← દિયરની દુઃખભાગી તુલસી-ક્યારો
માતા સમી મધુર
ઝવેરચંદ મેઘાણી
'હવે શું વાંધો છે?' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ચોવીસમું
માતા સમી મધુર

સ્ત્રી ઘરમાં હતી ત્યારનાં બે વર્ષો દરમિયાન એકેય દિવસ પતિને ઘરના ઓરડા જોવા મન થયું નહોતું. દીવાનખાનું અને શયન-ખંડ એ બે વચ્ચે એના સર્વ ગૃહસ્થજીવનને એને ઠાંસી દીધું. હવે તો એને રોજ રોજ જ નહિ, પણ દિવસમાં પોતે જેટલી વાર ઘરમાં આવે તેટલી વાર પ્રત્યેક ઓરડાઓરડી, ઓસરી, એકઢાળિયાં વગેરેમાં ફરવાની આદત પડી ગઇ, પ્રત્યેક વાર એ કંઇક ને કંઈક નવું નિહાળતો, પ્રત્યેક વાર એને પુનઃરચના જ લાગ્યા કરતી. ગમે ત્યાં રઝળતી પડેલી વેરણ છેરણ તસ્વીરો પણ ધીમે ધીમે દીવાલ ઉપર ચડતી થઇ ગઇ. બાપુજીની જૂની તસ્વીર, બાની, બહેનની, મામાની, કોઇ ગામડિયા પ્રવાસી ફોટોગ્રાફર પાસે ઇસ્વીસન પૂર્વે જેટલા જૂના કાળમાં પડાવેલી એ તસ્વીરો વીરસુતના સામાન ભેગી પિતાજીએ બે વર્ષ પર મોકલેલી. ને એક વાર એ દીવાલો પર ચડેલી પણ ખરી. પરંતુ કંચને તે ઉતારી નાખેલી.

આજે એ તસ્વીરો, બેશક દીવાનખાનામાં નહિ પણ ભદ્રા બેસતી સૂતી તે ઓરડામાં મંડાઈ ગઈ. એ સૌ તસ્વીરો પર ભદ્રાએ રોજેરોજ કરેલા કંકુના ચાંદલા પણ વીરસુતે જોયા. આ તસ્વીરો ભાળીને વીરસુતથી એટલું બોલી જવાયું કે, પેલી એક... પેલી... એ ક્યાંઈ જડે છે?'

પણ ભદ્રાએ એનો જવાબ ન વાળ્યો. સાંજે જ્યારે વીરસુત ઘેર આવીને પોતાના ઓરડામાં બેઠો ત્યારે એને પોતાના ડ્રેસીંગ ટેબલ પર પોતાની ને કંચનની જે સહછબી ઉતારી દૂર ઊંધી મૂકી દીધેલી હતી તે જ છબીની હાથીદાંતની ફ્રેમમાં એક ઘણી જૂનવાણી, ઝાંખી પડી ગયેલી છબીને મઢાઇને મુકાયેલી દીઠી. છબીની બાજુમાં એક કાળી અગરબત્તી બળતી હતી.

પાસે જઈને એને છબી જોઇ : પહેલી વાર પોતે પરણેલો તે પછી તાજેતર દેવુની બા સાથે પડાવેલી એ છબી હતી. પોતે તેમાં અણઘડ અને અસંસ્કારી બાળક જેવો કઢંગો કઢંગો બેઠો છે: હાથમાં સોટી રહી ગઈ છે: ગજવામાંથી પોણો ભાગ બહાર દેખાતો ગુલાબી રૂમાલ છે: મૂછો હજી ફૂટી નથી: ધોતિયું પહેરતાં પણ આવડ્યું નથી: અંદરનું જાકીટ દેખાય તે માટે કોટ ઉઘાડો રાખેલ છે. એટલે ધોતિયાનો ગોડાયો આગળ ધસી પડેલો છે: ને માથે તેલ નાખ્યું હોવાથી વાળ સફેદ ઊઠ્યા છે.

એવા પોતાના વિચિત્ર સ્વરુપની બાજુએ બેઠી છે દેવુની બા; તાજી પરણીને આવેલી નાની શી કિશોરી, સુકુમારી , છોભીલી, શરણાગતા : છતાં હસમુખી, ઓપતિની સમોવડ દેખાવા ઊંચી ટટ્ટાર કાયા રાખીને બેઠેલી, સહેજ નીચે ઢળેલ પોપચે વધુ રૂડી લાગતી.

આ પત્નીને આજે વીરસુતે ઓળખી, પોતાને પણ ઓળખ્યો. છબીની સામે બેસીને એ અનિમેષ નયને જોઈ રહ્યો.

