ત્રિશંકુ/ચંદ્ર, કુમુદ અને ભમરો

← માનવસર્જનનાં બે દૃશ્યો ત્રિશંકુ
ચંદ્ર, કુમુદ અને ભમરો
રમણલાલ દેસાઈ
અણધાર્યો આવકાર →


૨૨
 
ચંદ્ર, કુમુદ અને ભમરો
 

કેટલી યુવતીઓને પોતાનું ગુજરાન ચલાવતાં તારા સરખા પ્રસંગો અનુભવવા પડતા હશે, અને કેટલીક યુવતીઓમાં સંજોગની સામે, સત્તાની સામે, ધનની સામે અને પ્રલોભનની સામે થવાનું બળ હશે ? કમાણી માટે મથન કરતી કેટલી નારીઓને કમાણીના બદલામાં પોતાના દેહની, પોતાના રૂપની ખંડણી આપવી પડતી હશે તેની વિગતવાર તપાસ તો કોઈ સમાજશાસ્ત્રી જ કરી શકે ! પરંતુ એ નારીસમૂહ પતિતાઓના અશિષ્ટ ગણાતા લત્તાઓમાં જ માત્ર સમાઈ નહિ રહ્યો હોય !... અને સમૂહમાં કયા કયા પુરુષની પત્ની, બહેન કે દીકરી નહિ હોય એવી ખાતરી થઈ શકે ?

છતાં વર્તમાન યુગમાં સ્ત્રીએ બધાં જ જોખમો વેઠીને કમાણી કરવી જ રહી. માનવ જાતને દોરવાનું અભિમાન લેનારા નેતાઓ હજી સમાજની એવી રચના કરી શક્યા નથી કે જેમાં શોષણને સ્થાન ન હોય ! પછી એ શોષણ રૂપનું પણ હોય !

તારાએ અને તેની ભાભી સરલાએ જીવનની આર્થિક લડત તો શરૂ કરી દીધી હતી. તેમાં નાનકડી શોભા અને એથીયે નાનકડા અમરે પણ ફાળો આપવાનો માર્ગ શોધવા માંડ્યો હતો જ, અને તે અંગે સહુને વિધવિધ અનુભવો મળ્યે જતા હતા. કેટલાક અનુભવો તો માનવીએ અને ખાસ કરી યુવતીએ તો પોતાના ચોર ખિસ્સામાં સંતાડી રાખવા પડે છે, જે કોઈના પણ જાણવામાં આવતા નથી અને યુવતીના મૃત્યુ સાથે જ તે બળી જાય છે.

કિશોરની સજા બહુ લાંબી તો હતી જ નહિ - જોકે કિશોર અને તેના કુટુંબીજનોને બહુ લાંબી લાગવા માંડી હતી. છતાં એ દિવસ પાસે આવતો જતો હતો એ વાત ચોક્કસ. એ દરમિયાન કિશોર માનવીએ સરજેલા કેદખાનામાં અનેક અનુભવો મેળવતો હતો. અને કિશોરનું કુટુંબ કેદખાનાની બહાર આવેલા છૂટથી હરીફરી શકાય એવા સ્વતંત્ર મનાતા કેદખાનાનો અનુભવ લેતું હતું. યુવાન વકીલપુત્રને - વકીલને દૂર કરી દર્શન અને તારા કોટડીની બહાર તો નીકળ્યાં. એ કોટડી પણ વગર ભાડાની જ હતી. - જેના ભાડા પેટે સધન ઈશ્કી વકીલ, તારા સાથે મનમાનતી મોજ માણવા માગતો હતો ! એ કોટડીમાંથી બહાર નીકળીને પણ કોઈએ મુક્ત વાતાવરણ નિહાળવાનું હતું જ નહિ. વગર બોલ્યે બન્ને જણ ચાલ્યાં જતાં હતાં. તારાના મનમાં સ્ત્રી જાતિનો ક્રોધ અને જાતિની અસહાયતા ઘૂમી રહ્યાં હતાં. દર્શન તારાની આ માનસિક સ્થિતિ સમજી શક્યો હતો. તે તારાને સીધી તેને ઘેર લઈ ન જતાં, ઘરની પાસે આવેલા એક નાના એકાંત તળાવ ઉપર લઈ ગયો. આકાશમાં ચંદ્ર વહેલો ઊગી ચૂક્યો હતો. તળાવને કિનારે ઘાસ ઊગ્યું હતું; તળાવની અંદર પોયણાં ખીલી રહી આકાશના એકલા ચંદ્ર સામે પોતાની ખિલાવટ ધરી રહ્યાં હતાં.

