← ચંદ્ર, કુમુદ અને ભમરો ત્રિશંકુ
અણધાર્યો આવકાર
રમણલાલ દેસાઈ
જીવન અને ઉજાણી →


૨૩
 
અણધાર્યો આવકાર
 


કેદખાનાની કોટડીમાં માનવી માગે તોય તેને સ્થાયી નિવાસ મળતો નથી. બેકારીમાં જીવન પસાર કરતા કંઈક માનવજીવો કેદખાનામાં જઈને રાહત પણ અનુભવે છે. કેદખાના બહારની દુનિયાને મુક્ત દુનિયા, સ્વતંત્ર દુનિયા, આઝાદ દુનિયા માનવામાં અને કહેવામાં આવે છે; પરંતુ એ મુક્ત દુનિયામાં બેકારીની, ભૂખે મરવાની અને અનિકેતન બનવાની સ્વતંત્રતા બહુ જ વ્યાપક હોય છે ! કેદખાનામાં માથે છાપરું હોય છે, પહેરવાને કપડાં હોય છે અને ખાવાને અન્ન હોય છે - અને તે અવશ્ય હોય છે. એકલું કેદખાનું આઝાદ દુનિયા કરતાં વધારે પ્રગતિશીલ છે એમ કહીએ તો ચાલી શકે.

એ કેદખાનાની કોટડીમાંથી કિશોરને એક વિશાળ બગીચામાં થઈને આગળના ભાગમાં લાવવામાં આવ્યો. કેદખાનાનો બંદીપાલ પણ કદી કદી માણસ બને છે. એને કિશોરના મુકદ્દમાની તો માહિતી હોય જ; ઉપરાંત એને કિશોરના જીવનની પણ માહિતી હતી. 'જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ' એ કહેવત ફેરવી નાખીને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે. ખબરપત્રી' એ કહેવત નવેસર બનાવવામાં આવે તો તે આજના યુગમાં ઘટિત જ ગણાય - જોકે નવી કહેવતની શબ્દરચના જૂની કહેવત કરતાં વધારે બેડોળ બની જાય એ ખરું !

દર્શને બંદીપાલનો પણ પરિચય સાધ્યો હતો અને એને વિષે બહુ સૂચક રીતે પોતાના પત્રમાં બેત્રણ વાર સારા ફકરા લખેલા હોવાથી દર્શન પ્રત્યે એને સદ્‌ભાવ પણ ઉત્પન્ન થવા માંડ્યો હતો. કિશોર સાથે કુમળું વર્તન રાખવા બંદીપાલે હાથ નીચેના માણસોને તાકીદ પણ કરી દીધી હતી. એને છૂટવાનો પણ દિવસ આવ્યો અને બહારના બંધ ભાગમાં કિશોરને લાવી તેનો કેદી લેબાશ બદલી તેને એનાં પ્રતિષ્ઠિત કપડાં પહેરવા માટે આપવામાં આવ્યાં. કેદખાનાને એક જ દરવાજો હોતો નથી; બે-ત્રણ દરવાજામાંથી પસાર થયા પછી કેદખાનામાંથી બહાર નીકળાય છે. કિશોરે એ બધા દરવાજા પસાર કર્યા અને છેવટના દરવાજા બહાર તે આવ્યો. તેની સાથે કેદખાનાનો ઉપરી પણ આવ્યો. કિશોરે પોતાના કેદી-બંધુઓને તો રામ રામ કરી લીધા હતા પણ ઉપરી બંદીવાલ સાથે કેમ વર્તન રાખવું તેની તેને સમજ પડી નહિ. બંદીવાલમાં અત્યારે માણસાઈ વિકસી હતી. કિશોરને બહાર મોકલતાં બંદીપાલે કહ્યું

‘આવજો', કહેવાય એવું તો આ સ્થાન નથી, એટલે તમે છૂટા થાઓ છો એ પ્રસંગે તમે હવે સુખી થાઓ એમ હું ઇચ્છું છું.'

કિશોરને બંદપાલના આ શબ્દો અસરકારક લાગ્યા. એને બીજા કોઈ શબ્દો જડ્યા નહિ એટલે માત્ર આમ જ કહ્યું :

‘આભાર માનું છું.'

‘જુઓ, તમે ના કહી - બળપૂર્વક ના કહી એટલે તમારાં સગાંવહાલાંને કોઈને તમારા છૂટવાની ખબર આપી નથી.'

‘આપે એ સારું જ કર્યું.' કિશોરે કહ્યું.

