← કંચનને હમેલ ! તુલસી-ક્યારો
અસત્ય એ જ સત્ય
ઝવેરચંદ મેઘાણી
'બામણવાડો છે ભા!' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.






પ્રકરણ સાડત્રીસમું
અસત્ય એ જ સત્ય


દેવુને દવાખાનું છોડવાના પ્રભાત પૂર્વેની સાંજ આવી પહોંચી. તે દરમ્યાન એ અને કંચનબા બેઉ દોસ્તો જેવાં બની ગયાં હતાં. કંચન પોતાની નોકરી છોડી દઇને દવાખાને જ પડી પાથરી રહેતી હતી. પગથિયે પગ મૂકતાં જ એના ટાંટિયા ધ્રૂજતા, છતાં ત્યાંને ત્યાં જ આવ્યા કરતી. કારણ કે એને જવાનું કોઇ ઠેકાણું નહોતું. ઉપરાંત એને એમ જ લાગ્યા કરતું કે અમુક ચોકસ ચહેરાનો માણસ એ જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ ભમી રહ્યો છે.

સ્નેહીઓનાં ને શુભચિંતકોનાં ઘરોને ઊંબરે એનું જવું અણપવડતું બની ગયું હતું તેનું પણ એક કારણ તો આ જ હતું. જે ઘરમાં એ પેસતી એની સામેના ઓટલા પર, કોઇક ઝાડની છાંયડી નીચે, અથવા સામી સડક પર એનો એ આદમી આંટા દેતો.

જે સ્નેહી કુટુંબો કંચનની શરીરસ્થિતિથી અજાણ હતાં, તેમને કંચનની પાછળ કોઇ મવાલીઓ ભમત લાગ્યા, પણ તેમણે એ માનેલા મવાલીને ઠેકાણે લાવવાની હિંમત બતાવવાને બદલે કંચનનો જ સત્કાર ઓછો કરી નાખ્યો. 'આવો !' એટલો બોલ બોલાતો બંધ પડ્યો એ તો ઠીક પણ 'તમે છો જાણે નવરાં ! એટલે અમે ય શું હાથપગ જોડીને બેઠા રહીએ !' એટલી હદ સુધીનો જાકાર સાંભળ્યો.

જેને પોતે ગાઢ સ્નેહીસંબંધી સમજતી તેવા એક દિલખુશભાઇના કુટુંબમાં જઇને કંચને ધ્રૂસકાં મેલી રડતે રડતે પોતાની સ્થિતિ પ્રગટ કરી.

આ ઘરનાં સ્ત્રી પુરુષ બેઉ શહેરના અનાથ-આશ્રમ સાથે સંબંધ ધરાવતાં હતાં અને તેના સમારંભોમાં આવાં ભાષણો પણ કરતાં હતાં કે 'માતાએ ગુહનો કીધો હોય, પિતાએ ગુહનો કીધો હોય, પણ નિર્દોષ જે બાળક ગર્ભમાં આવી બેઠું હોય તેનો શો અપરાધ ! એવાં બાળકોની ગર્ભધારિણીઓએ તો છાતી કાઢીને પ્રકટ થઈ જવું જોઇએ. એવી સભર્ગાઓને કલંકિત કહી કહી બાળહત્યાને માર્ગે ધકેલવાને બદલે આશ્રય આપી પ્રસવ કરાવવો જોઇએ.' વગેરે વગેરે.

'હું પ્રક્ટ થઈ જવા માગું તો ?' કંચને વરવહુનાં ઊતરી ગયેલાં મોં સામે દયામણી આંખે તાકીને પૂછ્યું :

'તે તો તમે જાણો બા ! અમે કશી યે સલાહ ન દઇએ !' ઘરધણીએ બેઉ હાથને બની શક્યા તેટલા પહોળાવીને કહી દીધું.

'હું બીજું કશું નથી માગતી.' કંચને ગદ્ગદદિત કંઠે કહ્યું, 'મને આ પોલીસના છૂપા પહેરામાંથી બચાવો.'

