તુલસી-ક્યારો/કેવો નાદાન પ્રશ્ન !

← 'બામણવાડો છે ભા!' તુલસી-ક્યારો
કેવો નાદાન પ્રશ્ન !
ઝવેરચંદ મેઘાણી
'શોધ કરૂં છું' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






પ્રકરણ ઓગણચાલીસમું
કેવો નાદાન પ્રશ્ન !


જ દિવસ માટે દેવુને માતાજીને પગે લગાડવાની માનતા કરવા જઇએ છીએ, એવું કહીને ગયેલા પિતાનો વીરસુત પર પંદરેક દિવસે કાગળ આવ્યો કે દશેરાનાં નિવેદ પણ ભેગાભેગ પતાવી આવીએ છીએ. દશેરા ગયા. દીવાળી પણ વતનમાં જ ઉજવી, છતાં પિતા અને દેવુ પાછા વળતા નથી. બીજી બાજુ વીરસુત છૂપી રીતે તો કંચનને પણ શહેરમાં ગોતાવી રહ્યો છે. એટલી જ ગંધ આવી કે હમણાં ક્યાંઇક બહારગામ છટકી ગઇ છે.

કોને પૂછે ? મિત્રોસ્નેહીઓને પૂછતાં હામ કેમ હાલે ? પોલીસમાં તપાસ કરૂં ? પેલા બાતમી દઇ જનાર અમલદારને પોતે શોધતો હતો. થોડા દિવસે એ અમલદાર જ આવી ચડ્યો, ને બળાપા કાઢવા લાગ્યો : 'આવો આકરો ઠપકો મને ખવરાવવો હતો ને સાહેબ ! આપે સારા માણસે ઊઠીને મારી આટલી હદે ઠેકડી કરાવી, ને માર ઉપરીની આંખે ચડાવ્યો !'

'શી બાબત ?' વીરસુતની કલ્પના કામ ન કરી શકી.

'આપે મને ચાહીને તપાસ રાખવા ન કહ્યું હોત તો હું આવા કામમાં રસ ન લેત, મારા ધરમના સોગાન ખાઈને કહું છું હો સાહેબ, મને આવી બાબતનો શોખ નથી. પણ હું તો ઉલ્લુ બની બેઠો.'

'શાની વાત કરો છો ?'

'આપનાં વાઇફની જ તો ! બીજા કોની ? જે દિવસે એ આંહીંથી આપના ડોસા જોડે આપને ગામ ગયાં......'

'શું કહો છો તમે ?'

'હજુ ય મશ્કરી કાં કરો સાહેબ ? તે દિવસે તે ટ્રેનમાં જ હું તો ચડ્યો, આપને ગામ પહોંચી આપના પિતાને વળતે દા'ડે મળ્યો અને વાત કાઢી ત્યાં તો ડોસા મારી માથે કાંઇ ઊતરી પડ્યા છે ! મારા તો માથાના વાળ જાણે ખરી પડ્યા એટલા મને લેતા પડ્યા, કે જોતો નથી, હું મારા ઘેર પહેલા પ્રથમનો અવસર આવે છે તે ઉજવવા આંહી આવેલ છું ! હું તો માફ માગી પાછો નહાસી આવ્યો, પણ ડોસાએ ઉપરમાં લખાણ કરી મને એક હાથ લાંબા તુમારીઆનો સરપાવ બંધાવરાવ્યો મારા સાહેબ કનેથી .'

વીરસુતને એ આખી વાત પોલીસે જોડી કાઢેલી પરીકથા લાગી, એના મોં પરની એકેય રેખા પોચી ન પડી. એ કશો જવાબ વાળે તે પહેલાં તો અમલદાર ઊઠ્યો અને બોલ્યો, 'રજા લઉં છું સાહેબ, પણ આવી આકરી મશ્કરી કોઇની ના કરશો હું તો જિંદગાનીમાં પહેલી જ વાર ભરાઈ પડ્યો.'

'ભાભી !'એણે જમ્યા બાદ પાછલી પરસાળમાં પાન સોપારી દેવા આવી ઊભેલી ભદ્રાને પૂછ્યું, 'આ સાચી વાત છે ? કંચનને બાપુજી ઘેર તેડી ગયેલ છે?'

'હા ભૈ, તુળસીમાએ સંધાં સારાં વાનાં કર્યાં. ભૈ ! ઇશ્વરે સામું જોયું.' 'તમે પણ આ તર્કટમાં ભળેલાં છો ભાભી ? મને કેમ કોઈ કશી સ્પષ્ટતા કરતાં નથી ? આ બધો મેળ અને મેળાપ ક્યારે, કેવી રીતે, ને ક્યાં થઇ ગયો ?'

