← કેવો નાદાન પ્રશ્ન ! તુલસી-ક્યારો
'શોધ કરૂં છું'
ઝવેરચંદ મેઘાણી
છૂપી શૂન્યતા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





પ્રકરણ ચાલીસમું
'શોધ કરું છું'


ળતે દિવસે સોમવારે કોઈક બાઇ માણસનો ટૌકો દ્વારમાં પડ્યો : 'કાં, અલી ભદ્રી ઓ ! ક્યાં મૂઈ છો તું તે બાઇ ?'

'આ મૂઈ આ, કોણ છે એ ભદ્રીવાળું !'એમ કહેતી રસોડામાંથી બહાર નીકળેલી ભદ્રાએ પરોણાં દીઠાં. ને એ હાથ પહોળાવતી ચોગાનમાં દોડી.

'ઓહોહો ! શરશતી બૈજી ! રોયાં તમે તે આંહીં ક્યાંથી મૂવાં?'

'ક્યાંથી તે જમપુરીમાંથી તો થોડાં જ તો બૈ !' એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઇ અને હાથના લાંબા લહેકા કરતી બુલંદ સાદ છૂટો મૂકીને છલોછલ છાતીએ બોલવા મંડી : 'તું તે મૂઇ ખડકીને શૂનકાર કરી મૂકીને ચાલી ગઈ, ને અમે તો રોજ પીપળા-ઓટે બેસીએ પણ તારા વન્યાની તો જાણે કશી ગમ્મત જ ના આવે. મારું તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઇ જવાતું'તું તારા વન્યા. ઓટો તો ઉજ્જડ મશાણ શમો બની ગયો, ખડકી યે ખાવા ધાય; તાં તો હમણેં ફરી કંઈ ગમ્મત જામી છે મૂઈ ! તે હું તને કહેવા આવ્યા વના ન રહી શકી. તારો સસરો આવ્યા, દેવુ આવ્યો, નાની વહુ પણ આવ્યાં, તુળસી માએ સમા દિ' દેખાડ્યા, ને મારો તો કોઠો ઠરી હીમ થ્યો બા ! મલક કંઇની કંઇ વાત કરતું કે મઢ્યમડી વહુ, ને મશલમાનને ગઇ, ને' - ધીમેથી -'છોકરું પડાવ્યું -ને વાતો જ વાતો ! પણ એ તો બધું જ તર્કટ. કંચન તો રૂપાળી અમારા જોડે બેસે છે. અમને અક્કેક રૂપિયાનું પગેપરણું કર્યું, ને અમારી જોડે તારી જેમ જ લાંબા હાથ કરી મધરાત લગી એવા તો તડાકા મારે છે બૈ ! કે અમે તો હસી હસીને ઢગલો ! ને એનું તો ડીલ વળે છે બૈ કંઇ ડીલ વળે છે ! કુવાકાંઠે જાય તો ત્યાંયે સાને હસાવે, શિવાલયે આવે તો ત્યાં સઘળા બામણોની અચરજનો પાર નથી રિયો: ડા'પણનો તો ભંડાર છે બૈ ! હું ન'તી કહેતી તુંને રાંડી ! કે બાપુ, તારી દેરાણીને કાંઇક નડતર હશે, કાં ગોત્રીજ નડતા હશે ને કાં બેચરા માના દોષમાં આવેલ હશે, બાકી કશો જ વાંધો નહિ હોય. વિજુડી કાકી કૈક સાંધા કરતી'તી ને રાંડ જૂઠી પડી, ને હું રાંડ સાચી પડી કે નહિ ? કેવી તો ગામની વાલી થઈ પડી છે તારી નવી દેરાણી ! મન તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મૂઇની ક્યાંય ભારે નજર ન પડે ! એટલે પછી મને થયું કે એક વાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જઉં તો પછી મારી દૃષ્ટિનો ભાર નીકળી જાય. એટલા સારુ જાતે થઈને અહીં મારી ભણેજની ખબર કાઢવાને બા'ને નીકળી આવી. લે હાઉં ? હવે મારો આતમો હળવો ફૂલ થઇ ગયો બૈ !'

એવી એવી વાતો કરીને વતનની પડોશણ સગી સરસ્વતી ડોશી જ્યારે 'હવે તું જો આવી પોંચે તો તો પીપળાને ઓટે ખરી ગમ્મત જામે ને શેત્રુંજીમાં ગાગડીઓ ભળે - હે - હે - હે' એવા છેલ્લા બોલ લલકારીને ચાલી ગઈ ત્યારે વીરસુત રસોડા બાજુ નીકળ્યો.

