે ઊંચો અને સલામત ઊભો હતો, બીજાં સેંકડો નીચે ભીડાભીડમાં ચાલ્યાં જતાં હતાં, એકબીજાંથી ચગદાતાં ને વિખૂટા પડતાં. જાણે દોડાદોડ મચી હતી, ને મા બાળકોથી, પતિ પત્નીથી, બાપ બેટાથી છૂટાં પડીને એ બેશુમાર ગીરદીમાં અલોપ થતાં હતાં.

મનના તરુવર પર એક મોરલો થનગનતો હતો - ઝર ઘેર પહોંચી સ્વજનોને ભેટવાનો ઈચ્છામોરલો. કોઇએ જાણે એ મોરલાને પાણો મારીને ઉડાડ્યો. પછી એ મોર પાછો એની એ જ તરુ-ડાળે આવીને સ્થિર ન બન્યો. ચોખ્ખાચણાક ઉર-આભને છેલ્લે આરે તલના દાણા જેવડી જાણે કાળી વાદળી વરતાઈ. વીરસુત વ્યથિત બન્યો.

એણે આજુબાજુ નજર કરી. પોતાની જેવો એક જુવાન ઊભો હતો. કપડાં મેલાં હતાં. સુકાએલાં મોં પર વધુ પડતો ચળકાટ મારતી ભયાનક લાલી હતી. ડોળા ઊંડા ગયેલા. પણ વધુ નિહાળીને જોતાં બે વાતની શક્યતા લાગે : થોડા જ વખત પૂર્વે એ શરીરે ને સંસારે સુખી હોવો જોઇએ. વીરસુતનો રસ તીવ્ર કૌતુકની પરિસીમાએ પહોંચ્યો. એણે સવાલો પૂછ્યા. પહેલાં તો યુવાને વાર્તાલાપમાં ઊતરવાની દાનત ન બતાવી, પણ છેવટે વીરસુતે આટલો જવાબ મેળવ્યો :-

'હિંદી છું, મુસ્લિમ ડૉક્ટર છું. આંહીં અભ્યાસ વધારવા આવેલો એમાં એક શ્રીમતનંદિની ગોરી સ્ત્રીનો મેળાપ થયો. ઘેર બુઢ્ઢા બાપ છે, મા છે ને બે બાળકોવાળી બીબી છે. બીબીને તો આંહીં બેઠે તલાક દઇ દીધા ને આ ધનિક ગોરી સ્ત્રી સાથે નિકાહ કર્યા. મને મનથી ને શરીરથી ચૂસી લઇને મને તલાકની હાલતમાં ઉતારી મૂક્યો છે. આંહીં પ્રેક્ટીસ સારી ચાલતી, પણ હવે તો જવા ચાહું છું. મેં તલાક આપેલી બીબી બીજે ક્યાંય પરણી નથી ગઈ. મારા પિતા એને પાળે છે. મારી એક બેટી અને એક બેટો મેં છેલ્લાં છોડ્યાં ત્યારે બહુ નાનાં ને અણસમજણાં હતાં. આજે દીકરો દસ વર્ષનો થયો હશે. સાત વર્ષથી આંહીં છું. બેટાના હસ્તાક્ષરનો પહેલો કાગળ, એની માએ લખાવેલો, તે મને મળ્યો તે પછી અહીં દિલ ઠેરતું નથી. લાગે છે કે હું મરી જઇશ તો એક કામ બાકી રહી જશે. એ કામ બીબીના કદમોમાં પડી માફી માગવાનું છે.'

આમ કહીને એણે પહેલી જ વાર મોં મલકાવ્યું. એટલા નાના હાસ્યમાં એના ચહેરા પરની ખાડો, દાઝો, કરચલીઓ વગેરે થોડી ઘણી ડૂબી જઇને પાછી વધુ ઉઘાડી પડી ગઇ. વીરસુતે પૂછ્યું –

'કેમ કહો છો કે તમે મરી જશો ?'