‘અહીં જ જરા બેસીએ.’ તારાએ કહ્યું. માનવીએ સરજેલાં કેદખાનાં તો બંધનરૂપ લાગે, પરંતુ માનવીએ સરજેલાં નગરો, ગ્રામસંસ્થાઓ, કુટુંબો તથા આનંદ અને રોજગારનાં સાધનો પણ આજ તારાને કેદખાના સરખાં લાગતાં હતાં. કાંઈ પણ કિંમત ન માગે એવું કયું સ્થળ હશે ? કુદરતદીધું તળાવ, કુદરતદીધો ચંદ્ર, કુદરતદીધાં પોયણાં અને કુદરતદીધું ઘાસ તારાની પાસે કંઈ કિંમત માગતાં હોય તેમ તેને લાગ્યું નહિ. એટલે એણે એ સ્થળે કદી ન દીઠેલી સ્વતંત્રતા અનુભવી.

બંને જણ ઘાસ ઉપર બેઠાં અને દર્શને પૂછ્યું :

‘બહુ થાક લાગ્યો તારા, ખરું ?'

એકાએક તારાની આંખમાંથી અશ્રુબિંદુ પડવા લાગ્યાં અને તેણે પોતાની સાડી વડે આંખ લૂછવા માંડી. દર્શને તે જોયું અને પૂછ્યું :

‘તારા ! તું રડે છે શું?'

તારાથી કશો જવાબ આપી શકાયો નહિ. તેણે આંખ લૂછવી ચાલુ રાખી. દર્શને તેને આજ સુધી કદી રડતી દીઠી ન હતી. દર્શનથી પણ તેનું રુદન સહન થયું નહિ. તેણે તારાને સહજ હળવે માર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું :

‘તું પણ ખરી છે, તારા ! તેં જ માર્યો પેલા તારા યુવાન શુભેચ્છકને - જે તને કામ આપતો હતો, અને હવે રડે છે તું? ખરું જોતાં રડવું જોઈએ પેલા વકીલે !' તારાએ પોતાનાં આંસુ લૂછી નાખ્યાં અને એક ઊંડો નિઃશ્વાસ લઈ આસપાસની સૃષ્ટિને નિહાળી. તેણે કહ્યું :

‘દર્શન ! મને આ સ્ત્રી જીવન ઉપર તિરસ્કાર આવ્યો છે !'

દર્શને તારાના મુખ સામે જોયું અને હસીને કહ્યું :

'તારો દેહ સ્ત્રીદેહ તો છે જ. તને તિરસ્કાર આવે કે ન આવે, પણ હવે એનો ઇલાજ શો ?' ‘હું પણ એ ઈલાજ જ શોધતી હતી. એ મને જડ્યો નહિ એટલે મને રડવું આવ્યું. સ્ત્રીદેહ કોઈને મળવો જ ન જોઈએ.’ તારાએ કહ્યું.

દર્શનને જરા હસવું આવ્યું. હસતે હસતે તેણે કહ્યું :

‘જો તારા ! બધી જ સ્ત્રીઓ તારા જેવી પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ એ પ્રાર્થના સાંભળે અને પ્રભુ કોઈ સ્ત્રીને દુનિયામાં જન્માવે જ નહિ તો ?...'

'તો શું ? જે થાય તે ખરું.’

‘તારા ! એમ થાય તો આખી દુનિયા ઉપર પ્રલય ફરી વળે.'

'પુરુષો પ્રલય જ માગે છે... દર્શન ! બધા જ પુરુષો આવા હશે ?'

‘આવા એટલે ?' દર્શને પૂછ્યું.

‘આવા એટલે... સ્ત્રીઓ સામે જોયા જ કરે, સ્ત્રીઓ સામે લોલુપ આંખ કરે, સ્ત્રીઓને ફોસલાવે, અને નહિ તો સ્ત્રીઓ ઉપર જોરજુલમ પણ કરે ! તેં મારા એક-બે અનુભવ તો તારી નજરે જ જોયા છે ! બધા જ પુરુષો આવા હોય, એમ ?' તારાએ સ્પષ્ટતા કરી.

