તુલસી-ક્યારો/દિયરની દુઃખભાગી

← જનતાને જોગમાયાં તુલસી-ક્યારો
દિયરની દુઃખભાગી
ઝવેરચંદ મેઘાણી
માતા સમી મધુર →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ત્રેવીસમું
દિયરની દુ઼:ખભાગી


દ્રા હજુ દિયર પાસે અમદાવાદ જ હતી. એની એક આંખમાં અનસુ તરવરતી હતી, બીજી આંખમાં દિયરજીની દુઃખમૂર્તિ હતી. જણ્યું તો જીવશે જીવવું હશે તો, પણ આ કુટુંબની રોટલી રળનાર પુરુષ જો ભાંગી પડશે તો અમને જ ખોટ બેસશે, એવું ચિંતવતી ભદ્રા વીરસુતને સાચવીને બેઠી હતી. એને રોજ રોજ ફેરવી ફેરવીને ફરસાણ ઈત્યાદિ ખવરાવતી . એને પૂછ્યા વગર જ પોતે એની ખાવા પીવાની ઈચ્છા કળી લેતી, સારૂં સારૂં કાંઈક શાકપાંદડું અને ઢોકળું પત્રવેલીઉં પોતે કરતી ત્યારે નાની અનસુ યાદ આવી જતી, આંખો ભરાઈ જતી, પણ બીજી જ ક્ષણે આંખો લૂછીને એકલી એકલી બોલી લેતી:

'ઇમાં શું રોઇ પડાવાનું હતું બૈ? આ બાપડા દેરને બાયડી જેવી બાયડી ચાલી ગઈ તેના જોવો તો તારો દુઃખ-ડુંગરો નથી ને રાંડી? રાંડેલી અસ્ત્રી તો બધું જ વેઠે, એ તો જોરદાર જાત વદે, પણ રાંડ્યો નર સહી શકે બૈ! ઇ તો ધન છે સસરાજીને, કે રાંડ્યા કેડે એકલે હાથે અડીખમ જેવા રહી છોકરા બે મોટા કર્યા, પરણાવ્યા પશટાવ્યા, ને વળી મારા જેવી મૂંડીને પણ પાળે છે. બાકી આ બાપડા દેરની કાંઈ તાગાદ છે, બૈ? રાત બધી પથારીમાં લોચે છે, નિસાપા નાખે છે, સ્વપ્નમાં લવે છે, હું કાંઈ નૈ સાંભળતી હોઉં એ બધું? મને થોડી ઊંઘ આવે બૈ ! એકલવાયાં એકલવાયાં અસ્ત્રી વગરના ઘરમાં રેવું ને રાતે ઊંઘવું એ થોડું થીક કહેવાય ? કોને ખબર છે બૈ, બેમાંથી કોનું હૈયું વહેલું હારી બેસે ને કોણ ખોટ ખાઈ બેસે. પછી આ આને દોષ દે ને આ આને માથે આળ ચડાવે એ કંઈ ચાલે? માટે ચેતતા રે'વું બૈ ! બૈરાવિહોણું ઘર છે. ને પોચા હૈયાનો પુરુષ છે. કોઈનો દોષ ના કાઢીએ, આપણે પંડ્યે જ આપણાં વસ્તર સંકોડીને રહીએ બૈ.'

