ત્રિશંકુ/ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરી

← અગ્નિનો ભડકો ત્રિશંકુ
ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરી
રમણલાલ દેસાઈ
પ્રતિષ્ઠામાંથી ગુનામાં →


૧૫
 
ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરી
 

બહારના ખંડમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ અસાધારણ વસ્તુ બને છે એમ અંદરની ઓરડીમાં કામ કરતી સરલાને લાગ્યું - સરલાને એકલીને નહિ, તારાને અને શોભાને પણ એમ લાગ્યું. ત્રણે સ્ત્રીદેહ ઓરડીમાંથી બહાર આવ્યા અને પિતા-પુત્રને એકબીજાની સામે વિલક્ષણ ઢબે નિહાળતા જોયા. ગભરાયેલો અમર માતાને જોતાં એકાએક રડી પડ્યો અને રડતે રડતે દોડીને માતાને બાઝી પડ્યો.

'શું થયું?' સરલાએ પ્રશ્ન કર્યો પુત્રને અને પતિને. રડતા પુત્રે રુદન સિવાય બીજો કશો જ જવાબ આપ્યો નહિ અને વિકળ બનેલા પતિએ ત્રણે સ્ત્રીદેહ જાણે દુશ્મનદેહ હોય એવો દ્રષ્ટિપાતમાં જવાબ આપ્યો - વગર બોલ્યે. સરલાએ ફરી પૂછ્યું :

'શાની ધમાલ હતી ? અમરે કંઈક તોફાન કર્યું શું ?'

કિશોર તાકીને સરલા સામે જોઈ રહ્યો અને પછી જરા રહી તેણે સરલાને કહ્યું :

‘આપણે પુત્ર માગીએ, સરલા ! તે સ્વર્ગે જવા માટે નહિ?'

'હા. પણ એનું અત્યારે શું છે ? હમણાં એ વાત ક્યાંથી સાંભરી ?' સરલાએ પૂછ્યું.

‘તારા અને મારા પુત્રે મને સ્વર્ગે મોકલવાનો માર્ગ અત્યારે કરી આપ્યો છે.' હાજર રહેલા સર્વને કાપી નાખતી કટાક્ષભરી વાણી અત્યારે કિશોર બોલતો હતો.

'આજે કેમ આમ મન અસ્વસ્થ છે ? ત્રણચાર વર્ષના બાળકને માટે શાથી આમ બોલવું પડે છે ?' સરલાએ જરા હિંમત આણી પુત્રનો પક્ષ કર્યો.

'એ ત્રણચાર વર્ષના બાળકે આજ મને ત્રણ પેઢીની ડૂબકી ખવરાવી છે.' કિશોરે કહ્યું.

'એવું શું કર્યું એ બિચારાએ ?' તારાએ કહ્યું. ભાઈના વર્તનમાં બહેનને પણ કંઈ આજ વાંધો લેવા જેવી નવીનતા દેખાઈ.

'કહું એણે શું કર્યું તે ?.. જુઓ, આ પારકી નોટો એ ત્રણ વર્ષના બાળકે સળગાવી દીધી અને મારે માથે પાંચ હજાર રૂપિયાનો ડુંગર મૂકી દીધો !' કિશોરે કહ્યું. અને સરલા, તારા તથા શોભા ત્રણે જણ થોડીક ક્ષણ સુધી સ્તબ્ધ બની ગયાં. કિશોર કહેતો હોય એ પ્રમાણે થયું હોય તો બાળક અમરે ખરેખર કંઈ ભયંકર કામ કરી દીધું હતું. સ્તબ્ધતાભર્યા વાતાવરણમાં કિશોર સ્વગત બોલ્યો :

'આ રકમ હું લાવીશ ક્યાંથી ? કેવી રીતે લાવીશ ? અને તે આજની રાતમાં જ !'

'શાની રકમ હતી એ, ભાઈ ? તારાએ વ્યગ્ર બનેલા ભાઈ પાસે વધારે વિગત માગી.'

કોઈની પણ સામેય જોયા વગર કિશોરે કહ્યું : 'કાલ સવારે તો એ રકમ વડે હડતાળ અટકાવવાની હતી.'