‘હા, તારા ! બધા જ; સોએ સો ટકા પુરુષો આવા જ !'

‘ત્યારે તું પણ એવો જ ને ?' તારાએ દર્શનને પણ પોતાના ક્રોધવર્તુળમાં સામેલ કરી દીધો.

‘સો ટકામાં... હું પણ આવી ગયો ને ?' દર્શને સહજ હસીને જવાબ આપ્યો.

‘તો પછી... તેં કદી મારી સામે... અણગમો આવે એવી કૂડી નજર કેમ કરી નથી ?... જેમ બીજા બધા કરે છે તેમ ?'

‘હં, એ પ્રશ્ન છે ખરો. પણ તારા ! કદાચ... તું મારી સામે કે મારી આંખ સામે જોતી નહિ હો !'

'અરે શી વાત કરે છે દર્શન ? મેં તો ઘણી વાર તારી સામે, તારી આંખ સામે જોયું છે ! જોને, અત્યારે પણ હું જોઉં છું - તારી આંખ સામે.' કહી તારાએ દર્શનની આંખ સામે જોયું અને હસતે હસતે દર્શને પોતાની આંખ ફેરવી લીધી અને કહ્યું :

'એક ભારે મુશ્કેલી છે, તારા ! કઈ સ્ત્રીને કોની આંખ કૂડી લાગશે એ હજી શાસ્ત્રીય રીતે નક્કી થયું નથી. એટલે બધી આંખો અજમાયશ કરી જુએ; જ્યાં અનુકૂળ આંખ લાગે ત્યાં આંખને સમાવી દે. પરંતુ આંખને કોઈકે પણ હલાવવી તો રહી ને ?'

‘જા, જા. પુરુષોનો ખોટો બચાવ ન કરીશ. તારી આંખ મને એવી લાગી હોત તો મેં તને પણ કહ્યું જ હોત.' તારાએ પુરુષવર્ગનો બચાવ કરતાં દર્શનનો જ બચાવ કરવા માંડયો.

નીચું જોઈને દર્શને જ કહ્યું :

'જો, તારા ! હજી તારું ભવિષ્ય લાંબું છે અને મારું ભાવિ પણ લાંબુ છે. આપણે હજી જીવવાનાં છીએ. કેમ જાણ્યું કે ભવિષ્યમાં મારી આંખ પણ નહિ બદલાય ? સોએ સો ટકા પુરુષોમાં હું પણ આવી ગયો. મારો પણ શો વિશ્વાસ ?'

'આખા કુટુંબનો આટલા સમયથી તું માર્ગદર્શક બની રહ્યો છે અને તું જ આવું બોલે છે ? દર્શન ! જે દિવસે મને તારો વિશ્વાસ નહિ રહે તે દિવસે હું આપઘાત કરીશ...'

‘તારા ! આપઘાત કરતાં બીજાનો ઘાત કરવો એ વધારે સારું છે, હો ! અને... અને મને સ્ત્રી જાતની બીક લાગતી ન હોત. તો...' દર્શને વાક્ય અધૂરું જ મૂક્યું.

'તો શું ?' તારાએ પૂછ્યું.

‘તો.... તો કાંઈ નહિ, તારા ! મારે શું કહેવું હતું તે જ હું ભૂલી ગયો. ઘણી વાર સ્ત્રીઓનો વિચાર કરું છું ત્યારે મારી બુદ્ધિ બહેર મારી જાય છે... જોને, આપણે બન્નેએ એકબીજાને તુંકારો ક્યારથી દેવા માંડ્યો ?'

'મને તારી અને તને મારી બીક ભાગી ગઈ, તે દિવસથી ! જોને, કિશોરભાઈનો કેસ ચાલ્યો તે દિવસથી જ - ઘણું કરીને.' તારાએ સરળતાથી દિવસની ગણતરી કરી આપી. દર્શન તેની સામે જોઈને હસ્યો. અને તેણે કહ્યું :

'મારી બીક હજી ભાગી નથી ! અને તેમાંયે પેલા વકીલના મુખ ઉપર તેં કાગળો ફટકાર્યા ત્યારથી એ બીક વધી છે.'