'બરાબર દેવુનું જ મોં.' એનાથી બોલાઇ ગયું. 'આજે આ હોત તો ઘરને કુચ્ચે મેળવત કે ભાભીની જેમ સાચવત?'

અંતરનું આકાશ ખાલી હતું. એમાં દેવુની બાનાં સાંભરણાંનાં સ્વચ્છ ચાંદરણાં ચમક્યાં. એટલી છબીની મદદથી વીરસુતનું મન બગાડો પામતું બચતું હતું. જે શૂન્યતા એને પાપ તરફ ધકેલતી જતી હતી તે તો આ બધી ધમાલ થકી પુરાઈ જવા માંડી હતી.

'ભાભી, ભાભી !' એ દોડતો ગયો : સસ્પેન્ડર અર્ધ ઊતરેલાં : એક મોજું કાઢેલું. એક હજુ જેમનું તેમ ! 'ભાભી ! હું નહોતો પૂછતો કાલે, તે જ આ છબી. જોયુંને અમારું જોડું ભાભી?'

એટલું બોલીને એ પાછો ખંડમાં પેસી જતો હતો, ત્યારે ભદ્રા પછવાડેથી બોલી, 'જૂનાં દેરાણીએ જ મને લખતાં શીખવ્યું'તું.'

એવી કઢંગી છબીને મેજ પર કોઈ દેખે તેમ મૂકવાની એની હિંમત ચાલી નહિ. દિવસો સુધી એ સન્મુખને બદલે વાંકી, આડી અને ટેડી રાખતો હતો. પણ ભદ્રાના આ નાના પગલાંએ એને પોતાના ઘરની અંદર રહેલી ભાવનાસમૃદ્ધિ પ્રત્યે જોતો જર્યો. એ પરિવર્તન ધીરે ધીરે પણ ચોક્કસપણે થઇ રહ્યું હતું.

'આશું, આ તો મારી જૂની પીતાંબરીનું પ્રદર્શન!' પોતાના ખંડની એક ખીંતીએ રેશમી મુગટો જોઇને એ એક દિવસ હસ્યો.

જમવા તેડવા આવેલ ભદ્રાએ કહ્યું, 'ભૈ ! એ જરીક પેરી લેશો?'

'શું વળી?'

'પીતાંબરી.'

'શા માટે?' 'ધોતિયે કોઇ કોઇ છાંટો પડી જાય છે ને ભૈ ! તેનો પાકો ડાગ જતો નથી. આ રેશમ છે, પે'રવું ફાવશે, ને એને હું મારે હાથે જ ધોતી રહીશ ભૈ ! ગંદુ નહિ થવા દઉં'

'તમે પણ ઠીક મને દીપડો બનાવવા માંડ્યો છે હો ભાભી!'

આ શબ્દોમાં નવા જીવન-રસની સોડમ હતી.

ભાભી ઘરની રીતભાતમાં જે કાંઈ ફેરફારો કરાવતી હતી તે દેરને ગમતા ગયા. દેર એ કરતો ગયો તેમ તેમ ભાભીની પ્રસન્નતા વધુ વધુ કળા પાથરતી ગઈ. કંચનને રીઝવવા એણે જે જે કર્યું હતું તેના પ્રમાણમાં આ તો તુચ્છ હતું. કંચન પ્રત્યેક પ્રયત્ને વહુ અસંતુષ્ટ બનતી ત્યારે ભદ્રા તો થોડા પ્રયત્ને રીઝતી. પીતાંબરી પહેરવાથી જો ભાભી આટલાં પરિતૃપ્ત રહે તો મારા બાપનું શું ગયું! એમ વીરસુતની વિફલતાના અસીમ વેરાન ઉપર ભદ્રાની પ્રસન્નતાની હરિયાળી ક્યારીઓ જેવી ઊગી નીકળી. વીરસુત જો બેપરવા, તમ વગરનો લોખંડી પુરુષ હોત તો એને ભોજાઈની આ પ્રસન્નતા બહુ મહત્ત્વની ન ભાસત. પણ અરધો બાયડી જેવો એ પ્રોફેસર, બાયડીઓની પેઠે જ ભૂખ્યો હતો પોતાનાં સ્વજનોના સંતોષનો. માટે જ ભદ્રાને પોતે પીતાંબરી પહેરે રાજી કરી શક્યા પછી વળતા દિવસે જનોઇ પણ મંગાવી લીધી, ને સ્નાન કરી પાટલે જમવા બેસવા નીકળ્યો ત્યારે ભોજાઈએ પેટાવેલા પાણીઆરા પરના દીવાને પોતે પગે પણ લાગ્યો.

