← મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર ત્રિશંકુ
અગ્નિનો ભડકો
રમણલાલ દેસાઈ
ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરી →


૧૪
 
અગ્નિનો ભડકો
 

કિશોર પોતાની ઑફિસરૂમમાં બેઠો બેઠો કામ કરી રહ્યો હતો. સહીઓના કાગળ પૂરા થયા હતા અને તેનું મેજ લગભગ ખાલી થવા આવ્યું હતું. એવામાં ઘડિયાળે છના ટકોરા વગાડયા. કિશોરે ઘડિયાળ સામે જોયું. સાંજ પડવા આવી હતી અને કચેરીનો સમય પૂરો થઈ ગયો હતો એ પણ એણે મનથી નોંધ્યું. બાકી રહેલા કાગળો તેણે ઝડપથી જોઈ, એક-બે ઉપર સહી કરી બીજા બાજુ ઉપર મૂકી દીધા. નિત્યાનયમ પ્રમાણે તેણે ખુરશી ઉપર ટીંગાયેલો પોતાનો કોટ પહેરી લીધો અને ખિસ્સામાંથી કાંસકી કાઢી પોતાના વાળ ગોઠવ્યા અને હાથરૂમાલ વડે મુખ સાફ કરી, રૂમાલ પાછો ખિસ્સામાં મૂકી દીધો. રૂમાલ ખિસ્સામાં મૂકતે મૂકતે તે અટકી ગયો અને તેની આંખ પણ સ્થિર થઈ જોવા લાગી. એની જ કલ્પનાએ ઊભું કરેલું એક વિચિત્ર તાદ્રશ દ્રશ્ય તેની આંખ સામે ચિતરાઈ રહ્યું. જે ખિસ્સામાં તે રૂમાલ મૂકવા જતો હતો તે જ ખિસ્સામાં તેની પત્ની સરલા હાથ ઘાલી રહી હોય એવો તેને ભાસ થયો !

ભાસ એટલેથી અટક્યો નહિ. કિશોરના હાથ બીજા ખિસ્સામાં તેનાં બન્ને બાળકો શોભા અને અમર હાથ નાખવાની હરીફાઈ કરતાં હોય એમ દેખાયું ! કોટને ત્રીજું પણ ખિસ્સું હતું. એ ત્રીજા ઉપરના ખિસ્સામાં તારા પાછળ ઊભી ઊભી હાથ નાખી કાંઈ ખેંચતી હતી, અને કાતર લઈ દર્શન પણ સામેથી આવતો દેખાયો. બિલાડીનું જાણે બાકી રહી ગયું હોય તેમ તે પણ તેના પાટલૂનના ખિસ્સા ઉપર નખ ભેરવી વળગવા મથતી હતી. કિશોરના મુખ ઉપર ભારે મૂંઝવણ દેખાતી હતી. મૂંઝવણથી કિશોરને ક્રોધ ચડયો. હસતે મુખે ખિસ્સું ખોલી રહેલી સરલાને ધક્કો મારી ખસેડી નાખતાં કિશોર મોટેથી બોલી ઊઠયો :

‘જંજાળનો મોહ ! હટી જા'

હાથ વડે તેણે ભાસમય સરલાને ધક્કો માર્યો, અને સરલા જમીન ઉપર પડી ગઈ. કલ્પનામય બિલ્લી કૂદીને ટેબલ ઉપર - મેજ ઉપર ચડી અને તેને કિશોરે થપાટ મારી, અને એકાએક આખું કલ્પના-દૃશ્ય સમેટાઈ ગયું ! એની પાસે ન હતી સરલા કે ન હતી બિલાડી, એનાં બાળકો પણ અલોપ થઈ ગયાં અને તારા તથા દર્શન પણ પરસ્પરનો હાથ ઝાલી ઊડી જતાં દેખાયા. ગઈ રાતથી એણે પોતાના કુટુંબને દુશમન તરીકે જોવા માંડયું હતું. કચેરીમાં કામકાજ કરતાં પણ તેને વારંવાર આવી ભ્રમણા થઈ આવતી. કચેરીમાંથી પરવારીને પણ એને જવાનું હતું. પોતાના કુટુંબીજનોના નિવાસંસ્થાનમાં જ ! એ વિચારે, એના ખિસ્સાને ખાલી કરતા તેનાં કુટુંબીજનો, કચેરીમાં હતા નહિ છતાં કલ્પનાજન્ય દૃશ્યમાં પ્રગટ પણ કરાવી દીધાં. એણે તેમને હડસેલી મૂક્યાં પરંતુ એ આખું દૃશ્ય સમેટાઈ જતાં તેણે જોયું કે તેના હાથના સંચાલનથી મેજ ઉપરનો શાહીનો ખડિયો ઢોળાઈ રહ્યો હતો !.... અને મેજ પાસે કિશોર પોતાનો હાથ પંપાળતો ઊભો રહ્યો હતો. તેના મનમાં એક વિચાર પણ આવ્યો :