પત્નીને હારી બેઠેલો વીરસુત પોતાની ભોજાઇનો આ છૂપો ભય થોડેક અંશે તો પારખી શક્યો હતો. શરૂ શરૂમાં તો કેટલાક દિવસ એ પોતાના સંસારના આ સત્યાનાશ ઉપર ટટ્ટાર ને પડકાર કરતો રહ્યો. રેશમનાં સૂટ, ઊંચાં ચામડાંના બૂટ, જુદી જુદી જાતની હેટ, ટોપી, સાફા વગેરે શોખની માત્રા ઊંચી ચડી. ને કંચન ગઈ તો તેના નામ પર ઝાડુ મારવાનો તોર તેણે થોડા દિવસ બતાવ્યો ખરો. એના સ્નેહીજનો હતા તેઓ તેમ જ ભાસ્કરના વિરોધીઓ હતા તેઓ, એને ઘેર આવતા જતા પણ રહ્યા. ને એ સર્વને ભોજાઈના અથાક શ્રમને જોરે પોતે ચહા પૂરી ને ભજિયાં મુરબ્બો ખવરાવતો પણ રહ્યો. પાણ રફતે રફતે સ્નેહીજનોનો અવરજવર ઓછો થયો, કેમ કે એક તો વીરસુત આખો સમય પોતાનો ને કંચનનો જ વિષય લઈ પીંજણ કરવા બેસતો , ને બીજું એ સૌને પૂછતો, ફરી લગ્નનું પાત્ર શોધી આપશો?

વકીલ મિત્રોએ એને ચેતાવ્યો; 'તારું તો સીવીલ મેરેજ હતું. એક સ્ત્રી હયાત છે ત્યાં સુધી ફરી પરણાય જ નહિ. મીસ્ટ્રેસ રાખવી હોય તો રાખી લે. પણ ચેતજે, પેલાં લોકોના હાથમાં પુરાવો ન પડી જાય.' આ માહિતી કાંઈ નવી નહોતી, છતાં પોતે કોણ જાણે શાથી આત્મવિસ્તૃત થઈ ગયો હતો, એ વિસ્મૃતિ પર આ ખબર એક વજ્રપાત શા નીવડ્યા અને તે પછી તો એને કંચનનું કોઈ અકસ્માતથી મૃત્યુ જ સતત વાંછ્યા કર્યું.

'કંઈ પરવા નહિ.' એ થોડીક કળ વળી ગયા પછી વિચારતો: 'સ્વતંત્ર જીવનમાંથી ઊલટાનું વધુ સુખ મળી રહેશે.'

એવું સુખ મેળવવાના માર્ગો પોતાને મળતા રહે છે એવું પોતે માનતો હતો. મિત્રો પોતાની પત્નીઓ સાથે એની જોડે એને ખર્ચે સિનેમામાં આવતા થયા, ને ત્યાં મિત્રપત્નીઓ તેમ જ પતિના આ મિત્રની વચ્ચે બેસતી થઈ. થોડા દિવસોમાં જ આ વાતની જાહેર વગોવણી ચાલુ થઇ એટલે મિત્રો ને મિત્રપત્નીઓ એને આવો સમાગમ લાભ આપતા અટકી પડ્યા. પ્રણય કરવાના પરાક્રમ માટે એ ઘણીવાર નીકળતો થયો, પણ એ પરાક્રમ માટે ખપતું જીગર એની પાસે કદી જ સંઘરાયું. નફટાઈ એનામાં ન જ આવી શકી. છતાં પોતે નાહકનો એવો દેખાવો કરી સારા વર્ગમાં પણ અળખામણો બન્યો.

નહિ પૂરા નફ્ફટ, ને નહિ પૂરા સંયમી એવા પુરુષની જે દશા થાય છે તે વીરસુતની બની.

બહારના જગતનાં આવાં બધાં જ સાહસોમાં એના હાથ હેઠા પડ્યા ત્યારે એ ઘેર આવીને વિચાર કરવા બેઠો. સ્ત્રી મળવી દુર્લભ છે. મિત્રપત્નીઓનાં મલકાતાં મોઢાં અને એ મોઢાંમાંથી ટપકતી દિલસોજી મારી સ્ત્રી બાબતની ભૂખને ભુલાવવાને બદલે વધુ પ્રદીપ્ત કરે છે. ને હું જો વધુ અગ્રસર બનું તો તેનાથી સૌ ભડકે છે. આટલા બધા પવિત્ર રહી ગયેલા જગત પર એને તિરસ્કાર છૂટ્યો.