ભદ્રાને ખબર હતી કે દેર ઘરમાં જ હતો, ને 'શરશતી બૈજી'નો ઘાંટો પણ કોઈ લડાયક દેશના સરમુખત્યારની ઇર્ષ્યા ઊપજાવે તેવો હતો, એટલે દેરે શબ્દેશબ્દ સાંભળ્યો હોવો જ જોઇએ. એટલે ભદ્રા કશું જ ન બોલતાં દેરના જ બોલવાની રાહ જોઈ રહી.

'ભાભી,' વીરસુતે કહ્યું : 'ત્યારે તો મારી જ મતિ ભીંત ભૂલી ને ?'

'કેમ ભૈ ?'

'બામણવાડાની દવે-ખડકીને પીપળા ઓટે જેનું સાચું સ્થાન હતું, તેને મેં અમદાવાદની સડક પર મોટરનું સ્ટીઅરીંગ વ્હીલ પકડાવ્યું હતું.'

ચૂલો ફૂંકીને ભદ્રા એ દેર સામે જોયું. એ તાપે તપેલા હેમ સમા ચહેરા પર પ્રસન્ન અનુમોદનનો ભાવ સૂતો હતો.

'તો આપણે પણ હવે ઘેર જશું ભાભી ?' વીરસુતને અધીરાઈ આવી, પીપળાના ઓટા પર ચાલતી રાત્રિની 'ગમ્મત'ની ઇર્ષ્યા આવી, શિવમંદિરના બામણોને અચરજ પાત્ર થઇ પડેલી કંચન પર મીઠો ગુસ્સો ચડ્યો.

'હવે બાપુજી લખશે ત્યારે જ જવાશે ને ભૈ ! નહિ તો ક્યાંઇક કાચું કપાશે !'

'સાચું ભાભી !'

એટલું જ કહીને વીરસુત પોતાના ખંડમાં ચાલ્યો ગયો અને ત્યાંથી આખી જિંદગીમાં કદી નહિ ગાયેલ એવી હલકે એણે કંઇક ગાયું - ગાયું કહીએ તો વૈજ્ઞાનિકને અપમાન્યો કહેવાય - એણે કંઇક આરડ્યું; જગતનું એક વિનાપરાધે તિરસ્કૃત થયેલું ચોપગું પ્રાણી આરડે છે તેવી જ રીતે અને તેટલું જ લાગણીભેર. અને એ ચોપગા પ્રાણીની તે વખતની લાગણી હર્ષની હોય છે કે શોકની, તેની તો કોઈને ગમ પડતી નથી, છતાં તેમાં પ્રાણ સમસ્તનું મુક્તકંઠીલું ગર્જન હોય એ. વીરસુતનું ગાન પણ તે પ્રકારનું હતું.

પણ અધીરાઇ અંકુશમાં ન રહી એટલે વીરસુતે ભાભી ન જાણે તેમ ઘેર કાગળ લખ્યો. ટપાલીએ કાગળ પિતાના હાથમાં મૂક્યો. સરનામું 'શ્રીમતી કંચનગૌરી' એ નામનું હતું. પિતાએ પત્ર પોતાની પાસે મૂકી રાખ્યો. વીરસુતે ઘણી રાહ જોયા પછી બીજો, ને બીજાનો જવાબ ન આવ્યો એટલે ત્રીજો, એમ ત્રણ કાગળો લખ્યા. અને એ ત્રણે કાગળોને સંઘરી મૂકનાર પિતા પર ચોથો કાગળ ઠપકાનો લખ્યો, કે મારા ત્રણ ત્રણ કાગળનો જવાબ કેમ કોઇ દેતું નથી ?

પિતાએ એકાંતે બેસીને લમણે હાથ મૂક્યા. ને પછી એણે હસી લીધું. એણે કાગળનો જ્વાબ વાળ્યો : 'ચિ. ભાઇ, તારા ચારે કાગળો મળ્યા છે. પહેલા ત્રણ મેં સાચવી રાખેલ છે. કેમ કે સરનામાવાળું માણસ હજુ મને પૂરેપૂરૂં મળ્યું નથી. હું એની શોધમાં જ છું. એનો પાકો પત્તો લાગશે અને મને ખાતરી થશે કે કોઇ ભળતું માણસ તારા કાગળોનું ધણી નથી બની બેસતું, મને પાકે પાયે જ્ઞાન થશે કે તારા કાગળનું સાચું માલિક પુરવાર થઇ ચૂકેલ છે, ત્યારે હું વિના સંકોચે એને એ કાગળ સુપરત કરીશ.