‘સારુંખોટું તો કોણ જાણે ! પરંતુ જો મારા અનુભવની કાંઈ કિંમત હોય તો હું તમને એક વાત કહું.' બંદીવાલ બોલ્યો.

'જરૂર કહો. આપે મારી સાથે ભાગ્યે જ તોછડું વર્તન રાખ્યું છે. આપને કહેવાનો હક્ક છે.' કિશોરે જવાબ આપ્યો.

'તો સાંભળો. મારું કહ્યું માનીને સીધા અહીંથી ઘેર જ ચાલ્યા જજો.'

'ધેર ? મારું ઘર તો કોણ જાણે ક્યાં બદલાઈ ગયું હશે !'

‘જ્યાં બદલાયું હોય ત્યાંથી શોધી કાઢો. ન જડે તો મને આવીને. પૂછજો, હું શોધવા લાગીશ.'

‘આપનું કહેવું ઠીક છે... હું જોઉં છું ક્યાં જવું છે.'

‘બીજાં ફાંફાં ન મારશો. ઘર જેવું સુખ બીજે નહિ મળે. અઢાર વર્ષનો મને કેદીઓનો અનુભવ છે.' કહી બંદીવાલ ઊભો રહ્યો. કિશોરે કેદખાનાના કંપાઉન્ડમાં થઈને મુક્ત દુનિયામાં નીકળી જવાનું હતું. બંદીપાલને તેણે નમસ્કાર કર્યો, અને આસપાસ જોકે ઘણા માણસો ન હતા છતાં જાણે કોઈ તેને જોઈ ન જાય એમ ઈચ્છતો, લગભગ સંતાતો, કિશોર કમ્પાઉન્ડના દરવાજા બહાર નીકળી મુક્ત દુનિયામાં આવી પહોંચ્યો. મૂક્ત દુનિયા તેને તદ્દન નવી લાગી. સ્વપ્ને પણ નહિ કલ્પેલા પ્રસંગોમાંથી તે પસાર થયો હતો. કુટુંબ પાસે જતાં તેના પગ ઊપડતા ન હતા. યંત્રવત્ ગમે ત્યાં જવા માટે તેણે પગ ઉપાડ્યા અને સામે જ એક વૃક્ષને ઓથે તેણે દર્શનને ઊભેલો જોયો. કિશોરને જોતાં દર્શને બૂમ પાડી :

‘કિશોરભાઈ ! હું તમને લેવા આવ્યો છું.'

કિશોર ધારતો ન હતો કે તેને કોઈ પણ. માનવી આ પ્રસંગે લેવા આવે. તે ઇચ્છતો પણ ન હતો કે કેદમાંથી નીકળેલું તેનું મુખ કોઈ પણ પરિચિત વ્યક્તિના જોવામાં આવે. છતાં દર્શન તો સામે ઊભેલો હતો. કિશોરે દર્શનને પૂછ્યું :

‘દર્શન ! તને મારા છૂટવાની ખબર કોણે આપી ?'

‘અંદાજથી આવી... અને કિશોરભાઈ ! અમને પત્રકારોને આછી પાતળી ઘણી ખબરો મળી જ રહે.' દર્શને કહ્યું.

કિશોર ક્ષણભર દર્શન સામે જોઈ રહ્યો, અને પછી અત્યંત કટુતાભર્યું સ્મિત કરી તેણે દર્શનને પૂછ્યું :

‘દર્શન ! મારી આ છબી, શું છાપામાં આપવી. છે ?'

'આપીએ તેમાં ખોટું કશું નથી. જોકે હમણાં તો હું તમને ઘેર લઈ જવા આવ્યો છું.'

‘દર્શન ! તું મારો મિત્ર છે, નહિ !'

‘મિત્ર ? આપ તો વડીલ છો, મોટાભાઈ છો. આપની છત્રછાયા મને મળી ન હોત તો હું આટલો આગળ આવી શક્યો જ ન હોત. દર્શને જવાબ આપ્યો.

‘તો દર્શન ! સાંભળ. તને કોઈપણ પ્રકારનો સદ્‌ભાવ મારે માટે હોય. તો મને મારે માર્ગે ચાલ્યો જવા દે.' કિશોરે કહ્યું.

‘સદ્ભાવ ! આપના પ્રત્યેનો સદ્ભાવ તલપૂર પણ ઘટ્યો નથી; ઊલટો વધ્યો છે.'

'તો મારું કહ્યું માની તું હમણાં મને મળીશ જ નહિ.'