એક વાર મોટર લઈને સીમમાં ફરવા ગયેલો. ઘાસની ભારી લઈ શહેર તરફ વળતી મજૂર સ્ત્રીને એણે કહી જોયું કે 'બાઈ બેસી જાઓ આ મોટરમાં, ને ભારી પણ અંદર ગોઠવી દ્યો. તમને શહેર સુધી પહોંચાડી દઉં.'

'ના રે મારા ભાઇ! તું તારે મોટર ફેરવ્ય ને  ! ઠેકડી શીદ કરછ?'

એમ કહેતો એ ભારાવાળી છોકરી પોતાની પાછળ ચાલ્યા આવતા મેલાદાટ મજૂરની રાહ જોઈ થંભી જતી, ને વીરસુત પાછળ ફરી ફરી જોઇ શકેલો કે બેઉ જણાં ગુલતાનમાં ચાલ્યાં આવતાં હતાં, છોકરી પોતાના ચીંથરેહાલ સાથીની અસભ્ય ચેષ્ઠાઓમાંથી પણ રોનક ખેંચતી જંગલ ગજાવતી આવતી હતી.

એકલવાયાપણાની અવધિ આવી રહી. વીરસુત ઘેર આવ્યો. ભાભી વાટ જોઈ ઊંબરમાં બેઠી બેઠી કામવાળી બાઈ સાથે વાતો કરતી હતી.

એનો કંઠસ્વર દિયરની ગેરહાજરીમાં વણદબાયો ને લહેરકાદાર રહેલા. વાતો કરતાં એ જાંણે ધરાતી જ નહિ. કામવાળી બાઈ જોડે પણ એ અલકમલકની અને ખાસ કરીને પોતાના સસરાની વાતો હાંક્યે જતી.

ભાભીનો સ્વર જાને પહેલી જ વાર પોતે શ્રવણે ધર્યો એવું ધીમેધીમે મોટર લઈ આવતા વીરસુતને લાગ્યું. એ સ્વર આટલો બધો કંઠભરપૂર અને નિરોગી હતો શું ? ભાભીને પોતે અગાઉ કદી બોલતી કેમ સાંભળી નહોતી? ભાભી કોઈ કોઈ વાર રસોડામાં બેઠી બેઠી પૂછતી : 'ભાઈ તમને મારી રસોઈ ભાવે તો છે ને બાપા?' ત્યારે એણે જવાબો વાળેલા કે 'બધું જ ભાવે; લાવોને બાપુ.' આ જવાબો કઠોર હતા તેની વીરસુતને અત્યારે સાન આવી. ભદ્રા ભાભીનો કંઠ પોતે કાન દઈને સાંભળ્યો નહિ હોય, નહિતર કંઈ નહિ તો એ કંઠસ્વરોનું ફરી ફરી શ્રવણપાન કરવા માટે ય પોતે કાંઈક બોલ્યો હોત ને!

જમવા બેઠો ત્યારે 'ચાલો ભાભી ! આજ તો હું બહુ જ ભૂખ્યો છું. પીરસો તો !; એવા મીઠા કંઠે પોતે બોલ્યો.

એને એકાએક ભાન થયું કે પોતે જેને શોધી રહેલ છે તે તો આંહી ઘરમાં જ છે.

વીરસુતનો ચડેલો ચહેરો તે સાંજથી ગોળ હસમુખો બની ગયો, જમતાં જમતાં એણે રસોઈના વખાણ કરવા માંડ્યા, પોતાના ઓરડામાં ટેબલ પર ખાવાનું મગાવી લેનારો પ્રોફેસર રસોડાની સામે પરસાળમાં જ પાટલો ઢળાવતો થયો. ને ભાભે પોતાને જમતા પહેલાં નહાઇ લેવાનું કહી જાય તેનો સ્વીકાર કરી લઈ, પોતે બપોર પછી નહાવાની પોતાની વર્ષોની આદત બદલાવી નાખી.

'ભાઇ!' થોડા દિવસ પછી ભાભી એના ખંડ પાસે આવીને કપાળઢક સાડી રાખી કહેવા લાગ્યાં : 'તમારી ચાવીઓ મૂકતા જશો?'