'આજ મને શું થયું છે?'

કિશોરને જવાનો સમય થયો હોવાથી તેમ જ મેજ ઉપર કંઈ અવનવો ખખડાટ થયો હોવાથી બારણું ઉઘાડીને એક પટાવાળો અંદર આવ્યો અને પૂછવા લાગ્યો :

'મને બોલાવ્યો ?'

'જોજે, આ શાહી ઢોળાઈ છે તે ! જરા લૂછી નાખ તો ?'

શાહી લૂછતે લૂછતે પટાવાળાએ કહ્યું :

'શુકન થયા, સાહેબ !... શાથી શાહી ઢોળાઈ સાહેબ ? ઘંટડી કેમ ન વગાડી ?'

એટલામાં કિશોરના મેજ ઉપરના ફોનની ઘંટડી વાગી રહી. કિશોરે ફોન હાથમાં લીધો અને વાતચીત કરવા માંડી :

‘હા, જી. હું કિશોર.. જવાની તૈયારીમાં જ છું.... જરૂરી કામ ? મારું ? .. હા, જી. આવું... હમણાં જ.' એકાએક પોતાની ઓરડી છોડીને કિશોર બહાર નીકળ્યો અને પોતાના શેઠ જગજીવનદાસની મોટી ઑફિસરૂમમાં ચાલ્યો ગયો. શેઠ જગજીવનદાસ જરા વ્યગ્ર દેખાતા કિશોરની રાહ જોતા દેખાયા. કિશોર તેમની સામે જઈ ઊભો રહ્યો. જગજીવનદાસે કહ્યું :

જો, કિશોરકાન્ત ! તમારે અત્યારે અહીં જ કચેરીમાં બેસવાનું છે.'

'જેવી આપની મરજી. મારું કંઈ ખાસ કામ?' કિશોરે પ્રશ્ન કર્યો.

'આવતી કાલ સવારથી આપણા કારખાનામાં હડતાળ પાડવાની તજવીજ નક્કી થઈ ચૂકી છે.' શેઠસાહેબે ગંભીરતાથી કહ્યું.

'હા, જી. મેં જ આપને એ ખબર મોકલાવી હતી.' ‘પરંતુ એ હડતાળ આપણે ગમે તેમ કરી અટકાવવી પડશે.' શેઠસાહેબે કહ્યું.

‘હવે બીજો માર્ગ દેખાતો નથી. પૈસાનો જ પ્રશ્ન છે. મજૂરી કરનારને પગારની રકમ મળી જાય તો જ હડતાળ અટકે.'

'જાણું છું દુનિયામાં પૈસા વગર બીજો પ્રશ્ન જ નથી... અને હું જાઉ છું પણ પૈસાની તજવીજમાં. તમે જાણતા હશો કે આપણા મેનેજર પણ પૈસા ઊભા કરવા માટે જ સવારના બધે ફરે છે; તજવીજ તો બનતાં સુધી થઈ જશે પરંતુ પૈસા આવે ત્યાં સુધી તમારે અહીં જ રોકાવાનું.'

'પણ શેઠસાહેબ ! એ કામ કૅશિયરને સોંપીએ તો ?' કિશોરે પૂછ્યું.