'મને ઘેલી કાં બનાવો છો ભૈ?' ભદ્રાનું તાજું મૂંડાવેલ માથું આ બોલ બોલતી વેળા સહેજ ખુલ્લું પડી ગયું. 'બાપુજીએ તો બધી વાત તમારી કનેથી જાણી પછી મને કહી હતી. તમારી છૂપીચોરીનો તો ઊલટો બાપુજીને ધોખો થતો હતો ભૈ !' બોલીને યુવાન ભદ્રા બાજુએ વળી ગઇ.

'કંઇ જ સમજાતું નથી. કોઇ મને સ્પષ્ટ કરીને કહેતું નથી. મારી સામે આ કયું કારસ્તાન રચાઇ રહ્યું છે ! હું આ કારસ્તાનને ભેદવા કોની કને જાઉં?"

'કોઇ કારસ્થાન નથી ભૈ ! બાપુજી કંઇ અબૂધ છે કે ભોળવાઇ ગયા હોય ?' ભદ્રાએ એને એકસરખા સ્વરે સમતાપૂર્વક કહ્યું.

'કઇ બુદ્ધિ કામ કરી રહી છે, તે તો કહો !' વીરસુતના મગજમાં ધમધમાટ હતો.

'એબ ઢાંકવાની બુદ્ધિ ભૈ ! માણસ જેવું માણસ ઊઘાડું પડે એથી કોને લાભ ભૈ !'

'માણસ જેવું માણસ ? કે સડેલું મુડદું?'

'બાપની બુદ્ધિએ તપાસી જોયું અને જીવતું જાણ્યું. છોને બાપુ ગંદવાડ ધોતા, ભૈ ! નિર્મળ ને નિરોગી બની શકશે તો સંસારમાં એટલી સુગંધ વધશે ને ભૈ ! નરક અને વિષ્ટા તો સૌ રોજ વધારીએ છીએ ! એમાં શી નવાઈ છે ભૈ !'

'અને એના પેટનું એ પાપ...' 'એને બાપડાને પાપ કાં કહો ભૈ ? જ્ઞાની થઇને કાં ગોથું ખાવ છો બહિ ?'

'પૂછું છું કે 'બાપ' કોને કહેશે ભાભી ?' વીરસુતના દાંત કચડાટી બોલાવતા હતા.

'તમે તમારે ન કહેવા દેજો ભૈ ! અમે ય નહિ શીખવીએ. પણ એક વાત પૂછું ભૈ ? ખિજાશો નહિ ને બાપા ! પાપનું એવું ફળ અસ્ત્રીને બદલે પુરુષને લાગતું હોત તો ક્યાં મૂકી દેત ? એ તો ભેળું જ ભેળું. બાપજી તો બે જીવને જીવાડી રહ્યા છે કે બીજું કશું ? તમારે ના પોસાય તો ઘરમાં ના લેતા ભૈ ! પણ ભવાડો કર્યે શો લાભ ? તમે જ જગબત્રીશીનો માર ખમી નહિ શકો બાપા ! અમને સર્વેને તો તમારા જ જીવની ચિંતા લાગી છે, એથી જ બાપુ ઢાંકવા લાગી પડ્યા છે.'

થંભાવેલા હીંડોળાને ફરી થોડીવાર કિચુડાટે ચડાવીને વીરસુત વિચારે ચડ્યો. પછી એણે પૂછ્યું, 'કંચન તમને મળી છે ભાભી ?'

'દરરોજ મળતાં - છેલ્લા પંદર દિવસથી.'

'ક્યાં?'

'દવાખાને.'

'તો મને વાત કેમ કહેતાં નથી ?'

'પૂછો ત્યારે કહું ને ભૈ ? વણપૂછી વાત ક્યાંક ન ગમે તો ?'

પછી ભદ્રાએ દેવુને કેવા સંજોગોમાં અકસ્માત થયો ત્યાંથી પ્રારંભ કરીને પૂરી સમજ પાડી. વીરસુતનું હૃદય વિસ્મયના તરંગો પર ડોલી રહ્યું. 'તમને લાગે છે ભાભી, કે મારો સંસાર ફરીથી મીઠો થશે ?' વીરસુત કૂંણો પડ્યો હતો.