ચાવીઓ ભાભી શામાટે માગે છે તેનું કારણ તો પૂછવાનું રહ્યું જ નહોતું; એની માગણી જ મીઠા ઉપકાર સમાન હતી. એ દઇને ગયો.

સાંજે આવીને વીરસુત જુએ છે તો એના તમામ ટ્રંકો બહાર તડકામાં ખુલ્લા તપતા હતા ને અંદર અવનવો ચળકાટ મારતા હતા. વીરસુત ઓરડામાં આવીને જુએ તો પલંગ ઉપર એનાં કપડાંની થપ્પીઓ સરખી ઘડ પાડીને ગોઠવાઈ હતી, ને બાજુના એક મેજ પર જે થપ્પી પડી હતી તેમાંના તમામ કપડાં કુથ્થો ખાધેલ, વાંદાએ બગાડેલ, જીવાતે ગંધવી મારેલાં હતાં, ટસરનાં ને ઊનનાં સુંદર સૂટનો ઓટલો વળી ગયો હતો. 'કેમ ભાભી ! આ બધું શુ?' એમ બોલતો પોતે બાજુના ખંડમાં ધસી ગયો.

ભદ્રા બેઠી બેઠી એનાં ફાટેલાં ધોતીઆંને બારીક સાંધા કરતી હતી ને ઊન ટસરનાં કપડામાં પડી ગયેલા કાણાંને તૂંની લઈ દુરસ્ત કરતી હતી.

દિયર આવતાં જ એણે પોતાનો પહોળો પાથરેલો ખોડો સંકોડી લીધો ને મોંમા ઝાલેલી સોય હાથમાં લઈ લીધી.

'કંઈ નહિ ભૈ!' એણે ઊભા થઇ જઇને એક બાજુએ સંકોડાઇ ર્હી કહ્યું : 'ઘણા દા'ડાથી કપડાંની ફેરવણી થવી રહી ગઈ હશે - તે એ તો કશું નહિ. હાથે સરખાં થાય એવાં તો મેં સાંધવા લીધાં છે, પણ બાકીનાં જે મેજ પર મેલેલ છે, તે સાંધવા કોઇક દરજીને બોલાવશો ને, તો હું એને સમજ પાડી દઇશ કે કેમ સાંધવા.'

'દરજીનેય તમારે સમજાવવો પડશે? વીરસુતે હાંસી કરી.

'સેજ અમસ્થું ભૈ ! એ તો મૂવાઓ ખોટા રંગના થીગડાં મારી વાળે ખરા ને? એટલે હું આમાંથી જ સાવ નકામાં બનેલાં લૂગડાંનું કાપડ, ભળતા રંગનું, ગોતી કાઢી દઇશ'

એમ બોલતી બોલતી ભદ્રા બે હાથની આંગળીઓ વચ્ચે ચમકતી નાની સોયને રમાડતી ઊભી રહી.

થીગડાંની પણ રંગમિલાવટ હોય છે એ આ રસાયણિક દ્રવ્યોની રંગમિલાવટમાં પાવરધા પ્રોફેસરે પહેલી જ વાર સાંભળ્યું.

'ઠીક, દરજી બોલાવી આપીશ. તમને ઠીક પડે તેમ કજો.'

'આંહી બેસીને જે કોઇ કરી આપે તો વધારે સારું.' ભદ્રાએ જરાક દેરની સામે જોતે જોતે કહ્યું. 'આંહીં ક્યાં?'

'આપણો સંચો છે ને?' એક નવો નકોર અણવાપર્યો સંચો, જે કંચને એક દિવસ બજારમાં ઊભાં ઊભાં કલહ કરીને ખરીદાવેલો તે દીવાનખાનાના ખૂણામાં ગોઠવેલો ભદ્રાએ બતાવ્યો.