'મારે એ કામ સોંપવું નથી. પૈસા અહીં આવ્યા વિના રહેશે નહિ. એ રકમ તમારા જેવા વિશ્વાસપાત્ર અમલદારના હાથમાં જ રાખવી જોઈએ. અને તમને કોઈના તરફથી પણ રકમ મળે કે તત્કાળ આપણી મિલના મેનેજરને પહોંચાડી આપવી. અrધ રાત થાય કે મધરાત પણ થાય. પણ તમારે ખસવું નહિ.'

‘વારુ, સાહેબ !' કિશોરે કહ્યું.

'જુઓ, અહીં બેસવું હોય તો અહીં, અને તમારી રૂમમાં જવું હોય તો ત્યાં. છ વાગી ગયા છે... ને રાતના બાર સુધીમાં જો રકમ ન આવે તો તમારે મને ફોન કરવો.'

વફાદાર નોકર તરીકે કિશોરને શેઠની આજ્ઞા માન્ય રાખ્યા વગર ચાલે એમ હતું જ નહિ. એ બેજાર તો બની ગયો હતો; ઘર તરફ પણ આજ તેની મીઠી નજર ન હતી. આખી દુનિયા તરફ તેને કંટાળો આવી ગયો હતો - ખાસ કરીને અત્યારે તો શેઠ તરફ અને પોતાની નોકરી તરફ. 'હા.' કહીને તે પોતાની ઑફિસરૂમ ઉપર આવ્યો. સહી કર્યા વગરના કાગળો બાકી હતા તે ફરી હાથમાં લીધા અને તે ઉપર સહીઓ કરી નાખી. એટલામાં ઘડિયાળે સાત ટકોરા વગાડ્યા. ઓફિસના કાગળ તો કંઈ હતા નહિ એટલે કિશોરે વાંચેલું વર્તમાનપત્ર ફરી વાંચવા માંડ્યું અને તે પણ વંચાઈ ગયા પછી એણે જાહેરખબરોનો વિભાગ ધ્યાનથી વાંચવા માંડ્યો. કોઈ પણ જરૂરી કામ ન હોય ત્યારે જાહેરખબરો બહુ સુંદર વાચન પૂરું પાડે છે. સાતના ટકોરા થયા. થોડી વાર કિશોર વીજળીની બત્તી સળગાવી ઑફિસરૂમમાં ફર્યો. રૂમની બહાર પણ તેણે નજર કરી. ટેલિફોનની ડિરેક્ટરીમાં કેટલાક નંબરો અને નામ ધ્યાનપૂર્વક વાંચવા માંડ્યા. આઠનો ટકોરો થયો અને એટલામાં મોટરકારનું ભૂંગળું વાગ્યું. કિશોરે સહજ રાહત અનુભવી. શેઠસાહેબ તરફથી અગર મેનેજરસાહેબ તરફથી પૈસા આવી જ ગયા એવી તેની ખાતરી થઈ. અને એ ખાતરી અનુસાર તેના હાથમાં પૈસા આવ્યા પણ ખરા.

શેઠસાહેબે જે સૂચના આપી હતી તે સૂચનાનો અમલ કરવા માટે તેણે હવે મિલના મેનેજર તરફ જવાનું હતું. ઠંડીનો-કડકડતી ઠંડીનો સમય હતો. તેને એ પૈસા લઈ મેનેજરને ઘેર જવું પડ્યું. મેનેજરનો પત્તો ન લાગ્યો; તેઓ ક્લબમાં ગયા હતા અને પાછા ક્યારે આવવાના હતા, તેની કોઈને ખબર ન હતી. ક્લબમાં જનાર ઘેર પાછો ક્યારે આવશે તેની ભાગ્યે જ કોઈને ખબર રહે છે. પાસે રૂપિયા રાખીને રાત્રે આમતેમ ફર્યા કરવું અગર અનિશ્ચિતપણે મેનેજરને ઘેર બેસી રહેવું કિશોરને ઠીક લાગ્યું નહિ. રકમ લઈ એ ઘેર આવ્યો ત્યારે ઘર પાસે જ રાત્રિના સાડાનવની ટકોરો થયો. સરલા કિશોરની રાહ જોતી બારણામાં ઊભી રહી હતી. એની આંખ રાતી રાતી દેખાતી હતી. અશ્રુ ભરાઈ આવતાં તે ઘડી ઘડી સાડીના છેડા વડે અશ્રુ લૂછતી હતી. પાસેની દર્શનની ઓરડીમાંથી બાળકોના હસવાનો અવાજ આવતો હતો અને સિતાર ઝણઝણતો હતો, પરંતુ સરલાને તેનો ખ્યાલ હોય એમ લાગ્યું નહિ. એકાએક આછા પ્રકાશમાં કિશોરનો પડછાયો દેખાયો... કિશોરના બૂટનો ખટકો સંભળાયો. એ ઓળખીને સરલા આનંદનો અતિરેક અનુભવી રહી. કિશોર પાસે આવ્યો ત્યાં સુધી સરલા દ્વારમાં ઊભી રહી હતી. કિશોરને જોતાં જ સરલાથી કહેવાઈ ગયું :