'તુલસી માએ જ મીઠો કરવા ધાર્યો છેને ભૈ ! નીકર બાપુજી આટલી આપદા ઊઠાવે કદી ! બાપુજીને પેટના પુત્રનો અવતાર બગાડવો થોડો ગમતો હશે ! પણ એકલદોકલ કાંઈ આખો અવતાર ખેંચાય છે ભૈ!"

'તમારા જેવી ગુણવાન કોઈ આપણી જ્ઞાતિમાંથી મને ન મળી રહેત , હેં ભાભી ?'

વીરસુતના આ પ્રશ્ન સામે ભદ્રા નીચે જોઈ ગઈ. ઘણી વારે એણે કહ્યું,'સમો બદલી ગયો છે ભૈ ! ને તમે છો ભલા, હદ બેહદ ભલા હો ભૈ !ફરી ફરી આવું ને આવું થાય, તો તમારી દેઈ કંતાઈ જ જાય કે બીજું કંઇ? અસ્ત્રીની જાત જ ન્યારી છે ભૈ, ને એને કેળવવાની કળવકળ કોઇમાં હોય, કોઇમાં ન યે હોય; બધામાં કંઈ થોડી હોય છે ભૈ ! ને એ કંઈ શીખવી થોડી શીખાય છે ભૈ ? એ તો બપુજી બધું ય સરખું કરી દેશે, તમે શીદ મૂંઝાવ છો ? પીડા બધી તો આંખનાં ઝેર છે. ઝેર નીકળી જાય એટલે પછે શું રહે છે ભૈ ? મીઠપ જ ને !'

યૌવનનાં દ્વારે જ ઊભેલી ભદ્રા, જેણે પૂર્વે કદી વીરસુત સાથે આટ્લો લાંબો વાર્તાલાપ કર્યો નહોતો, તેણે કેમ જાણે ઇરાદાપૂર્વક જ લાંબા વાર્તાલાપને માટે સુરક્ષાકારી એવું વાર્ધક્ય ધારણ કરી લીધું. બત્રીસે દાડકમળી શા દાંતવાળું એનું એ જ મોં ઘડીભર બોખું ભાસ્યું.ચકચકિત લાલ ગાલો જાણે કરચલીઓ ઓઢી ગયા. મોટી બે આંખો મનનશીલ બની રહી.

'ત્યારે તમને શું આશા છે ભાભી, કે આ ઘર ફરી વાર વસશે ? એનો જીવ અહીં પાછો ઠરીને ઠામ થશે ?' 'નહિ કેમ થાય ભૈ ? બાપુજી બાજુએ જ છે ને !'

'ને તમે પણ ખરાંને ?'

'મારું તો શું ગજું ભૈ ! પણ તમે પોતે......'

'કેમ ખચકાયાં ?'

'તમને ફાવટ આવી જાય ને ભૈ !'

'શાની ફાવટ ?'

'છે તે - પોતાનાં માણસને ઠેકાણાસર રાખવાની .....'

વીરસુત ચુપ થઇ ગયો. એને કંઈ સમજ પડતી નહોતી. એ તો માનતો હતો કે સારી ગૃહિણીઓ જ્ઞાતિમાં ને સમાજમાં તૈયાર કેરીઓ જેવી, દાબે નાખીને પકવેલી તૈયાર મળે છે. પુરૂષને સ્ત્રીનો જીવનદોર રસ્તાસર રાખવાને માટે આવડત, કૌશલ્ય, કળવકળ, વ્યવહારજ્ઞાન કે પાટવ જેવું કંઇ જોઇએ છે એવી એને ગમ જ નહોતી. બે શરીરોના સંલગ્ન થવા સાથે જ ઉર અને ઉર્મિની એકતા સંધાઈ જાય છે એવું માની બેઠેલો એ અલ્પજ્ઞ માનવી હતો. મોંમાગ્યાં સાધનોની સહેલી પ્રાપ્તિ અને પતિના પગારની રકમનો પ્રત્યેક માસે અપાઈ જાતો કબજો, એ જ એને મન જાણે કે સ્ત્રીની આત્મીયતા સ્થાપી દેવા માટે પૂરતાં થતાં સાધનો હતાં.

'કહો કહો તો ખરાં મને ભાભી !' વીરસુતે વધુ હિંમત કરી :'ઘરનું માણસ કઈ રીતે રીઝે ?'

'જુવો તો ખરા !' એટલું બોલીને, મોં મલકાવીને, ને તે પછી તરત ગંભીર બનીને, બાળક જેવા દેરની દયાએ ઓગળતી ભદ્રા જવાબ વાળ્યા વગર જ ઘરની અંદર ચાલી ગઇ. એની સમજશક્તિ પણ અંધકારે ઘેરાઇ ગઇ. ઘરની સ્ત્રી કેમ કરીને રીઝે ?

