← લગ્ન:જૂનું અને નવું તુલસી-ક્યારો
દેવુનો કાગળ
ઝવેરચંદ મેઘાણી
નિર્વિકાર →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ અગિયારમું
દેવુનો કાગળ

બે વર્ષથી ઊગતો આવતો આ વીરસુત-કંચનનો જીવનબાગ કેવોક મ્હેકતો હતો તેની તો સુગંધ લઇને જ તે દિવસની રાતે ભદ્રા સુતી હતી.

કજિયાની રાત પૂરી થઈ હતી, પણ કજિયો શું હજી ચાલુ હતો? કજિયાનાં લાંબા મનામણાં એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી? વહેલી ઊઠીને ન્હાઇ પરવારી દૂધ પાણી તૈયાર કરીને ભદ્રા ક્યારની બેઠી હતી. દેરદેરાણી બહાર આવીને તૂર્ત દાતણ-પાણીથી પરવારી લ્યે એટલા માટે આસનીઆં પથારી બે લોટા અને બે લીલાંછમ સીધાં દાતણ પણ તૈયાર રાખેલાં. દાતણ કરવા બેસે કે તૂર્ત ચહા પલાળવા પાણી ક્યારનું ચૂલે ખદખદતું રાખ્યું હતું.

દા'ડો ચડ્યો તોયે બેઉ સળવળતાં નથી. ઓરડો કેમ સુનકાર છે ? માડી રે, કાંઈ સાહસનું કર્મ તો નહિ કરી બેઠા હોય ને બેઉ જણ?

ભદ્રાનો ધ્રાશકો વધતો ગયો. એનાં કલ્પના-ચક્ષુઓ સામે શબો દેખાયાં. એણે ધીરે ધીરે એક બે અવાજ કરી જોયા, પણ ઓરડાની શાન્તિ તૂટી નહિ. બ્હી ગયેલી ભદ્રાએ થોડીવાર વિચાર કર્યા પછી બંધ બારણાં તરફ પગલાં માંડ્યાં ને કાન પણ માંડ્યા. એટલેથી પણ પાકી ખબર ન પડી તેથી તેણે અંતરિક્ષમાં હાથ જોડ્યા ને કહ્યું : 'હે ઈશ્વર ! રંડવાળ્યનો અપરાધ માફ કરજો' એટલું કહીને એણે તરડમાં આંખો માંડી.

'હાશ ! મારા બાપ ! હવે શાંતિ થઇ.' એમ રટતી એ વળતી જ મિનિટે ઊંચા પગે ઓરડા બહાર નીકળી ગઇ ને કહેવા લાગી: 'રાતે ભયંકર લડાઇ લડેલાં અત્યારે પાછાં ગુલતાન છે, એકબીજાને મનાવી રહેલ છે. ઇશ્વર એને ક્ષેમકુશળ રાખો. મહાદેવ એમની સૌ આશા પૂરી કરો.'

પછી તો ભદ્રાએ ઇશ્વરની વિશેષ ક્ષમા માગવાની જરૂર ન જોઇ. વારંવાર એણે તરડમાંથી જોયું અને પ્રત્યેક વાર જોઇ કરી, પાછી હસતી હસતી એ રસોડામાં પેસી ગઈ.

સારી એવી વાર થઈ ત્યારે ભદ્રા કંટાળી : બાપ રે, આ મનામણાં તે કેટલાંક લાંબા ચાલતાં હશે ! આ મનામણાં તો કજિયા કરતાં ય સવાયાં ! અમને તો એક ધોલ લગાવી દેતા, અમે રડી લેતાં, ને વળાતી જ ટંકે પાછું જાણે માફામાફી કરવા જેવું કશું સાંભરતું ય નહોતું.