'પણ એવી નોટો અમર જેવડા છોકરાને રમવા માટે અપાય ?' સરલાએ પુત્રનો પક્ષ લઈ પતિને સહજ ઠપકો આપ્યો. એને ક્યાંથી ખબર હોય કે કિશોરે પુત્રને એ ચોડો રમવા માટે આપ્યો જ ન હતો ! આખા કુટુંબ પ્રત્યે ભયંકર તિરસ્કાર દર્શાવી કિશોરે સ્મિત કરી કહ્યું :

'માએ દીકરાનો કદી વાંક કાઢ્યો હશે ખરો...પતિની તરફેણ કરીને ?' કિશોરના સ્મિતમાં અવનવી ક્રૂરતા અત્યારે સહુને દેખાઈ.

એકાએક તારાની નજર પોતાના ભાઈના દાઝેલા હાથ તરફ પડી, અને તે ચમકી ઊઠી. તેનાથી એકાએક બોલાઈ ગયું :

‘ભાઈ, હાથે દાઝ્યા લાગો છો !.... શાથી દઝાયું ?.. લાવો હું કાંઈ હાથે લગાડી આપું.'

'હાથનાં કરતાં પણ હૈયે હું વધારે દાઝયો છું !... કેટકેટલી ભૂલ મેં કરી છે !... પૂરતા પૈસા વગર મેં પ્રેમ કેમ કર્યો ?... પ્રેમ કર્યો તો હું પરણ્યો શા માટે ?... અને પૂરતા સાધન વગર મેં બે સંતાનો કેમ આ દુનિયાને માથે માર્યાં ?' કિશોર આમ સ્વગત બોલ્યે જતો હતો. તેની અસહાય પરિસ્થિતિએ તેને અતિશય મૂંઝવણમાં મૂકી દીધો. અને વચમાં વચમાં એ મૂંઝવણ એટલું બળ કરતી હતી કે કિશોરના મગજની દીવાલ તે તોડી પણ નાખે !

અમર હજી રડતો જ હતો; તેનાં ડૂસકાં શમ્યાં ન હતાં, શોભાને પણ કંઈ ઝાઝી સમજ પડી નહિ અને તેણે પણ પોતાની આંખમાં આંસુ હાથ વડે લૂછવા માંડ્યા. પતિની અકથ્ય વેદના નિહાળી સરલા લગભગ ભાનભૂલી બની ગઈ હતી, પરિસ્થિતિનું વિકટપણું તારા પણ સમજી ગઈ હતી. છતાં એના બિનઅનુભવી નિર્દોષ યૌવને અત્યારે તેને અવનવી હિંમત આપી અને તે બોલી :

'ભાઈ, આવી વિકલતા હોય ? જરા શાંત પડો.. હજી ચા તો પૂરી પીધી નથી...'

‘ચાને બદલે હું ઝેર પીઉ તો કેવું ? બહેન !'

'ખમ્મા કરે મારા ભાઈને !...' તારાથી બોલાઈ ગયું.

'ખમ્માનો સાચો અર્થ તો ક્ષમા, નહિ ?...હું એ જ વિચાર કરું છું. ઈશ્વર તો કોણ જાણે; પણ ક્ષમા કરી જાણે તો તે મારો શેઠ ! આ બળેલી નોટો સાક્ષી તરીકે લઈ જગજીવનદાસ શેઠ પાસે હું હવે સીધો પહોંચી જાઉં, અને સાચી હકીકત તેને જણાવી દઉં...' કિશોરે કહ્યું.

‘પણ એ શેઠ કદાચ ન માને તો?' તારાએ પૂછ્યું.

તો જે પરિણામ આવે તે ખરું! કિશોરે કહ્યું.