આટલું થયા પછી ભદ્રા એક મોટી હિંમતનું પગલું ભરી શકી. જમતા દેરની એણે શરમાતે પૂછ્યું, 'ભૈ, તમારી રજા હોય તો એક હજામને બોલાવવો છે. કોઈ આપણો ઓળખીતો, પાકટ માણસ હોય તો સારું ભૈ ! ને તમે હાજર હો ત્યારે બોલાવીએ.'

જમતાં જમતાં વીરસુતે વિચિત્રતા અનુભવીને ભોજાઇ સામે જોયું. નીચે જોઇ ગયેલી ભદ્રાની સાડીની મથરાવટીની નીચે એક સફેદ માથા બંધણું હતું. વીરસુતને ભાન થયું કે આટલા વખતથી આવેલી વિધવાનું કેશ-મૂંડન થઇ શક્યું નથી.

'શી જરૂર છે?' વીરસુતથી વગર વિચારે બોલી જવાયું.

ભાભીનું મોં ભોંય તરફ હતું તે ચૂલા તરફ ફરી ગયું, ને એની પીઠને જાણે કે વીંધીને શબ્દો આવ્યા, ' તો મને રજા આપો ભૈ, હું બાપુજી કને જઇને આ પતાવી પાછી આવીશ.'

'આંહીં ક્યાં આપણે કુટુમ્બ કે ન્યાતનો લોકાચાર રાખવાની જરૂર છે ભાભી? શા માટે તમારું માથું...' વીરસુત બધુ બોલતાં વળી કાંઈક ભૂલ ખાઈ બેસશે એવો ડર ખાઇ થોથરાતો હતો.

'લોકાચાર હું નથી કરતી ભાઇ!' ભદ્રાએ આ કહેતી વખતે, આટલા દિવસમાં પહેલી જ વાર દેરની સામે પૂરેપૂરો ચહેરો ધરી રાખ્યો. એનો ગભરાટ, એનો સંક્ષોભ, એનો થરથરાટ, બધાં કોણ જાણે ક્યાં ચાલ્યાં ગયાં હતાં; એ એકેય શબ્દનું ઉચ્ચારણ અસ્પષ્ટ રહેવા દીધા વગર બોલતી હતી: 'મારે માથે ભાર થયો છે. મને એ ગમતું નથી. આજે સાંજે હજામ જોશે ભૈ, વિસરી ના જતા.'

આ શબ્દો જરા પણ ઉગ્રતા વગર બોલાયા, છતાં તેની અંદર આજ્ઞાના ધ્વનિ હતા. ભદ્રા વીરસુતથી એકાદ વર્ષે નાની કે સમવયસ્ક હશે, પણ આ શબ્દો અને આ મોરો જોઈ વીરસુતે વિભ્રમ અનુભવ્યો, કે ભદ્રાનું વય પોતે ધારે છે તેથી ઘણું વધારે છે.

આજ સુધી એક વાક્ય પણ પૂરા અવાજથી ન બોલેલી ભદ્રા અત્યારે આ બે ચાર વાક્યોની આખી સાંકળ એકધારી સ્પષ્ટતાથી બોલી ગઈ તે આશ્ચર્યજનક હતું. એને ભાન થયું કે બધી જ બાબતો આ જગતમાં વિવાદ કરીને ગુણદોષ તોળવાને પાત્ર નથી હોઈ શકતી. શરીરની ચામડી કાળી હોય તો ઉતરડી નાખી નથી શકાતી. ચામડી સિવાય બીજી યે કેટલીક એવી બાબતો છે જીવનમાં, કે જેને ઉતરડવું ચામડીને ઉતરડવા કરતાં વધુ કઠિન છે.

તે ને તે જ સાંજે ઓરડામાં બેઠેલી ભદ્રાનું મસ્તક એક બુઢ્ઢા હજામના અસ્તરા સામે નીચે નમ્યું હતું. અસ્તરો ઝરડ ઝરાડ ફરતો બે તસુ જેટલા ઊગી નીકળેલા કાળા ભમ્મર વળનો ઢગલો નીચે ઢાળવા લાગ્યો. ઉઝરડા પાડતો અસ્તરો સ્વચ્છ મૂંડા ઉપર લોહીના ટશીઆ ટાંકતો હતો. અને ભદ્રા ફક્ત સહજપણે હજામને એટલું જ કહેતી કે 'અમારે વાઘા બાપા છે ને તેનો હાથ પણ તમારી જેવો જ હળવોફૂલ હો કાકા !' અને દેરે એ નજરોનજર નીરખ્યું ત્યારે એના હૃદયમાં ભદ્રા ભોજાઈ ન રહી, બહેન બની ગઈ, માતા સમી મધુર દેખાણી.