'હું દાકતર છું તેથી.' 'શું છે ?'

'મને ક્ષય છે. એને ઘોડાપુર સ્વરૂપ ધરવાને હવે વાર નથી. મને વહેલું જવા મળ્યું હોત તો બીબીના પગે પડીને પછી બીજી જ પલે મરવા તૈયાર રહેત, પણ એવા કોલ પર કોઇ સ્ટીમર કે વિમાન કંપની થોડી જ પેસેજ આપે છે !'

એમ કહીને બીજી વાર હસ્યો ને તેણે ખાંસીને રૂમાલથી દાબી. રૂમાલ તેણે પાછો ગજવામાં નાખ્યો ત્યારે એ લોહીમાં રંગાયો હતો. વીરસુતને ખાતરી થઈ કે આ માણસને પૂરપાટ વધતો ક્ષય છે.

એટલી વાર થઇ ત્યાં મુલાકાત માટેનો વીરસુતનો વારો આવ્યો. અંદર જઇને એ થોડી મિનિટે પાછો આવી પેલા ક્ષયગ્રસ્ત મુસ્લિમ ડોક્ટરને પોતાની સાથે અંદર લઇ પાછો ગયો. ત્યાંથી બહાર નીકળી એ બેઉ બહાર નીચે ઊતર્યા ત્યારે બેઉની સ્થિતિ બદલાઇ ગઈ હતી. વીરસુતની માગણી મંજૂર રાખી પાસપોર્ટ અધિકારીએ વચન આપ્યું હતું કે, પોતાના નામનો પેસેજ જો પોતે આ મુસ્લિમ ડોક્ટરના નામ પર કરાવી શકે તો એ ડોક્ટરના પાસપોર્ટ પર સહી થતાં વાર નહીં લાગે. પણ સાથે સાથે વીરસુતને અધિકારીએ પ્રશ્ન કર્યો હતો કે 'તમારો પેસેજ ગુમાવીને તમે ફરી શૂં જલદી નવો મેળવવાની આશા રાખો છો ?' એનો જાવાબ વાળતાં પહેલાં વીરસુતની આંખે અંધારાં આવેલાં; પોતે આ શું કરી રહ્યો છે ! ઘેર જવાની તાલાવેલીને કેટલીક દબાવી શકશે ! કાલે પસ્તાશે તો ?

પણ એણે આંખો ખોલીને ઝટપટ કહી દીધું : 'કંઈ ફિકર નહિ.'

'સંસારથી કંટાળ્યા છો કે શું ? પરણ્યાંને ઘણાં વર્ષો થઇ ગયાં છે ? ડઝનેક છોકરાં છે ?' એવી થોડીક મજાક અમલદારે કરી લીધી.

વીરસુત એ પી ગયો હતો. 'ચાલો .' વીરસુતે બહાર આવીને એ હિંદીને કહ્યું, 'આપણે એ સ્ટીમર કંપનીની ઓફિસે જઈ આવીએ. મારા પેસેજની બદલી તમારા નામ પર કરાવી દઉં. પછી તમારો મુકામ જોઈ લઉં એટલે ચોથે દિવસે હું તમને ડૉક પર લઈ જઇશ.'

મુસ્લિમ ડોક્ટરે વીરસુતનો હાથ પકડ્યો. પણ તરત પાછો છોડી દઇ કહ્યું 'દરગુજર કરજો. હું ક્ષયરોગી છું, ભૂલથી હાથ લેવાઇ ગયો. પણ હું પૂછું છું, તમારી રાહ જોનારાં ઘેર હશે તેનું શું થશે ?'

'રાહ જોનારાં તો સાત સાત વર્ષ પણ રાહ જોઈ શકે છે ને ?' વીરસુત ડોક્ટરની જ કહેલી આત્મકથાને ઉદ્દેશીને બોલ્યો. એ બોલ ડોક્ટરના ક્ષયગ્રસ્ત મોં પર ફૂલોની ઢગલી પાથરી રહ્યા.