'પરંતુ એમ કેમ થાય ? આપનો માર્ગ ઘર તરફ જ લંબાવવો જોઈએ. ઘેર તમારી રાહ જોવાય છે - આજથી નહિ. ત્રણ મહિનાથી - અને તેયે પહેલાં જોવાતી હતી તેમ !'

'દર્શન હું આવીશ... ઘેર આવીશ. મને પણ તારા, શોભા અને અમર યાદ નહિ આવતાં હોય એમ તું ન માનીશ !' કિશોરે કહ્યું અને તેની આંખમાં વાત્સલ્યની એક ચમક ચમકી ગઈ. દર્શન એ ચમક જોઈ અને કહ્યું :

‘તો પછી આપણે સાથે જ જઈએ.’

'હું જરૂર આવીશ, દર્શન ! પણ આજ નહિ...મારા મુખ ઉપરની કાળાશને જરા ધોઈ નાખવા દે.' કિશોરે કહ્યું.

'કાળાશ ? કિશોરભાઈ ! કાળાશ હોય તો તે આપણા ઉપર નહિ, સમાજના મુખ ઉપર છે. આયનાનો ડાઘ છે. તમારો ડાધ નથી.' ભલે એ આયનાનો ડાઘ હોય. મારો એ ડાઘ ન હોય તોય એ આયનાનો ડાઘ ધોઈને પછી હું ઘેર આવીશ; તે પહેલાં નહિ.'

‘કિશોરભાઈ ! કોઈ ભૂલ થાય છે.' દર્શન જરા વ્યગ્રતાપૂર્વક કહ્યું.

'એમાં તેં વધારે શું કહ્યું? ભૂલ તો ડગલે-પગલે થાય છે ને ?'

‘એ બધા વિચાર આપણે ઘેર જઈને કરીશું.'

‘દર્શન ! મને ચાલ્યો જવા દે, મારા પગ લઈ જાય ત્યાં. મારી પાછળ ન આવીશ.'

‘એ કેમ ચાલે ? હું ઘેર જઈ છોકરાંને અને સરલાબહેનને શું મોં બતાવીશ ? મેં તો વચન આપ્યું છે કે હું તમને લઈને જ આવવાનો છું.'

‘આજ કંઈ નહિ, દર્શન ! જો તું મારી પાછળ આવીશ તો તું મારું મૃત્યુ નિહાળીશ. મારી ખાતરી થઈ ગઈ છે કે આ જીવનમાં મરવું સહેલું છે. માટે મારે જીવવું મુશ્કેલ બનાવવું હોય તો તું મારી પાછળ આવ.' કહીને કિશોર અત્યંત ઝડપથી ચાલવા માંડ્ચો.

તેને સહજ બૂમ પાડી, જરા આર્જવપૂર્વક દર્શને કહ્યું :

‘કિશોરભાઈ ! એક વાર તો ઘેર આવી જાઓ ? રડતાં છોકરાંને હું શો જવાબ આપીશ ?'

‘તને યોગ્ય લાગે તે જવાબ આપજે. પણ તું મારી પાછળ ન આવીશ.'

'મને એક વખત અહીંથી ભાગવા દે.’ પાછળથી દોડીને આવેલા દર્શનને કિશોરે કહ્યું.

‘પણ કિશોરભાઈ ! તમે તો જીવવા મરવાની વાત કરો છો. મારાથી તમને એકલા કેમ ભાગી જવા દેવાય ?' દર્શન કિશોરને રોકતાં કહ્યું. કિશોરે જરા સ્થિર થઈ શાંતિપૂર્વક દર્શનને કહ્યું :

'જો, દર્શન ! તું આજ તો મને જવા જ દે. મારો પગ ઘેર આવવા ઊપડતો નથી. કોઈ પણ પરિચિતનું મુખ હું ન જોઉં એમ હું ઈચ્છી રહ્યો છું. હું તને એક વચન આપું છું. જીવવા-મરવાનું તો ઈશ્વર આધીન છે - જો ઈશ્વર જેવી કોઈ સત્તા હોય તો. પરંતુ આ મારું વચન તું સાચું માનજે. ઘેર આવતા પહેલાં હું મરવા ધારીશ તોપણ મરીશ નહિ, બસ? હવે મને જવા દઈશ? તારું સરનામું હું જાણું છું એટલે એ મને ઘરનો માર્ગ દેખાડી દેશે.'