આઠેક બજે પતિ પત્ની બહાર નીકળ્યાં. જેમતેમ દાતણ પતાવ્યું, લુછ લુછ ચહા પીધી. પ્રોફેસરે હાથમાં રેકેટ લીધું ને પ્રોફેસરની પત્નીએ બહાર જવા મોટર કઢાવી. ત્યાં ટપાલીએ આવીને કાગળો દીધા. એક કવર પર કાચી હથોટીવાળા અક્ષરો હતા. ફોડીને કંચન વાંચવા લાગી. વાંચીને એને ભદ્રાને કહ્યું, ' ભાભીજી, આ તો તમારે ઘેરથી કાગળ છે. ઓહો ! તમે તો અનસુને ઘેર મૂકીને આવેલ છો એ તો મને યાદ જ નહિ રહેલું. આ લ્યો કાગળ.'

'તમે જ વાંચી સંભળાવો ને મારી બેન કરૂં ! મારા હાથ અજીઠા છે.' ભદ્રારે રોટલીનો કણક બાંધતે બાંધતે કહ્યું. કંચન મનમાં મનમાં તો કાગાળ પૂરેપૂરો વાંચી ગઈ. પણ છેવટે એણે કહ્યું : ' આટલું લાંબુ લપસીંદર શું લખ્યું છે છોકરાએ ? મારૂં તો માથું દુઃખવા આવ્યું. લ્યો, તમે જ વાંચી લેજો ભૈસાબ. મને એના અક્ષરો ઉકલતા નથી.'

એમ કહી કાગળને ઉઘાડો ને ઉઘાડો રસોડામાં ફેંક્યા જેવું કરીને કંચન મોટરમાં બહાર ચાલી ગઇ. તે પછી ભદ્રાએ રસોઈ પતાવીને કાગળ હાથમાં લીધો. પહેલાં તો એ ચોળાઇ ગયો હતો તેની સરખી ઘડી વાળી. પછી કવરમાં નાખ્યો. ને પછી પોતે કવર ખોલીને અંદરથી પહેલી જ વાર કાઢતી હોય એવા ભાવથી એણે કાગળ ઉઘાડી વાંચવા માંડ્યું:-

'ગંગા સ્વરૂપ ભદ્રા ભાભુના ચરણમાં છોરૂ દેવુના સાષ્ટાંગ દંડવત: તમે ચાલ્યા તે પછી અનસુ આખો દિવસ રમી છે. ફક્ત એક જ વાર બા બા કરેલ છે. એને બર દામાં દુઃખાવો થતો હતો ત્યારે દાદા તેલ ચોળી દીધું છે. એનું માથું બા ફોઇએ મીંડલા લઈને ગૂંથી દીધું છે. તમે ઘેર નથી તેથી બા ફોઇ ડાહ્યાં થઈ ગયાં છે. અનસુ તમને યાદ કરે કે તુરત હું અનસુને ખાઉ ખાઉ આપું છું. દાદાજીએ કહ્યું કે દેવુ, આજે જ ભાભુ ગયાં તો પણ આજ ને આજ કાગળ લખી નાખ, કેમ કે ભાભુને ચિંતા થાય. ચિંતા કરશો નહિ, ને બા માંદા છે તે સાજાં થાય ત્યાં સુધી નિરાંતે રહેજો. બાને કાગળ લખવા કહેજો. ને ભાભુ, અનસુ મારી પાસે જ બેઠી છે. એણે આ કાગળમાં બાને કાગળ લખ્યો છે, આ લીટા એણે કર્યા છે. આ ડાઘા એના હાથના છે. દાદાજી આજે પાંચ વાર અનસુના ઘોડા થયા હતા. કાલે પાછો બીજો કાગળ લખશું. રોજે રોજ અનસુના ખબર લખશું. જીવ ઉચક રાખશો નહિ. દાદા ફરી ફરી લખાવે છે કે બાનું શરીર સારૂં થાય ત્યાં સુધી રોકાજો, બાને વાયડી ચીજ ખાવા દેશો નહિ, બાને ભજીઆં ખાવાં હોય તો મગની વાટી દાળનાં કરી દેજો, ચણાની દાળનાં નહિ. બાને શું થાય છે તે બાપુ નહિ લખે, શરમાશે, માટે તમે લખજો, દાદા દવા મોકલશે. બાને દાદાએ આશીર્વાદ લખાવ્યા છે, બાને બાફોઇએ સાંભર્યાં છે. અનસુ ઉંઘી ગઈ છે. ત્યાં બાપુજી શું કરે છે? ઘી ચોખ્ખું જોતું હોય તો દાદા મોકલે.