'પણ ભાઈ !' ડોક્ટર બોલ્યો : એની સિંધી જબાનના મરોડો અંગ્રેજીમાં અનોખી રીતે ઊતરી રહ્યા : 'તમને આથી શું રસ પડે છે ?'

'નવા મળેલા સુખને થોડી કરુણતા વડે ભીંજવવાનો રસ.'

'લડાઈના સંયોગો વિફરી રહેલ છે,જાણો છો તમારે કેટલું ખેંચવું પડશે ?'

'કદાચ વર્ષ બે વર્ષ. કદાચ એ દરમિયાન કંઇ થાય તો અનંતકાળ !' વીરસુત બોલતે બોલતે દિવ્ય બન્યો. ચાલો ચાલો.' એણે પોતાના ઉપકારપાત્રને ટેક્સીમાં લઇને વધુ વાત કરતો રોક્યો ને રસ્તામાં કહ્યું, 'તમે ત્યાં જઇ સાજા થાઓ એટલે એક કામ કરજો ને ! મારે ગામ કાઠિયાવાડમાં જઇ મારી બીબીને મળી આવજો, ને કહેજો કે મેં વધુ હકદારને ન્યાય કરવા મારી તક જતી કરી છે.'

ચોથા દિવસે પોતે જાતે ડોક્ટરને ઘેર જઇ, એનો સામન બાંધી આપી, એને સ્ટીમરમાં વિદાય દીધી. વીરસુત પાછો વળ્યો ત્યારે એને ઘડીભર એવી ભ્રમણા થઇ કે જાણે રસ્તે ચાલતાં તમામ માણસો એની પાસે આવી, એની સાથે હાથ મિલાવી, એને ધન્યવાદ દેતાં હતાં.

એક રેસ્ટોરાંમાં ખૂણાની કૅબીન ખોળીને એ બેઠો, ને એણે પોતાના ગજવામાં દબાઈ રહેલો કંચનનો કાગળ લગભગ પંદરમી વાર વાંચ્યો. એમાં છૂટક છૂટક આવું આવું લખ્યું હતું કે -

'બાપુજીની પરવાનગી મળ્યા પછી જ આ લખું છું. બાપુજીએ તમારા પાંચ છ સામટા કાગળો મને ગઈ કાલે જ આપ્યા. પોતે સ્પષ્ટ કર્યું કે પોતે જ એ કાગળને રાખી લીધા હતા. પોતે સાચા ધણીની ગોત કરતા હતા. કાગળનું ધણી પોતાને મળી ગયું છે એટલે હવે તો આપણ બેઉની વચ્ચે એકલો ટપાલી જ હશે એમ પોતે મને કહી દીધું. ટપાલનાં કવરો ટિકીટો પણ લાવી આપ્યાં છે.

'પણ પ્રથમ મને કહો તો ખરા વહાલા, કે તમે આટલી બધી શક્તિને અંદર ક્યાં સંઘરી રાખી હતી ? આટલી શક્તિ હતી તો મને વેળાસર કેમ ન બચાવી લીધી ? મને ભેખડાવા દીધી કેમ ? મને રસાતાળ મોકલી જ શાને ?