આટલું કહેતા બરોબર કિશોર લગભગ દોડ્યો જ. એને ભાન ન હતું કે એ ક્યાં દોડ્યો, કઈ બાજુએ દોડ્યો અને શા માટે દોડ્યો. દર્શન પાછળ નથી આવતો. એવી તેની ખાતરી થઈ ત્યાં સુધી તે દોડ્યો. પછી શું થયું તેનું કિશોરને ભાન રહ્યું નહિ. એ ભાનમાં આવ્યો ત્યારે એ પોતે કોઈ ચટાઈ ઉપર સૂતો હોય એમ તેને ભાસ થયો. કેદખાનું જોયા પછી કોઈપણ સ્થળ માનવીને ભાગ્યે જ આશ્વર્ય ઉપજાવે, છતાં સૂતે સૂતે આંખ ઉઘાડી કિશોરે જોયું તો તેની દૃષ્ટિ સમક્ષ એક નાનકડું મંદિર દેખાયું. મંદિરની ખુલ્લી ઓશરીમાં જાણે સાધુનું રહેઠાણ હોય એવો પણ તેને ભાસ થયો. ચારે પાસ વૃક્ષોની ઘટા ! તે જાણે નવી દુનિયામાં આવ્યો હોય એમ તેને લાગ્યું. દર્શનને છોડીને દોડતો દોડતો તે આ સ્થળે કેવી રીતે આવ્યો તે એને સમજાયું નહિ. તેનો દેહ બહુ થાક્યો હોય એમ તેને લાગ્યું. છતાં આ અણધારી દુનિયાને ઓળખવા માટે તે ચટાઈમાં બેઠો થયો અને ચારે પાસ જોવા લાગ્યો. નજીકમાં જ ધૂણી આછી આછી ધીખતી હતી, અને એક વૃદ્ધાવસ્થાને કિનારે આવેલો સાધુ તેને નિહાળતો ધૂણી અને તેની સાદડીની નજીક પગ ઉપર પગ ચડાવી બેઠો હતો.

કિશોરને એમ પણ લાગ્યું કે આ અજાણી જગ્યા ઉપર સંધ્યાકાળનું આછું અંધારું ઊતરતું હતું. એને એવું એકાંત જોઈતું હતું કે આ સાધુનું એકાંત સ્થળ તથા સાધુનો સમાગમ પણ તેને અણગમતો લાગ્યો. ત્યાંથી ચાલ્યા જવાની તેની ઇચ્છા થઈ. કેદખાનામાંથી તરતના નીકળેલા માણસને ચાલ્યા જવા માટે બીજી તૈયારી પણ શી કરવી પડે ? ઊભા થઈને ફાવે ત્યાં ચાલ્યા જવું એ જ માર્ગ હતો. તે ઊભો થયો પરંતુ તેનું શરીર તેને દુખતું લાગ્યું. દોડતાં દોડતાં તે પડી ગયો હશે શું ? કોઈ પણ રીતે આ સાધુએ તેને બેભાન અવસ્થામાં ચટાઈ ઉપર સુવાડી દીધો હશે એટલું તો કિશોરને લાગ્યું જ. જતા પહેલાં સાધુનો આભાર માનવાની તેને વૃત્તિ થઈ. તેણે સાધુને ઊભે ઊભે નમન કર્યું અને કહ્યું :

‘મહારાજ ! કૃપા થઈ, આટલો આશ્રય આપ્યો તે ! હવે રજા લઈશ.'

'ક્યાં જઈશ, બેટા ?' સાધુએ વાત્સલ્યપૂર્વક કિશોરને પ્રશ્ન કર્યો.

'પગ જ્યાં લઈ જાય ત્યાં, મહારાજ !' કિશોરે જવાબ આપ્યો.

'પગ તને અહીં લાવ્યા છે, તો અહીં જ ઠેરી જા.' સાધુએ તેને સલાહ આપી.

‘પગે ભારે ભૂલ કરી, મહારાજ ! મને અહીં લાવવામાં. હું આ સ્થાન માટે લાયક નથી.'

'એ પછી જોઈશું. હમણાં તો તું બહુ થાક્યો છે. મેં તને પકડીને સુવાડી દીધો ન હોત તો કોણ જાણે, તારું શરીર કે મન એ બેમાંથી એક ફટકી જાત !'

'તો વધારે સારું થાત, મહારાજ !' 'ભાઈ ! તું છે કોણ? લાગે છે તો ભણેલો-ગણેલો !'

'હા. જી. હું ભણેલો-ગણેલો ચોર છું. ચોરી કરતાં પકડાયો એટલે ચોરી નિષ્ફળ ગઈ, અને બદલામાં મને કેદખાનું મળ્યું. આજે જ હું કેદખાનામાંથી છૂટીને આવ્યો છું.'