'અરે પણ, અત્યારે તે જવાય ? આ કડકડતી ટાઢમાં ? અને આ દાઝેલા હાથે ? હજી હાથ ઉપર મલમ પણ લગાડ્યો નથી, અને જમવાનું તો એમ ને એમ છે.' સરલાએ કહ્યું. કિશોરના મુખ ઉપરની વ્યગ્રતા અવનવી હતી. જોનાર સર્વને એ વ્યગ્ર બનાવતી હતી. એના મુખ ઉપરનું અનિશ્ચિતપણું કિશોર પાસે શું ને શું કરાવશે એવો ભય તારાને અને સરલાને લાગ્યો. એટલે જેમ બને તેમ તેને અત્યારે રોકી, જમાડી, તેની સારવાર કરી તેને રાત્રિની શાંતિ આપવાની તેમને ઇચ્છા હતી. પરંતુ કિશોરના મુખ ઉપરની વિકળતા જરાય ઘટી નહિ. તેની આંખોમાં પણ કંઈ ઘેલછાભર્યું તેજ ચમકી રહ્યું હતું. તેણે બળપૂર્વક ડગલાં ભરી કોટ પહેરી લીધો, માથે ટોપી પહેરી લીધી અને લગભગ રાખ બની ગયેલી નોટો હાથમાં પકડી ચાલવા માંડ્યું. સરલા અને તારાના હૃદયમાં થડકાર ઉત્પન્ન થયો. હાથ લાંબો કરી સરલાએ પતિને અટકાવ્યો અને કહ્યું :

'નહિ જવા દઉ તમને અત્યારે !'

‘તું ખસી જા, સરલા! વચ્ચેથી. હું જે કરું છું તે મને કરવા દે.' કિશોરે કહ્યું.

'તો હું તમારી સાથે આવું એકલા ન જશો.' કહી સરલાએ લંબાવેલો હાથ ચાલુ રાખ્યો. એ હાથને કિશોરે બળપૂર્વક ખસેડી નાખ્યો અને માત્ર કિહ્યું :

'હં!'

અને અવનવી આંખ અને અવનવી મુદ્રાસહ તે ઓરડીની બહાર પોતાનાં પગરખાં પહેરી ચાલ્યો ગયો. સરલા, તારા અને બન્ને બાળકો એમ ચારે જણ સ્તબ્ધ બની અરસપરસ સામું જોઈ રહ્યાં. ભીંતે ભરાયેલા કેલેન્ડર ઉપર પગારતારીખ સરલા અને તારાએ જઈ; કબાટ ઉપરની કૅશબૉક્સ પણ જોઈ અને સરલા એકાએક રડી ઊઠી. રડતે રડતે તેણે કહ્યું

'એ પગારદિન મારો દુશ્મનદિન બન્યો. પેલી કૅશબૉક્સમાંથી સતત દુઃખનો જ ખજાનો મને મળ્યો છે. પ્રભુ મને પગારદિન ન દેખાડે અને મને કૅશબૉક્સ ન દેખાડે !'

માને રડતી જોઈને બન્ને બાળકો પણ રડી ઊઠ્યાં અને રડતી માની સોડમાં સમાવાનું મથન કરવા લાગ્યાં. એક ક્ષણ માટે તારાનું હૃદય પણ દ્રવી ગયું. પરંતુ કોણ જાણે કેમ તેને હૃદય ઉપર કાબૂ મેળવ્યો અને કહ્યું :

'ભાભી, ભાભી ! તમે તો જરા હિંમત રાખો ! ભાઈ હમણાં પાછા આવશે. તમે આમ કરશો તો છોકરાં વધારે રડશે.'

'મારી હિંમત તમારા ભાઈ સાથે ચાલી ગઈ !' સરલાએ રડતાં રડતાં જવાબ આપ્યો. જીવનભર સરલા વૈભવમાં તો ઊછરી ન હતી, છતાં તેને આવો રુદન કરવાનો પ્રસંગ કદી આવ્યો ન હતો. કોઈના પણ દોષ વગર આવી પડતી આફતમાં સ્ત્રીહૃદયને રડવા સિવાય બીજો કયો માર્ગ જડે ?

'એમ ન ચાલે, ભાભી ! ચાલો આપણે બાળકોને સુવાડી દઈએ.'