'કાગળના એવા સાચા ધણીની ગોતણ કરવામાં હજુ કદાચ એકાદ વર્ષ વીતી જશે. તે દરમ્યાન તું ફોગટની લાગણીઓ ન ખરચી નાખે તે ઇચ્છું છું. તને કોઈ તક મળતી હોય ને ભારતવર્ષનાં સારામાં સારાં વિદ્યાલયોમાં, ભવનોમાં, અને વિજ્ઞાનવીરો પાસે આંટો મારી આવ તેને પણ હું ઇષ્ટ ગણીશ. તું તો છેલ્લામાં છેલ્લી ઢબનો વિજ્ઞાનવેત્તા છે, એટલે અનેક વૈજ્ઞાનિક રહસ્યો જાણતો હઈશ.હું તો જૂના જમા નાનો પંતુજી છું એટલે વિજ્ઞાનનાં થોડાં મૂળતત્ત્વો કરતાં વિશેષ ભણ્યો નથી. વીજળી એક મહાશક્તિ છે, પણ એ ક્યારે અજવાળે છે ને ક્યારે બાળી ખાખ કરે છે તેટલી મને ખબર છે. ભાઇ ! તારો અલ્પજ્ઞ પિતા આવાં આવાં ચવાયેલાં સત્યોના ચૂંથા ચીતરીને તારી અધતન વિદ્યાનું અપમાન કરે છે એમ ન ગણીશ.

'જેને તેં મિત્રો અને જીવનના પથદર્શકો માનેલા તેમના શાસન તળે તેં તારો સંસાર શ્રદ્ધાપૂર્વક મૂક્યો હતો. આજે જેને તું પિતા માની રહ્યો છે (કેમ કે જીવનમાં બધો જ આધાર માન્યતા પર છે) તેને એક છેલ્લી વારનું મિત્રકાર્ય, બંધુકાર્ય, જે કંઈ કહેવાતું હોય તે કરવા દે. વધારે નહિ, એકાદ વર્ષની જ મુદ્દત હું મારા પ્રયોગ માટે માગું છું. તું પ્રવાસે જવાની તક મળે તો લેજે. અમદાવાદમાં જ રહેવું હશે તો એક વર્ષની મુદ્દત માટે કાગળો લખવાની કે મળવાની ઊર્મિ કાબૂમાં રાખવી પડશે. કદાચ એ તને મુશ્કેલ પડે માટે જ લાંબા દેશાટનની ભલામણ કરૂં છું.'

ભદ્રા જોતી હતી કે જમતાં કરતાં દેર કંઈક ને કંઈક છણકા કરતો હતો. પિતાના કાગળે એને માટે પ્રકટ કોઈ ફરિયાદ કરવાની સ્થિતિ રહેવા દીધી નહોતી. ભાભી પણ દેરની આપદાનું કશું કારણ પૂછતી નહોતી. તેથી દેરને ભાભી પર ઘણીયે રીસ ચડી પણ ભદ્રાએ પણ ભદ્રાએ એટલુંય ન પૂછ્યું 'કેમ કંઈ તબિયત સારી નથી ભૈ ? હેં ભૈ, શું કંઈ થયું છે ?'

'હેં ભૈ' કહીને ભાભી જે લહેકાભર આવો સવાલ પૂછશે તે લહેકો પણ વીરસુતે હૈયામાં ગોઠવી રાખ્યો હતો. ભાભીનું મોં એ પ્રશ્ન પૂછતી વેળા જે ભાવોની ચુમકિયાવાળી ભાત ધારણ કરશે તે પણ પોતે કલ્પી રાખેલું; પણ આઠ આઠ દિવસ થયા તોય જ્યારે ભદ્રા મૂંગી મૂંગી પોતાનો રોજિંદો વહેવાર ચલતી રહી, ત્યારે પછી વીરસુત કૉલેજે જતી વખતે 'લ્યો ભાભી ! વાંચી રાખજો આ બાપુજીનો કાગળ !' એમ કહેતે કહેતે કાગળ ભદ્રા તરફ ફગાવી પોતે ચાલ્યો ગયો.

સાંજે પણ ભદ્રા વગરપૂછી કશું બોલી નહિ. વધુ જુસ્સો સંઘરતો વીરસુત છેવટે પોતે જ પ્રશ્ન કરવાની સ્થિતિમાં મુકાયો :

'બાપુએ મને દેશવટો દીધો છે, જોયું ને ?'