‘તો પછી આના કરતાં બીજું કયું વધારે સારું સ્થળ તને મળવાનું છે?' સાધુએ કહ્યું.

'પવિત્ર ધામમાં મારા જેવા અપવિત્રને કેમ રહેવા દેવાય ?'

‘સાધુના ધામમાં સહુ સમાય - ચોર, ડાકુ, પાપી, આતતાયી !...અને જો સાંભળ, અમારો સિદ્ધાંત... આ જીવનમાં આવનાર, જન્મમરણના ફેરામાં પડનાર સહુ કોઈ ચોર છે અને કેદી પણ છે. મુક્ત. જીવ આ શરીરમાં કેદ કેમ પડે છે ?... કંઈ ચોરી કરી હોય માટે જ. તારા કરતાં ઘણા વધારે ભયંકર ચોર અહીં આવી વસી ગયા છે... અલ્યા, ઘરબાર છે કે નહિ ?' સાધુએ પોતાની ફિલસૂફી સમજાવી કિશોરને પ્રશ્ન કર્યો.

‘છે !... પણ મને લાગે છે કે એ લૂંટાઈ ગયાં છે !'

'એવું લાગે પહેલા દિવસે. થોડા દિવસ સ્થિર થા અહીં. આ એકાંતમાં તને કોઈ ઓળખશે નહિ; હું પણ તને પૂછીશ નહિ કે તું કોણ છે. અને ધીમે ધીમે ઘર તરફ જરા નજર નાખી આવ... ઘર લૂંટાયું હોય તોપણ પગ ઊપડે તો પહેલો ઘરમાં જ જજે. નહિ તો અહીં ચાલ્યો આવજે. જેને ઘર ન હોય તેનું ઘર આ ઝૂંપડી. જેને કંઈ ધંધો ન હોય તેનો ધંધો રામ નામનું રટણ.' સાધુએ કિશોરને શિખામણ દીધી.

ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠેલા કિશોરે સાધુ પાસે બેસી સહજ હસી સાધુની શિખામણમાં શંકા ઉઠાવી :

‘એ તો ઠીક, મહારાજ ! પરંતુ એ રામરટણમાંથી ખોરાક મળશે ? રહેવાને ઘર મળશે ? માંદગીની દવા, મળશે ?'

‘મળવું જ જોઈએ. ન મળે તો રામનું રટણ ખોટું ઠરે.'

‘એ ખોટું ઠરી ચૂક્યું છે, મહારાજ !'

'શા ઉપરથી કહે છે, ભાઈ ?'

‘હું કમાનાર કેદમાં ગયો ત્યારે મારી પત્ની મારા જ દુશ્મન શેઠ સાથે કારમાં બેસી ચાલી ગઈ ! એને છરી ભોંકવાની મને ઇચ્છા થઈ. પણ, મને પછી વિચાર આવ્યો કે નિરાધાર સ્ત્રી બીજું કરે પણ શું ? ધનિકને શરીર સોંપ્યા સિવાય ? કહો, મહારાજ ! રામથી બીજું શું થયું ?'

‘રામ, રામ, રામ ! બેટા ! કંઈ ભૂલ થાય છે તારી. આપણી સીતાઓ રામથી છૂટી પડે તોપણ રાવણને વશ તો ન જ થાય. એ સાચું કે હજી આપણે પુરુષો લક્ષ્મી તથા લલનાને ચૂંથતા મટ્યા નથી; અને એમાંથી જ જીવતી યમયાતનાઓ ઊભી કરીએ છીએ. પરંતુ ખાતરી રાખ, ભાઈ ! એ યાતનાઓને છેડે રામ જ આપણને દોરતો ઊભો છે. અનુભવ કરી જોજે, અને રામ જડે તો મને કહી જજે.' સાધુએ કહ્યું.

‘વારુ, મહારાજ !' કહી કિશોર ઊભો થવા ગયો.

સાધુએ અવજ્ઞા ન થાય એવી આજ્ઞા કરી.

‘રામ જડે કે ઘર જડે, તે સિવાય અહીંથી તારે જવાનું નથી. મારી સાથે પ્રસાદ લે અને ઊંડાણમાં દૃષ્ટિ નાખતો તું ઊંઘી જા... જો, જરા આકાશમાં સપ્તર્ષિના ટોળામાં પેલી અરુંધતી ઝીણી ઝીણી ઝબકે છે તે !'

અને કિશોરના શરીરે અને મને હવે ત્યાંથી ખસવાની તેને મના કરી.