'હું શું કરું? મને કાંઈ સમજ પડતી નથી. કોઈ મને ઝેર આપે તો કેવું !' સરલાએ પોતાની આંખ લૂછતાં કહ્યું.

'ઝેર કોઈને પણ આપવાની જરૂર છે ખરી, ભાભી ? ધનહીનનું જીવન જ ઝેર છે. નહોતાં સમજ્યાં તે આજે સમજાયું.' તારાએ આશ્વાસન આપ્યું અને એકાએક દર્શનની ઓરડીમાંથી સિતારની ગત વાગતી સંભળાઈ. તારાને વિચાર આવ્યો : ઝેરભર્યા જીવનમાં સંગીત શું ? જીવન સતત સંગીતમય ન બની શકે ? સમાજવાદ અને સામ્યવાદની અનેક દલીલો કૉલેજમાં થતી તે તારા સાંભળતી હતી. ધનવિહીનતા માનવીને જીવનવિહીન બનાવી દે એના કરતાં એકજથ્થે ભેગું થતું ધન સહુમાં વેરાય, વહેંચાય તો કેવું ?

આમ તો બળી ગયેલી નોટોનો જગજીવનદાસ શેઠને હિસાબ પણ ન હોય. એવી કંઈક રકમો તેમણે જુગારમાં, શરાબમાં, સ્ત્રીઓમાં અને ધર્મમાં ફેંકી દીધેલી હતી. કિશોર જાણીબૂઝીને નોટો બાળી આવ્યો ન હતો; પુરાવામાં બળી ગયેલી નોટોના કેટલાક કકડા હાજર પણ હતા. અને નોટોમાં ગુમ થયેલી રકમ કાળજીપૂર્વક નંબર મેળવતાં સજીવન પણ થાય. રડતા કુટુંબને બાજુએ ખસેડી કિશોર આછીપાતળી આશામાં જગજીવનદાસ શેઠને બંગલે આવી પહોંચ્યો. ઘરમાં શેઠ હતા નહિ. મધરાત સુધીમાં ઘેર આવે એનું નામ શેઠ નહિ ! બંગલો કિશોરને આછોપાતળો જાણીતો હતો; નોકરો પણ જાણીતા હતા. તેમણે કિશોરને બહારની ખુલ્લી ઓસરીમાં એક ખુરશી ઉપર બેસાડ્યો હતો. કુટુંબીજનો સૂઈ ગયાં હતાં અને નોકરો સૂવાની તૈયારી કરી રહ્યા હતા, બંગલામાં પ્રકાશ ઝાંખો કરી નાખવામાં આવ્યો હતો. ઠંડી તો એટલી બધી હતી કે વચ્ચે વચ્ચે કિશોર બેઠો બેઠો કંપી ઊઠતો. ઘડિયાળમાં બરોબર બારના ટકોરા થયા. દૂર બગીચાના કમ્પાઉન્ડનું બારણું કોઈ માણસે ખોલ્યું અને પ્રકાશ ભરેલી જગજીવનદાસની 'કાર' વિજયી ચક્રવર્તી સરખી અંદર ધસી આવી. કારમાંથી ઊતરીને ઓસરીનાં પગથિયાં ઉપર જગજીવનદાસ શેઠ ચડ્યા. ખાણીપીણી તથા ગીતનૃત્યની - કોઈ મોજશોખની - અતિશયતાનો ચમકાર તેમના મુખ ઉપર ચમકી રહ્યો હતો; સાથે સાથે એ ચમકાર પાછળ ખિન્ન અસ્વસ્થતા પણ વચ્ચે વચ્ચે તરી આવતી હતી અને તે દેહને માટે પથારી માગતી દેખાતી હતી. સરસ લાકડીને ટેકે તેઓ પગથિયાં ચડી ઉપર આવ્યા અને આશ્ચર્યસહ કિશોરના નમસ્કારને તેમણે ઝીલ્યા.

'તમે ક્યાંથી? અત્યારે ! આવી મોડી રાત્રે ?'

'બહુ જરૂરનું કામ છે, શેઠસાહેબ !'