'જઇ આવો ભૈ ! બાપુ ઠીક લખે છે ભૈ ! મન મોકળું થશે.'

'હા જ તો ! તમારી મુક્તિ થશે, સૌનો મારાથી છુટકારો થશે.'

'જઇ આવો ભૈ ! મને ય એ એક જ મારગ સૂઝે છે. ક્ષેમકુશળ દેશાટન કરી આવો ભૈ ! બધાં રૂડાં વાનાં થઇ રહેશે.'

'ને રહીશ તો ? તો શું બૂરાં વાનાં થશે ?'

વીરસુતના એ દાઝેભર્યા શબ્દોથી ભદ્રા જરીકે ન તપી, ન બોલી. વીરસુતે ફરી પૂછ્યું :

'કહોને શું બૂરાં વાનાં થશે ?'

'કહીને શું કરું ભૈ ! તમને ક્યાં કોઇનું કહ્યું પોસાય છે ?'

એ બોલમાંથી ભદ્રાનો કંટાળો ખર્યો. વીરસુતને બીક લાગી. ભદ્રાના મનની મીથપ એ એક જ એને ખાડી તરવાની નાવ રૂપ હતી.

'ના, એમ કેમ કહો છો ભાભી?' વીરસુતે ભયના માર્યા પોતાનો રંગ બદલ્યો; 'તમે કહો તે મુજબ કરવા માટે તો હું પૂછું છું.'

'ત્યારે તો જઇ આવો દેશાટને ભૈ !' ભદ્રા પોતાના લાલ લાલ નખનાં પદ્મોમાં પોતાનું પ્રતિબિમ્બ જોતી જોતી એકશ્વાસે એ વાક્ય બોલી ગઇ. એકશ્વાસે એટલા માટે કે એને વાક્ય વચ્ચેથી ત્રૂટી પડવાની બીક લાગી. એ બોલવાના વેગમાં ગુપ્ત વ્યથા હતી. જાણે કોઈ ઘોડાગાડીના વેગના સપાટામાં આવી ગયેલા નાના કુરકુરીઆનું આક્રંદ એ બોલમાંથી સંભળાયું.

'હવે થોડું પૂછી જ લઉ ભાભી ! કે આમ શા માટે ? મને પ્રવાસે કાઢવાથી શો અર્થ સાધવો છે ?'

'ભૈ!' ભદ્રા બોલતાં પહેલાં ખૂબ ખચકાઇ; 'સ્ત્રીનો સ્વભાવ જ એવો રહ્યો ને ભૈ ! તેમાં કોઇ શું કરે ? બાપુજી બીજું શું કરે ?'

'સ્ત્રીનો સ્વભાવ ! કેવો સ્વભાવ ?'

'કંઇ નહિ હવે એ તો ભૈ ! કંઇ કહેવા જેવી વાત નથી એ. તમે તમારે જઇ આવો. તુળસીમાના આશિર્વાદ હજો તમને ભૈ !'

એટલું જ કહીને ભદ્રા પાછી વળી ગઇ. ને વીરસુતને યાદ આવ્યું.

પોતાનું વધુ અભ્યાસ માટે બહાર જવાનું પરિયાણ બે વર્ષથી કંચનના ધમરોળને કારણે મુલતવી રહેલું. વીરસુત ભાભીના વારંવાર આગ્રહની અસરમાં મુકાયો. એણે જૂની યોજનાને ખંખેરી કરીને ગતિમાં મૂકી. એને વળાવવા માટે પિતા અમદાવાદ સુધી પણ ન આવ્યા. પણ એણે અમદાવાદ છોડ્યું તે પૂર્વેના પંદર દિવસમાં ડોસાએ ઘરની અંદરનું વાતાવરણ આવડતભેર તૈયાર કરી નાખ્યું હતું. કંચને જ્યારે દેવુની દ્વારા સસરા પાસે પોતાનો વીરસુતને મળવા જવાનો ઇરાદો આડકતરી રીતે જણાવ્યો ત્યારે પિતાએ કહ્યું,'તમે જાણે કે છો કુમળાં હૈયાનાં, ને ત્યાં લાગણીને કાબૂમાં રાખી નહિ શકો. દીકરો પણ અતિ પ્રેમાળ છે. તમારાં આંસુ દેખીને ક્યાંક ફસકી પડશે. હું ય છું પોચા હૈયાનો, મારથી પણ વિદાય દઈ શકાશે નહિ. હું પણ નથી જવાનો. જો વિદાયમાં વ્યથા થશે તો એ બાપડો ત્યાં જઇ ભણતરમાં મન શે પરોવી શકશે !'