'અમે શી રીતે બચાવીએ !' સ્ત્રી પણ અકળાઈને બોલી ઊઠી : 'અમને જ તરત છાંટા ઊડે કે બીજું કંઇ !'

'હું જરા બહાર જઇ આવું.' કહીને દિલખુશભાઇ પોબાર ગણી ગયા. ને સ્ત્રી નાવા ગઇ ત્યાંથી કલાકે પણ પાછી નીકળી નહિ. કંચને એ ઘર છોડ્યું ત્યારે પાછાં પતિપત્ની મળીને પોતાનું વ્યાવહારિક જ્ઞાન મીંડવવા લાગ્યાં : એ વાતો કંચને બારી પાસે ઊભીને સાંભળી. પતિએ કહ્યું :

'આપણને કંઇ બીજો વાંધો નથી, આપણે કંઇ એને પાપિણી કહેતાં નથી, પણ આપણી સાથેનો જૂનો સંબંધ રહ્યો, એટલે તો આપણે જ ઝપટાઈ જઇએ ને !'

પત્ની બોલી : 'અરે, તમે લગાર વધારે રસ લેવા લાગો એટલે સૌ એમ જ માની લેશે કે તમે જ જવાબદાર હશો !'

'બીજા તો ઠીક પણ તું પોતે ય વહેમાઈ પડે ને ક્યાંક ! મને કંઈ બીજાનો ડર નથી.'

'બળ્યું ! આપણે સ્નેહીસંબંધીઓના પ્રશ્નોથી છેટા જ રહેવું સારું. સેવા કરવી તો અજાણ્યાંની જ કરવી.'

'એ તો મેં પહેલેથી જ એ ધોરણ રાખેલ છે. જે આવે તેને કહી દઉં છું કે હું કશું ના જાણું. તમને સૂઝે તેમ કરો. ઓ રહ્યો અનાથાશ્રમનો રસ્તો. બીજી કશી લપછપ નહિ. ધરમ કરતાં ધાડ થાય બા !'

વાત પૂરી થઇ એટલે કંચને પોતાના દેહને ધકેલી ધકેલી રસ્તે ચાલતો કર્યો.

ધરમ કરતાં ધાડ થાય માટે ધરમ કરવો તો આવડતભેર કરવો, એવા સ્નેહી જનોના સિદ્ધાંતની નક્કર ભૂમિને આશરેથી પાછી વળેલી કંચન દેવુની પાસે જતી, અને દાદા તથા ભદ્રા બેઉ જ્યારે સાંજે ઘેર ચાલ્યાં ગયાં હોય ત્યારે દેવુના બિછાનાને પાછલે ખૂણે બેસીને પોતાની થેલીમાંથી છાનીમાની કંઇક ખાતી. એ વખતનો એનો દેખાવ કોઇ નીંભર, આત્મવિસ્મૃત, જડ ખાઉધરીનો બની જતો. જાણે કોઇ દુકાળિયું !

પોતાની પાછળના ખૂણામાંથી દેવુને કોઇ વાર જમરૂખની વાસ આવતી તો કોઇ વાર મૂળાની. કોઇ કોઇ વાર ભજિયાં પણ ફોરતાં. ખાતી કંચનના મોંના ભયાનક બચકારા સંભળાતા.

દેવુને નવી બાના આ વિલક્ષણ સ્વાદોનું કુદરતી રહસ્ય સમજવાને વાર હતી. દાદા કે ભદ્રાબા આવે ત્યારે દેવું છાનોમાનો કહી દેતો કે 'કંચન બા બહુ ભૂખ્યાં થતાં લાગે છે.'

ડોસાનું મગજ જ્યેષ્ટારામની સલાહ અને કંચન પ્રત્યેના તિરસ્કારની વચ્ચે ડામાડોળ હતું. એમાં જ્યારે એણે દેવુ પાસેથી આ સમાચાર જાણ્યા ત્યારે એને કાળ પણ ચડી ગયો. આટલી બધી નિર્લજ્જ ! આંહીં બેઠી બેઠી આવી ચીજો ચાવે છે ! પોતાના આચરણની એને લજ્જા કે સંતાપ પણ નહિ હોય ?