આજ સુધી તો એ સંચો કોઠારમાં બીજા બધા ઓજીસાળાની સાથે પડ્યો હોઇ વીરસુતે કદી જોયેલો નહિ. અત્યારે એ ઠેકાણેસર ગોઠવાયેલો, ઘસીને લૂછેલો, હસું હસું કરતા જીવતા કુટુંબીજન જેવો લાગતો હતો. સંચા પાસે જઈ જીવતા જાનવરને પંપાળે તેમ પંપાળતા પંપાળતા વીરસુતે પૂછ્યું:

'તમને નેથી આવડતું સીવતાં?'

'ના ભૈ! ક્યાંથી આવડે બાપ ! આપણા ઘરમાં તો......'

એ સહેજ હસીને બાકીનું વાક્ય હોઠેથી હૈયે ઊતારી ગઈ. એને કહેવું તો હતું કે આપણા ઘરમાં તમારાં જેવાં આ રેશમી અને ગરમાઉ સૂટ કોણ પહેરતું હતું તે સંચાની જરૂર પડે? અથવા કદાચ એને એમ પણ કહેવું હશે કે અમારાં જેવાં અભણ ગામડિયાં બૈરાં સંચા ચલાવવા જેવાં સુધરેલાં દેખાવા લાગે તો આજુબાજુનાં બૈરાં મશ્કરી જ કરે ને !

ત્યાં ઊભે ઊભે વીરસુતની દૃષ્ટિ આ ઓરડાની બાજુના બીજા ઓરડામાં પડી, ને એક કશીક સુપરિચિત સુગંધ પણ આવી.

'આંહીં આ શું ટાંગ્યું છે બધું?' એમ બોલતો બોલતો એ ત્યાં જઇને જુએ છે તો ત્રણ મોટા મોટા કબાટો ખુલ્લા પડેલા છે, ને તેની અંદર ટરપેન્ટાઇન ચોપડેલું છે. ઓરડાની અંદર લાંબી ને પહોળી વળગણીઓ બાંધેલી છે તે રંગબેરંગી કપડાંને ભારે લચી પડી છે. એ જાણે કપડાંની હારો નહોતી પણ ફૂલોની બાગ હતી. સાડીઓ, પોલકાં, ચણીઆ, ગરાસણીવેશના ઘેરદાર પોશાક, કણબણ-વેશનાં આભલે જડ્યાં વસ્ત્રો, સાવ સફેદથી માંડી છેલ્લામાં છેલ્લી ફેશનની રંગીન સાડીઓ, ખોટા અંબોડા, ખોટી વેણીઓ, હીરની નાડીઓ, ચોટલાંના પારંપાર ફૂમતાં, રિબનના ઢગલાં........

જોનારનું કલેજું હલી જાય તેટલી એ પોશાકી રિયાસત કોની હતી? કંચનની. ક્યારે આ બધું ખરીદ કરેલું? પ્રત્યેક ખરીદી વખતે વીરસુત સાથે હતો છતાં એ અત્યારે આભો બન્યો. એની આંખે જાણે ચક્કર આવ્યાં.

ને એ વણગણીઓમાંની એક વણગણી ઊંદરે ને જીવાતે ચૂંથી નાખેલાં ઘણાં કિંમતી અને ઊભાઊભ ખરીદાવેલાં વસ્ત્રોની હતી.

પોતે ટગર ટગર જોઈ રહ્યો. આ વસ્ત્રોની પહેરનારી ચાલી ગઈ હતી. પારકી થઈ હતી. ઘરમાં રહી ત્યાં સુધી પણ આ વસ્ત્રો પર એને પોતાપણું નહોતું. એ જેમ આવે તેમ પહેરતી, પહેરી પહેરીને ફગાવતી, ડૂચા વાળીને કબાટોમાં આ મહામોલાં લૂગડાં જ્યાં ત્યાં રઝળતાં; નહાવાની ઓરડીની ખીંતીઓ, દીવાનખાનાની ખુરસીઓ, અરે એકે ય ખંડની ખીંતીએ આ સ્ત્રીનાં રઝળતાં વસ્ત્રોથી મુક્ત નહોતી.