'એ તારી સ્ત્રીબીક ક્યારે ભાગશે ?'

‘શી ખબર પડે ? બીક ન લાગે એવી સ્ત્રીને હું શોધું છું ખરો.' સહજ હસીને દર્શને કહ્યું.

'કદાચ... આવો બીકણ રહીશ તો... બીક લાગે એવી કોઈ સ્ત્રી જ તને ઉઠાવી જાય તો?'

'એ તો પરીકથામાં બને, અગર સ્ત્રિયારાજમાં... અગર હોલીવુડની નટીઓમાં ! પરીઓમાં પુરુષ ખૂટે, સ્ત્રિયારાજ્યમાં મસ્યેન્દ્ર જાય, કે કોઈ બેવકૂફ ધનિક હોલીવૂડની નટીઓની નજરે પડે, ત્યારે એ સંભવ. નવા ભારતમાં એ વાર છે.' દર્શને કહ્યું.

'પણ દર્શન ! મને સમજાયું નહિ કે તું આજ મારી કોટડી ઉપર ક્યાંથી આવી ચડ્યો ? હમણાં તો દેખાતો નહિ.' તારાએ વાત બદલી નાખવા કહ્યું.

પરંતુ દર્શને તારા સામે જોયું, આજુબાજુએ જોયું, ચન્દ્ર સામે જોયું, તળાવની કુમુદિની સામે જોયું અને પછી જરા વાર લગાડીને કહ્યું :

‘તારા ! હું આવ્યો હતો તને એક મહત્ત્વના સમાચાર કહેવા; ત્યાં તો તને યુદ્ધે ચડેલી જોઈ ! એટલે સમાચાર કહેવા રહી ગયા છે.'

‘અહીં તો યુદ્ધ નથી ને ? અહીં તો હું પરાજિત બની રડી રહી હતી. કહે, શા સમાચાર છે?;

‘સમાચાર એવા છે કે કદાચ પાછી તું યુદ્ધ ચડે... મારી સાથે.' દર્શને સહજ સ્મિત સહ કહ્યું.

‘તેં જ કહ્યું છે ને કે સ્ત્રી સાથે યુદ્ધ થાય તો હાર કબૂલી લેવી ? કહે, શા સમાચાર આપવાના છે?... ભાઈ તો હવે છૂટે છે; ખરું ને ?'

'હા. પણ કિશોરભાઈ છૂટતા પહેલાં કે છૂટીને કોઈને મળવાની હા પાડતા જ નથી. હું કેટલીય વાર જઈ આવ્યો. પણ આ સમાચાર બીજા જ છે. તું જો એ સાંભળવાની “હા” પાડે તો બીજા ઘણાની તારા ઉપર ફરતી કૂડી આંખ જરા હળવી થાય !'

‘એટલે ? મને સમજ પડે એવું બોલ ! મને પરણવાની શિખામણ આપવાનો છે શું ?'

'તીવ્ર બુદ્ધિની સ્ત્રીઓને શું કહેવું પડે ? જો. તારા ભાઈ અને ભાભી ક્યારનાં આ વાતની ચિંતા કરી રહ્યાં હતાં.' દર્શને કહ્યું.

એમાં નવીન પ્રશ્ન ઊભો થતો હતો. પરંતુ તારાએ જાણે એ પ્રશ્નમાં કંઈ નવીનતા ન હોય એમ જવાબ આપ્યો :

'મેં ક્યાં પરણવાની ના પાડી છે ?... તારી પોતાની સિફારસ તો તું નથી કરતો ને ?' સહજ હસીને તારાએ બીજું વાક્ય ઉચ્ચાર્યું.

'બાપ રે! એ ભય ઊભો થયો એથી તો હું મારું ગામડાનું ઘર છોડીને અહીં નગરમાં આવ્યો છું ! સિફારસ મારી નથી એ તું નક્કી જાણજે.'

‘ત્યારે તું વળી કોની ભલામણ લઈ આવ્યો છે?' . 'કહું? ચમકીશ નહિ... અમારા તંત્રી સુખલાલની ભલામણ છે... તું જાણે છે કે એણે કેટલી વાર તને કામ સોંપ્યું છે અને પૈસા પણ આપ્યા છે.'