પણ એક દિવસ ડોસા કવેળાએ આવી ચડ્યા. કંચન ખૂણામાં પીઠ વાળીને બેઠી બેઠી કશુંક બુચકાવતી હતી, ડોસા સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા. એણે જગતની સકળ કરુણતાઓની અવધિ દીઠી. ગર્ભધારિણી યુવતી જાણે કોઈ ચોર , બદમાશ, ડાકણ જોય તેમ ચકળવકળ જોતી જોતી, ફડકો ને ફળ ખાતી ખાતી શું ચાવતી હતી ? ગાજર ને મોઘરી.

એકાએક એણે ડોસાનો શ્વાસ સાંભળ્યો. ઝબકીને પાછળ ફરી. ડોસાએ સન્મુખ નિહાળી. કંચન સીધી સટ સામે જોતી બેસી રહી. એના ચહેરા પર જે શૂન્યતા હતી, જે જડતા ને નિષ્પ્રાણતા હતી, જે મરણિયો ભાવ હતો, તેણે જ ડોસાને પરાસ્ત કર્યો. વૃદ્ધ સોમેશ્વરે તે દિવસ રાતે વીરસુતની ગેરહાજરીમાં ઘર આગળ ભદ્રા વહુને પોતાની નજીક બોલાવીને બનાવટી હાસ્ય છોડતે છોડતે કહ્યું :

'તમે આટલાં ડાહ્યાં, આટલાં સુજાણ, પણ મને તો વાતે ય કરતાં નથી ના?'

'અનસુ !' ભદ્રાએ લાજનો ઘૂમટો આડો રાખીને, દૂર રમતી, પૂરી બોલી ન પણ જાણતી અનસુના ઓઠાને આશરે સસરાને જવાબ વાળ્યો : 'પૂછ તો દાદાજીને, શેની વાત ?'

'વીરસુત કંચન વહુને આંહી ક્યારેક ક્યારેક બોલાવે છે તેની ! બીજા શેની વળી ! તમે જ બેઉનાં મનનો મેળ જોડો છો ને મને પાછાં છેતરો છો કે બેટા ? હે-હે-હે-હે.'

ભદ્રાને ખબર ન પડી કે સસરાના ઉદ્‍ગારો પાછળ શી મતલબ છે, શું તથ્ય છે, ઠપકો છે કે ધન્યવાદ છે !'

'ના, અહીં તો કોઇ દા'ડો કંચન આવ્યાં નથી.' એણે હેબતાઈને કહ્યું.

'નાદાન છો નાદાન, બેટા !' સસરા પોરસ ચડાવી રહ્યા : 'તમે તો ઊંઘણશી છો કુંભકરણની બેન જેવાં ! ઠીક, મૂકો હવે એ વાત, ને મન સંકોડ્યા વગર મને વધામણી આપો બચ્ચા !'

'પણ શાની, વધામણી બાપુને પૂછને અનસુ !'