‘હાય બાપ ! તમે આવ્યા ? મારો તો જીવ ઊડી ગયો !” એટલું કહેતાં તો સરલાએ કિશોરનો હાથ પકડી લીધો. હાથ પકડતાં જ તેને લાગ્યું કે એક મોટું પડીકું કિશોરે જોરથી પકડી રાખ્યું છે. એટલે વળી સરલાએ પૂછ્યું :

'શું છે હાથમાં ?'

'પૈસા ! પણ તે મારા નહિ અને તારા પણ નહિ!' કિશોરે કહ્યું.

‘મારે તો તમે આવ્યા એટલે બસ છે... નથી જોઈતા મારે કોઈનાય પૈસા... તમારાયે નહિ ' સરલા બોલતી બોલતી કિશોરની સાથે ઘરમાં આવી અને કિશોરે એકાએક પૂછ્યું :

'સાચું કહે છે તું ?'

'સાચું ? કઈ વાત પૂછો છો ?' સરલાએ પોતે કહેલા શબ્દો ભૂલી જઈ સામો પ્રશ્ન કર્યો. પતિને નિહાળીને ખરેખર તે આસપાસનું ભાન ભૂલી ગઈ હતી.

'પૈસા વગરનો હું બસ થાઉ ખરો ?' કિશોરે સરલાને કાપી નાખતો પ્રશ્ન કર્યો, અને પ્રશ્ન કરતે કરતે તે સહજ તિરસ્કારભર્યું હસ્યો.

‘તમને શું થયું છે હમણાં?’ સરલાએ ગંભીર મુખ કરી પતિ સામે જોઈ પૂછ્યું.

‘ગઈ કાલ રાત્રિથી મને એમ થયું છે કે...'

મક્કમતાપૂર્વક ધીમે ધીમે બોલતા કિશોરને અટકાવી સરલાએ કહ્યું :

'હજી વિશ્વાસ નથી આવતો ? તમારે પગે હાથ મૂકીને કહું છું કે તમારી આગળ આજ સુધી હું એક પણ અક્ષર ખોટો બોલી નથી.'

'હશે. પણ મને એક વિશ્વાસ પૂરો બેઠો.' કિશોરે કહ્યું.

તેના બોલમાં ભયંકર કટાક્ષ રહેલો હતો, છતાં સરળ ભાવે સરલાએ પ્રશ્ન કર્યો :

'શો વિશ્વાસ ?'

'કે... સત્ય, પ્રેમ, ન્યાય અને પ્રતિષ્ઠા તોળાય છે પૈસાને તોલે !' કિશોરે જવાબ આપ્યો.

સરલાને એ વાક્ય સાંભળી જરા ખોટું પણ લાગ્યું. એક ક્ષણ માટે તેનો મુખભાવ પલટાઈ ગયો. છતાં તેણે વાત બદલવા કહ્યું :

‘એમ ?... વારુ, હું ચા કરી લાવું... અને આ ઠંડીમાં તમને જરા તાપણી કરી આપું.'

‘છોકરાં ક્યાં ?' કિશોરે પૂછ્યું.

‘દર્શનભાઈને ત્યાં રમવા ગયાં છે. તમારે આવવામાં મોડું થયું એટલે છોકરાં રડવા લાગ્યા અને દર્શનભાઈ તેમને લઈ ગયા છે.' સરલાએ જવાબ આપ્યો, જેનો કિશોરે પ્રત્યાઘાત પાડ્યો :

'જાય જ ને, જે હસાવે તેને ત્યાં ! ...બાળકો પણ ! નિર્દોષતાના નમૂના!'