‘જરૂરનું કામ તમને સોંપ્યું છે ! એમાં કહેવા શા માટે આવો છો ? કહ્યું છે તે કરી નાખો.'

'શેઠસાહેબ ! જરા મુશ્કેલી ઊભી થઈ છે.'

‘જરા મુશ્કેલીનો ઉકેલ કરી નાખો.'

'મારાથી ઊકલે એવી નથી.'

'અરે શું તમે કિશોરકાન્ત ! આવી ઠંડીમાં ઘેર સૂઈ રહેવાને બદલે કઈ મુશ્કેલી ઊભી કરી લાવ્યા છો ?'

'જરા શાંતિથી સાંભળવા જેવી છે.'

‘એમ ? ત્યારે આવો અંદર. પણ જલદી પાર લાવો; ભણેલાઓ જેવું બહુ લંબાણ ન કરશો.' શેઠસાહેબે કહ્યું અને ઓસરી પાસેની શેઠને કામ કરવાની સુશોભિત ખોલીમાં પ્રકાશ થયો, અને ખોલી અંદરથી ઊઘડી. શેઠસાહેબ અંદર જઈ એક આરામખુરશી ઉપર આરામથી બેઠા; પાસેના સ્ટૂલ ઉપર લાકડી મૂકી. કોઈ પણ જંજાળ સહન કરવાની તેમનામાં શક્તિ ન હોય એવું તેમના મુખ ઉપરથી લાગતું હતું. કિશોર તેમની સામે પોતાનો દાઝેલો હાથ પંપાળતો ઊભો રહ્યો. શું કરવું તેની એને તત્કાલ સમજ પડી નહિ. થોડી વાર જોઈ શેઠસાહેબે પૂછ્યું :

'બોલો, શું છે? તમને નોટો આપી હતી તે તો પહોંચાડી આવ્યા છો ને ?'

'ના, જી. આપના સુખી મેનેજરસાહેબ ક્લબનો આનંદ લેતા દસ સાડા દસ વાગ્યા સુધી એમને ઘેર આવ્યા ન હતા એટલે મારાથી મળાયું નહિ.'

‘તો... અહીં આવવાને બદલે ત્યાં જ બેસવું હતું. હજી જઈને આપી આવો.'

'શેઠસાહેબ ! એમને આપવાના પૈસા... મારી પાસેથી ગુમ થયા છે.'

'કિશોર ! એ કરામત હવે જૂની થઈ !... રસ્તામાં છરી દેખાડી મને લૂંટી લીધો... કાળા ઝભાવાળાઓએ મુખમાં ડૂચા ખોસ્યા... મારા માથામાં રેતીની થેલી મારી મને બેભાન કર્યો... એવાં એવાં વર્ણનો મારે ન જોઈએ. એ અમેરિકાની વાર્તાઓને રહેવા દો.' શેઠસાહેબની સુસ્તી જરા ઊડી ગઈ. શાંતિ માગતો શરાબ દેહમાં જરા ઊકળવા લાગ્યો.

'વર્ણન છે જ નહિ. માનો તો મનાય એવી સાદી વાત છે; અને ન માનો તો હું પુરાવા સાથે આવ્યો છું, સાચી હકીકત કહેવા.'

'જે કહેવું હોય તે કહી નાખો ને? આટલું પીંજણ શાને માટે કરો છો?'

'સાહેબ ! મારા ત્રણચાર વર્ષના દીકરાએ બધી નોટો બાળી નાખી. બચ્યા એ નોટોના કકડા અને રાખોડી હું લઈ આવ્યો છું; એટલું કહી કિશોરે થોડી રાખોડી, બચેલી નોટોના કકડા અને બળેલા કાગળોવાળો રૂમાલ ખુલ્લો કરી શેઠસાહેબની સામે એક ટીપોઈ ઉપર મૂકી દીધો. તેના હાથ દાઝેલા હતા તે તરફ શેઠસાહેબે જોયું કે નહિ, તે શેઠસાહેબ જ જાણે! તેમણે તો કહ્યું :

'કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના! તમારી વાત સાથે મારે સંબંધ નથી; તમારા ત્રણ ચાર વર્ષના છોકરા સાથે મારે સંબંધ નથી. મારે મારા રૂપિયા સાથે સંબંધ છે ! સવારે એ મિલમાં પહોંચવા જ જોઈએ.'