જોતાં જોતાં આંખોનો બોજ બેહદ વધ્યો. એ બોજ આંખોએ હૈયા ઉપર લાદ્યો, ને હૈયાએ કંઠમાંથી 'આહ!' શબ્દે એ બોજો બહાર ફગાવ્યો.

'આહ!' બોલી પોતે બહાર નીકળ્યો ત્યારે ભદ્રા પરશાળ સુધી આગળ ચાલી ગઈ હતી. જાણીબૂઝીને જ ભદ્રાએ એ કબાટોનાં વસ્ત્રાભરણો વિષે કશું પૂછ્યું નહિ. સાંધવા તૂંનવાની વાત પણ ઉચ્ચારી નહિ. સમજતી હતી પોતે-કબાટો જ્યારે ખાલી કરતી હતી ત્યારે પ્રત્યેક કપડું વાતો કહી રહ્યું હતું એને - આ રંગભભકોના અંતસ્તલમાં વહેતી છેલ્લાં બે વર્ષોના લોહીઉકાળાની નદીઓની વાતો; રસિકતાનાં ઉપલાં પડો નીચે પડેલી શુષ્કતાની વાતો; આ સાડી પહેરવી નથી તે પહેરવી છે એવા નાના વાંધાઓ ઉપર મોટા કજિયા મચ્યા હતા તેની વાતો, અમુક ડીઝાઈન તો મદુરાથી પણ વળતી ટપાલે મગાવી આપવાની વાતો, અમુક સાડી તો મુંબઇથી આવ્યે આઠ જ દિવસ થઇ ગયા પછી ફેશન બહાર ચાલી ગયાની વાતો - અર્ધી અર્ધી ને કોઇ કોઇ તો આખી રાતો પર્યંત વરસતાં રહેલાં આંસુડે ભીંજાયેલી સાડીઓની વાતો.... સેંકડો કલેજાંફાડ વાતો !

પોતાના ખંડમાં જઇને વીરસુતે એક વાર તો દેહને સોફા પર ઢગલો કરી દીધો. એક અકથ્ય નિષ્ફળતા-ખરચાય તેટલા પૈસા ખરચીને છેલ્લાં બે વર્ષોના દાંપત્યમાં 'કસૂંબી' પૂરવાના અને ઊઠે તેટલી તમામ ઇચ્છાઓને સંતોષવાના પ્રયત્નોની એક અકથ્ય નિષ્ફળતા તેની રગેરગના તારોને ખેંચી રહી.

બે વર્ષથી ઘરમાં બેઠેલી સ્ત્રીને ઘર પોતાનું લાગ્યું જ નહિ ! ને આ હડધૂત, અપમાનિત, ભયધ્રૂજતી વિધવા ગામડિયણને આ ઘરની એકેય સાડી પહેરવી નથી, આ પોશાક પહેરનાર પુરુષને નિહાળી એકેય રોમાંચ અનુભવવો નથી, છતાં એ કોણ જાણે કયા મમત્વભાવે સાફસુફી કરવા બેઠી હશે !

ઊઠીને એ બહાર આવ્યો. 'ભાભી !' એણે ભારી કોઈ પ્રયોજનપૂર્વક તડામાર વાક્ય ઉચ્ચારી નાખ્યું : ' તમે એમાંથી શા માટે સાડીઓ ન પહેરો ? પહેરો તમે તમારે.' 'ના ભૈ ! હું તે શું પે'રું ભૈ? એમ બોલીને ભદ્રાએ જે હાસ્ય કર્યું તે હવામાં ઊડતા આકોલિયાના રૂના તાંતણાં જેવું હળવું હતું.'

'કેમ શો વાંધો છે? તમને રંગીન ન ફાવે તો સફેદ પહેરો.'