‘તમે કાલથી રજા લઈ લો !.. તબિયત સારી નથી લાગતી હોં !' સરલાએ કહ્યું.

'કાલની વાત કાલ ઉપર. મારે તો અત્યારે બહાર નીકળી જવું પડશે.' કિશોરે કહ્યું.

'કેમ ? આવી ટાઢમાં પાછું ક્યાં જવું છે ?'

‘જેના પૈસા છે તેને આપવા બાકી છે. અત્યારે જ આપવા પડશે.' કિશોરે કહ્યું.

'મૂઆ એ પૈસા, પાપનું મૂળ ! આપીને કેમ ન આવ્યા ?' સરલાએ કંટાળો દર્શાવી કહ્યું :

'જેને આપવાના હતા તે કોઈ જલસામાં રોકાયા હતા, એટલે મળ્યા નહિ. એમનો જલસો પૂરો થાય એટલે મારે તેમને મળવું જ જોઈએ.' કિશોરે કહ્યું.

અને એટલામાં હસતાં હસતાં બાળકો આવી પહોંચ્યાં અને તેની સાથે તારા પણ આવી પહોંચી. કિશોર નિત્યની ઢબે પોતાની ખુરશી ઉપર બેસી ગયો; બાળકો પણ નિત્યનિયમ પ્રમાણે કિશોરને વળગવા ગયાં. એકાએક કિશોરને ઉમળકો આવ્યો અને તેણે બન્ને બાળકોને પોતાની પાસે લીધાં. એટલામાં તેના હૃદયમાંથી ઉમળકાના આખા પ્રવાહમાં ઓટ આવી ગઈ, તેનું હૈયું શુષ્ક બની ગયું. ઉમળકાહીન બનીને તેણે વળગીને રહેલાં બાળકોને ધીમેથી ખસેડી નાખ્યાં. સરલા અને તારા અંદરની ઓરડીમાં ચાલ્યાં ગયાં અને તત્કાલ એક તાપણી લઈ તારા પાછી આવી અને તાપણીને કિશોરની ખુરશી પાસે તેણે મૂકી દીધી.

પિતાને વળગવા ટેવાયેલાં બાળકો પિતાના હડસેલાથી ખાસ હઠતાં નથી. અમરે પિતાને ફરી વળગી કહ્યું :

‘અમને ખૂબ મઝા આવી, દર્શનભાઈને ત્યાં !'

'હં !' કિશોરે બાળકના ઉત્સાહભરેલા કથનનો એકાક્ષરી જવાબ આપ્યો.

'અમને સિતાર શીખવતા હતા.' શોભાએ પિતા સાથે વાત લંબાવી.

'ઠીક.' પિતાને કોણ જાણે કેમ આજે બાળકની વાતમાં જરાયે રસ રહ્યો ન હતો.

અમને તો પકડતાં જ ન આવડે.' શોભાએ જરા હસતે હસતે કહ્યું.

‘વારુ !' કિશોરે તેમની વાતમાં રસ લીધા વગર જવાબ આપ્યો.

'સિતાર પડી જાય એટલે અમને એવું હસવું આવે !' અમરે કહ્યું.

'અને તાર ? ફાવે તેમ ખણખણે !' શોભાએ દર્શનને ત્યાં અનુભવેલી ગમ્મતનો ચિતાર આપવા માંડ્યો..

‘એમ ? વારુ ! જરા રમો, જુઓ આમતેમ, છુટ્ટાં થઈને' કિશોરે બાળકોથી દૂર થવા માંડ્યું.

તારા ચાનો પ્યાલો કિશોર સામે મૂકવા આવી, અને તે મૂકીને ચાલી ગઈ. પિતાના મૂંગા અનાદરને પારખી શોભા જરા મૂંઝાઈ ગઈ અને તારાનું લૂગડું પકડી તે તારાની પાછળ બીજા ઓરડામાં ચાલી ગઈ.

નાનો અમર પિતા પાસેથી ખસી ગયો ખરો. છતાં એ જ ખંડમાં બિલાડી સાથે રમતો રમતો પિતા તરફ દ્રષ્ટિ કરતો જતો હતો. આજ બાળકોને પણ પોતાના પિતાના વર્તનમાં બહુ નવાઈ લાગી.