'બાપુજીને અને ભદ્રા ભાભીને જે ભ્રમણા તમે કરાવી છે, તે કોઇ દિવસ ભાંગશો તો નહિ ને ? નવું બાળ તમારૂં જ છે એવી એ ભ્રમણા તમે જો ન કરાવી ગયા હોત તો હું આજે ક્યાં હોત ? કદાચ જીવનને પાર હોત. હું આ જીવતા જગતમાં, ને જેટલું વાંચ્યું છે તે સાહિત્ય જગતમાં, વાર્તામાં, કવિતામાં, બધે ય તપાસી રહી છું, કે પોતાની બગડી ગયેલી પત્નીને માટે આવી રક્ષણકારી ભ્રમણા કોઇ પતિએ ઊભી કરી છે ખરી ?' આંહીં વીરસુતથી થંભ્યા વગર ન રહેવયું. આંખોનાં પાણીએ ચશ્માના કાચ બગાડ્યા હતા ને પોતે વિચારતો હતો. બાપુજીએ ને ભદ્રા ભાભીએ મને મહાનુભાવ બતાવવા માટે પોતાના અજાણપણાનું કેવું અદ્ભૂતત તર્કટ આ સ્ત્રીના અંતરમાં ઊભું કર્યું છે. એ તર્કટનો ભેદ કંચન સમક્ષ ખુલ્લો કરીને હું મારી મહાનુભાવતાને ભોગે બાપુજીની અને ભાભીની ભવ્યતા પ્રકટ કરી શકીશ ખરો કોઇ દિવસ ?

ચશ્માં લૂછીને એણે કાગળ આગળ વાંચ્યો -

'એ ભ્રમણા કરાવીને તમે સદાને માટે તો નથી ગયા ને ? પાછા આવવું તો છે ને ? ક્યારે આવવું છે ? મને કે વાર ધરાઇ ધરાઇને રડી લેવા ક્યારે દેવી છે ?

'પણ અરેરે ! ઘણી વાર એમ થાય છે કે તમે પોતે એ ભ્રમણા કરાવનાર, તમે તો સત્યના જાણભેદુ છો, એટલે કેમ કરીને આંહીં આવી સુખ પામી શકશો ?

'છોકરી - મારૂં પાપ, કમભાગ્ય જે કહો તે -ને ખોળામાં લઇને ભદ્રાભાભી જ્યારે જ્યારે બોલે કે 'અસ્સલ જાણે ભૈનું જ મોં !' ત્યારે મને શું થતું હશે, કલ્પી શકો છો?

'છોકરીને ધવરાવવાનું દિલ થયા વગર તો શાનું રહે ? થોડાક દિવસ તો મનને દબાવી દબાવી મારાં સ્તનો સૂકવી નાખવા મથેલી, પણ બાપુજીએ એવી ભ્રમણા પાથરી દીધી છે કે હું જ ભાન ભૂલી ગઈ છું. બાપુજી એવું એવું બોલે છે કે મને કલાકે કલાકે પાનો ચડે છે. ને છોકરી તો રાભડી રાભડી બની રહી છે.

'તમે એને જોશો ત્યારે શું થશે, એ બીકે કમ્પું છું. આ કંપારીનો સારો કે માઠો અંત ઝટ આવે તો સારૂં. માટે જ માગું છું કે વહેલા પાછા વળો ! 'દેવુને માટે મેં એક કન્યા ગોતી રાખી છે. દેવુને તો ખબર પડવા દીધી નથી. બાપુજીને પણ મારે કોઇક દિવસ એ ક્ન્યા બતાવીને ચમકાવવા છે. અત્યારે તો હું ભદ્રા ભાભીને પણ કહી દેતી માંડ માંડ મહાપ્રયત્ને બચી છું. પણ એ કન્યાને માટે થઇને મેં એનાં માવતર સાથે ખૂબ સંબંધ કેળવવા માડેલ છે. ભલે ને છ વર્ષ પછી વેવિશાળ કરીએ ! તમે આવો તો હું તરત બતાવું.