'વહુને મહિના ચડે છે, છુપાવો છો શીદને ! એમ મારાથી છુપાવ્યું છૂપશે કે ? મારી તો શકરા-બાજની આંખો છે બચ્ચા ! તમારે તો ઘણીય દેરાણીને ગાજતે વાજતે ઘેર લાવી કરીને પછી મને કહેવાની ગણતરી હશે, પણ હું કાંઇ ઓછો ખેપાન છું ! હું તમારો બાપ : જેવી દીકરી દુત્તી એવો જ બાપ ખેપાન ! હે-હે-હે-હે-હવે જુવો જાણે, મારા મનમાં જે છે તે તમને કહી દઉં છું. મારા હૈયામાં એક સજ્જડ વહેમ ગયો છે કે, કંચનની આગલી બે કસુવાવડો આંહીં થઇ ગઈ છે, આ ત્રીજીયે મારે બગડવા નથી દેવી. મને આ ઘરનો વહેમ છે. ગમે તેમ તોય બે ય જણાં અણસમજુ કહેવાય. વીરસુતની ય વિદ્વતા તો પોથંપોથા પૂરતી, કેમ વર્તવું કેમ પાળવું એ એને રેઢિયાળને કાંઈ સૂઝે નહિ. માટે તો હું વહુને ઘરમાં પગ પણ મુકાવ્યા વગર કાલે બારોબાર આપણે ગામ લઇ જવાનો છું. છોકરાને મારા માથે ખિજાવું રિસાવું હોય તો છો ખિજાય, ખવરાવજો બે રોટલીઓ વધારે અહીં રહીને; કંચનનું તો મારે બાકીના પાંચ છ માસ શાસ્ત્રીય પદ્ધતિપૂર્વક જતન કરવું છે. જરૂર પડશે એટલે તમને તાર મૂકીશ. તે પૂર્વે તમારે આવવાનું નથી. મને ફક્ત એને માટે ઓસડીઆં તૈયાર કરવાનો ખરડો ઉતારી દો એટલે હું મારી જાણે બધું કર્યા કરીશ. બાકી તો કહી રાખું છું તમને ને વીરસુતને, કે આવેલી વહુને મારે ખોઇ નાખવી નથી. મારે હજુ દેવુ ને અનસુને વરાવવાં પરણાવવાં છે. મારે આપણી આબરૂ ઉપર થૂકનારી જ્ઞાતિની આંખો અમીથી આંજવી છે. ભલે ને બધા સ્ટેશનથી માંડી દવે-ખડકી સુધી ફાટી આંખે જોઈ રહેતા કે દીકરાની વહુને ક્ષેમકુશળ લઇને આવ્યો છે સોમેશ્વર ડોસો ! ભલે સૌ આંખો ઠારતાં. દીકરાની વહુ મશલમાનને ગઇ ને કિરસ્તાનને ગઇ વગેરે ગપ્પાં ઉરાડનારાં આપણાં વાલેશરી બધાં ભલેને ખાતરી કરી લેતાં, કે મારી દીકરાવહુને તો તુલસીમા એ સમા હાથે દીધું છે. ને વંઠે ફીટે તે મારી પૂત્રવધૂ નહિ, કોઈક બીજાની.'

સસરાના વિચિત્ર લપસીંદરે ભદ્રાની જીભ જ તાળવે ચોંટાડી દીધી. ભદ્રાને સસરા પાસેથી પહેલી જ વાર આ સમાચાર લાધ્યા. એની અસર ભદ્રાના અંતર પર જુદા જુદા કૈંક પલટા લગાવી ગઈ. પ્રથમ તો એના કપાળ પર કરચલીઓના લિસોટા પડ્યા. કંચનને વીરસુતને સુમેળ ? કોણે કરાવ્યો ? ક્યારે ? રાતમાં કંચનનો ઘરમાં પ્રવેશ ? હોઇ જ કેમ શકે ? હું કદી એવી કુંભકરણ-નિદ્રામાં ઘોંટી નથી બૈ ! દેર તો એને મકાને નહિ ગયા હોય ? ગયા વિના આમ બને પણ કેમ ?

બનાવટ ? બનાવટ હોય તો સસરા જેવો સસરો કેમ સપડાય ? સસરા છેતરાયા હશે ? દેરે છેતર્યા હશે ? દેરને એવી શી જરૂર ? પોતાની આબરૂ ઢાંકવાની ?

મારે કંઈ નૈ બૈ ! મંછા ભૂત ને શંખા ડાકણ ! મારે રાંડી મૂંડીને વળી આ બધી લપાલપ શી ? સસરો ઢાંકતા હોય, દેર પણ ઢાંકતા હોય, કંચન પોતે જ ઢાંકતી હોય, તો તારે રાંડને ઉધેડીને શી કમાઈ કરવી છે મૂઇ ! ઉઘાડાં ઢાંકિયે,ઢાંકયાં તે કોઇનાં કાંઇ ઉધેડાય મૂઇ ! ઉધેડ્યાં કેનાં સુધર્યાં છે જે ! ઉધેડ્યે શી બહાદુરી બળી છે બૈ !