આટલં વર્ષોનો કડકો ને ખિજાળ દિયર પોતાની નાસી ગયેલી પત્નીનાં હીરચીર મને મૂઈ કાળમુખી રાંડીને પહેરવા કહે છે ! કેવી વિસ્મે વાત ! બાપડાને વે'વારની ગતાગમ નથી, પણ ભોજાઇની દયા આવે છે. હવે વાંધો નહિ, હવે તો સસરાનું આખું માથું દુઃખે તોય શી ફિકર છે ! ઘરના મોભીની દૃષ્ટિ અમિયલ બન્યા પછી હવે વાંધો નહિ.

ભદ્રાનું દિલ આવા ભાવે ભીંજાયું. એણે જવાબ વાળ્યો કે 'ભાઈ ! મારે તો માદરપાટની આ બે સાડીઓ પોગે છે. નહિ હોય ત્યારે પે'રીશ ભાઇ! એમાં શું ! એક તમને ભોળો શંભુ હીમખીમ રાખે એટલે હાંઉ, લૂગડાં જ છે ને ભૈ !' ને પછી ઇસારારૂપે સહેજ ઉમેર્યું: 'કાંઇ વલોપાત ના કરશો ભૈ ! એઇને સદૈવ આણંદ ઉછાહમાં રહીએ ને સૌનું ભોળાદેવ જ્યાં હોય ત્યાં કલ્યાણ કરો એવું માગીએ હોં ભૈ! સૌની વાંછા ફળો, ભૈ ! બાકી સંસાર તો તરવો દોયલો જ છે તો ભૈ!'

સંધ્યા થઇ ગઇ. ટ્રંકો ઘરમાં ગોઠવાઇ ગયા, તેની અંદર કપડાં પણ અકબંધ ઘડી પાડીને ભદ્રાએ ગોઠવ્યાં. જે કોટ પાટલૂનના પોશાકની રચનાને પોતે જાણતી નહોતી તેનો પણ સાદી અક્ક્લ પ્રમાણે ઉકેલ કરીને ભદ્રાએ સૂટ પછી સૂટ ગોઠવ્યાં. એ ગોઠવણીમાં દોષ નહોતો.

વળતા દિવસે વીરસુતની ગેરહાજરીમાં એણે પ્રત્યેક ટ્રંક અને બેગ ઉપર ગુંદર વતી ચિઠ્ઠીએ ચોડી, જેના ઉપર પોતાને આવડ્યા તેવા અક્ષરે 'ગરમ પોશાક' 'સૂતરાઉ' 'રેશમી' 'અંગરેચી પોશાક' 'દેશી પોશાક' એવાં લેબલ લગાવ્યાં. બપોરે વીરસુતે આવીને એ દીઠું ને એની દૃષ્ટિ ભાભીના હસ્તાક્ષરો પર ઠરી. અક્ષરો બાયડીશાહી હોવા છતાં તેની જોડણી જરીકે ખંડિત નહોતી.

'ઓહો ભાભી ! આ તો બહુ ઠીક કર્યું.' એ પાટલૂનનાં સસ્પેન્ડરને ખભેથી ઉતારતો ઉતારતો બીજા ઓરડામાં દોડતો જઇને અભિનંદી ઊઠ્યો: 'પણ આ તમને સૂજ્યું શાથી?'

ભદ્રા મોં મલકાવીને શરમીંદી બની નીચે જોઇ ગઈ, જવાબ ન વાળ્યો; વીરસુતે ફરી વાર પૂછ્યું : 'ત્યાં બાપુજીને આવું કરી આપો છો?'

'એટલા બધા ટ્રંકો ને લૂગડાં ત્યાં ક્યાં છે ભૈ?' ભદ્રાએ જવાબ દીધો, પણ ઊંચે જોયા વિના.

'ત્યારે?'

'અનાજના ડબાને અને અથાણાં મરચાંની બરણીઓને...'

એટલા જ જવાબથી એણે સસરા-ઘરના કોઠારમાં રહેતી સુવ્યવસ્થાનો ખ્યાલ આપ્યો. વીરસુત તરત પોતાન કોઠારમાં ગયો. જુએ તો પ્રત્યેક ડબાડૂબી પર લેબલ હતાં.