'યમુના બહેનને તેડવા એના વર કોણ જાણે ક્યાંથી ઓચીંતા ફાટી નીકળ્યા ! આવીને કહે એ ગાંડી હશે તો યે હું મારાં આંખ માથાં પર રાખીશ. કોણ જાણે કેમ થયું તે ત્રણ દિવસમાં આંહીં બેઉનાં મન મળી ગયાં, તો પણ બાપુજી જમાઇને કહે કે એમ હું નહિ ફસાઇ જાઉં. તું અહીં એક મહિનો મારા ઘરમાં રહે, ને હું ઝીણામાં ઝીણું પણ દુઃખ જો ન જોઉં તો જ મારી યમુનાને મોકલું. કારણ કે કોને ખબર હું મારી યમુનાના જ પ્રારબ્ધનું ખાતોપીતો હઇશ તો ! યમુનાને હું ધકેલી મોકલું ને પાછળથી મારા ઘરમાંથી સૌભાગ્યદેવી પણ પલાયન કરે તો ? માટે નહિ મોકલું : બડકમદાર ! બડકમદાર શબ્દ તો બાપુજી ડગલે ને પગલે બોલે છે હો ! એને એ બોલ સાંભળવા તો આવો. તમે ગમે તેટલું મથો તોય બાપુજી જેવું 'બડકમદાર' ન જ બોલી શકો ને ? જો બોલી શકો ને, તો તમે કહો તે હારૂં ! ઠીક ઠીક, હું તો ઘેલી બીજી વાતે ચડી ગઇ. એક મહિને બાપુજી સંતોષ પામ્યા. ને યમુના બહેને વિદાય લીધી ત્યારે અમારાં કોઇનાં હૈયાં હાથ નહોતાં રહ્યાં. એણે તો જતાં જતાં તુલસીનો ક્યારો આંસુડે ભર્યો હતો.

'ભદ્રા ભાભી કોઈ કોઈવાર શૂન્યકાર બની જાય છે, ને ગણ્યા કરે છે : એક, બે, ત્રણ , ચાર, પાંચ ને છ. મને લાગે છે કે તમને ગયાને જેટલા મહિના થયા તે પોતે ગણે છે. 'પણ હું નથી ગણતી. ગણવાનો મને હક્ક નથી. મળવાની હું અધિકારિણી નથી. મને તો હજુ પણ મનમાં ખાતરી થતી નથી કે તમારો મેળાપ વહેલો વાંચ્છું કે મોડો ! કેટલું તપ તપું તો ફરીથી મારે, તમારે, દેવુને ને એની ભવિષ્યમાં આવનારી વહુને, ભદ્રાબાને, યમુનાબાને, બાપુજીને, ને મામજીને પણ આવાં વીતકો વેઠવાં ન પડે ?

'રાતમાં ઝબકું છું. ઝબકે ઝબકે તમે આવ્યા હોવાના ભણકારા ઊઠે છે. ખાટલાની ઓશીકાની બાજુએ તમે જાણે આવીને બેસો છો. પણ હું સવારે ઊઠીને તુલસીક્યારે એટલું જ પ્રાર્થું છું કે એ બધું હું જ વેઠીશ : પણ ફરી વાર અમારે આવા વિજોગ ન પડે તેટલું તપ તો મારી પાસે જરૂર તપાવી લેજો હો તુલસીમા !

લી૦ તમારી છું

એમ કહેતાંય લજવાતી

કંચન'


* * *

તે પછીથી ઘેરથી નિયમિત અનિયમિત બીજા પણ કાગળો આવતા રહ્યા. યુદ્ધ વધુ દારુણ બન્યું. પોતાની તક એ મુસલમાન ડૉક્ટરને આપ્યા પછી બીજી તક મેળવતાં વીરસુતને મહિના પર મહિના વીતવા લાગ્યા. વીરસુતે પણ પોતાના હૃદયને તુલસીક્યારે કંચનની જ પ્રાથના રટ્યા કરી કે 'હે જગજ્જનની ! જેટલું તપાવવું હોય તેટલું તપ અત્યારે સામટું તપાવી લેજો. પણ મારા દેવુના સંસારમાં અમારી વિષવેલડીનું ઊંડે ય મૂળિયું ન રહી જાય એવું કરજો.'

સંપૂર્ણ