ધૂમટાની આડશે પટ પટ થતા ભદ્રાની આંખોના પાંપણ-પડદા જોતો ડોસો, પોતે જેમાં ચાલી રહેલ છે તે પાણી કેટલાંક ઊંડાં છે તેનું જાણે માપ લઇ રહ્યો હતો. મનમાં તો ફડક ફડક થતું હતું. પોતે વેશ ભજવતો હતો તેનું ભાન જો આ યુવાન વિધવાને સવળી રીતે થઇ જાય તો તો તરી જવાશે, પણ એ જો અવળી રીતે વિચારશે તો તો પછી ઘરના સુખ સંરક્ષણનો રહ્યો સહ્યો ખૂણો પણ જમીંદોસ્ત થશે તેની પોતાને ખબર હતી.

'એમાં ઉચાટ શા માંડી દીધા તમે, દીકરા !' ડોસાએ વાતને બીજા પાટે ચડાવી : 'વીરસુત ધંવાંફુંવાં થશે તેનો ડર રાખો છો ? રાખ્યો રાખ્યે એવો ડર ! એ બેવકૂફ તો બધું પરવારી કરીને જ બેઠો હતો. એ તો તમે પાછું છાદ્યું બૂર્યું. એને કયાં સંસારનું ભાન છે ? એ થોડો કબૂલ પણ કરવાનો કે જે બન્યું તે બન્યું જ છે ! વટમાં ને વટમાં મરડાઇ જશે મરડાઈ ! તીન પાંચ કરે તો કહી દેજો એને, કે હવે ઢાંકણ ઢાંકવાની તક જડી છે તો ઢાંકવા દે બાપ ! હવે ઉઘાડવું રહેવા દે . અત્યારથી મારા દેવુના અને મારી અનસુના સંસારમાં આગ લગાડ મા. ઢાંક્યે લાભ છે તેટલો ઉઘડ્યે નથી દીકરી ભદ્રા ! સાચું કહેજે .'

કડી મળી ગઇ. સસરો ઢાંકવા જ મથી રહેલ છે. ડોસો પોરસના પૂરમાં તરી રહેલ છે !-

'ગામની બજારમાં ઘોડાગાડી કરીને વહુને લઈ જઈશ ત્યારે અદાવતીઆના ડોળા ખેંચાઇને બહાર નહિ નીકળી પડે ! વાર ક્યાં છે ઝાઝી, કાલ સાંજે ભલેને આભના તારા જેટલી આંખો કાઢીને ગામ જોવે. મારે મોંએ શું હું શાહી ઢોળીને ગામ સોંસરો નીકળીશ ? વાર છે વાર! એક વાર જેણે મને ગામમાંથી નીકળતે ગાળ સંભળાવી છે, તેને ખોંખારો સંભળાવું ત્યારે જ હું ખરો તારો સસરો બચ્ચા ! બાકી તો ઢાંક્યામાં જ બધો સાર છે.'

સસરો અને પૂત્રવધૂ, બેઉએ સમજી લીધું કે આખી ઘટના બનાવી કાઢેલી હતી. ભદ્રા સસરાની બનાવટ પામી ગઈ છતાં અજાણી અને અનુમોદન દેનારી બની રહી. સસરો પણ સમજીને જ બેઠો હતો કે વહુ પોતાની બનાવટને પામી ચૂક્યા પછી જ સહમત બની રહી છે. આ રીતે બેઉ પક્ષે છેતરપીંડી તો રહી જ નહિ. સાચી વાતનો બેઉ પક્ષે સમજે પડી ચૂક્યા પછીનો જ આ સભાન તમાશો હતો. જીવનનો આખરી નિષ્કર્ષ જ આ તમાશો હતો. કોઇ કોઇને છેતરતું નહોતું, બન્ને પાઠ ભજવતાં હતાં, ને બન્ને પરસ્પર એ કયો પાઠ ભજવાય છે તે જાણતાં હતાં : પ્રવંચના પોતે જ વસ્તુસ્થિતિ બની રહી. છેતરપીંડી પોતે જ પ્રમણિકતા બની રહી.