'શેઠસાહેબ ! મને કાંઈ જ સમજ પડતી નથી. હું ઘેલો થઈ જાઉં એમ લાગે છે. હું ક્યાંથી મિલમાં રૂપિયા પહોંચાડી દઉં ? હું વેચાઉ તોય મને કોઈ એટલી રકમ ન આપે !'

‘તમારા સિવાય બીજું ઘણું વેચાય એવું તમારી પાસે હશે...'

'હા જી. મારાં બાળકો... મારી બહેન... અને મારી પત્ની...' કિશોર વાક્ય પૂરું કરે તે પહેલાં શેઠે તેને જવાબ આપ્યો :

‘તમે મને લલચાવવા આવ્યા છો, નહિ ? પૈસા ખાઈ જઈને ?'

'નહિ, સાહેબ ! હું એક જ વિનવણી કરવા આવ્યો છું. મને ચોવીસ કલાકની મહેતલ આપો.. હું ગમે ત્યાં..'

'જે ચોવીસ કલાકમાં તમે સહકુટુંબ ગુમ થઈ શકો, ખરું ?'

'નહિ સાહેબ ! એવું હોત તો હું આવત જ નહિ. મારી વફાદારી આપ જાણો છો. આયપત વેરાનું પેલું કામ... કાળા બજારની ધાંધલ... સાક્ષી પુરાવાની મેં ઊભી કરેલી સગવડ.. આપ જાણો જ છો કે એક પાઈ પણ માગ્યા વગર બધામાં હું આપને પડખે રહ્યો છું.'

‘તમારી વફાદારી હું જાણું છું.... આજ મારી ખાતરી થઈ ચૂકી કે અમને ફજેત કરી પૈસા કઢાવતાં છાપામાં હકીકત તમે જ પૂરી પાડો છો.'

'કદી નહિ, સાહેબ !'

'પેલો દર્શન તમારો પાડોશી છે - અને વળી તમારા કુટુંબનો મિત્ર છે, એ વાત મારી જાણ બહાર નથી... તમારી પાછળ પણ મારા જાસૂસો નહિ હોય એમ ન માનશો. આયપત વેરો અને કાળાબજારની વાત મારી સામે ધરી તમે મને ધમકી આપવા આવ્યા છો અને તે પણ મધરાતે ? હું એ ન સમજું એવો બેવકૂફ નથી. હું તમને પોલીસને સ્વાધીન કરી દઉ છું...' આરામથી પડેલા જગજીવનદાસ શેઠ જરા અદ્ધર થયા.

‘સાહેબ ! મારી લાંબી નોકરી, નિર્લોભ નોકરી, મારું કુટુંબ અને મારું ભાવિ...' કિશોરે કહ્યું :

એકાએક જગજીવનદાસ શેઠે પાસે પડેલો ફોન ઉપાડવા માંડ્યો. અને ચમકીને કિશોરે કહ્યું :

'સાહેબ ! ફોનને ન અડકો.'

‘મને ધમકી આપવા માગો છો ?' શેઠને કિશોરની ચમકમાં ધમકીનો ભાસ થયો.

'કોઈની પાસે નથી માગી એ દયા હું આપની પાસે માગું છું.' કિશોરે અવાજમાં લાચારી દર્શાવી કહ્યું.

'ડાકણને પણ ખાઈ જતી દયા આજના માનવી માટે નહિ મળે !' જગજીવન શેઠે કહ્યું અને ફોન ઉપાડી નંબર ફેરવવા માંડ્યો. કિશોરે બે હાથ જોડ્યા અને કહ્યું :

'સાહેબ ! હું ફરી વિનંતી કરું છું, આપ ફોનને ન ઉપાડો. મારું મન અત્યારે બહુ અસ્થિર છે. આપની રકમ હું દૂધે ધોઈને આપીશ... ચોવીસ કલાકમાં...'