કિશોરની આંખ ઘડીમાં શૂન્ય બની જતી અને ઘડીમાં ચમકી ઊઠતી. શૂન્ય મને તેણે ચાના એક બે ઘૂંટડા પીધા, અને પાછો વિચારોમાં કે શૂન્યતામાં ઊતરી ગયો.

એકાએક કિશોરની દ્રષ્ટિ કબાટ ઉપર મૂકેલી કૅશબૉક્સ ઉપર પડી. અને વધારાનાં કૅશબૉક્સને અડીને નિદ્રાવશ બેઠેલી એક ચકલી પણ તેના જોવામાં આવી. કૅશબૉક્સ જોતાં જ તેને વિચાર આવ્યો :

'પડીકાની નોટો જરા ગણી જોઉં ! ભલું પૂછવું માણસજાતનું તેમાંય ખાસ કરીને શેઠિયાઓનું !'

વિચાર આવતાં જ તેણે નોટોનું પડીકું ખોલ્યું અને તેમાંની નોટોનો થોકડો બહાર કાઢ્યો. નાની નાની નોટ-થોકડીઓ ઉપર વીંટેલા કાગળરેપર-ફાડીફાડીને તેણે પાસે પડેલી સઘડીમાં નાખવા માંડ્યા, અને નોટ ગણીગણીને પાસેના સ્ટૂલ ઉપર ચાના પ્યાલા પાસે મૂકવા માંડી. કાગળ બળતાં બળતાં રંગબેરંગી પ્રકાશ થતો હતો અને તે અમર ધ્યાનપૂર્વક જોઈ રહેતો હતો. કાગળ બાળવાની તૈયારી નિહાળી તે ધીમે ધીમે કિશોરની ખુરશી પાસે આવી ઊભો રહ્યો – પિતાની નજર ન પડે એમ !

નોટ ગણતે ગણતે કિશોરની નજર ઓરડીના એક સ્થળ ઉપર ચોંટી રહી. બિલાડી સૂતેલી ચકલીને ક્યારની તાકીને જોયા કરતી હતી. તેણે ઝટ કબાટ ઉપર તરાપ મારી અને કિશોર ઊભો થઈ બિલાડી તરફ દોડ્યો. ચકલી ઊડી ગઈ અને ચિચિયારી કરતી તે બીજે બેઠી. નિષ્ફળ બનેલી બિલાડીએ તે બાજુ પર પણ કૂદકો માર્યો. પરંતુ કિશોરે ચકલીને બચાવી લીધી અને બિલાડીને જોરથી થાપટ મારી ઓરડીની બહાર કાઢી.

બિલાડીને બહાર કાઢતાં બરોબર કિશોરને લાગ્યું કે સઘડીમાં મોટો ભડકો થયો છે. કિશોરે ચમકીને તે બાજુએ જોયું તો અમર આનંદપૂર્વક નોટના ચોડાને સઘડીમાં નાખતો અને તેમાંથી ઊપજતા ભડકાને રસપૂર્વક નિહાળતો હતો !

કિશોરનું હૃદય ધબકી ઊઠ્યું. તે કાંઈક દોડ્યો અને સઘડીમાં લગભગ બળી ગયેલા થોકડાને તેણે બહાર પણ કાઢ્યો ! અગ્નિમાં હાથ નાખનારના હાથ પણ જરૂર બળે. કિશોરના હાથ દાઝયા. બળેલા નોટના ચોડાને તે ક્ષણભર જોઈ રહ્યો, તેને જમીન ઉપર ફેંકી દીધો, અને ગભરાઈ ગયેલા અમરનો ખભો પકડી એને જોરભેર હલાવી ગુસ્સામાં તેણે કહ્યું :

'શું કર્યું તે આ અમર ?'

વીલા પડેલા ગભરાઈ ગયેલા અમરે જવાબ આપ્યો :

'કાંઈ નહિ. પપ્પા ! તમે કરતા હતા તે મેં કર્યું ! કાગળ દેવતામાં નાખી દારૂખાનું બનાવ્યું... સરસ રંગ દેખાયા !'