લી. દેવ

ભદ્રા જ્યારે આ કાગળનો અક્કેક અક્ષર બેસારતી હતી, ત્યારે મોટરમાં બેસીને ભાસ્કરને ઘેર જતી કંચન પણ આ કાગળનો અક્ષરે અક્ષર યાદ કરતી જતી હતી. એ જુઠ્ઠું બોલી હતી. એને એકેય અક્ષર ઉકેલ્યા વગરનો રહ્યો નહોતો. (કેમકે જૂના જમાનાની માસ્તરગીરી કરનાર દાદાજીએ દેવુને મોન્ટેસોરી પદ્ધતિની દયા પર છોડી ન મૂકતાં કોપીબુક વગેરે સારા અક્ષરો કઢાવવાની જૂની ગણાતી પદ્ધતિથી પૂરી તાલીમ આપી હતી.)

અને કાગળ વાંચ્યે કંચનનું માથું દુઃખવા આવ્યું હતું તે વાત પણ જુઠી હતી. એક નાનકડા કાગળની વાતમાં પોતે બે જુઠાંણાં શામાટે બોલી હતી તે વિચાર એને અચાનક આવ્યો. એ કરતાંય વધુ ગંભીર જુઠાણાં તો પોતે કેટલી યે વાર બોલતી હતી. પણ બોલ્યા પછી બીજી જ પળે એનો વિચાર-દોર પોતે કાપી નાખતી. દેવુના કાગળની બાબતમાં આમ ન થઈ શક્યું. પ્રથમ તો પોતે છૂપો ગર્વ અનુભવ્યો કે મારા માટે આટલાં બધાં લોકો કેવાં લટ્ટુ થઈ રહ્યાં છે. થાય તો ખરાં જ ને ! ન થાય તો જાય ક્યાં ? ભૂંડી ગરીબીમાં સબડતાં હતાં તેમાંથી બહાર તો મારા ધણીએ કાઢ્યાં છે ને !

ધણીની કમાઈનું એ ગુમાન, એક પલમાં તો મગર પૂછડું મારીને પાણીમાં પેસી જાય તેમ કંચનના મન પર એક પ્રહાર લગાવીને શમી ગયું. કોની કમાઈ ? ધણીની ? ધણી કોનો ? મારો ગર્વ કેટલો કંગાલ ! એણે મને રાતમાં લપાટો મારી છે. એણે મને પ્રભાતે મનાવી પટાવી છે તે તો ભાસ્કરભાઈના ડરથી.

પતિની કમાણીનું અભિમાન ઊતરી ગયું, તેને સ્થાને જાગ્યું બીજું ગુમાન : એ બધાં લટ્ટુ બને છે તે તો કેળવાએલી વહુ દીકરાને વગર મહેનતે મળી ગઈ છે તેને લીધે. તેમને સૌને મારા શિક્ષિતપણાની શોભા જોઈએ છે. આગલી સ્ત્રીને કેમ હડધૂત કરી કરી મારી નાખી !

ને આ દેવુ તો સૌથી વધુ પક્કો લાગે છે. સદ વાર બા-બા-બા- લખ્યું છે. દુત્તો જણાય છે!

જેમ જેમ પોતે કાગળના આવા ઊલટા સુરો બેસારતી ગઈ તેમ તેમ કાગળ એના મન પર વધુ ને વધુ ચોંટતો ગયો. ભદ્રા સગી છોકરીને છોડીને આવી છે તે કાંઈ સ્વાર્થ વગર નથી આવી ! જશે ત્યારે પાંચ સાડલા તો લેતી જ જશે ને ! - એ રીતે જેઠાનીના ઉપકારને ધોઈ નાખવા પણ પોતે પ્રયત્ન કરી જોયો. છતાં તે સૌ જાણે પોતાની પાછળ પડ્યાં હતાં. સૌથી વધુ જોરાવર તો બનતો જતો હતો બા-બા-બા-બા- એ દેવુ નો બોલ.