'હં. એની ભલામણ છે... એના પુત્ર માટે છે કે એના પૌત્ર માટે ?' તારાએ જરા તિરસ્કારથી પ્રશ્ન કર્યો.

‘શી ઘેલી વાત કરે છે, તું ? તે વાંચ્યું નહિ કે એ બિચારા સુખલાલની પત્ની ગુજરી ગઈ છે ?' એ તો વાંચ્યું હતું. શોક પ્રદર્શિત કરવા સુખલાલ પાસે હું જાતે જ આવવાની છું... હમણાં જ ગુજરી ગઈ ! હજી તો એ બિચારી સ્વર્ગમાં પહોંચી પણ નહિ હોય !'

‘પહોંચી તો ગઈ, તારા ! તું જાણે છે કે આત્માની ગતિ બહુ ઝડપી હોય છે !' દર્શને કહ્યું.

‘એ આત્માને શાંતિ મળો !...પણ એ વાતનો મારી સાથે શો સંબંધ?' તારાએ પ્રશ્ન કર્યો.

‘તારી સાથે નહિ તો કોની સાથે સંબંધ ! પત્નીથી ટેવાયલા, પત્ની વિહોણા સુખલાલને હવે પત્ની તો જોઈએ ને ?' દેર્શને પોતાના તંત્રીની ભલામણ ધીમે ધીમે કરવા માંડી.

'પણ દર્શન ! આ એની પત્ની કેટલામી હતી ?' તારાએ જરા આંખમાં રમૂજ લાવી પૂછ્યું.

‘વધારે નહિ, ત્રીજી વારની !' દર્શનની આંખમાં પણ જરા રમૂજ દેખાઈ ખરી. અલબત્ત કોઈના મૃત્યુની વાતચીત કરતા કોઈએ પોતાની આંખમાં રમૂજ લાવવી ન જોઈએ.

‘અને હું એની ચોથી વારની પત્ની બનું એવી ભલામણ કરવા તે આવ્યો છે !... તું તે નળનો હંસ છે કે દેવોનો નળ છે?' તારાએ જરા ત્રાસથી જવાબ આપ્યો.

‘જો, તારા ! આર્થિક આંધી અને રોજની કાળી મજૂરીમાંથી ઊગરવું જ હોય તો ધનિક પુરુષની પત્ની બનવું એ સ્ત્રીઓ માટે વ્યવહારુ માર્ગ ખરો !'

'અને પછી નિત્યની રસઆંધી અનુભવવી કે પ્રેમના જૂઠાણાની ભુલભુલામણીમાં રમ્યા કરવું, ખરું ને ?' તારાએ જવાબ આપ્યો.

‘ચબરાકીભર્યું બોલવું અને ચબરાકીભર્યું જીવવું એમાં ઘણો તફાવત છે, તારા !... અમારા શેઠસાહેબ તો જવાબની રાહ જોતા આટલામાં ફરતા હશે... અને આજે જ - રાતમાં જ જવાબ માગે છે. જવાબ અહીં જ મળી જાય એવી તેમને ઉતાવળ છે.' દર્શને કહ્યું.

જરા દૂર દૂર ચંદ્રની ચાંદનીમાં તંત્રી સુખલાલ જેવી કોઈ આકૃતિ ઘડીમાં દેખાતી અને ઘડીમાં અદૃશ્ય થઈ જતી. તારાએ જોઈ પણ ખરી. તારાએ જરા વિચાર કરી દર્શનને કહ્યું :

‘તું કહી દેજે કે મારે કંઈ જવાબ આપવો જ નથી ! શું થયું છે આ પુરુષજાતને? એકને પ્રેમ કરવો છે, બીજાને પરણવું છે, ત્રીજાને આંખ મિચકારવી છે ! એમને કોઈ ફટકાની સજા કેમ કરતું નથી ?' તારા ગુસ્સો કરીને બોલી, દર્શનથી કંઈ ગુસ્સો થઈ શકે એમ હતું જ નહિ. તેણે પોતાની સ્વાભાવિક હળવાશથી કહ્યું :

'હમણાં સ્ત્રીઓએ ચંપલનો પ્રયોગ ઠીકઠીક કરવા માંડ્યો છે, એટલે સરકારે ફટકા મુલતવી રાખ્યા છે !...તો હું સુખલાલને શો જવાબ આપું?'