‘કિશોર ! ફોન ઊપડી ચૂક્યો અને પોલીસને આ પહોંચ્યો...' એટલું કહી શેઠસાહેબે ઝડપથી ફોનના ત્રણેક આંકડા ફેરવ્યા. કમનસીબે ત્રણ આંકડામાં ફોન પહોંચતો નથી. કિશોરે જરાક અવાજમાં સખાઈ લાવી કહ્યું :

'સાહેબ ! ફોનની રમત જતી કરો કૃપા કરીને !'

'અને જતી ન કરું તો ?' એટલું કહેતાં બરોબર શેઠસાહેબે ચોથો આંકડો ફેરવ્યો અને એકાએક મેજ ઉપર પડેલ શેઠની જ લાકડી ઝડપથી ઊંચકી લઈ કિશોરે જગજીવન શેઠના હાથ ઉપર જોરથી પ્રહાર કર્યો. શેઠના હાથમાંથી રિસીવર પડી ગયું. પ્રહાર સાથે જ કિશોર બોલી ઊઠ્યો :

'એ રમત જતી નહિ કરો તો આમ થશે !'

'એકાએક શેઠસાહેબ ઊભા થવા ગયા અને કિશોરે લાકડી ઉઠાવી કહ્યું :

‘ઊભા થશો તો માથામાં ફટકો પડશે... આપની સીસમની લાકડી મજબૂત પણ છે.'

કિશોરને એટલામાં લાગ્યું કે શેઠસાહેબ બૂમ મારી ઊઠશે એટલે કિશોરે ફરી ધમકી આપી :

‘અને શેઠસાહેબ જો બૂમ પાડી તો ખિસ્સામાંથી છરી કાઢું એટલી જ વાર છે.' કિશોરે એક હાથ ખિસ્સામાં નાખ્યો પણ ખરો. નમ્ર બનતા શેઠે કહ્યું :

‘અલ્યા કિશોર ! મને ખબર નહિ કે તું આવો ગુંડો બની ગયો છે !.. તું કહે તો...'

‘મારે હવે કાંઈ જ કહેવાનું નથી. કહેવાનું એટલું જ કે તમારા સરખા દયાહીન ધનિકોના હાથમાં પડેલું ધન અમારા જેવા શિક્ષિતોને પણ ગુંડા બનાવે છે તે આજથી સમજી લેજો !'

'કિશોર ! તારો પગાર વધારું...મેનેજરની જગાનો ચાન્સ.' શેઠસાહેબ બોલ્યા. એને પૂરું વાક્ય કરવા ન દેતાં કિશોરે મક્કમતાપૂર્વક છતાં ધીમેથી કહ્યું :

'મોટેથી ન બોલો... હું સમજું છું કે તમે હવે મને શાનો ચાન્સ આપવાના છો તે તમને આપવાના પૈસા જે ક્ષણે મને મળશે તે ક્ષણે હું પાછો આવીશ... પરંતુ આ ઘડિયાળ જોઈને પાંચ જ મિનિટ ચૂપચાપ બેસી રહો. એમાં જો તમે બોલ્યા તો યાદ રાખો કે ગમે ત્યાંથી છરી તમારી ગરદન ઉપર ફરી વળશે.... અને હું જાણું છું કે તમે બૂમ મારશો તોય નોકરો કે શેઠાણી પાંચ મિનિટમાં ઊઠવાનાં નથી જ.' કિશોરના મુખ ઉપર કોઈ અવનવી ક્રૂરતા ફરી વળેલી શેઠસાહેબે જોઈ અને તેઓ ડઘાઈ ગયા. હાથી ઉપરનો ફટકો એક દિવસમાં મટે એવો ન હતો. જગજીવન શેઠ હાલ્યા ચાલ્યા વગર ઘડિયાળ સામે જોતા બેસી રહ્યા અને કિશોર શેઠની સીસમની લાકડી લઈ બહારના અંધકારમાં અને વિશ્વની ઠંડીમાં અદ્રશ્ય થઈ ગયો.

ક્યાં ?