કેવો નાદાન પ્રશ્ન ?

સ્ત્રી પુરુષનો જીવન-પ્રશ્ન શું રંજનનો છે ?

એનું મન ગોથાં ખાઇ રહ્યું. એને એનો ત્રણ વર્ષ પર મૂએલો પતિ સાંભર્યો. વીરસુતને મુકાબલે તો અભણ લેખાય એવો પતિ, છતાં આજે એનાં મૃત્યુ પછી ત્રણ વર્ષે, એ જાણે જંગબારની ખેપે ગયો હોય ને પલેપલ પાછા આવવાની વાર હોય એવું કેમ થતું હતું ? 'આવું છું' એવા શબ્દો પવનમાંથી સંભળાતા હતા. જીવનભર ન આવે તો પણ 'આવું છું, બિછાનું પાથરી રાખજે ! એ સુરો લોપાશે નહિ.

શા માટે આમ ?

એણે શું રિઝાવી હતી મને? એણે તો ઘણી વાર લાલ આંખો બતાવેલી. એક વાર કહ્યું હતું કે 'લે આ કમાડ ઊઘાડી આપું છું, જા ત્યારે જ્યાં જવું હોય ત્યાં ! ને એક વાર મને તમાચો ચોડ્યો હતો. ને યાદ આવે છે મૂઇ ! એક વાર તો મેં ય એને ધમકાવીને એક લાપોટ લગાવી દીધી હતી, તોય એ ગરીબડા ગુનેગારની જેમ ગુપચુપ બેસી રહ્યા હતા ! પ્રસંગ શાનો હતો એ? હાં-હાં-યાદ આવ્યું, બાપુજીની પાસે એમણે મારો ચંદનહાર મને પહેરાવવા માગેલો; બાપુજીએ કહેલું કે વીરસુતની વહુની ડોકમાં નાખવા હું કંઇક કરાવી શકું એટલી વાટ જો. હું એ જોગ કરી જ રહ્યો છું. ચાર મહિનાનું પેન્શન આવી રહેશે એટલે પૂરો વેંત થઇ રહેશે. આમ છતાં એમણે બપુજી પાસે હુજ્જત કરી, મને ચંદનહાર લાવી આપ્યો, ને ઉપર જાતે બાપુજીનું મારી પાસે ઘસાતું બોલી પોતાની બડાઇ મારેલી. તે વખતે રાતના બે વાગેલા. યાદ છે મને, તે વખતે મેં એમને બરાબર ખિજાઈને લાપોટ ચોડેલી. ને કેવાં કડવાં વેણ સંભળાવેલાં ! ને એણે સવારે ઊઠીને મને બે હાથ જોડીને એવું કાંઈ જ નહોતું કહ્યું એ 'તારી વાત સાચી છે, હું ક્ષમા માગું છું.' એણ તો ચંદનહાર જ પાછો બાપુજી પાસે લઈ જઇ બાપુજીને પગે હાથ નાખેલો. પછી એ રાતે મેં એમને કેવા લાડ લડાવેલા ! કેવી રસની હેલીમાં ભીંજવેલા ! દરિયામાં જેમ મોટો મગરમ્ચ્છ ડૂબકી મારી જાય ને માથે પાછું જાણે કાંઇ બન્યું જ નથી એમ પાણી ફરી વળે, એવું જ થયું'તું અમારા તે દિ'ના સંસારમાં હેં મૂઈ ! તે દિ' ફરીથી જાણે આવું આવું થઈ રહ્યો છે. જાણે એનાં જ પગલાં ગાજે છે 'આવું છું ! આવું છું !' એ અમારું એમ કેમ, ને આ દેરનું આમ શા માટે? કોણ કહી શકે ? હું જ એને કહેત - જો મારા શરીર પર સૌભાગ્ય હોત તો : તો તો હું દેરને મારી પાસે બેસારીને અમારા સંસારની ખૂબીઓ સંભળાવત. તો તો હું એને એક પછી એક બધી જ ચાવીઓ -અસ્ત્રીનાં અંતરના તાળાં ઉઘેડવાની- બતાવત. પણ આજે મારા મોમાં વધુ સ્પષ્ટતા શોભે નહિ.આજે તો હું ડરૂં છું બૈ ! ડગલે ને પગલે ફફડું છું !