તારાએ હસીને જવાબ આપ્યો :

‘તું કહે તો ચંપલની ભેટ મોકલાવું... નહિ નહિ, દર્શન ! જો પેલું દ્રશ્ય... દેખાય છે પેલી કુમુદિની ?'

સરોવરમાં એક નહિ પણ અનેક ખીલેલા પોયણાં નજરે પડતાં હતાં. તારાએ વાત લંબાવતાં કહ્યું :

'એના ઉપર પેલો એક ભમરો ઊડી રહ્યો છે, રાત છે તોયે. દેખાય છે ને, દર્શન ?'

ખરેખર પોયણા ઉપર એક ભમરો અત્યારે પણ ઊડતો હતો !

તારાએ આગળ કહ્યું :

‘છતાં કુમુદિની એ ભમરા માટે નહિ પણ ચંદ્રને માટે ખીલી રહી છે!'

ખરેખર આકાશમાં ચંદ્ર અને સરોવરમાં કુમુદિની બંને સામસામાં હસી રહ્યાં હતાં !

ફરી દૂરથી સુખલાલ જરા પાસે આવીને ફરતો દેખાયો. તારાએ દર્શનને કહ્યું :

‘દર્શન ! તારા તંત્રી સુખલાલને આ દૃશ્ય સમજાવજે.'

‘એને એ દૃશ્ય નહિ સમજાય ! પત્ની શોધતા પુરુષને કુદરતના દૃશ્યનું રહસ્ય જોઈતું નથી, તેમને નક્કર પત્ની જોઈએ છે. જરા તું ગંભીર બનીને જવાબ આપ, તારા !'

‘તો કહેજે કે ભાઈ છૂટીને આવે નહિ ત્યાં સુધી કશો જ વિચાર થઈ શકે એમ નથી. ભાઈ આવે ત્યારે સહુથી પ્રથમ એમની બેંક ભરેલી દેખાડવી છે.' તારાએ કહ્યું અને તે ઊભી થઈ. દર્શન પણ તેની સાથે જ ઊભો થયો. બન્ને જણે તારા અને સરલાના નવા ઘર તરફ પગલાં માંડ્યાં. તારાનો જવાબ સુખલાલને વચમાં મળ્યો કે નહિ એ તો કોણ જાણે ! પરંતુ થોડી વારમાં સરલાનું નવું મકાન બન્ને જણને દેખાયું. આજે પણ દુનિયાનો પગારદિન હતો.

આગલી ઓરડીમાં નાનકડો અમર પોતાની જુદી પેટીમાં ગળી ટીકડીઓ નાખી અંદર ચાલ્યો જાય છે. હમણાં જ ઘરમાં આવેલી શોભા હાથમાં પેપર રાખીને આવે છે અને કૅશબૉક્સમાં થોડી રકમ નાખી અંદર ચાલી જાય છે.

એટલામાં તારા પણ આવી પહોંચી; એણે પણ ઓરડીમાં એકાંત જોયું અને એણે પણ એ જ પેટીમાં થોડી રકમ નાખી.

દુઃખીમાં દુઃખી માણસને જીવવા માટે જમવું પડે છે. ચારે કુટુંબીજનો જમ્યાં અને સૂતાં. સહુના સૂતા પછી થાકેલી સરલાએ પણ થોડી રકમ પોતાનાં વસ્ત્રોમાંથી કાઢી એ પેટીમાં નાખી.

એકાએક સરલાની આંખ સામે કિશોરની કલ્પનામૂર્તિ ખડી થઈ !

એક વાર દેખાયું કિશોરનું હસતું મુખ; બીજી વાર દેખાયું કેદખાને જતું કિશોરનું ગંભીર મુખ.

સરલાના હૃદયમાં વિચાર આવ્યો :

'હવે તો જોત જોતામાં છૂટી જશે !... કેમ કોઈને પણ મળવાની ના પાડે છે ?.. અમારો શો વાંક હશે ?... સીધા અહીં ચાલ્યા આવે તો કેવું ?'

દીવો હોલવીને સરલા ચટાઈ ઉપર સૂઈ ગઈ.